કરજ (Liability)

Related

કરજ ...
~~~~~~~ લેખક : મુકેશ સોજીત્રા

તાપી નદીના કિનારે આવેલ એક વિશાળ ઈમારતના સાતમાં માળે આવેલ એક અધતન ઓફિસમાં જગદીશભાઈ પોતાની રીવોલ્વીંગ ચેર પર બેઠાં છે. સાંજ પડવાને હજુ બે એક કલાકની વાર છે. જગદીશભાઈ એ બારીમાંથી જોયું તો એક તરફ મોટા વરાછાનો પુલ દેખાતો હતો. બીજી બાજુ અમરોલીની ડેવલપ થયેલ એરિયા દેખાતો હતો. તાપીમાં પાણી ભરપુર વહી જતું હતું.

#આવકાર
કરજ - મુકેશ સોજીત્રા 

"મે આઈ કમ ઇન સર "એમ જે શાહ બારણું ખોલીને ઉભા હતા,એક હાથમાં થોડી ફાઈલો હતી.

" આવો, આવો" જગદીશભાઈએ પ્રત્યુતર આપ્યો. શાહ અંદર આવી ને બેઠા. એમ જે શાહ એક નામાંકિત સી.એ. જગદીશભાઈનો બધો વહીવટ એ સંભાળતા હતાં. એક વિશ્વાસુ અને સંનિષ્ઠ માણસ એટલે એમ જે શાહ! વરાછામાં ઘણી હીરાની પેઢીઓએ શાહનો સંપર્ક કરીને મો માંગ્યા પૈસા ઓફર કરીને પોતાની પેઢીના હિસાબો લખવાનું કામ શાહને આપવાની ઈચ્છા બતાવી પણ શાહે સવિનય ના પાડી કે કામનો બોજ જ એટલો બધો છે કે હું વધારે કામ રાખી શકું એ સ્થિતિમાં જ નથી. આ એક જગદીશભાઈ પટેલની બે પેઢીના કામમાં જ ગળાડૂબ રહું છું અને પૈસાનો સવાલ નથી દર મહીને મને જરૂરી રકમ મળી જાય છે. ખોટી શું હૈયા બળતરા કરવાની!

ચિરાગ અને ચેતનને બધું સમજાવી દીધું છે, કોઈ વાતમાં ક્લેરીફીકેશનની જરૂર ખરી? જગદીશભાઈ એ પૂછ્યું.

ના બંને પેઢીના તમામ હિસાબો બને દીકરાઓને સમજાવી દીધાં છે, એ લોકોને તેમની મૂડી કઈ કઈ જગ્યાએ છે, કંપનીની શાખ કેટલી છે, કંપનીની મિલકતો કઈ કઈ જગ્યાએ છે એ તમામ વિગતો સમજાવી છે, ભવિષ્યમાં તેઓ શું કરી શકે છે એનાં પ્લાનીંગ સમજાવી દીધાં છે. બને ને અલગ અલગ બેસારીને સમજાવ્યું છે! ટોપ ટુ બોટમ! દરેક પેઢીમાં વિશ્વાસુ માણસો કોણ કોણ છે, ક્યાં માણસ ની કઈ ખાસિયતો છે એ પણ સમજાવી છે. પ્લસ પોઈન્ટ અને વિક પોઈન્ટ પણ સમજાવી દીધાં છે, ધાર્યા કરતાં મારું કામ સરળ બન્યું, આમેય શેઠ અત્યારની જનરેશન 5જી નેટ જ વાપરતી નથી પણ એમનાં વિચારો પણ 5જીની ગતિથી ચાલે છે, અને આપના બને દીકરા તો વિદેશમાં એમબીએ થઈને આવ્યાં છે એટલે એમને સમજાવવું એક દમ સરળ બને! એમ જે શાહ એ આટલું બોલીને ઊંડો શ્વાસ લીધો અને પાણી પીધું.

"તો આમાં બધાં દસ્તાવેજો છે અને એમની બધી સહીઓ છે. તમામ પાવર્સ ઓફ એટર્ની હવે એમની થઇ જશે, બને કંપનીઓ અલગ અલગ હું સાંજે રજીસ્ટ્રાર ને ઘરે મળીને વિગતો સમજાવી દઈશ, પછી એ જયારે સમય આપે ત્યારે આપે જઈને એની રૂબરૂમાં સાઈન કરી દેવાની અને હવે તો ફિંગર પ્રિન્ટ પણ લેવાય છે, ચાલો ત્યારે હું રજા લઉં છું કામ કાજ હોય તો જણાવજો" એમ જે શાહ ઉભા થયા. જગદીશભાઈ તેમને બારણા સુધી વળાવવા ગયાં. આવીને પેલી ફાઈલો હાથમાં લીધી!! બે ફાઈલો હતી એકને મથાળે લખ્યું હતું ચિરાગ એક્ષ્પોર્ટ અને બીજી ફાઈલને મથાળે લખ્યું હતું ચેતન એક્ષ્પોર્ટ

ચિરાગ અને ચેતન જગદીશભાઈના બે દીકરા!! ચિરાગ મોટો અને ચેતન નાનો!! નાનો એટલે ફક્ત બે વરસ જ નાનો હતો. આવતી ૨૮મી તારીખે જગદીશભાઈ સાઈંઠ વરસનાં થવા જઈ રહ્યા હતાં. અને હવે તે નિવૃત્તિ લઇ લેવા જઈ રહ્યા હતાં!! વરાછામાં જયારે આ સમાચાર ફેલાયા કે જે.વી હવે નિવૃત થઇ રહ્યા છે હીરાના ધંધામાંથી અને બેય કંપની બેય છોકરાને સોંપી રહ્યા હતાં, ત્યારે એક સુખદ આંચકો બધાને લાગ્યો હતો. અમુકને તો વળી એંશી એંશી વરહ થયા તોય બધું જ માથે લઈને ફરતાં હતાં ને આ જે.વી. તો વળી સાવ નિવૃતિની વાત કરી રહ્યા હતાં!! જે.વી. એટલે જગદીશ વશરામ!

હીરાજગતમાં જે.વી.નું એક અનોખું નામ હતું! હીરા જગતની એક ખાસિયત કે અહી બધાં ટૂંકા નામથી ઓળખાય જેમકે પીએમ, પીબી, સીએમ, વીકે, જેપી એમ જ આ જેવી!! હીરા ઉદ્યોગમાં જે માણસો ટૂંકા નામથી ઓળખાય એ બધાંજ પાવરફુલ પૈસા વાળા.. આખું ગુજરાત ખરીદી શકે એટલી કેપેસીટીવાળા!! આમેય જેવીના બને દીકરા હવે ધંધો સંભાળી રહ્યા હતાં પેલી એપ્રિલથી!! નવા નાણાકીય વરસમાં ફરીથી આ પેઢીઓ યુવા લોહીનાં હાથમાં જઈ રહી હતી. ચિરાગ ચિરાગ એક્ષ્પોર્ટ સંભાળશે અને ચેતન ચેતન એક્ષ્પોર્ટ સંભાળશે.

પાપા હું અંદર આવું?? બારણે ચિરાગ ઉભો હતો અને સાથમાં ચેતન પણ હતો.

અરે હવે તમારે થોડું પુછવાનું હોય થોડાં સમય પછી તો આ કંપનીના તમે બન્ને કાયદેસરના માલિક હશો. જગદીશભાઈએ રમૂજમાં કહ્યું.

દીકરો ગમે તેટલો મોટો થાય એનાં બાપથી એ હમેશાં નાનો જ રહેવાનો ચેતન બોલ્યો અને ત્રણેય જણા હસી પડ્યા.

બધું સમજી લીધું ને,? બધો હિસાબ, બધાં જ સરવૈયા, અત્યારે તો કાચા સરવૈયા હશે,ફાઈનલ તો એકત્રીસમી માર્ચ પછી ખબર પડશે, પણ લગભગ કઈ માથાકૂટ જેવું છે ને નહિ તમારી બનેની પેઢીનું કોઈ સરકારી કરજ લગભગ નથી. નફો જ છે એટલે વાંધો નહિ જગદીશભાઈ બોલ્યાં.

પાપા એક કરજ છે અને એ કરજ લગભગ ઘણાં વરસોથી ચાલ્યું આવે છે. કરજ ખાસ મોટુ નથી પંદર પેટીનું જ છે. મેં શાહ સાહેબને પૂછ્યું તો એણે ફક્ત વાત સાંભળીને હસ્યાં. કાઈ બોલ્યાં નહિ વળી દર ત્રણ મહીને આપણે એ પંદર પેટીનું વ્યાજ ચૂકવીએ છીએ. એમ એણે કીધું પણ એ વ્યાજ પાછું ચેકથી નથી ચુકવતા રોકડ થી ચૂકવવાનું અને પાછું આમાં બતાવવાનું નહિ. એ વ્યાજ ગમે ત્યાં એડજસ્ટ કરી દેવાનું પણ ત્રણ મહીને ચૂકવી દેવાનું!! કોઈ નરશી નાથા એવી વ્યક્તિ છે એને આપવાનું એમ શાહ કહેતા હતાં. આંગડીયામાં હવાલો પાડી દેવાનો ચિરાગે કહ્યું અને ચેતન બોલી ઉઠયો.

મારી કંપની ની આવક જાવક જોઇને તો એમાં પણ એજ વ્યક્તિ છે અને રકમ પણ એટલી જ છે, મને પણ શાહ સાહેબે એવો જવાબ આપ્યો કે એને દર ત્રણ મહીને વ્યાજ આંગડીયાથી મોકલી દેવાનું. તો શું આપણે એને પંદર લાખ ચૂકવી ના શકીએ.? મહીને એક કરોડ વીસ લાખ ઉપર તો કાયદેસર નફો થાય છે તો આ પંદર લાખ તો શું વિસાતમાં ચેતન ઝપાટાબંધ બોલી રહ્યો હતો.

એ કરજ ક્યારેય ચૂકવવાનું નથી. હું તો ઈચ્છા રાખુ કે તમારાં સંતાનો પણ એ કરજ માથે રાખે કાશ... એ તો દૂરની વાત પણ હું ને તારી બા જીવીએ ત્યાં સુધી એ નરશી નાથાનું કરજ ઉતારવાનું નથી. એને જરૂર પણ નથી એક કામ કરો ચાલો આપણે ત્રણેય છેક આઠમા માળની અગાશી પર જઈએ અને ત્યાં હું તમને બેયને સમજાવીશ ખરી હકીકત એ કરજની!!!

જગદીશભાઈ, ચેતન અને ચિરાગ અગાશી પર પહોંચ્યા, જગદીશભાઈ ચારેય બાજુ જોઇને બોલ્યાં,

આજ થી બરાબર ચાલીશ વરસ પહેલાં હું અહી આવ્યો હતો, સુરત ત્યારે આવડું મોટું નહોતું, શરૂઆતમાં રેલવે સ્ટેશનના ગરનાળા સુધી જ હતું અને તમે આ બાજુ જુઓ અહીં બધેજ કેળની વાડીઓ અને ખેતરો જ હતાં. જુઓ અત્યારે તમે જે રેલગાડી તમે જોઈ રહ્યા છો અમરોલીના પુલ પર એવી જ એક રેલગાડીમાં હું સુરત આવ્યો હતો. સાથે હતી લોખંડની એક સુટકેશ અને સુરતના સ્ટેશને ઉતર્યો હતો. શરૂઆતમાં હું સૈયદપુરા ખાડી શેરીમાં રહેતો. એ વખતે સુરતીઓ કાઠીયાવાડીઓને એક અલગ નજરે જ નિહાળતા. સાલો ઘસિયો નીકળ્યો ઘસિયો! એમ કહેતા. અમને કોઈ ઓટલા પર પણ બેસવા ના દે!! સાંજે હીરા ઘસીને કોઈના ઓટલે બેસવા જઈને તો ઉપરથી પાણી નાંખે અમુક તો રાતે ક્રુડ ઢોળી દે એટલે કોઈ એનાં ઓટલે બેસે નહિ!! એક દસ બાય દસની રૂમમાં પાંચ જણા અમે રહેતાં!! ડાંસલા તોડી નાંખે!! ડાંસલા એટલે સુરતી મચ્છર!! હવે તો મચ્છરો પણ જતાં રહ્યા માણસો જ અહીના ડાંસલા જેવા થઇ ગયાં. ખુબ જ હાડમારી અને યાતનાઓ વેઠીને હું અહી પહોંચ્યો છું. જગદીશભાઈ ની આંખો ભીની થઇ ગઈ હતી, એણે ચશ્માં ઉતાર્યા રૂમાલથી સાફ કર્યા અને વાત આગળ ચલાવી.

હવે તમને હું જે વાત કહી રહ્યો છું એ વાતની તમારી માં અને મારી સિવાય કોઈને ખબર નથી. દીકરાઓ મારા બાપા પાસે કશું જ નહોતું. મારી માં તો મને જન્મ આપીને ચાલી ગઈ હતી.કાકાઓ હતાં પણ મારું કોઈ ધ્યાન રાખી શકે એમ નહોતું. આપણા ગામમાં તો હું ચાર ધોરણ જ ભણેલો છું. આગળ ધોરણ જ નહોતા એટલે મને મારા મામાને ત્યાં ભણવા મોકલ્યો ત્યાં સાત ધોરણ હતાં એટલે બાકી મામાની સ્થિતિ કાઈ એટલી બધી સારી નહિ પણ મામાનું ગામ એટલે મામાનું ગામ!! આખું ગામ મને ભાણીયા ભાઈ ભાણીયા ભાઈ કરતુ અને પછી તો હું દિવાળી પર જ ઘરે આવતો બાકી મામાને ત્યાં જ હોવ આખું વરસ એમને એમ બે વરહ ભણ્યો. મારા પાપા પણ અવસાન પામ્યા!! હવે તો મામા અને મામી સિવાય મારું કોઈ જ નહોતું મામાને કોઈ સંતાન નહિ એટલે એણે મને દીકરાની જેમ રાખતા. સાત પાસ થયો અને મામાનું અવસાન થયું. મામી તો સાવ અવાચક જ થઇ ગયાં!! મામાનું પાણી ઢોળ પતાવ્યું. મામી એ મને કીધું કે જગા તું હોંશિયાર છો આગળ ભણવું હોય તો તને શહેરમાં મોકલું પણ મેં નક્કી કર્યું કે હું ભણું તો મામીનું કોણ!!?? મારે હવે ભણવું નથી અહી જ રોકાઈ જઈશ મામી પાસે!! અને હું રોકાઈ ગયો. મામાની પડખેજ નરશીભાઈ નાથાભાઈ નું ઘર બધાં જ એને નરશી નાથા જ કહે પહેલેથી જ પૈસાદાર કુટુંબ પણ અભિમાનનો છાંટો પણ નહિ. એકદમ ભગત માણસ અત્યારે તો એ હયાત નથી એનાં બે છોકરાઓ છે એ પણ લગભગ મારી ઉમરના અને હજુ પણ ત્યાંજ રહે છે. એમની વાડીએ હું જવા માંડ્યો કામ કરવા. મામા પાસે તો ચારેક વીઘા જમીન હતી, પણ પછી હું મજુરી પણ કરું અને ખેતી પણ કરું. આમને આમ પાંચ વરસ વીતી ગયાં, નરશીઆતા સાથે મારે સારું બનતું. એટલે રાતે મને એ એની ઘરે લઇ જાય, મારી પાસે મહાભારત અને ઓખા હરણ પણ વંચાવે. એવામાં મામીનું પણ અવસાન થયું!! અને એમનું પણ ક્રિયા કરમ પતાવ્યું. પછી તો નરશી નાથા એ તલાટીને સમજાવીને તાલુકે સર્કલ પાસે ધક્કા ખાઈને મામાની જમીન મારા ખાતે કરાવી. ગામે પણ સહકાર આપ્યો ને એક દિવસ મેં નરશીઆતાને કીધું કે મારે સુરત જાવું છે. થોડાં પૈસા હતાં એ લઈને હું સુરત આવ્યો. બે વરસ હીરા ઘસ્યા પણ કાઈ જામ્યું નહિ. બે વરહ સુધી હું શીખાવ જ રહ્યો. કોઈ જ ઓળખાણ નહિ. ચાર ચાર મહિના અલગ અલગ કારખાને શીખું. હીરો તૂટે કે ખોવાઈ તો મારી મારીને તોડી નાંખે, પકડથી અને સાવરણીથી મારે ચીંટીયા ભરે, વાપરવા પુરતું આપે પણ પગાર તો શીખવાડવાવાળો જ લઇ જાય. 

એક વાર સખત તાવ આવ્યો. પંદર દિવસ સુધી તાવ રહ્યો, ખાવાનું પણ ના ભાવે, શરીર નંખાઈ ગયું એટલે મને શીખવાડવા વાળાએ છૂટો કરી દીધો. એક પણ રૂપિયો આપ્યા વગર અને મારું મન ઉઠી ગયું અને હું પહોંચી ગયો સ્ટેશને નક્કી જ કરેલું કે બસ હવે પથરા તો ઘસવા જ નથી. એ વખતે ચોમાસાનો સમય અને ટાઈમે ગાડીના આવી. ટીકીટના પૈસા માંડ માંડ એમાં ખાવાનું તો ક્યાંથી મળે એમને એમ બાંકડે સુતો રહ્યો, સવાર સુધી જાગતો પડ્યો રહ્યો!! રોતો રહ્યો. સવારે ગાડી આવી અને હું બેસવા જતો હતો ત્યાં બીજી ગાડીમાંથી નરશી નાથા ઉતર્યા!! મને જોઇને ભેટી પડ્યા. મેં બધી વાત કરી. એ મને હોસ્પીટલે લઇ ગયાં. એક બે ઓળખીતાને વાત કરી. આઠેક દિવસ એ રોકાયા. હું સાવ સાજો થઇ ગયો. 

અને એક સાંજે કીધું કે જગા મને દેશમાં થતું હતું કે તું કાંઇક તકલીફમાં છો એવું મનમાં થયા કરતુ એટલે જ હું આવ્યો છું!! તારે હવે હીરા નથી ઘસવાના પણ ઘંટી નાંખીને માલિક થવાનું છે. પછી એણે ગીતાંજલિ પેટ્રોલ પાસે એક ઓરડી લઇ દીધી. ઉપર એક બીજો માળ લઇ દીધો અને મને આપ્યા પૈસા અને શરૂઆત ચાર ઘંટીથી કરી!! નરશી નાથાનો પૈસો નીતિનો એટલે મને ફળ્યો. બે વરસમાં તો મેં દસ ઘંટી નાંખી ને કારખાનું જમાવી દીધેલું. હું એવા કારીગરોને જ કામે રાખતો કે જેને કોઈ ઓળખતું જ ના હોય. હું એ પૈસાનું વ્યાજ આપી દેતો અને પછી તો એક વખત બધાં જ પૈસા દેવા ગયો હતો ગામડે ત્યારે નરશી આતાએ મને કીધેલ કે જગા તું એ પૈસા રાખ મારે જરૂર હશે ત્યારે હું માંગી લઈશ. પાછા ચશ્માં સાફ કરીને જગદીશભાઈ બોલ્યાં.

નરશી આતા એ બીજું પણ મને કહેલ કે દર સોમવારે રેલવે સ્ટેશન પર જવાનું અને કોઈ આપણા મલકનું હોય કામધંધા વગરનું પાછું જતું હોય ને એને સમજાવીને તારા કારખાને બેસારી દેજે. અને પછી તો એ નિયમ મેં પાળ્યો. આપણી બેય પેઢીમાં કેટલાય લોકો એવા છે કે જેને હું આ રીતે લઇ આવ્યો છું એક કારીગર તરીકે અને આજે તેઓ મેનેજર છે, પછી તો સમય વીતતો ચાલ્યો. નરશી આતાનું અવસાન થયું. એમનાં કારજનો તમામ ખર્ચ મેં આપી દેવાની તૈયારી બતાવી પણ એમનાં પુત્રોએ ના પાડી અને કીધું કે જગદીશભાઈ તમે એ વાત રહેવા દયો. અમારા બાપા મરતી વખતે કહી ગયાં છે કે જગદીશને જે પૈસા આપ્યા છે એ સારા માર્ગે વપરાયા છે એટલે એ જે વ્યાજ આપે એ લઇ લેજો પણ એમની પાસેથી બીજો કોઈ રૂપિયો ના લેતા એટલે તમારે એ પૈસા તમારે કારજના આપવાં જ હોય તો નિશાળમાં આપો. સંસ્કારી માં બાપના છોકરા પણ સંસ્કારી જ હોય એ હિસાબે નરસી નાથાના તમામ ગુણ એના છોકરામાં પણ ઉતર્યા હતાં. એટલે મેં એક શાળા બનાવી દીધી છે મામાના ગામમાં!! આજે નરશીઆતાના બેય સંતાનો અને એનાં સંતાનો પહેલાં કરતાં પણ વધારે સુખી છે અમુક ગામડે છે અમુક અહીં છે આટલું કહીને જગદીશભાઈ એ એક મોટી એવી ડાયરી કાઢી. અને બેય છોકરાને બતાવી ને કીધું.

આ ડાયરી તમે સાચવીને રાખો. આમાં મારા લગ્ન વખતે આવેલ તમામ ચાંદલાની યાદી છે, મારો સંબંધ પણ નરશી આતા એ ગોઠવી દીધેલો. અને આમાં ગામના એ તમામ લોકોના નામ અને નંબરો છે. એ લોકો ગમે ત્યારે તકલીફમાં હોય અત્યાર સુધી હું જતો હવે પછી તમારે એ ફરજ નિભાવવાની છે. ભવિષ્યમાં કદાચ તમે બને ભાઈઓ સાવ જુદા થાવ પણ આ વારસાના ભાગ ના પાડતા. બેય ભાઈ ની પેઢીમાં નરશી નાથાના પંદર પંદર લાખ નું કરજ છે એ ચૂકવવાનું નથી પણ જાળવી રાખવાનું છે. 

હા તમને વધારે નફો થાય તો એ કરજ ૨૫ -૨૫ લાખ કરી દેવાનું એ મને ગમશે!! એ નીતિના પૈસાને કારણે જ આ જેવી અત્યારે આઠમા માળે ઉભો છે, એણે એક જીવવાની અને ધંધાની રીત બતાવી છે બાકી હું જેની પાસે શરૂઆતમાં શીખતો એનાં સંતાનો આજે પણ ભાડાના મકાનમાં જ રહે છે, બહું થોડાં લોકો જ આગળ આવ્યાં છે એનું કારણ નીતિ અને પૈસો પરસેવાનો હોવો જોઈએ અને પર સેવા માં વપરાતો હોવો જોઈએ. બાકી તો મહેનત વગરનું ધનમાણસનું ભયંકર રીતે નિધન કરાવીને ને જ જંપે છે!! 

અને હવે છેલ્લી વાત ફરી વાર આ ડાયરીમાં રહેલા માણસ ને મળી લેજો, એનાં દરેક પ્રસંગોમાં ગમે એવું કામ હોય પડતું મુકીને ય જાવું!! ઘણાં ને પૈસાની જરૂર ના હોય હાજરીની જરૂર હોય !! અને જયારે કોઈને પણ મદદ કરો પૈસાની તો એવી રીતે કરવાની કે એને શરમ ના આવે, આ બાબતો માં હું તમને કંઇજ નહિ કહું તમારી અંદરથી જ બધું નીકળશે અને દીકરાઓ એમ બી એ કરવાથી બધું જ ના શીખી શકાય અમુક વસ્તુઓ અનુભવોમાંથી આપોઆપ આવશે !! એમબીએ કરતાં પણ અનુભવ એ મોટી ડીગ્રી છે!! તમે તમારી રીતે અને એને જરૂરી મદદ કરજો. કારણ કે માણસ ગમે એટલો મોટો થાય પણ જે ગામમાં એ મોટો થયો હોય, જે ગામનું પાણી પીધું હોય, જે ગામનું અન્ન ખાધું હોય, જે ગામની માટીમાં એ રમ્યો હોય એ ગામથી એ ક્યારેય મોટો હોઈ જ ના શકે ક્યારેય નહિ બોલતાં બોલતાં જેવી નો ચહેરો ચમકી ઉઠયો,

આકાશમાં પક્ષીઓ જઈ રહ્યા હતાં. સુરતની ભૂમિ પર અંધારું ઉતરવાની તૈયારીમાં હતું. ચેતન અને ચિરાગને આજ એનાં પાપા પર વધારે ગર્વ હતો. પાપાએ એક જીવનપથ બતાવ્યો હતો અને એનાં રાહ પર જ એ જીવનભર ચાલવાના હતાં.. બાપ અને બંને દીકરાઓના ચહેરા પર ખુશી હતી અને તેઓ ધીમે ધીમે અગાશી પરથી નીચે આવી રહ્યા હતાં!!

પરસેવા વગરનું અને પરસેવામાં વપરાયા વગરનું ધન માણસને ભયંકર રીતે નિધન કરાવીને જ જંપે છે.

©લેખક મુકેશ સોજીત્રા.Ⓜ️💲
મુ. ઢસા ગામ તા. ગઢડા જિ.બોટાદ ૩૬૪૭૩૦
___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

1 Comments

Thank you so much for your feedback 😊

Previous Post Next Post