પીજી હાઉસ પ્રકરણ 2
દેવરાજ પોતાની જિંદગીથી કંટાળી ગયો હતો. ખાસ કરીને મામીના ત્રાસથી એ વધારે ત્રસ્ત હતો. બેંકમાં નોકરી હોવા છતાં પણ બધો જ પગાર મામી લઈ લેતાં હતાં અને પોતે મુફલિસની જેમ જિંદગી જીવતો હતો. મામી પણ ઘરના નોકર જેવો વ્યવહાર કરતાં હતાં.પીજી હાઉસ નવલકથા
દેવરાજે બેંકની નોકરી છોડીને ઘર પણ છોડી દેવાનો નિર્ણય લીધો. સુરત કે વડોદરા જેવા શહેરમાં જઈને જે મળે એ નોકરી લઈ લેવી એવો નિર્ણય પણ એણે લીધો. પોતાની પાસે ફાઇનાન્સની ડીગ્રી છે તો તાત્કાલિક બેંકમાં ના મળે તો પણ પ્રાઇવેટમાં તો નોકરી મળી જ જશે. ! પૂરો પગાર હાથમાં આવશે તો થોડીક બચત પણ થઈ શકશે.
રાયપુરની પોળમાં આવેલું બે માળનું સ્વતંત્ર મકાન જો વેચાઈ જાય તો ઓછામાં ઓછા ૩૦ ૪૦ લાખ રૂપિયા હાથમાં આવે પરંતુ બધા જ કાગળિયા મામી દબાવીને બેઠાં હતાં. મામીની નજર એ મકાન ઉપર જ હતી.
મામાએ એટલું કામ સારું કર્યું હતું કે બે વર્ષ પહેલાં પપ્પાની રાયપુરની એ પ્રોપર્ટી દેવરાજના નામે કરી દીધી હતી જેથી પાછળથી કોઈ લીગલ પ્રોબ્લેમ ઊભા ન થાય. દેવરાજના નામે પ્રોપર્ટી થયા પછી મામીએ દેવરાજ પાસે પાવર ઓફ એટર્ની લખાઈ લેવા માટે ખૂબ જ દબાણ કર્યું હતું. પરંતુ દેવરાજે મચક આપી નહોતી. એ પછી જ મામીનો વ્યવહાર વધુ બગડી ગયો હતો.
દેવરાજ ખરેખર કંટાળી ગયો હતો. વર્ષોથી મામીનો ત્રાસ સહન કરી રહ્યો હતો. ૨૫ વર્ષનો થયો છતાં પણ કોઈ જ સ્વતંત્રતા નહીં. ઘરે પહોંચ્યા પછી મામી એને નવરો બેસવા દેતાં ન હતાં.
પરંતુ સ્વામી આત્માનંદજી કોઈના પણ પૂર્વજન્મને જોઈ શકે છે એ વાત સાંભળીને ઘર અને અમદાવાદ છોડતાં પહેલાં સ્વામીજીને એક વાર મળવાનું એને કુતૂહલ થયું. એક વાર તો મારા પૂર્વજન્મ વિશે જાણવું જ જોઈએ. કદાચ મારા મનનું સમાધાન થાય !
એણે એના ખાસ મિત્ર આદિત્ય વશીને ફોન કર્યો. અમદાવાદમાં એના કુલ ત્રણ મિત્રો હતા. આદિત્ય વશી, વિહાન જોષી અને કાર્તિક ઓઝા.
આદિત્ય સોફ્ટવેર એન્જિનિયર બન્યો હતો. વિહાન જોષી ડોક્ટર બની ગયો હતો જ્યારે કાર્તિક ઓઝા અમદાવાદના એક મોટા ડાઇનિંગ હોલમાં મેનેજર હતો.
"અરે આદિ.. સ્વામી આત્માનંદજી વિશે સાંભળ્યું છે ? આજકાલ ચારે બાજુ એમની ચર્ચાઓ ચાલે છે. જો તું આવે તો કાલે શનિવારે આપણે બંને સાથે જઈને સ્વામીજીને મળીએ. રવિવારે તો પાછી બહુ જ ભીડ થતી હોય છે. આપણો નંબર જ ના લાગે. " દેવરાજ બોલ્યો.
" મારું તું છોડ. તું પોતે બેંકમાંથી વહેલો આવી શકીશ ? તું છ વાગે છૂટે છે અને સીધો હોલમાં આવી જાય તો પણ સાડા છ તો થઈ જ જાય. ચાર વાગ્યા પહેલાં આવી જાય તો જ એમને મળી શકાય. એક વાર પ્રવચનો ચાલુ થઈ જાય પછી ભીડ વધી જાય છે અને વ્યક્તિગત મુલાકાત તો પછી થઈ જ ના શકે. હું પોતે એકવાર પ્રવચન સાંભળવા જઈ આવ્યો છું. સાક્ષાત શુકદેવજી જેવી વાણી છે " આદિત્ય બોલ્યો.
"મેં આવતી કાલની રજા જ લીધી છે. સવારે ગીતાજીના પ્રવચનમાં પણ હાજરી આપવાનો છું. બપોરે બહાર જમી લઈશ. સાડા ત્રણ વાગ્યે હું હૉલ ઉપર પાછો આવી જઈશ." દેવરાજ બોલ્યો.
"વાહ તેં તો બધી જ તૈયારી કરી લીધી છે. ઓકે. કાલે સાડા ત્રણ વાગ્યે હૉલ ઉપર જ મળીશું. " આદિત્ય બોલ્યો.
આદિત્ય વશી, વિહાન, કાર્તિક અને દેવરાજ દેસાઈ એક જ સ્કૂલમાં ભણેલા હતા. કોલેજથી બધા છૂટા પડી ગયા હતા પરંતુ દોસ્તી ટકી રહી હતી. આદિત્યના પિતા ઈશ્વરલાલ વશી જાણીતા વકીલ હતા અને અનાવિલ સમાજમાં આગળ પડતા હતા. આદિત્ય પોતે સોફ્ટવેર એન્જિનિયર હતો.
બીજા દિવસે સવારે દેવરાજ રાબેતા મુજબ વહેલો ઉઠી ગયો. ઘરનું બધું કામ પણ પતાવી દીધું. કામેશ્વર મહાદેવનાં દર્શન કરી જળ પણ ચઢાવી આવ્યો. એણે ઘરમાં રજાની કોઈ જ વાત ના કરી.
એ સમય પ્રમાણે જ ઘરની બહાર નીકળી ગયો. ઘરેથી મામીએ એને એક ડબામાં મગ અને બીજા નાના ડબ્બામાં પાંચ ફૂલકા રોટલી ટિફિનમાં પેક કરી આપી હતી. દેવરાજે બંને ડબ્બાનું ટિફિન રસ્તામાં એક ગાયને ખવડાવી દીધું. એણે ઉસ્માનપુરા થઈ સીધો આશ્રમ રોડ પકડ્યો અને પાલડી ચાર રસ્તા ઉપર આવેલા હૉલમાં પહોંચી ગયો.
દેવરાજ એકટીવા પાર્ક કરીને હૉલની અંદર ગયો. સ્વામીજીનું પ્રવચન હજુ હમણાં જ શરૂ થયું હતું અને એ ગીતા ઉપર પ્રવચન કરી રહ્યા હતા.
" તમામ શાસ્ત્રોનો સાર ગીતામાં છે અને જે ગીતામાં નથી તે બીજા કોઈ પણ શાસ્ત્રમાં નથી. ગીતામાં વેદની વાતો છે, ઉપનિષદની વાતો છે, પુરાણોની વાતો છે. વેદ વ્યાસે મહાભારતમાં ગીતા લખીને આ જગત ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે." સ્વામીજી બોલી રહ્યા હતા.
"ભગવાન રામચંદ્ર સૂર્યવંશી હતા અને એમની ૧૨ કળાઓ હતી તો શ્રીકૃષ્ણ ચંદ્રવંશી હતા અને એમની ૧૬ કળાઓ હતી. આ તમામ કળાઓ શ્રીકૃષ્ણના વ્યક્તિત્વમાં ખીલી ઉઠી હતી. એમણે રચેલી ગીતા જેણે જીવનમાં ઉતારી એનો મોક્ષ થઈ જાય છે. " સ્વામીજીની વાણી મંત્રમુગ્ધ થઈને શ્રોતાઓ સાંભળી રહ્યા હતા.
બપોરે ૧૨ વાગે પ્રવચન પૂરું થઈ ગયું એટલે વ્યાસપીઠ ઉપર બિરાજેલા સ્વામીજીને પ્રણામ કરવા માટે કેટલાક ભક્તોએ લાઇન લગાવી. ૧૦ ૧૫ મિનિટ પછી સ્વામીજી ઊભા થઈને કોઈ ભક્તની સાથે બહાર નીકળી ગયા. હોલ પણ ધીમે ધીમે ખાલી થઈ ગયો.
દેવરાજે ટિફિન તો ગાયને ખવડાવી દીધું હતું એટલે એણે એકટીવાને આશ્રમ રોડ ઉપર આવેલા સૌરાષ્ટ્ર ડાઇનિંગ હોલ તરફ લીધું અને ત્યાં જઈને ઘણા સમય પછી એણે મનગમતા ભોજનનો સ્વાદ માણ્યો.
જમીને બહાર નીકળ્યો ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે અડધો કલાક એણે ડાઇનિંગ હોલના પેસેજમાં જ પસાર કર્યો. સવા બે વાગ્યા હતા. એણે એકટીવા ફરી પાલડી તરફ લઈ લીધું અને અઢી વાગે હોલ ઉપર પહોંચી ગયો.
અઢી વાગ્યા હતા એટલે હજુ હોલ લગભગ ખાલી જ હતો. ૬ ૭ લોકો હોલમાં ખુરશીઓ ઉપર બેઠેલા હતા. ભારે જમણ જમ્યો હોવાથી એકાદ કલાક સૂવાની દેવરાજની ઈચ્છા હતી પરંતુ અહીં એ શક્ય ન હતું. છતાં એક ખુરશીમાં બેસીને એણે થોડીક ઊંઘ ખેંચી લીધી.
સાડા ત્રણ થયા એટલે ધીમે ધીમે શ્રોતાઓ આવવા લાગ્યા. સ્વામીજી પણ આવી ગયા. પોણા ભાગનો હોલ ભરાઈ ગયો. સ્વામીજી જેવા વ્યાસપીઠ ઉપર બેઠા કે તરત છ સાત ભક્તો પ્લેટફોર્મ ઉપર ચઢીને એમની ગાદી પાસે ગયા અને સ્વામીજી સાથે વાતચીત કરવા લાગ્યા.
દેવરાજ પાછળથી આગળ આવીને પહેલી હરોળમાં બેઠો. પ્રવચન ચાર વાગ્યા પછી ચાલુ થતું હતું. પાંચેક મિનિટ પછી આદિત્ય પણ આવી ગયો.
"અરે દેવ.. તું હજુ અહીં જ બેસી રહ્યો છે ? સ્વામીજી પાસે ભક્તોની લાઈન લાગી છે. તારે જો એમને મળવું જ હોય તો ત્યાં વ્યાસપીઠ પાસે ઊભા રહીને જ વાત કરવી પડશે. સમય બહુ ઓછો છે. ચારેક દિવસમાં પ્રવચનો પૂરાં થઈ જવાનાં છે." આદિત્ય બોલ્યો.
"હું તારી જ રાહ જોતો હતો આદિ." કહીને દેવરાજ ઉભો થયો.
બંને જણા પ્લેટફોર્મ ઉપર ચઢીને વ્યાસપીઠ પાસે ગયા અને સ્વામીજીને વંદન કરીને લાઈનમાં ઊભા રહ્યા. સ્વામીજી સાથે વાતચીત કરવા માટે નાનકડી લાઈન લાગી હતી. લાઈનમાં ઉભેલા મોટાભાગના વીઆઈપી શ્રોતા સ્વામીજીને પોતાના ઘરે લઈ જવા વિનંતી કરતા હતા.
" છેલ્લા એક મહિનાથી આ જ ક્રમ ચાલે છે. હવે મારા માટે કોઈના ઘરે આવવું શક્ય નથી. મારી પાસે માત્ર ચાર દિવસ છે. ચારે ચાર દિવસ ફુલ થઈ ગયા છે. ઉત્તરાખંડમાં નૈનીતાલથી આગળ અલ્મોડામાં મારો આશ્રમ છે ત્યાં ગમે ત્યારે તમે આવી શકો છો." સ્વામીજી ત્યાં ઉભેલા બધા ભક્તોને સંબોધીને હસીને બોલ્યા.
એ પછી ઉભેલા શ્રોતાઓ વિખરાવા લાગ્યા અને નીચે ખુરશીઓ ઉપર જઈને બેસી ગયા. માત્ર દેવરાજ અને આદિત્ય સ્વામીજીની સામે બે હાથ જોડીને ઉભા રહ્યા.
"આવી ગયો તું ? હું તારી જ રાહ જોતો હતો. મને ખાત્રી જ હતી કે તું જરૂર આવીશ. ત્રણ દિવસથી મને તારા આવવાના સંકેત મળી ગયા હતા. " આદિત્ય કંઈ પણ બોલે તે પહેલાં જ સ્વામીજી દેવરાજને જોઈને બોલ્યા.
દેવરાજ અને આદિત્ય તો સ્વામીજીના શબ્દો સાંભળીને અવાક થઈ ગયા. શું સ્વામીજી પોતે દેવરાજની રાહ જોતા હતા !!
" હું તને ઓળખી ગયો છું. પરમ દિવસે રાત્રે નવ વાગે વસ્ત્રાપુર આલ્ફા મોલની સામે કલ્યાણ ટાવર છે ત્યાં પહેલા માળે શ્રી રામકૃષ્ણદેવનું એક સત્સંગ કેન્દ્ર ચાલે છે ત્યાં એકલો આવી જજે. એ સમયે હું પણ ત્યાં જ હોઈશ. ત્યાં એક અલગ રૂમમાં તારા પૂર્વજન્મની ચર્ચા આપણે કરીશું. તારી સાચી ઓળખાણ તને એ દિવસે થઈ જશે ! " સ્વામીજી દેવરાજ સામે જોઈને હસીને બોલ્યા.
સ્વામીજીની વાત સાંભળીને દેવરાજ તો એકદમ ખુશ ખુશ થઈ ગયો. જીવનમાં પહેલી વાર એણે આનંદનો અનુભવ કર્યો. એણે સ્વામીજીને બે હાથ જોડી માથું નમાવ્યું.
"સ્વામીજી આપ શ્રીરામકૃષ્ણ દેવના સત્સંગ હોલમાં મળવાના છો તો શું આપ પણ શ્રી રામકૃષ્ણ મિશન સાથે જોડાયેલા છો ? " આદિત્ય બોલ્યો.
"ના મિશન સાથે જોડાયેલો નથી પણ મારો ઉતારો ત્યાં છે. મારી સાધનામાં શ્રી શ્રી ઠાકુરે મને ખૂબ જ મદદ કરી છે. એમનાં પ્રત્યક્ષ દર્શન પણ મેં કરેલાં છે. હું તો શ્રીકૃષ્ણ પંથી છું છતાં તમે ગમે તે ધર્મને માનો ઠાકુર તો સૌના છે. " સ્વામીજી હસીને બોલ્યા.
એ પછી ૪ વાગે સ્વામીજીએ પોતાની રસાળ શૈલીમાં ગીતા ઉપર જ પ્રવચન શરૂ કર્યું.
" ગીતાના તમામ શ્લોકો ઉપર વિસ્તૃત ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. પરંતુ આખી ગીતાનો સાર માત્ર અને માત્ર કર્મના સિદ્ધાંત ઉપર જ છે. એટલે ચોથા અધ્યાયનું એમાં મહત્ત્વ વધારે છે. જ્યારે શ્રીકૃષ્ણ કહે છે કે તમારો અધિકાર માત્ર કર્મો ઉપર જ છે, ફળ ઉપર બિલકુલ નથી. એનો મતલબ કે અત્યારે જે સારું કે ખરાબ કર્મ કર્યું એનું ફળ તાત્કાલિક મળશે કે પછી બીજા જનમમાં મળશે એ તમે જાણતા નથી. કયું કર્મ જમા થાય છે અને કયું કર્મ તરત ફળ આપે છે એ પણ તમને ખબર નથી." સ્વામીજી બોલી રહ્યા હતા.
" એટલે કોઈ પણ કર્મ કરો ત્યારે બે વાર વિચારીને કરો. કારણ કે એકવાર ભાથામાંથી તીર છૂટી જાય પછી એના ઉપર આપણો કોઈ અધિકાર રહેતો નથી. કયું કર્મ કર્મબંધન પેદા કરે છે અને કયું કર્મ કોઈપણ જાતનું બંધન પેદા નથી કરતું એના ઉપર આપણે આજે ચર્ચા કરીશું......." સ્વામીજી બોલી રહ્યા હતા.
પ્રવચન લગભગ અઢી કલાક સુધી ચાલ્યું. સાડા છ વાગે બધા ઊભા થઈ ગયા. સ્વામીજીને લેવા માટે કલ્યાણ ટાવરના કોઈ ભાઈ ગાડી લઈને આવ્યા હતા એમની સાથે સ્વામીજીએ પણ વિદાય લીધી. બપોરે પણ સ્વામીજીને લેવા આ જ ભાઈ આવ્યા હતા !
હોલમાંથી બહાર નીકળ્યો ત્યારે દેવરાજ ખૂબ જ ખુશ હતો અને એની આ ખુશી આદિત્ય એના ચહેરા ઉપર વાંચી શકતો હતો.
"તું ખૂબ જ નસીબદાર છે દેવ કે સ્વામીજીએ તારામાં આટલો અંગત રસ લીધો અને તને પોતાના ઉતારા ઉપર બોલાવ્યો. એ પોતે તારી રાહ જોતા હતા એ વાત સાંભળીને મને તો ખૂબ જ નવાઈ લાગી." આદિત્ય બોલ્યો.
" એના માટે હું તારો જ આભારી છું આદિ. કારણ કે મને તો આટલા મોટા સ્વામીજીને મળવામાં ખૂબ જ સંકોચ થતો હતો. તારા કારણે જ મને આ તક મળી. " દેવરાજ બોલ્યો.
"સ્વામીજીને પોતાના ઘરે લઈ જવાની રજૂઆત તો બધા જ કરતા હતા પણ કોઈને ચાન્સ ના મળ્યો. જ્યારે તને તો સ્વામીજીએ પોતાના ઉતારા ઉપર બોલાવ્યો. તારા પૂર્વજન્મ વિશેની કોઈ રહસ્યમય વાત મને તો ચોક્કસ લાગે છે." આદિત્ય બોલ્યો.
"મને પણ સ્વામીજીની વાતથી આશ્ચર્ય થયું છે. પરમ દિવસે રાત્રે તું આવીશ ને મારી સાથે ? " દેવરાજે પૂછ્યું.
" ના. કારણકે મારા આવવાનો કોઈ મતલબ જ નથી. સ્વામીજી તને એકલાને જ રૂમની અંદર મળવાના છે. હું તારી સાથે અંદર નહીં આવી શકું પછી તારી સાથે આવીને શું કરું ? " આદિત્ય બોલ્યો.
" ઠીક છે હું એકલો જ જઈ આવીશ અને પછી તને બીજા દિવસે વાત કરીશ. " દેવરાજ બોલ્યો અને પછી એણે એની રૂપલ પાર્ક સોસાયટી તરફ એક્ટિવાને વાળી લીધું.
રોજના સમયે જ એ પોતે ઘરે પહોંચ્યો હતો એટલે મામીને કોઈ ખુલાસો કરવાની જરૂર ના પડી. પરંતુ પરમ દિવસે રાત્રે સ્વામીજીને મળવા જવાનું છે ત્યારે મામીને કયું કારણ આપવું એ દેવરાજને સમજાતું ન હતું. હજુ તો બે દિવસની વાર છે એટલે ત્યાં સુધીમાં કંઈક વિચારી લેવું પડશે.
બીજા દિવસે રવિવારે દેવરાજને એક વિચાર આવ્યો અને બપોરે જમતી વખતે એણે મહાદેવજીનું સ્મરણ કરીને મામી આગળ વાત મૂકી.
"મામી આજે રવિવારે અમારી બેંકના એક કર્મચારીનું મેરેજ છે અને કાલે સોમવારે સાંજે રિસેપ્શન રાખેલું છે. એ વ્યક્તિ મને ઘણી મદદ કરે છે એટલે મારે એના રિસેપ્શનમાં કોઈપણ હિસાબે જવું પડશે. બેંકનો સ્ટાફ છૂટીને સીધો ત્યાં જવાનો છે. એટલે હું પણ એમની સાથે જઈશ અને આવતાં આવતાં રાતના ૧૦ વાગી જશે. " દેવરાજ બોલ્યો.
" શ્રાવણ મહિનામાં લગન ? " મામીએ સામે પ્રશ્ન કર્યો.
"કેમ શ્રાવણ મહિનામાં લગન ના હોય ? કેવો સવાલ કરે છે તું ? ધનારક અને મીનારકમાં પણ લોકો લગન કરે છે. " હર્ષદમામા બોલ્યા.
" હા મામી. છોકરીવાળા કેનેડા રહે છે અને લગન માટે ખાસ ઇન્ડિયા આવેલા છે. " દેવરાજે વાર્તા કરી.
" તારા સ્ટાફનું રિસેપ્શન હોય તો તારે જવું જ પડે દેવ. તું તારે જજે. ભલે ને ૧૦ વાગી જાય." મામી કોઈ જવાબ આપે તે પહેલાં મામા જ બોલી ગયા.
દેવરાજનો માર્ગ મોકળો થઈ ગયો. એણે મનોમન મામાનો આભાર માન્યો.
સોમવારે સવારે એ ટિફિન લઈને બેંક જવા નીકળી ગયો. આજે સ્વામીજીને મળવાનું હોવાથી આખો દિવસ એનો ઉત્સાહમાં ગયો. સાંજે ૬:૩૦ વાગે એ છૂટી ગયો. હજુ અઢી કલાક પસાર કરવાના હતા.
એ એકટીવા લઈને પંચવટી પાસે ક્ષિતિરત્ન ફ્લેટમાં રહેતા આદિત્ય વશીના ઘરે ગયો. આદિત્ય હજુ પાંચ મિનિટ પહેલાં જ ઘરે આવ્યો હતો. એ દેવરાજને જોઈને ખુશ થઈ ગયો.
"કેમ દેવ.. આજે ભૂલો પડ્યો કે શું ?" આદિત્ય હસીને બોલ્યો.
" ભૂલો નથી પડ્યો જાણી જોઈને આવ્યો છું. બેંક તો બંધ થઈ ગઈ. હવે સ્વામીજીને મળવાનો ટાઈમ રાત્રે નવ વાગ્યાનો છે અને ઘરે મેં કોઈના રિસેપ્શનમાં જવાનું બહાનું કાઢ્યું છે એટલે ઘરે પણ કેવી રીતે જવું ? " દેવરાજ બોલ્યો.
આદિત્ય દેવરાજ વિશે બધું જ જાણતો હતો. એની મામીના ત્રાસથી પણ એ અજાણ ન હતો. એ એને નોકરની જેમ રાખતાં હતાં અને ઘરનું બધું કામ કરાવતાં હતાં એ પણ આદિત્યને ખબર હતી. દેવરાજનો જવાબ સાંભળીને એ કંઈ બોલ્યો નહીં.
" તો પછી અત્યારે જમવાનું અહીં જ રાખ. હું મહારાજને કહી દઉં." આદિત્ય બોલ્યો.
આદિત્યના પિતા ઈશ્વરલાલ વશી હાઇકોર્ટના ખૂબ જાણીતા વકીલ હતા અને ઘર ખૂબ જ સુખી હતું એટલે ઘરમાં નોકર અને રસોઈયાની વ્યવસ્થા હતી.
" ના ના હું તો લો ગાર્ડન ફૂડ સ્ટ્રીટમાં પાઉંભાજી ખાઈ લઈશ. તારા ઘરે જમવા માટે નથી આવ્યો. ટાઇમપાસ કરવા આવ્યો છું. " દેવરાજ બોલ્યો.
" અરે ગાંડા... મારા ઘરે સંકોચ થતો હોય તો પછી આપણે બાજુમાં સ્વાતિમાં જઈશું. આજનું ડીનર મારા તરફથી. તારી પાસે માંડ ૧૦૦૦ બચ્યા હશે. હું બધું જ જાણું છું. " આદિત્ય હસીને બોલ્યો.
" ૧૦૦૦ પણ નહીં. પૂરા ૮૦૦. છે ને મારી જિંદગી !! " કહીને દેવરાજ ખડખડાટ હસ્યો.
" તારે કોઈ રસ્તો તો કાઢવો જ પડશે દેવ. આ રીતે આખી જિંદગી પસાર ના થાય. " આદિત્ય બોલ્યો.
" રસ્તો વિચારી જ લીધો છે. એકવાર સ્વામીજીને મળી લઉં પછી એને અમલમાં મૂકું. " દેવરાજ બોલ્યો.
" ગ્રેટ. તારો નિર્ણય જે પણ હોય પરંતુ મને આનંદ થયો. તારે આમાંથી બહાર નીકળવું જ જોઈએ. " આદિત્ય બોલ્યો.
" આદિત્ય તારા પપ્પા મોટા વકીલ છે ને ? મારે એમની એક સલાહ લેવી હતી. તું મારા વતી પૂછી લેજે ને ! " દેવરાજ બોલ્યો.
" અરે પણ પપ્પાથી કેમ ડરે છે ? તું ડાયરેક્ટ વાત કર ને. અત્યારે ઘરે જ છે. એક બેડરૂમમાં એમની ઓફિસ બનાવી છે ત્યાં જઈને આપણે વાત કરીએ. " આદિત્ય બોલ્યો.
" ઠીક છે ચાલો. અત્યારે સમય છે તો વાત કરી લઈએ કારણ કે પછી મારાથી બહાર નીકળાતું જ નથી. " દેવરાજ બોલ્યો અને ઉભો થયો.
"પપ્પા આ દેવ મારો ખાસ સ્કૂલ મિત્ર છે. ૧૪ વર્ષની ઉંમરે એણે માતા-પિતા ગુમાવી દીધાં છે અને અત્યારે મામા મામીના ઘરે નારણપુરા રહે છે. એને તમારી સાથે થોડી વાત કરવી છે. " આદિત્યે પૂર્વ ભૂમિકા બાંધી.
" હા બોલ દેવ... કોઈ લીગલ પ્રોબ્લેમ થયો છે ? " વશી સાહેબ બોલ્યા.
" ના અંકલ કોઈ પ્રોબ્લેમ થયો નથી. મારે તમારી ખાસ સલાહ જોઈતી હતી. હું અત્યારે નારણપુરામાં મામા-મામી સાથે રહું છું. રાયપુરની એક પોળમાં પપ્પાનું બે માળનું એક મકાન છે જે બંધ છે. મામાએ બે વર્ષ પહેલાં એ મારા નામ ઉપર પણ કરી દીધું છે. અત્યારે હું જો વેચું તો ૩૦ ૪૦ લાખ રૂપિયા મળે એમ છે. પરંતુ મામીનો સ્વભાવ બહુ જ ખરાબ છે. " દેવરાજ બોલી રહ્યો હતો.
" મામીએ પાવર ઓફ એટર્ની એમના નામ ઉપર કરવા માટે મારી ઉપર ખૂબ જ દબાણ કર્યું હતું. પરંતુ મેં ચોખ્ખી ના પાડી હતી કારણ કે મામીને હું બરાબર ઓળખું છું. મારા મકાનનો દસ્તાવેજ એ દબાવીને બેઠાં છે. આટલી મિલકત હોવા છતાં પણ મારી હાલત બહુ જ ખરાબ છે. બેંકના પગારમાંથી મને ખાલી ૩૦૦૦ વાપરવા આપે છે બાકીના બધા પૈસા એ લઈ લે છે." દેવરાજ બોલી રહ્યો હતો.
" મારે એ મિલકત વેચી દેવી છે જેથી હું મારા પગ ઉપર ઉભો રહી શકું. મારા રાયપુરના પાડોશીએ મને કહ્યું છે કે એક પાર્ટી લેવા માટે એકદમ તૈયાર છે. કારણ કે મકાન મોકાનું એકદમ રોડ સાઇડ છે. હવે પેપર્સ લેવા માટે મારે શું કરવું ?" દેવરાજે પોતાની વાત પૂરી કરી.
" એક વાર તું ફરીથી મામા મામી સાથે વાત કરી જો. કાયદેસર તો એમનો કોઈ હક લાગતો જ નથી છતાં પણ તું પાંચ લાખ રૂપિયા સુધીની ઓફર કર. જો એ ના માને તો એક લીગલ નોટિસ આપણે મોકલીએ. જો કે નોટીસ મળ્યા પછી તમારા સંબંધો બગડી શકે છે. પરંતુ કોર્ટ મેટર થશે એટલે પેપર્સ તો એમણે તને આપવાં જ પડશે. " વશી સાહેબ બોલ્યા.
" સંબંધ તો આમ પણ મારા મામીની સાથે સારા છે જ નહીં. મામાનું મામી આગળ જરા પણ ચાલતું નથી. મામી એમને પણ શાંતિથી જીવવા દેતાં નથી. છતાં તમારી સલાહ માનીને એકવાર મામા સાથે પાંચ લાખની વાત કરી જોઉં છું. મામી આટલી રકમ માનશે નહીં એ પણ મને ખબર છે." દેવરાજ બોલ્યો. એ પછી વશી સાહેબનો આભાર માનીને એ આદિત્ય સાથે બેડરૂમમાંથી બહાર નીકળી ગયો.
" અલ્યા તેં તો આ વાત આજ સુધી મને કરી જ નહીં. લાખોની મિલકત છે અને ભિખારીની જેમ રહે છે ? હવે જલ્દી આનો ઉકેલ લાવી દે. કોઈનાથી ડરવાની જરૂર નથી. મારા પપ્પા તારી સાથે ઊભા રહેશે. તું શરૂઆત તો કર." આદિત્ય બોલ્યો.
"મામા સાથે વાત કરી જોઉં છું. હવે આપણે નીકળવું છે ? સાડા સાત વાગી ગયા છે. વસ્ત્રાપુરનો રસ્તો પણ અહીંથી ઓછામાં ઓછી ૨૦ ૨૫ મિનિટનો છે." દેવરાજ બોલ્યો.
" હા ચાલો. સમયસર પહોંચી જવું સારું. " આદિત્ય બોલ્યો.
સ્વાતિ સ્નેક્સ રેસ્ટોરન્ટ બાજુમાં જ હતું. બંને મિત્રો એકટીવા ઉપર ત્રણ મિનિટમાં જ પહોંચી ગયા.
" અહીંની બેઢઈ રોટી, બટેટાની સૂકી ભાજી અને શ્રીખંડની ડીશ સારી આવે છે. બીજી ચોઈસ સાતપડી રોટી અને ગટ્ટાનું શાક છે અને ત્રીજી ચોઈસ દાળઢોકળી છે. હું માત્ર મસાલા ઢોસા મંગાવું છું કારણ કે મારે તો ઘરે પણ જમવું પડશે. " આદિત્ય બોલ્યો.
"તો પછી હું તો દાળઢોકળી મંગાવી લઉં છું. વર્ષો થઈ ગયાં દાળઢોકળી ખાધે. મમ્મીની એ પ્રિય આઈટમ હતી અને દર રવિવારે અમારા ઘરે દાળઢોકળી બનતી." દેવરાજ થોડો ઈમોશનલ થઈ ગયો.
"ધરાઈને ખાઈ લે. જોઈએ તો બીજી વાર મંગાવી લઈશું." આદિત્ય બોલ્યો.
અને એ દિવસે દેવરાજ ધરાઈને દાળ ઢોકળી જમ્યો. લગભગ ૧૦ વર્ષ પછી આજે એણે દાળઢોકળી ખાધી. જમતાં જમતાં એને એની મમ્મીની યાદ આવી ગઈ. મમ્મીના હાથની દાળઢોકળી ક્યાં અને આ હોટલની દાળ ઢોકળી ક્યાં !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

