પીજી હાઉસ (PG House Novel Part-3)

Related

પીજી હાઉસ પ્રકરણ 3

દેવરાજે આદિત્યની સાથે સ્વાતિ સ્નેક્સ રેસ્ટોરેન્ટમાં ધરાઈને જમી લીધું. વર્ષો પછી એણે દાળઢોકળીનો સ્વાદ માણ્યો.

જમ્યા પછી બંને મિત્રો હોટલની બહાર નીકળ્યા ત્યારે સાડા આઠ વાગી ગયા હતા. દેવરાજે એક્ટિવાને વસ્ત્રાપુરના રસ્તે વાળી લીધું અને ૨૫ મિનિટમાં એ કલ્યાણ ટાવર પહોંચી ગયો.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

પહેલા માળે જઈને એણે હોલમાં પ્રવેશ કર્યો તો ત્યાં શ્રી રામકૃષ્ણ દેવનું નાનકડું મંદિર હતું અને એની સામે થોડેક દૂર સ્વામીજી એક ખુરશીમાં બેઠેલા હતા અને બે ત્રણ ભક્તો સાથે ચર્ચા કરી રહ્યા હતા. દેવરાજે શ્રી ઠાકુરને વંદન કર્યાં અને પોતે નીચે શેતરંજી ઉપર બેસી ગયો.

દશેક મિનિટ પછી સ્વામીજી ઊભા થયા અને દેવરાજને પોતાની સાથે રૂમમાં આવવાનો ઈશારો કર્યો. દેવરાજ એમની સાથે રૂમમાં ગયો.

રૂમમાં મુલાકાતીઓ માટે શેતરંજી પાથરેલી જ હતી. સામે રાખેલા એક નાનકડા સોફામાં સ્વામીજી બેઠા એટલે એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને દેવરાજ પણ એમની સામે શેતરંજી ઉપર ધ્યાનમાં બેઠો હોય એમ ટટ્ટાર મુદ્રામાં બેસી ગયો.

સ્વામીજી દેવરાજની સામે બે મિનિટ સુધી જોઈ રહ્યા અને પછી થોડી મિનિટો માટે ધ્યાનમાં ઊંડા ઊતરી ગયા.

" મામીના ત્રાસથી કંટાળીને અમદાવાદ છોડી દેવાનું વિચારે છે ને ?" સ્વામીજી હસીને બોલ્યા.

" જી સ્વામીજી. " દેવરાજ બોલ્યો.

"આ બધી અનેક જન્મોની માયાજાળ છે બેટા. તમે જે કર્યું છે એ જ તમારી સામે આવે છે અને ભોગવવું પડે છે. એક જ કુટુંબના સભ્યો વચ્ચે પાછલા જનમની લેણાદેવી હોય છે. આમ પણ મામીનો ત્રાસ સહન કરવાનો સમય પૂરો થઈ રહ્યો છે. એટલે તો મેં તને બોલાવ્યો છે. હું તારી જ રાહ જોતો હતો " સ્વામીજી હસીને બોલ્યા.

"૧૦ વર્ષથી સહન કરી રહ્યો છું સ્વામી જી. હવે હું કંટાળી ગયો છું. બેંકમાં મને ૧૫૦૦૦ પગાર મળે છે છતાં મામી મને માત્ર ૩૦૦૦ વાપરવા માટે આપે છે. આપના વિશે બહુ જ સાંભળ્યું છે એટલે અમદાવાદ છોડતાં પહેલાં મારે આપને એક વાર મળવું હતું. મને મારા પૂર્વજન્મ વિશે જાણવામાં રસ છે કે હું કેમ આટલો હેરાન થાઉં છું. " દેવરાજ બોલ્યો.

"તારે આ બધું મને કંઈ જ કહેવાની જરૂર નથી હું બધું જ જાણું છું બેટા. તારો હેરાનગતિનો સમય પૂરો થઈ ગયો. તારું પૂર્વપુણ્ય જાગૃત થઈ ચૂક્યું છે. તું મુંબઈ પહોંચી જા. તારો પૂર્વજન્મ પણ ત્યાં જ હતો. પૂર્વજન્મમાં તારો પોતાનો બંગલો વાલકેશ્વરમાં હતો. આજથી ૯૦ વર્ષ પૂર્વે એ બંગલો તેં નવો બનાવેલો હતો. એ વખતે તારી ઉંમર ૬૦ વર્ષની હતી. ૭૫ વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી તારું મૃત્યુ થઈ ગયું અને ૫૦ વર્ષ સૂક્ષ્મ જગતમાં પસાર કરીને પછી તારો આ નવો જન્મ થયો છે." સ્વામીજી બોલી રહ્યા હતા.

" તારો જન્મ વૈષ્ણવ કુટુંબમાં થયો હતો. તારું નામ વૈકુંઠલાલ હતું. તારે બે પુત્રો હતા. ગોપાલ અને વલ્લભ. વલ્લભ તો યુવાનીમાં જ ગુજરી ગયો હતો પરંતુ ગોપાલને મોટી ઉંમરે એક પુત્ર થયો હતો જેનું નામ મનમોહન છે. તારો એ પૌત્ર મનમોહન અત્યારે હયાત છે અને એની ઉંમર ૬૦ વર્ષની છે." સ્વામીજી જાણે કે પ્રત્યક્ષ જોઈ રહ્યા હોય એ રીતે વાતચીત કરી રહ્યા હતા.

" ગયા જનમમાં વૈંકુઠ શેઠ તરીકે તું ડાયમંડના ધંધામાં હતો અને એ વખતના મુંબઈના શેઠિયાઓમાં તારી ગણતરી થતી. તારા પૌત્ર મનમોહનને કોઈ સંતાન નથી અને એમની મિલકતનો કોઈ વારસદાર પણ નથી." સ્વામીજી બોલી રહ્યા હતા.

"મુંબઈના ચર્ની રોડ સ્ટેશનથી થોડેક દૂર ગીરગાંવ એરિયામાં એમનું શાલીમાર નામનું એક ગેસ્ટ હાઉસ છે. પરંતુ શેઠને પૈસાની કોઈ જરૂર નથી. કારણ કે દાદાનો એટલે કે તારો અઢળક પૈસો એમને વારસામાં મળેલો છે. હવે તું જ વૈકુંઠલાલ શેઠનો નવો અવતાર છે એટલે જો તારી પોતાની ઈચ્છા હોય તો વાલકેશ્વર એરિયામાં તારા જ પૌત્ર મનમોહન શેઠના દીકરા તરીકે તારા જ ઘરમાં તું પાછો જઈ શકે છે " સ્વામીજી બોલી રહ્યા હતા.

દેવરાજ તો આ બધું આશ્ચર્યથી સાંભળી જ રહ્યો ! જનમો જનમની આ તે કેવી આંટીઘૂંટી ! છતાં એને ખૂબ જ કુતૂહલ થયું. મર્યા પછી જીવતા થઈને પોતાના જ ઘરમાં પુનઃ પ્રવેશ કરવાની એ ઘટના જ નવાઈ પમાડે તેવી હતી ! એને આ વાતમાં ખૂબ જ રસ પડ્યો.

"જો કે અત્યારે તો વાલ્કેશ્વરના જૂના બંગલા રી ડેવલપમેન્ટમાં ગયા છે અને ત્યાં નવા નવા આધુનિક ફ્લેટોની સોસાયટીઓ બની ગઈ છે. તારો જે બંગલો હતો ત્યાં અત્યારે સાગર મહલ ફ્લેટ બનેલા છે. જેમાં મનમોહન શેઠે ૨૦૦૦ ચોરસ ફૂટના બે બાજુ બાજુના ફ્લેટ લઈ લીધા છે અને ૪૦૦૦ ચોરસ ફૂટ જગ્યા એ વાપરી રહ્યા છે." સ્વામીજીએ પોતાની વાત પૂરી કરી. અહીં બેઠા બેઠા એ બધું પ્રત્યક્ષ જોઈ રહ્યા હતા !

"સ્વામીજી મારા જ પૂર્વજન્મના એ ઘરમાં પાછા જવાનું કેવી રીતે શક્ય બને ?" દેવરાજે પૂછ્યું.

"બધું જ શક્ય છે. મારા ગુરુભાઈ સ્વામી સુબોધાનંદ મનમોહન શેઠના ગુરુજી છે. મનમોહન શેઠ એમને બહુ જ માને છે. સ્વામી સુબોધાનંદજી અત્યારે હજુ ૧૫ ૨૦ દિવસ સુધી બોરીવલી છે. મનમોહન શેઠ કોઈ યુવાનને એમના વારસદાર તરીકે દત્તક લેવા માગે છે. હવે તું આવી ગયો છે એટલે મારા કહેવાથી સુબોધાનંદજી તારી જ ભલામણ કરશે." સ્વામીજી હસીને બોલ્યા.

" જી સ્વામીજી. પરંતુ આપશ્રી એ મને પરમ દિવસે પ્રવચન હોલમાં કહ્યું કે હું તને ઓળખી ગયો છું અને તારી જ રાહ જોતો હતો. તો આપ મને કઈ રીતે ઓળખી ગયા ?" દેવરાજ બોલ્યો.

"તું ખૂબ જ સ્માર્ટ છે દેવ. તારો માત્ર પૂર્વજન્મ જ નહીં પરંતુ એના પહેલાનો જન્મ પણ હું જોઈ શક્યો છું. જ્યારે મુંબઈમાં રહેતા સુબોધ સ્વામીજીએ મને મનમોહન શેઠ કોઈ વારસદાર શોધી રહ્યા છે એવી વાત કરી કે તરત જ મારી પોતાની શક્તિઓના કારણે હું જોઈ શક્યો હતો કે મનમોહન શેઠના દાદાનો નવો અવતાર અમદાવાદમાં જ છે. એ પછી ધ્યાનમાં મેં તને જોઈ લીધો. એટલે તને જ એમના બંગલે ગોઠવવાનું મેં નક્કી કર્યું અને ધ્યાનમાં બેસીને મેં તને રૂબરૂ મળવાનું આમંત્રણ પણ આપ્યું. " સ્વામીજી બોલી રહ્યા હતા.

"તને નહીં સમજાય બેટા પણ તને ત્યાં મોકલીને હું તારું એક ઋણ ચૂકવી રહ્યો છું. આજથી ૪૦ વર્ષ પહેલાં હું જ્યારે ગિરનારમાં સાધના કરી રહ્યો હતો ત્યારે સૂક્ષ્મ જગતમાં રહીને તેં મારી મદદ કરી હતી. ત્યારનો હું તને ઓળખું છું. " સ્વામીજી હસીને બોલ્યા.

"હજુ પાંચ છ દિવસ તો હું અહીં જ છું. મારો નંબર હું તને આપું છું. તારી ઈચ્છા જો મુંબઈ જવાની હોય તો કોઈ પણ દિવસે મને રાત્રે ૮ થી ૧૦ વચ્ચે જ ફોન કરી દેજે. માત્ર બે કલાક માટે જ મારો ફોન ચાલુ હોય છે." સ્વામીજીએ પોતાની વાત પૂરી કરી.

" જી સ્વામીજી. મારે અમદાવાદ તો છોડી જ દેવું છે. હવે આપ કહો છો તો પછી મુંબઈ ઉપર જ મારે ફોકસ કરવું પડશે. કારણ કે બીજા કોઈ શહેરમાં જઈને તો મારે નોકરી જ શોધવાની છે. એના બદલે જો મને વાલ્કેશ્વરમાં જ મારા ઘરમાં પ્રવેશ મળે તો મારી લાઈફ પણ બની જાય. મને કરોડો રૂપિયાનો મોહ નથી. મારો પૂર્વ જન્મ ત્યાં હતો માટે મને રસ છે." દેવરાજ બોલ્યો.

" મારી દ્રષ્ટિએ તો તારા માટે એ જ માર્ગ શ્રેષ્ઠ છે. તારી જ મિલકત તારે વાપરવાની છે. તેં જ ભેગા કરેલા પૈસાનો તું વારસદાર બની રહ્યો છે. ત્યાં ગયા પછી તારી લાઈફ બની જશે. મનમોહન શેઠ દીકરા તરીકે તને દત્તક લેશે એટલે તારો જ પૌત્ર તારા પિતા બનશે !" સ્વામીજી ખડખડાટ હસીને બોલ્યા.

" સ્વામીજી આપે મને એક નવો જ માર્ગ બતાવ્યો છે. આપ મારી જિંદગી બનાવી રહ્યા છો તો મારી ઈચ્છા છે કે આપને હું મારા ગુરુજી તરીકે સ્વીકારું. ગુરુ વગર જ્ઞાન નથી અને મારી હવે પછીની જિંદગીમાં ડગલે ને પગલે આપના માર્ગદર્શનની મને જરૂર પડશે. કારણ કે આપ સર્વજ્ઞ છો હું નથી." દેવરાજ બે હાથ જોડીને બોલ્યો.

" ઠીક છે સમય આવ્યે એ પણ થશે. એના માટે તારે અલ્મોડા આવવું પડશે. ત્યાં મારો આશ્રમ છે. ચાતુર્માસ સિવાય મોટાભાગે હું ત્યાં જ રહું છું. અમદાવાદ થી હવે અઢી મહિના માટે હું ઈન્દોર જવાનો છું. " સ્વામીજી બોલ્યા.

" તો પછી આપ સુબોધાનંદ સ્વામીને વાત કરી શકો છો. મારા તરફથી હા જ છે. અહીંથી હું હવે આઝાદ થવા માંગું છું. " દેવરાજ બોલ્યો.

"તેં જ્યારે હવે મુંબઈ જવાનો નિર્ણય લઈ લીધો છે તો હું તને એક ગુપ્ત મંત્ર આપું છું. આ મંત્ર બહુ જ નાનો છે. એ તરત એની અસર બતાવશે. આ મંત્રના સવા લાખ જાપ કરીને એને સિદ્ધ કરી લેવાનો છે. આ મંત્ર ભવિષ્યમાં તને ખૂબ જ કામ આવવાનો છે . અહીં તને અનુકૂળતા ન હોય તો મુંબઈ જઈને પણ તું સિદ્ધ કરી શકે છે. આ મંત્ર ગિરનારમાં સિદ્ધ અઘોરીબાવા તરફથી મને મળેલો છે. ખૂબ ચમત્કારિક છે." સ્વામીજી બોલ્યા અને એમણે દશ હજાર રૂપિયા ઝભ્ભાના ખિસ્સામાંથી બહાર કાઢ્યા અને દેવરાજને આપવા હાથ લંબાવ્યો.

" આ મારી પ્રસાદી તરીકે સ્વીકારી લે. તારી પાસે માત્ર ૮૦૦ રૂપિયા જ છે એ મને ખબર છે. તારે મુંબઈના પ્રવાસ માટે અને મુંબઈની હોટલમાં રોકાણ માટે પૈસાની જરૂર પડવાની જ છે. હું સુબોધાનંદને વાત કરી દઉં છું. એમનો નંબર પણ તને આપી દઉં છું. બોરીવલી જઈને એમને ફોન કરી દેજે. ચંદાવરકર લેન ઉપર પટેલ શોપિંગ સેન્ટરમાં એક ફ્લેટમાં એમનો ઉતારો છે. " સ્વામીજી બોલ્યા અને એમણે પોતાનો તથા સુબોધાનંદજીનો મોબાઇલ નંબર દેવરાજને આપી દીધો.

એ પછી એમણે દેવરાજને પોતાની નજીક બોલાવ્યો અને એના માથા ઉપર હાથ રાખીને એના કાનમાં એક ગુપ્ત મંત્ર ત્રણ વાર બોલી ગયા. મંત્ર સાંભળતાં જ દેવરાજના શરીરમાં જાણે કરંટ લાગ્યો હોય એમ બે ક્ષણ માટે ઝણઝણાટી થઈ.

" હવે તું જઈ શકે છે. મારો નંબર તારી પાસે છે કંઈ પણ કામ હોય તો રાત્રે બે કલાક દરમિયાન વાત કરી શકે છે. હજુ પાંચ છ દિવસ હું અહીં જ છું. તારે તારી પોળની મિલકત વિશે અત્યારે કંઈ પણ કરવાની જરૂર નથી. આ મંત્ર જ તારાં બધાં કામ કરી આપશે" સ્વામીજી બોલ્યા.

દેવરાજે ફરીથી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને ગુરુજીના આશીર્વાદ લઈને બહાર નીકળી ગયો.

દેવરાજ ગુરુજીને મળ્યા પછી ખૂબ જ ઉત્સાહમાં આવી ગયો હતો. એની ચાલમાં પણ તરવરાટ હતો. હવે એ બિચારો બાપડો લાચાર ન હતો. પૂર્વ જન્મનો વૈકુંઠલાલ શેઠ હતો !

એકટીવા ઉપર ઘરે પહોંચ્યો ત્યારે સવા દસ વાગી ગયા હતા. મામા મામી ટીવી જોઈ રહ્યાં હતાં.

દેવરાજ પાણી પીને જે બેડરૂમમાં બાળકો સૂતાં હતાં એ બેડરૂમમાં ગયો અને બાળકોની સાથે સૂઈ ગયો. આ જ એની કાયમી સૂવાની જગ્યા હતી.

બીજા દિવસે સવારે ઊઠીને એણે ગુરુજીએ જે મંત્ર આપ્યો હતો એ મંત્રની હાથના વેઢાથી પાંચ માળા કરી. માત્ર ૧૫ મિનિટમાં પાંચ માળાઓ થઈ ગઈ . આ દિવ્ય મંત્રની માળા કર્યા પછી એનામાં એક નવી જ શક્તિનો સંચાર થયો.

રાબેતા મુજબ સવારે સવા નવ વાગે એ ટિફિન લઈને નીકળી ગયો. ટિફિન એકટીવામાં મૂકતાં પહેલાં એણે ખોલીને જોઈ લીધું. આજે દૂધી ચણાની દાળનું શાક અને રોટલી હતી. - 'ચલો આ શાક તો મને ભાવે છે એટલે આજે એ જ જમી લઈશ.'

સવારે પોણા દસ વાગે એ બેંકમાં પહોંચી ગયો. ૧૦ વાગે બેંકનું કામકાજ ચાલુ થાય એ પહેલાં એણે તમામ સ્ટાફ માટે ચા મંગાવી.

" અરે દેવરાજ તારા તરફથી ચા ? આજે સૂરજ કઈ બાજુ ઉગ્યો છે ?" દેવરાજની બાજુમાં જ બેસતો પંકજ બોલ્યો.

" સૂરજ તો આજે પણ ત્યાં જ ઉગ્યો છે પરંતુ મારા દિવસો બદલાઈ ગયા છે. હું આજે બેંકમાંથી રાજીનામું આપું છું. મને મુંબઈમાં મારા એક નજીકના સગાની કંપનીમાં એક લાખ રૂપિયાના પગારની નોકરી મળી ગઈ છે." દેવરાજ હસીને બોલ્યો.

અને પંકજે મોટેથી બેંકનો બધો જ સ્ટાફ સાંભળે એ રીતે જાહેરાત કરી. બધાએ આ સમાચાર તાળીઓથી વધાવી લીધા અને દેવરાજને અભિનંદન આપ્યા.

એ પછી દેવરાજે રાજીનામાનો લેટર લખી નાખ્યો અને બેંક મેનેજરને જઈને આપી દીધો.

" સર મારે તાત્કાલિક છૂટા થવું છે. મને એક્સપિરિયન્સ લેટર કે રીલીવિંગ લેટર પણ જોઈતો નથી. કારણ કે મારે હવે બેંકની કોઈ નોકરી કરવાની નથી. મને સારા પગારની નોકરી પ્રાઇવેટ કંપનીમાં મળી ગઈ છે અને મારે ત્યાં તાત્કાલિક હાજર થવું જરૂરી છે. એટલે આજે જ મને છૂટો કરી દો. " દેવરાજ બોલ્યો.

"ઓકે. ઓલ ધ બેસ્ટ દેસાઈ ! " કહીને મેનેજરે એની સાથે હાથ મિલાવ્યા અને પછી એને રિલીવ કરવાની જરૂરી વિધિ પતાવી.

એ પછી લંચ અવર્સ સુધી દેવરાજ બેંકમાં જ બેઠો અને સ્ટાફને મદદ કરતો રહ્યો. લંચ વખતે ટિફિન ખાઈ લીધું અને પછી તમામ સ્ટાફ સાથે હાથ મિલાવીને એ બેંકની બહાર નીકળી ગયો.

એની ઈચ્છા અત્યારે એના હર્ષદમામાને મળવાની હતી. કારણ કે અમદાવાદ છોડવાની કોઈ વાત ઘરે મામીની હાજરીમાં એ કરી શકે તેમ ન હતો.

હર્ષદમામા ગુરુકુળ રોડ ઉપર આવેલી નવનીત પ્રકાશનની ઓફિસમાં જોબ કરતા હતા. એમનું મોટાભાગનું કામ ટ્રાન્સલેશનનું રહેતું.

દેવરાજ ત્યાં પહોંચ્યો ત્યારે હર્ષદમામા કોઈ પુસ્તકનું ટ્રાન્સલેશન લખી રહ્યા હતા. એમનું ધ્યાન દેવરાજ તરફ ન હતું.

" મામા ..." દેવરાજ એમના ટેબલ પાસે જઈને બોલ્યો.

મામાએ વાંચવાના ચશ્મા કાઢીને ઊંચે જોયું. દેવરાજને ઉભેલો જોઈને એ આશ્ચર્ય પામી ગયા.

" અરે દેવ તું !! આજે બેંકમાં રજા છે કે શું ? " મામા બોલ્યા અને દેવરાજને બાજુની ખુરશી ઉપર બેસવાનો ઇશારો કર્યો.

" બેંકમાં રજા નથી મામા મેં બેંકની નોકરી છોડી દીધી છે અને હવે કાયમ માટે મુંબઈ જાઉં છું." ઉપરાઉપરી દેવરાજે બે આંચકા મામાને આપ્યા.

"અરે દેવરાજ તું શું બોલી રહ્યો છે ? આટલી સારી બેંકની નોકરી છોડી દેવાય ગાંડા ? બેંકની નોકરીઓ મળે છે ક્યાં ?" મામા બોલ્યા.

"૩૦૦૦ ના પગારની બેંકની નોકરી હોય તો પણ શું અને ના હોય તો પણ શું મામા ? આખો મહિનો બેંકમાં વૈતરું કરું ત્યારે હાથમાં માંડ ૩૦૦૦ આવે છે. ૧૨૦૦૦ તો મામી લઈ લે છે અને ઉપરથી નોકરની જેમ મારી પાસે ઘરનું બધું કામ કરાવે છે. તમે મામીને ક્યાં નથી ઓળખતા મામા ? " દેવરાજ બોલી રહ્યો હતો.

"૩૦ ૪૦ લાખની મારી પોતાની મિલકત હોવા છતાં હું વેચી શકતો નથી. મારી હાલત તો એકદમ ભિખારી જેવી છે. એના કરતાં મુંબઈમાં મને સારી તક મળી રહી છે. " દેવરાજ એકી શ્વાસે બોલી ગયો.

" અરે આવા મોટા નિર્ણયો આમ ઉતાવળે ના લેવાય દેવ. હું તારી મામી સાથે વાત કરીશ. કંઈક રસ્તો કાઢીશું આપણે. બહેન ગુજરી ગયા પછી તારી જવાબદારી મારા ઉપર છે." હર્ષદમામા થોડાક ભાવુક થઈને બોલ્યા.

"મારો નિર્ણય ફાઈનલ છે મામા. મેં બેંકમાં રાજીનામું આપી દીધું છે અને છૂટો પણ થઈ ગયો છું. મુંબઈની નોકરી હું ગુમાવવા માગતો નથી." દેવરાજ મક્કમપણે બોલ્યો.

સ્વામીજીએ આપેલા મંત્રના પ્રભાવથી અત્યારે એ ભરપૂર આત્મવિશ્વાસથી વાત કરી રહ્યો હતો.

"તને મુંબઈમાં નોકરી કોણ આપે છે ? ત્યાં તને કોણ ઓળખે છે દેવ ? અને આમ બીજી નોકરી મળ્યા પહેલાં બેંકની નોકરી છોડી દેવાય ? " મામા થોડા આવેશમાં આવીને બોલ્યા.

" મારી જ બેંકમાં નોકરી કરતો એક સિનિયર ક્લાર્ક મારી બધી જ તકલીફ જાણતો હતો. ૩૦૦૦ વપરાઈ જાય તો એની પાસેથી હું ઉછીના લેતો હતો. એણે જ મુંબઈમાં રહેતા એના સસરાની કંપનીમાં મારું નોકરીનું પાકું કરી દીધું. એને પોતાને સસરાની કંપનીમાં નોકરી કરવી નથી એટલે મારી ભલામણ કરી. મને મહિને એક લાખ પગાર આપશે. મને કહ્યું કે તાત્કાલિક મુંબઈ પહોચી જા. એના સસરા મને ભાડાની નાની રૂમ પણ શોધી આપશે. " દેવરાજ બોલ્યો.

" ઓફર તો સારી છે પરંતુ મુંબઈ જેવા શહેરમાં આ રકમ બહુ મોટી ના ગણાય. ઘર વસાવવાનું. જાતે રસોઈ કરવાની. બધું જ કામકાજ જાતે કરવાનું. અહીં તને તૈયાર ભાણે જમવા મળે છે. " મામા બોલ્યા.

"ખોટું ના લગાડશો મામા. જ્યારે ઘરે હોઉં ત્યારે અહીં પણ ઘરનું બધું જ કામકાજ મારે જ કરવું પડે છે. બધાનાં કપડાં પણ મારે ધોવાં પડે છે. અને તૈયાર ભાણે મામી મને શું આપે છે ? મોટાભાગે તો રોટલી અને મગની દાળ ! મને માફ કરજો મામા પણ બધું જાણતા હોવા છતાં પણ તમે મામીને એક શબ્દ પણ કહેતા નથી. આખો રવિવાર મારે ઘરમાં જ પૂરાઈ રહેવું પડે છે. " દેવરાજ પણ હવે આક્રોશથી બોલ્યો.

હર્ષદમામા દેવરાજની સામે જ જોઈ રહ્યા. પહેલીવાર દેવરાજ આ રીતે પોતાની સામે આક્રોશથી બોલી રહ્યો હતો ! પરંતુ દેવરાજની બધી જ વાત સાચી હતી. પોતાના સગા ભાણા સાથે ખૂબ જ અન્યાય થયો હતો !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."