પીજી હાઉસ (PG House Novel Part-7)

Related

પીજી હાઉસ પ્રકરણ 7

સ્વામી સુબોધાનંદ મહારાજ દેવરાજને શેઠ મનમોહનદાસના ફ્લેટ ઉપર મૂકી ગયા હતા. મનમોહન શેઠે પોતાના ભાવિ પુત્ર દેવરાજનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને એને પ્રેમથી જમાડ્યો હતો.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

જમીને શેઠ શેઠાણી અને દેવરાજ મુખ્ય દિવાનખંડમાં આવીને ટીવી જોતાં જોતાં ચર્ચા કરી રહ્યાં હતાં.

ચર્ચા પતી ગઈ પછી મનમોહન શેઠે એમના નોકર નોકરાણીને તથા મહારાજને બૂમ પાડીને બોલાવ્યા અને દેવરાજની ઓળખાણ કરાવી.

"રૂપાજી, ભંવરી, નંદુ મહારાજ... આ દેવરાજ છે. એ તમારા આજથી નાના શેઠ છે. મારા જેટલી જ ઈજ્જત તમારે એમને આપવાની છે. હું એમને મારા વારસદાર દીકરા તરીકે દત્તક લઈ રહ્યો છું. એમના તમામ હુકમનું પાલન થવું જોઈએ. " શેઠે બધાને સૂચના આપી.

" જી શેઠ. " બધા એકસાથે બોલ્યા.

" રૂપાજી ૬ નંબરનો મોટો બેડરૂમ હવે પછી આ નાના શેઠ વાપરશે એટલે અત્યારે તમે એમના રૂમમાં પીવાના ઠંડા પાણીનો જગ અને ગ્લાસ મૂકી દેજો અને કાલથી એ રૂમને એકદમ ક્લીન કરી દેજો." શેઠે આદેશ કર્યો.

" જી શેઠ. " રૂપાજી બોલ્યા અને પછી બધા પોતપોતાની જગ્યાએ જતા રહ્યા.

" મમ્મી તમારા પગ દબાવી દઉં ? " દેવરાજ સુમિત્રા શેઠાણી સામે જોઈને બોલ્યો.

" અરે ના રે બેટા. તું આ શું બોલ્યો ?" શેઠાણી આશ્ચર્યથી બોલ્યાં.

" આમાં નવાઈ પામવા જેવું કંઈ જ નથી. માતાના પગ દીકરો દબાવે અને સેવા કરે એ તો આપણા સંસ્કાર છે. અને મને તો આદત છે. ક્યારેક ક્યારેક અમદાવાદમાં મામાના પગ હું દબાવી આપતો હતો. " દેવરાજ બોલ્યો.

" દેવ તું કેવા પ્રકારના સંસ્કાર લઈને જન્મ્યો છે એ જ સમજાતું નથી. આ યુવાન ઉંમરે તારામાં આટલી બધી સેવાની ભાવના ! તારી અમુક વાતો સાંભળીને તો અમને આશ્ચર્ય થાય છે કે કળિયુગમાં તારા જેવા યુવાનો પણ હોય છે ! આજના જમાનામાં મા બાપના પગ કોણ દબાવે છે બેટા ? " શેઠ લાગણીવશ થઈ ગયા. શેઠાણીની આંખો પણ ભીની હતી.

"આજે રહેવા દે. આજે પહેલો દિવસ છે. તું એકવાર અહીં ઠરીઠામ થઈ જા. જ્યારે સમય પાકશે અને જરૂર પડશે તો તારી સેવા લઈશું. તેં આટલું કહ્યું એનો પણ મને ખૂબ જ આનંદ છે." સુમિત્રા શેઠાણી બોલ્યાં.

દશ વાગ્યા એટલે શેઠાણી પોતાના બેડરૂમમાં ગયાં અને લગભગ પોણા અગિયાર વાગે દેવરાજ પણ પોતે પસંદ કરેલા બેડરૂમમાં ગયો.

હવે મામાને ફોન કરવો જરૂરી હતો. અત્યારે રાતના ૧૦:૪૫ વાગ્યા હતા અને મામા રોજ રાત્રે મોડે સુધી જાગતા હતા એ એને ખબર હતી. એ જે દિવસે મુંબઈ પહોંચ્યો તે દિવસે સવારે મામાને સુખરૂપ પહોંચી ગયાની જાણ તો કરી જ દીધી હતી.

" મામા દેવ બોલું. " દેવરાજ બોલ્યો.

" હા બોલ દેવ. તારો ફોન આવ્યો એ મને બહુ સારું લાગ્યું. " હર્ષદમામા બોલ્યા.

" હા મામા. મને નોકરી રાખનાર શેઠને મેં મળી લીધું છે અને મારી નોકરી અહીં એકદમ પાક્કી જ છે. એક લાખ રૂપિયાનો પગાર પણ મને મળશે. મારા માટે એમણે રૂમની વ્યવસ્થા પણ કરી દીધી છે અને ફર્નિચર સાથેનો રૂમ પણ બહુ જ સરસ છે. બાજુમાં રહેતાં એક માસી સાથે ટિફિનની વાતચીત પણ થઈ ગઈ છે. એટલે મને જમવાની પણ કોઈ તકલીફ નહીં પડે. " દેવરાજ બોલ્યો.

મામા સાથે ખોટું બોલવું એને ગમતું ન હતું પરંતુ પૂર્વ જન્મની આ વાત જ એવી હતી કે એ કોઈને પણ કહેવાય એવી નહોતી. એણે મામાને શાંતિ થાય એ રીતે વાર્તા કરવી પડી.

" આટલી જલદી તારી બધી વ્યવસ્થા થઈ ગઈ છે એ વાત સાંભળીને મને આજે ખૂબ જ આનંદ થયો છે. તું ખરેખર નસીબદાર છે દેવ એ તો માનવું જ પડશે." મામા સંતોષ પામીને બોલ્યા.

" જી મામા તમારા આશીર્વાદથી હું પણ અહીં બહુ જ ખુશ છું. બસ આ રીતે વચ્ચે વચ્ચે ફોન કરતો રહીશ. મારે એકટીવાની અહીં કોઈ જરૂર નથી. મને કંપનીની ગાડી લેવા અને મૂકવા માટે આવશે." દેવરાજે મામાને ફરી આનંદનો આંચકો આપ્યો અને ફોન કટ કર્યો. એ પછી એણે સૂવાની તૈયારી કરી.

બેડરૂમ ખૂબ જ વિશાળ હતો અને એનું ઇન્ટિરિયર પણ ખૂબ જ મોંઘુ લાગતું હતું. બેડરૂમમાં એસી અને પંખો બંનેની વ્યવસ્થા હતી. નોકર રૂપાજી ટીપોઈ ઉપર ઠંડા પાણીથી ભરેલો સ્ટીલનો જગ અને એક ગ્લાસ મૂકી ગયો હતો. દેવરાજે પાણી પી લીધું અને પંખો કરીને સૂઈ ગયો.

હજુ શ્રાવણ માસ ચાલતો હતો એટલે એવી ગરમી નહોતી પડતી કે એસી ચાલુ કરવું પડે. અને એસીની એને આદત પણ નહોતી. એને આજે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.

સવારે પોણા પાંચ વાગે એની આંખ ખુલી ગઈ એટલે એ ઉભો જ થઈ ગયો. આમ પણ રોજ લગભગ આ ટાઈમે જ એ ઉઠી જતો હતો અને મામાના ઘરે કામકાજ શરૂ કરી દેતો હતો.

દેવરાજ બ્રશ લઈને વોશરૂમમાં ગયો. ત્યાં એણે જોયું કે રૂપાજીએ એક નવી ટૂથપેસ્ટ અને કોલગેટનું એક નવું ટૂથ બ્રશ ત્યાં મૂકેલું હતું. નાહ્યા પછી શરીર લુછવા માટે આછા ગુલાબી રંગનો એક નવો ટુવાલ પણ એણે મૂક્યો હતો ! સાબુ શેમ્પુ હેર ઓઇલ અને કાંસકાની પણ વ્યવસ્થા તો ખરી જ.

દેવરાજે બ્રશ વગેરે પતાવી ગરમ પાણી ચાલુ કરી નાહી લીધું. આજે એણે પોતાનાં ગંજી ચડ્ડી જાતે ધોવાનાં ન હતાં. ગઈ કાલનાં પહેરેલાં કપડાં પણ એણે કાઢીને બાથરૂમમાં જ મૂકી દીધાં અને ધોયેલાં અને ઈસ્ત્રી કરેલાં શર્ટ અને પેન્ટ પહેરી લીધાં. ઘરે તો પોતાના કપડાંને ઈસ્ત્રી પણ પોતે જ કરતો હતો. એની પાસે માત્ર ત્રણ જોડી કપડાં હતાં જે વારાફરતી પહેરતો હતો !

કપડાં પહેરીને એણે વ્યવસ્થિત માથું ઓળી લીધું અને બહાર આવીને હાથ ના વેઢાથી સ્વામીજીએ આપેલો મંત્ર કરવા લાગ્યો. મંત્ર નાનો હતો એટલે એક કલાકમાં એણે ૨૧ માળા કરી દીધી. એક નવો જ ઉત્સાહ એનામાં પ્રગટ થયો.

હજુ સવારના ૬:૪૫ વાગ્યા હતા. એ પૂજાના રૂમમાં ગયો અને નાનકડા બાલ કનૈયાનાં દર્શન કરી ત્યાં પૂજામાં બેઠેલાં સુમિત્રા શેઠાણીના ચરણ સ્પર્શ કરી પગે લાગ્યો.

" ગુડ મોર્નિંગ મમ્મી. " દેવરાજ બોલ્યો.

"અરે દેવ તું તો વહેલો વહેલો નાહી ધોઈને તૈયાર પણ થઈ ગયો ! " જેઠાણી હસીને બોલ્યાં. એમની ઉંમર પણ લગભગ ૫૮ જેટલી હતી.

" હા મમ્મી હું તો રોજ પોણા પાંચ કે પાંચ વાગે ઉભો થઈ જાઉં છું. મેં તો આંગળીના વેઢાથી મને મળેલા દીક્ષા મંત્રની માળાઓ પણ કરી દીધી. " દેવરાજ બોલ્યો.

"તારી પાસે માળા નથી બેટા ? " શેઠાણી બોલ્યાં.

" ના મમ્મી. " દેવરાજ બોલ્યો.

શેઠાણીએ તરત જ આરસના મંદિરના ડ્રોવરમાંથી કાઢીને એક નવી જ માળા દેવરાજને આપી.

"લે આ માળા તું તારી પાસે રાખ. હવે તું માળાથી જ જાપ કરજે. આ ઉંમરે તારામાં ઘણા સારા સંસ્કાર છે. " શેઠાણી બોલ્યાં.

"મમ્મી અહીં ચા કેટલા વાગે બને છે ?" દેવરાજે પૂછ્યું.

"આમ તો શેઠ સવારે સાત વાગે ઊઠે છે એટલે ચા પીવાનો અમારો ટાઈમ સવારે આઠ વાગે હોય છે પરંતુ તને જો વહેલા ચા પીવાની ટેવ હોય તો મહારાજને સૂચના આપી દઉં છું કે તને સાત વાગે રોજ તારા રૂમમાં ચા મળી જાય. તને ચા સાથે નાસ્તો કરવાની ટેવ છે ? " શેઠાણીએ પૂછ્યું.

" ચા સાથે નાસ્તો કરવાની મને ટેવ નથી. " દેવરાજ બોલ્યો.

" સવારે નાસ્તો કરવાની ટેવ રાખવી. અત્યારે તો તું ચા પી લે પરંતુ આઠ વાગે નાસ્તો કરવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર આવી જજે. " શેઠાણી બોલ્યાં અને નંદુ મહારાજને બોલાવવા એમણે બેઠાં બેઠાં જ બાજુના સ્વીચ બોર્ડમાં રાખેલો કૉલબેલ દબાવ્યો. ફ્લેટ વિશાળ હતો એટલે મહારાજને કે નોકરને બોલાવવા માટે દરેક રૂમમાં આવી વ્યવસ્થા ગોઠવી હતી.

બે મિનિટમાં જ મહારાજ પૂજા રૂમમાં આવી ગયા.

"મહારાજ અત્યારે સરસ ચા બનાવીને દેવના બેડરૂમમાં મોકલી દો અને કાલથી રોજ સવારે સાત વાગે એની ચા એના રૂમમાં પહોંચી જવી જોઈએ." શેઠાણી બોલ્યાં.

એ પછી દેવરાજ ઉભો થઈને પોતાના બેડરૂમમાં ગયો. સવાર સવારમાં ચોપાટીના દરિયાનાં દર્શન થઈ રહ્યાં હતાં. બારીમાંથી બહાર પ્રકૃતિનું સુંદર દર્શન આ બેડરૂમમાંથી થઈ રહ્યું હતું. જાણે પોતે સ્વર્ગમાં આવ્યો હોય એવી અનુભૂતિ એને થતી હતી. એણે દરિયા તરફની બારી ખોલી નાખી એટલે દૂર દૂરથી દરિયાનો ધીમો ધીમો ઘૂઘવાટ પણ એને સંભળાવા લાગ્યો.

સવારે ૮ વાગે ફરીથી દેવરાજને ચા નાસ્તા માટે ડાઇનિંગ ટેબલ ઉપર બોલાવવામાં આવ્યો.

" અરે બેટા તું તો રોજ વહેલો વહેલો ઉઠી જાય છે ! મને સુમિત્રાએ વાત કરી. તારા માટે સવારે સાત વાગે પણ મહારાજ ચા બનાવી દેશે. ચા સાથે નાસ્તો કરવો જોઈએ એટલા માટે તને અત્યારે બોલાવ્યો છે. " મનમોહન શેઠ બોલ્યા.

એ પછી ચાના ત્રણ કપ સાથે નંદુ મહારાજ ગરમ ગરમ આલુ પરોઠા લઈને આવ્યા.

" નંદુ મહારાજ આલુ પરોઠા બહુ સરસ બનાવે છે. તને ભાવશે. " સુમિત્રા શેઠાણી બોલ્યાં અને એક પ્લેટમાં દેવરાજને બે પરોઠા આપ્યા.

" આજે આપણા વકીલ પેસ્તનજીને બોલાવીને દત્તક લેવાની આખી વિધિ સમજી લઈએ એટલે આપણું કામ પૂરું થઈ જાય. " શેઠ બોલ્યા.

અને શેઠના કહેવાથી સવારે લગભગ ૧૧:૩૦ વાગે એડવોકેટ પેસ્તનજી દારૂવાલા ઘરે આવી ગયા. એ પણ મલબાર હિલ એરિયામાં જ રહેતા હતા અને શેઠના ફેમિલી એડવોકેટ હતા.

મનમોહન શેઠે ડ્રોઈંગ રૂમમાં બેસીને પેસ્તનજી સાથે ચર્ચા શરૂ કરી. એમણે દેવરાજની ઓળખાણ કરાવી.

"આ છે દેવરાજ દેસાઈ. અમદાવાદનો બ્રાહ્મણ યુવાન છે. મારે કોઈ સંતાન ન હોવાથી હું એને મારા વારસદાર તરીકે દત્તક લેવા માગું છું. એની ઉંમર ૨૫ વર્ષ છે. " શેઠ બોલ્યા.

" જુઓ શેઠજી. કાયદા પ્રમાણે દત્તક લેવા માટે ૧૮ વર્ષની ઉંમર મર્યાદા છે. એટલે કે જેને પણ દત્તક લેવાની ઈચ્છા હોય એની ઉંમર વધુમાં વધુ ૧૮ વર્ષની હોવી જોઈએ. એટલે આપણે સ્પેશિયલ કેસ તરીકે ફેમિલી કોર્ટમાં અથવા તો ડીસ્ટ્રીકટ કોર્ટમાં અરજી આપવી પડશે. એ હું તૈયાર કરી દઉં છું. દીકરાનું આધારકાર્ડ અને એના માતા પિતાની તમામ વિગતો મને એક કાગળ ઉપર લખી આપો. એ પુખ્ત છે માટે એનું પોતાનું સંમતિપત્ર પણ જોઈશે. " એડવોકેટ બોલ્યા.

દેવરાજે પોતાનું આધારકાર્ડ આપ્યું અને અમદાવાદનું પોતાનું એડ્રેસ તથા માતા પિતાનાં નામ વગેરે લખાવી દીધાં. સાથે સાથે પોતાનું સંમતિ પત્ર પણ આપી દીધું.

" ઠીક છે. હું અરજી તૈયાર કરીને તમારા બંનેની સહી લઈ જઈશ અને પછી કોર્ટમાં અરજી દાખલ કરી દઈશું એટલે એકાદ મહિનામાં ઓર્ડર આવી જશે. " પેસ્તનજી બોલ્યા.

એ પછી ચા પાણી પીને એ નીકળી ગયા.

" હવે હમણાં તું ઘરે જ આરામ કર. વિઠ્ઠલ તને આજુબાજુના બધા એરિયા બતાવી દેશે એટલે આપણા વિસ્તારનો તને ખ્યાલ આવી જાય. આપણું શાલીમાર ગેસ્ટ હાઉસ ચર્ની રોડ એરિયામાં મેજેસ્ટિક સિનેમાની બાજુમાં આવેલું છે. વિઠ્ઠલ એ પણ તને બતાવી દેશે. " શેઠ દેવરાજ સાથે વાત કરી રહ્યા હતા.

" પાંચ માળનું બિલ્ડીંગ છે. દરેક માળ ઉપર ૧૨ રૂમ્સ છે. પહેલા માળે ૭ રૂમ છે એટલે કુલ ૫૫ રૂમ્સ છે. રિસેપ્શન કાઉન્ટર પણ પહેલા માળે છે. તારે પોતાને બીજો કોઈ બિઝનેસ ના કરવો હોય તો ગેસ્ટ હાઉસ તું સંભાળી શકે છે. અત્યારે તો મેનેજર ચલાવે છે. હું તો શેર બજાર સિવાય બીજું કંઈ જ કરતો નથી. ફોર્ટ એરિયામાં ડી.એન. રોડ ઉપર એક ઓફિસ રાખી છે ત્યાં સમય પસાર કરું છું. " મનમોહન શેઠ બોલ્યા.

" જી પપ્પાજી." દેવરાજ બોલ્યો. એ અત્યારે તો શું જવાબ આપે ? એક નવી જ દુનિયામાં એ આવ્યો હતો એટલે શેઠ કહે તે બધું સાંભળી રહ્યો હતો.

" હું માનું છું ત્યાં સુધી તને હજુ ગાડી ચલાવતાં નહીં આવડતું હોય. હવે તારી પાસે ઘણો સમય છે તો કાર ડ્રાઇવિંગ પણ શીખી લેજે. તારી આ ઉંમર શીખવાની છે એટલે ઝડપથી તને આવડી જશે. જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે વિઠ્ઠલને કહી દેજે. નજીકમાં જ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ છે ત્યાં તને લઈ જશે." શેઠ બોલ્યા.

" હા પપ્પા હું ચોક્કસ શીખી લઈશ. " દેવરાજ બોલ્યો.

જમીને પછી બપોરે સાડા બાર વાગે મનમોહન શેઠ પોતાની ઓફિસે જવા માટે નીકળી ગયા. મનમોહન શેઠની ઓફિસ ૨૦' × ૨૦' જેટલી મોટી હતી છતાં એ શેઠ માટે માત્ર બેઠક વ્યવસ્થા જ હતી. સ્ટાફમાં ખાલી એક પ્યુન હતો. શેઠના ટેબલ ઉપર કોમ્પ્યુટર હતું જેના ઉપર એ શેર બજારની વધઘટ રોજ વોચ કરતા હતા અને પછી લાખોની લે વેચ કરતા હતા.

ક્યારેક ક્યારેક એમના મિત્રો સાંજના સમયે એમની ઓફિસે આવતા અને સમય પસાર કરતા. એમના ટેબલની સામે ત્રણ ચાર ખુરશીઓ ગોઠવેલી હતી.

શેઠના ગયા પછી દેવરાજને આજે તો કોઈ ખાસ કામ હતું નહીં. એને ચાલવાની પ્રેક્ટિસ હતી એટલે સાંજે મમ્મીને કહીને એ બહાર ચાલવા માટે નીકળી ગયો અને હેંગિંગ ગાર્ડન સુધી લટાર મારી આવ્યો. એ બહુ જ ખુશ હતો. આજુબાજુ નું વાતાવરણ એને બહુ જ ગમી ગયું હતું. એનો વિસ્તાર ઊંચાઈ ઉપર હતો એટલે દૂર દૂર સુધી ઘણું બધું જોઈ શકતો હતો !

છેલ્લા બે ત્રણ દિવસથી અમદાવાદ આત્માનંદજી સાથે દેવરાજની કોઈ વાત થઈ ન હતી એટલે આજે રાત્રે સ્વામીજી સાથે વાતચીત કરવાનો દેવરાજે નિર્ણય લીધો.

સ્વામીજી રાત્રે ૮ થી ૧૦ વાગ્યા વચ્ચે જ પોતાનો ફોન ચાલુ રાખતા હતા અને બાકીના સમયમાં બંધ રાખતા હતા એ એને ખબર હતી.

રાત્રે ૮:૩૦ વાગ્યા પછી જમવાનો ટાઈમ થતો હતો એટલે દેવરાજે આઠ વાગે જ સ્વામીજીને ફોન લગાવ્યો.

" પ્રણામ ગુરુદેવ. દેવરાજ બોલું છું. આપના આશીર્વાદથી વાલકેશ્વર પહોંચી ગયો છું અને ધીમે ધીમે સેટ થઈ રહ્યો છું. શેઠ શેઠાણીનો બંનેનો સ્વભાવ ખૂબ જ સરસ છે અને મને ખૂબ જ પ્રેમથી રાખે છે. " દેવરાજ બોલ્યો.

" હા પણ એ તારા પોતાના જ વંશજ છે. તું એમનો પરદાદા છું. પૂર્વજન્મના ઋણાનુબંધ છે એટલે કુદરતી લાગણી તો રહેવાની જ. " સ્વામીજી હસીને બોલ્યા.

" જી ગુરુજી. " દેવરાજ બોલ્યો. હવે એણે સંબોધન સ્વામીજીમાંથી ગુરુજી કરી દીધું હતું કારણ કે એમણે મંત્ર દીક્ષા પણ આપી હતી.

"હવે તું મુંબઈ સ્થિર થઈ ગયો છે તો મેં તને જે મંત્ર આપ્યો છે એનું સવા લાખનું પુરશ્ચરણ કરી દે. મંત્ર નાનો છે એટલે જો વધારે માળા કરીશ તો ૨૧ દિવસમાં પણ થઈ શકશે અને નહીં તો પછી ૪૧ દિવસમાં પૂરું કરવું પડશે. " સ્વામીજી બોલ્યા.

"જી ગુરુજી. પરમ દિવસે એકાદશી છે એટલે મેં નક્કી કર્યું જ છે કે પરમ દિવસથી વહેલા ઊઠીને સવા લાખનું પુરશ્ચરણ ચાલુ કરી દેવું. " દેવરાજ બોલ્યો.

"આ મંત્ર બહુ જ ચમત્કારીક છે અને સિદ્ધ અઘોરી બાવાએ આપેલો મંત્ર છે. તું એને સિદ્ધ કરી દઈશ પછી તારા જીવનમાં ઘણું પોઝિટિવ પરિવર્તન આવશે અને ઘણાં કામો તું કરી શકીશ. આ મંત્ર સિદ્ધ થવાથી તને પૂર્વ જન્મ પણ થોડો થોડો યાદ આવતો જશે. " સ્વામીજી બોલ્યા.

" જી ગુરુજી. મારી તો આખી જિંદગી બદલાઈ ગઈ છે. મને તો કલ્પના પણ ન હતી કે મારા જીવનમાં આટલો બધો વૈભવ લખેલો છે ! આ બધું આપની કૃપાથી થયું છે. " દેવરાજ બોલ્યો.

"તારા નસીબમાં હતું માટે તને મળ્યું છે. હું તો માત્ર નિમિત્ત બન્યો છું. તારું
પુરશ્ચરણ પૂરું થઈ જાય પછી મારો સંપર્ક કરજે. જય મહાદેવ " સ્વામીજી બોલ્યા.

"જય મહાદેવ ગુરુજી. " કહીને દેવરાજે ફોન કટ કર્યો.

એક કલાકમાં આ દીક્ષામંત્રની લગભગ ૨૦ માળા થતી હતી એટલે જો ૨૧ દિવસમાં આ પુરશ્ચરણ પૂરું કરવું હોય તો રોજની ૬૦ માળા કરવી પડે એટલે કે વહેલા ઊઠીને ત્રણ કલાક સુધી મંત્ર જાપ કરવા પડે. સવારે ત્રણ વાગે ઉઠી જાઉં તો સાડા છ વાગ્યા સુધીમાં ૬૦ માળા પૂરી થઈ જાય - દેવરાજ વિચારી રહ્યો.

અને એ વિચાર દેવરાજે અમલમાં મૂકી જ દીધો. બે દિવસ પછી એકાદશી આવતી હતી એટલે એ દિવસે વહેલી સવારે એ ત્રણ વાગે ઉઠી ગયો અને ફટાફટ નાહી ધોઈને સુમિત્રા શેઠાણીના પૂજા રૂમમાં ગયો. મંદિરની બરાબર સામે શેઠાણી સવારે લગભગ સાડા છ વાગે પૂજા કરવા માટે બેસતાં હતાં એટલે એણે શેઠાણીના આસનથી થોડેક દૂર પોતાનું આસન પાથર્યું અને માળા ચાલુ કરી.

મંત્ર નાનો હતો અને મંત્ર જાપ કરવામાં દેવરાજની ઝડપ આવી ગઈ હતી એટલે શેઠાણી આવે તે પહેલાં તો એણે ૬૦ માળા પૂરી પણ કરી દીધી.

માળા કર્યા પછી એનામાં એક નવીન ઉત્સાહ, નવીન જોમ પ્રગટ થયું. એણે ૧૫ દિવસ સુધી સતત આ ક્રમ ચાલુ રાખ્યો અને ૯૦૦૦૦ મંત્રો કરી દીધા. હવે બાકીના ૬ દિવસમાં બીજા ૩૫૦૦૦ જાપ કરવાના બાકી હતા.

દરરોજ મમ્મી આવે તે પહેલાં જ એની બધી માળાઓ પૂરી થઈ જતી એટલે એ રોજ સવારે પૂજા રૂમમાં આવીને ત્રણ કલાક બેસતો એની કોઈ જ ખબર સુમિત્રા શેઠાણીને ન હતી.

૧૫ દિવસની માળા પૂરી થઈ પછી એને એક નવીન અનુભવ થયો. માળા પૂરી કરીને અચાનક એણે આરસના મંદિરમાં રાખેલી લાલાની વાઘા પહેરાવેલી આરસની મૂર્તિ સામે જોયું તો એને યાદ આવી ગયું કે - આ મૂર્તિ તો મેં પોતે જ મારા પૂર્વજન્મમાં જન્માષ્ટમીના આગલા દિવસે માધવબાગ જઈને ખરીદી હતી ! અને એ વખતે મારી સાથે મારી પત્ની નીમુ પણ હતી !!

નીમુએ પિત્તળની લાલાની મૂર્તિ પસંદ કરી હતી પરંતુ પોતે આરસની મૂર્તિનો આગ્રહ રાખ્યો હતો. નીમુ એટલે કે નિર્મલાનો ચહેરો આજે પણ એને બરાબર યાદ હતો !!

અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."