ઈશ્વર બધું જુએ છે! (God sees everything!)

Related

ઈશ્વર બધું જુએ છે!

************************ અલકા ત્રિવેદી
સાત વાગ્યાનાં એલાર્મને માયરાએ બંધ કર્યું. બારીનો પડદો ખોલીને તેણે આળસ મરડી. ચાનો કપ લઈ તે બગીચામાં ઊભી રહી. જમીન ઉપર પારિજાતના ફૂલોની ચાદર પથરાઈ ગઈ હતી. તેણે સુગંધને શ્વાસમાં ભરી લીધી. આહાહા! આકાશમાં વાદળો ઘેરાયેલાં હતાં. તેણે માળીને બૂમ પાડી, "કિશનકાકા, જાસુદ અને કરેણના રોપા લાવજો. મોગરો પણ ભૂલતાં નહીં. ચોમાસું છે એટલે જલ્દી ચોંટી જશે." ...."બેટા, ગુલાબનો છોડ લાવું?"

AVAKARNEWS
ઈશ્વર બધું જુએ છે!

"મને રાતરાણી, મોગરો અને જૂઈ ગમે છે. તે બધાં સુગંધનો દરિયો કહેવાય." ત્યાં આકાશમાંથી બે ત્રણ ફોરાં હાથ ઉપર ટપક્યાં. તેને‌ સારું લાગ્યું. પહેલાં વરસાદનાં અમી છાંટણાં અને તેની નોકરીનો પહેલો દિવસ. બંને એક જ દિવસે. તે ઉત્સાહમાં હતી. તેનું નોકરી મેળવવાનું સપનું આજે પૂરું થયું‌ હતું.

આછાં પીળાં રંગનું પંજાબી પહેરી, લંચ પેક કરી તે ઓફિસ પહોંચી. નોકરીનાં પહેલાં જ દિવસે બીજાં ચાર જણાં પણ તેની સાથે નવાં જોડાયાં હતાં. તેની કોલેજમાં હતી એ પવિત્રાને જોઈને તેને નવાઈ લાગી! આવી મોટી કંપનીમાં તેનો નંબર કેવી રીતે લાગી ગયો! ત્યાં પવિત્રા સામેથી જ બોલી, "માયરા, તને જોઈ એટલે મને રાહત થઈ."

"થાય જ ને." માયરા બબડી.

પવિત્રા કોલેજમાં તેનાં દેખાવ અને ફેશનેબલ કપડાંને કારણે જાણીતી હતી. તેની ભૂરી આંખોમાં ઘણાં ડૂબી જવા માટે તૈયાર હતાં. તે બોલવામાં ચપળ અને નખરાળી‌ પણ ખરી જ. આજે તે ટૂંકું ટોપ અને સ્કર્ટ પહેરીને ઓફિસમાં આવી હતી. આઇલાઈનર તેની આંખોને વધુ મારકણી બનાવતું હતું. પાતળાં હોઠ ઉપર ડાર્ક ગુલાબી લિપસ્ટિક તો એકબીજાનાં પર્યાય જેવાં હતાં! તેનો સુંદર ચહેરો મેકઅપને કારણે વધુ સુંદર લાગતો હતો. તેનાં કપડાં ઉપર છાંટેલા પરફ્યુમથી આખી ઓફિસ મઘમઘી ગઈ હતી. માયરા એ બ્યુટી કવીનને જોતી જ રહી. પવિત્રાએ તેનાં કર્લી હેરને ઝાટકો આપીને માયરાને કીધું, "હું થોડી નર્વસ છું. ખબર નહીં કામકાજ ફાવશે કે નહીં?"

"તને ક્યાંય વાંધો ના આવે." પોતાનાં અવાજમાં કડવાશ છલકાઈ ના જાય એ માટે માયરાએ મહેનત કરવી પડી.

"હા, વાંધો તો ના આવે પણ નવો માહોલ છે એટલે... હવે તને જોઈને મારામાં હિંમત આવી છે. કંઈ કન્ફ્યુઝન હશે તો તને પૂછીશ."

"હા, ચોક્કસ." માયરાએ ના છૂટકે હા પાડી.

કોન્ફરન્સ રૂમમાં ફ્રેશર્સની ઓળખ વિધી‌ શરૂ થઈ. માયરાએ નોંધ્યું કે તેની તરફ કોઈનું ખાસ ધ્યાન ન હતું. મોટાભાગનાં પવિત્રા તરફ જ નજર રાખીને બેઠાં હતાં! મનને મનાવતાં તો તે વર્ષોથી શીખી ગઈ હતી. આજે પણ તેણે સકારાત્મક જ વિચાર્યું. પોતે સુંદર હોત તો કેટલી બધી નજરોનો સામનો કરવો પડત?

બહાર વરસાદ શરૂ થયો. અંદર અને બહાર ઠંડક પ્રસરી ગઇ. મેનેજરે બધાંનું ગુલાબની છડીથી સ્વાગત કર્યું. તેણે ગુલાબની છડીને બાજું પર મૂકી દીધી. પવિત્રા તો હાથમાં ગુલાબને રમાડતી જ રહી!

બધાં પોતપોતાનાં અલગ ક્યુબિકલમાં ગોઠવાયાં. અદ્યતન ઓફિસમાં પ્રવેશતાં જ મોટાં દરવાજા પછી કોરિડોર વચ્ચે માયરાનું ક્યુબિકલ હતું. સામેની સાઈડ પર મેનેજરની કેબીન હતી અને બાજુમાં પવિત્રાનું ક્યુબિકલ હતું. આવતાં જતાં બધાં માયરાને દેખાતાં. એટલું જ નહીં કોરિડોરમાંથી પસાર થતાં દરેકનો પગરવ પણ તેને સ્પષ્ટ સંભળાતો. જે વાતાવરણને જીવંત રાખવા માટે પૂરતો હતો. તેણે જોયું કે બાજુનાં ખુલ્લાં કબાટમાં જુની ફાઈલો હારબંધ ગોઠવેલી હતી. ઓફિસના સૌથી જુનાં સબ સ્ટાફ ઈશ્વરકાકા ગુલાબની છડી લઈને આવ્યાં.

"બેટા, આ તારી ગુલાબની છડી. ત્યાં કોન્ફરન્સ રૂમમાં રહી ગઈ હતી."

"રહી ગઈ નહોતી." તેણે ઈશ્વરકાકાને જણાવ્યું કે તે છડી મૂકીને જ આવી હતી. તેને ગુલાબ ગમતાં જ નથી.

કાકાને નવાઈ લાગી. "ગુલાબ તો..." પણ પછી તે અટકી ગયા. પોતે ચા કે કોફી શું પસંદ કરે છે તે પૂછીને તે જતાં રહ્યાં. કાકા ચાનો કપ લઈને આવ્યાં. એ ચાની ચૂસ્કીઓ લઈ રહી હતી ત્યારે કાકા થોડીવાર ઊભા રહ્યાં.

માયરાએ વિચાર્યું કે આ તો ઘેઘુર વડલો છે. મારાં દાદા જેવો. તેમની સફેદ વડવાઈઓ જેવી દાઢી કેટલીયે જૂની વાતોની સાક્ષી હશે. તેમનાં ચહેરાની કરચલીઓની વચ્ચે કેટલું બધું સચવાયેલું હશે. માયરા એમનાં ચહેરાને જોતી જ રહી. કાકા ખાલી કપ લઈને ગયા ત્યાં સુધી. ખાસ વાતચીત ના થઈ છતાં ઘણી બધી વાતો થઈ ગઈ હોય તેવું તેને લાગ્યું!

ઘેર આવી તેણે પપ્પાને પવિત્રાની વાત કરી. પપ્પા તો ખુશ થયાં.

"ઓફિસમાં એક બે ફિમેલ એમ્પ્લોઈ હોય તે જરૂરી છે. તું એકલી પડી જાત."

"પપ્પા, તમે પવિત્રાને ઓળખતાં નથી. તમે સમજો છો ને હું શું કહેવા માંગું છું?"

"બેટા, હું બધું સમજુ છું પણ આ કંઈ બ્યુટી કોન્ટેસ્ટ થોડી છે? મને ખાતરી છે કે તારું કામ બોલશે જ. તું ખોટી પેટ ચોળીને પીડા ઊભી કરે છે."

એ પપ્પાને સમજાવી ના શકી કે પવિત્રાનો કોલેજના દિવસોનો અનુભવ હજું એ તે ભૂલી નથી. સાંજે તે બાલ્કનીમાં ઊભી રહી ત્યારે તોફાની પવન સૂસવાટા મારતો હતો. બગીચાનાં બધાં વૃક્ષો ડોલવા લાગ્યાં હતાં. વીજળીનાં કડાકા પણ થયાં. દૂર કાળી સડક ઉપર કોઈ દેખાતું ન હતું. ત્યાંજ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો. હવે આરપાર કંઈ જ દેખાતું ન હતું. જાણે એક અપારદર્શક પડદો! બધું પાણી પાણી. ઠંડા વાતાવરણમાં તેને સારું લાગ્યું. વરસાદ તો તેનો મિત્ર હતો. તેની બધી જ ચિંતાને ધોઈ કાઢે.

સવારે ઊઠી ત્યારે માયરા એકદમ ફ્રેશ હતી. ચાનો કપ લઈને તે બાલ્કનીમાં ઊભી રહી. છોડવાઓ અને વૃક્ષોનાં પાંદડાઓ એકદમ લીલાંછમ લાગતાં હતાં. થોડે દૂર જોયું તો કાળી સડક પણ ચકચકિત થઈ ગઈ હતી. તે ઝડપથી તૈયાર થઈને ઓફિસ ગઈ. લંચના સમયે ઘણાં પવિત્રાની સાથે રસપૂર્વક વાતો કરી રહ્યાં હતાં.‌ મોટાભાગનાં સવાલ જવાબ ઓફિસના કામ સિવાયનાં જ હતાં. એ વાતચીતમાં તે ક્યાંય નહોતી.

"કોઈપણ તકલીફ હોય તો અમને કહેજો." ઉત્સાહી યુવાનોએ પવિત્રાને મદદ કરવાં હાથ લંબાવ્યા હતા. ફોન નંબરની આપ લે પણ થઈ ગઈ હતી. માયરા પોતાને મળેલાં પ્રોજેક્ટ માટે ખૂબ ઉત્સાહી હતી. તેનાં માટે આ કામ એકદમ સરળ હતું.

એ સાંજે જ પવિત્રા તેની પાસે આવી.

"મેં તો કામ શરૂ કર્યું નથી. મારે થોડી ગાઈડન્સ જોઈશે."

"ચોક્કસ, કાલે મળીએ." બંને છૂટાં પડ્યાં. બીજાં દિવસે જ્યારે માયરા પવિત્રાનાં ક્યુબિકલમાં ગઈ ત્યારે ત્યાં તો ત્રણ-ચાર જુવાનીયા પહેલેથી જ આવીને તેને જ્ઞાન પીરસી રહ્યાં હતાં! "કેરી ઓન" કહીને તે તરત બહાર નીકળતી ગઈ. જતાં જતાં તેની નજર ટેબલ પર પડી. મીઠાઈ પર માખીઓ બણબણતી હતી. તે પાછી આવીને પોતાનાં કામે લાગી ગઈ. મહિનાના અંતે પવિત્રાનો પ્રોજેક્ટ વહેલો પૂરો થઈ ગયો. જોકે માયરાને જરાયે નવાઈ ના લાગી.

પવિત્રાનો બીજો પ્રોજેક્ટ પણ ચાલુ થઈ ગયો. હવે ઓફિસમાં તેને મદદ કરવાં પડાપડી થતી. તેમાં મેનેજર પણ બાકાત ન હતા. પવિત્રા પર્સને હલાવતી હલાવતી ઓફિસમાં પ્રવેશતી તે સાથે જ આખી ઓફિસ આળસ મરડીને બેઠી થઈ જતી! મેનેજર તો પાછાં કહેતાં કે ન્યુ રિક્રુટીને કારણે ઓફિસ લાઈવ થઈ ગઈ છે! દિવસ દરમિયાન પવિત્રાનાં હાઇ હિલ્સનાં સેન્ડલનો ટક ટક અવાજ ઓફિસમાં ચોમેર ઘુમરાયા કરતો. ઘણાં તો કારણ વગર તેનાં ક્યુબિકલ પાસેથી પસાર થતાં. વળી તે ઓફિસમાં ના દેખાય તો સહકર્મચારીઓ રઘવાયા થઈ જતાં! તેને જુવે ત્યારે જ તેમનાં શ્વાસમાં શ્વાસ આવતો. આમ તો કોઈ કંઈ બોલતું નહીં પણ બધાંની આંખો ઘણું બધું બોલતી હતી.

છેવટે માયરાનો પોતાનો પ્રોજેક્ટ પતી ગયો. એ પણ એકલાં હાથે. પણ તેને આનંદ ના થયો! ઈશ્વરકાકા તેની મૂંઝવણ સમજી ગયા હતા. તેઓ ચા લઈને આવે ત્યારે માયરાને સલાહ આપતાં, "બેટા, મગજ ઠંડું રાખ. ધીરજથી કામ લે."

તે હસી પડતી અને કહેતી, "ઓફિસનો માહોલ બરાબર નથી. આમાં મગજ ઠંડુ ક્યાંથી રહે? એમાંય તમે પાછાં ગરમ ચા પીવડાવો છો."

"આ પરિસ્થિતિમાં જ તારે કામ કરવાનું છે. ઈશ્વર બધું જુએ છે."

"બીજાં જુએ કે ના જુએ. તમે તો જુઓ જ છો. તમે પણ ઈશ્વર જ છો ને?" ઈશ્વરકાકાનું એ વખતનું સ્મિત અલગ હતું.

પછી તેણે નક્કી કરેલું કે તે પવિત્રાનો વિચાર નહીં કરે. પવિત્રાને જે કરવું હોય તે કરે. જોકે તે થોડું સહેલું હતું? તે આજુબાજુનાં કયુબિકલસમાં ફર્યા કરતી દેખાતી જ હતી ને. પવિત્રા તો કસ્ટમર મીટીંગ, સ્ટાફ મીટીંગ બધાનું આયોજન કરવામાં રચીપચી રહેતી. એકવાર તેણે પવિત્રાને પૂછી પણ લીધું, "મુખ્ય કામ પડતું મૂકીને આવું ફાલતું કામ તને ગમે છે?"

"કામ તો કામ છે. ગમે તે હોય. શું ફેર પડે છે? મહિનો થાય એટલે ખાતામાં પગાર આવવો જોઈએ. બીજું આપણે શું જોઈએ?" એસીના ઠંડા પવનમાં પવિત્રાનાં વાળ લહેરાતાં હતાં.

ઓફિસમાં ઈશ્વરકાકા કટીંગ ચા સાથે તેનું અડધું દુઃખ દૂર કરી દેતાં. કાકા ફક્ત પાંચ મિનિટ ક્યુબિકલના મોટાં થાંભલા પાસે ઊભા રહેતાં. તેમને ખાલી કપ સાથે લઈ જવાની ટેવ હતી. જો કે તે ખાલી કપમાં ઘણું બધું સાથે લઈ જતાં! એ વાત ચોક્કસ હતી કે કાકાનાં ગયા પછી તે હળવીફૂલ થઈ જતી. ઘણીવાર તેને પોતાની જાત ઉપર શરમ આવતી. તેનું મન કહેતું કે તેણે પોતાનાં કામ સાથે જ મતલબ રાખવો જોઈએ. તો પણ ખબર નહીં કેમ પવિત્રાનો વિચાર તેને ઘેરી લેતો! પગાર તો બંનેના સરખાં હતાં એટલે જ કદાચ.

શરૂમાં તે પોતાનાં ક્યુબિકલથી ખુશ હતી. પણ હવે વાત જુદી હતી. તેને વારંવાર મેનેજરની કેબિનનો ખુલતો દરવાજો પરેશાન કરતો હતો. પવિત્રાનું ત્યાં વારંવાર જવું, તેનાં હાઇ હિલ્સ

સેન્ડલનાં અવાજો તેને કાનમાં હથોડાની જેમ વાગતાં. તે ઈશ્વરકાકાને પોતાની મૂંઝવણ કહેતી. કાકા તેને સમજાવતાં, "તારે અકળાવાની જરૂર નથી. ઈશ્વર બધું જુએ છે."

"ઈશ્વર ક્યાં જુએ છે? તમે સમજો છો ને હું શું કહેવા માંગુ છું?" તે ચાની વરાળ સાથે હૈયા વરાળ ઠાલવતી રહી.

"હું તો જોઉં છું કે તું દિલથી કામ કરે છે."

"તો મારે ઉપરવાળા ઈશ્વરનાં ભરોસે બેસી રહીને કામ ખેંચે રાખવાનું?"

"તારી પાસે બીજો વિકલ્પ છે? કોઈપણ પરિસ્થિતિનો પહેલાં ઉકેલ શોધવો પડે."

માયરા પાસે ક્યાં જવાબ હતો? તે ચૂપ રહી.

ઘરમાં પપ્પા પણ સમજી ગયા હતા કે ઓફિસમાં માયરાને તકલીફ છે. રજાનાં દિવસે પણ એ એકદમ ધૂંધવાયેલી હતી. તે દિવસે સાંજે માયરા હતાશ થઈને બાલ્કનીમાં ઊભી રહી. આકાશ એકદમ સ્વચ્છ હતું. એક સફેદ વાદળી આકાશમાં સૂરજનાં આથમતાં કિરણો સાથે રમતે ચડી હતી. કેસરી રંગ આકાશમાં ધીરે ધીરે પ્રસરી રહ્યો હતો. પોતાનો પ્રિય કેસરી રંગ પણ આજે તેને ગમ્યો નહીં! દૂર કાળી સડક ટ્રાફિકને કારણે ધમણની જેમ હાંફતી હતી. વાહનો ધુમાડા ઉલેચતા હતાં. તેણે ત્યાંથી નજર હટાવી લીધી. બગીચામાં રંગબેરંગી પતંગિયાં ગુલાબની આજુબાજુ જ ઉડતા હતાં. એને ગુસ્સો આવ્યો. રસોડામાં વાગતી કૂકરની સીટોઓ એને સંભળાઈ નહીં! હવે તેને ફક્ત પવિત્રાનાં ખિખિયાટા જ સંભળાતાં હતા! તેની આંખો ભરાઈ આવી. પપ્પા તેની બાજુમાં આવીને ઊભા રહ્યાં.

"માયરા, રસોડામાં ખીચડી ચોંટી ગઈ છે. હું પીઝા ઓર્ડર કરી દઉં છું. હવે મારી વાત સાંભળ. કાં તો તું નોકરી છોડી દે કાં તો લડી લે. આ રીતે ના જીવાય."

માયરા ઊંડા વિચારમાં પડી ગઈ.

બીજે દિવસે પરીનને‌ વારંવાર પવિત્રાનાં ક્યુબિકલમાં જતો આવતો જોઈને તે ફરી ઉકળી ઊઠી.

"આઇસ્ક્રીમ" ઈશ્વરકાકાના અવાજથી તે ચોંકી ગઈ.

"મિહિરભાઈની બર્થ ડે છે." કાકા આઈસ્ક્રીમ મૂકીને જતાં રહ્યાં. કલાક પછી તે ખાલી કપ લેવા આવ્યાં.

"બેટા, આઇસ્ક્રીમ તો પીગળી ગયો?"

"હા, ધ્યાન ના રહ્યું."

"જનરલ મેનેજર બ્રાન્ચ વિઝીટમાં આવે છે એટલે?"

"હા, તે પહેલાં મારે બે પ્રોજેક્ટ પતાવવાના છે. સમય જ ક્યાં છે?"

પછી તે બબડી, "સવારે જ મેનેજરે મૂડ બગાડી કાઢ્યો છે. પવિત્રાએ લંચ ડિનર વગેરેનું ધ્યાન રાખવાનું અને તેનાં પ્રોજેક્ટનું મારે ધ્યાન રાખવાનું!"

જનરલ મેનેજર ઓફિસમાં આવ્યાં અને દરેક સ્ટાફને મળ્યાં.‌ તેમણે વિગતવાર કામની પૂછપરછ કરી. પવિત્રા તો તેમની જોડે ને જોડે જ હતી. તે હવામાં ઉડતી હોય તેવું લાગતું હતું. જનરલ મેનેજર સાથે તેણે સેલ્ફી પણ પડાવી હતી. જનરલ મેનેજર ના ગયાં પછી તે પતંગિયાની જેમ ઉડી ઉડીને એ સેલ્ફી બધાંને બતાવતી હતી.

માયરાએ બે પ્રોજેક્ટ પતાવ્યા. તે બેવડા ભારથી થાકી ગઈ હતી. જનરલ મેનેજરને ઓફિસનું કામકાજ ગમ્યું હતું. તેથી મેનેજર ખુશ ખુશાલ હતા. તેમણે હરખને વહેંચવા ઓફિસમાં ટી પાર્ટી રાખી હતી. માયરા એ પાર્ટીમાં ગઈ જ નહીં. ઈશ્વરકાકા તેનાં માટે ચા લઈને આવ્યાં.

"બેટા, આટલું બધું અકળાવાની જરૂર નથી. ઉપરવાળો બધું જુએ છે."

"અત્યારે તો બધાં પવિત્રાની સેલ્ફી જુએ છે. તમે જોઈ?"

"તારાં માટે કોલ્ડ ડ્રીંક લાવું? મગજ ઠંડું રહેશે."

"ના, મારે કંઈ ખાવું-પીવું નથી. ચા પણ પાછી લઈ જાવ."‌‌ હવે તે કંટાળી હતી. અધૂરામાં પૂરું એક વર્ષમાં પવિત્રાને પ્રમોશન મળી ગયું. તે ઘણાં સિનિયરોને હરીફાઈમાં પાછળ રાખીને આગળ નીકળી ગઈ! તે જ દિવસે માયરાએ રાજીનામું મૂકવાનું નક્કી કરી લીધું.

ઈશ્વરકાકાએ તેને ઘણી સમજાવી. "તું તારું કામ કર. ઈશ્વર..." "બધું જુએ છે. એ જ તમારે કહેવાનું છે ને?" કાકા આગળ કંઈ બોલ્યા નહીં.

બીજાં દિવસે ઓફિસમાં વાતાવરણ બદલાઈ ગયું. મેનેજરે કોમ્પ્યુટર ખોલ્યું ત્યારે એક સાથે બે ઈમેઈલ હતાં. પવિત્રાની ટ્રાન્સફર હેડ ઓફિસમાં થઈ હતી અને માયરાએ રાજીનામું આપ્યું હતું. તેમણે નિસાસો નાંખ્યો. તેમણે બારીની બહાર નજર કરી. તેમણે ભારે હૈયે પવિત્રાની ફેરવેલ પાર્ટી રાખી. પાર્ટીમાં આછી પાતળી હાજરી હતી. પવિત્રા પણ મૂંઝાયેલી હતી. એમ બહારગામ જવું કંઈ સહેલું થોડું છે? જીગર, પરીન, કેવિન વગેરે સહ કર્મચારીઓ દેખાતાં ન હતાં.

ઈશ્વરકાકાએ માયરાને કહ્યું, "પવિત્રાને પ્રમોશન મળ્યાં પછી જાણે મોસમ જ બદલાઈ ગઈ છે!"

"કંઈ બદલાયું નથી. ઈશ્વર પણ જોતાં રહી ગયાં અને તે પ્રમોશન લઈને ઉડી..."

"ઘણો સિનિયર સ્ટાફ પ્રમોશન વગર રહી ગયો."

"કાકા, સિનિયર જુનિયરનો સવાલ નથી. કામનો સવાલ છે. પણ જવા દો એ વાત તમને નહીં સમજાય. આમ પણ મેં તો રાજીનામું આપી દીધું છે. એ મંજુર થાય એટલી જ વાર છે."

"ઓફિસને તારી ખોટ પડશે. તારાં જેવું કામ કોણ કરશે?"

"કાકા, તમને મારી કદર છે પણ ઓફિસને નથી. તે તો આંધળી છે. હવે મને વધારે બોલાવશો નહીં." તેની આંખોમાંથી અશ્રુ બિંદુઓ ટપકી પડ્યાં. તે ભારે હૈયે ઘેર જતી રહી.

બીજે દિવસ ઈશ્વરકાકાએ જણાવ્યું કે મેનેજર તેને બોલાવે છે.

માયરા સમજી ગઈ હતી કે તેનું રાજીનામું મંજૂર થઈ ગયું હશે. તેણે નિરાંતનો શ્વાસ લીધો. આમ પણ હવે તેને ઓફિસમાં ગુંગળામણ થતી હતી.

મેનેજર તેને જોઈને ઊભાં થઈ ગયા. તે હસીને બોલ્યાં, "મેડમ, અભિનંદન. તમારું રાજીનામું નામંજૂર થયું છે. મને જણાવતાં આનંદ થાય છે કે તમને વધારે પગાર સાથેનું પેકેજ ઓફર થયું છે. તમારાં હાથ નીચે હવે પાંચ વ્યક્તિનો સ્ટાફ કામ કરશે. યુ આર એ ટીમ લીડર..." મેનેજર બોલતાં રહ્યાં. સમાચાર સાંભળીને માયરાને આનંદ અને આશ્ચર્ય બંનેની અનુભૂતિ થઈ. તે અવઢવમાં પડી ગઈ.

"થેન્ક્યુ" કહી તે સીધી પોતાનાં ક્યુબિકલમાં આવી. તેનાં કોમ્પ્યુટરમાં મેનેજરે તેને ઈમેઈલ ફોરવર્ડ કર્યો હતો. તે સ્તબ્ધ થઈને બેસી જ રહી. ઈશ્વરકાકા આઇસ્ક્રીમ લઈને આવ્યાં. તે ચમકી ગઈ.

"તમને ક્યાંથી ખબર પડી? મેનેજરે કીધું?"

"ના, મેનેજરે મને કંઈ જણાવ્યું નથી. પણ તું ભૂલી ગઈ લાગે છે કે ઈશ્વર બધું જુએ છે." એ હસી પડ્યાં.

તેમણે ધીરે રહીને પોતાનો મોબાઈલ ખોલ્યો. મોબાઇલમાં માયરાને એક ફોટો બતાવ્યો. માયરાની આંખો પહોળી થઈ ગઈ. ફોટામાં જનરલ મેનેજર અને ઈશ્વરકાકા એકબીજાનાં ખભે હાથ મૂકીને ઊભેલા! મિત્રોની જેમ જ! તેણે આંખો પહોળી કરીને ફરી ફોટો જોયો.

"ઈશ્વરકાકા, તમે જનરલ મેનેજરને ઓળખો છો?"

"હાસ્તો. જનરલ મેનેજર એક જમાનામાં આજ ઓફિસમાં કામ કરતા હતા. તારી જેમ ખૂબ જ વરકોહોલીક હતા. તેમનાં કામને કારણે ધીરે ધીરે તે પ્રગતિ કરતાં ગયા અને કંપનીના જનરલ મેનેજર થઈ ગયા. પણ મારી સાથે તેમની મિત્રતા એવી ને એવી જ છે. આજે પણ અમદાવાદ આવે ત્યારે તારાં ભાભીનાં હાથનું જમ્યાં વગર જતાં નથી. મેં તો તને ઘણી વાર કીધું હતું કે ઈશ્વર બધું જુએ છે પણ તું સમજતી ન હતી એનું શું?."

"કાકા, ઈશ્વર તો બધું જુએ છે પણ મારાં ઈશ્વરકાકા મારું કામ જોતાં હતાં. તમે મારાં કામની વાત જનરલ મેનેજર સુધી પહોંચાડી દીધી!"

"હવે તું આઈસ્ક્રીમ ખાઈશ? મને સારું લાગશે."

"ચાલો, આપણે બંને આઈસ્ક્રીમ ખાઈએ. તમારી સાથે સેલ્ફી પણ લેવી છે. મારાં પપ્પાને સેલ્ફી બતાવીને કહેવું પડશે કે આ ઈશ્વર બધું જુએ છે. મારું બહું ધ્યાન રાખે છે. તેમનાં કારણે આજે હું ટકી ગઈ છું."

"ના, તારાં કામને કારણે તું ટકી ગઈ છું અને ઈશ્વર પણ બધું જુએ છે એ વાત પણ સાચી છે." તેમણે માયરાએ ટેબલ પર મુકેલાં ભગવાનનાં ફોટા સામું જોઈને કહ્યું. પછી બંનેનાં હસતાં ચહેરા મોબાઇલની સેલ્ફીમાં સેવ થઈ ગયાં.
______________
""Conclusion:
Be sure to check out our homepage for the Latest PostsThanks for visit this Post, Stay connected with us for more Posts.🌺

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"પ્રાયશ્ચિત" નવલકથાનો બીજો ભાગ પણ છે, જે પહેલા ભાગ કરતા પણ રહસ્યમયી અને રસપ્રદ છે. એ પણ ટુંક સમયમાં આવકાર વેબસાઇટ પર અપલોડ થઈ શકે છે.!!