Navratri – નવરાત્રિ

Related

નવરાત્રિ
****************
મોંઢું ચડાવી, પગ પછાડતી કાવ્યા પોતાના ઓરડામાં જતી રહી. પ્રકાશભાઈ અને પ્રતિમાબેનની એક ની એક લાડકોડમાં ઉછરેલી દીકરી કાવ્યા અત્યંત સોહામણી. ભણવામાં હંમેશ પ્રથમ, ભારતનાટ્યમ અને કથક નૃત્યની ગુરૂ પાસે તાલીમ લઈ પારંગત થયેલી.

#આવકાર
નવરાત્રિ

નવરાત્રિ આવે એટલે બેનના પગ થીરકવા લાગે, પોતાના મકાનના ગરબામાં તો ભાગ લે જ પણ સાથે સાથે અમદાવાદના બધા જ ગરબા રમાતા મેદાનમાં પણ મિત્રો સહિત પહોંચી જાય. એમાં પણ ‘આજ પ્રિતમને પ્રિત મળી જાશે તું જો, રાધાને શ્યામ મળી જાશે’ અને ‘જોડે રહેજો રાજ, ભલે સૂરજ ઊગે કે ના ઊગે, ભલે ચાંદો ઢળે કે ના ઢળે,’ એના ફેવરીટ. એ ગીત ગવાય કે કાવ્યા જ્યાં હોય ત્યાંથી દોડીને ગરબા રમવા પહોંચી જાય.

આમ પ્રતિભાશાળી કુશાગ્ર બુધ્ધિ ધરાવતી કાવ્યાને સંસ્કાર પણ ગળથૂથીમાં જ મળેલા. વડીલોનું માન જાળવવું, માવતરની આજ્ઞા માનવી અને રસોઈ, ઘરકામમાં અને ઠાકોરસેવામાં પણ એટલી જ ઘડાયેલી.

પ્રકાશભાઈ અમદાવાદમાં એક બેંકમાં મેનેજર, ને આ ત્રણ જણનો પરિવાર સુખસંતોષથી રહે. કાવ્યા ગ્રેડ્યુએટ થઈ MBAનું ભણી એક કંપનીના માર્કેટીંગ વિભાગમાં નોકરી કરતી હતી. વળી શનિ-રવિની રજામાં નજીકની ઝૂંપડપટ્ટીમાં નાના બાળકોને ભણાવવા પહોંચી જતી.

ગ્રેડ્યુએશન દરમિયાન એનાથી એક વર્ષ સિનીયર વિજય કાવ્યાના દિલમાં વસી ગયેલો. વિજય ફિલ્મના હીરો જેવો દેખાવડો, નાટકનો જીવ. કોલેજના દરેક નાટકમાં ભાગ લે, ઇન્ટરકોલેજિયટ નાટકોની સ્પર્ધામાં પણ એની કોલેજમાંથી વિજય જ હીરો હોય અને પ્રથમ પારિતોષિક લઈ આવે. વિજય ભણવામાં નબળો, માંડ પાસ થાય. તોયે કોલેજની બધી કન્યાના સપનાનો રાજકુમાર. કાવ્યા પણ એમાં સામેલ. 

એક વખત ઐતિહાસિક નાટક ભજવવાનું હતું. મગધ દેશનો રાજા અજાતશત્રુ અને રાજ્યનર્તિકા આમ્રપાલીની વાર્તા હતી. વિજયે અજાતશત્રુ અને કાવ્યાએ આમ્રપાલીના પાત્ર ભજવ્યા, પહેલું પારિતોષિક મળ્યું ને નાટ્યજગતમાં ધૂમ મચી. આ નાટકના રિહર્સલ દરમિયાન કાવ્યા અને વિજય બંને એકમેકની નજીક આવ્યા, પ્રણય પાંગર્યો. સાથે સમય વિતાવવા ઉત્સુક રહેતા. કાવ્યા મર્યાદામાં રહી વિજયની શારિરીક માંગણીને લગ્ન પછી જ બધું કહી ટાળી દેતી. 

કાવ્યાએ માતાપિતાને વિજય બાબત જણાવ્યું, ઘરે આમંત્રણ આપ્યું. વિજય જેવા બેફિકર, ભણવામાં નબળા, નાટકની દુનિયામાં રચ્યાપચ્યા રહેતા છોકરા સાથે પોતાની દીકરીને પરણાવવા તેઓ કોઈ કાળે રાજી નહોતા. મારું ભણવાનું પૂરું થાય પછી વાત એમ વિચારી કાવ્યાએ વાત ત્યાં જ પડતી મૂકી. આ તરફ સ્પર્ધા બાદ વિજયને એક ગુજરાતી ફિલ્મમાં મહત્વના રોલ માટે ઓફર આવી. ભણવાનું અધવચ્ચે જ છોડી વિજય ફિલ્મી દુનિયા તરફ આગળ વધ્યો. કાવ્યાએ ભણતર પૂરું કરવા બહુ સમજાવ્યો પણ વિજય ન માન્યો.

હવે કાવ્યા સાથે મળવાનું ઓછું થતું ગયું. કાવ્યા પણ પરીક્ષા, અભ્યાસમાં વ્યસ્ત થઈ ગઈ. ગુજરાતી ચાર ફિલ્મોમાં વિજયને તક મળી પણ એની ફિલ્મો બહુ ચાલી નહીં. તેના એક મિત્રે કહયું, તું દક્ષિણ ભારતની ફિલ્મોમાં નસીબ અજમાવ. ત્યાંથી તને બોલીવુડની ફિલ્મમાં આસાનીથી તક મળી જશે. ને વિજય વળ્યો દક્ષિણ તરફ. પણ ગુજરાતી ફિલ્મોના સાઈડ એક્ટરને B ગ્રેડની ફિલ્મોમાં જ મળી. કાવ્યા સાથે ફોન પર જ હવે વાતો થતી.

ગયા વરસની નવરાત્રિ વખતે પ્રકાશભાઈએ પોતાના બાળપણના ખાસ મિત્ર સુમનભાઈને મુંબઈથી ખાસ તેડાવેલા. ‘થોડા દિવસ અમદાવાદ આવી જા. મહુડી દર્શન પણ કરી આવીશું ને વળી નવરાત્રી આવે છે એટલે ગુજરાતની નવરાત્રિ માણવા તું ને ભાભી બંને આવી જાવ.’ સુમનભાઈ એમ પણ એક નાનકડું વેકેશન ઇચ્છતા જ હતા ને આ તો બચપણના મિત્રનું તેડું. વળી દીકરા કપિલે એમનું કારખાનું બરાબર સંભાળી લીધેલું, એટલે એને જવાબદારી સોંપી, સુમનભાઈ ને સરલાબેન અમદાવાદ જવા ઉપડી ગયા. સુમનભાઈનો મુંબઈમાં આપબળે ઊભું કરેલ ગાડીના સ્પેરપાર્ટ્સ બનાવવાનું કારખાનું. 

કપિલ ખૂબ ભણ્યો ને પિતાનો ધંધો જે સંભાળ્યો કે એક કારખાનામાંથી બીજું કારખાનું, મર્સીડીસ જેવી ગાડીની એજન્સી, એક પછી એક ધંધો, કારખાના, એજન્સી વિસ્તારતો જ ગયો. બાર હજાર જેટલા લોકો સુમનભાઈ-કપિલની કંપનીમાં કામ કરે. સમાજમાં એમનું નામ ખૂબ માનથી લેવાતું, અબજોપતિ પાર્ટી છતાં સાવ સરળ સ્વભાવના, પૈસાનો કોઈ ઘમંડ નહીં, નાનામોટા સર્વેને માનથી બોલાવે.

અમદાવાદમાં પણ તેઓએ પ્રકાશભાઈને ત્યાં જ રહેવાનો આગ્રહ રાખ્યો. મિત્રનું ઘર છોડીને ફાઈવ સ્ટારમાં થોડું રહેવાય! પ્રતિમાબેન મૂંઝાયા, આલીશાન બંગલામાં રહેતી આટલી મોટી હસ્તી અમારા જેવાના સામાન્ય ઘરમાં કેવી રીતે રહેશે! છતાં તેઓ મહેમાનની આગતાસ્વાગતામાં લાગી ગયા. 

કાવ્યા પણ એમનો ખૂબ ખ્યાલ રાખતી. સવારમાં પહેલાં કાવ્યા મધુર કંઠે કાનુડાની આરતી કરતી, ફૂલોનો હાર, નવા વાઘા પહેરાવતી, ભોગ ધરાવતી, પછી નિતનવી વાનગી બનાવી સહુને ખવડાવતી, કાંકરિયા તળાવ, સાબરમતી આશ્રમ ફરવા, અંબિકાના દાલવડા, નવતાલના સમોસા કે દેરાણજેઠાણીનો આઈસક્રીમ ખાવા લઈ જતી. 

આમ અમદાવાદમાં દિવસો સરસ પસાર થતા હતા ને નવરાત્રિ આવી પહોંચી. જુદા જુદા પંડાલો, જ્યાં પહેલાં માતાજીની આરતી થાય પછી જ સહુ ખેલૈયા રાસડે રમે. કાવ્યાને ગરબા કરતી જોવાનો એક લહાવો હતો. એમાં પણ આજે ‘આજ પ્રિતમને પ્રિત મળી જાશે તું જો, રાધાને શ્યામ મળી જાશે તું જો’ નો ગરબો જેવો શરૂ થયો કે કાવ્યા એક અલગ જ વિશ્વમાં પહોંચી ગઈ. એને વિજયની ખૂબ યાદ આવી. ઘેર આવી ફોન લગાવ્યો પણ બંધ હતો. કેટલાંય દિવસથી વિજય સાથે વાત નહોતી થઈ. વોટ્સએપ કરે તો જવાબ આવે, ફિલ્મના શૂટીંગમાં વ્યસ્ત છું.

દસ દિવસ અમદાવાદમાં મહેમાનગતિ માણી સુમનભાઈ ને સરલાબેને વિદાય લેતી વેળા બંનેએ પોતાના કપિલ માટે કાવ્યાનો હાથ માંગ્યો. બસ પ્રકાશ, કાવ્યા અમને સોંપી દે. અમારા કપિલ માટે આનાથી ઉત્તમ કોઈ છોકરી નહીં મળે, અમે એને દીકરીથી વિશેષ રાખીશું.

પ્રકાશભાઈ ને પ્રતિમાબેને તો આને ઈશ્વરના આશિષ જ ગણ્યા, પણ કાવ્યા રિસાઈને પોતાના ઓરડામાં જતી રહી. વિજયને ફોન, મેસેજનો મારો ચલાવ્યો પણ સામે છેડે કોઈ જવાબ નહીં. માબાપ પણ કોઈ વાતે માન્યા નહીં ને સુમનભાઈના કહેવાથી એક વાર મુંબઈ જઈ આવ્યા. કપિલ-કાવ્યાની મુલાકાત કરાવી. કાવ્યા કપિલને મના કરવા માંગતી હતી પણ પ્રકાશભાઈએ સજળ નયને કહ્યું, ‘તને હાથ જોડું છું ના નહીં કહેતી, મારી મિત્રતાની લાજ રાખજે.’ કાવ્યાને પિતા તેના સમક્ષ હાથ જોડે એ કોઈ કાળે મંજૂર નહોતું એટલે એકાંત મુલાકાતમાં એટલું જ બોલી, જે મારા માવતર કહે એ મારા માટે પથ્થરની લકીર. અને દિવાળી પછી જે મૂહુર્ત આવ્યું ત્યારે ધામધૂમથી કપિલ-કાવ્યાના લગ્ન લેવાયા. દસ દિવસ સુધી જુદા જુદા કાર્યક્રમ ચાલ્યા. 

આ દિવસોમાં કપિલે જોયું કે કાવ્યા ગુમસુમ છે અને પરાણે મોંઢું હસતું રાખવાની કોશિશ કરે છે. લગ્ન બાદ પહેલી રાતે એણે કાવ્યાને પૂછી જ લીધું, ‘તું આ લગ્નથી ખુશ નથી લાગતી, મને કારણ જણાવીશ?’. આટલી શાલીનતાથી વાત કરતા કપિલને સાંભળી એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી ને વિજય પ્રત્યેના પ્રેમ અને પિતાની આજીજીની વાત જણાવી. કપિલે કહ્યું, ‘મને પહેલી મુલાકાતમાં જ જણાવ્યું હોત તો હું જ કોઈ કારણ આપીને ના પાડી દેત. હવે વિજયને તારી સાથે મેળવવાની જવાબદારી મારી. ત્યાં સુધી તું મારી મિત્ર બનીને રહીશ?’ કાવ્યા કપિલની આ વાતથી દંગ રહી ગઈ, એના પ્રત્યે ઘણું માન ઉપજ્યું.

સ્વિટઝરલેન્ડના હનીમૂન દરમિયાન પણ કપિલ એની મર્યાદામાં રહ્યો. એક મિત્રની જેમ કાવ્યાને એફિલ ટાવર, ઝ્યુરિચ, માઉન્ટ ટિટીલીસ, આલ્પ્સ, વગેરે દરેક જોવાલાયક સ્થળે લઈ ગયો, ખરીદી કરાવી. કાવ્યા કપિલ જેવા મિત્રને મેળવીને પોતાની જાતને ધન્ય માનતી હતી પણ હજી પતિ તરીકે તો વિજય જ એના મનનો માણીગર હતો.

પાછા મુંબઈ ફર્યા બાદ અઠવાડિયામાં જ ધંધાનું બહાનું કાઢી કપિલ કાવ્યાને ચેન્નાઈ લઈ ગયો, વિજયની ભાળ કઢાવી. જાણવા મળ્યું, હમણાં સુધી બી ગ્રેડની ફિલ્મો કરતો વિજય દક્ષિણના કોઈ પ્રોડ્યુસરની છોકરીને પટાવી એની સાથે લગ્ન કરવાની તજવીજમાં છે જેથી હીરો તરીકે ચાન્સ મળી જાય. એણે કાવ્યાને મળવાની કે ઓળખવાની તસ્દી સુધ્ધા ન લીધી.

અત્યંત હતાશ થઈ કાવ્યા, કપિલે એને સંભાળી લીધી. તમારો પ્રેમ સાચો હશે તો વિજય ચોક્કસ તારી પાસે આવશે. ઈશ્વરમાં શ્રધ્ધા રાખ. ડગલે ને પગલે કપિલ કાવ્યાનું ધ્યાન રાખતો ને એને ખુશ રાખવાના બધાં જ પ્રયત્ન કરતો. વળી આ એક વરસના સહવાસમાં એ કાવ્યાને બેહદ ચાહવા લાગ્યો હતો, એનો સ્વભાવ, માતાપિતા પ્રત્યે કાળજી, ધંધામાં યોગદાનથી કપિલ પ્રભાવિત થઈ ગયેલો.

આમ ને આમ બીજી નવરાત્રિ આવી પહોંચી. કાવ્યાને નૃત્યનો-ગરબાનો શોખ છે તે કપિલ જાણતો હતો. એને ખુશ રાખવા ફાલ્ગુની પાઠક, ગીતા રબારી, વગેરે કેટલાય ગરબાના કાર્યક્રમની પાસ કઢાવી લીધી ને રોજ નવા નવા ગ્રાઉન્ડમાં લઈ જતો. અમદાવાદ, સુરતથી કેટલાય ચણિયાચોળી મંગાવેલા. પોતે પણ નવરાત્રિને અનુરૂપ નવાં કપડાં પહેરી કાવ્યા સાથે રાસડે રમવાનો હતો. એનું એક જ ધ્યેય, કાવ્યા ખુશ રહે. 

નવમે દિવસે, છેલ્લે નોરતે સૌથી મોટા ગ્રાઉન્ડમાં બંને પહોંચી ગયા. રાસડે રમતાં હતા કે ફિલ્મોમાં નિષ્ફળ ગયેલો, બધેથી જાકારો પામેલો વિજય એની સન્મુખ આવી ઊભો રહી ગયો. ને ગાયકે ગીત શરું કર્યું, “આજ પ્રિતમને પ્રિત મળી જાશે તું જો, રાધાને શ્યામ મળી જાશે”. વિજયને જોતાં જ કાવ્યા નાચતી અટકી ગઈ ને બોલી, ‘તું મોડો પડ્યો વિજય, તારા ઇન્કાર બાદ હું તો હતાશ થઈ ગયેલી પણ કપિલે કાળજીપૂર્વક મને સાચવી જાણી, પતિ હોવા છતાં ક્યારેય પતિપણું નથી જતાવ્યું, એક સાચા મિત્રની જેમ મારી પડખે રહ્યો છે, હવે તો કપિલ જ મારું સર્વસ્વ. મારા માવતર કેમ તને પસંદ નહોતાં કરતાં એ હવે મને સમજાયું. તારા જેવા સ્વાર્થી સાથે હું ક્યારેય ખુશ ન થાત.’ 

એ બોલી, ‘કપિલ, મા દુર્ગાની સાક્ષીએ તમને પૂછું છું, મારી ભૂલ માફ કરી તમે મને તમારી પત્ની તરીકે સ્વીકારશો? હમણાં સુધી તમે મારા ખાસ મિત્ર રહ્યા છો, હવે પતિ બની આજીવન મારી સાથે રહેશો?’ અને બીજો ગરબો શરૂ થયો, ‘જોડે રહેજો રાજ, ભલે સૂરજ ઊગે કે ના ઊગે, ભલે ચાંદો ઢળે કે ના ઢળે, તમે જોડે રહેજો રાજ’….
                    - Harsha Mehta

___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

2 Comments

Thank you so much for your feedback 😊

  1. એક એક થી ચડિયાતી વાર્તા વાંચી... આંખ માંથી આંસુ ના આવે તોજ નવાઈ...

    ReplyDelete
Previous Post Next Post