લગાવ (Lagav)

Related

લગાવ
~~~~~~~~~~~~~~
"બા ! હવે જીભના ચટાકા ઓછા રાખો. જે મળે એ ખાઈ લેવાનું. ઘરના કામકાજમાં બહુ માથું નહીં મારવાનું. વહુઓને ઠીક લાગે એમ વ્યવહારો સાચવે. હવે આ ઉંમરે પ્રભુભક્તિમાં મન પરોવવાનું. વાતે વાતે ભાઈઓને ટોકવાના નહીં. બહુ બોલીએ એ કોઈને ન ગમે હોં. આ બધું યાદ રાખજો. મારેય સંસાર છે. વારંવાર ક્યાં તમને સમજાવવા આવું?" બાને સમજાવવા આવેલી દીકરી લતાએ શિખામણોનું પોટલું બાને સોંપીને આંસુભરી આંખે વિદાય લીધી.

#આવકાર
લગાવ

હાથમાં માળા લઈને આરામખુરશીમાં બા બેઠાં. થોડી વારે નાની વહુ ચાનો કપ મૂકી ગઈ. "અલી વહુ, લતાને હાથમાં કંઈ આપ્યું કે નહીં? છોકરી ખાલી હાથે તો નથી ગઈ ને?" ચા પીતાં પીતાં બા બોલ્યાં.

"લતાબેનને બસો રૂપિયા આપ્યાં." નાનીવહુએ ટૂંકમાં કહ્યું.

"બસ? બીજું કંઈ ન આપ્યું? કમસેકમ મીઠાઈ તો આપવી હતી..! બેસનના લાડુ છોડીને કેટલા ભાવે છે એ ભરી દેવાં હતાં. હવે સાસરામાં એ શું બતાવશે?" બા થોડા ગમગીન થઈ ગયાં.

"બા, તમારું પાછું શરૂ થઈ ગયું? લતાબેન તો અહીં વારંવાર આવે છે. દર વખતે એમને આપવું જરૂરી નથી. અમને બધી ખબર પડે છે હોં. વ્યવહારો કેમ કરવા એ અમને ન સમજાવો." મોટીવહુ તાડુકી ઉઠી. બા મૌન થઈ ગયા.

રાતે જમવાની થાળીમાં ખાલી ખીચડી- દૂધ જોઈને બા બોલવા જતાં હતાં ત્યાં નવીનકોર સાડીમાં સજ્જ વહુઓએ ઘરના બધાં લગ્નપ્રસંગમાં જમવા જતાં હોવાના સમાચાર દીધાં. બા ઘરે હતાં એટલે તાળું મારવાની નિરાંત હતી. વળી ઊંઘતી પૌત્રીને મૂકીને જતાં મોડું થાય તોય ઘરમાં બા હતા એટલે ચિંતા નહોતી.

સવારે ઓસરીમાં બેઠેલા બા આગળ મોટી વહુ શાક સમારવા માટે મૂકી ગઈ.

"તે વહુ, આજે ભીંડાનું શાક કરવાનું છે? નાનકા માટે બટાકાનું શાક કરજે. એને ભીંડા લગારેય ન ભાવે." શાક સમારતાં બા બોલી રહ્યાં હતાં અને મોટી વહુ સાંભળ્યું ન સાંભળ્યું કરીને નીકળી ગઈ.

" જો નાની, તારી સાડીનો રંગ ગયો ને.. મેં નતું કીધું કે મીઠાના પાણીમાં બોળીને અલગ ધોજે. જો આ સફેદ ખમીસ પર રંગ લાગી ગયો." બપોરે કપડાનો ઢગલો સમેટતાં બા બોલ્યાં ને નાનીવહુએ કટાણું મોં કર્યું.

બાની આદતોથી પરેશાન થઈને ઘણા દિવસથી બાને વૃધ્ધાશ્રમમાં મૂકવા કે નહિ એ અંગેની દલીલો પૂરજોશમાં ચાલતી હતી. બાની ખરાબ આદતોનું લાંબુલચ લીસ્ટ વહુવારુઓ પાસે તૈયાર જ હતું. તો વળી, દીકરાઓ પાસે ઘરની રોજરોજની કચકચમાંથી છુટકારો મેળવવાનું બહાનું હતું. છેવટે દીકરાઓએ શહેરના સારા ગણાતા ઘરડાઘરમાં બાની સગવડ કરી. વહુઓને તો ટાઢા પાણીએ ખસ ગયા જેવું થયું. બાને ગમવાનો તો સવાલ જ ક્યાં હતો!

"તાળું લાવો કોઈ." મોટાએ બહારથી બૂમ પાડી. બાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતી વેળાએ ઘરમાં પહેલી વાર તાળું શોધવું પડ્યું.

હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો બાનો સૌથી લાડકો પૌત્ર થોડા દિવસ બાદ વૃદ્ધાશ્રમમાં બાને મળવા આવ્યો ત્યારે બાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

"એ લાલા..બહુ દુઃખ ના લગાડવાનું હોં. મારે હવે જીવવું કેટલું? મારી બહુ માયા રાખવી સારી નહીં હોં ભાઈ!" બા એને શાંત પાડતાં બોલ્યાં.

"બા..આ રેડિયો તમારા માટે." લાલાએ રેડિયો બાના હાથમાં મૂક્યો.

"હા ભાઈ લાવ. ઘરમાં પડ્યો હતો ત્યારે સાંભળી ન શકાયો. બધાને ઘોંઘાટ લાગતો એથી. " બાએ રેડિયો ચાલુ કર્યો ને નરસિંહ મહેતાનું ભજન વાગ્યું, 'ભલું થયું ભાંગી જંજાળ..' ને બાના હૈયામાં કસક પેઠી.

- અંકિતા સોની (ધોળકા)

___________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌸

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post