પાંપણે હર્ષાશ્રુની દીપમાળા
***************************
જય બોલ્યો," મા..તું પણ શું આજે આ દીવાઓનું કામ લઇને બેસી ગઈ?તને ખબર છે ને આજે સ્કૂલમાં દિવાળીનું સેલિબ્રેશન છે.મારી "મા" વિશેની સ્પીચ છે .પાંચ વાગે પહોંચવાનું છે.
પાંપણે હર્ષાશ્રુની દીપમાળા
અમી બોલી,"હા..બેટા, બસ હવે દસ જ દીવા તૈયાર કરવાના બાકી છે. અમીએ જલદી કામ પૂરું કર્યું. જયને તૈયાર કરી પાંચ વાગ્યા સુધીમાં તો અમી અને જય ફટાફટ સ્કૂલે પહોંચી ગયા.
નાના નાના ભૂલકાઓ તૈયાર થઇને પતંગિયાની જેમ ઉડી રહ્યા હતા. એવું લાગે કે જાણે ઉપવનમાં રંગબેરંગી ફૂલો ડોલી રહ્યા છે. આ બધામાં આજે સાતમ ધોરણમાં ભણતો જય શાહ ખુબ જ ગંભીર હતો. આજે એણે મંચ પરથી “ મા " વિષે બોલવાનું હતું. એની મમ્મીએ અંગ્રેજીમાં સરસ સ્પીચ તૈયાર કરીને આપી હતી.
સાત વાગ્યા સુધીમાં તો શાળાનો હોલ વાલીઓ અને નાના મોટા વિદ્યાર્થીઓથી ઉભરાઈ ગયો. પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઇ. જુ.કે.જી. અને સી.કે.જી. ના નાના ભૂલકાઓ સ્ટેજ પર પતંગિયાની જેમ ઉડવા લાગ્યા. રંગબેરંગી લાઈટથી મંચ શોભવા લાગ્યું. વેલકમ ડાન્સ પૂરો થયો અને બધાએ તાળીઓના ગડગડાટથી બાળકોને પ્રોત્સાહન આપ્યું અને પછી નામ બોલાયું.
“ હવે સાતમા ધોરણમાં ભણતો હોનહાર વિદ્યાર્થી જય શાહ "મા" વિષે વક્તવ્ય આપશે. પ્લીઝ વેલકમ જય શાહ .જય મંચ પર આવ્યો ઓડીયન્સનું અભિવાદન કર્યું અને પછી એક જ શબ્દ બોલ્યો : “મા" અને એની નજર મમ્મી પર પડી.
એણે જોયું તો મમ્મી અમીની આંખમાંથી એક આંસુ સરી પડ્યુ હતું. જયે આગળ બોલવાનું શરુ કર્યું “ મા તું જ મારી ઈશ. મા.. જન્મથી લઈને આજ દિન સુધી હું તને જ ઓળખું છું. પપ્પાને તો મેં જોયા જ નથી. જન્મ આપ્યો ત્યારથી આજે હું સાતમા ધોરણમાં આવ્યો ત્યાં સુધી મને આંગળી પકડી પા..પા.. પગલી પાડી ચાલતા શીખવાડ્યું. બોલતા શીખવાડ્યું. સાચું કહું તો મને ભણવામાં રસ નહોતો..એકલો ગુમસુમ બેસી રહેતો. મમ્મી ભણવાનું કહે તો રિસાઈ જતો.સામે બોલતો..
પણ..જ્યારથી થોડી ઘણી સમજ આવી ત્યારથી.. હું એટલું જ જાણું છું કે જે કંઈ શીખ્યો છું તે મારી મમ્મીને આભારી છે." મારી મમ્મી ટ્યુશન કરાવે છે.અત્યારે દિવાળીના દિવસોમાં દીવાઓ શણગારીને વેચે છે. મને ખૂબ જ મહેનત અને સ્વમાનથી મોટો કરે છે. મારા દરેક લાડકોડ પુરા કરે છે. હું તો એટલું જાણું છું કે મારી મા મારા માટે મહેનત કરે છે. મા હું મોટો થઈને
તારી દરેક ઈચ્છા પૂરી કરીશ. મા હું તારું ઋણ ક્યારેય ન ચૂકવી શકું." ‘
આટલું બોલી જય સ્ટેજ પર બેસી ગયો. એની આંખમાં આંસુ આવી ગયા. આખો હોલ તાળીઓથી ગાજી ઉઠ્યો. જયના ક્લાસ ટીચર એને બેક સ્ટેજમાં લઇ ગયા.
આ બાજુ પ્રેક્ષકોમાં બેઠેલી અમી અવાચક હતી. કારણકે જય જે પણ કંઈ બોલ્યો તે સ્પષ્ટ ગુજરાતીમાં હતું. જયારે અમીએ જયને અંગ્રેજીમાં સ્પીચ લખી આપી હતી. જય જે બોલ્યો એ એણે લખ્યું જ નહોતું. જયારે ઇનામ વિતરણ થયું ત્યારે માસ્ટર જય શાહ પ્રથમ વિનર બન્યો. પ્રિન્સિપાલે જયને બોલાવ્યો અને ઇનામ આપવા લાગ્યા તો નાનકડો જય બોલી ઉઠ્યો “ સર.. આ ઇનામ હું મારી મમ્મીને હાથે લેવા માંગું છું". શું હું અહી મારી મમ્મીને બોલાવી શકું ? "
આચાર્યશ્રીએ અમી શાહને મંચ પર આવવા આમંત્રણ આપ્યું. અમી મંચ પર આવી પોતાના વહાલસોયા દીકરાને ભેટી પડી. આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉભા થઈને મા દીકરાનું અભિવાદન કર્યું. હોલ જયના જયજયકારથી ગાજી ઉઠ્યો.
આઠ વાગી ગયા હતા.અમી અને જયે જલદી ઘર તરફ જવા પગ ઉપાડ્યા.અમીએ કહ્યું, "જય.. જલદી રિક્શા કરી લઈએ. નવ વાગે દીવા આપવાનું કહ્યું છે ને ઘર બંધ હશે તો ઘરાક પાછા જતા રહેશે.."બન્ને જણ રિક્ષા કરી ઘરે આવ્યા..
થોડીવારમાં જ દીવા લેવા માટે એક નાનો છોકરો એના પપ્પા..મમ્મી સાથે આવ્યો. જય બોલ્યો," મા ..આ વિજય છે.. મારી સ્કૂલમાં ભણે છે.એના પપ્પાએ મને "મા" વિશે ગુજરાતીમાં સ્પીચ તૈયાર કરાવી હતી."અમી દીવા લઈને આવી તો એમણે દીવા લેવાની ના પાડી.
પછી જયને નજીક બોલાવીને કહ્યું,"બેટા..આજે "મા" વિશે તે ખૂબ સરસ સ્પીચ આપી.."
પછી કહ્યું..અમીબેન મારો દીકરો વિજય પણ એ જ સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણે છે..
અમીએ કહ્યું..પણ.. આ..દીવા...ત્યાં તો વિજયની મમ્મીએ કહ્યું, અમીબહેન.. કાલથી દીપાવલીના દિવસો શરૂ થશે. આપણે કાલે તમારે ત્યાંથી જ દિવાળીની શરૂઆત કરીશું.
આ બધા દીવાની દીપમાળાથી આ ઘરને દેદીપ્યમાન કરીશું.
વિજયભાઈએ કહ્યું,"અમીબેન, મારી કોઈ બહેન નથી..તમે મારી બહેન બનશો?" ને રાજને પાસે બોલાવી ફટાકડા અને ૧૦૦૦ રૂપિયા હાથમાં આપ્યા અને માથે હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા.. અમીની આંખની પાંપણે હર્ષાશ્રુની દીપમાળા ઝળહળી ઊઠી.
– રીટા મેકવાન "પલ" (સુરત)
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest Posts. Thanks for visit this Post, Stay connected with us for more Posts.🌺
Tags:
Stories