પીજી હાઉસ પ્રકરણ 6
" કોઈ પૂર્વ જન્મના ઋણાનુબંધથી જ તું મારા દરવાજે આવ્યો છે દેવ ! મારા ઘરમાં તારું સ્વાગત કરું છું !!" મનમોહન શેઠ બોલ્યા.અરે મનમોહન શેઠ આ શું બોલી ગયા ? શું એ મારા પૂર્વ જન્મ વિશે જાણે છે ? મનમોહન શેઠે બોલેલા આ છેલ્લા બે વાક્યોથી દેવરાજ ચમકી ગયો !
પીજી હાઉસ નવલકથા
પરંતુ એવું ન હતું. મનમોહન શેઠ પોતે સ્વાભાવિક રીતે જ આવા શબ્દો બોલેલા. એ દેવરાજના પૂર્વજન્મ વિશે કંઈ જાણતા જ ન હતા.
એ પછી મનમોહન શેઠ બંનેને પોતાના વિશાળ ડ્રોઈંગ રૂમમાં લઈ ગયા. બંને જણા એક સોફામાં બેઠા. ડ્રોઈંગ રૂમ અદભુત હતો ! મનમોહન શેઠ પ્રકૃતિ પ્રેમી હતા એવું લાગ્યું. અનેક જાતનાં વિશાળ પેઇન્ટિંગ દિવાલો ઉપર લટકતાં હતાં. દિવાનખંડની વચ્ચોવચ એક મોટું ઝુમ્મર પણ હતું. શ્રીમંતાઈની ચાડી ખાતી અનેક નવીન વસ્તુઓ આ ડ્રોઈંગ રૂમમાં દેખાઈ આવતી હતી !!
અને અચાનક દેવરાજની નજર એક દિવાલ ઉપર લટકતી બે મોટી તસ્વીરો ઉપર પડી. મ્યુઝિયમમાં જેમ મહારાજાઓનાં પોર્ટ્રેટ લટકતાં હોય છે તેવાં જ બે વિશાળ પોર્ટ્રેટ દિવાલ ઉપર લટકતાં હતાં. એમાંના એક પોર્ટ્રેટ ઉપર નજર પડતાં જ દેવરાજ ચમકી ગયો.
એ પોર્ટ્રેટનો ચહેરો પોતાને ગજબનો મળતો આવતો હતો. પોતે જ્યારે વૃદ્ધ થશે ત્યારે એ પણ બિલકુલ આવો જ દેખાશે. પોતાના અને એ પોર્ટ્રેટના ચહેરામાં ખૂબ જ સામ્યતા હતી !
દેવરાજને એ પોર્ટ્રેટ તરફ એકી નજરે તાકી રહેલો જોઈ મનમોહન શેઠ બોલ્યા.
" એ મારા દાદા વૈંકુંઠલાલ શેઠની તસ્વીર છે બેટા. " મનમોહન શેઠે દેવરાજનું બેટાથી સંબોધન કર્યું.
" મારો અને એમનો ચહેરો આબેહૂબ મળતો આવે છે એટલે હું એ તસ્વીરને તાકી રહ્યો હતો શેઠ જી. " દેવરાજ બોલ્યો.
" અરે હા તારી વાત બિલકુલ સાચી છે. યુવાનીમાં મારા દાદા તારા જેવા જ દેખાતા હશે ! તારો ચહેરો અદલ મારા દાદા જેવો જ છે. " મનમોહન શેઠ આશ્ચર્યથી બોલી ઉઠ્યા.
" કદાચ તમારા દાદા જ ફરી પાછા આ જન્મમાં તમારા પુત્ર બનીને તમારા ઘરે આવ્યા હોય એવું મને તો લાગી રહ્યું છે." સ્વામી સુબોધાનંદ હસીને બોલ્યા.
મનમોહન શેઠને સ્વામીજીની આ વાત હૃદયને સ્પર્શી ગઈ. એ થોડા લાગણી ભીના થઈ ગયા.
" કદાચ જો એવું જ હોય તો તો મારું નસીબ ખુલી ગયું. આ બધો એમનો જ વસાવેલો વૈભવ છે. એ પોતે ભોગવવા આવે તો એનાથી વધારે રૂડું શું ? " શેઠ બોલ્યા.
શેઠ બોલવા ખાતર બોલી તો ગયા પરંતુ એમને ખબર નહોતી કે એમના દાદા જ પુત્ર બનીને એમના ઘરે આવ્યા છે.
" ના ના હું તો ખાલી મજાક કરું છું પરંતુ બંનેના ચહેરા એક જેવા જ છે એ તો સ્વીકારવું જ પડે. હવે તમને તમારી અમાનત આજે સોંપી રહ્યો છું. દત્તક તરીકેની તમામ કાયદાકીય વિધિ પતાવીને એનો પુત્ર તરીકે સ્વીકાર કરો. એને તમારો સાચો વારસદાર બનાવો. એને પુત્ર બનાવ્યા પછી તમારું ગર્વ એ વધારશે એની ખાત્રી હું આપું છું." સ્વામીજી બોલ્યા.
" ગુરુજી આપનો આદેશ એટલે મારા માટે તો બ્રહ્મવાક્ય ! આ મકાન આ મિલકત આ સંપત્તિ આ પૈસો બધું એનું જ છે. હું એને મારો સાચો પુત્ર માનીને જ બધું એને સોંપી દઈશ." મનમોહન શેઠ બોલ્યા.
આ બધી વાતચીત ચાલુ હતી ત્યાં શેઠનાં પત્ની સુમિત્રા શેઠાણી અંદરના રૂમમાંથી બહાર આવ્યાં. સંધ્યાકાળ હતો એટલે શેઠાણી પૂજાના રૂમમાં પૂજા કરી રહ્યાં હતાં. પૂજા પૂરી થઈ એટલે તરત જ એ દિવાન ખંડમાં આવી ગયાં. સામે એમણે એક યુવાનને બેઠેલો જોયો.
સુમિત્રા શેઠાણી એ જેવો પ્રવેશ કર્યો કે તરત જ દેવરાજ સમજી ગયો કે આ જ મારી ભાવિ માતા છે. એ તરત જ ઉભો થઈને શેઠાણી પાસે ગયો અને નીચા નમીને એમના ચરણસ્પર્શ કર્યા.
"જીવતો રહે બેટા. તારી રાહ જોઈ જોઈને હવે તો હું ઘરડી થવા આવી. કેટલાં વર્ષો સુધી એક દીકરા માટે હું તડપતી રહી ! " શેઠાણીએ દેવરાજના માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા.
" ગુરુજી તમે તો આજે અમારા જીવતરને ધન્ય કરી દીધું. આટલાં વર્ષો પછી તમારા કારણે આજે મને મારો દીકરો મળ્યો છે. જુઓને કેવો કેલૈયા કુંવર જેવો છે ! " શેઠાણી ગુરુજીને સંબોધીને બોલ્યાં.
" જગતમાં સમય પાક્યા સિવાય કંઈ જ થતું નથી. જગતમાં એક બીજાના ઋણાનુબંધથી જ બધા ભેગા થતા હોય છે. તમારો સમય પાકી ગયો અને પૂણ્યનો ઉદય થયો એટલે તમારા ઘરે પુત્રની પ્રાપ્તિ થઈ. હું તો નિમિત્ત માત્ર છું. તમારી વર્ષોની પ્રાર્થના ફળી. તમે તો લાલાને બહુ જ માનો છો તો તમારા ઘરમાં આ લાલો આવ્યો ! " સ્વામીજી બોલ્યા.
સુમિત્રા શેઠાણી લાલાનાં એટલે કે બાલકૃષ્ણનાં ભક્ત હતાં. સવાર સાંજ લાલાની પૂજા ભક્તિ કરતાં હતાં અને આખો દિવસ 'શ્રીકૃષ્ણ શરણમ મમ' ના મંત્ર જાપ મનમાં કરતાં હતાં. ખૂબ જ સાત્વિક હતાં.
એ પછી શેઠાણી સામેના સોફા ઉપર જઈને બેસી ગયાં. એમની નજર તો દેવરાજની ઉપર જ હતી. યુવાન ખૂબ જ સંસ્કારી અને સાત્વિક દેખાય છે.
" હવે હું રજા લઉં શેઠ જી. બસ તમારા દીકરાને સોંપવા માટે જ હું જાતે આવ્યો હતો." સ્વામીજી બોલ્યા.
" ગુરુજી મારા માટે આટલો મોટો ઉપકાર કરીને આમ ચાલ્યા જવાય?" મનમોહન શેઠ બોલ્યા અને ઊભા થયા. અંદર જઈને ત્રણ ચાર મિનિટમાં પાછા આવ્યા. સાથે એમનો નોકર એક થાળીમાં ચંદન ચોખા ફૂલ હાર અને પાણીનો લોટો લઈને આવ્યો.
શેઠના હાથમાં એક મોટો થાળ હતો. એ થાળને નીચે મૂકીને એમાં સ્વામીજીનાં ચરણ ગોઠવીને ગુરુ પૂજન ચાલુ કર્યું. પાણીથી બંને પગ ધોઈ નાખ્યા. એ પછી થાળ લઈ લીધો અને નેપકીનથી પગ લૂછીને એના ઉપર ચંદન લગાવ્યું. ચોખા અર્પણ કર્યા. બંને પગ ઉપર થોડાં ફૂલ મૂક્યાં.અને નીચે નમીને બંને પગ ઉપર પોતાનું મસ્તક સ્પર્શ કરાવ્યું.
એ પછી ગુરુજીના કપાળે ચંદન લગાવ્યું અને ગુલાબનો હાર પહેરાવી દીધો. એ પછી શેઠ ઝડપથી સાઈડમાં ગોઠવેલા ટેબલના ડ્રોવરમાંથી એક પેકેટ લઈ આવ્યા અને સ્વામીજીના હાથમાં આપ્યું.
" ગુરુજી આ મારી અત્યારે યથાશક્તિ ગુરુદક્ષિણા છે. એનો સ્વીકાર કરો. આ મારી તમારા પ્રત્યેની લાગણી છે. તમે મારા જીવનમાં અંગત રસ લઈને જે કામ કરી આપ્યું છે એ બદલ હું તમારો જનમ જનમનો ઋણી છું. " મનમોહન શેઠ બોલ્યા. એ પેકેટમાં સવા લાખ રૂપિયા હતા.
સ્વામીજીએ સહર્ષ એનો સ્વીકાર કર્યો અને શેઠજીના માથા ઉપર હાથ મૂકી મનમાં કંઈક મંત્રોચ્ચાર પણ કર્યો.
" ગુરુજી મને ખબર છે તમે એક જ વાર જમો છો અને સાંજે કંઈ પણ લેતા નથી એટલે તમારા માટે દૂધની વ્યવસ્થા કરી છે. એ તમે ગ્રહણ કરો." કહીને શેઠે બાજુમાં ઉભેલા નોકરને દૂધ લઈ આવવા આદેશ કર્યો.
નોકર થોડીવારમાં જ બદામ પિસ્તા સાકર નાખેલા ગરમ દૂધને એક મોટા ગ્લાસમાં લઈ આવ્યો અને શેઠના હાથમાં આપ્યો.
શેઠે એ ગ્લાસ સ્વામીજીના હાથમાં આપ્યો. દૂધ પી શકાય એવું ગરમ હતું એટલે સ્વામીજીએ ધીમે ધીમે એ દૂધ પી લીધું. શેઠે એમને મ્હોં લૂછવા નેપકીન આપ્યો.
એ પછી શેઠ પોતે છેક નીચે સુધી જઈને ગુરુજીને એમની ગાડી સુધી વિદાય આપી આવ્યા. સેવક ગાડીમાં ડ્રાઇવરની બાજુની સીટ ઉપર બેઠેલો જ હતો. એ બહાર નીકળ્યો. એણે પાછળનો દરવાજો ખોલ્યો. ગુરુજી ગાડીમાં બેસી ગયા પછી સેવક ફરી પાછો આગળની સીટ ઉપર ગોઠવાઈ ગયો.
"વિઠ્ઠલ.. ગુરુજીને બોરીવલી ઉતારી આવ. અને ગાડી શાંતિથી ચલાવજે અત્યારે ટ્રાફિક વધારે હશે. " શેઠે પોતાના ડ્રાઇવરને સૂચના આપી. શેઠ પાસે સ્કોડા ઓકટેવિયા ગાડી હતી.
ગુરુજીને વળાવીને શેઠ ઉપર પોતાના ફ્લેટમાં આવી ગયા. સાંજના સાડા સાત વાગી ગયા હતા.
"તારું નામ દેવરાજ છે બેટા પરંતુ હું તને દેવ કહીને બોલાવીશ." મનમોહન શેઠ બોલ્યા.
" જી પપ્પાજી. " અચાનક દેવરાજથી બોલાઈ ગયું.
દેવરાજના આ બે શબ્દો મનમોહન શેઠના દિલને હચમચાવી ગયા ! આ શબ્દો સાંભળવા માટે વર્ષોથી એ આતુર હતા ! શેઠ ખૂબ જ લાગણીશીલ થઈ ગયા અને એમની આંખો ભીની થઈ ગઈ. એમનાં પત્ની સુમિત્રાદેવીને પણ દેવરાજનું આ સંબોધન બહુ જ ગમી ગયું !
" ચાલ તને આખો ફ્લેટ બતાવી દઉં. મારો અને બાજુનો બંગલો વેચીને આ સાગર મહલની ફ્લેટની સ્કીમ બની છે. ત્રીજા માળના બાજુ બાજુના બે ફ્લેટ ભેગા કરીને એક ફ્લેટ બનાવ્યો છે એટલે આ ફ્લેટમાં વચ્ચેની દીવાલ કાઢીને આ મોટો ડ્રોઈંગ રૂમ બનાવ્યો છે અને બંને બાજુ ત્રણ ત્રણ એમ કુલ છ મોટા બેડરૂમ છે. એક બાજુનું કિચન કાઢીને ત્યાં એક સ્ટોર રૂમ બનાવ્યો છે " શેઠ બોલી રહ્યા હતા.
"એક મોટા બેડરૂમમાં એક નોકર એની પત્ની સાથે રહે છે જે બંને ભેગાં થઈને આખા ઘરનું કામ કરે છે. મારવાડી છે. નોકરનું નામ રૂપાજી છે અને એની પત્નીનું નામ ભંવરી છે. વર્ષોથી આપણા ઘરે કામ કરે છે. એ સિવાય નંદુ મહારાજ આપણો રસોઈયો છે. એનો પરિવાર દેશમાં રહે છે. એને રૂમ નથી આપ્યો પરંતુ એ રાત્રે આપણા ડ્રોઈંગ રૂમમાં સૂઈ જાય છે. એનો બધો સામાન સ્ટોર રૂમમાં રહે છે." શેઠ દેવરાજ ને બધું સમજાવી રહ્યા હતા.
"બપોરે મહારાજને આરામ કરવો હોય તો એક નાનો બેડરૂમ ખાલી જ રાખ્યો છે જેમાં એ આરામ કરી શકે છે. ક્યારેક આપણો ડ્રાઇવર વિઠ્ઠલ પણ એ જ બેડરૂમમાં આરામ કરે છે. એ મહારાષ્ટ્રીયન છે. " મનમોહન શેઠે બધાનો પરિચય કરાવ્યો અને પછી ઊભા થઈને દેવરાજને બધા બેડરૂમ બતાવી દીધા.
" આ અમારો બેડરૂમ છે... આ બીજા નાના બેડરૂમનો ઉપયોગ પૂજા રૂમ તરીકે અમે કરીએ છીએ. હું તો બહુ પૂજા નથી કરતો પરંતુ સુમિત્રા સવાર સાંજ અહીં લાલાની સેવા કરે છે. જો અંદર સામે આરસનું મોટું મંદિર પણ મારા દાદા વખતનું છે. " શેઠ બોલ્યા. પૂજાના એ બેડરૂમમાંથી અગરબત્તીની સુંદર સુગંધી પ્રસરી રહી હતી.
એ પછી શેઠે દેવરાજને બાકીના બે મોટા બેડરૂમ બતાવ્યા. એ બંને મોટા બેડરૂમ બંને દિશામાં હતા.
" આ બંને મોટા બેડરૂમમાંથી તને જે પણ પસંદ આવે એ બેડરૂમ હંમેશ માટે તારો દેવ. બંને બેડરૂમ તું શાંતિથી જોઈ લે અને તને મનગમતો બેડરૂમ પસંદ કરી લે. બંનેમાં એટેચ વોશરૂમ છે." શેઠ બોલ્યા.
" જી મને ઘૂઘવતો દરિયાકિનારો ખૂબ જ ગમે છે અને પેલા બેડરૂમમાંથી દરિયાનું દર્શન થતું હોવાથી મને એ જ બેડરૂમમાં રહેવાનું ગમશે." દેવરાજે પોતાની પસંદગી આપી દીધી.
" વાહ તારામાં નિર્ણય લેવાની ઝડપી શક્તિ છે. તારા વિચારો પણ બહુ સ્પષ્ટ છે. ગુડ ! દરિયો દેખાય એટલા માટે જ મેં ત્રીજા માળે ફ્લેટ લીધો છે. આ મલબાર હિલ એરીયા છે અને ઊંચાઈ ઉપર છે. તું પણ મારી જેમ પ્રકૃતિપ્રેમી છે એટલે તને અહીં બહુ ગમશે. " શેઠ બોલ્યા.
" જી પપ્પાજી. અત્યારે તો મારી પાસે કોઈ સામાન નથી એટલે મારે તો મારી નાની હેન્ડબેગ લઈને જ ત્યાં ગોઠવી દેવાની છે. " દેવરાજ હસીને બોલ્યો.
" એની તું ચિંતા નહીં કર. બે-ત્રણ દિવસમાં જ આપણો ડ્રાઇવર વિઠ્ઠલ અહીંનાં મોટાં શોપીંગ સેન્ટરોમાં તને લઈ જશે. તારે જે પણ કપડાં, સ્યુટ, બૂટ, ટાઈ, ગળામાં પહેરવાની સોનાની ચેન, હાથમાં પહેરવાની રિસ્ટ વોચ વગેરે ખરીદી લેજે. મારુ ડેબિટ કાર્ડ તને પીન નંબર સાથે આપી દઈશ. તું હવે પોતે કરોડોપતિ છે એટલે તારી પસંદગી હલકી ના હોવી જોઈએ. ખરીદી કરતી વખતે તારે પૈસા સામે જોવાનું નથી. હાથની ઘડિયાળ પણ બે-ત્રણ લાખની તું લઈ શકે છે. " શેઠ હસીને બોલ્યા.
દેવરાજ તો શેઠની સામે જોઈ જ રહ્યો. પોતે આ ક્યાં આવી ગયો હતો ! કરકસરથી જીવનારા આ જીવને લાખો રૂપિયાની ખરીદી કરવાની હિંમત કેવી રીતે ચાલશે ? હવે તો ધીમે ધીમે ટેવ પાડવી જ પડશે - દેવરાજ વિચારી રહ્યો.
"બોલ હવે તારે શું જમવાની ઈચ્છા છે ? પહેલીવાર મારા ઘરે આવ્યો છે. આજે તારી પસંદગી પ્રમાણે રસોઈ બનશે. અમે લગભગ રાત્રે પોણા નવ વાગે જમવા બેસીએ છીએ. " શેઠ બોલ્યા.
" પપ્પાજી મારી પોતાની કોઈ પસંદગી જ નથી કારણ કે છેલ્લાં દશ વર્ષથી માતા પિતાને ગુમાવી દીધા પછી મામા મામીના આશ્રયે રહ્યો છું અને સ્વાદને પણ ભૂલી ગયો છું. હું અત્યારે તો કંઈ જ વિચારી શકતો નથી. તમને જે યોગ્ય લાગે તે બનાવવાનું મહારાજને કહી દો." દેવરાજ બોલ્યો.
દેવરાજની વાત સાંભળીને શેઠ ફરી લાગણીશીલ થઈ ગયા. માતા પિતાને ગુમાવી દીધેલો યુવાન જાતજાતનાં પકવાન અને ફરસાણ વિશે કેવી રીતે વિચારી શકે ?
" ઠીક છે બેટા. આ ઘરમાં તું આવ્યો છે તને હવે બધા જ સ્વાદ માણવા મળશે. હું મારી રીતે મહારાજને રસોઈ બનાવવાનું કહી દઉં છું. " શેઠ બોલ્યા અને કિચનમાં ગયા.
" મહારાજ એક કામ કરો. અત્યારે રાતનો સમય છે એટલે વધારે કંઈ બનાવવું નથી. રૂપાજીને કહો એ દોઢ કિલો શિખંડ લઈ આવે. તમે પૂરીઓ બનાવી દો. સાથે બટેટાની સૂકી ભાજી અને કઢી ભાત પણ બનાવી દો. કાલ સવાર માટે આપણે કંઈક બીજું વિચારશું. " શેઠ સુચના આપીને બહાર નીકળી ગયા.
રાત્રે શેઠ અને શેઠાણીએ પોતાના આ ભાવિ દત્તક પુત્રને ખૂબ જ પ્રેમથી આગ્રહ કરી કરીને જમાડ્યો. આજથી જાણે કે દેવરાજનું કિસ્મત જ બદલાઈ ગયું હતું. સવારે દૂધપાક પૂરી તો સાંજે શિખંડ પૂરી અને એ પણ આગ્રહ કરી કરીને !
રાત્રે ૯:૩૦ વાગે બધા જમીને ઊભા થયા. શેઠ અને શેઠાણી મોટા ડ્રોઈંગ રૂમમાં આવીને સોફા ઉપર બેઠાં.
" ઘરે કેટલા વાગે સૂઈ જવાની ટેવ છે દેવ ?" દિવાન ખંડમાં જઈને શેઠે મોટું એલઈડી ટીવી ચાલુ કરીને પૂછ્યું.
"જી પપ્પાજી એમ તો રોજ રાતના અગિયાર વાગી જાય છે પણ સવારે હું વહેલો પાંચ વાગે ઉભો થઈ જાઉં છું."
દેવરાજ બોલ્યો.
"સવારે વહેલા પાંચ વાગે ? બહુ જ વહેલો ટાઈમ કહેવાય ! આ સુમિત્રા પણ સવારે સાડા પાંચ વાગે ઉઠી જાય છે. જ્યારે મારા ઉઠવાનો ટાઈમ સવારે સાત વાગે. અત્યારે મોડે સુધી ટીવી જોવાની ટેવ." શેઠ બોલ્યા.
" જી. દરેકની પોતપોતાની પ્રકૃતિ હોય છે. મને નવરા બેસી રહેવું ગમતું નથી. નાનપણથી જ મહેનતુ છું અને ઘરનું બધું જ કામકાજ મને ફાવે છે સિવાય કે રસોઈ. " દેવરાજ નિખાલસતાથી બોલ્યો.
" તારે હવે અહીં કોઈ જ એવી મહેનત કરવાની નથી. આપણી પાસે કરોડો રૂપિયા છે. સમય પસાર કરવા માટે આપણું પોતાનું એક ગેસ્ટ હાઉસ પણ છે. એ સિવાય હું પોતે શેરબજારમાં સારું એવું કમાઈ લઉં છું. તને પોતાને કોઈ ધંધામાં રસ હોય તો પણ તું સ્વતંત્રપણે એ કરી શકે છે. " શેઠ બોલ્યા.
" જી એ બધું વિચારવાનો મારી પાસે ઘણો સમય છે. હજુ તો મેં મુંબઈ જોયું જ નથી. નાનપણમાં સાવ નાની ઉંમરે મમ્મી પપ્પા સાથે આવેલો પણ એની કોઈ યાદ મને અત્યારે નથી. આ નગરી જેને સાથ આપે એને માલામાલ કરી દે છે એવું સાંભળ્યું છે. હવે કિસ્મત મને અહીં સુધી લઈ આવ્યું છે તો મુંબઈમાં એને પણ અજમાવીશું. તમારા કરોડો રૂપિયા ઉડાડવામાં મને કોઈ રસ નથી. હું મારા બુદ્ધિબળથી કમાવવા માગું છું." દેવરાજ બોલ્યો.
"તારા વિચારો અને તારું સ્વાભિમાન મને બહુ જ ગમી ગયું. હવે આવતી કાલે મારા એડવોકેટને બોલાવીને દત્તક લેવાની કાયદાકીય વિધિ બધી સમજી લઈએ અને આપણે આગળ વધીએ. તારે જ્યારે સૂવાની ઈચ્છા થાય ત્યારે સૂઈ જજે. મને તો બાર વાગ્યા સુધી જાગવાની ટેવ છે. સુમિત્રા તો હમણાં દશ વાગે સૂઈ જશે. " શેઠ બોલ્યા.
" જી પપ્પાજી." દેવરાજ બોલ્યો. એણે ધાર્યું હતું એના કરતાં પણ વધારે લાડ પ્યાર એને મનમોહન શેઠ તરફથી મળી રહ્યાં હતાં.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

