પીજી હાઉસ પ્રકરણ 4
દેવરાજે બેંકની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. સ્વામી આત્માનંદજી સાથે વાત થયા પછી એણે મુંબઈ જવાનો નિર્ણય લઈ લીધો હતો એટલે એ બેંકમાંથી છૂટીને મામાને મળવા માટે મામાની ઓફિસે આવ્યો હતો અને મામાને પોતે મુંબઈ જઈ રહ્યો છે એવી વાત કરી હતી." ઠીક છે. તને મુંબઈમાં સારો પગાર મળતો હોય અને તું સુખી થતો હોય તો હું તને મુંબઈ જતાં રોકતો નથી. બાકી જો તારી ઈચ્છા થોડા દિવસ મારા ઘરે રોકાવાની હોય તો તારું મકાન વેચીને તને એક ફ્લેટ લઈ આપું જેથી તું અલગ રહી શકે. તારા માટે કોઈ કન્યા પણ શોધી આપું. જેથી તારા ખાવા પીવાની પણ વ્યવસ્થા થઈ જાય. " મામા સહાનુભૂતિથી બોલ્યા.
" હવે ઘણું મોડું થઈ ગયું છે મામા. મેં બેંકમાં રાજીનામું આપી દીધું છે અને મુંબઈ નોકરી માટે પણ મેં હા પાડી દીધી છે. મામીએ પાવર ઓફ એટર્ની માટે મારા ઉપર ખૂબ જ દબાણ કર્યું હતું અને મેં ના પાડી એ પછી એમનો વ્યવહાર ખૂબ જ ખરાબ થઈ ગયો છે. તમે મારું મકાન વેચી દો. જ્યારે સોદો ફાઇનલ થાય ત્યારે મને સાઈન કરવા માટે બોલાવી લેજો. જે પણ રકમ આવે એમાંથી પાંચ લાખ રૂપિયા તમે રાખી લેજો અને બાકીના મારા ખાતામાં ટ્રાન્સફર કરી દેજો." દેવરાજ બોલ્યો.
" મારે તારા પૈસા જોઈતા નથી દેવ. પૂરેપૂરી રકમ તારા ખાતામાં જમા કરાવી દઈશ. " હર્ષદમામા બોલ્યા.
" ના મામા. તમે જે સંઘર્ષ કરી રહ્યા છો એ હું જાણું છું. પાંચ લાખ રૂપિયા નાની રકમ નથી. થોડું બેંક બેલેન્સ હશે તો આગળ ઉપર કામ આવશે. તમે એ રાખી જ લેજો. હું દિલથી તમને આપી રહ્યો છું. " દેવરાજ બોલ્યો. મામાની આંખો ભરાઈ આવી.
સાંજે ચાર વાગે સ્વામીજીનું પ્રવચન શરૂ થતું હતું એટલે મામા પાસેથી નીકળીને દેવરાજ પાલડીમાં આવેલા મહેંદી નવાઝ જંગ હોલમાં ગયો. ત્યાં ત્રણ કલાક પ્રવચન સાંભળીને પછી એ સાત વાગે ઘરે ગયો.
રાત્રે જમતી વખતે મામાએ જ વાત કાઢી.
" દેવે આજે બેંકની નોકરી છોડી દીધી છે. એને મુંબઈમાં એક લાખ પગારની નોકરી મળી છે એટલે હવે એ મુંબઈ જઈ રહ્યો છે. ત્રણ ચાર દિવસમાં જ એ મુંબઈ જવા માટે નીકળી જશે." હર્ષદમામા બોલ્યા.
મામાની વાત સાંભળીને મામીના પેટમાં તેલ રેડાયું. એક લાખની વાત સાંભળીને કોળીયો હાથમાં જ રહી ગયો. દેવ જતો રહેશે એટલે હવે ઘરનું બધું જ કામકાજ એમણે જાતે જ કરવું પડશે. એ સિવાય દર મહિને ૧૨૦૦૦ની બેઠી આવક બંધ થઈ જશે.
"અરે પણ અહીં શું તકલીફ છે ? બે ટાઈમ જમવા મળે છે. આટલી સારી બેંકની નોકરી છે. " મામી બોલવા ખાતર બોલ્યાં. અંદરથી એ પોતે સમજતાં જ હતાં કે દર મહિને એ માત્ર ૩૦૦૦ જ દેવને આપતાં હતાં. એ દેવને કયા મોઢે રોકે ?
"એનો નિર્ણય ફાઈનલ જ છે. હવે ચર્ચા કરવાનો કોઈ જ મતલબ નથી. હવે કાલથી ઘરનાં બધાં કામ જાતે કરવાની ટેવ પાડો. " મામાએ ટોણો માર્યો.
" તારે મુંબઈ જવું હોય તો પૈસાની જરૂર પડશે દેવ. તારી પાસે કોઈ બચત નથી એ મને ખબર છે. ત્યાં જવા માટે અને ત્યાં રહેવા માટે શરૂઆતમાં પૈસા તો જોઈશે જ." હર્ષદમામા લાગણીથી બોલ્યા.
" મામા મારા ફ્રેન્ડ આદિત્ય વશી પાસેથી મેં ૧૦૦૦૦ ઉછીના લીધા છે. બીજા પણ બેંકના એક ક્લાર્કને મેં કહ્યું છે ૧૦૦૦૦ માટે. " દેવરાજે વાર્તા કરી. સ્વામીજીની વાત એ કરવા માગતો ન હતો
" તારે કોઈની પાસેથી માગવાની કોઈ જરૂર નથી. હું આવતીકાલે જ તારા બેન્ક એકાઉન્ટમાં ૫૦૦૦૦ જમા કરાવી દઉં છું. તારો પગાર ચાલુ થાય પછી થોડા થોડા કરીને મારા ખાતામાં જમા કરાવતો રહેજે." હર્ષદ મામા બોલ્યા.
મામાની આ લાગણીથી દેવરાજની આંખો ભીની થઈ ગઈ. પોતાના પ્રત્યે મામાની ભાવના એકદમ સાચી હતી. જો કે મામાની આ વાત મામીને ગમી નહીં પરંતુ છેલ્લા દસ મહિનામાં મામી એ ૧,૨૦,૦૦૦ જેવી રકમ દેવ પાસેથી લઈ જ લીધી હતી.
અને બીજા દિવસથી દેવરાજને ઘણી બધી રાહત થઈ ગઈ. મામીએ એને કોઈ પણ જાતનું કામ બતાવ્યું નહીં. છતાં દેવરાજ વહેલો ઊઠીને ઘરમાં કચરો તો વાળી જ નાખતો અને માટલી ગાળીને પાણી પણ ભરી દેતો.
દેવરાજે ત્રણ દિવસ પછીની ગુજરાત મેઈલની ટિકિટ બુક કરાવી દીધી. એણે આ વાતની જાણ સ્વામીજીને પણ કરી દીધી. અને સ્વામીજીએ મુંબઈ પોતાના ગુરુભાઈ સુબોધાનંદ સાથે પણ વાત કરી લીધી.
"સુબોધ મહારાજ હું અમદાવાદ થી નિખિલ મહારાજ બોલું છું. તમને યાદ હોય તો તમે મને કહેલું કે તમારા વાલકેશ્વરમાં રહેતા ભક્ત મનમોહન શેઠને કોઈ સંતાન નથી. એ કોઈને દત્તક લેવા માંગે છે પરંતુ કોઈ યોગ્ય યુવાન એમને મળતો નથી." આત્માનંદજી બોલ્યા.
સ્વામી આત્માનંદજીનું સંન્યાસ પહેલાં નું સંસારી નામ નિખિલ વસાવડા હતું. સંન્યાસ લીધેલા સ્વામીઓ ઘણીવાર પોતાના ગુરુભાઈ સાથે સંસારી નામથી પણ વાતચીત કરતા હોય છે.
"જી હા મનમોહન શેઠ પરમ દિવસે જ મને મળવા આવ્યા હતા. મને કહેતા હતા કે અનાથ આશ્રમમાંથી જ કોઈ યોગ્ય યુવાન દેખાય તો દત્તક લઈ લેવો છે. યુવાનની પસંદગી કરવા માટે મને અનાથ આશ્રમમાં લઈ જવા માગે છે." સુબોધાનંદજી બોલ્યા.
" એટલા માટે જ મેં તમને અત્યારે ફોન કર્યો છે. તમારે હવે ક્યાંય પણ જવાની જરૂર નથી. એમનો વારસદાર ૨૫ વર્ષ પહેલાં અહીં અમદાવાદમાં જન્મી ચૂક્યો છે. મનમોહન શેઠના દાદા વૈકુંઠલાલનો જ એ નવો અવતાર છે. પૂર્વજન્મમાં વર્ષો પહેલાં એ પોતે જ શેઠ વૈકુંઠલાલ હતો. હું તો એને જોઈને તરત જ ઓળખી ગયો અને મને તમારી યાદ આવી. કુદરતની લીલા પણ અદભુત છે ! " સ્વામી આત્માનંદ બોલ્યા.
" તમે શું વાત કરો છો નિખિલ મહારાજ ! આ તો ખરેખર અદભુત વાત કરી તમે. તમારી પાસે કોઈના પૂર્વ જન્મને જોવાની ઈશ્વરે જે સિદ્ધિ આપી છે એ એક વરદાન જેવી જ છે. હું ચોક્કસ મનમોહન શેઠને આ વાત કરીશ." સુબોધાનંદજી બોલ્યા.
" ના પૂર્વ જન્મનું આ રહસ્ય તમારે કોઈને પણ કહેવાનું નથી. કેટલાંક રહસ્યો ખુલ્લાં કરવાથી ઘણી ગરબડ થઈ શકે છે અને એ કુદરતની વિરુદ્ધ છે. તમારે તો એટલું જ કહેવાનું કે - યોગ્ય વ્યક્તિ દત્તક લેવા માટે મળી ગઈ છે અને અમદાવાદના સ્વામીજીએ ભલામણ કરી છે. છોકરો એકદમ પ્રમાણિક છે અને એમબીએ સુધી ભણેલો પણ છે." સ્વામીજી બોલી રહ્યા હતા.
" એનું નામ દેવરાજ દેસાઈ છે. એ ત્રણ ચાર દિવસ પછી બોરીવલી આવીને તમારો સંપર્ક કરશે. મેં તમારો મોબાઈલ નંબર આપ્યો છે." આત્માનંદજી બોલ્યા.
" ઠીક છે. એ આવે ત્યાં સુધીમાં બધી પૂર્વભૂમિકા હું બાંધી દઉં છું. એને લઈને જ હું વાલકેશ્વરના સાગર મહલ ફ્લેટમાં જઈશ." સુબોધાનંદજી બોલ્યા.
"દેવરાજ દેસાઈ બ્રાહ્મણનો દીકરો છે. ૧૦ વર્ષ પહેલાં માતા પિતાને ગુમાવી ચૂક્યો છે. મામા મામીના આશ્રયે રહે છે. ખૂબ જ સંઘર્ષ કરી રહ્યો છે. મારી ધ્યાન અવસ્થામાં જ મેં એને જોઈ લીધો હતો અને મને મળવા માટે માનસિક આમંત્રણ પણ આપ્યું હતું. મારા પ્રવચન વખતે એ જેવો મને મળવા આવ્યો કે તરત જ હું એને ઓળખી ગયો." સ્વામી આત્માનંદજી બોલ્યા.
"હવે તમે આ બધું મારી ઉપર છોડી દો. મનમોહન શેઠના ત્યાં એ ગોઠવાઈ જશે. દેવરાજને તમે એના પૂર્વજન્મની વાત કરી છે ? " સુબોધાનંદ બોલ્યા.
" હા મેં એને એના પૂર્વ જન્મ વિશે વાત કરી છે. એના માટે એ જાણવું જરૂરી હતું અને તો જ એ સાચો વારસદાર બનીને ત્યાં રહી શકે. એને ખ્યાલ હોય કે પોતે જ વસાવેલું આ સામ્રાજ્ય છે એટલે પછી ક્યારેય પણ એ મનમોહન શેઠ સાથે દગો ના કરે. " આત્માનંદજી બોલ્યા.
"તમે સરસ વાત કરી. વાલકેશ્વરના પોતાના જ ઘરમાં રહીને એ સાચો વારસદાર બની જશે. ભલે તો તમે એને મુંબઈ મોકલી આપો. " કહીને સુબોધાનંદે ફોન કટ કર્યો.
અને બીજા દિવસે સ્વામી સુબોધાનંદે મનમોહન શેઠને ફોન કર્યો.
"શેઠજી.. હું સુબોધાનંદ બોલું છું." સ્વામીજી બોલ્યા.
"અરે બોલો બોલો ગુરુજી. મારા માટે કોઈ હુકમ ?" મનમોહન શેઠ બોલ્યા. એ સ્વામીજીને પોતાના ગુરુ માનતા હતા.
ચમત્કાર વગર આ દુનિયામાં કોઈ નમસ્કાર કરતું નથી. મનમોહન શેઠને સટ્ટામાં બહુ જ રસ હતો. બે વર્ષ પહેલાં હળદરના અને રૂના સટ્ટામાં એમણે ત્રણ કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. એ જ વખતે એમને કોઈએ સ્વામી સુબોધાનંદજીનો પરિચય કરાવ્યો. સ્વામીજી એ વખતે નાસિક આવેલા હતા.
મનમોહન શેઠે નાસિક જઈને સ્વામીજીના પગ પકડ્યા અને પોતાને આ નુકસાનમાંથી બહાર કાઢવાની વિનંતી કરી. સ્વામીજીએ એમને હનુમાનજીનો એક મંત્ર આપ્યો અને ગાયના ઘીનો અખંડ દીવો રાખીને ૪૧ દિવસનું અનુષ્ઠાન કરવાનું કહ્યું.
મનમોહન શેઠે એ મંત્રનું અનુષ્ઠાન કર્યું અને જાણે કે ચમત્કાર થયો. અનુષ્ઠાન પૂરું થયા પછી ફરી એક મોટો સટ્ટો કરવાની એમને અંદરથી પ્રેરણા થઈ અને શેરબજારના બે કરોડના એક જ સટ્ટામાં એમને સાડા ત્રણ કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો અને બધું જ નુકસાન ભરપાઈ થઈ ગયું.
બસ પછી તો મનમોહન શેઠ સ્વામીજીના અનન્ય ભક્ત થઈ ગયા. સ્વામીજીએ એ પછી એમને પ્રતિજ્ઞા લેવડાવી કે ક્યારે પણ સટ્ટો કરવો નહીં !
આજે સ્વામીજીનો સામેથી ફોન આવ્યો એટલે મનમોહન શેઠ ખુશ થઈ ગયા. સ્વામીજી કામ વગર ફોન કરે જ નહીં.
"તમારી પાસે સમય હોય તો બોરીવલી આવી જાઓ. આજે ફાવે તો આજે નહીં તો કાલે આવજો. થોડીક વાત કરવી હતી. " સ્વામીજી બોલ્યા.
"તો પછી વિલંબ શા માટે કરવો ? આજે સાંજે જ પાંચ વાગે પહોંચી જાઉં છું. " મનમોહન શેઠ બોલ્યા.
સમય આપ્યા પ્રમાણે સાંજે પાંચ વાગે મનમોહન શેઠ સ્વામીજીનો જ્યાં ઉતારો હતો એ ફ્લેટ ઉપર આવી ગયા. આ ફ્લેટ આમ તો ખાલી જ હતો. ફ્લેટના માલિક રૂગનાથભાઈ પોતે સાન્તાક્રુઝ રહેતા હતા. એ પણ સ્વામીજીના ભક્ત હોવાથી જ્યારે પણ સ્વામીજી મુંબઈ આવે ત્યારે એમનો બોરીવલીનો ફ્લેટ ખોલી આપતા અને ત્યાં સ્વામીજી માટે રસોઈ પાણીની પણ વ્યવસ્થા કરી આપતા.
" આપણે હવે અનાથ આશ્રમ જવાની જરૂર નથી. ઈશ્વરે તમારી પ્રાર્થના સાંભળી છે. એક સારામાં સારો યુવાન મને મળી ગયો છે. અને મારી સાધના ના હિસાબે હું જોઈ શકું છું કે એ યુવાન જ તમારો સાચો વારસદાર બનશે. " મનમોહન શેઠ આવીને બેઠા એટલે સ્વામીજી બોલ્યા.
" તો તો તમારા મ્હોંમાં ઘી અને સાકર ! કોણ છે એ યુવાન ? તમે એને ક્યારે મળ્યા ? " શેઠ બોલ્યા.
" બ્રાહ્મણ કુળમાં જન્મેલો ખાનદાન યુવક છે. અમદાવાદમાં રહે છે. ૨૫ વર્ષની ઉંમર છે. મારા ગુરુભાઈ સ્વામી આત્માનંદજીએ એને શોધી કાઢ્યો છે. એ હીરાપારખુ ઝવેરી છે. માણસને જોઈને આરપાર જોઈ લે છે." સ્વામીજી બોલી રહ્યા હતા.
"મેં એમને તમારા માટે વાત કરી રાખી હતી. એટલે એ યુવાનને જોઈને એમણે તરત મને ફોન કર્યો. યુવાનનાં મા બાપ ગુજરી ગયાં છે અને મામા મામીના આશ્રયે રહે છે. એમબીએ ફાઇનાન્સ સુધી ભણેલો છે. બેંકમાં નોકરી કરે છે." સ્વામીજી બોલ્યા.
" વાહ ગુરુજી. તમે આટલું બધું એના વિશે કહો છો પછી મારે એક પણ સવાલ પૂછવાનો નથી. તમે વહેલી તકે એને અહીં બોલાવી દો. આટલું બધું ભણેલો ગણેલો યુવાન હોય અને સંસ્કારી હોય પછી મારે બીજું શું જોઈએ ? " શેઠ બોલ્યા.
" હા મારા ગુરુભાઈની પસંદગી હંમેશા શ્રેષ્ઠ જ હોય. ત્રણ ચાર દિવસમાં એ યુવાન અહીં બોરીવલી આવી જશે અને મારો સંપર્ક કરશે. એ પછી હું એને લઈને વાલકેશ્વર આવીશ." સ્વામીજી બોલ્યા.
"પરંતુ એ યુવાન બેંકની સારી નોકરી છોડીને દત્તક પુત્ર તરીકે મારા બંગલે રહેવા માટે તૈયાર થશે ? આજની પેઢીના દરેક યુવાનના પોતપોતાના વિચારો હોય છે. યુવાન સંસ્કારી હોય એટલે સ્વમાની પણ હોય. " શેઠે પોતાની શંકા વ્યક્ત કરી.
" મારા ગુરુભાઈનું કામ બહુ જ પાકું છે એમણે બધી જ ચર્ચા એ યુવાન સાથે કરી લીધી છે. સ્વામીજીએ એને તમારી મનોવ્યથા પણ કહી છે એટલે કરોડોની લાલચે નહીં પણ તમારા પ્રત્યેની લાગણીના કારણે એ આવી રહ્યો છે. એ બેંકની નોકરી છોડવા પણ તૈયાર થયો છે. " સ્વામીજીએ પોતાની વાત પૂરી કરી.
" તમે મારી બધી જ ચિંતા દૂર કરી દીધી ગુરુજી. તમારો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. ચોક્કસ તમે એને લઈને આવી જાઓ. મારા ઘરમાં એનું ભાવભીનું સ્વાગત છે." શેઠ બોલ્યા અને ઊભા થયા.
મનમોહન શેઠ સાથે વાતચીત કર્યા પછી સ્વામી સુબોધાનંદે નિખિલ મહારાજ એટલે કે સ્વામી આત્માનંદ સાથે વાત કરી.
" નિખિલ મહારાજ તમારું કામ થઈ ગયું છે. શેઠ ખૂબ જ ખુશ છે અને યુવાનનું સ્વાગત કરવા માટે એકદમ તૈયાર છે. " સુબોધ મહારાજ બોલ્યા.
"ચાલો એ કામ તમે બહુ સરસ કરી દીધું. દેવરાજ બે-ત્રણ દિવસમાં જ ત્યાં આવી જશે અને તમારો સંપર્ક કરશે. " આત્માનંદજી બોલ્યા.
એ પછીના બીજા દિવસે હર્ષદમામાએ બેંકમાં જઈને દેવરાજના એકાઉન્ટમાં ૫૦૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કર્યા.
" દેવ અત્યારે તારા બેંક એકાઉન્ટમાં મેં ૫૦૦૦૦ ટ્રાન્સફર કર્યા છે અને એ તારે પાછા આપવાની જરૂર નથી. મુંબઈ જેવા શહેરમાં ડગલેને પગલે પૈસાની જરૂર પડે. દશ હજારથી કંઈ ના થાય. જેના પૈસા તેં ઉછીના લીધા છે એના પાછા આપી દે. કોઈનું દેવું કરવાની જરૂર નથી. " મામા બોલ્યા.
મામાની આ લાગણીથી દેવરાજ ગદગદિત થઈ ગયો. કાશ મામાએ પહેલાં આવી લાગણી બતાવીને મામીને સમજાવ્યાં હોત અને મને દર મહિને પંદર હજાર પગારમાંથી દસ હજાર પણ અપાવ્યા હોત તો મેં બેંકની નોકરી છોડીને અમદાવાદ છોડવાનો વિચાર ક્યારેય પણ ના કર્યો હોત ! ચાલો હવે જે થઈ રહ્યું છે એ મારા ભવિષ્ય માટે સારું જ છે.
છેવટે મુંબઈ જવાનો દિવસ આવી ગયો. સાંજના સમયે દેવરાજ એના ખાસ મિત્ર આદિત્ય વશીને મળવા ગયો.
" આદિત્ય આજે રાત્રે ગુજરાત મેલમાં મુંબઈ જઈ રહ્યો છું. ફરી પાછા ક્યારે અમદાવાદ આવવાનું થશે એ કંઈ નક્કી નથી એટલે તને ખાસ મળવા આવ્યો છું. " દેવરાજ બોલ્યો.
"અરે પણ દેવ છેક મુંબઈ કેમ ? તું સુરત વડોદરા કે રાજકોટ પણ જઈ શકતો હતો. એમબીએ ની ડિગ્રી છે. તને ગમે ત્યાં નોકરી તો મળી જ જાતને ?" આદિત્ય બોલ્યો.
" આદિ સાંભળ્યું છે કે મુંબઈનું પાણી જ કંઈક અલગ છે. દોરી લોટો લઈને જનારા પણ બે પાંદડે થયા છે એવું સાંભળ્યું છે. મુંબઈમાં જે મળે એ બીજે ક્યાંય ના મળે. " દેવરાજ બોલ્યો.
" દોરી લોટાના જમાના ગયા. એ તો બહુ જૂની કહેવત છે. આજે તો નોકરી માટે બધે જ સંઘર્ષ ચાલે છે. મુંબઈની લાઈફ સંઘર્ષની લાઈફ છે. સતત દોડતા રહેવું પડે છે. ત્યાંની લોકલ ટ્રેનોની ભીડ જોઈ છે ? " આદિત્ય બોલ્યો.
" હું તો મજાક કરું છું. તે દિવસે હું સ્વામીજીને મળ્યો હતો ત્યારે એમણે મારા પૂર્વજન્મ વિશે તો મને ખાસ કંઈ કહ્યું ન હતું. પરંતુ મને મુંબઈ જવાની એમણે જ સલાહ આપી છે અને એક કોન્ટેક નંબર પણ આપ્યો છે. ત્યાં મને એક લાખ રૂપિયા પગારની નોકરી પણ મળી જશે અને રહેવાની વ્યવસ્થા પણ થઈ જશે. મારે ત્યાં એક હોટલ એટલે કે ગેસ્ટ હાઉસ ચલાવવાનું છે." દેવરાજ હસીને બોલ્યો.
" તું તો છૂપો રુસ્તમ નીકળ્યો દેવ ! આ બધી વાત તું મને આજે કરે છે ? તારું તો નસીબ જ ખુલી ગયું. ચાલો મામા મામીથી છૂટકારો તો થયો." આદિત્ય બોલ્યો.
" આપણે મળ્યા જ ક્યાં છીએ કે તને આ બધી વાત કરું ? એટલા માટે તો હું તને ખાસ મળવા આવ્યો છું. અને મામાએ મારા ખાતામાં ૫૦૦૦૦ ટ્રાન્સફર કર્યા છે. જેથી મુંબઈમાં મને કોઈ તકલીફ ના પડે. " દેવરાજ બોલ્યો.
" આટલી બધી રકમ તને મામાએ આપી ? માની જ ના શકાય. તું જવાનો છે એટલે કદાચ એમનું હૃદય પરિવર્તન થયું છે. " આદિત્ય બોલ્યો.
" હા આદિ. મને પણ ઘણી નવાઈ લાગી. એમણે એ પણ કહ્યું કે મારું મકાન એ વેચી નાખશે અને બધા પૈસા મારા ખાતામાં જમા કરી દેશે. મકાન નો સોદો ફાઈનલ થાય ત્યારે મને સહી કરવા માટે બોલાવશે. " દેવરાજ બોલ્યો.
પરંતુ દેવરાજને ત્યારે એ ખબર ન હતી કે આ બધો ચમત્કાર સ્વામીજીએ આપેલા ગુપ્ત મંત્રનો હતો !! જેની રેગ્યુલર માળા દેવરાજ કરતો હતો !!!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

