સોનેરી સંધ્યા.." (Golden evening)

સોનેરી સંધ્યા.." (Golden evening)
***********************************
સમી સાંજનો સમય હતો. આકાશમાં સૂર્યદેવ જવાની તૈયારી કરી રહ્યા હતા. નિશાદેવીએ ધરતી પર પોતાનાં પગલાં પાડ્યાં. હસમુખભાઈ બાલ્કનીમાં ખુરશી પર એમ જ બેસી રહ્યા.

AVAKARNEWS
સોનેરી સંધ્યા - Golden evening

.....બહારનું નયનરમ્ય દશ્ય પણ તેમને આનંદ પમાડતું ન હતું. પત્નીના મૃત્યુને જોતજોતામાં એક વર્ષ વીતી ગયું. સાડા ત્રણ દાયકાના દાંપત્યજીવન પછી પત્નીથી ટેવાયેલા તેમને માટે તેના વિના જીવવું અસહ્ય હતું.

આજે તેની ગેરહાજરીમાં થતું કે તે કેટલી કાળજી લેતી હતી. કદાચ તેમણે ક્યારેય બે મીઠા શબ્દ વડે તેની સાથે વાતચીત સુદ્ધાં કરી નહોતી. પોતાની સર્વિસ ને પ્રમોશન તેમાં જ તેમની દુનિયા સીમિત હતી. તેમણે ઘણી પ્રગતિ કરી હતી. ઉચ્ચ પદવી પર પણ પહોંચ્યા હતા તેથી જ કદાચ ટી.વી. જોવું, વાંચન કરવું, બહાર ફરવા જવું જેવા પૂરક શોખ વિકસાવ્યા નહોતા. 

પોતાની જ દુનિયામાં ને પોતાના સમયપત્રક મુજબ જીવતા તેમને ક્યારેક આવું પણ થશે તેવો વિચાર પણ ક્યાં આવ્યો હતો ? પત્નીની અનિવાર્યતા પોતાના અંગત કામો સુધી જ સીમિત હતી. પોતાના મનોભાવો ક્યારેય તેમણે પત્ની સાથે વહેંચ્યા નહોતા.

દીકરો કૃણાલ ને પુત્રવધૂ કીંજલ કાળજી રાખતાં છતાંય ક્યાંક કશું ખૂટતું લાગતું. આ એક એવો શૂન્યાવકાશ હતો જેને તે ક્યારેક કોઈને સમજાવી શકે તેમ ન હતા. પત્નીની હાજરી માત્રથી અનુભવાતી હૂંફ બીજા કોઈની કાળજી શી રીતે આપી શકે. આ અને આવા કંઈ કેટલાય સવાલો હતા. જેના જવાબો તે શી રીતે આપે ? મન ખૂબ જ અશાંત રહેતું. 

હસમુખભાઈએ પોતાની જાતને બધાથી અલિપ્ત રાખી હતી. સગાંસંબંધીને મળવાનું થતું ત્યારે તેઓ ખૂબ જ આસાનીથી પોતાનું સમયપત્રક ગોઠવીને જીવી રહ્યા છે તેવું સમજાવતા. મનની નબળાઈને જુસ્સાભેર વાણી દ્વારા દર્શાવવાનો પ્રયત્ન તે કરતા, ‘મારે હવે કોઈને ભારરૂપ થવું નથી, મને કોઈના તરફથી કોઈ જ અપેક્ષા નથી. હવે તો મારે ફક્ત ઈશ્વર જિવાડે તેમ જીવવું છે.’ આ અને આવું કંઈ કેટલુંય તે પોતાના અંગત સગાઓને કહેતા.

સરકતા સમયની સાથે હસમુખભાઈના મિત્ર રસિકભાઈ અમેરિકાથી તેમને મળવા આવ્યા. તેમની નજર મિત્રની હતાશાને પામી ગઈ. રસિકભાઈએ ત્રણેક દિવસ માથેરાન જવાનો પ્રોગ્રામ બનાવ્યો. હસમુખભાઈએ કહ્યું :

‘હું ક્યાંય બહાર જતો જ નથી.’

‘યાર, મને કંપની આપવા આવ. આટલે દૂરથી તને મળવા આવ્યો છું. મારી આટલી વાત તો તારે માનવી જ પડશે.’ મિત્રના આગ્રહને હસમુખભાઈ ઠુકરાવી શક્યા નહીં. માથેરાનની ખુલ્લી હવામાં હસમુખભાઈને સારું લાગ્યું. વાતાવરણ હોય કે મિત્રનો સંગાથ પણ હસમુખભાઈ પોતાની વ્યથા મિત્રને કહી બેઠા ! ‘યાર, આ એકલતા હવે જીરવાતી નથી. બહાર લોકો સમક્ષ મારી નિર્બળતાને ઢાંકવાની વ્યર્થ કોશિશ કરીને થાક્યો છું.’

‘જાણું છું, હસુ’ આછા સ્મિત સાથે રસિકભાઈએ મિત્રનો હાથ થપથપાવ્યો, ‘તારી તકલીફ શું છે, જાણે છે, હસુ ? તેં તારા મનને કોચલામાં પૂરી દીધું છે. સમયપત્રકમાં જીવતાં તે કોઈ પૂરક શોખ વિકસાવ્યો નથી. માટે જ કદાચ કોઈ જ કામમાં તને મજા આવતી નથી. ભાભીનું મૃત્યુ ને સર્વિસમાંથી તારું નિવૃત્ત થવું યોગાનુંયોગ સાથે બન્યું. જાણે છે બીજી વાત, કદાચ તેં તારી જાત સાથે પણ આ વાત કબૂલી નહીં હોય. ભાભીને કરેલો અન્યાય તને ગીલ્ટી ફીલ કરાવે છે. બરાબર ને ?’

હસમુખ આશ્ચર્યથી મિત્રને જોઈ રહ્યો. તેના મનની વાત કેવી રીતે સમજાઈ ગઈ. રસિકભાઈને મિત્રના મનની વાત ખબર પડી ગઈ. તેણે કહ્યું : ‘મિત્ર, આ ભૂલ મેં પણ કરી હતી. માટે તારી સમસ્યા સારી રીતે સમજી શક્યો છું. અમેરિકામાં મેં .... મનોચિકિત્સકની મદદ લીધી હતી. ત્યાર બાદ મારા શોખને શોધી તેને વિકસાવ્યો. અત્યારે હું એક રીહેબિલિટેશન સેન્ટરમાં સેવા આપવા જાઉં છું જેમાં માનસિક રીતે ભાંગી પડેલા લોકો સાથે વાતચીત કરું છું. મને ત્યારે સમજાયું કે લોકોને કેવી સમસ્યાઓ હોય છે. 
હસુ, તું કોઈ સરસ પ્રવૃત્તિ ચાલુ કરી દે. તારા આખા દિવસને ફરી સમયપત્રકમાં ગોઠવી દે. અત્યારના સંજોગોમાં આપણી સાથે આપણાં પોતાનાં પણ દુઃખી થાય તે ક્યાંનો ન્યાય ? જાણે છે તું ખુશ ન હોય તો ઘરનાં ખુશ કેવી રીતે રહી શકે. તને પોતાનો આનંદ મળશે તો જ તું બીજાં બધાંની વર્તણૂંકને પોઝિટિવ જોઈ શકીશ. આ તો સોહામણો સૂર્યાસ્ત છે, હસુ. તેને ઉદાસી સાથે નહીં, અંતરના ઉમળકા સાથે આવકાર. વયસ્ક થતાં આ બધું તો સાવ સહજ છે, ફક્ત જોવાની દષ્ટિ બદલવી પડે.’ તેના શબ્દોની ધારી અસર મિત્ર પર થઈ.

એક નવી જ દિશા હસમુખભાઈને મળી. માથેરાનમાં કુદરતના સાંનિધ્યમાં મિત્ર સાથે ખૂબ આનંદ લૂંટ્યો. કૃણાલ અને કીંજલ માટે ભેટ લઈને પાછા ફરેલ પિતાને તેઓ આશ્ચર્યથી જોઈ રહ્યાં. પિતામાં આવેલ ફેરફારનું રહસ્ય શું હશે, બંને વિચારતાં હતાં. જો કે સુખદ વાત એ બની કે પપ્પાએ હવે બહાર જવા માંડ્યું. તેમણે પોતાની પ્રવૃત્તિ વિશે કોઈ જાહેરાત કરી નહીં. 

એક ખાનગી હૉસ્પિટલમાં તેઓ દર્દીઓને અખબાર ને સામાયિક પૂરાં પાડતા. વાંચવા માટે અક્ષમ હોય તેવા ને થોડું ઘણું વાંચી સંભળાવતા. બીજાને સુખ આપવાથી આટલું બધું સુખ મળે તે હસમુખભાઈને અનુભવથી સમજાયું. જીવનની સેકન્ડ ઈનીંગમાં હસમુખભાઈ કેટલાય નિરાધારના આધાર બન્યા. અહીં જીતવાનું નહોતું અહીં તો ફક્ત પામવાનું જ હતું... – અજ્ઞાત" (આ વાતના સર્જકનું નામ કોઈ વાચક શોધી આપશે તો અહીં પ્રગટ કરવાનું ગમશે.)

"Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આયુર્વેદથી આરોગ્ય, પ્રકૃતિનું જતન જેવી લોકોપયોગી અને હળવી મનોરંજન પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.🌺 —— "આપના પ્રતિભાવ ... નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો ..!!

1 Comments

Thank you so much for your feedback 😊

  1. Real fact of life. We have to cultivate ourselves for the future. Prepare ourselves for the coming future. One person has to go. Some activities and hobbies are necessary whichever you like the most. Reading habit is also useful. Traveling and meeting different people and how to be helpful to others are some of the way. You have to find out your own group and likings.

    ReplyDelete
Previous Post Next Post