સંસ્કાર શક્તિની અછત!
********************* ફાલ્ગુની વસાવડા.
દેવેન્દ્રભાઈ ને ઘેર આજે ખુશીનો અવસર હતો, બારણે આસોપાલવના તોરણ હતાં, અને બંગલો આખો રોશનીથી શણગાર્યો હતો, તેમજ નોકર-ચાકરો પણ આમ થી તેમ ફરી સૌની સગવડતા જોઈ રહ્યા હતાં. સત્કારમાં ક્યાંય કમી ના રહી જાય, તેની ખાસ તાકીદ કરવામાં આવી હતી.
સંસ્કાર શક્તિની અછત!
પચ્ચીસ વર્ષ પછી લગ્ન થયા, અને લગ્નજીવનના 20 વર્ષ પછી એના ઘરે પારણું બંધાયું હતું, અને એ તેનો પુત્ર બ્રિજેશ આજે લગ્ન કરવા જઈ રહ્યો હતો. કયા માતા-પિતાને આ અવસરે ખુશી ના હોય!! અને એમાં પણ દેવેન્દ્રભાઈ અને દિવ્યા બેન ને તો અઢળક ખુશી હતી, કારણકે દિલનાં બધા જ અરમાનો પૂરા કરવાનાં હતાં. સમાજ સાથેના વ્યવહારો પણ આજે નિભાવવાનાં હતાં, આટલા વર્ષોમાં કેટલાયના ઘરે લગ્નનું જમવા ગયાં હતાં, એ બધું જ ઋણ આજે ચૂકવવાનું હતું. બહુ મોટો સત્કાર સમારંભ યોજાવાનો હતો, અંગત સ્વજનો તો જાનમાં પણ સામેલ હતાં, અને બધાં ખૂબ જ ખુશ હતા, અદ્યતન અધ્યતન વ્યવસ્થા દરેક ને આપવામાં આવી હતી, અને દરેકના મનમાં એ જ ઈચ્છા હતી કે, પતિ પત્નીની પરોપકાર ને સાદગી તપશ્ચર્યા સામે જોઈ, જેમ ઈશ્વરે મોટી ઉંમરે પુત્રનું વરદાન આપ્યું, તેમ આવનારી પુત્રવધુ આ ઘર ને સાચવી લે, એટલે તેમના બાકીના દિવસો પણ શાંતિથી જાય.
રૂપિયા પૈસાની કોઇ કમી હતી નહીં, પરંતુ એનો ખોટો આડંબર પણ ન હતો, અને જરૂરત મંદ ને મદદ કરવામાં આવતી,અને પહેલેથી એવું માનતા હતાં. લગ્ન બાબતમાં તેમણે જેટલો ખર્ચો કર્યો, તેના દસ-વીસ ટકા દાન પણ આપ્યું હતું.
દીકરા બ્રીજેશ ને પણ વેપાર કરવો ન હોવાથી, સ્વતંત્ર રીતે શિક્ષણ મેળવી, અને તેની મેળે પોતાનો વ્યવસાય નક્કી કરવાની છૂટ હતી, અને તેણે આઈ એમ કોલેજ માંથી એમબીએની સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેણે એક પ્રાઇવેટ મલ્ટિનેશનલ કંપનીમાં ખૂબ જ મોટા પગારથી જોબ સ્વીકારી હતી.
સામા પક્ષે બ્રિન્દા પણ એક આકર્ષક દેહ ધરાવતી, અને આકર્ષક વાક છતાં ધરાવતી યુવતી હતી. એકવાર બ્રિજેશની કંપનીમાં કોઈ કસ્ટમર સાથે આવી હતી, અને બંને જણાનો પરિચય થયો હતો, અને આ પરિચય લગ્ન સુધી લંબાયો. બ્રિન્દા પણ આ સંબંધથી ખુશ હતી. પરંતુ તેનું ફેમિલી બ્રિજેશ જેટલું સદ્ધર ન્હોતું, અને નાનપણથી તેને રૂપિયા પૈસાનો મોહ રહ્યો હતો. તે મોટી થઈને ખૂબ જ રૂપિયા કમાવા ઈચ્છતી હતી, અને એશો આરામથી ખૂબ બધું ભોગવી જીવન જીવી શકાય, તેવી વિચારધારા ધરાવતી હતી. અન્ય પ્રત્યે સહાનુભૂતિ કે સંવેદનાથી જોડાવું જોઇએ, તેવો કોઈ તેનો મત હતો નહીં. માત્ર ને માત્ર પોતાના માટે જ રૂપિયા વાપરવા, અને ભેગા કરવા એ તેની મૂળ મેન્ટાલીટી હતી.
લગ્ન કરીને સામાન્ય ઘરમાંથી મોટા આલીશાન લકઝુરિયસ બંગલોમાં તે આવી ગઈ, અને અહીં હેસિયત ન હોવાથી રૂપિયા પૈસા કે પ્રતિષ્ઠાની કદર કરી શકી નહીં. મૂળ સંસ્કારનો અભાવ હોવાથી, માન આપવું, આમન્યા રાખવી, શિખામણ સાંભળવી, કે પછી ચોક્કસતા જાળવવી, જેવા મૂળભૂત શિષ્ટાચારની જ કમી હતી, એટલે આ બધી બાબતે પાછી પડતી, અને ઘરના વડીલ હોય તે આવા પ્રસંગે કંઈ કહે તો એ સાંભળી ન લેતાં, સામા થવું, એ તેનાં સ્વભાવની બહુ મોટી કમજોરી હતી, એટલે વાક છટા ગુણ ન રહેતા દોષ બની ગયો, અને તે પોતે જોબ કરતી ન હોવાથી, રૂપિયાની તેને મન એટલી કિંમત ન્હોતી, અને ઈશ્વરે જે રૂપ આપ્યું છે, તેને શણગારવાનો આ મોકો આપ્યો, એવું સમજી જાતજાતનાં ફેશન પરિધાન ખરીદતી, અને તેને ના ગમે તો છોડી દેતી. શરૂઆતના ત્રણ-ચાર મહિના દેવેન્દ્રભાઈ અને દિવ્યાબેન બોલ્યા નહીં, બધું જ જોએ રાખ્યું, અને મનમાં એમ થતું, પણ ખરું કે, આપણે તો હવે ઉંમર વાળા થઈ ગયાં, પરંતુ એ તો હજી જુવાન છે, એટલે બહુ સ્વાભાવિક રીતેજ તેને બધુ મન થાય!! આમ નાની નાની વાતમાં રોકટોક કરીશું તો એને નહીં ગમે. એટલે ટૂંકમાં અતિ ખર્ચાળ જીવનશૈલી પર, ઇચ્છવા છતાં કોઈ ટીકા ટિપ્પણી કરતાં નહીં.
બ્રિજેશ તો બ્રિન્દા ના રુપ પાછળ પાગલ બની ગયો હતો, એટલે એને તો એની કોઈ ઊણપ દેખાતી જ નહોતી, અને આમ પણ પોતે પણ સારું કમાતો હતો, એટલે રૂપિયા-પૈસાની તો તંગી હતી જ નહીં!! તેથી બ્રિન્દાને જે કંઈ ખરીદવું હોય તે ખરીદે એમાં પોતાને કોઈ ઓબ્જેક્શન નથી, એવી છૂટ આપી દીધી હતી. બ્રિન્દા પોતાના પછી પોતાના પરિવારજનો માટે, કીમતી વસ્તુઓ ખરીદવા લાગી, અને આ બધું કેટલા સમય સુધી કોઈ સહી શકે! છતાં દેવેન્દ્રભાઈ અને દિવ્યાબેન ખાનદાન હતાં, એટલે મૌન રહેતા,અને મનોમન વિચારતા કે બ્રિજેશ ના રૂપિયા વપરાય છે, એટલે આપણને બોલવાનો હક્ક નથી.
એવામાં દેવેન્દ્રભાઈનાં વેપારમાં ખોટ આવી, અને બ્રિજેશ પણ એક માંદગીમાં સપડાઈ ગયો, જેથી તેને પણ રજા પર ઉતરવું પડ્યું. તેણે 15 દિવસની રજા મૂકી અને ઘરે જ રહેવા લાગ્યો. આ પંદર દિવસમાં એણે પોતાના માતા-પિતા સાથે બ્રિન્દાનું વર્તન જોયું અને તે દંગ રહી ગયો, આ ઉપરાંત બ્રિન્દાને પોતાના તરફ પણ કોઈ લાગણી હોય, એવું બહુ દેખાતું ન ન્હોતું, તેણે માંદા બ્રીજેસ માટેની કોઈ જવાબદારી સ્વીકારી ન્હોતી, અને હવે તેની આંખ પરથી રુપના ચશ્મા ઉતરી ગયાં. કારણ કે માતા-પિતા તો ખાનદાન હતાં, એટલે એણે કોઈ વાર ફરિયાદ કરી નહોતી. પરંતુ નાની-નાની બાબતનું ધ્યાન રાખવું જોઈએ, એવું દિવ્યાબેન હવે બ્રિન્દાને સમજાવતા હતાં.
દાખલા તરીકે ચાર્જિંગમાંથી ફોન કાઢી લીધા બાદ સ્વીચ બંધ કરવી, રસોડામાં આવે ત્યારે વાળ બાંધી લેવા, રસોઇ કામ પત્યા પછી ગેસ પાઈપ લાઈનની સ્વીચ બંધ કરવી, ક્યાંય પાણી ટપકતું નથી એ જોઈ લેવું, અને ઘરની જવાબદારી રૂપે નાના-નાના કામ, જેવા કે ઈસ્ત્રીનાં કપડા દેવા લેવા, શાકભાજીની ખરીદી કરવા જવું, વસ્તુનો બગાડ ન થાય એ તરફ ધ્યાન રાખવું,દૂધ ગરમ કરવું, મહારાજ ને રસોઈ માટે માપનું સીધુ કાઢી દેવું, ઘરના મંદિરમાં સંધ્યા સમયે દીવો કરવો, અને ખોટી ખરીદી પર કાપ મુકી થોડી ચેરીટી વિશે પણ વિચારવું, અને આ બધું એકદમ મૃદુલ સ્વભાવનાં દિવ્યા બેન સમજાવવાની કોશિશ કરતાં, અને બ્રિન્દા તેનું અપમાન કરતી.
આ બધું જ પથારીમાં પડેલો બ્રિજેશ જોઈ રહ્યો હતો, અને તેને હાડોહાડ લાગી આવ્યું, કે લાખો રૂપિયાનો ખર્ચો જે સ્ત્રી પાછળ મેં આંખ બંધ કરીને જ કર્યો, તે સ્ત્રી મારા માતા પિતાનું ધ્યાન પણ રાખતી નથી, અને માન સન્માન પણ આપતી નથી, અને તેને મન મારી કીમત એક એટીએમ કાર્ડ જેટલી જ છે. અત્યારથી જ આવી હાલત છે, તો આગળ જતાં શું થશે?
એટલે બ્રિજેશ એ પણ બ્રિન્દાને થોડો-થોડો ઠપકો આપવાનું શરૂ કર્યુ, અને આ ટકોર બ્રિન્દા ને બિલકુલ પસંદ નહોતી. આથી તેણે ચોખ્ખેચોખ્ખું કહી દીધું કે, જુદા રહેવું હોય તો જ મારે આ સંબંધ આગળ વધારવો છે, નહીં તો મને છૂટાછેડા જોઈએ છે, અને આમ કરીને લગ્નના છ મહિનામાં જ બ્રિન્દા છૂટાછેડાની ધમકી આપી, પોતાને પિયર ચાલી ગઇ.
આમ જુવો તો કોઈ કારણ જ નહોતું, અને ગણીએ તો પણ નજીવા કારણે એક લગ્ન ભાંગવાને આરે પહોંચી ગયું. દેવેન્દ્રભાઈ અને દિવ્યાબેન પોતાના એકના એક દીકરાનું ઘર પોતાના કારણે તૂટે, તેમાં રાજી ન્હોતાં, આથી સમજાવટ કરવા બ્રિન્દાનાં ઘરે ગયાં, અને માફી પણ માંગી, આગળ આવી કોઈ વાત નહીં કરે, એવું પણ કહ્યું, અને એમાં બ્રિન્દા તથા એનાં ઘરનાં ને એમ થઈ ગયું કે, નક્કી આ લોકોનો વાંક છે. એટલે વધુ દબાવવા લાગ્યાં, અને કહ્યું કે અમારે લગ્ન સંબંધ રાખવો જ નથી, છૂટાછેડા જ જોઈએ છે. બ્રિન્દા તો રૂપિયા પણ જોઈ ગઈ હતી, એટલે રૂપિયા 50 લાખ એલીમની પેટે માંગ્યા. બ્રિજેશ પણ હવે આવી યુવતી સાથે રહેવા માંગતો ન્હોતો, અને અંતે રૂપિયા 50 લાખ લઈને છૂટાછેડાના કાગળ પર બ્રિન્દાએ સહી કરી દીધી.
એકાદ સદી પહેલા સમાજમાં યુવતી ઓનાં દહેજને કારણે લગ્ન નહોતા થતાં, અને દહેજ પ્રથા ખૂબ જ ફૂલીફાલી હતી. સમાજ એ દોર માંથી બહાર આવી ગયો, એટલે કે હવે દહેજ કોઈ લેતું દેતું નથી, છતાં આંતરિયાળ અને પછાત જ્ઞાતિઓમાં આવા રિવાજો કુરિવાજો હજી પણ છે. પરંતુ મોટેભાગે હવે એ પ્રથા દૂર થઈ ગઈ છે, છૂટાછેડાનો કોન્સેપ્ટ એ સમયે જ સમાજમાં ઉપસ્થિત થયો, કારણ કે આવી રીતે સ્ત્રીઓનું જાતિય રીતે કે પછી અન્ય રીતે શોષણ થતું હતું તે બંધ થાય, એ માટે છુટાછેડાની પ્રક્રિયાને આસાન બનાવવામાં આવી, તેમજ સામા પક્ષને સજા રૂપે, એલીમની કે ભરણપોષણ આપવાનો પણ એક કાયદો બનાવવામાં આવ્યો.
પરંતુ આજકાલ હવે યુવતીઓ આ કાયદાનો લાભ લેતી હોય, એવું પણ દેખાઈ રહ્યું છે તો શું એ ખરેખર સાચું છે? એ વિચારવાનો સમય હવે આવી ગયો છે. કારણ કે સમાજમાં સ્ત્રીઓને સ્વતંત્રતા મળી, શિક્ષણ વધ્યું, તેમ ક્યાંક તેનો દુરુપયોગ પણ થતો જોવા મળે છે, અને કોઈ વાર તો કોઈ સજજન આવી રીતે વગર કારણે હેરાન થતું જોવા મળે છે, એના દીકરાને ડિવોર્સી નું લેબલ લાગી જાય છે એ જુદું. ઘણીવાર યુવકો ડિપ્રેશનનો ભોગ પણ બને છે, અને વગર કારણે એલીમની નાં લાખો રૂપિયા ગુમાવી દે છે.
આ વાર્તામાં થોડી ઘણી સચ્ચાઈ પણ છે, એટલે કે અમારા સંબંધી મા જ આવો કિસ્સો બન્યો હતો. મોટી ઉંમરે સંતાનનો જન્મ થાય, અને તેના લગ્ન થાય ત્યારે તો એ દંપતી ખાસું એવું મોટું થઇ ગયું હોય, અને એને કારણે જનરેશન ગેપ વધી જાય, એટલે જૂની આંખે નવા ચશ્મા જેવું દ્રશ્ય ઘરમાં રોજ જોવા મળે. તો ક્યારેક કોઈ તેનો વિરોધ પણ કરે, અથવા સમજાવવાની કોશિશ પણ કરે, તો આવી નાની નાની વાતમાં લગ્ન વિચ્છેદ થાય, એ શું વ્યાજબી છે?
કુટુંબ એ સંસ્કાર શાળા કહેવાય છે, અને પહેલા સંયુક્ત કુટુંબમાં રહેતી યુવતી ઓ ઘરમાં થતું આ બધું જ સમજતી અને શીખતી. જ્યારે આજે માતા-પિતા બંને સર્વિસ પર ગયા બાદ, સ્વચ્છંદ રીતે ઉછરતા સંતાનોમાં ક્યાંક ક્યાંક સંસ્કારની કમી રહી જાય છે, અને વગર કારણે માતા-પિતા પણ આવી વાતમાં સપોર્ટ કરીને, અંતે દીકરીનું ભાવિ જ ધૂંધળું કરતા હોય છે.
આવા કિસ્સાઓ સાંભળીએ ત્યારે આપણને થાય કે લગ્ન એ વ્યવહાર છે કે વેપાર!! દરેક ઘરમાં દીકરી જન્મે ત્યારે, પહેલા ના સમાજમાં સાપનો ભારો! એવું કહેવાતું, પણ જો સમાજ આ જ રીતે આગળ વિકાસ કરશે, તો આવતીકાલે કદાચ દીકરાના જન્મ વખતે પણ માતા-પિતા ખુશ થશે કે કેમ? એ એક વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે.
પહેલા માતા દીકરીને સાસરે જતી વખતે શિખામણ આપતી હતી કે, હવે તારો એ જ ઘર પરિવાર છે, અને ત્યાંના દરેક સભ્યોનું માન સન્માન રાખવું, એ તારી ફરજ છે. જ્યારે આજે માતા-પિતા પોતાની પુત્રીને એવું કહે છે કે, તું જરાય ડરતી નહીં, અમે તારી સાથે છીએ, અને આ ઘર કાયમ તારું જ રહેશે! એટલે કહેવાનો મતલબ એ નથી કે લગ્ન પછી પિતાનું ઘર દીકરી માટે બંધ થાય છે, અથવા મહેમાન બની જાય છે, પણ ખોટી બાબતમાં સપોર્ટ કરીને, આખરે એનું અહિત જ કરી રહ્યા છીએ, એ પણ સમજવું જોઈએ.
વિકાસ તો સર્વાંગી હોવો જોઈએ, માત્ર શહેર મોટા મોટા બનવા કે તેમાં મોટા મોટા મોલ બનવા, અને અન્ય એકેડમી કે વિદેશી કંપનીઓ શહેરમાં હોવી, માત્ર એ એક પહેલું વિકાસનો જોઈ ખુશ થવાય નહીં! સમાજનો એક એક પરિવાર જ્યારે પ્રસન્ન રહી શકે, એવું વાતાવરણ બને ત્યારે સાચો વિકાસ થયો કહેવાય, અને લાગે છે કે ચંદ્ર અને મંગળ પર ભલે પહોંચ્યાં, પણ એ મંઝિલ સુધી આપણે હજી પહોંચ્યા નથી. જે ઘરમાં દીકરી હોય એ દરેક જણ વિચારે કે, એને કેવાં શીખ ને સંસ્કાર આપવા જોઈએ ઘર જોડવાનાં કે તોડવાનાં !!!. સંસ્કાર શક્તિની અછતને કારણે સમાજ તૂટતો જાય છે.
દીકરીને આપણે ત્યાં માતાજીનો સાક્ષાત અવતાર માનવામાં આવે છે, પણ શું દરેક દિકરી માટે આ વિધાન સાચું છે? એ પ્રશ્નને ખૂબ ગંભીરતાથી વિચારવા જેવો સમય ચાલી રહ્યો છે. નવરાત્રી ચાલી રહી છે! અગાઉ લેખ "સ્ત્રી સશક્તિકરણ ક્યારે થશે?" માં આપણે સ્ત્રીઓ સાથે થતાં અત્યાચારો વિશે વાત કરી, પણ દિકરી કહો કે સ્ત્રી! એ પણ એનું દાયિત્વ ચૂકતી જાય છે, એ સત્યને કેમ નકારી શકાય!
– ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
તમારી બે ય વાર્તા સમાજની સચ્ચાઈ ને છત્તી કરે છે. ક્યાંક આવનારીમાં સમજણ નો અભાવ જોવા મળે છે તો ક્યાંક સાસરિયા જડભરત હોય છે.
ReplyDeleteઅત્યારના સમય માં આવી ઘટનાઓ ઘણી વધુ જાણવા સાંભળવા મળે છે. સ્ત્રી ઓ ની લગ્ન જીવન અંગે ની માન્યતા ઓ ઘણી બદલાઈ ગઈ છે.
ReplyDelete