સાથ - સ્નેહ (Sath-Sneh)

"સાથ - સ્નેહ"
**************** નીના દેસાઈ...'નિજ..
આકાશને આજે ઓફિસેથી આવતાં ઘણું મોડું થઈ ગયું હતું. એને થયું રેવા ....ચિંતા કરતી હશે! એ ઝડપથી ઘરે આવ્યો ને જોયું તો દરવાજે તાળું જોઈને ચોંકી ગયો! 

AVAKARNEWS
સાથ - સ્નેહ

આટલી મોડી સાંજે રેવા બે વર્ષના આરવને લઈને ક્યાં ગઈ હશે? એવું વિચારતો હતો ત્યાં જ બાજુના ફલેટમાંથી મધુમાસી આવ્યાને ચાવી આપતાં બોલ્યા, "રેવા બપોરે બહાર ગઈ ત્યારે કલાકમાં આવું છું કહીને ને આરવને તમે જરા સાચવજો કહીને મને સોંપી ગઈ...પણ હજુ આવી નથી ને એનો ફોન પણ નથી લાગતો.

આરવ થોડીવાર તો રમ્યો પણ પછી મમ્મી મમ્મીનું રટણ લગાવીને રડવા માંડ્યો, કેમેય શાંત જ નહોતો રહેતો.

થોડું દૂધ પીધું પણ પાછું રડવાનું ચાલુ કર્યું. તારા કાકા એને સોસાયટીની બહાર ફરવા લઈ ગયા પણ જેવા પાછા આવ્યા ને એણે તો ફરી ભેંકડો તાણ્યો.

બિચારો રડી રડીને થાકી ગયો પછી હમણાં થોડીવાર પહેલાં જ સુતો છે."

મધુમાસી એકી શ્ર્વાસે બોલીને જાણે હાંફી ગયા. આકાશે પૂછ્યું,"ક્યાં ગઈ? મને તો સવારે કશું કહ્યું નથી, તમને કશું કહ્યું?"

"ના, મને પણ કશું નથી કહ્યું. હમણાં તો આરવ સુતો છે, ઉઠે એટલે એને અહીં લઈ આવીશ." એમ કહી મધુમાસી જતાં રહ્યાં.

આકાશે ઘર ખોલ્યું ને તરત રેવાને ફોન જોડ્યો પણ નોટ રીચેબલ આવ્યો.

એણે ફ્રેશ થઈને રસોડામાં જોયું તો કૂકરમાં ખીચડી બનેલી હતી. એણે રોટલીનું કેશરોલ ખોલ્યું, રોટલીને બદલે એક નાની ચીઠ્ઠી જેવો ગડી કરેલો કાગળ જોઈ એ ચોંકી ગયો!

"હું જાઉં છું. હેમંત પાસે, કાયમ માટે. કદી પાછી આવીશ નહીં." વાંચતાં જ આકાશ ધબ્બ દઈને ત્યાં જ માથું પકડીને બેસી પડ્યો. ઘણાં વખતથી ચાલતાં એના ને રેવાના ઝગડાઓ એને યાદ આવી ગયા. રેવાના મોજશોખ અને માંગણીઓ આકાશ પુરી કરી શકતો નહીં ને રેવા એની સાથે ઝગડીને ના કહેવાનું બધું એને કહી સંભળાવતી. 

એની રોજરોજની માંગણીઓથી આકાશ પણ કંટાળી 
ગયો હતો. રેવા લગભગ રોજ બહાર જતી, પણ ક્યાં જતી? કોને મળતી ? એ પૂછવા પર પણ એ ઉડાઉ જવાબ આપતી. આકાશને એના પર શંકા થવા લાગી હતી એને લીધે ઝગડાઓએ વધુ ઉગ્ર સ્વરૂપ પકડી લીધું હતું.

આકાશ અને રેવાએ લવ મેરેજ કર્યા હતાં. આકાશ, મહેશભાઈ અને સીમાબેનનો એકનો એક દીકરો.

રેવાએ " તારા માબાપ સાથે રહીશ નહીં." એ જ શરતે લગ્ન કરેલા ને માબાપે પણ આકાશના પ્રેમને ખાતર બંનેને જુદા રહેવા સંમતિ આપી દીધી હતી. આકાશે એના જીવનની મોટી ભૂલ કરી દીધી હતી ! આકાશ રેવાની હર જીદ આગળ ઝૂકી જતો...છતાં આજે રેવા આકાશના પ્રેમને એની નબળાઈ સમજીને હદ ઓળંગીને ઘર છોડીને જતી રહી હતી.

રેવાની પૈસા પાછળની ઘેલછામાં એ એક સ્ત્રી ને એક મા ની ફરજ અને મર્યાદા ભૂલી ગઈ હતી!

આકાશનો શક સાચો નીકળ્યો! રેવાને આકાશની જ ઓફિસના એક કલીગ, હેમંત મહેતા સાથે અનૈતિક સંબંધ હતો, જેણે એની પત્નિ હેમા સાથે રેવાને લીધે જ છૂટાછેડા લીધા હતા.

ડોરબેલ વાગ્યો...મધુમાસી આરવને મુકવા આવ્યા હતાં.

આરવ આકાશને વળગી પડ્યો. મધુમાસી કંઇ પૂછે એ પહેલાં આકાશ આરવને લઈને સોફામાં બેસી પડ્યો ને એ જોરથી રડી પડ્યો ....મધુમાસી કશુંક અમંગળ થયાનું વિચારીને બોલે એ પહેલાં આકાશે રેવાની ચીઠ્ઠી મધુમાસીને આપીને એ કપાયેલી પાંખ વાળા પંખીની જેમ ફસડાઈ પડ્યો!

મધુમાસી સાથે એમનો ઘર જેવો સંબંધ હતો. મધુમાસી અને માધવ ભાઈને એક જ દીકરી નયના જે પરણીને સાસરે જતી રહી હતી, એટલે એ બંને એકલા હતાં એટલે આકાશને એ લોકો દીકરા જેવો જ માનતા અને આરવ તો એમનો બહુ લાડકો હતો.

મધુમાસીને પણ એમના ઝઘડાની થોડી ધણી ખબર તો હતી જ, એ બોલ્યા," મને શક તો હતો પણ રેવા આવું અવિચારી પગલું લેશે એનો જરાય અંદાજ નહોતો!

આકાશે વિચાર્યું કે એ એકલો તો આરવને સંભાળી નહીં શકે એટલે એના મમ્મી પપ્પાને બીજે જ દિવસે ફોનમાં વાત કરીને પોતાની સાથે રહેવા આવવા કહી દીધું.

અઠવાડિયા પછી મહેશભાઈ અને સીમાબેન આકાશના ઘરે આવી ગયાં.

એ લોકોને રેવાના જતાં રહેવાની ખબરથી ખુબ જ આઘાત લાગ્યો હતો કે, "જે દીકરાની ખુશી ખાતર એ લોકો પોતાના એક ના એક દીકરાની જૂદાઈ સહન કરી રહ્યા હતાં એની જ પત્નિ આકાશને દગો દઈ ગઈ! એને તો ઠીક એણે એના માસૂમ દીકરા આરવનો જરા પણ વિચાર ના કર્યો?"

આકાશ એક બે દિવસની રજા પછી જોબ પર ગયો ત્યારે મૂંઝાતો હતો કે, ઓફીસમાં આ ઘટનાનાં અનેક પડઘાઓ જરૂર પડ્યા હશે! એ કેવી રીતે બધાનો સામનો કરશે? પણ ઓફીસ જતાં જ એના ખાસ મિત્ર વિનોદે એની પાસે આવીને કહ્યું," યાર! હું તને ફોન કરવાનો હતો પણ અહીંથી હેમંતે જોબમાંથી રાજીનામું આપી દીધું. બધા પહેલેથી અંદરોઅંદર ગૂસપૂસ કરતાં હતાં પણ તેં તો કદી તારા મનની વાત મને ના કરી! મને રેવાભાભી સાથે જ હેમંતનું ....એનો લગીરેય અણસાર ના આવ્યો ને તું બે દિવસ ના આવ્યો ત્યારે પેલા સમીરે મને કહ્યું," અલા વિનિયા! તને ખબર છે? આ હેમંતિયો ને આકાશની બૈરી રેવા છાનાં છપનાં ફરતાં'તાંને..એ બેઉ ભાગી ગ્યા...ને હેમંતિયાએ તો જોબ પણ છોડી દીધી. આખી ઓફીસમાં બધા એની નિંદા કરે છે...તારા માટે બધાને ખુબ સહાનુભૂતિ છે."

"ઓહ..મને હતું કે હું હવે જોબ કેમ કરીશ? હું જોબ છોડવાનું વિચારતો હતો." આકાશ ગંભીરતાથી બોલ્યો.

અરે..ના ના..તેં થોડું કશું ખોટું કર્યું છે? જેણે કર્યું એણે મોં છૂપાવવા નોકરી છોડી દીધી! અમે બધા તારી સાથે છીએ. તું નિરાશ ના થા. ચાલ એક એક કપ ચ્હા પીવા જઈએ." કહેતો વિનોદ એને કેન્ટીન તરફ લઈ ગયો.

"સમય દરેક દુઃખનો ઇલાજ છે."

ધીરેધીરે આકાશ એના ઘાને ભૂલવા મથી રહ્યો હતો.

આરવ પણ સીમાબેન અને મધુમાસીની લાગણીની હૂંફમાં મોટો થઈ રહ્યો હતો, પણ જાણે કિસ્મત આકાશનું વેરી જ બની ગયું હોય એમ, હજુ તો આરવ નવ જ વર્ષનો થયો હતો ને આકાશ પાસેથી કોરોનાના કાળે અઠવાડિયાની જ અંદર મહેશભાઈ અને સીમાબેન બંનેને છીનવી લીધા!

આકાશ હવે તો સાવ ભાંગી પડ્યો. આકાશ જાણે આકાશમાંથી સીધો પાતાળમાં ધરબાઈ ગયો!

મધુમાસી અને માધવભાઈએ આકાશને ફરીથી બેઠો કરવા સહારો, માનસિક સાંત્વના અને માબાપની જેમ જ લાગણી ને હૂંફ આપી જીવવાની પ્રેરણા આપી.

નવ વર્ષનો આરવ પણ હવે ઘણો સમજુ થઈ ગયો હતો એ એના પપ્પાની સાથે રમતો, વાતો કરતો, હસાવતો અને આકાશનું ધ્યાન રાખતો થઈ ગયો, જાણે એ પણ રાતોરાત મેચ્યોર થઈ ગયો!

સમય વહેતો ગયો ને રોજિંદું જીવન પાછું થાળે પડી રહ્યું હતું ત્યાં અચાનક એક દિવસ વિનોદે આકાશને એક સમાચાર આપીને ચોંકાવી દીધો! "આકાશ! અરે યાર! પેલો પંચાતિયો સમીર એક ખબર લાવ્યો છે કે હેમંત અને રેવા ભાભી....સોરી ભાભી નહીં..રેવા બંને ભાગીને પુના જતાં રહ્યાં હતાં, પણ હેમંતે રેવા સાથે લગ્ન નહોતાં કર્યા..રેવા લગ્ન માટે દબાણ કરતી છતાં હેમંત ખબર નહીં કેમ માનતો નહોતો...ને એટલે એ બે વચ્ચે ખુબ ઝગડાઓ થતાં હતાં. હમણાં ગયા શનિવારે રેવાએ પંખા પર લટકીને આપઘાત કરી લીધો. ખરું થયું! બહુ ખોટું થયું!" આકાશ કશું બોલી તો ના શક્યો, એની આંખો સમક્ષ એનો આખો ભૂતકાળ તરવરી ઉઠ્યો ને એની આંખો ભરાઈ આવી.

એ દિવસે આકાશ થોડો વહેલો ઘરે જતો રહ્યો. આરવ કોલેજથી આવ્યો ત્યારે આકાશે આરવને રેવાના આપઘાતની વાત કરીને એ આરવના ખભે માથું મુકીને રડી પડ્યો.

આરવ એના પપ્પાને બાથમાં લઈને આશ્ર્વાસન આપતો રહ્યો પછી થોડીવારે બોલ્યો," પપ્પા તમે રડીને મન હલકું કરી લો. મારી પણ મા હતી..પણ મને તો એનો ચહેરો પણ યાદ નથી. તમે જ મારી મા ને બાપ છો. ઈશ્ર્વર એમના આત્માને શાંતિ આપે. આપણે પ્રાર્થના કરીએ ને આપણે મમ્મીની બધી જ ઉત્તર ક્રિયા વિધિસર કરીશું."

ને આરવે એની મમ્મી રેવા" ની સઘળી ક્રિયા શ્રદ્ધા પૂર્વક કરાવી.

ઘરનાં દિવાનખંડમાં રેવાની તસવીરને સૂખડનો હાર ચઢાવતો આકાશ સ્વગત બોલી રહ્યો, "રેવા! હું તને અંતરથી માફ કરું છું ને મારી જાણતાં અજાણતાં થયેલી ભૂલને તું પણ માફ કરી દેજે. પ્રભુ તારા આત્માને પરમ શાંતિ આપે એવી હું હ્રદય પૂર્વક પ્રાર્થના કરું છું." કહેતાં આકાશ આંખનાં આંસુ લૂછી રહ્યો.

આરવ હવે મેડિકલ કોલેજમાં ભણતો હતો. આરવ એના પપ્પાનો જીગરી દોસ્ત બની ગયા હતો. આરવ એના પપ્પાના ભૂતકાળથી સંપૂર્ણ વાકેફ હતો!

જોગાનુજોગ આરવની સાથે પણ ફરી એ જ ઘટના બની જે વરસો પહેલાં આકાશ સાથે બની!

વાત જાણે એમ હતી કે, આરવ એની ક્લાસમેટ અંજનાનાં પ્રેમમાં પડ્યો હતો, જે ડૉક્ટર દંપતી રમેશભાઈ અને રાગિણીબેનની એકની એક દીકરી હતી.

ગર્ભ શ્રીમંત ઘરની લાડકોડમાં ઉછરેલી અંજના ઘણીવાર આરવના ઘરે આવતી જતી.

એકવાર આકાશે" આરવને પૂછ્યું, "આરુ બેટા! આ અંજના તારી ફક્ત દોસ્ત છે કે પછી એથીય વધુ કંઈક?" ને આરવે થોડું શરમાતાં કહ્યું,"તમે કહો તો તમારી વહુ બનાવીને ઘરમાં લાવું." ...."ને ના કહું તો? આકાશ મજાક કરતાં હસ્યો.

"તો..તો કદી એને આ ઘરમાં નહીં"...

આરવને અટકાવી આકાશ બોલ્યો," અરે..અરે..બેટા...એવું ના બોલ..હું તો સાચે મજાક કરતો હતો. અંજના સારી છોકરી છે ને તને પસંદ છે તો મને પણ પસંદ છે."

એક દિવસ આરવ ને અંજના રાતે ડિનર લેતા હતાં ત્યારે અંજના બોલી,

"આરવ! આ આપણું લાસ્ટ યર છે. આપણે પ્રેમ કરીએ છીએ તો લગ્ન પણ કરીશું પણ...બસ તું એક વાત માને તો" હું મારા મમ્મી પપ્પાને બહુ પ્રેમ કરું છું. એમને છોડવાનો વિચાર પણ નથી કરી શકતી. શું તું લગ્ન પછી અમારી સાથે ના રહી શકે?" ને થોડી ક્ષણ અંજનાની સામે તાકી તાકીને જોઈ રહેલા આરવે મક્કમ સ્વરે કહ્યું," હું તને છોડી શકું પણ ક્યારેય મારા દોસ્ત મારા પપ્પાને એક ક્ષણ માટે પણ મારાથી અળગા નહીં જ કરું. મારે વધુ કંઈ નથી કહેવું પણ તું આજથી નહીં અત્યારથી જ મને ભૂલી જજે." કહેતો અંજનાને ત્યાં .....જ છોડીને નીકળી ગયો.

"જે ભૂલ આકાશે ભૂતકાળમાં કરી હતી બસ એ જ ભૂલ આરવે ના દોહરાવી."

અંજના ઘરે આવતી જતી બંધ થઈ ગઈ ત્યારે, જ્યારે જ્યારે આકાશ અંજના વિશે પૂછતો તો આરવ એ વાતને ઉડાવી દેતો!

આજે રવિવાર હતો. આકાશ અને આરવ નાસ્તો કરતાં હતાં ત્યાં સવારના પહોરમાં એ બંનેના આશ્ર્ચર્ય વચ્ચે ડૉકટર રમેશભાઈ અને રાગિણીબેન અંજનાને લઈને એમના ઘરે આવ્યા.  
.....આકાશ અને આરવ બંનેએ ઉઠીને એમને આવકાર્યા.

રાગિણીબેન જ વાતની શરૂઆત કરતાં બોલ્યા," અમારી અંજુ બહુ લાગણીવાળી છે પણ થોડી નાદાન છે. એણે અમને બધી વાત કરી. અમે એને સમજાવી કે, "બેટા, આરવ પણ એમનો એકનો એક દીકરો છે. દીકરી સાસરે જ શોભે!

ને અંજુને એની ભૂલ સમજાઈ ગઈ છે...ને હા..અમે દીકરીના માબાપ તરીકે આરવનો હાથ ને સાથ માંગવા આવ્યા છીએ."

"હા, આરવ! આઈ એમ વેરી સોરી. હું ફક્ત મારા જ મમ્મી પપ્પાનો ને મારો જ વિચાર કરતી હતી, સ્વાર્થી થઈ ગઈ. પણ મમ્મી અને પપ્પાએ મને સમજાવ્યું કે, "સંતાન અને માતાપિતા વચ્ચેનો પ્રેમ અતૂટ અને શુદ્ધ હોય છે પણ એમાં જ્યારે સ્વાર્થ ભળે ત્યારે એ દૂષિત થઈ જાય છે ને એની ગરિમા ગુમાવી દે છે." સમાજના દરેક નિતિ નિયમો સ્વસ્થ અને સ્વચ્છ સમાજની વ્યવસ્થા જાળવે છે. અંકલ! આરવ! પ્લીઝ મને માફ કરી દો." કહેતી અંજના વાંકી વળીને આકાશને પગે લાગી.

"અરે..અરે..બેટા! માફી ના માંગો. યુવાનોની નાદાનીમાં આવી ભૂલ થાય એ સ્વાભાવિક છે ને એનો મને અનુભવ પણ છે ને એનું પરિણામ પણ હું ભોગવી ચૂક્યો છું." કહેતાં આકાશની આંખમાં આંસુ છલકાઈ ગયાં.

"ચલો "દેરસે આયે દુરસ્ત આયે". હું આરવને ઘણીવાર પૂછતો રહ્યો પણ એ આ વાતને ટાળતો રહ્યો, દુઃખી થતો રહ્યો, તારાથી દુર રહીને... પણ મને એણે કશું જ ના કહ્યું, આજ સુધી. તમે આજે આવ્યા ત્યારે મને ખબર પડી કે તમારા બે વચ્ચે આવું મન દુઃખ થઈ ગયું હતું."

આરવ આકાશનાં હાથ પકડીને એમની પાસે બેસી ગયો ને બોલ્યો, "પપ્પા હું તમને તો કોઈ પણ ભોગે છોડી દઉં એવી તો કલ્પના પણ નથી કરી શકતો. ..અંજુને પણ હું બેહદ ચાહું છું પણ જિંદગીમાં તમારાથી પ્યારું અને કિંમતી મારા માટે કશું છે જ નહીં ને હશે પણ નહીં! ને એટલે જ મેં અંજુને અત્યંત દુવિધા અને દુઃખ સાથે છોડવાનો નિર્ણય લીધો હતો."

"ચાલો, હવે બધા ખુબ ઈમોશનલ થઈ ગયા. ..હવે બધી જ વાતની ચોખવટ થઈ ગઈ છે...ને...આ નાસ્તો પણ ઠંડો થઈ રહ્યો છે એને ન્યાય આપીએ? મને તો બહુ જ ભૂખ લાગી છે." હસતાં હસતાં કહેતાં રમેશભાઈએ વાતાવરણને હળવું બનાવી દીધું.

આકાશ અને આરવે પણ સહર્ષ એમની વાતને અનુમોદન આપ્યું ને એ લોકો નાસ્તો પાણી કરીને વિદાય થયા.

આરવ ને અંજના બંને હવે ડૉક્ટર થઈ ગયાં હતાં ને આજે વસંતપંચમી ને દિવસે બંને, બેઉ પરિવારની સંમતિથી લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ રહ્યાં હતાં.

ડૉક્ટર રમેશભાઈ ને રાગિણીબેનના ક્લિનિકમાં હવે આરવ અને અંજના પણ જોડાઈ ગયા. 

આકાશને રમેશભાઈ જેવા સજ્જન દોસ્ત સહ નવા પરિવારનો કાયમ માટે સાથ - સ્નેહ પ્રાપ્ત થઈ ગયો! 

                      – નીના દેસાઈ...'નિજ..

"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!! 

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post