પીજી હાઉસ (PG House Novel Part-5)

Related

પીજી હાઉસ પ્રકરણ 5

મુંબઈ જતાં પહેલાં દેવરાજ પોતાના ખાસ મિત્ર આદિત્ય વશીને મળી આવ્યો. ગુજરાત મેલ રાત્રે ૧૦ વાગે ઉપડતો હતો એટલે ઘરેથી ૯ વાગે નીકળી જવું પડે. રાત્રે ૮ વાગે દેવરાજ જમવા માટે બેઠો. આજે વિદાયનો દિવસ હતો એટલે મામાના કહેવાથી મામીએ શિખંડ પૂરી ટીંડોરાનું શાક અને કઢી ભાત બનાવ્યાં હતાં. મામીએ ભાણાને આજે પહેલી વાર પ્રેમથી જમાડ્યો.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

ઘરેથી નીકળતી વખતે મામાનાં બંને બાળકોને દેવરાજે ૫૦૦ ૫૦૦ રૂપિયા આપ્યા.

" અરે દેવ આટલા બધા ના હોય. બહુ બહુ તો સો રૂપિયા અપાય." મામા બોલ્યા.

" ના મામા. મોટાભાઈ તરફથી બંનેને આ નાનકડી ગિફ્ટ છે. અને મામી તમે આ ૧૦૦૦ એમના માટે જ વાપરજો. બાળકોને જે જોઈએ તે તમે લાવી આપજો. " દેવરાજ બોલ્યો અને મામા મામીને ચરણસ્પર્શ કરીને ફ્લેટની બહાર નીકળી ગયો.

હર્ષદમામા પણ એની પાછળ પાછળ નીચે ગયા અને પોતાના એકટીવા ઉપર દેવરાજને છેક રેલવે સ્ટેશન સુધી મૂકવા ગયા.

"બસ મામા હવે હું જતો રહીશ. તમારે અંદર સુધી આવવાની જરૂર નથી. ટ્રેન ઉપડવાની હજુ ૨૦ મિનિટ વાર છે. " દેવરાજ બોલ્યો.

" તારે મુંબઈમાં જો એકટીવાની જરૂર હોય તો રેલ્વે લગેજમાં મોકલાવી દઉં. તુ સ્ટેશને જઈને છોડાવી દેજે." મામા બોલ્યા.

" ના મામા અત્યારે મારે એકટીવાની કોઈ જરૂર નથી. જરૂર પડશે તો હું ચોક્કસ તમને કહીશ. " દેવરાજ બોલ્યો.

" સારુ. પહોંચીને તરત જ મને સવારે ફોન કરી દેજે. " હર્ષદમામા બોલ્યા.

એ પછી દેવરાજે ફરીથી મામાના ચરણસ્પર્શ કર્યા અને રેલ્વે સ્ટેશનનાં પગથિયાં ચડી પ્લેટફોર્મ તરફ આગળ વધ્યો. મામા એને છેક સુધી જતો જોઈ રહ્યા.

પ્લેટફોર્મ ઉપર જઈને દેવરાજે સ્વામી આત્માનંદજીને ફોન કર્યો.

"પ્રણામ ગુરુજી. દેવરાજ બોલું છું. હું મુંબઈ જવા માટે નીકળી ગયો છું. સવારે ૬ વાગે હું બોરીવલી સ્ટેશન પહોંચી જઈશ. આપ મુંબઈ સ્વામીજી સાથે વાત કરી લેજો ને !" દેવરાજ બોલ્યો.

" હા હું હમણાં જ સ્વામીજીને જણાવી દઉં છું. તું સવારે સાડા દશ વાગ્યા પછી જ સ્વામીજીને મળવા જજે. ત્યાં સુધી એ પૂજામાં હોવાથી ખાસ કારણ સિવાય કોઈને પણ મળતા નથી. મેં તને એડ્રેસ અને ફોન નંબર આપેલા જ છે. મેં આપેલો મંત્ર સતત કરતો રહેજે. મારા આશીર્વાદ તારી સાથે જ છે" સ્વામીજી બોલ્યા.

" જી ગુરુજી. " દેવરાજ બોલ્યો અને એણે ફોન કટ કર્યો.

સ્લીપર ક્લાસમાં ત્રણ નંબરના કોચમાં દેવરાજનો બર્થ નંબર હતો. એ ચાલતો ચાલતો આગળ ગયો. રસ્તામાં એક સ્ટોલ ઉપરથી એણે પાણીની બોટલ લઈ લીધી અને પોતાનો કોચ આવી ગયો એટલે એ ૨૪ નંબરની સીટ ઉપર બેસી ગયો. સામાનમાં માત્ર ખભે ભરાવવાની એક હેન્ડબેગ જ હતી જે એણે પોતાની સીટ નીચે મૂકી.

યુવાન થયા પછી એ પહેલી વાર આજે મુંબઈ જઈ રહ્યો હતો. એ જ્યારે સાત આઠ વર્ષનો હતો ત્યારે એક વાર મમ્મી પપ્પા સાથે મુંબઈ ગયેલો પરંતુ મુંબઈ વિશેની એ જૂના સમયની કોઈ ખાસ સ્મૃતિ એના માનસમાં ન હતી.

બરાબર દસ વાગ્યે ટ્રેઈન ઉપડી. એનું જાણીતું અને માનીતું અમદાવાદ શહેર એની નજર સામેથી સરકતું ગયું. મુંબઈની ધરતી તરફ ધસમસતી ટ્રેઈન દેવરાજને એક નવી જ દુનિયા તરફ લઈ જઈ રહી હતી. કિસ્મતના નવા દરવાજા ખુલી રહ્યા હતા !

સાડા દસ વાગી ગયા એટલે બધાએ સૂવાની તૈયારી કરી. સૂવાની ઈચ્છા નહોતી તેમ છતાં પણ દેવરાજને ફરજિયાત સૂઈ જવું પડ્યું. એની આંખોમાં ક્યાંય પણ ઊંઘ ન હતી. સ્વામી આત્માનંદજીએ એના પૂર્વ જન્મની વાત કરી ત્યારથી જ એ ઉત્તેજિત હતો. પોતાના દીકરાના દીકરાને ઘરે એ દત્તક પુત્ર બનીને જઈ રહ્યો હતો !

વિચારોમાં ને વિચારોમાં ક્યારે ઊંઘ આવી ગઈ ખબર પણ ના પડી એની આંખ ખુલી ત્યારે સવારના સાડા પાંચ વાગ્યા હતા. એ ઉભો થયો અને બાથરૂમ જઈ આવ્યો. બધા સૂતેલા હતા એટલે સીટ ઉપર બેસી શકાય તેમ ન હતું. એ ફરી પોતાની બર્થ ઉપર આડો પડ્યો.

સવારે છ વાગે બોરીવલી સ્ટેશન આવી ગયું. મોટાભાગના પેસેન્જર્સ બોરીવલી સ્ટેશને ઉતરી ગયા. દેવરાજ પણ નીચે ઉતર્યો અને આટલી વહેલી સવારે બોરીવલી સ્ટેશને માનવભીડ અને લોકલ ટ્રેનોની સતત આવન જાવન જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો. એણે સાચું જ સાંભળ્યું હતું કે મુંબઈ ૨૪ કલાક જાગતું રહે છે !

એણે ગુગલમાં તપાસ કરીને ઇલોરા ગેસ્ટ હાઉસ પસંદ કર્યું હતું. અત્યારે મોંઘી હોટલો પસંદ કરવાની એની હેસિયત નહોતી. એ પ્લેટફોર્મ ઉપર જ એક ખાલી બાંકડા ઉપર બેસી ગયો કારણ કે આટલા વહેલા ગેસ્ટ હાઉસ જવાનો પણ કોઈ મતલબ ન હતો. સાડા સાત વાગ્યા સુધી એ ત્યાં બેસી રહ્યો અને લોકલ ટ્રેનોની આવન જાવન જોતો રહ્યો. એ સમય દરમિયાન એક સ્ટોલ ઉપર જઈને એણે સવારની ચા પણ પી લીધી.

સાડા સાત વાગે એ ઉભો થયો અને સીડી ઉપર ચડી ૧ નંબરના પ્લેટફોર્મ ઉપર આવ્યો અને ત્યાંથી બહાર નીકળી ગયો. બહાર નીકળીને એણે રીક્ષા કરી અને ઈલોરા ગેસ્ટ હાઉસ પહોંચી ગયો.

એણે રજીસ્ટરમાં સહી કરી અને પોતાનું આધારકાર્ડ બતાવ્યું. રૂમ નંબર ૨૦૪ ની ચાવી એને આપવામાં આવી. સીડી ચઢીને એ બીજા માળે પહોંચી ગયો અને તાળું ખોલીને એણે રૂમમાં પ્રવેશ કર્યો.

ગેસ્ટ હાઉસ બહુ જૂનું હતું એટલે રૂમ પણ જૂના જ લાગતા હતા. દીવાલોમાં ક્યાંક કલર પણ ઉખડી ગયેલો હતો છતાં એકંદરે રૂમ સારો હતો. એણે પોતાની બેગ નીચે મૂકી અને પલંગ ઉપર લંબાવ્યુ. ૧૦:૩૦ વાગ્યા પછી સ્વામીજીને મળવાનું હતું અને હજુ તો સવારના આઠ વાગ્યા હતા.

એણે એકાદ કલાક આરામ કરવાનું પસંદ કર્યું. એણે પંખો ચાલુ કર્યો અને મોબાઈલમાં નવ વાગ્યાનું એલાર્મ સેટ કર્યું. એ પછી એણે મામાને ફોન કરીને પોતે સહી સલામત મુંબઈ પહોંચી ગયો છે એની જાણ કરી.

સવારે નવ વાગે ઉઠીને એ વોશરૂમમાં ગયો અને બ્રશ દાઢી વગેરે પોતાનો તમામ નિત્યક્રમ પતાવ્યો. નાહી ધોઈને બહાર આવ્યો ત્યારે સવારના દશ વાગી ગયા હતા.

હજુ અડધી કલાકની વાર હતી એટલે એણે સ્વામીજીએ આપેલા ગુપ્ત મંત્રની માળા કરવાનું ચાલુ કર્યું. હજુ એ આંગળીના વેઢાથી જ માળા કરતો હતો. અડધા કલાકમાં એણે ૧૧ માળા કરી દીધી.

બરાબર ૧૦:૩૦ વાગે એણે સુબોધ સ્વામી સાથે ફોન ઉપર વાત કરી અને એમની સંમતિ મળતાં એ નીચે ઉતર્યો અને રિસેપ્શન ઉપર ચાવી આપીને હોટલની બહાર નીકળ્યો અને રીક્ષા કરી લીધી. માત્ર દશ જ મિનિટમાં એ પટેલ શોપિંગ સેન્ટર બિલ્ડીંગમાં પહોંચી ગયો.

સુબોધ સ્વામીએ એને બીજા માળના ફ્લેટનો નંબર આપ્યો હતો એટલે એ સીધો ફ્લેટ ઉપર જ પહોંચી ગયો અને ડોરબેલ દબાવ્યો. દરવાજો ખોલવા માટે સ્વામીજીનો સેવક આવ્યો જે હંમેશા એમની સાથે જ રહેતો હતો. સેવકે ભગવાં કપડાંના બદલે સફેદ ધોતી અને સફેદ ઝભ્ભો પહેર્યો હતો. માથે મુંડન હતું !

સેવક દેવરાજને સ્વામીજીના રૂમમાં લઈ ગયો. ફ્લેટનો મોટો બેડરૂમ સ્વામીજી વાપરતા હતા અને આ જ એમનો પૂજાનો તથા ધ્યાનનો રૂમ હતો.

દેવરાજે સ્વામીજીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. સુબોધ સ્વામીને દેવરાજના આ પ્રણામ ખૂબ જ ગમ્યા. છોકરો છે તો સંસ્કારી ! એનો ચહેરો પણ એકદમ સાત્વિક અને પ્રભાવશાળી છે ! સ્વામીજીએ એને દિલથી આશીર્વાદ આપ્યા.

દેવરાજ સ્વામીજીની સામે જોઈ રહ્યો. આત્માનંદજી દર મહિને માથે મુંડન કરાવતા હતા જ્યારે સુબોધાનંદજીના માથે લાંબા વાળ હતા. લાંબી દાઢી અને મૂછ પણ હતાં. ભગવાં વસ્ત્ર ધારણ કરેલાં હતા અને શરીર પડછંદ હતું. જોકે બંનેના ગુરુ એક જ હતા. એ પણ ૬૫ ૭૦ ની ઉંમરના લાગતા હતા.

"તારો બધો જ પરિચય મને નિખિલ મહારાજે આપી દીધો છે અને મારે મનમોહન શેઠ સાથે તારા વિશે વાત પણ થઈ ગઈ છે. તને દત્તક લેવા માટે એ પણ તૈયાર થઈ ગયા છે. " સ્વામી સુબોધાનંદજી બોલ્યા.

એમનું સંસારી નામ પણ સુબોધ હતું એટલે નિખિલ મહારાજ એમને સુબોધ મહારાજ કહીને જ બોલાવતા હતા. સુબોધાનંદજી મહારાજ પણ ઘણા વિદ્વાન અને સિદ્ધપુરુષ જેવા હતા.

"જી સ્વામીજી મને આત્માનંદજીએ આપના વિશે પણ બધી વાત કરી છે." દેવરાજ બોલ્યો.

" મનમોહન શેઠ તારો પોતાનો જ પૌત્ર છે અને તારો પૂર્વજન્મ વૈષ્ણવ કુટુંબમાં વૈકુંઠલાલ શેઠ તરીકે થયેલો. વૈકુંઠલાલ શેઠના મોટા દીકરા ગોપાલદાસ શેઠનો દીકરો એટલે આ મનમોહન શેઠ. પૂર્વજન્મમાં તું આ મનમોહન શેઠના દાદા વૈકુંઠલાલ હતો એ વાત તારે મનમાં જ રાખવાની છે. " સુબોધ મહારાજ કહી રહ્યા હતા.

" ત્યાં ગયા પછી આ વાત ભૂલે ચૂકે પણ તારે કોઈને કહેવાની નથી અને એક પુત્ર તરીકેનો જ રોલ તારે હંમેશ માટે નિભાવવાનો છે. યાદ રાખ કે આ તારો નવો જન્મ છે. તું અત્યારે વૈકુંઠલાલ નથી પણ એમનો દત્તક લીધેલો પુત્ર દેવરાજ છે. " સુબોધ મહારાજ બોલ્યા.

"જી સ્વામીજી આપની વાત હું બરાબર યાદ રાખીશ અને હું ભૂલી જઈશ કે મનમોહન શેઠ મારો પોતાનો પૌત્ર છે. સ્વામી આત્માનંદજીએ અને તમે મારી પસંદગી જે કરી છે એ માટે ક્યારેય પણ મારા વિશે ફરિયાદનું કોઈ કારણ ઊભું નહીં થાય. ઉપરથી એમને મને દત્તક લેવા માટે ગર્વ પેદા થશે. " દેવરાજ બોલ્યો.

" તારી પાસેથી મને આવી જ આશા હતી. તું ખૂબ જ સંસ્કારી અને પ્રમાણિક છે એ તો તને જોતાં જ મને ખબર પડી ગઈ છે. હું પણ વ્યક્તિની આરપાર જોઈ શકું છું પણ પૂર્વજન્મ જોઈ શકતો નથી. એ સિદ્ધિ માત્ર અમારા નિખિલ મહારાજ પાસે છે." સ્વામીજી બોલ્યા.

" જી સ્વામીજી અને એમના કારણે તો હું અત્યારે અહીં આપની સામે છું. " દેવરાજ હસીને બોલ્યો.

" અત્યારે તારી જમવાની વ્યવસ્થા મેં અહીં કરી છે. તારી પણ રસોઈ મારા સેવકે બનાવી દીધી છે. તું અહીં જમી લે અને બાજુના બેડરૂમમાં આરામ કર. હું શેઠની ગાડી મંગાવી લઉં છું અને સાંજે સાડા ચાર વાગે આપણે નીકળીશું. " સુબોધાનંદજી બોલ્યા.

" અરે પણ મારી રસોઈ બનાવવાની તકલીફ શા માટે લીધી ? હું તો અહીંયાં ગમે ત્યાં કોઈ પણ હોટલમાં જમી લેત." દેવરાજ બોલ્યો.

" મેં તને અહીં બોલાવ્યો છે અને તું હવે દેવરાજ દેસાઈમાંથી દેવરાજ શેઠ બનવાનો છે એટલે તારી સરભરા તો મારે કરવી જ પડે. તું હવે બાજુના બેડરૂમમાં એકાદ કલાક આરામ કર ત્યાં સુધીમાં રસોઈ બની જશે." સ્વામીજી હસીને બોલ્યા.

ત્રણ બેડરૂમનો બહુ મોટો ફ્લેટ હતો. દેવરાજ ફરી સ્વામીજીને નમસ્કાર કરીને બાજુના બેડરૂમમાં ગયો અને બેડ ઉપર આડો પડ્યો. સેવક ત્યારે કિચનમાં રસોઈ કરી રહ્યો હતો.

કિસ્મત ક્યાંથી ક્યાં લઈ આવ્યું ? ક્યાં માત્ર ૩૦૦૦ ના પગારમાં બેંકની નોકરી કરતો દેવરાજ અને ક્યાં વાલકેશ્વરના બંગલાનો વારસદાર ! દેવરાજ પોતે જ પોતાના નસીબ ઉપર હસી રહ્યો હતો. સવારે એક કલાક ઊંઘ્યો હતો એટલે અત્યારે એને ઊંઘ ના આવી છતાં એ ભાવિ વિચારોમાં સમય પસાર કરી રહ્યો.

એકાદ કલાક પછી સેવક એને જમવા માટે બોલાવવા આવ્યો.

" જમવાનું તૈયાર છે. ગુરુજીના રૂમમાં આવી જાઓ. સામે વોશરૂમ છે ત્યાં હાથ મ્હોં ધોઈ નાખજો. " સેવક બોલીને જતો રહ્યો.

દેવરાજ વોશરૂમમાં ગયો અને હાથ મ્હોં ધોઈ નાખ્યાં. ત્યાં નાહવાનો સાબુ અને ટુવાલ પણ મૂકેલાં હતાં.

એ સ્વામીજીના રૂમમાં ગયો અને સ્વામીજીને પ્રણામ કરીને ચટાઈના નાના આસન ઉપર બેસી ગયો.

રસોઈ સેવકે બનાવી હતી અને પીરસનાર પણ એ જ હતો. એ સૌ પ્રથમ સ્વામીજીની થાળી લઈ આવ્યો અને પછી દેવરાજની થાળી લાવ્યો. એ પછી બંને માટે પાણીના ગ્લાસ પણ લઈ આવ્યો અને એમાં માટલાનું ઠંડુ પાણી ભરી દીધું.

જમવામાં દૂધપાક પૂરી બટેટાનું રસાવાળુ શાક અને મેથીનાં ભજિયાં હતાં. સાથે કઢી ભાત પણ હતા.

કેટલાક મંત્રોચ્ચાર કરીને સ્વામીજીએ ભોજન પોતાના ઈષ્ટદેવને અર્પણ કર્યું અને પછી જમવાનું ચાલુ કર્યું. દેવરાજે પણ તેમની પાછળ પાછળ જમવાનું શરૂ કર્યું. સેવકે રસોઈ ખરેખર સરસ બનાવી હતી. સેવક એને આગ્રહ કરી કરીને દૂધપાક પીરસતો હતો !

" હવે તું બેડરૂમમાં આરામ કર. ચાર વાગે ચા બનશે ત્યારે તને જગાડવામાં આવશે. " સુબોધાનંદ સ્વામી બોલ્યા.

ભારે જમણ જમેલો હોવાથી અત્યારે દેવરાજને તરત જ ઊંઘ આવી ગઈ. ચા તૈયાર થઈ ગઈ એટલે સેવક એને ચા આપવા માટે આવ્યો.

" સર ચા તૈયાર છે ટેબલ ઉપર મૂકી છે. સાડા ચાર વાગે શેઠની ગાડી આવી જશે ત્યારે તમે તૈયાર રહેજો." સેવક બોલ્યો અને ચાલ્યો ગયો. પહેલી વાર આજે એને કોઈએ ' સર ' કહીને માનથી બોલાવ્યો હતો ! નસીબ ખરેખર હવે બદલાઈ રહ્યું હતું.

દેવરાજ ઉભો થયો અને વોશરૂમમાં જઈને મ્હોં ધોઈ નાખ્યું અને વાળમાં થોડું પાણી છાંટી ફરીથી વ્યવસ્થિત માથું ઓળ્યું. એ પોતાના પેન્ટના પોકેટમાં નાનો કાંસકો રાખતો હતો.

ટેબલ પાસે આવીને એણે ચાનો કપ હાથમાં લીધો અને બેડ ઉપર આવીને બેસી ગયો. ઘણા સમય પછી આટલી સરસ ચા એને પીવા મળી. આદુ ફુદીનો લીલી ચા નાખીને સેવકે એટલી તો સરસ ચા બનાવી હતી કે દેવરાજનું મન પ્રસન્ન થઈ ગયું.

સાડા ચાર વાગે સેવક ફરી આવ્યો.

" સર ગાડી આવી ગઈ છે. ગુરુજી આપને બોલાવે છે. " સેવક બોલ્યો અને કપ લઈને જતો રહ્યો.

દેવરાજ સ્વામીજીના રૂમમાં ગયો અને પ્રણામ કરીને ઉભો રહ્યો.

" શેઠની ગાડી આવી ગઈ છે. હમણાં જ એમના ડ્રાઇવરનો ફોન આવ્યો. તું તૈયાર છે ને દેવ ? તો આપણે અત્યારે જ નીકળીએ. " સ્વામીજી બોલ્યા.

બોરીવલી થી વાલકેશ્વર ઘણું દૂર છે અને મુંબઈના ટ્રાફિકમાં કાર દ્વારા જવું એ બહુ સમય માગી લે છે. બે કલાક પછી એ લોકોની ગાડી વાલકેશ્વરમાં પ્રવેશ કરી ગઈ.

વાલકેશ્વર રોડના ૬૫મા રસ્તા ઉપર કૃષ્ણરાજ સોસાયટીમાં સાગર મહલ ફ્લેટ આવેલા છે. ડ્રાઇવરે સિક્યુરિટી સાથે વાત કરીને ગાડી પાર્કિંગમાં લીધી અને પાર્ક કરી.

"આ સાગર મહલ ફ્લેટ બે બંગલા ભેગા કરીને બનાવેલા છે. જેમાંનો એક બંગલો તારો પોતાનો હતો ! વિશાળ જગ્યામાં ફેલાયેલો તારો એક જમાનામાં વૈભવી ગણાતો જૂનો બંગલો રી ડેવલપમેન્ટમાં ગયો અને શેઠને કરોડો રૂપિયા મળ્યા." સુબોધ સ્વામી બોલ્યા.

વાલકેશ્વરનો આખો વિસ્તાર ગુલમહોર નાં વૃક્ષોથી શોભી રહ્યો હતો સામે જ ચોપાટીનો દરિયા કિનારો હતો. દરિયાનો દૂર દૂરથી ઘૂઘવાટ પણ સંભળાતો હતો. દરિયા તરફથી ઠંડો પવન પણ લહેરાઈ રહ્યો હતો ! વાતાવરણ પણ એકદમ શાંત હતું !!

દેવરાજ તો આ એરિયાને અને પોતાના ફ્લેટને જોઈને ગાંડો જ થઈ ગયો. પૂર્વ જન્મમાં એ આ જ એરિયામાં વર્ષો સુધી રહ્યો હતો છતાં એને અત્યારે કંઈ યાદ આવતું ન હતું.

સ્વામીજી એને ત્રીજા માળે લઈ ગયા અને ૩૦૨ નંબરના ફ્લેટનો ડોરબેલ વગાડ્યો. ૩૦૧ અને ૩૦૨. આ બંને ફ્લેટ મનમોહન શેઠના જ હતા પરંતુ બંને ફ્લેટ જોડી દીધા હતા અને ૩૦૧ નંબરનો દરવાજો બંધ જ રાખ્યો હતો.

મનમોહન શેઠ સ્વામીજીની રાહ જ જોઈ રહ્યા હતા એટલે એમણે જાતે જ ઊભા થઈ દરવાજો ખોલ્યો અને દરવાજામાં જ ઉભેલા સ્વામીજીના ચરણ સ્પર્શ એમણે કર્યા.

"પધારો ગુરુજી" મનમોહન શેઠ બોલ્યા અને એમની નજર ગુરુજીની પાછળ ઉભેલા દેવરાજ ઉપર પડી. આવા પ્રતિભાશાળી સાત્વિક યુવાનને જોઈને મનમોહન શેઠ એકદમ ખુશ થઈ ગયા.

ગોરો વાન. લગભગ છ ફૂટ જેટલી હાઈટ. ભરાવદાર મૂછ. ચહેરા ઉપર આછી આછી ટ્રીમ કરેલી દાઢી. થોડાક વાંકડિયા કહી શકાય એવા કાળા વાળ અને કસરતી કસાયેલું શરીર !

જેવો વારસદાર જોઈતો હતો એવો જ આ યુવાન દેખાય છે. એને દત્તક પુત્ર બનાવીને મારી બધી જ જવાબદારી એને સોંપી દઉં. દેખાવમાં તો યુવાન કાબેલ દેખાય છે ! - મનમોહન શેઠ વિચારી રહ્યા હતા.

મનમોહન શેઠ આ બધા વિચારોમાં મગ્ન હતા ત્યાં જ દેવરાજે નીચા નમીને પોતાના ભાવિ પિતાજીના ચરણસ્પર્શ કર્યા.

યુવાનના સંસ્કાર જોઈ મનમોહન શેઠ ખૂબ ભાવુક થઈ ગયા અને એમણે દેવરાજને છાતી સરસો ચોંપી દીધો.

"કેટલા દિવસથી તારી પ્રતીક્ષા કરતો હતો ! ગુરુજીની કૃપાથી જ મારી શોધ પૂરી થઈ છે. આપણી વચ્ચેના કોઈ પૂર્વ જન્મના ઋણાનુબંધથી જ તું મારા દરવાજે આવ્યો છે દેવ ! મારા ઘરમાં તારું સ્વાગત કરું છું !! " મનમોહન શેઠ બોલ્યા.

અરે મનમોહન શેઠ આ શું બોલી ગયા ? શું એ મારા પૂર્વજન્મ વિશે જાણે છે ? ઋણાનુબંધની વાત સાંભળીને દેવરાજ ચમકી ગયો !

અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."