પીજી હાઉસ (PG House Novel Part-1)

Related

પીજી હાઉસ પ્રકરણ 1

શ્રાવણ મહિનો ચાલી રહ્યો હતો. આમ પણ ચાતુર્માસમાં આધ્યાત્મિક ચેતના પૃથ્વીની ખૂબ જ નજીક હોય છે. દરેક ધર્મના સંતો આચાર્યો ઉપદેશકો આ ચાર મહિનામાં કોઈ ચોક્કસ સ્થળ પસંદ કરી ભાવિક ભક્તો સાથે સત્સંગ કરતા જ હોય છે.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

આવો જ એક અદભુત સત્સંગ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા મહેંદી નવાઝ જંગ હોલમાં છેલ્લા લગભગ એક મહિનાથી ચાલી રહ્યો હતો. ગુરુપૂર્ણિમાથી જ પ્રખર વિદ્વાન સ્વામી આત્માનંદજીનાં અદભુત પ્રવચનો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહ્યાં હતાં. દિવસે દિવસે ભીડ વધતી જતી હતી અને રવિવારે તો બેસવાની જગ્યા પણ મળતી ન હતી !

સ્વામીજી સવારે ૧૦ થી ૧૨ ગીતા ઉપર પ્રવચનો આપતા હતા જ્યારે સાંજે ૫ થી ૭ ગૂઢ વિષયો ઉપર લોકોને મંત્રમુગ્ધ કરતા હતા.

એક મહિનાના પ્રવચનમાં સ્વામીજીએ એવી એવી વાતો કરી હતી કે શહેરમાં ચારે બાજુ એમની જ ચર્ચા ચાલતી હતી. બુદ્ધિજીવીઓને પણ વિચારતા કરી દીધા હતા. શહેરનાં જાણીતાં વર્તમાનપત્રોએ પણ સ્વામીજીનાં પ્રવચનોની નોંધ લીધી હતી અને જાણે અજાણે સ્વામીજીનો પ્રચાર પ્રસાર કર્યો હતો.

આજના સોશિયલ મીડિયાના યુગમાં તો કેટલાક શ્રોતાઓએ સ્વામીજીનાં પ્રવચનોની વીડિયો ક્લિપ બનાવીને સોશિયલ મીડિયામાં ફરતી કરી દીધી હતી.

સ્વામી આત્માનંદજીની ઉંમર આમ તો ૭૦ ઉપર હતી પરંતુ અખંડ બ્રહ્મચર્યના પ્રતાપે અને યોગાભ્યાસના કારણે એમની ઉંમર માંડ ૬૦ આસપાસ લાગતી હતી. કદાવર દેહ, માથે ટાલ, ક્લીન શેવ ચહેરો અને ભગવાં કપડાં.

સ્વામીજીનું મૂળ વતન જૂનાગઢ હતું અને નાનપણમાં જ એમણે ગિરનારમાં દીક્ષા લઈ લીધી હતી. ગિરનાર પર્વતની ગુફામાં બેસીને એમણે ખૂબ જ તપશ્ચર્યા કરી હતી અને કેટલીક સિદ્ધિઓ પણ મેળવી હતી !

સ્વામીજી વ્યક્તિના પૂર્વજન્મને જોઈ શકતા હતા. અનેક વિદ્યાઓ એમણે સિદ્ધ કરી દીધી હતી. એમનાં સાંજનાં પ્રવચનોમાં આવી બધી ગૂઢ વાતોની ચર્ચા પણ એ કરતા હતા !

એક વાર એક બુદ્ધિજીવી યુવાને ઊભા થઈને સ્વામીજીને પ્રશ્ન કર્યો હતો કે "સ્વામીજી આપણા અનેક જન્મો થયા છે અને હવે પછી પણ થવાના છે એની ખાત્રી શું ? ગીતા જેવા ધર્મગ્રંથોમાં લખ્યું છે માટે આપણે માની લેવાનું ?"

સ્વામીજીએ હસીને જવાબ આપ્યો.

"તમારા માનવા ન માનવાથી કોઈ ફરક પડતો નથી કિરણભાઈ. જે સત્ય છે તે કદી બદલાતું નથી. તમે તો સારામાં સારું પાત્ર જોઈને પ્રેમલગ્ન કર્યાં હતાં તો પછી પત્નીને માત્ર બે જ વર્ષમાં છૂટાછેડા આપવા માટે કેમ તૈયાર થયા છો ? " સ્વામીજી બોલ્યા.

સ્વામીજીનો જવાબ સાંભળીને આખા હોલમાં હાસ્યનું મોજું છવાઈ ગયું.

પેલો યુવાન કે જેનું નામ ખરેખર કિરણ જ હતું એ સ્વામીજીના મુખે પોતાનું નામ સાંભળીને ચકિત થઈ ગયો. જાહેરમાં આ રીતે પોતાના લગ્નજીવનની ચર્ચા સાંભળીને છોભીલો પણ પડી ગયો.

" સ્વામીજી. અમારા બંને વચ્ચે રોજ ભયંકર ઝઘડા થાય છે. લગ્ન પહેલાં તો એ ઘણી સારી હતી. પરંતુ લગ્ન પછી ધીમે ધીમે એનું વર્તન એકદમ બદલાઈ ગયું છે. જીવન નરક બની ગયું છે. ખબર નહીં કયા જનમનું વેર વાળવા માટે મારા જીવનમાં આવી છે !" યુવાન બોલ્યો.

" બસ હવે તમે પોતે જ કબૂલ કરી લીધું કે કોઈ જનમનું વેર વાળવા માટે એ આવી છે. મતલબ કે તમારો અને એનો અગાઉ પણ કોઈ જનમ તો થઈ જ ગયો છે ! તમારો પૂર્વજન્મ તમે જાણતા નથી પણ હું જાણું છું. તમારી પત્નીને હોઠ ઉપર જમણી બાજુ નાનો મસો છે ? " સ્વામીજી બોલ્યા.

" જી સ્વામીજી. " પેલા યુવાને કબૂલ કર્યું.

" ગયા જનમમાં પણ એને આ મસો હતો. તમારી પત્નીને ગયા જનમમાં તમે બહુ જ દુઃખી કરી છે, બહુ જ ત્રાસ આપ્યો છે. બસ એનો બદલો તમારી પત્ની ચૂકવી રહી છે. ગયા જનમનું ફળ આ જનમમાં તમે ભોગવી રહ્યા છો." સ્વામીજી હસીને બોલ્યા.

આ ઘટનાની આખા શહેરમાં ચર્ચા થવા માંડી કે સ્વામીજી તો પૂર્વ જન્મ પણ જોઈ શકે છે - એક વ્યક્તિનું નામ પણ કહી દીધું. એની પત્નીના હોઠ ઉપરના મસા વિશે પણ સ્વામીજીએ કહી દીધું.

દુનિયામાં ચમત્કારને નમસ્કાર છે. આ ઘટના પછી તો શ્રોતાઓની ભીડ ઉભરાવા લાગી. શહેરમાં ચારે બાજુ સ્વામીજીની ચર્ચાઓ થવા લાગી. રવિવારના પ્રવચનોમાં વીઆઈપીઓની ભીડ વધવા માંડી. લોકો સ્વામીજીને વ્યક્તિગત રીતે મળવા પડાપડી કરવા લાગ્યા. ઘરે પધરામણી કરવા લાગ્યા.
 
************************
સ્વામીજી વિશેના આ સમાચાર દેવરાજ દેસાઈના કાને પણ પડયા. એણે છાપાંઓમાં તો સ્વામીજી વિશે વાંચ્યું જ હતું. પરંતુ બેંકની નોકરીમાં એને આવાં પ્રવચનો સાંભળવાનો ટાઈમ જ ક્યાં મળતો હતો ?

એચડીએફસી બેંકની મીઠાખળી બ્રાન્ચમાં દેવરાજ નોકરી કરતો હતો. બેંક સવારે ૧૦ વાગે ખૂલી જતી હતી અને એણે પોણા દસ વાગે હાજર થઈ જવું પડતું હતું. સાંજે છૂટવામાં પણ ક્યારેક સાત વાગી જતા. નોકરીને હજુ એક વર્ષ પણ થયું ન હતું અને એ પાછો ઓપરેશન્સમાં હતો એટલે ૧૫૦૦૦ થી વધારે પગાર એને મળતો ન હતો.

રવિવારે એને રજા રહેતી પરંતુ એ મામા મામીના ઘરે રહેતો હોવાથી રવિવારે સવારે બે કલાક એમનાં નાનાં બાળકોને ભણાવવામાં પસાર થઈ જતા. એ સિવાય મામી એને કોઈને કોઈ કામ સોંપી દેતાં. અને રવિવારે સાંજે તો ઈસ્ત્રી કરવાનાં કપડાંનો ઢગલો પણ તૈયાર જ હોય ! રવિવારનો આખો દિવસ આ રીતે એ ઘરમાં જ પૂરાઈ રહેતો !

૧૪ વર્ષની નાની ઉંમરે અકસ્માતમાં દેવરાજનાં મમ્મી પપ્પાનું એક સાથે અવસાન થયા પછી રાયપુરની પોળમાં આવેલું જૂનું મકાન બંધ કરીને એને ફરજિયાત મામા મામીના ઘરે રહેવા નારણપુરા આવી જવું પડ્યું હતું !

મામા મામી નારણપુરામાં અંકુર ચાર રસ્તા પાસે આવેલી રૂપલ પાર્ક સોસાયટીમાં રહેતાં હતાં. હર્ષદમામા નો સ્વભાવ તો થોડોક પણ સારો હતો પરંતુ નલિનીમામી ખૂબ ગુસ્સાવાળા સ્વભાવનાં હતાં. ૨૫ વર્ષનો થયો હોવા છતાં પણ દેવરાજની સાથે તો મામી તોછડાઈથી જ વાત કરતાં હતાં અને એક નોકર જેવો વ્યવહાર કરતાં હતાં.

સ્વામીજીનું પ્રવચન પાલડીના જે હોલમાં હતું એ હોલ એના ઘરથી ૨૦ ૨૫ મિનિટના રસ્તે હતો છતાં સ્વામીજીને સાંભળવા જવાનું દેવરાજના નસીબમાં ન હતું.

દેવરાજ એમબીએ ફાઇનાન્સ થયેલો હતો પરંતુ વધુ પગારની બીજી કોઈ નોકરી એને મળતી ન હતી. વધારાની આવક ઊભી કરવા માટે શેર બજારમાં રોકાણ કરવા પણ એની પાસે કોઈ મૂડી ન હતી કારણ કે મહિનાના પગારમાંથી હાથખર્ચીના માત્ર ૩૦૦૦ જ એને મળતા. બાકીના તમામ પૈસા મામી લઈ લેતાં હતાં.

સવારમાં વહેલા ઉઠી ઘરમાં કચરા વાળી, પાણી ભરી, બધાં માટે ચા મૂકવાનું કામ પણ દેવરાજને જ કરવું પડતું. એ સિવાય સવારમાં વોશિંગ મશીનમાં બધાનાં કપડાં નાખી દેવાનું અને ધોવાઈ જાય એટલે તાર ઉપર સૂકવી દેવાનું કામ પણ દેવરાજના માથે જ હતું !

એ પછી રોજ સવારે નજીકમાં જ આવેલા કામેશ્વર મહાદેવના મંદિરમાં પાણી ચઢાવવા માટે એ જતો. ગમે તે સીઝન હોય એક પણ દિવસ એ પાડતો નહીં. એ શિવનો અનન્ય ભક્ત હતો !

મંદિરેથી આવીને સવા નવ વાગે તો એ ટિફિન લઈને એકટીવા ઉપર નીકળી જતો. ઘરમાં ગમે તે રસોઈ બને પરંતુ એના ડબ્બામાં તો માત્ર રોટલી અને શાક જ હોય. મોટાભાગે તો રોટલી અને મગની દાળ જ હોય. દાળ ભાત માત્ર રવિવારે એને ખાવા મળતાં.

કહેવાય બેંકની નોકરી પણ આખો મહિનો માત્ર ૩૦૦૦ થી જ ચલાવવું પડતું ! વધારાની આવક ઉભી કરવા માટે એણે ભૂતકાળમાં પણ પ્રયત્ન કર્યા હતા પરંતુ એને સફળતા મળી ન હતી !! સાઈડ ઈન્કમ પેદા કરવા માટે ત્રણ મહિના પહેલાં કરેલો એક કડવો અનુભવ તો આજે પણ એ ભૂલી શકતો ન હતો !

બેંકની નોકરી જોઈન કર્યા પછી એણે શરૂઆતમાં જોયું કે બેન્કનો કેટલોક સ્ટાફ રોજ શેરબજારની જ વાતો કરતો અને રોકાણ પણ કરતો. દેવરાજને શેરબજારમાં કંઈ જ ગતાગમ પડતી નહીં. અને ગતાગમ પડે તો પણ પોતાની પાસે કોઈ મૂડી જ ક્યાં હતી ? પગાર બધો મામી જ લઈ લેતાં હતાં.

ચાર મહિના આ બ્રાંચમાં નોકરી કર્યા પછી એણે જોયું કે ઈનસ્યોરન્સ વિભાગમાં નોકરી કરતો મેકવાન નામનો એક ક્લાર્ક ખૂબ જ જલ્સા કરતો હતો. આખાય સ્ટાફમાં પાણીની જેમ પૈસા વાપરતો. કેન્ટીનમાંથી રોજ એકવાર ચા એના તરફથી જ આવતી. સ્ટાફના કેટલાક નાના કર્મચારી એની પાસેથી વ્યાજે પૈસા પણ લેતા અને હપ્તા ચૂકવતા.

એ આટલા બધા પૈસા કઈ રીતે કમાતો હશે એ દેવરાજ માટે કુતૂહલનો વિષય હતો. એ પણ બેંકમાં જ નોકરી કરતો હતો ને ? તો આટલી બધી વધારાની આવક એની પાસે કઈ રીતે આવતી ?

ઘણા દિવસના મનોમંથન પછી એણે એક વાર મેકવાનને મળવાનું નક્કી કર્યું. થોડા દિવસ એણે મેકવાનને હાય હલો કરવાનું ચાલુ કર્યું અને પછી એક દિવસ લંચના સમયે એ મેકવાન પાસે પહોંચી ગયો !

" કેમ છો મેકવાન ભાઈ ? તમે તો બેન્કમાં જલસા કરો છો સાહેબ !! આખી બેન્ક તમને સલામ કરે છે. અમને પણ આવો પૈસા કમાવાનો કોઈ રસ્તો બતાવો ને !! " દેવરાજે ધીમે રહીને કહ્યું.

"શું નામ તમારું ? " મેકવાને પૂછ્યું.

" હું દેવરાજ દેસાઈ...ચાર મહિના પહેલાં આ બેંક જોઈન કરી છે." દેવરાજ બોલ્યો.

" હા એ મને ખબર છે પણ મારી પાસે પૈસા કમાવાનો એવો કોઈ શોર્ટ કટ નથી દેસાઈ ....સોરી ! પહેલેથી જ હું સુખી ઘરનો છું. શોખથી બેંકની નોકરી કરું છું અને દિલથી પૈસા વાપરું છું." મેકવાને દેવરાજની સામે જોઈને કહ્યું.

" સારુ કહેવાય..બધાને તમારો લાભ મળે છે. નાના નાના કર્મચારીઓને તમે હેલ્પ પણ સારી કરો છો " દેવરાજે થોડો મસ્કો લગાવીને વાતની પૂર્ણાહુતિ કરી.

દેવરાજ ત્યાંથી તો ઉભો થઇ ગયો પણ એને મેકવાનની વાતથી સંતોષ થયો નહીં. નવો પરિચય હતો એટલે સાવ નવા માણસને એ ભલે અમુક વાતો ન કરે પણ નક્કી આ માણસ સાઈડમાં કંઇક તો કરે જ છે. દેવરાજે એ પણ નોંધ લીધી કે મેકવાન રોજ સાંજે સાડા પાંચ વાગે બેંક છોડી દે છે.

આમને આમ બીજા ત્રણેક મહિના નીકળી ગયા. એક દિવસ સાંજે ચાર વાગે બધું કામ પતી ગયા પછી એ એના કોમ્પ્યુટરમાં કેટલીક એન્ટ્રીઓ કરી રહ્યો હતો ત્યારે મેકવાન એની પાસે આવ્યો.

" બેંક બંધ થઈ જાય એટલે ગિરીશ કોલ્ડ ડ્રીંકસ ઉપર આવી જાઓ. તમારી રાહ જોઉં છું. " મેકવાન ધીરેથી બોલ્યો ને જતો રહ્યો.

છ વાગ્યે દેવરાજ ગિરીશ કોલ્ડ્રિંક્સ ઉપર પહોંચી ગયો ત્યારે મેકવાન ત્યાં જ ઉભો હતો. મેંગો જ્યૂસ ઓર્ડર કરીને મેકવાને વાત ચાલુ કરી.

"સાઈડ ઇન્કમ કરવી હોય તો એક તક મારી પાસે આવી છે. તમે તે દિવસે મને વાત કરેલી એટલે મેં તમને આજે અહીં બોલાવ્યા." મેકવાન બોલ્યો.

" થેન્ક્યુ મેકવાનભાઈ . તમે મારી વાત યાદ રાખી. પાર્ટ ટાઈમ નોકરી કરવામાં મને કોઇ જ વાંધો નથી. બે પૈસા કમાઈશ તો હાથ છૂટો રહેશે અને મામા મામી પાસેથી પૈસા માગવા નહીં પડે. ક્યાં નોકરી કરવાની છે ? હું તૈયાર છું. " દેવરાજ બોલ્યો.

"દેસાઈ આ કોઈ નોકરી નથી. પૈસા કમાવાની આ એક તક છે. બે નંબરનું કામ છે. થોડો રસ લેવાનો છે બસ. મહિને વીસ પચીસ હજાર આરામથી મળી જશે. દસ વાર વિચાર કરીને જવાબ આપજો. કોઈ ઉતાવળ નથી." મેકવાન બોલ્યો.

ત્યાં સુધીમાં બે મેંગો જ્યૂસ આવી ગયા. જ્યૂસ પીને મેકવાને બિલ ચૂકવી દીધું અને નીકળી ગયો.

દેવરાજ ક્યાંય સુધી બેસી રહ્યો. બે નંબરનો ધંધો હતો. ૨૫૦૦૦ બહુ જ મોટી આવક હતી. હા પાડવી કે ના પાડવી ? મેકવાને વિગતવાર વાત નહોતી કરી. ઈશારો કર્યો હતો કે બે નંબરના ધંધો છે. શું સમજવું ?

ઘરે જઈને પણ આખી રાત મનોમંથન કરતો રહ્યો. શું કામ કરવાનું છે એ તો એકવાર જાણવું જ પડશે મેકવાન પાસેથી. હા કે ના નો નિર્ણય તો એ પછી જ લઈ શકાય ને ?

બે દિવસ પછી એણે મેકવાનને કહ્યું "મારે તમને મળવું છે "

અને એ જ સાંજે ફરી એ જ જગ્યાએ દેવરાજ મેકવાનને મળ્યો.

" મેકવાનભાઈ તમારી વાત ઉપર મેં ઘણો વિચાર કર્યો છે પણ કામનો પ્રકાર જાણ્યા વગર તો હું હા કે ના કઈ રીતે કહી શકું ? બે નંબરના કામ અનેક હોઈ શકે. મારે શું કરવાનું છે એની જરા સ્પષ્ટતા કરો તો હું કોઈ નિર્ણય લઈ શકું." દેવરાજે પૂછ્યું.

" જુઓ દેસાઈ, કેટલાક ધંધા એવા હોય છે જેની જાહેરમાં ચર્ચા ન હોય. અને એકવાર તમે એ ધંધામાં ઘૂસ્યા એટલે તમે ક્યારેય પણ પાછા નહીં વળી શકો. તમે ધારો તો આ કામમાં માલામાલ પણ થઈ શકો પણ એ તમારી હિંમત ઉપર આધાર છે. તમે સો ટકા તૈયાર હો તો જ આગળ વાત કરાય નહીં તો આપણે છુટા પડીએ. તમને દશ દિવસનો ટાઈમ આપું છું." કહીને મેકવાન નીકળી ગયો.

દેવરાજ હવે ખરેખર મૂંઝાઈ ગયો હતો. એ સીધો સાદો માણસ હતો. આવા બે નંબરના ધંધામાં કાલ ઊઠીને કંઈક થઈ જાય અને પોતે ફસાઈ જાય તો મામા મામી ઘરમાંથી જ કાઢી મૂકે. ના ના મારે આમાં પડવા જેવું નથી !!

પરંતુ એનો આ નિર્ણય લાંબો ચાલ્યો નહીં. રોજ મનને મારવું પડતું હતું. હવે કંઈક તો કરવું જ પડશે. બે નંબર તો બે નંબર. જોયું જશે. ૭ મહિનાની બેંકની નોકરી થઈ પણ ખાતામાં બેલેન્સ જ નથી. આજે જ મેકવાનને મળી લઉં.

"મેકવાનભાઈ મેં નિર્ણય લઈ લીધો છે. આજે આપણે મળીએ છીએ." દેવરાજે મેકવાનના ટેબલ પાસે જઈને ધીમેથી વાત કરી અને પોતાના કાઉન્ટર પર જતો રહ્યો.

સાંજે છ વાગે ગિરીશ કોલ્ડ ડ્રિંક્સ ઉપર ફરી પાછા બંને ભેગા થયા. સૌથી પહેલાં મોસંબીનો જ્યુસ પી લીધો.

" મારે શું કરવાનું છે એ મને કહો અને મને દર મહિને કેટલી રકમ મળશે એ પણ ખુલાસો કરો." દેવરાજ બોલ્યો.

" જુઓ દેસાઈ તમે એકવાર હા પાડશો એટલે હું તમારી મુલાકાત પાર્ટી સાથે કરાવી દઈશ. પણ પછી તમે ના નહીં પાડી શકો !! બે નંબરના ધંધાનો આ નિયમ છે. આ ધંધામાં પોલીસનું પણ જોખમ રહે છે. ના થાય તો વર્ષો સુધી કંઈ પણ ન થાય. કિસ્મત સાથ ના આપે તો પકડાઈ જવાય. તમે સારા માણસ લાગો છો એટલે આટલી વાત કરું છું. " મેકવાન બોલ્યો.

" મેં હવે નક્કી કરી જ લીધું છે મેકવાનભાઈ. આ પાર કે પેલે પાર. હવે વધારાની કમાણી વગર ચાલે તેમ નથી. ગમે તેવું રિસ્ક હશે તો પણ હું તૈયાર છું. " દેવરાજ બોલ્યો.

" ઠીક છે. ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરવાની છે. કેરિયરનું કામ છે. તમારે રોજ તમારા એકટીવા ઉપર ચોક્કસ જગ્યાએ માલ પહોંચાડી દેવાનો. બસ રોજ માત્ર એક જ ડિલિવરી ટ્રીપ કરવાની રહેશે. મહિને વીસેક હજાર તો મળી જ જશે. તમે જેટલું વધુ કામ હાથમાં લો એટલા તમને વધારે પૈસા મળે. બોલો આ કામ ફાવશે ? " મેકવાન બોલ્યો.

" મેકવાનભાઈ મારી પાસે કોઈ ચોઈસ નથી. હું તૈયાર જ છું. બોલો હવે કેવી રીતે કરીશું ? " દેવરાજ બોલ્યો.

" ઠીક છે પરમ દિવસ રવિવાર છે તમે દસ વાગે આ જગ્યાએ જ આવી જજો. હું તમને મુન્નાભાઈ પાસે લઈ જઈશ. " મેકવાને કહ્યું.

દેવરાજ સમય પ્રમાણે રવિવારે એકટીવા લઈને પહોંચી ગયો. મેકવાન એને અમરાઈવાડીના અડ્ડા ઉપર લઈ ગયો. મુન્નાભાઈને જોઈને બે મીનીટ તો દેવરાજને પાછા વળી જવાનું મન થયું. એને લાગ્યું કે એ જાણે અંડરવર્લ્ડમાં આવી ગયો !!

" અરે મેકવાન...યે કિસકો ઉઠાકે લાયા ? યે તો પઢા લિખા લગતા હૈ ! ઉસકા ચહેરા ભી માસુમ હૈ. યે સાલા કેરિયરકા કામ ક્યા કરેગા ?" મુન્નાભાઈ બોલ્યા.

" મેરા ભરોસા કરો મુન્નાભાઈ. ઉસકો પૈસોંકી જરૂરત હૈ ઓર એકદમ નેક આદમી હૈ . મેં ભી તો પઢા લીખા હી હું ના !! વો માલ પહુચા દેગા ભાઈ ! મેં ઉસકો બબલુ સે ઔર ઉસ્માનભાઈ સે ભી મિલવા દુંગા " મેકવાન બોલ્યો.

"ઠીક હે ઠીક હૈ...રખ લેતા હું" કહીને મુન્નાભાઈએ દેવરાજની સામે જોયું "રોજ શામ કો સાત બજે યહાં આ જાને કા ! યહાં મેકવાન તુમ કો મિલેગા ! તુમકો માલ ઓર એડ્રેસ દે દેગા. તુમ ડિલિવરી કર દેના. બાકી બાતેં મેકવાન તુમ કો સમજા દેગા ! " મુન્નાભાઈ બોલ્યા.

" જી " દેવરાજ માંડ માંડ બોલ્યો.

પરંતુ મુન્નાભાઈનો કરડો દેખાવ અને એનો અડ્ડો જોઈને દેવરાજ ત્યાંથી લગભગ ભાગી જ નીકળ્યો. હવે દેવરાજને ખ્યાલ આવી ગયો કે મેકવાન પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવતા હતા !! અડ્ડામાં ગયા પછી એ ખરેખર ટેન્શનમાં આવી ગયો હતો. એનો અંતરાત્મા એને સતત ડંખતો હતો ! એક બ્રાહ્મણનો દીકરો થઈને એ કયા રસ્તે જવા માગતો હતો !!

એ નાનો હતો ત્યારે પોતાની મમ્મી સાથે સારંગપુરની પોળમાં આવેલા રણછોડજીના મંદિર હોલમાં ક્યારેક સાંજે સત્સંગમાં જતો. ચાતુર્માસમાં કોઈને કોઈ મહારાજનું પ્રવચન ત્યાં ગોઠવાતું. એને મહારાજના શબ્દો યાદ આવ્યા.

" જીવનમાં ગમે તેવી તકલીફો આવે પણ હંમેશા રાજમાર્ગ પકડવો. કદી પણ શોર્ટ કટ શોધવાનો પ્રયત્ન ન કરવો. ટૂંકો માર્ગ શોધવામાં ખોટા માર્ગે ચડી જવાનો ભય હોય છે. રસ્તો ભલે લાંબો હોય, ધીરજથી પસાર કરવો. લાંબા રસ્તે કોઈને કોઈ માર્ગદર્શક મળી જ જાય છે. ટૂંકા રસ્તે નહીં. "

એ આખી રાત એને ઊંઘ ન આવી. મુન્નાભાઈ, બબલુ, ઉસ્માનભાઈ .... હે ભગવાન... હું કયા રસ્તે ચડી ગયો !!! દેવરાજ આખી રાત મંથન કરતો રહ્યો. દારૂની હેરાફેરી કરવાનું આ કામ એના સ્વભાવને બિલકુલ અનુકુળ નહોતું.

દેવરાજ બીજા દિવસે સવારે રોજ કરતાં વહેલો ઓફિસ પહોંચી ગયો. જેવો મેકવાન દેખાયો કે તરત એને બે મિનિટ માટે બહાર લઈ ગયો.

" મેકવાનભાઈ મને માફ કરી દેજો. આખી રાત હું સૂતો નથી....આ કામ મારું નથી....ભૂખે મરી જાઉં પણ આવું કામ હું ના કરી શકું ! ...અને તમે ચિંતા ના કરો....હું તમારા વિશે કંઈ જ જાણતો નથી.....તમે શું કરો છો, શું નહીં મને કોઈ મતલબ નથી....અને હું કોઈને કહેવાનો પણ નથી...મહાદેવની સોગંદ !! " દેવરાજ બે હાથ જોડીને બોલ્યો.

"નો પ્રોબ્લેમ દેસાઈ... પણ આ વાત ભૂલેચૂકે પણ બહાર આવવી ના જોઈએ.. નહીં તો મુન્નાભાઈ કેવા માણસ છે એ મારે તમને સમજાવાની જરૂર નથી !! " અને મેકવાન જતો રહ્યો.

પરંતુ દેવરાજ ખરેખર બચી ગયો હતો. એક મહિના પછી મેકવાન જે અડ્ડા ઉપર બેસતો એ મુન્નાભાઇના અડ્ડા ઉપર પોલીસની રેડ પડી હતી અને મેકવાન ઇંગ્લીશ દારૂની બોટલો સાથે રંગે હાથ પકડાઈ ગયો હતો. છ મહિનાની એને જેલ થઈ હતી જેના કારણે એની બેંકની નોકરી ચાલી ગઇ હતી. છાપામાં નામ આવી ગયું હતું એ વધારાનું !!

દેવરાજને ત્રણ મહિના પહેલાંનો આ પ્રસંગ અચાનક યાદ આવી ગયો. પોતે બચી ગયો એના માટે એણે મહાદેવનો આભાર પણ માન્યો હતો. પરંતુ હવે વધારાની આવક ઊભી કરવા માટે એની પાસે ખરેખર કોઈ જ રસ્તો ન હતો !

પોતે પાછલા જન્મમાં કંઈક તો ખરાબ કર્મો કર્યાં જ હશે ! આમ ને આમ જિંદગી ના જીવાય. મામા મામીના ઘરમાં નોકરની જેમ કાયમ ના રહેવાય. આ ઘરને છોડી દેવું જ પડશે. બેંકની નોકરી પણ ભલે છૂટી જાય. મારી પાસે ડિગ્રી છે. ક્યાંક તો નોકરી મળી જ રહેશે. અમદાવાદ છોડવું પડે તો પણ ભલે !

પરંતુ એ પહેલાં પાલડીના હોલમાં જઈને એકવાર મારે સ્વામીજીનાં દર્શન કરવાં પડશે. એ પૂર્વજન્મને પણ જોઈ શકે છે. સ્વામીજીને મળવાથી કદાચ મારા પૂર્વજન્મ વિશે જાણી શકાય અને કદાચ કોઈ માર્ગ પણ મળે !!!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."