એક બોર્ડની શોધમાં (BOARD)

Related

"એક બોર્ડની શોધમાં"
---------------------------- નિરંજન કોરડે

પૃથ્વી પર માનવીએ બોલવાની શરૂઆત કરી તે ‘બોલી’ થઈ અને જેમ જેમ તેના પર સંસ્કાર ઘડાતા ગયા, સર્વમાન્ય થતી ગઈ ત્યારે તેને આપણે ‘ભાષા’ કહી. ભાષા કેવળ શ્રુતિ – સ્મૃતિ ન રહે અને તે સંજ્ઞા અને બોલીના વર્ણ દ્વારા વાંચી શકાય તે માટે ચિત્રગુપ્તે આપણને લિપી આપી. આ લિપીના આવિષ્કાર ને કારણે આપણે માનવજાતિની હજારો વર્ષ જુની સંસ્કૃતિને જાણી શક્યા છીએ અને લેખન દ્વારા તેને જીવંત રાખી શક્યા છીએ.

#આવકાર
એક બોર્ડની શોધમાં

લેખનનો મહિમા એવો છે કે તેના આવિષ્કાર વગર વક્તાઓ કેવળ તેમના જીવનકાળ પૂરતા જીવંત રહ્યા હોત. લેખનની શોધને કારણે વક્તાઓના વક્તવ્ય અને માનવજાતિની વિદ્વત્તા અનંત કાળ માટે જીવંત રહી શકી છે. 

લેખન વગર ઈસ્ટ ઇન્ડીઆ કંપનીના ગવર્નર જનરલ વૉરન હેસ્ટીંગ્ઝ પર બ્રિટનની પાર્લમેન્ટમાં મહાભિયોગ ચલાવનાર એડમંડ બર્ક કે ફ્રાન્સની ક્રાન્તિમાં અગત્યનો ભાગ ભજવનાર રૉબ્સપિયર જેવા વક્તાઓ કદાચ ભુલાઈ ગયા હોત. વાણી મનુષ્ય માટે મનના ભાવ, લાગણી અને વિચારોની આદાન પ્રદાન માટેનું અનિવાર્ય સાધન છે. 

વાણી મનુષ્યના સંપૂર્ણ વ્યક્તિત્વને મૂર્તિમંત કરે છે. મનમાં ચાલતા ભાવનું પ્રગટ્ય વાણીથી બોલાયેલા શબ્દોને કારણે સાંભળનાર વ્યક્તિ સહેલાઈથી સમજી શકે છે. એ જ રીતે જેટલું મહત્વ બોલાયેલા શબ્દનું છે એટલી જ મહત્તા વાણીના લેખિત સ્વરૂપ – લિપિ ને છે. જ્યાં વાણીની સીમા આવે છે ત્યાં લેખનની દુનિયાની સરહદ શરુ થાય છે.

આમ જોવા જઈએ તો દિવાળીના તહેવારમાં ઘરઆંગણામાં દોરાયેલી સુંદર રંગબેરંગી ચિત્રની રંગોળી સાથે “ભલે પધાર્યા” લખીએ ત્યારે તે જોઈ આપણા ઘર આંગણે આવનાર સ્નેહીઓના હૃદયમાં સુંદર અનુભૂતી થતી હોય છે. 

ઘણી વાર લગ્ન કે એવા જ શુભપ્રસંગે યજમાનની વ્યસ્તતાને કારણે તેમના આત્મિય જન સાથે તેમની પ્રત્યક્ષ વાત ન થઈ શકે ત્યારે તેમને આપણા તરફથી મળેલ સુંદર વ્યક્તિગત શુભેચ્છા સંદેશ વાંચનાર પર ઊંડી અસર કરી જાય છે. 

પરદેશમાં રહેતા એક સંબંધીને તેમના સ્વજને સ્વહસ્તે લખેલો પત્ર મળ્ચો ત્યારે તે વાંચી તેમના મન પર એવી તો ઊંડી અસર થઈ, તેમણે ફોન કરીને કહ્યું, “આજકાલના વૉટ્સઍપના જમાનામાં દરરોજ સવારે મળતા ‘સુપ્રભાત’ અને ‘સુવિચાર’ના સેંકડો સંદેશાઓ વાંચ્યા વગર જ delete કરવામાં આખી સવાર નષ્ટ થતી હોય છે; આવામાં તમારો સ્વહસ્તે લખેલ પત્રમાં નાનકડો સંદેશ વાંચીને તમને પ્રત્યક્ષ મળ્યાનો આનંદ થયો.”

આપણા દેશમાં નાનકડી ભેટ સાથે અપાતા બે કે ત્રણ શબ્દોના સંદેશ કેટલા ઊંડાણભર્યા સ્નેહના દ્યોતક હોય છે! ઉદાહરણ તરીકે બંગાળમાં નવવધુને અપાતા થાળ પર કોતરેલો સંદેશ “સુખે થાકો” – સુખી રહો! મહારાષ્ટ્રમાં નવ-પ્રસૂતાને તથા તેના નવજાત શિશુને અપાતી ભેટ પર“પ્ર. સુખી અસો” – પ્રસૂતા સુખી રહો! આપણા પોતાના જ ગુજરાતમાં દરવાજા પરના પાથરણા કે તોરણ પર લખાયેલ “ભલે પધાર્યા” જોઈ આગંતુકના મનમાં અંદર આવતાં પહેલાં જ આવકાર મળ્યાનો આનંદ પ્રાપ્ત થતો હોય છે!

મનુષ્યને તેના જીવનમાં સારા નરસા પ્રસંગે બીજાના આધારની ચોક્કસ જરૂર પડે છે. મોટી બીમારીના ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે, ત્યારે મિત્રો અને સંબંધીઓનો પ્રત્યક્ષ સથવારો મોટો આધાર આપતા હોય છે. આજે ૨૧ મી સદીમાં ભારતના મોટા શહેરોમાં તબિબી સેવાઓ વિદેશ જેવી જ મળી શકે છે. 

શહેરના કોઈ પણ ખૂણેથી હોસ્પિટલના એમર્જન્સી રૂમ સુધી લઈ જતી વાતાનુકુલિત એમ્બ્યુલન્સ સેવા જ્યારે આપણને બહુમાળી હોસ્પિટલના પરિસરમાં લઈ જાય છે, ત્યારે સૌ પ્રથમ મોટા નિયોન લાઈટથી પ્રકાશતા ભવ્ય બોર્ડ, મુખ્ય દીવાલ પર જે મહાનુભાવે તેનું ઉદઘાટન કર્યું હોય તેમના નામની તકતી, અંદર પ્રવેશ કરતાં જ દરેક વિભાગના પાટિયાંજોવા મળે છે : મોટી બીમારીની સારવારની માહિતી; જુદા જુદા વિભાગોમાં વપરાતા અદ્યતન સાધનોની માહિતી; નિષ્ણાત ડોક્ટરોના મોટા અક્ષરે લખેલા નામ તથા તેમની ડિગ્રીઓનું સંપૂર્ણ વર્ણન કરતા બોર્ડ; હોસ્પિટલના નિયમોનું પાટિયું, હોસ્પિટલની જ દવાના સ્ટોર તરફ જવાના રસ્તાનું બોર્ડ, હોસ્પિટલની કેન્ટીનનું બોર્ડ, અને હા, હોસ્પિટલમાં પ્રવેશ કરતાં પહેલાં જ દેખાતું અતિ મહત્વનું બોર્ડ, જેનું દર્શન સૌથી પહેલાં કરવું પડે છે : હોસ્પિટલના કેશિયરનું બોર્ડ. પહેલાં પૈસા જમા કરાવો તો જ તમારા દર્દીને દાખલો મળે. આમ પ્રાણ બચાવવા જો નસીબ અને પૈસા બંને હોય તો તે દર્દી ઘરે હેમ-ખેમ જાય છે.

રોજના લાખો, કરોડો કમાતી હોસ્પિટલો બાબતે હવે પ્રશ્ન એ આવે છે કે અનેક બોર્ડથી સુશોભિત હોસ્પીટલમાં એક અતિ મહત્વના વાક્યનું બોર્ડ ક્યાંય જોવા મળતું નથી. 

આ વાક્ય એવું છે જે કેવળ અને કેવળ હોસ્પિટલમાં જ મૂકી શકાય. સુંદર પુષ્પ-ગુચ્છના ચિત્ર સાથે એક વાક્યનું પાટિયું. જો તે દર્દીના પલંગ સામે મૂક્યું હોય અને તેના પર દર્દી ની નજર તેના ઉપર પડે તો ગમે તેવી માંદગીમાં તેના મનને શાંતી સાથે અસાધારણ સહારો આપી જાય. દર્દીને જલ્દીથી સાજા થવાની ઊર્મિ નો સંચાર થઈ શકે છે. 

અરે, મરણ પથારીએ પડેલ હોય તેનામાં પણ જીવવાની જિજિવિષા જાગી શકે છે. આ એવું પાટિયું છે જે જોતાં દર્દીના કુટુંબીઓ પણ તેમના પર પડતા શારીરિક, માનસિક અને આર્થિક દબાણમાંથી હળવાશ અનુભવી શકે છે. આ એવું વાક્ય છે જેમાં ઘણી ઉર્જા અને સદ્-ભાવના સમાયેલી છે. આ છે કેવળ ત્રણ શબ્દોનું બોર્ડ છે :

“GET WELL SOON”! 
❗____________ક્યારે જોવા મળશે આવું પાટિયું?

✍🏻 લેખક: નિરંજન કોરડે (ગાંધીનગર)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post