"અહેસાનમંદ"
*****************
"અલ ઝહારા હોસ્પિટલ -;દુબઈ" ના વોર્ડ નં. ૫૦૪ માં પલંગ પર પડેલા સૈયદને હોશ આવ્યો એટલે આંખો ખોલીને સામે એક લેડી ડોક્ટર અને એક નર્સ ને જોઈને ખૂબ જ અચંબીત થઈ ગયો અને માંડ આટલું જ બોલી શક્યો, "હું અહીંયા કેવી રીતે આવ્યો?" તો તરત જ લેડી ડોક્ટરે જવાબ આપ્યો, " ભાઇ, તમે આજે બપોરે શેખ ઝાયેદ રોડ પર સિગ્નલ ક્રોસ કરવા જઈ રહ્યા હતા અને એકાએક ચક્કર ખાઈને રસ્તાની વચ્ચે પડી ગયા એટલે તમને અહીં લાવવામાં આવ્યા છે.
અહેસાનમંદ
હવે તમને કેમ લાગી રહ્યું છે". " હા હું ઠીક છું"!. સૈયદ થી માત્ર એટલું જ બોલાયું. "સરસ, શું નામ છે તમારું અને દુબઈમાં ક્યાં રહો છો?".
ડોક્ટરે વધુ એક જરૂરી સવાલ કર્યો. "મેડમ, મારું નામ સૈયદ અન્સારી છે અને હું બર દુબઈના મીના બજારમાં રહું છું". "
ઓકે, મારું નામ ડોક્ટર શિવાની ગુપ્તા છે અને અહીંયા તમારી સારવાર કરવાની જવાબદારી મને સોંપવામાં આવી છે." ડોક્ટરે ચોખવટ કરી. "તો પ્લીઝ હવે મને કહો કે તમને એક્ઝેટલી શું તકલીફથી ચક્કર આવ્યા અને તમે ભર રસ્તે આ રીતે પડી ગયા" ડોક્ટરે આગળ ચલાવ્યું.
પણ સૈયદ એ એમનો જવાબ આપવાનું ટાળ્યું અને નતમસ્તકે ચૂપ રહ્યો તો ફરી ડોક્ટર શિવાનીએ આગ્રહ ભર્યા અવાજમાં પાછો એ જ સવાલ પૂછ્યો તો હવે સૈયદ થી રહેવાયું નહીં અને એક બાળક ની જેમ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો એ જોઈને ડોક્ટર શિવાની અને તેમની સાથે ઊભેલી બંને નર્સો સ્તબ્ધ થઈ ગયા.
"અરે, અરે સૈયદ, તમે શું કામ રડો છો, તમને શું પ્રોબ્લેમ છે"? ડોક્ટર શિવાનીએ પ્રેમાળ સ્વરે એના ખભે હાથ મૂકીને પૂછ્યું. " મેડમ છેલ્લા 15 દિવસથી મેં પેટ ભરીને ખાધું નથી, ફક્ત એક ટાઈમ સાંજે બે તંદુર રોટી પાણી સાથે ખાઈ લઉં છું અને નોકરીની તલાશમાં અહીંયા થી ત્યાં પગપાળા જ ભટકું છું એટલે અશક્તિના કારણે મને ચક્કર આવી ગયા હશે."
સૈયદના આ ખુલાસાએ ડોક્ટર શિવાનીને ઓર મૂંઝવી દીધા, "અહીં દુબઈમાં ક્યારથી રહો છો તમે?" ડોક્ટરે પૂછ્યું તો સૈયદ એ પોતાની સંપૂર્ણ આપવીતી જણાવી દીધી, "મેડમ હું ગાઝિયાબાદ યુપી થી આવું છું. મારા ફાધર એક પ્રાઇવેટ કંપનીમાં ડ્રાઇવર હતા પણ એક કાર એકસીડન્ટમાં એમનું મૃત્યુ થયું એટલે મારી અમ્મીજાને બીજાના ઘરોમાં કામ કરીને અમારું ઘર ચલાવ્યું. મને ભણાવ્યો અને મેં પણ ભણતા ભણતા કાર ડ્રાઇવિંગ શીખીને પાર્ટ ટાઈમમા મારા પપ્પાની જ કંપનીમાં ડ્રાઇવરનું કામ સ્વીકારી લીધું.
પણ પછી અમારા એક સગા એ મારી અમ્મીજાન પાસેથી ત્રણ લાખ રૂપિયા પડાવી મને અહીં ધકેલી દીધો અને અહીંયા આવ્યા પછી મને ફક્ત ડ્રાઇવિંગ લાઇસન્સ લેવા પૂરતી જ મદદ કરી અને પછી કહી દીધું કે મારે મારી જાતે જ અહીંયા મારા યોગ્ય કોઈ જોબ શોધી લેવો, એટલે",
સૈયદને વાત કરતા કરતા હાંફતો જોઈને ડો. શિવાનીએ વાત કાપી, "ઓહો સમજી ગઈ, પહેલા તમે પેટ ભરીને જમી લ્યો પછી આપણે એ વિષે વધુ વાત કરીએ. હું ત્યાં સુધી બીજા વોર્ડમાં મારા પેશન્ટોને મળીને આવું છું." એટલું કહીને ડો. શિવાની ત્યાંથી જતા રહ્યા.
લગભગ એકાદ કલાક બાદ તેઓ પાછા સૈયદના વોર્ડમાં આવ્યા ત્યારે સૈયદના ચહેરા પર સ્વાદિષ્ટ ભોજનથી પેટ ભરાયાનો સંતોષ અને ચમક જોઈ ખુશ થયા એટલે સીધું પૂછી લીધું, "સૈયદ તમને અહીંના રસ્તાઓ ઉપર કાર ચલાવવી ફાવશે?"
તો સૈયદે ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો, " હા, હા કેમ નહીં મેડમ? અરે ઇન્ડિયાના ઉબડખાબડ રસ્તાઓ પર, ભરચક ટ્રાફિક જામ અને હોર્ન ના ઘોંઘાટ વચ્ચે જેણે ગાડી ચલાવી હોય એ દુનિયાના કોઈપણ શહેરમાં ગાડી ચલાવી શકે."તો ઠીક છે". એમ કહીને એમણે પોતાના પર્સમાંથી પૈસા કાઢ્યા અને સૈયદના હાથમાં મૂકીને બોલ્યા, "કાલે સવારના 09:00 વાગે મારા ઘરે આવી જજો તમારી નોકરી અને રહેવાનું મારા ઘરે પાક્કું".
ડો. શિવાનીનો પ્રસ્તાવ સાંભળી સૈયદ એકદમ ગળગળો થઈ ગયો, આંખોથી હરખના આંસુઓ ટપકવા માંડ્યા એટલે એ બિસ્તર પરથી ઉભો થઈ હાથ જોડીને ફક્ત એટલું જ બોલી શક્યો, "મેડમ, તમારો આ અહેસાન હું ક્યારેય નહીં ભૂલીશ, પણ સમય આવે તો એને ચૂકવવાની કોશિશ પણ જરૂર કરીશ". તો ડો. શિવાનીએ મધુર સ્મિત આપી બોલ્યા, "અરે એમાં અહેસાન કેવો? જોગાનું જોગ મારો જુનો ડ્રાઇવર છેલ્લા એક મહિનાથી એના ગામે ગયો છે અને પાછા આવવાનું નામ નથી લઈ રહ્યો એટલે તમે જો મારી ગાડી સંભાળી લો તો મને બહુ જ મોટી રાહત થાય અને હું મારા બહુ મોટા ઘરમાં એકલી જ રહું છું તો મને ઘરના કામકાજમાં પણ તમારી મદદ મળી રહેશે".
લગભગ છ મહિના સુધી બધું રાબેતા મુજબ ચાલતું રહ્યું. સૈયદે ડો. શિવાનીના કાર ચલાવવાની ફરજ તો બખૂબી નિભાવી અને સાથે સાથે એમના ઘરના નાના-મોટા કામોની જવાબદારી પણ બહુ જ સહજતાથી ઉપાડી લીધી હતી. એના વાણી, વર્તન અને વ્યવહારથી તેઓ ખૂબ જ પ્રભાવિત હતા.
એક મધરાતે સૈયદ બાથરૂમ જવા ઉઠ્યો, પોતાના રૂમથી લિવિંગ રૂમના બાથરૂમ સુધી જઈ રહ્યો હતો ત્યાં જ શિવાનીના રૂમમાંથી કોઈના વાત કરવાનો ધીમો અવાજ એના કાને પડ્યો. પહેલા તો એને કંઈ ભ્રમ થયો હોય એવું લાગ્યું પણ પછી આ અવાજ થોડો વધુ તીવ્ર થયો તો સૈયદને ખાતરી થઈ ગઈ કે આ અવાજ તો શિવાનીના રૂમમાંથી જ આવે છે એટલે થોડું આશ્ચર્ય તો થયું કારણ કે છેલ્લા છ મહિનાથી એ જાણે છે કે આ ઘરમાં એના અને શિવાની સિવાય અન્ય કોઈ રહેતું જ નથી તો પછી આમ અડધી રાત્રે એમના રૂમમાં કોણ આવ્યું હશે?
વધુ આશ્ચર્ય તો હવે એ વાતનું થયું કે એ ઘીમો ગણગણાટ કોઈ પુરુષ સાથે વાતચીત નો હતો એટલે એ વિચાર માં પડી ગયો લાગ્યું કે મેડમ આ રીતે કોઈ પુરુષને શા માટે પોતાની રૂમમાં બોલાવે.
પણ પછી એને એ વિચાર પણ આવ્યો કે હું તો એક મામૂલી નોકર છું એટલે મારે મારી મેડમના અંગત જીવનમાં શા માટે માથું મારવું? અને એ રીતે મન મનાવીને એ પાછો પોતાના રૂમમાં જઈ રહ્યો હતો ત્યાં જ શિવાની ની ચીસ સાંભળીને એ સ્તબ્ધ થઈ ગયો અને કંઈ કંઈક અજુગતું બન્યું હોવું જોઈએ એ ઉચાટમાં દોડતો શિવાનીના રૂમ તરફ ઘસી ગયો તો એણે જોયું કે કોઈ બે અજાણ્યા પુરુષો ખૂબ જ આક્રોશ ભાવે એની રૂમમાંથી બહાર આવ્યા અને શિવાનીને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે, "કાલનો છેલ્લો દિવસ છે, અમારું કામ પતાવવાનો, નહીંતર તારી ખેર નથી".
એટલું કહીને એ બંને વ્યક્તિઓ ઘરની બહાર નીકળી ગયા પણ સમય સૂચકતા વાપરીને સૈયદ ઝડપભેર શિવાનીના રૂમ માં પ્રવેશ્યો તો એણે જોયું કે શિવાની પલંગ પર રડમસ ચહેરે બેસી ગઈ હતી પણ તરત ઊભી થઈને બોલી ઉઠી, "સૈયદ, શા માટે મારી રૂમમાં આવ્યા તમે?" "મેડમ મને માફ કરજો, પણ આ બધું શું છે? કોણ હતા એ લોકો, અને તમને શા માટે આ રીતે ધમકી આપીને ગયા?" ચિંતિત સ્વરે સૈયદ એ પૂછ્યું તો શિવાનીએ ઠપકાના ભાવ સાથે બોલ્યા, "જો સૈયદ એ મારો અંગત મામલો છે, તારે એમાં પડવાની જરૂર નથી." "કેમ નથી મેડમ, હું તમારું નમક ખાવ છું તો એ નમક નું ઋણ અદા કરવું એ મારી ફરજ છે, તમે પ્લીઝ ડરો નહીં અને બેજીજક મને બધી વાતથી વાકેફ કરો.
તો ડોક્ટર શિવાનીએ રડતા રડતા કહ્યું, "શું કહું તને? તું શું કરી શકીશ, એ લોકો અહીંના રહેવાસી છે, બહું વગદાર અને ખતરનાક લોકો છે, મારું તો ઠીક તારું પણ જીવન એ લોકો દુષ્કર કરી નાખશે!" પણ સૈયદ મક્કમ હતો, "મેડમ મારી ચિંતા તમે નહીં કરો અને પ્લીઝ મને તમારી મદદ કરવા દો, પ્લીઝ કહો કે આખરે યહ માજરા ક્યા હૈ?".
સૈયદના સ્વરમાં દ્રઢતા ભરેલી આત્મવિશ્વાસ ની લાગણી જાણીને ડોક્ટર શિવાની પણ થોડી હિંમત એકઠી કરીને ધીરે ધીરે કહેવા લાગ્યા, "મારી હોસ્પિટલમાં ફાતિમા શેખ નામની એક આધેડ વયની પેશન્ટની હું સારવાર કરી રહી છું.
એને ગયા અઠવાડિયે હાર્ટઅટેક આવ્યો હતો પણ તરત ઈલાજ મળવાથી એ બચી તો ગઈ પણ આ બે વ્યક્તિઓ જે એમના દીકરા છે તેઓ નથી ઈચ્છતા કે એ બચી જાય, એટલે મારા પર દબાણ કરી રહ્યા છે કે મારે એને કોઈ ખોટી દવા આપી અને એવી રીતે સારવાર કરવી કે એ લેડી હોસ્પિટલમાં જ દમ તોડી દે." આ સાંભળીને સૈયદની બંને આંખો પહોળી થઈ ગઈ, "સગા દીકરા એવું ઈચ્છે છે તેમની માં ગુજરી જાય?"
"સગા દીકરા નથી, ઓરમાયા છે. ફાતિમા શેખના પતિની પહેલી બીબીના દીકરા છે અને એમના વાલીદ ના ગુજરી ગયા પછી એમની બધી મિલકત હાલ ફાતિમા ના નામે છે, અને એના પતિના વસિયત મુજબ ફાતિમાના જીવતા જીવ એ લોકોને આ મિલકતમાંથી કંઈ પણ ભાગ મળે એમ નથી એટલે એ લોકો કોઈપણ ભોગે એ બિચારીને મરાવી દેવા હવે મારા પર દબાણ કરી રહ્યા છે.
પહેલા તો એ લોકો એ મને આ કામ માટે દસ લાખ દિરહામની લાલચ આપી પણ એ મેં નહીં સ્વીકારી તો કેમ જાણે ક્યાંથી એ લોકોએ ઇન્ડિયામાં મારા મમ્મી પપ્પા ની ભાળ કઢાવી લાવ્યા અને હવે મને ધમકી આપે છે કે જો હું એમની વાત નહીં માનું તો એ લોકો મારા મા બાપની હત્યા કરાવી દેશે, તો હવે શું કરવું એજ નથી સમજાતું".
"પણ મેડમ તો તમે પોલીસમાં ફરિયાદ કેમ નથી કરી દેતા?" સૈયદ એ પૂછ્યું તો ડોક્ટર શિવાનીએ રડતા રડતા જવાબ આપ્યો, "ફરિયાદ કેવી રીતે કરવી, એમના વિરુદ્ધ કોઈ પુરાવા પણ તો નથી મારી પાસે અને હવે સમય પણ નથી. આજે સાંજ સુધી જો હું એમનું કામ નહીં કરું તો મારા મમ્મી પપ્પા શું થશે એની ચિંતા મને સતાવી રહી છે"
સૈયદ પણ દિગ્મૂઢ બની ગયો અને એકદમ વિચારોમાં ખોવાઈ ગયો પણ પછી તરત એને એક તુક્કો સૂઝ્યો, "મેડમ એમના જ પાપની કહાની એમની જ જુબાની કરાવીએ તો કેવું?".
"એટલે હું કાંઈ સમજી નહીં" શિવાની મૂંઝાયા. હવે સૈયદે વધુ દ્રઢ સ્વરમાં જવાબ આપ્યો, "મેડમ, હવે તમે નિરાંતે સુઈ જાવ, આપણે કાલે વ્હેલી સવારે જ પોલીસ સ્ટેશનમાં જઈને બાકીનું આયોજન ત્યાં જ કરશું."
અને નક્કી કર્યા મુજબ તેવો બંને નજીકના પોલીસ સ્ટેશને પહોંચે એ પહેલા ડોક્ટર શિવાનીએ સાવચેતી રૂપે "અલ ઝહારા હોસ્પિટલ" ના ડીન પાસે એ પોલીસ સ્ટેશન પર ફોન કરાવી દીધો હોવાથી વાત વધુ સરળ બની ગઈ. ડ્યુટી પર હાજર એ વરિષ્ઠ ઓફિસરે એમની બધી વાત સાંભળી અને હવે જરૂરી હતું એ બંને ભાઈઓ વિરુદ્ધ સબળ પુરાવા એકઠા કરવાનું એટલે એમની સુચના મુજબ શિવાનીએ પેલા ભાઈને ફોન લગાડ્યો અને ફોન સ્પીકર પર રાખ્યો, સામેથી મોટાભાઈ વસીમ નો અવાજ સંભળાયો, "બોલો ડો. શિવાની કેમ આમ અચાનક આટલી વ્હેલી સવારે મને જગાડ્યો!".
"હા ભાઈજાન તમારા જ કામ માટે ફોન કર્યો છે". શિવાનીનો જવાબ સાંભળી એણે પ્રશ્ન કર્યો, "ઓહ, તો શું તમે તૈયાર છો"? "હા પણ" શિવાની ની વાત વસીમે કાપી, "પણ શું?". "વસીમભાઈ, તમારા કહેવા પ્રમાણે તમારાા મમ્મીજાન ને ઊંઘમાં જ પતાવી દેવા માટે તમે જે દસ લાખ દિરહામ ઓફર કર્યા છે એ ખૂબ જ ઓછા છે" શિવાનીએ જવાબ આપ્યો.
વસીમ બોલ્યો, "ઓહ, તો તમને હવે લાલચ લાગી છે એમને?" "ના ભાઈ, એવું નથી", શિવાનીએ ખુલાસો કર્યો, "પણ આટલું ખતરનાક કામ કરવા માટે મારે ખૂબ જ સાવચેતી રાખવી પડશે અને બે બે નર્સો ને પણ વિશ્વાસમાં લેવા પડશે, એમને પણ પાંચ પાંચ લાખ આપવા પડશે".
"મંજૂર છે, પણ આ કામ આજે થઈ જવું જોઈએ" વસીમે વાત સ્વીકારી. તો શિવાની બોલી, "આજે મોડી રાત સુધી તમારા અમ્મીજાન જન્નત નસીન થઈ જશે, પણ એના માટે અમને એડવાન્સ પૈસા જોઈશે".
"મળી જશે". વસીમનો ઉત્સાહ જોઈને ડોક્ટર શિવાનીએ હવે છેલ્લો વાર કર્યો, "પણ હમણાં જ જોઈશે, તમે મારા ઘરે આપવા આવી શકશો?".
શિવાની ની વાતોની જાળમાં વસીમ ફસાઈ ચૂક્યો હતો. "હું નહીં આવું, પણ મારો નાનો ભાઈ શાહિદ થોડીવારમાં તમારા ઘરે પહોંચી જશે".
વાત પૂરી થઈ અને એનું રેકોર્ડિંગ પણ થઈ ગયું એટલે પોલીસની એક ટીમ ડોક્ટર શિવાનીના ઘરે પહોંચી અને એક છુપા કેમેરા લઈને એના ઘરના પડદા પાછળ છુપાઈ ગઈ. પોલીસની બીજી ટીમે હોસ્પિટલ પહોંચીને ફાતિમા શેખ ને વિશ્વાસમાં લઈને એના કપૂતો ની વાતનું સમર્થન કરી લીધું.
નાનો ભાઈ શાહિદ શિવાનીના ઘરે પહોંચીને એના હાથમાં નોટોનું બંડલ પકડાવી રહ્યો હતો ત્યાં જ પડદા પાછળ છુપાયેલ પોલીસે બહાર આવીને એને દબોચી લીધો અને પોલીસની ત્રીજી ટીમે મોટાભાઈ વસીમને એના ઘરેથી જ ગિરફતાર કરી લીધો. આટલી મોટી આફતનું નિરાકરણ આટલી ઝડપી અને સહેલાઈથી કરાવવા બદલ ડો. શિવાની ખૂબ જ ભાવુક થઈ ગયા અને સૈયદ સામે હાથ જોડીને એટલું જ બોલ્યા, "સૈયદભાઈ આજથી હું સદાય તમારી અહેસાનમંદ રહીશ.”
લેખક - શરદ મણીયાર (પુણે મહારાષ્ટ્ર)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories