નાસ્તો (નવલિકા)
રવિવાર હતો. શહેરના પોશ એરિયામાં આવેલા એક વિસ્તારમાં આવેલા એક ભવ્ય બંગલાની લોનમાં સુકેતુ સવારમાં બેઠો બેઠો મેગેઝીન્સ અને છાપાંઓના પાનાં ઉથલાવતાં ઉથલાવતાં કોફી પી રહ્યો હતો. થોડીવાર પછી તે ઊભો થયો. હજુ તેને નહાવાનું બાકી હતું. દિવાનખાનાની બરાબર જમણી સાઈડ આવેલા પૂજાના રૂમમાં તેની પત્ની નીતા પ્રાર્થના કરી રહી હતી. આ તેમનો રોજનો ક્રમ હતો.
નાસ્તો - નવલિકા
પોતે આઠેક વાગ્યે ઊઠતો, પણ નીતા સવારમાં પાંચેક વાગ્યે ઊઠી જતી. ઘરમાં નોકરો હોવા છતાં નીતાએ અમુક કામ પોતાની માથે રાખ્યા હતાં, જેવા કે સાસુ-સસરાને સવારમાં પોતે હાથે બનાવીને ચા આપવી, બાળકોને જે વસ્તુ ગમતી હોય તે જાતે બનાવવી અને પોતાના પતિ સુકેતુ માટે કોફી બનાવવી. આમેય સુકેતુ સવારમાં ઘરની કોફી જ પીતો; પછી તો એ એના કાર્યમાં વ્યસ્ત થઈ જતો અને રાતે મોડો આવતો.
નીતા શહેરથી થોડે દૂર આવેલા એક ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી. સુકેતુ શહેરના જાણીતા ઉદ્યોગપતિનો એકનો એક દીકરો હતો અને આ નાનકડા શહેરની નગરપાલિકામાં પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યો હતો. હવે તો તે અનેક સંસ્થાઓનો પ્રમુખ, અનેક ચૅરિટેબલ ટ્રસ્ટનો સભ્ય, અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી અને કેટલીય સામાજિક સંસ્થાઓનો મોભી બની ગયો હતો. પિતાની પારાવાર મિલકતો અને સારો એવો જામી ગયેલો બિઝનેસ હોવાને કારણે સુકેતુ સતત વ્યસ્ત રહેતો.
સુકેતુ નાહીને બહાર આવ્યો. નીતા કિચનમાં નાસ્તો બનાવતી હતી. શક્કરપારા, સેવ મમરા, મકાઈના પૌવાનો ચેવડો, શીંગપાક વગેરે. દર રવિવારે નીતાનો આ નિત્યક્રમ રહેતો; આખા અઠવાડિયાનો નાસ્તો એ રવિવારે બનાવી લેતી. બંને બાળકોના ટિફિનમાં આ ઘરનો નાસ્તો જ હોય. સુકેતુને આ ગમતું નહીં. બીજા બાળકો જ્યારે મેગી, પફ કે પિઝા ખાતા હોય, ત્યારે પોતાના બાળકો આવો દેશી નાસ્તો ખાય અને એ પણ ઈન્ટરનેશનલ શાળામાં એ કેવું એબ્સર્ડ દેખાય!
પછી એ નાસ્તામાંથી નીતા દરરોજ મોટા મોટા ડબ્બા ભરીને શાળાએ પણ લઈ જતી. બપોરનું ટિફિન તો અલગ જ હોય. એક દિવસ સુકેતુએ પૂછ્યું, "તું આટલો બધો નાસ્તો લઈ જાય છે, તે તમે બધી શિક્ષિકાઓ નિશાળમાં બેસીને ભણાવો છો કે પછી બેઠા બેઠા નાસ્તો જ કરો છો? ત્યાં તમે કરો છો શું?"
"બસ, મજા આવે છે!" નીતાએ સ્મિત કરતાં જવાબ આપેલો.
"તમે આ થોડો નાસ્તો ચાખો ને?" નીતા કહેતી.
"ના બાબા આદમના જમાનાનો નાસ્તો મને ના ફાવે. હવે તો ફોરજીનો જમાનો છે મેડમ, અને તમે હજુ ટુજીમાં જ છો. તને કંટાળો નથી આવતો આવી જિંદગીથી?"
"બસ, મજા આવે છે." નીતાનો એ જ જવાબ રહેતો અને બંને હસી પડતાં.
આજથી વીસેક વર્ષ પહેલાં સુકેતુના પિતા એક શાળાના ફંક્શનમાં ગયેલા અને તે વખતે તેમણે નીતાને જોયેલી. જોતાંવેંત જ એ તેમને ગમી ગયેલી અને મનોમન નક્કી કરેલું કે મારા દીકરા સુકેતુની સાથે શોભે એવી આ નીતા જ છે. હવે ગમે તે થાય, મારા ઘરમાં પુત્રવધૂ તરીકે તો આ નીતા જ આવશે. આખા કાર્યક્રમમાં તેમણે જોયેલું કે આ એકદમ તરવરાટ ધરાવતી અલગ જ સ્ત્રી છે.
પછી તો માહિતી મેળવીને સંબંધ માટે કહેણ મોકલ્યું, પણ પહેલે ધડાકે ના આવી. બીજા બે-ત્રણ લોકો સાથે પણ વાત આગળ ધપાવી, પણ પરિણામ શૂન્ય આવ્યું. છેવટે સુકેતુના પિતા પોતે જ નીતાના ઘરે ગયા અને વાત કરી. નીતાના પિતા હીરજીભાઈ એક ખેડૂત હતા. વાત જાણીને તેઓ બોલ્યા, "બધી વાત સાચી ત્રિકમભાઈ, પણ અમે ગામડાના માણસો. ત્યાં મોટા બંગલામાં મારી છોકરી મૂંઝાઈ જાય. અમે તમારી આગળ નાના પડીએ, મન નથી માનતું."
"હીરજીભાઈ, મારી પર વિશ્વાસ કરો. મારી પાસે અઢળક સંપત્તિ છે, હું તમારે ઘરે લક્ષ્મી માંગવા નથી આવ્યો, બસ હું તો સરસ્વતીને માંગવા આવ્યો છું." હીરજીભાઈના બંને હાથ પોતાના હાથમાં લઈને ત્રિકમભાઈ ગળગળા થઈ ગયા.
અને સુકેતુ સાથે નીતાના લગ્ન થઈ ગયાં. લગ્ન પછી નીતાએ આખા ઘરનો કારોબાર સંભાળી લીધો અને સાથોસાથ સાસુ-સસરાના દિલ પણ જીતી લીધાં. હા, શિક્ષિકા તરીકેની નોકરી તેણે ચાલુ જ રાખી.
એક દિવસ સુકેતુએ કહ્યું, "હવે શું જરૂર છે આ નોકરીની? છોડી દે અને ઘરે આરામ કર. આ રોજનું અપડાઉન... અને આપણને ક્યાં કોઈ વાતની ઘટ છે કે તારે નોકરી કરવી પડે?"
"બસ, મજા આવે છે." નીતાનો આ જવાબ સાંભળીને સુકેતુ કશું જ ના બોલ્યો.
એ પણ સમજતો હતો અને માનતો હતો કે એના પગલાં થયા પછી જ તેનું નામ થયું હતું. પહેલાં એ બાપના નામે ઓળખાતો હતો, અને આજે એના નામથી એના પિતા ઓળખાય છે. ત્રિકમલાલ પણ સગાં-સંબંધીઓને કહેતાં, "મારી નીતા સારા પગલાંની છે, તે આવ્યા પછી જ મારા દીકરાની પ્રગતિ થઈ છે."
સમય વીતતો ચાલ્યો. સુકેતુ હવે એક જાણીતો ચહેરો બની ગયો હતો. મોટા સમારંભોમાં જતો, શાળાઓના ઉદ્ઘાટનોમાં જતો. તેનાં સેવાકાર્યોને લીધે તેના વિશે મેગેઝીન્સમાં છપાવા લાગ્યું. તે લગભગ એકલો જ જતો, સજોડે જતો નહીં. નીતાની સાદગી તેને સારી લાગતી નહીં.
"એક કામ કર, તું બ્યુટી પાર્લરમાં જા અને થોડીક હેર સ્ટાઈલ બદલાવ. તું સુંદર તો છે, પણ જમાના સાથે વધારે સુંદર દેખાવું જરૂરી છે." જમતાં જમતાં સુકેતુએ કહ્યું.
"કેમ, હું તમને નથી ગમતી?" નીતાએ પૂછ્યું.
"ના, એમ નથી. પણ લોકોને કેવું લાગે કે શહેરના જાણીતા સેલિબ્રિટીની પત્ની આવી ઓર્થોડોક્સ!" સુકેતુએ કહ્યું.
"પણ તે ભલે ને લાગે, મારે શું? મને તો બસ, આમાં જ મજા આવે છે..."
નીતાની દલીલ સામે સુકેતુ ક્યારેય વિરોધ કરતો નહીં. વીસ વર્ષમાં એક પણ પ્રસંગ એવો નહોતો આવ્યો જ્યારે બંને વચ્ચે નાનો એવો પણ ઝગડો થયો હોય, અથવા તો ઝગડો થાય એવું વાતાવરણ પણ નીતાએ કદી પેદા થવા દીધું નહોતું. ઘરના બધા જ વ્યવહારો તેણે સંભાળી લીધા હતા. આમેય તહેવાર અને વ્યવહાર તો સ્ત્રી જ સંભાળી શકે ને!
પણ મિત્રો આગળ સુકેતુ ખૂબ જ લઘુતાગ્રંથિ અનુભવતો. ક્યારેક મિત્રો કહેતા, "યાર, તારી પત્ની તો એકદમ સીધી અને સરળ છે. ખરો ભાગ્યશાળી છે તું!"
"યાર, મેં પણ સમજાવવાની કોશિશ કરી, પણ એ નથી સમજતી. જમાના સાથે કેમ ચાલવું એ એને નથી સમજાતું. બસ, બધી રીતે સારી પણ આ એક ખોટ છે. નસીબ મારા, બીજું શું!"
સમારંભોમાં સુકેતુ જતો; હાઈ હિલ્સ અને અધ્યતન મેકઅપ કરેલી સ્ત્રીઓને જોતો ત્યારે એનું મન ખીન્ન થઈ જતું. વિચારતો કે આ બધી કરતાં મારી પત્ની ખૂબ જ સુંદર છે, પણ એ આ રીતે તૈયાર થતી જ નથી! રાત્રિની પાર્ટીઓમાં એ એકલો જતો. બેકલેસ બ્લાઉઝમાં અને પરફ્યુમ્સની સોડમથી મઘમઘી ઊઠેલી સ્ત્રીઓને જોતો ત્યારે પોતાને પોતાની પત્ની 'મીના કુમારી' જેવી લાગતી.
એક વખત ચોમાસાનો સમય હતો અને સુકેતુને જયપુર એક કાર્યક્રમમાં જવાનું થયેલું. રેલવેના પ્રથમ વર્ગમાં આવવા-જવાની ટિકિટો બુક થયેલી. કાર્યક્રમ પત્યા પછી એ રેલવે સ્ટેશન પર આવ્યો. ત્યાં જ જાહેરાત થઈ કે દિલ્હીથી અમદાવાદ જતી તમામ ગાડીઓ રદ કરવામાં આવી છે. રેવાડી અને આગ્રા પાસે ધોધમાર વરસાદ પડવાથી રેલના ટ્રેક પર પાણી ફરી વળ્યાં છે.
થોડીવારમાં તો જયપુરમાં પણ વરસાદ તૂટી પડ્યો. માંડ માંડ કરીને તેને સ્લીપર ક્લાસમાં જગ્યા મળી. ટ્રેને અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. સાંજના આઠેક વાગી ગયા હતા.
પોતાની સામેની બર્થ પર એક યુવાન બેઠો હતો. થોડી વાતચીત થઈ. પછી તે યુવાને એક પુસ્તક કાઢ્યું. પુસ્તકના પાનામાંથી એક ફોટો કાઢ્યો. ફોટાને બંને આંખોએ ભાવપૂર્વક અડાડીને એ વાંચવા લાગ્યો. સુકેતુએ પૂછ્યું, "તમારા માતા-પિતાનો ફોટો છે?"
"ના, અમને ભણાવતા એ બહેનનો ફોટો છે."
સુકેતુએ ફોટો જોયો. એક સામાન્ય શિક્ષિકાનો સાવ સાદો ફોટો હતો. પછી વાત આગળ ચાલી. પેલો યુવાન બોલતો ગયો, "સાહેબ, નહીં માનો પણ જે એ બહેને પ્રાથમિક શાળામાં અમને મદદ કરેલી એવી કોઈએ નથી કરી. અમને કોઈ જરૂરી વસ્તુ એ લાવી આપતાં. હું નહીં, મારા જેવા અનેક વિદ્યાર્થીઓ આજે એ બહેનનો ફોટો પાકિટમાં કે પુસ્તકમાં રાખે છે. મેં તો સાહેબ મારા ઘરે પણ મારા રૂમમાં એક આવો મોટો ફોટો રાખ્યો છે! ઊઠીને એના જ દર્શન થાય!"
"બહેન ગરીબ છોકરાઓને ખૂબ જ મદદ કરતાં. સાડા ત્રણે એક રિસેસ પડે ત્યારે બહેન અમને શાળામાં નાસ્તો કરાવતા. જેની પાસે પૈસા હોય એ તો બહાર દુકાનમાંથી વેફર ખાઈ લે, પણ અમને તો વળી એ નાસ્તો આપતાં. તમે નહીં માનો કે એમણે અમારા પ્રવાસની ફી પણ ભરેલી છે." બોલતી વખતે મયૂરના મોઢા પર એક વિશિષ્ટ અહોભાવ છલકાતો હતો.
પછી તો ઘણી વાતો થઈ. બધા જ વિદ્યાર્થીઓ, જે અત્યારે સારા હોદ્દા પર છે, તેમણે બહેનને ભેટ આપવાનું નક્કી કરેલું. પણ બહેને કહેલું કે તમે જે રકમ આપવા માંગો છો, એ રકમ નજીકની પ્રાથમિક શાળાઓમાં જરૂરિયાતમંદ બાળકોને આપો; અને બધાએ એવું જ કર્યું.
ઘણી બધી વાતો થઈ. છેલ્લે મયૂરે એ પણ કહ્યું કે આ આજે તે બહેનને મળવા જઈ રહ્યો છે અને આવતા અઠવાડિયે તે સિંગાપોર જઈ રહ્યો છે. એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી છે. બહુ આજીજી કરી ત્યારે બહેને માંડ હા પાડી છે, કારણ કે બહેનને પ્રસિદ્ધિમાં જરાય રસ નથી.
પછી શાંતિ છવાઈ ગઈ. સુકેતુને લાગ્યું કે પોતે પોતાને એક મહાન હસ્તી ગણતો હતો, પણ આજે એની સામે આ યુવાને જે વાત કરી એના પરથી એવું ફીલ થાય છે કે એ સામાન્ય શિક્ષિકા આગળ તો એ સાવ ફીક્કો લાગે છે! પોતે ગમે તેટલું દાન કર્યું હોય, પણ કોઈ એનો ફોટો પાકિટમાં રાખતું નથી કે ઊઠીને એના દર્શન કરતું નથી. ધીમે ધીમે સુકેતુને લાગ્યું કે તેના મનમાં રહેલો ભ્રમ ઓગળી ગયો હતો.
અમદાવાદ આવ્યું. સુકેતુ અને મયૂર કાલુપુર રેલ્વે સ્ટેશને ઊતર્યા. બહાર નીકળીને સુકેતુએ મયૂરના હાથમાં રહેલું સરનામું જોઈને કહ્યું, "ચાલ મયૂર, તારે જ્યાં જવું છે ને એ રસ્તામાં જ આવે છે. હું તને ત્યાં ઉતારી દઈશ."
સુકેતુની ઓડી કાર પાસે ડ્રાઈવર ઊભો હતો. બંને કારમાં ગોઠવાયા. એક પોશ વિસ્તારમાં કાર એક બંગલાના ગેટ પાસે ઊભી રહી. મયૂરનો હાથ પકડીને સુકેતુ તેને બંગલામાં લઈ ગયો અને બૂમ પાડી:
"નીતુ, બહાર આવ! જો કોણ આવ્યું છે!"
સાંભળીને નીતુને નવાઈ લાગી. લગ્ન પછી એકાદ વર્ષ જ એ સુકેતુની 'નીતુ' હતી, પછી એ 'નીતા' થઈ ગઈ હતી! આજે ઘણા વર્ષે તેને પાછું "નીતુ" સાંભળવા મળ્યું હતું.
"અરે મયૂર, તું? આવ બેટા, આવ!" મયૂરે નીતાના ચરણસ્પર્શ કર્યા.
સામેની દીવાલ પર સુકેતુ અને નીતાનો સંયુક્ત ફોટો હતો. તે જોઈને તેણે કહ્યું, "સાહેબ, તમે મને છેક સુધી ના કહ્યું કે અમારાં બહેનના તમે પતિ છો? ખરા છો સાહેબ તમે, અને પૂરા ભાગ્યશાળી પણ છો!"
"બેટા, અમુક સમયે બોલવા કરતાં સાંભળવામાં જ આનંદ આવે! બસ, મજા આવે!" સુકેતુ ભીની આંખે બોલ્યો.
બધા ફ્રેશ થયા, બેઠા અને ચા પીધી. મયૂર જવા રવાના થતો હતો ત્યારે નીતાએ પૂછ્યું કે કાઈ જરૂર તો નથી ને?
"હા બહેન, એક મદદની જરૂર છે. મને એક ડિશ એ નાસ્તો મળશે, જે અમને સાડા ત્રણની રિસેસમાં મળતો?"
"હા, જરૂર!" નીતાની આંખો પણ ભીની થઈ ચૂકી હતી.
ડાઇનિંગ ટેબલ પર મયૂર બેઠો. એ જૂના અને મોટા મોટા ડબ્બામાંથી નાસ્તો નીકળ્યો શક્કરપારા, સેવ-મમરા, શીંગપાક વગેરે. એક મોટી ડિશમાં મયૂરને નાસ્તો અપાયો.
"મને પણ આ નાસ્તો મળી શકે?" સુકેતુએ કહ્યું. આ સાંભળીને નીતાને નવાઈ લાગી.
તે બોલી, "તમને આ ભાવશે? ફાવશે?"
"હા, બસ મજા આવે!" સુકેતુ બોલ્યો અને નીતાના મનમાં ખુશીના દીવડા સળગી ઊઠ્યા.
તમારા વખાણ બીજા કરે એ તો સારું જ લાગે, પણ સાવ અંગત વ્યક્તિ બીજાની હાજરીમાં વખાણ કરે ને, ત્યારે રોમ-રોમ આનંદિત થઈ ઊઠે! નીતા બંનેને નાસ્તો પીરસતી ગઈ અને મયૂર તથા સુકેતુએ ભરપેટ નાસ્તો કર્યો.
અને આજે જો તમે એ સુકેતુનું વોટ્સએપ ચેક કરો ને, તો ડિસ્પ્લે પિક્ચરમાં એની પત્નીનો સાદો અને સાડીવાળો એક ફોટો છે, અને એનું સ્ટેટસ આ પ્રમાણે છે: "માય ડિવાઈન ડ્રીમ, માય સોલ'સ ક્રીમ, માય નીતુ!"
©લેખક- મુકેશ સોજીત્રા.Ⓜ️💲
મુ. ઢસા ગામ તા. ગઢડા જિ.બોટાદ ૩૬૪૭૩૦
રિરાઈટ: હરેકૃષ્ણ ..
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

શીક્ષક ની આ વાર્તા ખરેખર સેવાભાવ વાળા આવા કળિયુગ માં પણ શિક્ષકો છે તેમને સમર્પિત
ReplyDelete