સબંધ એક મોતી…"
*****************†****
અનસૂયા બહેન વિદેશ શું કામ ગયાં? અને અનિલભાઈનો એની સાથે શું સંબંધ હતો?
સબંધ એક મોતી
આજે શ્રાદ્ધનું જમવા જવાનું હોવાથી રસોઇમાં થોડી નિરાંત હતી, અને હું એટલે કે નિરાલી ધોળકિયા છાપું વાંચવા બેઠી! આગલા પેજ પર તો એકનાં એક રાજકારણ અને યુદ્ધનાં સમાચાર હતાં, એટલે બીજા અને ત્રીજા પાનનાં સમાચાર વાંચતી હતી! ત્યાં એક સમાચારનું હેંડીંગ વાંચીને જ અરેરાટી થઈ ગઈ, કે દીકરી વેંચી હોય,બહેન વેંચી હોય, અને પત્ની વેચી હોય,એવા દાખલા તો સમાજે જોયા પણ હશે, અને ક્યાંક ક્યાંક વાંચ્યા પણ હશે. પરંતુ "મા" ને વેચી હોય એવો દાખલો તો કદાચ આ પ્રથમ હશે! વૃદ્ધાશ્રમમાં મુકી આવ્યાં હોય, તેવાં દાખલા તો હાલતાં ચાલતાં જોવા મળે છે, પણ સાવ આવું!!છાપાંમાં તો બીજા નામ સાથે આ કિસ્સો રજૂ કરવામાં આવ્યો હતો..
એક દિવસ મોહિત સવારની ચા પીતો હતો, ત્યાં જ તેના એક મિત્રનો વિલાયતથી ફોન આવ્યો, અને વાતમાંથી વાત નીકળી, કે તેનાં એક મિત્રની પત્નીને ડીલીવરી આવવાની છે. પણ બંને પક્ષમાંથી કોઇ વડીલ હયાત નથી, એટલે ઇન્ડિયાથી કોઈ એ ઉંમરની સ્ત્રીને હાયર કરવા માંગે છે. આવવા જવાની ટિકીટ ઉપરાંત આઠ દસ મહિના રહેવા જમવાનું ફ્રી અને એક લાખ ડોલર રોકડા પણ આપશે. પછી તો આડી અવળી વાતચીત કરીને ફોન મૂકી દીધો. પણ મોહિતના મનમાં લાખ ડોલરનો મોહ પેસી ગયો, એને એમ થયું કે માને વિલાયત જોવાઈ જશે, અને આટલાં રૂપિયા પણ મળશે.
અનસુયાબેન એટલે કે મોહિતના મમ્મી બાળ વિધવા થયાં હતાં, અને એકનાં એક દીકરાને કેટલા સંઘર્ષ સાથે મોટો કર્યો, રૂપિયા પૈસાની તંગી હોવા છતાં પણ લાડકોડથી ઉછેર્યો હતો. ભલા ભોળા અનસુયાબેનની ભાવના સાથે તેના સગા દિકરા એ ધોકો કર્યો, અને પોતાનાં મિત્રની પત્નીને મદદરૂપ થવા જવાનું છે,એમ કરી પોતાની માતાને વિલાયત મોકલી દીધાં, અને એક લાખ ડોલર લઈ લીધા, અને પછી તો રુપિયાની ચકાચૌંધ માં માતા વિસરાઈ ગઈ, અને પાછી તેડાવવાનુ નામ જ લેતો નહોતો, એ લોકો સારા હતાં એટલે એક લાખ ડોલર તો દિકરો લઈ ગયો છે, એ ખબર પડતાં તે ઉપરાંત દર મહિને અમુક ડોલર આપતાં! અને મા બિચારી એમાંથી પણ અમુક દિકરાને મોકલતી.
મોહિત પણ ઈમોશનલ બ્લેક મેઇલ કરી રુપિયા પડાવતો હતો! પણ અનસુયા બેનની તકદીર સારી હતી, એટલે એ દંપતીને જાણ થતાં એમણે તેને માતાનું સ્થાન અને માન આપ્યું! વિલાયતમાં દસ મોટેલ ધરાવતા એ અનિલ ભાઈ એ, નાનપણમાં માતા ગુમાવ્યા હતા, એટલે કાયદેસર તેમને દત્તક લીધા. તેમના આવ્યાં પછી અત્યાર સુધી ગર્ભ રહેવા છતાં, બાળક કોઈ ને કોઈ કારણસર જીવતું નહીં તે જીવી ગયું, ધંધામાં પણ ખૂબ નફો થયો,તેમણે બીજી પણ મોટેલ ખરીદીને તેનું નામ અનસૂયા રાખ્યું! જે દિકરા માટે જાત ઘસી નાખી એણે વેંચી દીધી, પણ જેને માતાનાં પ્રેમથી વંચિત હતાં એમણે અનસૂયા બેનને મા નું સ્થાન આપ્યું અને જીંદગી ભર આ સંબંધ નિભાવ્યો.
કહેવત છે ને કે દુઃખનાં દિવસ જટ વિતે નહીં અને સુખના દિવસો બહુ ઝડપથી ચાલ્યા જાય! અનસૂયા બેન ભર્યા પૂર્યા પરિવાર વચ્ચે જીવતાં સુખ અને શાંતિ થી જીવતા હતાં, એમાં છાતીમાં દુઃખાવાની ફરિયાદને કારણે ડોક્ટર પાસે ગયાં તો ડોક્ટરે કહ્યું તમને તો હાર્ટમાં છેદ છે અને ઓપરેશન કરવું પડશે! અનસૂયા બહેન આ ઉંમરે હવે કોઈ કાપકૂપ કરાવવા માંગતા નહોતા, પણ એમણે અનિલભાઈ ને કહ્યું કે, બેટા એક ઈચ્છા છે! જો તને યોગ્ય લાગે તો!
અનિલભાઈ ને થયું સગા દિકરાને મળવા માંગતા હશે ! આખરે મા છે! પણ એમણે કહ્યું કે ના મારે એક જ દિકરો છે અને એ તમે! એણે તો કોઈ દિવસ ફોનથી પણ મારી ખબર લીધી નથી! આ તો તમે બંને સારા છો નહીં તો આ અજાણ્યા પ્રદેશમાં મારું શું થાત? એમ બોલતાં એની આંખો ભરાઈ આવી.
અનિલભાઈ એની બાજુમાં બેસી કહ્યું મા જે થાય તે સારા માટે થાય ! મારા નસીબમાં તમારા જેવા પ્રેમાળ મા નો પ્રેમ લખ્યો હતો! બોલો તો બીજી શું ઈચ્છા છે! અનસૂયા બહેને કહ્યું કે દિકરા! ઈશ્વરનું તેડું આવે એ પહેલાં એકવાર ગંગા સ્નાન કરવું છે! અનિલભાઈ પોતાની માતાની ઈચ્છા પૂરી કરવાં તાત્કાલિક પ્લેનની ટિકિટ બુક કરે છે, અને અનસૂયા બહેન સૌને અનિલભાઈ ના આખાં પરિવારને મળીને આભાર માનીને ભારત આવે છે, અને એમને ગંગા સ્નાન કરાવે છે, પણ વિધિનું વિધાન કોણ ટાળી શકે છે!
ગંગા સ્નાન કરી અનસૂયા બહેનને જન્મોજન્મનાં પાપ ધોવાય ગયાની લાગણી થઇ, અને અનિલભાઈને ખૂબ આશીર્વાદ આપી, એમનાં ખોળામાં જ સંતોષથી જ પ્રાણ ત્યાગી વૈકુંઠ તરફ પ્રયાણ કર્યું.
સગો દિકરાની જેમ જ અનિલભાઈ એ કાશીમાં ગંગા કિનારે અંતિમવિધિ કરી, અસ્થિ વિસર્જન પણ કર્યું. અનિલભાઈ ભારતથી પાછાં ફરવાને બે દિવસની વાર હતી, તો એને થયું કે મા હવે નથી રહ્યાં એની જાણ એનાં દિકરાને કરું! અને પોતાના જે મિત્ર એ મોહિત નો ફોન નંબર આપ્યો હતો એની પાસેથી નંબર અને એડ્રેસ લઈ, મોહિતને ત્યાં પહોંચે છે!
મોહિત ને થયું કે મા ની જવાબદારી થી કંટાળી ગયા હશે, અને એટલે પાછી મુકવા આવ્યાં હશે! એટલે પોતે કોણ અનસૂયા બહેન! હું એને ઓળખતો નથી! મારી માતા તો ગામડે... અનિલભાઈ એ એને અધવચ્ચે અટકાવીને કહ્યું! ભાઈ હવે એ બહુ દૂરના દેશે ચાલી નીકળી છે, અને ગંગાકિનારે હું એનું અસ્થિ વિસર્જન કરીને આવ્યો છું, અને હું જ દર વર્ષે એનું શ્રાદ્ધ પણ કરીશ. આમ કહીને અનિલભાઈ મોહિતનાં જવાબની રાહ જોયા વગર જ ઉભા થઇ ચાલવા લાગ્યા! અને મા હવે નથી રહી એ સાંભળીને મોહિત નું હ્રદય એક બે ધબકારા ચૂકી ગયું, પણ પછી યંત્રવત્ ચાલવા લાગ્યું! બિલકુલ મોહિત જેમ જ..
સંબંધ એક એવું મોતી છે, જેને સ્નેહ નામની દાબડીમાં રાખવું પડે! નહીં તો એ ઝાંખું પડી જાય! અને પછી એ કિંમતી નથી રહેતું. પણ અફસોસ આજે પોતીકાં સંબંધો પણ વ્યવહારુ બનતાં જાય છે, જે આગળ પર બહુ મોટો ખતરો છે.
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories