પીજી હાઉસ પ્રકરણ 9
દેવરાજ આજે ગીરગાંવમાં આવેલા પોતાના શાલીમાર ગેસ્ટ હાઉસ ગયો હતો અને આખુંય ગેસ્ટ હાઉસ જોયા પછી અને એની આવક જાણ્યા પછી અચાનક એને અહીં પીજી હાઉસ બનાવવાનો વિચાર આવ્યો હતો.પીજી હાઉસ નવલકથા
જો આ ગેસ્ટ હાઉસને પીજી હાઉસમાં ફેરવી નાખવામાં આવે તો આજુબાજુ ત્રણ મોટી હોસ્પિટલો અને બે મેડિકલ કોલેજો પણ હતી. ૨૦૦ જેટલા સ્ટુડન્ટ્સ અને નર્સિંગ સ્ટાફ તો એને આરામથી મળી જાય અને બેઠી આવક ચાલુ થઈ જાય. પછી રોજે રોજ ગ્રાહકો શોધવાની કોઈ જરૂર જ ના રહે.
દેવરાજે નિર્ણય લઈ લીધો અને એના આ નિર્ણયને ત્યાંના મેનેજર જયરાજ પરમારે પણ વધાવી લીધો.
દેવરાજ લગભગ બે કલાક જેટલું ત્યાં રોકાઈને જયરાજ અંકલની વિદાય લઈ નીચે ઉતર્યો અને ટેક્સી કરીને વાલકેશ્વર જવા રવાના થયો.
પીજી હાઉસ બાબતની ચર્ચા મનમોહન શેઠ સાથે કરવાની હજુ બાકી હતી. પરંતુ આ ચર્ચા કરતાં પહેલાં મુંબઈમાં પીજી હાઉસમાં રહેવા જમવાના શું ભાવ ચાલે છે એ તપાસ કરવી જરૂરી હતી. તો જ કોઈ ગણતરી મૂકી શકાય. પોતે તો આ લાઈનમાં નવો નિશાળિયો હતો એટલે એને કોઈ અંદાજ ન હતો.
એ દિવસે રાત્રે લગભગ ૮:૩૦ વાગે સ્વામીજીનો અચાનક એના ઉપર ફોન આવ્યો.
"દેવ હું નિખિલ મહારાજ બોલું છું." સ્વામી આત્માનંદ બોલ્યા.
"જી ગુરુજી પ્રણામ." દેવરાજ બોલ્યો.
"તને એક વાત જણાવવા માટે જ ફોન કર્યો છે. તેં જે પૂજા રૂમમાં બેસીને સવા લાખ મંત્રો કર્યા એ રૂમમાં આરસનું એક નાનું મંદિર છે. " સ્વામીજી બોલ્યા.
" હા ગુરુજી. એમાં બાલકૃષ્ણની એટલે કે લાલાની આરસની મૂર્તિ પણ છે. મને યાદ આવી ગયું કે એ મૂર્તિ પણ મારા પૂર્વજન્મમાં વૈકુંઠલાલ તરીકે માધવ બાગમાંથી મેં જ ખરીદી હતી " દેવરાજ બોલ્યો.
"હા. અને એ મંદિર પણ સો વર્ષ પહેલાં તેં પોતે જ સ્પેશિયલ ઓર્ડર આપીને કારીગર પાસે બનાવડાવ્યું હતું. એ મંદિરની બેક સાઈડ એટલે કે પાછળના ભાગમાં એક નાનકડું ગુપ્ત ખાનું પણ તેં પોતે જ બનાવડાવેલું છે. તારો ડાયમંડનો બિઝનેસ હતો એટલે કેટલાક મોંઘા ડાયમંsનું એક પડીકું તેં એ ગુપ્ત ખાનામાં મૂકી રાખ્યું હતું જે આજ સુધી કોઈએ જોયું નથી. એની કિંમત અત્યારે કરોડો રૂપિયાની થાય છે. તને ટાઈમ મળે ત્યારે તું એ પડીકું શોધી કાઢજે. બસ આ કહેવા માટે જ મેં તને ફોન કર્યો હતો." કહીને સ્વામીજીએ ફોન કટ કર્યો.
સ્વામીજીની વાત સાંભળીને દેવરાજ તો આભો જ બની ગયો. પૂર્વજન્મમાં મેં પોતે જ છૂપાવેલા કરોડો રૂપિયાના ડાયમંડ મારા પુનર્જન્મમાં મારા પોતાના જ હાથમાં આવે એ તો એક ચમત્કાર જ કહેવાય ! જગતમાં આવી ઘટના કદાચ પહેલીવાર જ બનતી હશે !!
અત્યારે તો રૂપિયાની કોઈ જરૂર નથી. પપ્પાજીનો પોતાનો જ અઢળક રૂપિયો છે અને ગમે એટલો વાપરવા છતાં ખૂટે એમ નથી. અત્યારે ડાયમંડ ભલે ત્યાં જ પડ્યા રહેતા. ભવિષ્યમાં જરૂર પડશે તો જોઈશું.
એ પછી મમ્મીજીએ એના નામની બૂમ પાડી એટલે દેવરાજ ડાઈનિંગ ટેબલ ઉપર જમવા માટે ગયો.
"જઈ આવ્યો શાલીમાર ગેસ્ટ હાઉસ ?" મનમોહન શેઠ જમતાં જમતાં બોલ્યા.
" હા પપ્પાજી. તમામ માળ ઉપર ચક્કર મારીને આખું ગેસ્ટહાઉસ જોઈ લીધું. જયરાજ અંકલને પણ મળી લીધું. " દેવરાજ બોલ્યો.
" હમ્... તારી ઈચ્છા હોય તો એ ગેસ્ટ હાઉસ તું સંભાળી શકે છે. તારો પણ સમય પસાર થાય. તારે બીજું કંઈ કરવું હોય તો પણ વાંધો નથી. " શેઠ બોલ્યા.
" જી પપ્પાજી. " દેવરાજ બોલ્યો.
એણે અત્યારે પીજી હાઉસ વિશે કોઈ ચર્ચા કરી નહીં. જ્યાં સુધી પીજી હાઉસની બ્લુ પ્રિન્ટ મનમાં તૈયાર ના થાય ત્યાં સુધી એ કોઈ ચર્ચા કરવા માગતો ન હતો.
એણે બીજા દિવસે મુંબઈનાં ચાર પાંચ પીજી હાઉસ વિશે ગૂગલમાં સર્ચ કર્યું અને પછી ફોન કરીને ચાર્જીસ વગેરેની માહિતી મેળવી લીધી.
પીજી હાઉસમાં જમવા સાથે એક બેડના મહિને ૧૫ થી ૨૦ હજાર ભાવ ચાલતા હતા. જેમાં એક ટાઇમ જમવાનો સમાવેશ થતો હતો. જો સ્ટુડન્ટ્સને બે ટાઈમ જમાડવામાં આવે તો દર મહિને ૨૦૦૦૦ આરામથી લઈ શકાય.
જો પીજી હાઉસ બનાવવામાં આવે તો પહેલા માળે જે ૭ રૂમ છે એ બધા ભવિષ્યના પ્લાનિંગ માટે ખાલી રાખવા પડે. કારણ કે પીજી હાઉસ ચાલુ થાય તો સિક્યુરિટીને રહેવા માટે, મહારાજને રહેવા માટે, સ્ટોર રૂમ બનાવવા માટે રૂમોની જરૂર પડે. એટલે સ્ટુડન્ટ્સ માટે માત્ર ૪૮ રૂમોનો જ ઉપયોગ થઈ શકે. મતલબ કે ૧૯૨ સ્ટુડન્ટ્સનો સમાવેશ પીજી હાઉસમાં થઈ શકે.
માનો કે ૧૯૦ સ્ટુડન્ટ્સ પણ આવે તો પણ મહિને ૩૮ લાખની ફિક્સ આવક ચાલુ થઈ જાય. જો કે એના માટે મારે વ્યવસ્થિત માર્કેટિંગ કરવું પડે અને પીજી હાઉસનું એક નામ ઊભું કરવું પડે. બે ટાઈમ સારી રસોઈ પણ જમાડવી પડે અને તો જ સ્ટુડન્ટ્સ આ પીજી હાઉસને પ્રથમ પસંદગી આપે.
બીજા દિવસે રાત્રે જમતી વખતે દેવરાજે મનમોહન શેઠ આગળ પીજી હાઉસ અંગેની સંપૂર્ણ ચર્ચા કરી. આખો પ્રોજેક્ટ સમજાવી દીધો.
" પપ્પા આપણું ગેસ્ટ હાઉસ એવરેજ ૬૦ ટકાની ઓક્યુપન્સીનું છે. જ્યારે પીજી હાઉસ બન્યા પછી એ ૧૦૦ ટકાની ઓક્યુપન્સીનું બની જશે. પીજી હાઉસ બન્યા પછી આપણે ગ્રાહકો શોધવા જવું નહીં પડે. અને જો આપણે બે ટાઈમ સારું ફૂડ આપીશું તો ધીમે ધીમે આપણા પીજી હાઉસની એક શાખ ઊભી થઈ જશે. " દેવરાજ બોલ્યો.
" બેટા આટલી ઉંમરે બિઝનેસ અંગેની તારામાં જે સમજણ છે એ જોઈને મને ખરેખર આશ્ચર્ય થાય છે. તેં કદી કોઈ બિઝનેસ કર્યો નથી છતાં પણ તું આટલું બધું પ્લાનિંગ કરી શકે છે એ વાત જ મને નવાઈ પમાડે છે. અને આવો વિચાર તો મને પણ આવ્યો નથી. યુ આર જીનીયસ." શેઠ બોલ્યા. શેઠાણી પણ દેવરાજ સામે જોઈ જ રહ્યાં.
" જી પપ્પા તમારી સંમતિ હોય તો પછી હું આગળ વધુ. કારણ કે સૌથી પહેલા તો બે-ત્રણ મહિના ગેસ્ટ હાઉસને બંધ રાખીને અંદર અને બહારથી રીનોવેટ કરવું પડશે. મકાન જર્જરીત લાગે છે. અંદર કલર પણ ઉખડી ગયો છે. મારે તમામ રૂમનાં સ્વીચ બોર્ડ પણ બદલી નાખવાં પડશે. પંખા પણ બદલવા પડશે. " દેવરાજ બોલ્યો.
" જો દેવ તું મારો એકનો એક વારસદાર છે. આપણી પાસે કરોડો રૂપિયા છે. તારે કોઈ વાતે મારી સંમતિ લેવાની જરૂર નથી. એ ગેસ્ટ હાઉસ તારું જ છે અને તારે જે પણ ખર્ચો કરવો હોય એ તું કરી શકે છે. તારા નવા નામનું એકાઉન્ટ પણ ખોલી આપ્યું છે અને પૈસા પણ ટ્રાન્સફર કર્યા છે. " શેઠ બોલ્યા.
" જી પપ્પા. થૅન્કસ " દેવરાજે આભાર વ્યક્ત કર્યો.
" પીજી હાઉસ તો તું ચાલુ કરી શકે પણ જો બે ટાઈમ જમવાની વ્યવસ્થા પણ કરવી હોય તો તારે ડાઇનિંગ હોલ ફરી પાછો ચાલુ કરવો પડશે અને એ કામ થોડુંક માથાકૂટવાળુ છે. એમાં ૨૪ કલાક કામ રહેતું હોય છે. કરિયાણું, લોટ, શાકભાજી વગેરે ખરીદવાનું કામ કડાકૂટનું છે બેટા. " શેઠ બોલ્યા.
"એની તમે ચિંતા નહીં કરો. એક બે બાહોશ વ્યક્તિઓ મારા ધ્યાનમાં છે જ. એ બધું સંભાળી લેશે. પૂરા પ્લાનિંગ વગર હું ક્યારેય પણ આગળ વધતો નથી." દેવરાજ બોલ્યો.
" ચાલો તો તો બહુ સરસ. બીજો એક પ્રશ્ન પણ છે. જમાનો અત્યારે ખરાબ છે. જો છોકરા છોકરીઓ ભેગા રહેશે તો પીજી હાઉસ બદનામ પણ થઈ શકે છે. કારણ કે દરેકને આપણે ઓળખી શકતા નથી. પીજી હાઉસમાં કયા રૂમમાં શું ચાલી રહ્યું છે એ પણ આપણને ખબર ના પડે." શેઠે પોતાનો ભય વ્યક્ત કર્યો.
" આ બધી જ બાબતો મારા ધ્યાનમાં છે પપ્પાજી. સૌથી પહેલા તો ઉપરનો ચોથો અને પાંચમો માળ લેડીઝ માટે હશે જ્યારે બીજો અને ત્રીજો માળ બોયઝ માટે હશે. સિક્યુરિટીની કડક વ્યવસ્થા મારે કરવી પડશે. લેડીઝ માટે કડક વોર્ડન જેવી લેડી સિક્યુરિટી ગોઠવવી પડશે. હવે મને તમે એ કહો કે તમે જ્યારે ડાઇનિંગ હોલ ચલાવતા હતા ત્યારે જે રસોઈયા હતા એમના કોન્ટેક્ટ નંબર તમારી પાસે છે ? " દેવરાજે પૂછ્યું.
" હા રવિશંકર મહારાજનો નંબર મારી પાસે છે. એ ઉત્તર ગુજરાતના છે અને રસોઈ ખૂબ જ સારી બનાવતા હતા. લોકો બહારથી પણ જમવા આવતા હતા. " શેઠ બોલ્યા.
" ઠીક છે. આપણું રીનોવેશનનું બધું કામ અહીં પૂરું થઈ જાય પછી આપણે એમનો સંપર્ક કરીશું" દેવરાજ બોલ્યો અને એ ચર્ચા અહીં જ પૂરી થઈ.
એ પછીના દિવસે દેવરાજે જયરાજ અંકલને ફોન કર્યો.
" અંકલ હું દેવરાજ બોલું છું. પપ્પાજી સાથે વાતચીત થઈ ગઈ છે અને આપણે આ ગેસ્ટ હાઉસને સંપૂર્ણપણે રીનોવેટ કરીએ છીએ. તમારા ધ્યાનમાં કોઈ કોન્ટ્રાક્ટર છે ? કારણ કે આખા બિલ્ડીંગને રીનોવેટ કરી આપણે અંદર અને બહાર નવો કલર પણ કરાવવો પડશે. એ પછી ઇલેક્ટ્રિશિયનને બોલાવીને તમામ સ્વીચ બોર્ડ બદલી નાખવાં પડશે. તમામ પંખા પણ નવા નાખવા પડશે. " દેવરાજ બોલ્યો.
" જી સાહેબ. સીપી ટેન્ક એરિયામાં એક બિલ્ડીંગ કોન્ટ્રાક્ટરને હું ઓળખું છું. ખૂબ જ અનુભવી છે. " જયરાજ અંકલ બોલ્યા.
" બસ તો પછી તમે એમને ગેસ્ટ હાઉસ બોલાવી લો અને આખું ગેસ્ટ હાઉસ બતાવી દો. સંપૂર્ણપણે એક નવો જ લૂક મારે જોઈએ. જ્યાં જરૂર હોય ત્યાં પ્લાસ્ટર કરાવી દો. દરેક રૂમના દરવાજા પણ ચેક કરાવી લો. તમામ વોશરૂમ્સ એકદમ અપ ટુ ડેટ કરાવી દો. પ્લમ્બિંગ કામ પણ કરાવી દો અને જ્યાં લીકેજ જેવું હોય ત્યાં પાઈપો અને નળ પણ બદલાવી દો. હવે તમારે બે-ત્રણ મહિના આ જ કામ કરવાનું છે. નવા કોઈ ગ્રાહકને પ્રવેશ આપવાનો નથી." દેવરાજ બોલ્યો.
"જી શેઠ. હું આજકાલમાં જ મારા જાણીતા કોન્ટ્રાક્ટર પ્રવીણભાઈને બોલાવી લઉં છું. પ્લાસ્ટરનું બધું કામ પતી જાય પછી પ્લમ્બરની, કલર કામની અને ઇલેક્ટ્રિશિયનની વ્યવસ્થા પણ એ જ કરી દેશે." જયરાજ અંકલ બોલ્યા.
"બહુ સરસ તો તમે આગળ વધો. અને અંકલ એક વાત યાદ રાખો કે આ તમારું પોતાનું જ ગેસ્ટ હાઉસ છે. પૈસાની ક્યાંય પણ કરકસર કરવાની જ નથી. આપણે અંદરથી અને બહારથી એકદમ લેટેસ્ટ લુક આપવાનો છે જેથી આપણું પીજી હાઉસ જોઈને જ બધા ખુશ થઈ જાય. દરેક માળ ઉપર જો ફ્લોરિંગ બદલાવવું હોય તો એ પણ બદલાવીને માર્બલનું કરી દો." દેવરાજ બોલ્યો.
" ફ્લોરિંગ બદલાવાની મને જરૂર નથી લાગતી શેઠ કારણ કે પાંચ વર્ષ પહેલાં કરેલું પોલીશ પથ્થરનું ફ્લોરિંગ એકદમ સરસ છે. દિવાલો બધી સરખી કરાવી દઈશું. કલર કરાવ્યા પછી ગેટઅપ આખો બદલાઈ જશે. પાણીની પાઇપલાઈનો અને ગટર લાઈનો પણ બદલાવી દઈશું. " જયરાજ અંકલ બોલ્યા.
"ઠીક છે તમને જેમ યોગ્ય લાગે તેમ. બસ વહેલી તકે કામ ચાલુ કરાવી દો. હું તમને એડવાન્સ પેટે આવતીકાલે દશ લાખ રોકડા મોકલાવી દઈશ. " દેવરાજ બોલ્યો.
જયરાજ અંકલે બધી જ જવાબદારી સંભાળી લીધી અને અઠવાડિયા પછી ગેસ્ટ હાઉસમાં ધમધોકાર કામ ચાલુ થઈ ગયું. રોજ ૧૫ મજૂરો અને ૪ કડિયા કામે લાગી ગયા. દરેક રૂમના પલંગો બહાર કાઢીને જ્યાં જરૂર હોય ત્યાં દિવાલો ઉપર પ્લાસ્ટર કરવામાં આવતું હતું.
આ કામની સાથે સાથે પ્લમ્બિંગનું અને ગટર લાઈનનું કામ પણ જયરાજ અંકલે ચાલુ કરાવી દીધું. તમામ નળ બદલાવી દીધા. દરેક ટોયલેટમાં દેશી સિસ્ટમના બદલે ઇંગલિશ કમોડ ગોઠવી દીધાં.
આ તમામ કામ પતી ગયા પછી કલર કામ ચાલુ કરી દીધું અને કલરની પસંદગી દેવરાજે જાતે કરી. તમામ રૂમ્સની અંદર લાઈટ આઈવરી કલર પસંદ કર્યો અને વચ્ચેની પેસેજની દિવાલોમાં ડાર્ક આઈવરી કલર પસંદ કર્યો. ગેસ્ટ હાઉસની બહારની દિવાલોમાં રસ્ટ અને ગ્રે કલરનું સરસ કોમ્બિનેશન પસંદ કર્યું. દરેક ફ્લોર ઉપર રૂમોને બાદ કરતાં કોમન પેસેજમાં સીસીટીવી પણ લગાવવામાં આવ્યા.
જે પણ પલંગો જૂના હતા તે બધા જ બદલાવી દીધા. ગાદલાં અને બેડશીટ્સ પણ નવી જ ખરીદી લીધી. ચાર પલંગ ગોઠવ્યા પછી પણ રૂમમાં જગ્યા રહેતી હતી તો ત્યાં એણે દરેક રૂમમાં એક મોટા કબાટની વ્યવસ્થા કરી જેમાં લોક લગાવી શકાય તેવાં ચાર અલગ અલગ મોટાં ખાનાં બનાવ્યાં જેથી ત્યાં રહેનાર સ્ટુડન્ટ્સ પોતાનો સામાન કપડાં વગેરે અંદર રાખી શકે.
દરેક રૂમમાં નવા પંખા તેમ જ નવી ટ્યુબલાઈટ તથા નાઈટ લેમ્પની પણ વ્યવસ્થા કરી. તમામ સ્વિચ બોર્ડ પણ નવાં નાખ્યાં. મોબાઈલ ચાર્જિંગ માટે દરેક પલંગની બાજુમાં એક પ્લગની પણ વ્યવસ્થા કરી. ગેલેરી મોટી હતી એટલે ત્યાં તાર બાંધીને દરેક રૂમમાં કપડાં સૂકવવાની પણ વ્યવસ્થા કરી દીધી. પીજી તરીકે રહેનારને બધી જ વ્યવસ્થા મળી રહે એનું દેવરાજે ખાસ ધ્યાન રાખ્યું.
એ સિવાય ચારેચાર ફ્લોર ઉપર ઠંડા પાણી માટે નવાં વોટર કુલર પણ લઈ લીધાં. દરેક ફ્લોર ઉપર ન્હાવા માટે ૪ બાથરૂમ હતાં એમાં પણ નળ બદલાવી નાખ્યા. નવી ડોલ અને ટંબલર મૂકી દીધાં. દરેક ફ્લોર ઉપર બાથરૂમ્સની બાજુમાં ગરમ પાણી માટે નવું મોટું ગીઝર ફીટ કરાવી દીધું જેથી દરેક બાથરૂમમાં ગરમ પાણી આવે.
આ સિવાય દરેક ફ્લોરનાં વોશરૂમ્સમાં ત્રણ નવાં વોશબેસીન પણ ગોઠવી દીધાં. દેવરાજે થ્રી સ્ટાર હોટલ જેવો લુક વોશરૂમ વિભાગને પણ આપ્યો.
જયરાજ અંકલે દેવરાજની કુશળતાની ખાસ નોંધ લીધી. આ યુવાનમાં ઘણા બધા ગુણો છે અને ઉંમરના પ્રમાણમાં એનામાં મેચ્યોરિટી અને કોઠાસૂઝ પણ ઘણી છે ! એની પાસે પોતાનું એક વિઝન છે. એમણે મનમોહન શેઠને પણ આ વાત કરી.
એ પછી દેવરાજે પીજી હાઉસનું - 'શાલીમાર પીજી હાઉસ' - તરીકે રજીસ્ટ્રેશન પણ કરાવી દીધું અને એ નામનું કરંટ એકાઉન્ટ પણ બેંકમાં ખોલાવી દીધું.
તડામાર તૈયારીઓ સાથે શરૂ કરેલું આ કામ પૂરું થતાં ત્રણ મહિનાનો સમય લાગ્યો અને ડિસેમ્બર મહિનો આવી ગયો.
હવે મહત્ત્વનું કામ ડાઇનિંગ હોલ એટલે કે કેન્ટીન ચાલુ કરવાનું હતું. દેવરાજે જયરાજ અંકલને જૂના રવિશંકર મહારાજનો નંબર આપ્યો અને એમને ગેસ્ટ હાઉસ બોલાવવાનું કહ્યું.
"રવિશંકર મહારાજનો નંબર મારી પાસે પણ છે જ શેઠ. હું હમણાં જ ફોન કરું છું. " જયરાજ અંકલ બોલ્યા.
એમણે મહારાજને ફોન કરીને તાત્કાલિક ગેસ્ટ હાઉસ આવવાનું કહ્યું.
" જુઓ વડીલ. ઉંમરમાં તમે મારા કરતાં ઘણા મોટા છો એટલે વડીલ તરીકે સંબોધન કરું છું. વર્ષો પહેલાં તમે અહીં રસોઈ કરતા હતા અને ત્યારે આ ગેસ્ટ હાઉસનો ડાઇનિંગ હોલ આ એરિયામાં નંબર વન હતો. હવે અહીં આપણે લગભગ બસ્સો સ્ટુડન્ટ્સ માટે સવાર સાંજ રસોઈ બનાવવાની છે અને આ જવાબદારી તમારે જ સંભાળવાની છે." દેવરાજ બોલી રહ્યો હતો.
" મને એ પણ ખબર છે કે આ કામ તમારા એકલાનું નથી એટલે તમને જે પણ સ્ટાફ યોગ્ય લાગે એ રસોઈ માટે તમારી સાથે રાખી શકો છો. પગારની ચિંતા કરવાની તમારે કોઈ જરૂર નથી તમે જે કહેશો તે તમને મળશે પરંતુ રસોઈ અપ ટુ ડેટ બનવી જોઈએ અને અહીં પીજી હાઉસમાં રહેનારા તમામ સ્ટુડન્ટ્સ ખુશ રહેવા જોઈએ. " દેવરાજ બોલ્યો.
"જી શેઠ તમારી વાત સાચી છે પરંતુ અત્યારે વિલે પાર્લેમાં હું એક જગ્યાએ બે વર્ષેથી બંધાયેલો છું. મારા ભરોસા ઉપર જ એમણે લોજ ચાલુ કરી છે એટલે એમનો વિશ્વાસઘાત હું ના કરી શકું. " મહારાજ બોલ્યા.
" તમારી વફાદારી હું સમજી શકું છું. પરંતુ અમને તમારી જ જરૂર છે. કાલે ને કાલે રસોડું ચાલુ કરવાનું નથી. એકાદ મહિનાનો તમને ટાઈમ આપું છું. તમે ત્યાં કોઈ જાણીતા બીજા મહારાજને ગોઠવી દો અથવા દેશમાંથી બોલાવી લો. તમારી સેવાઓની અમારે વધારે જરૂર છે. ત્યાંની લોજ કરતાં તમને અહીં ઘણી વધારે આવક થશે. તમને હું અહીં દોઢ લાખ પગાર આપીશ. તમારા આસિસ્ટન્ટ સ્ટાફને પણ સારો પગાર મળશે." દેવરાજ બોલ્યો.
પગારની રકમ સાંભળીને રવિશંકર મહારાજ કંઈ બોલ્યા નહીં. દર મહિને આટલી રકમ મળતી હોય તો આ નોકરી ખોટી નથી !
અને આ રીતે પીજી હાઉસમાં સ્ટુડન્ટ્સ માટે જમવાની પણ કાયમી વ્યવસ્થા થઈ ગઈ. બસ હવે માત્ર જાહેરાત કરવાની બાકી હતી !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

