મારા કંજૂસ બા (Mara Kanjus Baa)

#મારા કંજૂસ બા"
"એ.... હાલો.... બેનો.. તાજી તાજી શાકભાજી આવી ગઈ.. હેંડો હવે "

પ્રવિણા બેન ને જાણે કે કાને અવાજ અથડાયો. જલ્દી જલ્દી છાપુ સોફા પર મૂકી,દરવાજો ખોલી "એ આવી, સમજુડી આવી ખરી" બબડતા પગથિયાં ઉતરતા ગેટ પાસે આવી ગયા. પણ આ શું ? આતો કોઈ બીજી શાકવાળી હતી.

AVAKARNEWS
મારા કંજૂસ બા

"હાલો બોન, તાજે તાજું શાક લાવી છું" કહેતા એ શાકભાજી વારી બાઈએ પ્રવિણાબેન ને આકર્ષવાની કોશિષ કરી.

જે જોવું તું એ ના જોતા પ્રવિણાબેને "નથી લેવું કઈ" કહી જોરથી ગેટ પછાડી પગથિયાં ચડી ઉપર આવ્યા. હાથ માં ફરી છાપુ લીધું. પણ કેમ જાણે છાપામાં જીવ ના ચોંટ્યો. ને વિચારો ની હારમાળા થી એમનું મન ઘેરાઈ ગયું." શું થયું હશે. આજે ચોથો દિવસ છે, કેમ નહિ આવતી હોય. લગન પ્રસંગ માં ગઈ હશે. ના ક્યારેય જતી તો નથી. એના ઘરવાળાને મોકલી આપે છે.તો પછી..

"ઘરે ગઈ ના આવે તો.." પ્રવિણાબેન ને ખુબ ગુસ્સો આવ્યો. ફરી છાપુ હાથમાં લીધું. પણ છાપા વચ્ચે પણ જાણે સમજૂડી ડોકિયાં કરતી હોય એવો ભાસ થયો.

સમજુડી એટલે પ્રવિણા બેન ની દસ વરસ જૂની શાકવાળી. રોજ બંગલાના ગેટ પાસે આવી ટહુકો કરે.. "હા.. બા.. તાજી શાકભાજી" ને પ્રવિણાબેન રેકડી પાસે આવી જાય. પછી ભાવ તાલ ની રકઝક જામે.. તું સમજુડી .. બહુ મોંઘી છો.. બીજે સસ્તું શાક મળે છે.. તારું શાક વાસી હોય છે.. આ રીંગણાં જો તવાઈ ગયેલા.. ટામેટા ને તો જો તાવ આવી ગયો હોય એવા.. ને રોજ નું એક વાક્ય તો ખરું જ કે " સમજુડી,તું મને હંમેશા છેતરેશ જ" ને શાક ભાજીની કુલ કિંમત કરતાં દસ રુંપિયા ઓછા આપે જ.

સામે સમજુ ની પણ ચવાઈ ગયેલી રકઝક.. બા તમે બહુ લપિલા છો.. અમારા ગરીબ સામુ જોતા જ નથી.. અમારું પેટિયું આ ધંધા ઉપર નભે છે.. તમે એક તો રૂપિયા ઓછા આપો ને પાછું આદુ મરચા ને કોથમરી મફત માં લઈ જાઓ છો.. ને એક વાક્ય એનું પણ જાણીતું ને કાયમી "આવડા મોટા બંગલામાં રહો છો પણ, બા તમે બહુ કંજૂસ છો"

એ સમજુ આજે ચાર ચાર દિવસથી આવી નોતી. પ્રવિણાબેન સમજુ ના વિચારોમાંથી જેટલા બહાર નીકળવાના પ્રયત્નો કરે એટલા વધુ ગૂચવાય જાય.જાણે સમજુ ના નામ નું ભૂત વળગ્યું. કેમ નહિ આવતી હોય.ક્યારેય એક દિવસ પણ પાળતી નથી... ને ચાર ચાર દી...

પ્રવિણાબેને એક ઝાટકે છાપુ મૂક્યું ને મોબાઇલ હાથમાં લીધો ને પુત્ર શ્યામલ નો નંબર કાઢ્યો.

શ્યામલ ના પપા ગોપાલભાઈનું ચાર વરસ પેલા એટેક આવવાથી અવસાન થયેલ. પણ ગોપાલભાઈ એ ભગવાનની દયાથી એક્સપોર્ટ ઇમ્પોર્ટ ના ધંધાને ચાર ચાંદ લગાવી જતાં રહ્યા ને બિઝનેસ એકના એક પુત્ર શ્યામલે સંભાળી, ખૂબ જ મહેનત કરી સફળતા મેળવી. 

સામેથી અવાજ આવ્યો "બોલો મમ્મી" ને પ્રવિણાબેન જબકી ને જાગ્યા."હા,બેટા.તું ક્યારે ઘરે આવેશ." "મમ્મી,મને આવતા બે કલાક જેવું થાસે. સમજો ને કે દસ થવા આવ્યા એટલે બાર સાડાબારે આવીશ. પણ બોલોને,કામ હોય તો વહેલો આવું." "હા બેટા,થોડું કામ છે ફ્રી થા એટલે બને એટલો વહેલો આવ."

થોડી હળવાશ અનુભવતા પ્રવિણાબેન રસોડામાં વહુને મદદ કરવા ગયા. ત્યાં ડોરબેલ વાગી. શ્યામલ જ હશે સમજી પ્રવિણાબેને દરવાજો ખોલ્યો. શ્યામલ જ હતો. મા નો આજ્ઞાકારી પુત્ર બધા કામ મૂકી ઝડપ થી આવી ગયો તો.

આવતા વેત જ શ્યામલ બોલ્યો,"બોલો મમ્મી,શું કામ છે?"

"બેટા,પેલા ફ્રેશ થઈ જા,આપને બહાર જવાનું છે"

"ફ્રેશ જ છું મમ્મી, તમે કહો ત્યારે નીકળીએ."કદી કોઈ સામો પ્રશ્ન કે ચર્ચા ના કરવાની આદત ધરાવતો શ્યામલે વિચાર્યું કે મમ્મી ને કઈક અગત્યનું કામ હશે. નહિતર ક્યારેય મને તકલીફ આપતા નથી.

થોડી વારમાં માં દીકરો નવી જ લીધેલી સફારી કાર માં નીકળ્યા.

મંજુલા બેને કાર માં બેસી મગજ કસ્યો. તેદી શું બોલી'તી સમજુ. હા યાદ આવ્યું. કઈક આનંદનગર કોલોની માં ઈલોરા ટાવર ની પાછળ ની ઝુંપડપટી.

"બેટા,આનંદનગર તરફ કાર લે. ત્યાં ઈલોરા ટાવર ની સાઇડ માંથી ઝૂંપડપટી તરફ ના રસ્તે લેજે."

થોડી વારમાં માં દીકરો આવી પહોંચ્યા ઝૂંપડપટ્ટી માં. પ્રવિણાબેન પૂછતા પૂછતા ઘર ગોતતા આખરે સમજુ ના ઘર પાસે આવી પહોંચ્યા. ગાર માટી ની દીવાલ ને ઉપર સિમેન્ટ પત્રા વાળી એ દસ બાય દસની ખોલી હતી. ઘર ને આકડી મારેલ હતી એક દસ બાર વરસની છોકરી બહાર નાખેલ તૂટેલ ફૂટેલ બાકડા પર લેસન કરી રહી હતી.

"બેટા, આ સમજુ શાક વાળી નું ઘર છે?"

છોકરીએ ઊંચું જોયું. ઘર પાસે આવેલી કાર જોઈ ખુશ થઈ પણ ફરી મોઢા પર ઉદાસી છવાય ગઈ."હા બા" બોલી ને એ નજીક આવી.

"તું સમજુ ની દીકરી કે" સમજુ એ એકવાર દીકરી પાંચમું ભણે છે એવો ઉલ્લેખ કરેલો.

"હા બા,પણ તમે કોણ?"

"હું ? બેટા તારી મમ્મી ની બેનપણી સમજ ને, ક્યાં છે એ સમજુડી? આજે એની ખેર નથી. ચાર ચાર દી થી શાકભાજી વગર રાખી છે મને" થોડું હસતા ને થોડા ગુસ્સા માં પ્રવિણાબેન બોલ્યા. છોકરી થોડી ઘબરાય ગઈ.પણ પ્રવિણાબેન નો હસતો ચહેરો જોઈ હિંમત આવી " બા,એતો.. એતો.. દવાખાને.."

"દવાખાને?"પ્રવિણાબેન ના પેટમાં ફાળ પડી."કેમ?શું થયું છે એને? હમણાં તો ટામેટા જેવી હતી."પણ આ છોકરીને આવા પ્રશ્ન કરવા યોગ્ય નહિ લાગતા ફરી શાંત થઈ બોલ્યા,"બેટા,કેમ કઈ બીમાર છે તારી મા"

"માં બીમાર નથી બા, પપાં બીમાર છે".

સમજુ નો ઘરવાળો પ્રેમજી સાવેણી, સાવરણા બાંધી ને વેચવાનો ઘંધો કરતો ને એટલાથી ચાર જણાનું પૂરું ન થતાં સમજુ શાક ભાજી ની રેકડી કાઢી ગુજરાન ચલાવતી. આમ જુવો તો પ્રેમજી કરતા સમજુ વધુ કમાતી.

"ક્યાં દવાખાને ખબર છે બેટા?"

થોડી વાર ચૂપ રહી મમ્મી ની વાત યાદ આવતા છોકરી બોલી "હા બા,કઈક નવજીવન દવાખાનું છે."

"નવજીવન હોસ્પિટલ?"

"હા બા, એજ "

ભલે બેટા તું વાચ. કહી વીસ રૂપિયાની નોટ છોકરીના હાથમાં પકડાવી કઈક ખાઈ લેજે બેટા બોલી ને પ્રવિણાબેન ફરી કાર માં ગોઠવાયા ને શ્યામલ ને સૂચના આપી કે નવજીવન હોસ્પિટલ તરફ લે. #- @આવકાર™

હોસ્પિટલ માં પૂછપરછ કરી. ...ડોક્ટર ને મળી બધી વિગત કઢાવી. પ્રેમજી ને ફેફસાનું કેન્સર હતું, પણ હજી પેલા સ્ટેજ માં હોઈ ઓપરેશન થી બિલકુલ સાજો થઈ શકે એમ છે,એવું ડોક્ટરે જણાવ્યું. પણ અહી આટલા મોટા ખર્ચ ને પહોંચી શકે એમ ન હોવાથી બીજી હોસ્પિટલ માં શિફ્ટ થવાના છે. એ પણ પ્રવિણાબેને જાણી લીધું. ને કઈક ડોક્ટર સાથે વાત કરી પુત્રનું કાર્ડ આપી માં દીકરો સીધા ઉપર પહેલા માળે પહોંચ્યા.

હોસ્પિટલ ના પલંગ પર પોતાના પતિ ને દવા પીવડાવતી સમજુ એ પ્રવિણા બા ને આવતા જોઈ આશ્ચર્ય સાથે આનંદ થયો. કઈ બોલી શકે એવી હાલત ના રહી. એટલું જ બોલી, "બા તમે?અહી?"

"તું ચાર ચાર દી થી કહ્યા વિના ગાયબ થઈ જા તો શું કરું હું? કેવાય તો ખરુંને કે આવું થયું છે? પણ.. પણ તને આવી હાલત માં શું કેવું."

"બા બધું અચાનક થયું, બે તન દવાખાના ફરી કાલ ના અહી આવ્યા, પણ હવે સાંજે બીજે લઈ જઈશ આમને"

" ક્યાંય નથી લઈ જવો તારા ઘરવાળાને, અહી જ એનો ઇલાજ થાશે,ડોક્ટર સાથે મે વાત કરી લીધી છે"

" પણ બા, અહી ડોક્ટરે બે તન...." વચ્ચેથી વાત કાપતા પ્રવિણાબેન બોલ્યા," તું એની ચિંતા ના કર, તારા ધણી નું ધ્યાન રાખ,બાકીનું બધું થઈ જાશે " #-@આવકાર™

"પણ બા,આટલા બધા રૂપિયા...."

"જો સમજુડી.. તને હું રોજ પાંચ દસ રુપિયા ઓછા આપતી કે નહિ, સમજી લેજે કે એ રૂપિયા વ્યાજ સાથે પાછા આપુ છું" સમજુ કઈક બોલવા ગઈ પણ વચ્ચે જ વાત કાપી પ્રવિણાબેન બોલ્યા કે "સમજુડી.. તારે મારું અહી હોસ્પિટલ માં કઈક સંભાળવું છે"

શાક ભાજી ની લપછપ માં રોજે રોજ હારી ને છેલ્લે બોલતી સમજુ એજ વાક્ય બોલી શકી "હા બા,તમે કો એમ"

પ્રવિણાબેને શ્યામલ સામે જોયુ. મમ્મી નો મુક ઈશારો શ્યામલ સમજી ગયો, એણે પર્સ માંથી પાંચસોની દસ નોટ કાઢી મમ્મી ને આપી. પ્રવિણાબેને એ રકમ સમજુ ના હાથ માં આપતા કહ્યું,"આ તારા હોસ્પિટલ ના છૂટક ખર્ચ માટે છે,બાકી દવા ઓપરેશન ને બધા ખર્ચ ની વાત ડોક્ટર સાથે થઈ ગઈ છે,ને તારો ફોન દે એટલે એમાં મારા નંબર સેવ કરી દવ છું,ગમે ત્યારે કામ હોય ફોન કરજે ને હું એકાતરા આવીશ" થોડું હસીને "તારી આદત પડી ગઈ છે તો આવું જ પડશે ને" #- @આવકાર™

સમજુ બધું બાઘાની જેમ સાંભળતી રહી. એને એવો ભાસ થયો કે રોજ મા શકતીને પૂજા પાઠ કરતી, આજે માં સાક્ષાત શકિતનું રૂપ ધરીને મદદે આવ્યા.

"સમજુડી,મે શું કહ્યું એ સમજી ગઈને?"

સમજુ "હા બા" એટલું બોલીને ચૂપ થઈ ગઈ,એને તો આ બધું સપના સમાન જ લાગ્યું.

પ્રવિણાબેને વાત આગળ ચલાવી "ને તારી છોકરીના ભણતર નો ખર્ચો હવે અમે કરીશું,બધી વ્યવસ્થા થઈ જાસે,હાલ હું જાવ છું"

માં દીકરો હોસ્પિટલ ની બહાર આવ્યા. પાછળ દોરાતી સમજુ એમને વળાવવા દરવાજા સુધી આવી.

" ને છેલ્લે ગઈ ત્યારે મારા પંદર રૂપિયા તારી પાસે બાકી રાખ્યા તા યાદ છે ને સમજુડી,ભૂલી જતી નહિ,રેકડી લઈને આવ ત્યારે પેલા પંદર રૂપિયા લઈશ,પછી બીજી વાત"

આટલી વાત થી સમજુ હવે ભાન માં આવી ને થોડું હસી ને બોલી " હા,મારી બા,આપી દઈશ "

સમજુ હોસ્પિટલ ના દરવાજે ઊભી આશ્ચર્ય થી માં દીકરાને જતાં જોઈ રહી.

કાર સ્ટાર્ટ કરતા શ્યામલ વિચારે ચડ્યો. પપા પાછળ ઘણું દાન કર્યું પણ મમ્મી ના દાન ને એકેય દાન ના પહોંચે. વાહ મારી મમ્મી,તારો દીકરો હોવાનો મને ગર્વ છે.

કાર ની બાજુ ની સીટ માં ગોઠવતા પ્રવિણાબેન મન માં બોલ્યા," છેતરવા ની આદત જ ના ગઈ સમજુડી ની, છેલ્લે પોતાનું દુઃખ ના જણાવી ને છેતરી ગઈ"

આ બાજુ સમજુ જતી કાર ને છેક ગેટ સુધી જોતી રહી. કાર જ્યારે નજરમાંથી દેખાતી બંધ થઈ.અનાયાસ જ સમજુ ના હાથ જોડાઇ ગયા.મનોમન બબડી " મારા કંજૂસ બા".....

અને એકસાથે છ આંખોના ખૂણા ભીના હતા....

                              🍃🍂 કીર્તિ શાહ (દેવગાણા)

સારુ વાંચતા રહો, વંચાવતા રહો, વધુને વધુ મિત્રો - પરિચિતોને આપની મનગમતી પોસ્ટ શેર કરી આપણી વાંચન યાત્રા માં જોડશો...!!!🖊️©આવકાર™

વાંચ્યા પછી... 
આપના પ્રતિભાવ નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં આપી શકો છો અથવા અમને વોટ્સએપ No - 7878222218 પર પણ મોકલી શકો છો..!!🌺🌹 _____🖊️©આવકાર™

Conclusion:
નવીનતમ અપડેટ્સ માટે અમારું homepage ચેક કરશો, આ પોસ્ટની મુલાકાત લેવા બદલ આભાર, પ્રેરણાદાયી વાંચન, આરોગ્ય અને પ્રકૃતિ વિશેની માહિતી, સરકારી યોજના, હળવી મનોરંજન પોસ્ટ જેવી લોકોપયોગી પોસ્ટ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Post a Comment

Previous Post Next Post