'છેલ્લો પ્રયાસ'
શાળાનો એ એકદમ શાંત ઓરડો હતો, પણ નયનના મનમાં જાણે કોઈ ભયંકર વાવાઝોડું ચાલી રહ્યું હતું! આજે છમાસિક પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. નયન આમ તો એકદમ તેજસ્વી અને હોશિયાર વિદ્યાર્થી હતો. વિજ્ઞાન હોય કે ભાષા, દરેક વિષયમાં એના માર્ક્સ હંમેશાં વર્ગમાં સૌથી ઊંચા રહેતા. પરંતુ, જ્યારે વાત ગણિતની આવે ત્યારે જાણે એના મગજના બધા જ દરવાજા બંધ થઈ જતા.છેલ્લો પ્રયાસ - લઘુકથા
એના હાથમાં રહેલા ગણિતના પેપર પર લાલ પેનથી મોટું 'ઝીરો' અને 'નાપાસ' લખેલું હતું. આ પહેલી વાર નહોતું બન્યું; સળંગ ત્રીજી વાર એ ગણિતમાં ફેલ થયો હતો. નયનની આંખોમાં આંસુ ધસી આવ્યા. એને પોતાની જાત પર એટલો ગુસ્સો આવી રહ્યો હતો કે એનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું.
"ઓહ ગોડ! આઈ હેટ મેથ્સ!! શા માટે બનાવ્યો હશે આ વિષય!" નયનથી અચાનક જ બબડી જવાયું.
ગુસ્સો, હતાશા અને નિરાશાની ચરમસીમાએ પહોંચીને, એણે પોતાના ડેસ્ક પર પડેલી ગણિતની જાડી ચોપડીને જોરથી ધક્કો માર્યો. ચોપડી હવામાં ફંગોળાઈને સીધી ક્લાસરૂમના ખૂણામાં જઈને પડી!
"આઈ ક્વિટ! મારાથી આ નહીં થાય!! ગમે તેટલું કરું, આ દાખલા મારા મગજમાં ઘૂસતા જ નથી. આઈ એમ અ લુઝર!" એણે બંને હાથમાં પોતાનું માથું પકડી લીધું અને રડી પડ્યો.
બરાબર એ જ વખતે ક્લાસરૂમના દરવાજા પાસે કોઈકના ઊભા રહેવાનો અવાજ આવ્યો. નયને આંસુ લૂછતાં ઊંચું જોયું. સામે ગણિતના શિક્ષક, રવિભાઈ ઊભા હતા! નયનને લાગ્યું કે હવે રવિભાઈ તેને ચોપડી ફેંકવા બદલ ખૂબ ખખડાવશે. પણ રવિભાઈના ચહેરા પર ગુસ્સાની કોઈ જ રેખા નહોતી. એમની આંખોમાં એક પિતા જેવી કરુણા અને સમજણ હતી.
રવિભાઈ ધીમેથી ચાલીને ખૂણામાં ગયા, નીચે પડેલી ગણિતની ચોપડી પોતાના હાથમાં લીધી, તેના પરથી ધૂળ ખંખેરી અને નયનની પાસે આવીને ઊભા રહ્યા.
"વોટ હેપન્ડ, નયન? આટલો બધો ગુસ્સો?" રવિભાઈએ એકદમ શાંત અવાજે પૂછ્યું.
નયનનો ડૂમો ફાટી ગયો, "રવિભાઈ, આઈ કાન્ટ ડુ ધીસ એનીમોર! હું ક્યારેય ગણિત નહીં શીખી શકું. આ વિષય મારા માટે છે જ નહીં. હું ગમે તેટલી પ્રેક્ટિસ કરું, પરીક્ષા વખતે બધું જ બ્લેન્ક થઈ જાય છે. ઈટ ઈઝ ટુ હાર્ડ ફોર મી!!"
રવિભાઈએ નયનના ખભા પર હાથ મૂક્યો અને સ્મિત કરતા કહ્યું, "નયન, ક્યારેય કોઈ દરવાજો એક ધક્કાથી ન ખૂલે, તો એનો અર્થ એ નથી કે દરવાજો કાયમ માટે બંધ છે. ચાલ મારી સાથે, મારે તને કંઈક બતાવવું છે."
નયન મૂંઝાયો, પણ રવિભાઈની પાછળ પાછળ ચાલવા લાગ્યો. રવિભાઈ તેને શાળાના પાછળના ભાગમાં આવેલા જૂના બગીચામાં લઈ ગયા. ત્યાં ખૂણામાં એક જૂનો પાણીનો નળ હતો, જે ઘણા સમયથી થોડો ખરાબ હતો અને તેમાંથી સતત પાણી ટપકતું રહેતું હતું. નળની બરાબર નીચે એક મોટો, કાળો અને કઠણ પથ્થર પડેલો હતો.
રવિભાઈએ એ પથ્થર તરફ આંગળી ચીંધી અને કહ્યું, "લૂક હિયર! આ પથ્થરને ધ્યાનથી જો નયન."
નયને ધ્યાનથી જોયું. એ મોટા કઠણ પથ્થરની બરાબર વચ્ચે એક ઊંડો ખાડો પડી ગયો હતો, અને એ ખાડામાં નળમાંથી પડતું પાણીનું ટીપું 'ટપ... ટપ... ટપ...' એમ સતત પડી રહ્યું હતું.
"તને શું દેખાય છે નયન?" રવિભાઈએ પૂછ્યું.
"રવિભાઈ, પાણીના ટીપાં પડી રહ્યા છે અને પથ્થરમાં ખાડો પડી ગયો છે," નયને સાવ સામાન્ય ભાવે જવાબ આપ્યો.
રવિભાઈએ નયનની આંખોમાં જોતા એકદમ હૃદયસ્પર્શી અવાજે કહ્યું, "બેટા, આ પાણીનું ટીપું કેટલું નરમ અને કોમળ હોય છે! અને આ પથ્થર... કેટલો કઠણ, મજબૂત અને જિદ્દી હોય છે!! જો આ પાણીનું એક ટીપું આ પથ્થર પર પડે, તો પથ્થરને કંઈ જ અસર થતી નથી. પણ... જ્યારે આ જ નરમ ટીપાં, સતત, દિવસ-રાત, મહિનાઓ સુધી એક જ જગ્યાએ પડતા રહે છે, ત્યારે તે આ કઠણ પથ્થરની છાતી ચીરીને એમાં પણ પોતાનું નિશાન બનાવી દે છે!!"
નયન એકીટશે એ પથ્થર અને પડતા ટીપાંને જોઈ રહ્યો હતો.
રવિભાઈએ વાત આગળ વધારી, "નયન, તારું ગણિત આ પથ્થર જેવું કઠણ હોઈ શકે છે. અને તારો એક મોટો પ્રયાસ કદાચ તેને તોડી નહીં શકે. પણ જો તું રોજ થોડી-થોડી મહેનત કરીશ, રોજ માત્ર પાંચ દાખલા ગણવાનો નાનો પ્રયાસ કરીશ, તો તારી એ સતત મહેનત આ કઠણ ગણિતમાં પણ સફળતાનો ખાડો પાડી દેશે! ડોન્ટ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ઇન વન ડે. જસ્ટ ટેક વન સ્મોલ સ્ટેપ એવરી ડે!"
એક શિક્ષકના આ હાર્ડ ટચ શબ્દો નયનના હૃદયની આરપાર નીકળી ગયા! એને અંદરથી જાણે એક જબરદસ્ત વીજળીનો ઝટકો લાગ્યો. એના મનમાં ચાલતું નિરાશાનું વાવાઝોડું એકદમ શાંત થઈ ગયું.
"યુ આર રાઈટ, રવિભાઈ!" નયનની આંખોમાં હવે હતાશા નહીં, પણ એક નવી ચમક હતી. "હું હવે ક્યારેય હાર નહીં માનું. આઈ વિલ ટ્રાય અગેઇન! હું પણ આ પાણીના ટીપાંની જેમ સતત પ્રયત્ન કરીશ!"
રવિભાઈએ સ્મિત સાથે નયનના હાથમાં એ ગણિતની ચોપડી પાછી આપી.
એ દિવસ પછી નયનની જિંદગી બદલાઈ ગઈ. એણે એક મોટું લક્ષ્ય રાખવાને બદલે, રોજ નાના-નાના લક્ષ્યો પૂરા કરવાનું શરૂ કર્યું. એણે નક્કી કર્યું કે તે રોજ માત્ર અડધો કલાક જ ગણિત કરશે, પણ પૂરા ધ્યાનથી. શરૂઆતમાં ભૂલો થઈ, કંટાળો પણ આવ્યો, પણ એને પેલો 'પથ્થર અને પાણીનું ટીપું' યાદ આવી જતું!
"જસ્ટ વન મોર ટ્રાય!" એ પોતાની જાતને કહેતો અને ફરી દાખલો ગણવા બેસી જતો. ધીમે-ધીમે એને સૂત્રો સમજાવા લાગ્યા. જે આંકડાઓ એને ડરાવતા હતા, તે હવે એની સાથે જાણે દોસ્તી કરવા લાગ્યા હતા. રવિભાઈ પણ એને અવનવી રીતોથી ગાઈડ કરતા રહ્યા. એના મનમાંથી ગણિતનો ડર સાવ ગાયબ થઈ ગયો.
સમય પાણીના રેલાની જેમ વહી ગયો. અને શાળાની વાર્ષિક પરીક્ષા આવી. નયને પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી.
થોડા અઠવાડિયા પછી પરિણામનો દિવસ આવ્યો. શાળાના નોટિસ બોર્ડ પાસે વિદ્યાર્થીઓનું ટોળું વળ્યું હતું. નયન ધડકતા હૃદયે બોર્ડ પાસે પહોંચ્યો. એણે પોતાનું નામ શોધ્યું.
અને એની આંખો પહોળી થઈ ગઈ!! એ આશ્ચર્યથી થીજી ગયો! ગણિતના વિષયની સામે લખેલું હતું: '૧૦૦ માંથી ૯૮ માર્ક્સ!'
નયન આખા વર્ગમાં ગણિતમાં પ્રથમ આવ્યો હતો! એની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા, પણ આ વખતે એ આંસુ નિરાશાના નહીં, પણ જબરદસ્ત જીતના હતા! એ તરત જ દોડીને સ્ટાફરૂમમાં ગયો અને રવિભાઈના ચરણોમાં ઝૂકી ગયો.
"થેન્ક યુ, રવિભાઈ!! થેન્ક યુ સો મચ! તમારા એ પાણીના ટીપાંએ આજે પથ્થર તોડી નાખ્યો!" નયને ગળગળા સાદે કહ્યું.
રવિભાઈએ એને ગળે લગાડ્યો અને ગર્વથી કહ્યું, "આઈ એમ પ્રાઉડ ઓફ યુ, માય બોય! તેં સાબિત કરી દીધું કે સાચી લગન હોય તો કોઈ પણ અશક્ય વસ્તુ શક્ય બની શકે છે."
બોધ: "સફળતા એક જ મોટા પ્રયત્નથી નહીં, પરંતુ સતત નાના પ્રયત્નોથી મળે છે." ©હરેકૃષ્ણ ..
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts
