પીજી હાઉસ (PG House Novel Part-8)

Related

પીજી હાઉસ પ્રકરણ 8

દેવરાજને વાલકેશ્વરના પોતાના પૂર્વ જન્મના પરિવારમાં આવ્યાને ૨૫ દિવસ પૂરા થઈ ગયા. આ ૨૫ દિવસ દરમ્યાન એણે ૨૧ દિવસનું સવા લાખ મંત્રોનું પુરશ્ચરણ પૂરું કરી દીધું હતું. વહેલી સવારે ત્રણ થી છ દરમિયાન એ માળા કરતો જેથી ઘરમાં કોઈને પણ ખબર ન હતી.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

સિદ્ધ મંત્રનું પુરશ્ચરણ કર્યા પછી એનું આખું વ્યક્તિત્વ જ બદલાઈ ગયું હતું. એક પ્રકારની ખુમારી એનામાં પ્રગટ થઈ હતી. એને કેટલીક બાબતની અગાઉથી ખબર પણ પડી જતી હતી. ગાયત્રી મંત્રમાં જેવી તાકાત હોય છે એવી જ તાકાત આ સિદ્ધ મંત્રમાં હતી !

પુરશ્ચરણ દરમિયાન એણે એ પણ જોઈ લીધું કે એના પૂર્વજન્મમાં જ્યારે એ વૈકુંઠલાલ શેઠ હતો ત્યારે શ્રાવણ મહિનાની સુદ આઠમે એના ત્યાં પ્રથમ દીકરાનો જન્મ થયો હતો. ૧૫ દિવસ પછી જન્માષ્ટમી આવતી હોવાથી એનું નામ એણે ગોપાલ રાખ્યું હતું અને એ જન્માષ્ટમીના આગલા દિવસે ખાસ માધવબાગ જઈને એણે લાલાની એટલે કે બાલ કનૈયાની આરસની મૂર્તિ ખરીદી હતી !

ગોપાલનાં પગલાં ખૂબ જ નસીબદાર હતાં અને એના જન્મ પછી ડાયમંડના બિઝનેસમાં પોતાની એટલે કે વૈકુંઠલાલની ખૂબ જ પ્રગતિ થઈ હતી અને એણે એમ્બેસેડર વેચીને એ વર્ષે ઇન્ડિયામાં નવી નવી આવેલી મોટી શેવરોલેટ કાર ખરીદી હતી ! દેવરાજને આ બધું જ યાદ આવી ગયું હતું !!

આ ૨૫ દિવસ દરમિયાન કાયદેસર રીતે હવે દેવરાજ મનમોહન શેઠનો દત્તક પુત્ર પણ બની ગયો હતો. કોર્ટનો ઓર્ડર પણ આવી ગયો હતો. હવે કાયદેસર એની અટક દેસાઈમાંથી શેઠ થઈ ગઈ હતી !

દેવરાજે છેલ્લા એક અઠવાડિયાથી કાર ડ્રાઇવિંગ શીખવાનું પણ એક મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં ચાલુ કરી દીધું હતું અને રોજ સાંજે ચાર વાગે એ એક કલાક માટે જતો હતો. વિઠ્ઠલ એને મૂકી જતો હતો અને લઈ આવતો હતો.

" તને કાર ડ્રાઇવિંગ બરાબર ફાવી જાય પછી તારા માટે એક સરસ ગાડી બુક કરાવી દઈએ. તારી ઈચ્છા કઈ ગાડી લેવાની છે ? " એક રાત્રે જમતાં જમતાં મનમોહન શેઠે પૂછ્યું.

" પપ્પાજી કારની પસંદગી અત્યારે તો હું નહીં જ કરી શકું. મુંબઈમાં ઘણી બધી વિદેશી કારો જોવા મળે છે. મારા અમદાવાદમાં મારુતિ, હુંડાઈ અને હોન્ડા વધારે ચાલે છે. એટલે એનાથી આગળ વધીને હું કોઈ સજેશન નહીં કરી શકું. અત્યારે મારે કોઈ મોટી ગાડી લેવી નથી. છતાં મને ક્રેટા ગમે છે. " દેવરાજ બોલ્યો.

" ગ્રેટ સિલેકશન દેવ ! અત્યારે ક્રેટા ખરેખર સારી ચાલે છે. આપણે એ જ બુક કરાવી દઈશું. ભવિષ્યમાં ગમે ત્યારે તું બદલી શકે છે. " મનમોહન શેઠ ખુશ થઈને બોલ્યા.

" તારા માટે ડ્રાઇવરની વ્યવસ્થા પણ કરી દઈશ. તારે જાતે ચલાવવાની કોઈ જરૂર નથી. " શેઠ બોલ્યા.

"ના ના પપ્પાજી હમણાં ડ્રાઇવરની મને કોઈ જરૂર નથી. મારે ક્યાંય દૂર સુધી જવાનું પણ નથી હોતું. ચર્ની રોડ બહુ દૂર નથી. એટલું તો હું જાતે ચલાવી શકીશ. અને જ્યારે જરૂર હશે ત્યારે વિઠ્ઠલ તો છે જ. એ તમને ઓફિસે લેવા મૂકવા સિવાય તો લગભગ ઘરે જ હોય છે. " દેવરાજ બોલ્યો.

"હા તારી એ વાત પણ સાચી છે. તારી બધી જ વાતો સમજદારી ભરી હોય છે દેવ." શેઠે દીકરાની પ્રશંસા કરી.

"હવે મારી ઈચ્છા આવતી કાલે આપણા શાલીમાર ગેસ્ટ હાઉસને જોવાની છે. અહીં આવ્યા પછી હજુ એક વાર પણ હું ત્યાં ગયો નથી. " દેવરાજ બોલ્યો.

"હા હા તારે જવું જ જોઈએ. વિઠ્ઠલ મને ઓફિસે મૂકી જાય પછી ગમે ત્યારે તું ત્યાં જઈ શકે છે. જયદેવભાઈ ત્યાં મેનેજર છે. જયદેવ પરમાર. મૂળ એ જામનગરના છે. તું એમને મળી લેજે. હું કાલે સવારે એમની સાથે વાત કરી લઈશ. વર્ષોથી એ આપણું ગેસ્ટ હાઉસ સંભાળે છે. વર્ષો પહેલાં ત્યાં રોકાતા મુસાફરોને જમવા માટે ડાઇનિંગ હોલ પણ ચાલુ હતો પરંતુ પહોંચી નહીં વળવાથી દશ વર્ષ પહેલાં બંધ કરાવી દીધો." શેઠે દેવરાજને બધી માહિતી આપી દીધી.

અને બે દિવસ પછી દેવરાજ વિઠ્ઠલને લઈને સાંજે ચાર વાગે શાલીમાર ગેસ્ટ હાઉસ પહોંચી ગયો. શાલીમાર ગેસ્ટ હાઉસ ગિરગાંવ એરિયામાં મેજિસ્ટિક સિનેમાથી થોડેક જ દૂર હતું. પાંચ માળનું આ બિલ્ડિંગ આમ તો વિશાળ હતું પરંતુ જૂનું લાગતું હતું.

"તારે જવું હોય તો જા. મને બે ત્રણ કલાક તો લાગશે. તારે શેઠને લેવા જવાનું પણ થશે. હું ટેક્સીમાં ઘરે પહોંચી જઈશ." દેવરાજે વિઠ્ઠલને કહ્યું.

" ભલે શેઠ. તો હું હવે નીકળું." વિઠ્ઠલ બોલ્યો.

એ પછી દેવરાજ લિફ્ટમાં બેસીને પહેલા માળે ગયો જ્યાં રિસેપ્શન કાઉન્ટર હતું. રિસેપ્શન કાઉન્ટરની બરાબર પાછળ એક નાની ચેમ્બર પણ હતી જ્યાં જયરાજભાઈ બેઠા હતા. કાઉન્ટર ઉપર રિસેપ્શનિસ્ટ સચિન રાઠોડ નામનો એક રાજસ્થાની યુવાન બેઠો હતો.

" બોલો સર.. ? " સચિન અજાણ્યા કસ્ટમરને જોઈને બોલ્યો.

" મારે જયરાજ અંકલને મળવું છે." દેવરાજ બોલ્યો.

" જી...સર. પાછળ ચેમ્બરમાં જયરાજ સર બેઠા છે. આપ અહીં થઈને પાછળ જઈ શકો છો." સચિન બોલ્યો અને એણે પાછળ ચેમ્બરમાં જવાનો સાઈડનો રસ્તો બતાવ્યો.

આ લગભગ ગુજરાતી એરીયા હતો અને રાજસ્થાની લોકો ગુજરાતી પણ સારી રીતે બોલતા જ હોય છે એટલે સચિને ગુજરાતીમાં વિવેકથી વાત કરી. દેવરાજે એના વિવેકની નોંધ લીધી.

"જયરાજ અંકલ... હું દેવરાજ શેઠ." દેવરાજે ચેમ્બરમાં જઈને જયરાજ અંકલને પોતાની ઓળખાણ આપી.

દેવરાજની અટક દેસાઈમાંથી શેઠ બની ગયા પછી એણે ગેઝેટમાં પણ બદલાયેલી અટકનું નોટિફિકેશન આપી દીધું હતું અને નવું આધાર કાર્ડ બનાવવાની એપ્લિકેશન પણ કરી દીધી હતી. જેથી તમામ બેંક એકાઉન્ટમાં એનું નામ દાખલ કરી શકાય. હવે એનું નવું નામ દેવરાજ મનમોહન શેઠ હતું !

દેવરાજ શેઠ નામ સાંભળીને જયરાજ પરમાર ઊભા થઈ ગયા. અરે આ તો નવા શેઠ ! સવારે જ મોટા શેઠનો ફોન આવી ગયો હતો.

"પધારો પધારો શેઠ. સવારે જ મોટા શેઠનો ફોન હતો કે તમે આવવાના છો." કહીને જયરાજભાઇએ પોતાની રિવોલ્વિંગ ચેર દેવરાજ માટે ખાલી કરી આપી અને પોતે સામેની ખુરશી ઉપર બેસી ગયા.

" જી મેં પપ્પાજીને કહેલું કે મારે આપણી શાલીમાર હોટલ જોવી છે અને સંભાળવી પણ છે. " દેવરાજ બોલ્યો.

જયરાજ પરમાર એક સજ્જન અને વફાદાર વ્યક્તિ હતા એ તો એમના ચહેરા ઉપરથી જ લાગતું હતું. ઉંમર લગભગ ૬૦ની થવા આવી હતી વાળ સફેદ થઈ ગયા હતા. શરીર તંદુરસ્ત દેખાતું હતું.

" જી તમારું જ ગેસ્ટ હાઉસ છે અને તમારે સંભાળવું જ જોઈએ. શેઠ તો મહિનામાં એકાદ બે વાર માત્ર આંટો મારવા માટે આવે છે. બધી જ જવાબદારી મને સોંપી દીધી છે. " જયરાજ અંકલ બોલ્યા.

" પપ્પા તમારી બહુ જ પ્રશંસા કરતા હતા અને તમારી સેવાઓથી એ ખૂબ જ ખુશ છે અંકલ. " દેવરાજ બોલ્યો.

"જી થેન્ક્સ. તમને શું ફાવશે ચા કોફી કે ઠંડુ ? " જયરાજ અંકલ બોલ્યા.

" ચા જ મંગાવી દો. હમણાં જ વરસાદ પડી ગયો છે એટલે વાતાવરણમાં પણ ઠંડક છે. " દેવરાજ બોલ્યો.

જયરાજ અંકલે સચિનને બૂમ પાડીને અંદર બોલાવ્યો.

" સચિન આ આપણા નવા શેઠ છે. દેવરાજ શેઠ એમનું નામ છે. એમના માટે એક સરસ ચા બનાવવાનું જાધવને કહી દે. હોટલના માલિક તરીકે પહેલી વાર આ ગેસ્ટ હાઉસમાં આવ્યા છે." જયરાજ અંકલ બોલ્યા.

" જી નમસ્તે શેઠ. સોરી.... મેં આપને ઓળખ્યા નહીં. " સચિન બે હાથ જોડીને બોલ્યો.

" ઈટસ ઓકે. " દેવરાજે હસીને જવાબ આપ્યો.

સચિને બહાર જઈને જાધવને બોલાવ્યો અને એક સ્પેશિયલ ચા બનાવવાનો ઓર્ડર આપ્યો. ગેસ્ટ હાઉસના પહેલા માળે જ કિચન હતું અને અહીંથી જ તમામ કસ્ટમર માટે સવારે અને બપોરે ચા મોકલવામાં આવતી. હોટલના ભાડામાં બે વખતની ચા ફ્રી હતી. જાધવ જ આ બધું સંભાળતો હતો.

૧૦ મિનિટમાં જાધવે ચા બનાવીને ચેમ્બરમાં મોકલી.

" મારી ઈચ્છા આ ગેસ્ટ હાઉસ વિશે જાણવાની છે. અહીં કેટલા રૂમ છે. એક દિવસ રોકાવાનું ભાડું કેવી રીતનું છે. માસિક લગભગ કેટલી આવક આપણને આ ગેસ્ટ હાઉસમાંથી થાય છે. સ્ટાફનો પગાર કેટલો છે વગેરે મારે વિગતવાર જાણવું છે. " દેવરાજ ચા પીધા પછી બોલ્યો.

" તમે આટલું બધું અંગત રસ લઈ રહ્યા છો એ જાણી મને ખૂબ જ આનંદ થાય છે. તમારા જેટલી ઉંમર હતી ત્યારે જ આ ગેસ્ટ હાઉસ મેં જોઈન કર્યું હતું. આજે ૩૫ વર્ષથી હું સંભાળી રહ્યો છું. આ ગેસ્ટ હાઉસ મનમોહન શેઠના દાદા વૈકુંઠ શેઠે બનાવ્યું હતું. પરંતુ ગેસ્ટ હાઉસ બનાવ્યા પછીના પાંચેક વર્ષમાં જ એમનું અવસાન થઈ ગયું હતું. " જયરાજ અન્કલ ગેસ્ટ હાઉસનો ઇતિહાસ કહી રહ્યા હતા.

"એ પછી ગોપાલ શેઠે ગેસ્ટ હાઉસ ઉપર પૂરેપૂરું ધ્યાન આપ્યું અને રોજ એ ચાર પાંચ કલાક માટે નિયમિત હાજરી આપતા હતા. એમના સમયમાં આ ગેસ્ટ હાઉસમાં ડાઇનિંગ હોલ પણ ચાલુ કર્યો હતો અને ઉત્તર ગુજરાતના બે ખાસ રસોઈયા રસોઈ બનાવતા હતા. એ વખતે માત્ર આ ગેસ્ટહાઉસના મુસાફરો જ નહીં પરંતુ આજુબાજુના બહારના લોકો પણ જમવા માટે આવતા હતા." જયરાજ અંકલ બોલી રહ્યા હતા.

" એમના પછી તમારા પપ્પા મનમોહન શેઠ આ ગેસ્ટ હાઉસ ચલાવતા હતા. એમણે લગભગ ૨૦ વર્ષ સુધી આ બીઝનેસમાં ધ્યાન આપ્યું પરંતુ પછી એમણે ડીએન રોડ ઉપર ઓફિસ લીધી અને શેરબજાર ઉપર જ બધું ધ્યાન ફોકસ કર્યું. અત્યારે તો એ અહીં બિલકુલ ધ્યાન આપતા નથી. બધું મારા ઉપર છોડી દીધું છે. " જયદેવ અંકલ બોલ્યા.

" જી મને પપ્પાજીએ બધી વાત કરી અને તમારી પણ બહુ જ પ્રશંસા કરી." જયદેવ બોલ્યો.

" આપણું આ ગેસ્ટ હાઉસ પાંચ માળનું છે અને દરેક ફ્લોર ઉપર ૧૨ રૂમ્સ છે. માત્ર આ પહેલા માળે ૭ રૂમ્સ છે. જેમાં ૪ સ્પેશિયલ રૂમ છે જે મોટાભાગે ફેમિલીને આપવામાં આવે છે. ઉપરના ચાર માળના તમામ રૂમ ડોરમીટ્રી છે એટલે કે દરેક રૂમમાં ચાર બેડ ગોઠવેલા છે. દરેક ફ્લોર ઉપર કોમન ટોયલેટ અને બાથરૂમ છે. માત્ર પહેલા માળે ૪ સ્પેશિયલ રૂમમાં જ એટેચ વોશરૂમ છે." જયરાજ અંકલ બોલી રહ્યા હતા.

" ટૂંકમાં ૨૦૪ કોમન બેડ છે. અને ૪ સ્પેશિયલ રૂમ છે જેમાં ડબલ બેડની સુવિધા છે. જ્યારે કોઈ ફેમિલી આવે ત્યારે જ આ સ્પેશિયલ રૂમ આપવામાં આવે છે. એ સિવાય કોઈ સ્પેશિયલ રૂમનો આગ્રહ કરે તો પણ આપણે આપીએ છીએ. સ્પેશિયલ રૂમનો ચાર્જ ૩૫૦૦ છે. જ્યારે કોમન બેડનો ચાર્જ ૧૨૦૦ છે. " જયદેવ અંકલ સમજાવી રહ્યા હતા.

" જો આપણું ગેસ્ટ હાઉસ ફુલ રહે તો રોજની આવક લગભગ અઢી લાખ રૂપિયા થાય. પરંતુ ચોક્કસ સીઝન સિવાય એ ફુલ રહેતું નથી. લગભગ ૬૦ થી ૬૫ ટકાની ઓક્યુપન્સી રહે છે. એટલે એવરેજ આપણી રોજની આવક દોઢ લાખ ગણાય. એમાં સ્ટાફનો પગાર અને વીજળી બિલ વગેરે મેન્ટેનન્સનો તમામ ખર્ચો બાદ કરતાં રોજની આપણી આવક વધુમાં વધુ એક લાખ આસપાસ ગણાય. " જયદેવ અંકલે બધી માહિતી આપી.

" હમ્... ચાલો આપણે ગેસ્ટ હાઉસનો એક રાઉન્ડ લઈ લઈએ. " દેવરાજ બોલ્યો.

" હા શેઠ .. ચાલો " કહીને જયરાજ અંકલ ઊભા થયા.

એમણે ફર્સ્ટ ફ્લોરના તમામ ૭ રૂમ બતાવી દીધા. દેવરાજે રસોડું પણ જોઈ લીધું અને બંધ હાલતમાં જે ડાઇનિંગ હોલ હતો એનું પણ એણે નિરીક્ષણ કર્યું. હજુ પણ એ ડાઇનિંગ હોલમાં જમવા માટેનાં ટેબલ અને ખુરશીઓ ગોઠવેલાં જ હતાં. ડાઇનિંગ હોલ લગભગ ૮૦૦ ચો. ફૂ. હતો.

એ પછી જયરાજ અંકલ દેવરાજને લિફ્ટમાં સીધા પાંચમા માળે લઈ ગયા અને તમામ ૧૨ રૂમ બતાવી દીધા. તમામ રૂમમાં એક ગેલેરી આપેલી હતી. દરેક રૂમમાં ૪ પલંગ ગોઠવેલા હતા. અત્યારે લગભગ સાત રૂમ ફુલ હતા. દરેક ફ્લોર ઉપર ૨ એટેન્ડન્ટ હતા જે ગ્રાહકોને સેવાઓ પૂરી પાડતા હતા. બંને ટાઈમ ચા આપવી, કપડાં ધોઇ આપવાં વગેરે સેવાઓ આપતા.

દરેક ફ્લોર ઉપર એટેન્ડન્ટ ત્યાં જ રહેતા અને ત્યાં જ સૂઈ જતા. આ તમામ એટેન્ડન્ટ મરાઠી હતા અને રત્નાગીરી બાજુના હતા. આ તમામ નોકર સ્ટાફને જમવા માટે પહેલા માળે કિચનમાં રસોઈ બનતી જે જાધવ બનાવતો.

દેવરાજે તમામ ફ્લોર જોઈ લીધા. સાથે સાથે તમામ ટોયલેટ બ્લોકસ પણ જોઈ લીધા. બાથરૂમ પણ ચેક કરી લીધાં. બાથરૂમમાં ૨૪ કલાક ગરમ પાણીની વ્યવસ્થા હતી.

દેવરાજે એક વસ્તુની નોંધ લીધી કે વર્ષો જૂનું આ મકાન થોડું જર્જરિત હતું. ઘણી બધી દીવાલો ઉપર પોપડાં ઉખડી ગયાં હતાં. ઈલેક્ટ્રીક સ્વીચ બોર્ડ પણ બહુ જૂનાં હતાં. પંખાનાં અમુક રેગ્યુલેટર્સ પણ કામ કરતાં નહોતાં. દરેક રૂમમાં ગોઠવેલા પલંગો પણ જૂના જમાનાના હતા.

" અંકલ આ બિલ્ડીંગનું રિનોવેશન કરવાની જરૂર મને લાગે છે. જમાના સાથે આપણે ચાલવું જોઈએ. હું પપ્પા સાથે વાત કરી લઈશ. મારી ઈચ્છા તો આ ડાઇનિંગ હોલ પણ ફરી ચાલુ કરવાની છે. જો ગ્રાહકોને રહેવાની સાથે સાથે ભોજનની પણ વ્યવસ્થા મળી રહે તો વધુને વધુ ગ્રાહકો આ ગેસ્ટ હાઉસ તરફ ખેંચાઈ આવે. " દેવરાજ બોલ્યો.

" જી શેઠ. તમારો વિચાર મને ખૂબ જ ગમ્યો. આટલું સરસ લોકેશન છે તો પછી આ ગેસ્ટ હાઉસને લેટેસ્ટ અને વધુ સમૃદ્ધ બનાવીએ તો ૬૦ ટકાના બદલે ૧૦૦ ટકા ઓક્યુપન્સી રહે. " જયરાજ અંકલ બોલ્યા.

" મને એક બીજો વિચાર પણ આવે છે અંકલ. આપણા આ ગેસ્ટ હાઉસની આજુબાજુ કોલેજો કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટયૂટ્સ છે ? " દેવરાજે પૂછ્યું.

" જી શેઠ. ઘણી બધી છે. ભારત કોમર્સ કોલેજ, બેરામજી જીજીભોઈ કોમર્સ કોલેજ, સિદ્ધાર્થ કોમર્સ કોલેજ, હિન્દુજા કોમર્સ કોલેજ, કલા વિદ્યા પોલિટેકનિક કોલેજ, રાહેજા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિલ્સન કોલેજ જેવી ઘણી બધી કોલેજો આપણી આજુબાજુના વિસ્તારમાં જ છે." જયરાજ અંકલ બોલ્યા. જો કે એમને દેવરાજનો પ્રશ્ન સમજાયો નહીં.

" ના ના. કોમર્સ કોલેજો આપણા કોઈ કામની નથી. મેડિકલ કોલેજો હોય અથવા તો હોસ્પિટલો હોય તો જ આપણું કામ થઈ શકે. મને યાદ છે ત્યાં સુધી શેઠ હરકિસનદાસ હોસ્પિટલ આ જ એરિયામાં છે. " દેવરાજ બોલ્યો.

" જી શેઠ. પણ હવે એનું નામ બદલાઈ ગયું છે. રિલાયન્સ ગ્રુપે આ હોસ્પિટલ ટેક ઓવર કરી છે અને એનું નામ શ્રી એચ એન રિલાયન્સ હોસ્પિટલ રાખ્યું છે અને રિલાયન્સ ગ્રુપ જ ચલાવે છે. એ અહીંથી નજીક જ છે. એ સિવાય બીજી નાયર હોસ્પિટલ પણ મુંબઈ સેન્ટ્રલ એરિયામાં છે. " જયરાજ અંકલ બોલ્યા.

"અને આ એરિયામાં આજુબાજુ કોઈ મેડિકલ કોલેજ નથી ? " દેવરાજે પૂછ્યું.

" છે ને ! માત્ર બે સ્ટેશન દૂર મુંબઈ સેન્ટ્રલ એરિયામાં જે જે ગ્રુપની ગ્રાન્ટ મેડિકલ કોલેજ આવેલી છે. અને નાયર હોસ્પિટલની બાજુમાં ટોપીવાલા મેડિકલ કોલેજ પણ છે. બંને બહુ જ મોટી કોલેજો અને હોસ્પિટલો છે. " જયરાજ અંકલ બોલ્યા.

"બહુ સરસ. અંકલ આપણે આ ગેસ્ટ હાઉસને સરસ રીતે રીનોવેટ કરીને પીજી હાઉસ જ બનાવી દઈએ તો ? મેડિકલ કોલેજોમાં બહારગામથી ભણવા આવતા સ્ટુડન્ટ્સ કાં તો હોસ્ટેલમાં રહેતા હોય અથવા તો મકાન ભાડે શોધતા હોય. મેડિકલ કોલેજો અને હોસ્પિટલો બાજુમાં છે તો આપણને પેઈંગ ગેસ્ટ તરીકે ઘણા બધા બોઈઝ અને ગર્લ્સ મળી રહે. આપણે રહેવાની સાથે જમવાની વ્યવસ્થા પણ પૂરી પાડીએ." દેવરાજ બોલી રહ્યો હતો.

"ઉત્તમ આઈડિયા છે શેઠ ! માત્ર મેડિકલ કોલેજ જ નહીં પરંતુ એન્જિનિયરિંગ કોલેજમાં ભણવા આવતા સ્ટુડન્ટ્સ પણ પેઈંગ ગેસ્ટ તરીકે જગ્યા શોધતા હોય છે. આ તો મુંબઈ છે. અહીં રોટલો મળે પણ ઓટલો ના મળે એવી કહેવત છે. " જયરાજ અંકલ બોલ્યા.

" તમારી વાત એકદમ સાચી છે. એ સિવાય હોસ્પિટલમાં સેવા આપતી નર્સનો સ્ટાફ પણ ઘણો બધો હોય. જો આજુ બાજુ રહેવા જમવાની આવી વ્યવસ્થા મળતી હોય તો એ સ્ટાફ પણ આપણા પીજી હાઉસમાં કેમ ના આવે ? " દેવરાજે પોતાની વાત પૂરી કરી.

જયરાજ અંકલ તો દેવરાજ સામે જોઈ જ રહ્યા. મનમોહન શેઠનો દત્તક લીધેલો દીકરો ખૂબ જ પાણીદાર લાગે છે ! આ ઉંમરે એનામાં આટલા બધા બિઝનેસના વિચારો છે એ જોઈને જયરાજ અંકલ ખુશ થઈ ગયા.

" હા શેઠ. તમારી વાતમાં દમ છે. તમે આજે ને આજે આટલું બધું વિચારશો એવી તો મને કલ્પના પણ નહોતી. મોટા શેઠે પોતાના વારસદાર તરીકે તમારી પસંદગી ખૂબ જ યોગ્ય કરી છે. તમારા વિચારોમાં ક્રિયાશીલતા છે, ભાવિ પ્લાનિંગ છે. પીજી હાઉસ નો નિર્ણય શ્રેષ્ઠ છે ! " જયરાજ અંકલ બોલ્યા.

" બસ તો પછી હું આજે જ પપ્પાજી આગળ પીજી હાઉસ બનાવવાની પ્રપોઝલ મૂકી દઉં છું. " દેવરાજે હસીને કહ્યું.

અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."