કાંબી અને કડલા! (Kambi ane Kadla)

Related

કાંબી અને કડલા!
~~~~~~~~~~~~~~~ મુકેશ સોજીત્રા.
સૂરજદાદો આથમણી કોર્ય ઉતાવળે ઉતાવળે હાલતો હતો. પાંચાળમાં આવેલ સાલેમાળની નાનકડાં ડુંગરની હારમાળા પર વીરો ભાભો ગાયું,ભેંશુ અને બકરાં ચરાવતો હતો!! વરહ આ વખતે સોળ આની હતું. જેઠ મહિનાની કાળઝાળ ગરમીથી થાકેલી ધરાને રીઝવવા મેહુલીયો આ વખતે મનભરીને અને મન મુકીને વરસ્યો હતો. ખેડું માતરને ટેસડો પડી ગયો હતો.

#આવકાર
કાંબી અને કડલા!

માંગ્યો મેહ વરસ્યો હતો. અને એમાંય શ્રાવણમાં તો એવાં સરવડાં વરસી ગયાં કે સાલેમાળના ડુંગરની હેઠવાણમાં તો રીતસરની પાણીની સરવાણીઓ ફૂટી નીકળી હતી. એય ને મીઠાં ટોપરા જેવું પાણી. મોલાતમાં ય સવા હતો અને ડુંગરમાં પણ ઘાસ જાણે વરસોની અબળખા પૂરી કરવાની હોય એમ આ વખતે દોઢું ઉગ્યું હતું. અને પાંચાળમાં સાલેમાળના ડુંગરા એટલે ઔષધિઓનો અને જડીબુટ્ટીનો ભંડાર કહેવાય!! જાણતલ ભાભાઓ એમ કહેતા કે ડુંગર પર સોનું પાકે સોનું જો કોઈ પારખું માણસ હોય ને તો સાંજ પડ્યે સવાશેર સોનું લઈને હેઠો ઉતરે આ ડુંગર પરથી એવી ભાતભાતની અને જાતજાતની વનસ્પતિઓ થાય છે આ ડુંગરમાં

હેઠલી કેડીએ વિરાભાભાએ નેજવું કરીને નજર કરી.કોઈ જુવાન દોડ્યો આવતો હતો. નજીક આવ્યો એમ એ જુવાનનો અણસાર ઓળખાઈ ગયો. ગામનો ખીમો હતો!! પોતાના ભાઈનો દીકરો ખીમો શ્વાસધમણ દોડ્યો આવતો હતો. પાસે આવીને ખીમો ઝપાટાભેર બોલવા માંડ્યો.

“એયને પુંજા આતા દેવ થઇ ગયાં વીરા ભાભા!! અડધી કલાક પહેલાજ દેવ થઇ ગયાં!! મને એના ઘરનાં નબુ માડીએ કીધું કે જા ખીમલા ગમે ન્યાંથી વિરાભાભાને બોલાવી લાવ્ય, પુંજા ભાભાના દીકરા બચારા નાના છ ને તે એને શું ખબર પડે એટલે એ બધાં મુંજાઈ ગયાં છે. બધાં ભેળા થઇ ગયાં છે,બે બુલેટ દીકરીઓને તેડવા મોકલી દીધા છે એ આવતાં જ હશે, તમે જાવ એટલે પછી સ્મશાને લઇ જાવાના છે. લાવો હું તમારાં ઢોરાં હાંકીને આવું છું”

“હોય નહિ અલ્યા ખીમલા!! શું વાત કરશ હજી બે દિવસ પહેલા તો પુન્જાને કાઈ નહોતું અને સાવ અચાનક જ હાલ્ય હું જાવ છું તું આ ઢોરને લે તો આવ્ય “એમ કહીને વિરાભાભાએ રીતસરના લાંબા ડગલા માંડ્યા. એ અને પૂંજો લંગોટીયા ભાઈ બંધ!! અરેરે શું થઇ ગયું.!! મોટી ઉમરે પુંજાના લગ્ન થયાં હતાં. માંડવામાં પણ એ પુંજાની પડખે જ બેઠો હતો. 

પોતાનો ખાસ ભાઈ બંધ પૂંજો આમ હાલ્યો જશે એની તો વીરા ભાભાને ખબર પણ નહોતી. પુંજાનું લગ્ન આમ તો નાનપણમાં જ ગોઠવાઈ ગયેલું પણ ઘર નબળું એટલે મોટી ઉમરે જયારે સગવડ થયેલી ત્યારે એ પરણેલો પણ પુંજાની પત્ની નબુ સારા પગલાની હતી. ઈ આવી એટલે થોડું ઘરમાં સારું થયું. બાકી ઘરમાં વિસ બકરાં સિવાય કાઈ નહોતું. અને પુંજા એ નબુનો નો ફોટો સહુથી પેલા વિરાનેજ બતાવેલો!! વીરો ભાભો સાલેમાળનો ડુંગર ઉતરી રહ્યો હતો પણ એનું મન ભૂતકાળમાં સરી પડ્યું!

એને પૂંજો બેય જુવાન પણ એ પરણી ગયો હતો ને પુંજાને વદાડેલા પૈસા દેવામાં થોડીક વાર લાગે એવું હતું, બેય ભાઈ બંધ બાબરાના ભાદરવી અમાસના મેળામાં ગયાં હતાં. એય ને મંદિરની આસપાસ મેળો જામ્યો હતો.

“હું હમણાં આવું” એમ કહીને પૂંજો મંદિરની પાછળ આવેલ બાવળિયાની કાટયમાં સરકી ગયો અને આ બાજુ વીરા એ અડધી કલાક સુધી મેળામાં આંટા માર્યા અને ત્યાં જ પૂંજો આવ્યો. પુંજાના મોઢા પર હરખ હતો આવીને કહે.

“એક વસ્તુ બતાવવાની છે પણ કોઈને કહેતો નહિ,ખા મા ના સમ”
“માં ના સમ , બાપના સમ કોઈને ના કહું પણ મોઢામાંથી ફાટ્ય તો ખરો.”વીરો બોલ્યો.

“નબુ આવી તી, આ એનો ફોટો છે મને આપ્યો અને કેતી તી કે હું વાટ જોઇને બેઠી છું. જ્યારે વેંત થાય ત્યારે પરણવા આવજો” પૂંજો ઉત્સાહમાં આવીને બોલી રહ્યો હતો. વીરાએ ફોટો જોયો એય ને લાલ ઓઢણી વાળો એ નબુનો ફોટો સરસ હતો.

“પણ મને હારે ના લઇ જવાય, તું ભાઈ બંધ છો કે ભૂત??” વીરો ખીજમાં બોલેલો.

“ના એણે સમ આપ્યાં તા કે કોઈ ભાઈબંધને ના લાવતા મને શરમ આવે” અને પછી તો પૂંજો પરણ્યો. વીરો અણવર બનેલો અને આજ એનો આ ભાઈબંધ ચાલી નીકળ્યો લાંબા ગામતરે!!! ગામ આવી ગયું. નબુ ડોશીના ઘર આગળ માણસ ભેગું થયું હતું. દીકરીઓ બહારગામથી આવી ગઈ હતી. વાતાવરણમાં રોકકળ શરુ હતી. પુંજાભાભાને ત્રણ દીકરીયું પછી ઘણાં લાંબા સમયે બે દીકરાનો જન્મ થયો હતો. વિરાભાભાએ આશ્વાસન આપ્યું. બહારગામથી જેમ ખબર પડતાં ગયાં એમ માણસ ભેગું થતું ગયું અને દી આથમે ઈ પહેલાં ગામની બહાર આવેલ સ્મશાનમાં પુંજાભાભાનું શરીર પંચ મહાભૂતમાં વિલીન થઇ ગયું.

બીજે દિવસે સવારે પુંજાભાભાના ઘર પાસે બહાર ફળિયામાં લોકો લૌકીકે આવવા લાગ્યા. રિક્ષા ભરી ભરીને માણસો આવવા લાગ્યા.ચા પાણી ના કીટલા લઈને ખરખરે આવતાં લોકોની સરભરા થવા લાગી. બપોર પછી ગામના માણસો સાથે વિરાભાભા બેઠા હતાં. સહુએ સફેદ કપડાં પહેર્યા હતાં. અને વિરાભાભાએ પોતાની જ્ઞાતિના લોકો આગળ વાત રજુ કરી.

“જુઓ ભાઈઓ પૂંજો તો દેવ થઇ ગયો. આમેય એનું ખોરડું પહેલેથીજ માંડ માંડ બે છેડા ભેગા કરતુ હતું. પુંજા એ અને નબુએ તનતોડ મહેનત કરીને પોતાની ત્રણ દીકરીયું પરણાવી છે. અને હજુ બેય આ દીકરાના વરા બાકી છે ચાર વરસ પછી એ વરા પણ આંબી જશે તો મારી એવી ઈચ્છા છે કે આપણે પુંજા ભાભાનું કારજ સહિયારું કરી નાંખીએ ટૂંકમાં પતાવી દઈએ. ગામના સહુ એના ઘરે જમી લે અને મહેમાનો આવે એને જમાડવાનો જે ખર્ચ થાય એમાં અડધો ભાગ હું ભોગવીશ અને અડધામાં તમે બધાં, આમેય પૂંજો મારો લંગોટીયો ભાઈબંધ છે. અને અત્યારે જો કારજમાં વધારે ખર્ચ થઇ જશે તો પાછળ આ બેય છોકરા કદાચ પરણે કે ના પરણે!! આમેય હવે કારજમાં બહુ ખર્ચ ના કરવો એવો સમય આવી ગયો છે. આ તો પહેલેથી હાલ્યું આવે છે એટલે લોક લાજે કરવું પડે બાકી મેં તો મારા છોકરાને ના જ પાડી છે કે મારા મર્યા પછી તમે કારજ ના કરતાં એવું લાગે તો ગાયોને નીરણ નાંખી દેજો અથવા નિહાળના છોકરાને જમાડી દેવા, બોલો તમારું બધાનું શું માનવું છે?

“તો આ બધું શાસ્ત્રમાં લખ્યું એ ખોટું છે. લઇ જ હાલ્યા છો તમે હવે સુધારાવાળા થઇ ગયાં છો. નાતના નિયમ મુજબ કારજ અને બીજી વિધિ કરવી જ પડે, અને એય પોતાને ખર્ચે બાકી માંગ્યે પૈસે કારજ કોઈ દિવસ પોગે નહિ એમ મારા આતા કેતા’તા” દેવાયત બોલ્યો.સહુ સાંભળી રહ્યા હતાં. તરત જ નબુ ડોશી આવી અને ખૂણામાં ઉભી રહીને બોલી,

“વીરાઆતા તમારા ભાઈબંધનું કારજ આપણે ધામધૂમથી કરવું છે.અને કોઈ પાસે હું લાંબો હાથ નથી કરવાની વીરાઆતા!! તમારા એ ભાઈબંધ હતાં એટલે અમારા ઘરનું તમને પેટમાં દાઝે એ બરાબર છે પણ બીજા કોઈ સંભળાવી જાય એ મને નહિ ગમે અને તમારા ભાઇબંધના આત્માને પણ નહિ ગમે એટલે આજુબાજુમાં બધાને સાગમટે બોલાવવાના છે અને કોઈએ ના કર્યું હોય એવું કારજ કરવાનું છે. અને પૈસાનું થઇ રહેશે. આ લ્યો આ મારા કાંબી અને કડલાં!! તમારા ભાઈ બંધે મને બગસરાથી લઇ દીધેલાં છે. એ વખતે મારું શરીર લોંઠકુ હતું અને પણ પછી તો શરીર રોગથી ઘેરાઈ ગયું એટલે કડલા અને કાંબી પગમાં રેતા નહિ એટલે મેં સાચવીને પટારાના તળિયે મૂકી દીધેલાં. આ લ્યો અસલ સોનાના અને ચાંદીના છે. તમે રાખો અને જે પૈસા આવે એમાંથી આ કારજ કરવાનું છે.” આમ કહીને નબુએ કાંબી અને કડલાં વીરાઆતા પાસે મુક્યા. નબુની સાથે જ એના બેય દીકરા ઉભા હતાં.એકની ઉમર ૧૫ વરસ અને બીજાની તેર વરસની હતી.

“પણ પછી આ બે ય ગગાને પરણાવીશ કઈ રીતે,?? લોકો તો વાતું કરશે ખાઈને ભૂલી જવું એ દુનિયાની રીત છે” વીરા આતા એ કહ્યું.

“એય એનું ભાગ્ય લઈને જ આવ્યાં હશે ને, અને વીરા આતા તમારા ભાઈ બંધ પાસે પણ શું હતું?? તોય ત્રણ ત્રણ દીકરીયું ના વિવાહ ઉકેલી દીધાને એમ મારા આ બને દીકરા પણ એની પોતાની કમાઈ થી પરણી જશે પણ મારે ગામના મોઢે તાળું મારવું છે અને એટલે જ આ કારજ કરવું છે, નહિતર કહેવાવાળાને મોકો મળી જશે કે આખી જિંદગી બધાનાં કારજ ઉભા ગળે ખાધા અને પોતાની ઘરે વારો આવ્યો એટલે નબુએ કારજ ના કર્યું!! ના મારે એવું નથી કરવું” નબુએ પોતાના બેય દીકરાના માથે હાથ ફેરવતાં ફેરવતા કહ્યું. અને કાંબી અને કડલાં વીરા આતા એ લઇ લીધાં અને પોતાના ફાળીયામાં બાંધી દીધાં. બે દિવસ પછી પાછા વીરા આતાએ નાત સમક્ષ વાત કરી. નબુ ઓશરીની કોરે ઉભી હતી.

“કાલે બાબરા ગયો હતો સોની પાસે એણે આ કાંબી અને કડલાંનું મુલ્ય કર્યું અને ત્રીસ હજાર રૂપિયા આવે એમ કીધું. તમને બધાને ખબર તો છે કે પૂંજો મારો જીગરી ભાઈ બંધ હતો. આ એની નિશાની કહેવાય. તો પછી મેં એમ વિચાર્યું કે આ કાંબી અને કડલાં હું રાખી લઉં અને એના બદલામાં ત્રીસ હજારને બદલે પાંત્રીસ હજાર નબુને આપી દઉં તો કારજ પણ થઇ જાય અને આ ઘર કાચું છે પાકું પણ થઇ જાય.” જેવી આ વાત કરી વિરાભાભાએ કે તરત જ નબુ બોલી.

“કાઈ વાંધો નહિ વીરા ભાભા એ કાંબી અને કડલાં આજથી તમારા” સહુ સાંભળી રહ્યા હતાં. બધાએ હોંકારો ભણ્યો અને વિરાઆતાએ ઘરેથી પાંત્રીસ હજાર રૂપિયા લાવીને નાત સમક્ષ નબુને ગણી દીધાં!

અને પછી આજુબાજુના ગામમાં આમંત્રણ દેવાઈ ગયાં. વિધિ વિધાન અનુસાર પુંજાભાભાનું કારજ પતાવવામાં આવ્યું. ગામના લોકોની સાથે સાથે આવનાર મહેમાનો પણ મોમાં આંગળા નાંખી ગયાં કે આવું જમણવાર તો આપણે લગનમાં પણ નથી જમ્યા!! એય બરફી મેસુબ અને ટોપરા પાક ને જલેબી અને ચાર જાતના શાક!! કાઈ કેવાપણું રહેવા જ ના દીધું. બેનું દીકરીયુંને પણ વાસણ લઇ દીધું. વિસ મણ જુવાર તો કબૂતરને નાંખી અને ગાયોને પણ મહિનો ચાલે એટલી કડબ થઇ ગઈ. બધાયે નબુના વખાણ કર્યા.

સમય વીતતો ચાલ્યો. કારજમાં ખર્ચ કર્યા પછી પણ થોડા રૂપિયા વધ્યા હતાં એમાંથી નબુએ પાકું મકાન કર્યું. થોડા બકરાં પણ લીધા અને બેય છોકરા મોટા થતા ગયાં. બેય ધંધે ચડી ગયાં અને ઘરમાં સારા દિવસો આવ્યા. નબુના બેય છોકરા પરણી ગયાં અને એક દિવસ નબુ પણ સ્વધામ પહોંચી ગઈ. માણસો ખરખરે આવવા લાગ્યાં!! વિરાભાભાની તબિયત હવે બરાબર નહોતી રહેતી, એ ઓછું સાંભળતાં!! આંખે પણ ઓછું દેખાતું!! એ હવે મોટે ભાગે ઘરે જ હોય, બહાર નીકળતા જ નહિ પણ નબુના સ્નાનમાં પણ ગયાં અને બેસણામાં પણ રોજ જતાં!! ગામડાં ગામમાં રોજ બેસણું હોય ૧૨ દિવસ સુધી લોકોને જયારે સમય મળે ત્યારે આવતાં જાય. એક દિવસ બપોર પછી માણસો બેઠા હતાં. આજુબાજુના ગામનાં પણ આવ્યા હતાં.નબુની પાછળ કેવા ક્રિયા કરમ અને કેવું કારજ કરવું એની ચર્ચા થતી હતી. એક જણ બોલ્યો.

“જેવું પુંજાભાભા પાછળ કારજ કર્યું એવું જ કારજ કરવું પડે,ઈ વખતે નબુએ પોતાનાં કાંબી અને કડલાં વેચીને પણ રંગ રાખી દીધો હતો”

“ હા સાચી વાત એ વખતે ઘર પોગતું નહોતું તોય એટલો બધો ખર્ચ કર્યો હતો તો અત્યારે તો આ બેય જુવાનજોધ દીકરા કમાય છે એટલે રંગે ચંગે કારજ કરવું જોઈએ “ બીજો ચલમ ફૂંકતા ફૂંકતા બોલ્યો.

“ઈ વખતે તો આં વીરા ભાભાએ રંગ રાખી દીધો હતો ભાઈ સાચી ભાઈ બંધી ઈ સાચી ભાઈ બંધી, ત્રીસ હજારની કાંબી અને કડલાંના પાંત્રીસ હાજર કોણ આપે ઈ વખતે?? આ તો વીરા ભાભા જેવા બહાદુર અને ભડ ભાઈ બંધ હોય ને તો જ કામનું બાકી બધું નકામનું ” વળી કોઈક બોલ્યું.

“ઈ બધી વાતું છે વાતું બાકી વિરાભાભાએ ઈ વખતે મોટો વહીવટ કરી નાંખ્યો છે વહીવટ!! ઈ કાંબી અને કડલાં એ વખતે સીતેર હજારના રમતાં રમતાં થાય એનાં અરધા જ નબુ ડોશી ને આપ્યાં છે. બાકીના અરધા પોતે ગળચી ગયાં છે તોય એનાં વખાણ થાય છે બાકી ખરો કળજુગ આવ્યો છે ને કાઈ “ દેવાયતે વાત કરી અને સહુ સુન્ન થઇ ગયાં. વીરા ભાભાના છોકરાં પણ ઊંચા નીચા થયાં. પણ વીરા ભાભા એ એને હાથનો ઈશારો કરીને હેઠા બેહાર્યા. પુંજા ભાભા ના બેય દીકરા આ બધું સાંભળતાં હતાં એમાંથી મોટો દીકરો બોલ્યો.

“દેવાયત ભાઈ તમારી વાત જ ખોટી છે મારી બા મરતી વખતે પણ કેતા ગયાં છે કે વીરા આતા અને એના છોકરા કહે એમ જ કરજે. મારા આતા અને વીરા આતા બાળપણના ગોઠિયા હતાં એટલે દગો થાય ઈ વાત જ ખોટી છે. એટલે તું આવી વાત રહેવા દે ભલો થઇ ને. વીરા ભાભા બધું જ સાંભળી રહ્યા હતાં પણ કશું ના બોલ્યાં.

“લ્યો આ તો ભલાઈનો જમાનો જ નથી આ તો મેં તમારા બેય ભાઈ માટે લાભ ની વાત કીધી બાકી જો એ કાંબી અને કડલાં અત્યારે તમારી પાસે હોત ને તો એ ત્રણ લાખના થાત ત્રણ લાખના અત્યારે સોનામાં ભાવ કેટલાં વધી ગયાં પણ ઈ વખતેય સીતેર હજારના તો હતાં જ તમને આખી જિંદગી વીરા ભાભાએ ઠોલી ખાધા છે તોય તમે એનો ચાલ છોડતા નથી આને જ ગુલામી કહેવાય!! ગુલામી ની માથે કાઈ શીંગડા ના હોય!! દેવાયત પણ આ જ પાછા વળવાના મૂડમાં નહોતો. છેવટે વિરાભાભા ગળું ખંખેરીને બોલ્યાં.

“ભાઈ દેવાયત મને ખબર છે કે પેલેથી તને મારા પ્રત્યે દાઝ છે એ દાઝ શેની છે એની તો મને ખબર નથી અને પૂંજો મારો જીગરી દોસ્ત હતો અને રહેશે.એના કુટુંબને કાઈ તકલીફ પડે તો મારા છોકરાના છોકરા પણ એની મદદ કરશે.અમને બેય વચ્ચે તે ઝગડો થાય એવા અગાઉ પણ પ્રયત્નો કર્યા જ છે પણ ભગવાનની દયાથી આજે પણ અમારી વચ્ચે સંપ જ છે અને રહી વાત એ કાંબી અને કડલાની તો એ વખતે બધાની વચ્ચે અને બધાની હાજરીમાં મેં એ લીધા છે અને આજે પાછા જોઈતા હોય તો પણ હું આપવા તૈયાર છું. એ વખતે એના ત્રીસ તો શું વિસ હજાર પણ નહોતા આવે એમ તો ય એક ભાઈ બંધી ને ખાતર મેં એ કાંબી અને કડલાં ના પાંત્રીસ હજાર આપેલ છે. મેં જીવનમાં કોઈનો એક રૂપિયો ખાધો નથી.એટલે તારે બોલતાં પહેલા વિચાર કરવો જોઈએ વિચાર” બધાએ દેવાયાતને ઠપકો આપ્યો.પુંજા આતાના બેય દીકરા પણ ખીજાણા પણ તોય દેવાયત તો વળમાં જ રહ્યો.

“ તમે બધાં સાચા ને હું એક જ ખોટો એમને તો ઈ કાંબી અને કડલાં હું અત્યારે રાખી લઉં છું બોલો મને આપવા છે ઈ વખતે તમે પાત્રીસ હજાર આપ્યાં હતાં ને તો હું અત્યારે એના સીતેર હજાર આપી દઉં. તમારે એમ માનવાનું કે આટલું વ્યાજ આવ્યું હતું બોલો છે તેવડ કાંબી અને કડલાં આપવાની??” દેવાયત બોલતાં બોલતાં ધગી ગયો.

“ ઈ મારા ભાઈ બંધની નિશાની હતી પણ તું જો એમ કહેતો હોય તો એમ જા તને આપ્યાં ઈ કાંબી અને કડલાં સીતેરમાં આપ્યાં જા “ આટલું કહીને વિરાભાભાએ એના મોટા દીકરાને ઈશારો કર્યો એટલે એ ઘરે જઈને કાંબી અને કડલાં લઇ આવ્યો.આ બાજુ દેવાયતે પણ આડા અવળાં ઉછીના પાછીના કરીને સીતેર હજાર ભેગા કર્યા.અને આમેય જેની પાસે પૂરતા પૈસા ના હોય ને એ જ મારા દીકરા વળ ખાતા હોય છે. બધાની રૂબરૂમાં કાંબી અને કડલાં દેવાયતને સોંપાઈ જ ગયાં અને બીજે દિવસે જ દેવાયત ગયો બાબરા!! સાથે એણે ચાર પાંચ સાગરીતો સાથે લીધા સાક્ષી માટે કે આ કાંબી અને કડલાં ના અત્યારે કેટલાં આવે અને સાત વરહ પહેલા કેટલાં આવતા હતાં. બાબરામાં એક મોટી સોનીની દુકાને જઈને દેવાયતે કાંબી અને કડલાં બતાવ્યા. સોનીએ કાંબી અને કડલાં જોયા.અને બોલ્યાં.

“ આ કાંબી અને કડલાં સાતેક વરસ પહેલા આ જ દુકાને આવી ગયેલાં છે. મેં જ આ કાપ મુક્યો હતો. વિરાભાભા નામની વ્યક્તિ આ કાંબી અને કડલાં લાવી હતી. ઉપરથી સોનું લાગે છે પણ અંદરથી પીતળ છે પીતળ. બગસરાના આ ઘરેણામાં લેવા વાળા સાથે દગો થઇ ગયો છે. ચાંદી અને સોનું કહીને પીતળ પધરાવી દીધું છે પીતળ!!! આમ કહીને સોનીએ એક કડલું તોડ્યું અને એની વાત સાચી નીકળી. અંદરથી પીતળનો વાળેલો સળીયો નીકળ્યો. સોનીએ વાત આગળ ચલાવી.

“ એ વખતે આના વધુમાં વધુ દસ હજાર આવે એમ હતાં કિલો ચાંદી થતી હતી.બાકી સોનાનો તો ગિલેટ જ છે અને બાકીનું પીતળ છે. પણ એ ભાભાએ પછી એ ભંગાવ્યા જ નહિ પણ મને એમ કીધું કે કોઈ પૂછવા આવે તો કેજો કે ત્રીસ હજારના થાય છે અને એ કાંબી અને કડલાં એના નહોતા પણ કોઈ એના ભાઇબંધના હતાં એમ કહેતા હતાં પછી એણે જ ઈ કાંબી અને કડલાં રાખી લીધા હતાં એમ જયારે બીજી વાર આવ્યા ને ત્યારે કેતા હતાં. આવા માણસો હવે ઓછા જોવા મળે છે જે ગાંઠના પૈસા ખર્ચીને કોઈને ખબર પણ ના પડે એમ બીજાને મદદ કરે બાકી અત્યારે તો આવા પીતળિયા જાજા છે, સાવ ડુપ્લીકેટ આની જેમ જ” દેવાયત નું મોઢું ખરેખર પીતળ જેવું જ થઇ ગયું હતું. એની સાથે આવેલા સાગરીતો પણ મનમાં ને મનમાં હસતાં હતાં.

“આના અત્યારે કેટલાં આવે. આ મારે રાખવા જ નથી કાઢી નાંખવા છે” દેવાયતે ઉતરી ગયેલ મોઢે કહ્યું. સોની એ કડલાં અને કાંબીઓ તોડી નાંખી પીતળ ચાંદી અલગ અલગ કરી અને કીધું. “બાવીસેક હાજર જેવું થાય આ તો ચાંદીના ભાવ હમણાં હમણાં વધ્યા ને એટલે બાકી સોળ હજારની આસપાસ જ મળે. દિવેલ પીધેલું ડાચું કરીને દેવાયત બોલ્યો.

“લાવો જે આવે ઈ રોકડા લાવો” સીતેર હજારના બાવીસ હજાર થઇ ગયાં હતાં અને ઉપરાંત આબરૂ ગઈ એ જુદી. પૈસા લઈને એ ચાલતો થયો સાથીદારોને ભલામણ કરી કે ગામમાં કોઈએ વાત નથી કરવાની. પણ આવી વાત ગામમાં કોઈ દિવસ છાની રહે ખરી. પણ ત્યાર પછી દેવાયત ના ગામમાં બે નામ પડી ગયાં ઘણાં એને જોઈ ને “ કાંબી અને કડલાં” એમ કહેતા અને જેને વધારે દાઝ હતી એ દેવાયતને “ પીતળીયો” કહેતા !! પણ એક વાત નું સુખ થઇ ગયું ત્યાર પછી દેવાયત વિરાભાભાના કુટુંબ વિષે કોઈ દિવસ ઘસાતી વાત બોલ્યો નથી. અને ગામ આખામાં જ્યારે આ વતની ખબર પડીને તો લોકોમાં વિરાભાભાના ખોરડા પ્રત્યે માન વધી ગયેલું!

અને એટલે જ એવું કહેવાય છે જગતમાં આવા પરગજુ માણસો છે એટલે જ આ જગત ટકી રહ્યું છે. જગત આવા માણસો થકી જ ઉજળું

©લેખક મુકેશ સોજીત્રા.〽️💲
મુ. ઢસા ગામ તા. ગઢડા જિ.બોટાદ ૩૬૪૭૩૦
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

1 Comments

Thank you so much for your feedback 😊

  1. મુકેશભાઈ, ખૂબ જ હ્રદયસ્પર્શી દાસ્તાન... આ વાર્તા હું રેકોર્ડ કરીને આપના નામ સાથે youtube પર મૂકી શકું???

    ReplyDelete
Previous Post Next Post