તાણાવાણા લાગણીના (Tanavana Lagnina)

Related

તાણાવાણા લાગણીના
******************લેખક: નિરંજન યાજ્ઞિક

“એ કઈ હશે રે લાગણી, કોની હશે અસર, 
ખુદના સવાલનો અહીં ઉત્તર નથી સજ્જ !”

લાભુભાઈએ એમનું ૧૯૯૮ના મોડલનું સ્કુટર ઝાંપામાંથી બહાર કાઢ્યું, અને ઓફિસે જવા માટે એને ગાભો મારીને ચોખ્ખું કર્યું. જો કે, ગમે તેટલા ગાભા મારો તો પણ આ સ્કુટરને કોઈ અસર થવાની નહોતી. માણસોમાં જેમ સ્થિતપ્રજ્ઞ હોય છે, એમ સ્કુટરોમાં આ સ્થિતપ્રજ્ઞ હતું! એનો કલર મૂળમાં કયો હશે, એ તો કલ્પનાનો વિષય બની ગયો છે.

#આવકાર

જો કે, લાભુભાઈ એને બરાબર ચલાવતા હતા, અને એ બરાબર ચાલતું પણ હતું. ક્યારેક ચાલુ ન થાય, તો લાભુભાઈ એને દોરીને ગેરેજ સુધી લઈ જતા હતા.

પહેલાં એ બગડતું નહોતું, પણ હવે ઉમર થવાથી કે કોણ જાણે કેમ, એ ઘણી વખત રીસાઈને ઉભું રહી જતું હતું. લાભુભાઈ એને મનાવતા, પ્રેમથી કીક મારીને પટાવતા, પણ હઠીલા બાળકની જેમ એ જીદ નહોતું છોડતું. છેવટે લાભુભાઈ, વળગાડવાળી વ્યક્તિને ભૂવા પાસે લઈ જવામાં આવે છે, એ રીતે એને દોરીને એમના કાયમી ગેરેજવાળા ગોવિંદ પાસે લઈ જતા.

ગોવિંદ એમને દૂરથી જોઈને જ સમજી જતો કે, લાભુભાઈ ઉતાવળમાં છે, અને

સ્કુટર બગડ્યું છે.

આજે પણ એવું જ બન્યું. લાભુભાઈએ ગાભો માર્યા પછી સ્કુટરને કીક મારી. એ ચાલુ ન થયું. ફરી કીક મારી, પણ સ્કુટર એકનું બે ન થયું. પછી તો લાભુભાઈને પણ ઝનૂન ચડયું. પચાસ વરસની ઉમરે પણ, એક યુવાનને શરમાવે એવા તરવરાટથી એમણે ઉપરાઉપરી અનેક કીકો મારી, પણ

એમનું ‘સ્થિતપ્રજ્ઞ' ચાલુ ન થયું એ ન જ થયું. લાભુભાઈને છેક શાહઆલમની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ઓફિસમાં નોકરી માટે જવાનું હતું, અને આ સ્કુટર મોડું કરાવતું હતું. જો કે, મણિનગરના કાંકરિયા પાસેના એમના ઘરથી શાહઆલમ કૈં બહુ દૂર નહોતું, પણ આ વરસમાં નહીં નહીં તોય દસેક વખત તો માત્ર સ્કુટર ચાલુ ન થવાને લીધે જ એમને સી.એલ. મૂકવી પડી હતી! એમને લાગ્યું કે, આજે પણ સી.એલ. મૂકવી પડશે કે શું?

જો કે, એ રીક્ષા કરીને પણ જઈ શકે, પણ આ સ્કુટર એમને અતિપ્રિય હતું, એટલે શક્ય હોય ત્યાં સુધી એ સ્કુટર લઈને જ જવાનું રાખતા.

એમણે સ્કુટર સામે જોયું અને એમને યાદ આવ્યું - દસેક વરસ પહેલાં સ્કુટર લેવાની જરુરિયાત ઉભી થઈ. આમ તો, જરુરિયાત ક્યારની હતી, પણ અત્યાર સુધી

પૈસાનો મેળ પડતો નહોતો. હવે પૈસાનો મેળ પડ્યો, એટલે એમના પત્ની લીલાબહેનને સ્કુટર લેવાની ઈચ્છા થઈ.

“કહું છું,” લીલાબહેને વિમાની પોલિસીના ત્રીસ હજાર રુપિયા પતિના હાથમાં આવતાં જ કહ્યું, “આ પૈસામાંથી તમે એક સ્કુટર લઈ લો.”

“સ્કુટર તો લઈ શકાય, પણ તારી દવાઓનો ખર્ચ ઉછીના પૈસા લઈને કર્યો છે. આ ત્રીસ હજાર માગણાવાળાને ચૂકવી દઈએ, તો એટલા તો ઓછાને?”

“માગણાવાળાને મારા વિમાના બે લાખ આવે, એમાંથી ચૂકવજો, પણ અત્યારે સ્કુટર લઈ લો. તમને તકલીફ પડે છે એ મારાથી નથી જોવાતું.”

“એવું ન બોલ લીલા,” પત્નીના મોં પર હાથ મૂકીને લાભુભાઈએ કહેલું, “તારે હજી ઘણું જીવવાનું છે. માંદગી તો આવે ને જાય. એનાથી ગભરાવાય નહીં.”

“તમે ગમે તે કહો, અને ડોક્ટરો પણ ગમે તે કહે, પણ હું લાંબુ જીવવાની નથી. બીજી બિમારી હોય તો જૂદી વાત છે, પણ આ તો કીડનીની બિમારી છે. એક કીડની તો કાઢી નાખી છે, અને બીજી પણ ડચકા ખાય છે! માટે જ કહું છું, તમે સ્કુટર લઈ લો. તમે સ્કુટર લેશો તો, આપણે બંન્ને ફરવા જઈશું. મઝા આવશે!”

એ પછી બીજા જ દિવસે લાભુભાઈએ નવું નક્કોર બજાજ સ્કુટર ખરીદી લીધેલું. સ્કુટર લઈને, લીલાને પાછળ બેસાડીને એ કાંકરિયાનું ચક્કર પણ મારી આવ્યા ! લીલા ખુશખુશાલ થઈ ગયેલી.

ઘડિયાળના કાંટા તરફ નજર ગઈ, અને લાભુભાઈ ભૂતકાળના ટ્રેક પરથી વર્તમાનના ટ્રેક પર પાછા આવી ગયા. અંતે એમણે નક્કી કર્યું કે, આજે તો રીક્ષા કરીને જ ઓફિસ જવું સારું રહેશે. સાંજે આવીને પછી ગોવિંદ પાસે કે નજીકમાં ઈરફાન પાસે

સ્કુટર લઈ જઈને રિપેર કરાવી લઈશ.

એમણે ફરી ઝાંપો ખોલીને સ્કુટર અંદર મૂક્યું, અને રીક્ષા કરીને એ ઓફિસે ગયા, તો સમયસર પહોંચી શક્યા. આખા દિવસ દરમ્યાન એમને વિચારો તો સ્કુટરના જ આવ્યા કર્યા. શું બગડયું હશે? કેમ ચાલુ નહીં થતું હોય? મોટો પ્રોબ્લેમ હશે? એન્જીન બગડયું હશે? આવા આવા અનેક પ્રશ્નો એમના મગજને ઘેરી વળ્યા.

“કેમ લાભુભાઈ,” બપોરે રિસેસમાં એમના મિત્ર દીપકે એમની બાજુમાં બેસતાં કહ્યું, “આજે રીક્ષામાં આવ્યા?”

“આજે ફરી સ્કુટર ચાલુ ન થયું, એટલે રજા મૂકવાના બદલે હું રીક્ષામાં આવતો રહ્યો. હવે સાંજે મિકેનિક પાસે લઈ જઈશ.”

“તમે જૂના વાહનનો બહુ મોહ રાખો છો લાભુભાઈ,” દીપકે કહ્યું, “હવે આ સ્કુટર મ્યુઝિયમમાં મૂકવા જેવું થયું છે, એટલે એના જે હજાર-પંદરસો આવે એ રોકડા કરી

લઈને નવું એક્ટિવા છોડાવી લો. એમાં તમારી નોકરી પતે, એ પછી પણ વરસો સુધી કોઈ પ્રોબ્લેમ નહીં આવે.”

“પણ આ સ્કુટર આમ તો સરસ જ ચાલે છે, પછી એક્ટિવામાં નકામાં વીસેક હજાર નાખવાનાને?” લાભુભાઈએ દીપકની સામે નજર નોંધીને કહ્યું.

“વીસેક હજાર નહીં લાભુભાઈ,” દીપકે ઉભા થતાં કહ્યું, “અડતાલિસ હજાર રુપિયા થાય છે એક્ટિવાના. પણ એકવાર પૈસા નાખ્યા પછી પાછું વાળીને જોવાપણું નહીંને? અને હવે તમારે ક્યાં પૈસાનો પ્રશ્ન છે? લીલાભાભીના વિમાના પૈસા તો અકબંધ પડ્યા છે તમારી ફીક્ષમાં.”

“જોઈએ હવે,” કહીને લાભુભાઈ પણ ઉભા થયા. હવે એમનાં મનમાં પણ નવું એક્ટિવા લેવાનો વિચાર અંકુરિત થયો હતો.

રીક્ષા કરીને લાભુભાઈ ઘેર આવ્યા. રસોઈ આજે થોડી મોડી બનાવવાનું નક્કી

કરીને સ્કુટર રિપેર કરાવવા જ જવાનું એમણે વિચારી લીધું. ઘરમાં જઈને કપડાં બદલીને એ બહાર આવ્યા. એમને થયું કે, સંતાન હોત, તો કેવું સારું થાત ? આ બધી માથાકૂટ પોતાને તો ન કરવી પડેત ! પણ, લીલાની સાથેના લગ્ન પછી શરુ થયેલી એની માંદગીના લીધે સંતાનયોગ થઈ જ ના શક્યો.

ઝાંપો ખોલીને એમણે સ્કુટર બહાર કાઢ્યું, ફરી ઝાંપો બંધ કર્યો અને એકાદ-બે

કીક મારીને એને ચાલુ કરી જોવાનો પ્રયત્ન એમણે કરી જોયો. એમણે લગભગ દસેક કીકો મારી તો પણ સ્કુટર ચાલુ ન થયું. જો કે, લાભુભાઈ પણ જાણતા હતા કે એ એમની કીકોથી ચાલુ થવાનું નથી! સ્કુટરને દોરીને એમણે ઈરફાનના ગેરેજ તરફ મહાનિષ્ક્રમણ કર્યું. ઈરફાનનું ગેરેજ અપ્સરા ટોકિઝનો ઢાળ ઉતરતાં જ ખૂણા પર હતું. મોટેભાગે લાભુભાઈ સ્હેજ આગળ ગોવિંદના ગેરેજે જ જતાં, પણ આ રીતે દોરીને એમના ઘેરથી સ્કુટર દોરીને જવાનું હોય તો એ ઈરફાનના ગેરેજ પર જતાં. બેન્કથી દોરીને આવવાનું હોય તો ગોવિંદનું ગેરેજ નજીક પડતું.

“આવો સાહેબ,” ઈરફાને હસીને કહ્યું, “સ્કુટર ચાલુ ન થયું?”

“હા ભાઈ,” સ્કુટરનું હેન્ડલ ઈરફાનના હાથમાં પકડાવીને એ બાજુમાં પડેલી ખુરશી પર બેઠા.

ઈરફાન થોડીવાર મથ્યો, પછી એણે સ્કુટરનું બાજુનું પતરું ઉતારીને એક કોઈલ

બહાર કાઢી.

“આ સ્ટાર્ટીંગ કોઈલ ઉડી ગઈ છે સાહેબ,” ઈરફાને એમના હાથમાં એક કોઈલ મૂકતાં કહ્યું, “સામેની દુકાનેથી લઈ આવોને?”

નમૂનો લઈને લાભુભાઈ કોઈલ લઈ આવ્યા. ઈરફાને કોઈલ નાખી, અને કીક

મારતાંની સાથે જ સ્કુટર ચાલુ થઈ ગયું.

“લો સાહેબ,” ઈરફાને સ્કુટરને સ્ટેન્ડ પર ચડાવતાં કહ્યું, “અત્યારે તો આ ચાલુ થઈ ગયું છે, પણ ક્યાં સુધી ચાલશે એ નક્કી નથી, કેમ કે, હવે એનું એન્જીન પણ પતી ગયું છે. મારું માનો તો, આ વેચીને નવું એક્ટિવા લઈ લો.”

“પણ હવે આનું આવે શું? લાભુભાઈએ પૂછયું, એમનાં મનમાં બપોરે દીપકે વાવેલો નવું સ્કુટર લેવાનો વિચાર

હવે મ્હોરવા લાગ્યો હતો., “અને આ સ્કુટરને લે પણ કોણ?”

“ગરાગ તો ઘણાં મળી જાય સાહેબ,” ઈરફાને સ્કુટર તરફ નજર દોડાવીને કહ્યું, “તમારી ઈચ્છા હોય તો મારે મારા જ મારા નાના ભાઈ માટે એક જૂનું સ્કુટર લેવાનું છે.”

“તું શું આપીશ?” લાભુભાઈએ સીધું જ પૂછયું.

“મારી ગણતરી પ્રમાણે તો આની

કિંમત અત્યારે પંદરસો કહેવાય,” ઈરફાને કહ્યું, “પણ હું તમને અઢારસો રુપિયા આપીશ. બીજું કોઈ આટલા નહીં આપી શકે. ઈચ્છા હોય તો મૂકતા જાવ સાહેબ, હું રોકડા અઢારસો રુપિયા ગણી આપીશ. અને તમે આગળ હોન્ડાનો શો રુમ છે ત્યાંથી નવું એક્ટવા છોડાવીને જ ઘેર જાવ!”

ઈરફાનની ઓફર લોભામણી હતી. આમ પણ, દીપકે બપોરના આટલી કિંમત આવશે એની વાત કરી જ હતી.

“સારું ત્યારે,” એમણે ઈરફાનને સ્કુટરની ચાવી આપતાં કહ્યું, “આ સ્કુટર તારું. હું રીક્ષામાં ઘેર જઈશ, અને પછી

નવું એક્ટિવા છોડાવી લઈશ.”

ઈરફાને તરત જ અઢારસો રુપિયા એમના હાથમાં મૂક્યા, અને લાભુભાઈએ ઘેર જવા રીક્ષા માટે નજર દોડાવી. સ્કુટર તરફ છેલ્લી નજર કરીને એ રીક્ષામાં બેઠા, અને એમને યાદ આવી ગયું-સ્કુટર લીધું એ

દિવસે લીલા કેટલી રાજી થઈ ગયેલી ! એમાંય કાંકરિયાનું ચક્કર માર્યા પછી તો એના હરખનો પાર નહોતો રહ્યો.

કાંકરિયાનું ચક્કર મારીને આવ્યા પછી લીલાએ સ્કુટરના હેન્ડલ પર ચુંબન કરી લીધેલું!

“અરે, અરે, લીલા, આ શું કરે છે તું” પોતે કહેલું.

“મારું વ્હાલકુડું સ્કુટર કેટલું રુપાળું લાગે છે, નૈં ? એને વ્હાલી કર્યા વિના મારાથી તો ન રહેવાયું.” કહીને લીલા રડી પડેલી.

એ પછી તો અનેક વખત લીલાને કીડની હોસ્પટલ પર એ સ્કુટર પર બેસાડીને જ પોતે લઈ ગયેલા. હજી લીલાના હાથના સ્પર્શની ભીનાશ સ્કુટર પર હશે ? એના હોઠની ભીનાશ પણ એના હેન્ડલ પર હશે, અને પોતે......? હજી લીલાનો આત્મા આ સ્કુટરને જોતો હશે?

“રીક્ષા પાછી લઈ લે” એમણે

રીક્ષાવાળાને કહ્યું, અને રીક્ષાવાળાએ ફરી ઈરફાનના ગેરેજે લઈ જઈને રીક્ષા ઉભી રાખી.

“આ લે ઈરફાન,” એમણે અઢારસો રુપિયા ઈરફાનના હાથમાં આપીને કહ્યું, “આ તારા પૈસા પાછા, હું સ્કુટર વેચી શકતો નથી.એ કોઈની નિશાની છે એમ મને સમજાયું એટલે મારાથી એ નહીં વેચાય !"

સ્કુટરની ચાવી લાભુભાઈને આપતી વખતે લાગણીના આવા તાણાવાણા ઉકેલવા મથતો ઈરફાન કશું સમજી ના શક્યો !

આ વાર્તાની PDF અહીં મુકેલ છે.: Download

────⊱◈✿◈⊰────
તમારા પ્રતિભાવ લેખકને મોકલી શકો છો. 
Text or WhatsApp – Niranjan Yagnik Mo: +91 94263 30895 
ઈમેઈલ: niranjanyagnik@yahoo.com

___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post