પીજી હાઉસ પ્રકરણ 10
દેવરાજની કલ્પના પ્રમાણેનું પીજી હાઉસ એકદમ તૈયાર થઈ ગયું હતું. હવે સારો દિવસ જોઈને એનું ઉદ્ઘાટન કરવાનું હતું !દેવરાજે પીજી હાઉસના બિલ્ડીંગમાં બહારના ભાગે ઊંચાઈ ઉપર મોટા અક્ષરે ગ્રીન કલરનું નિયોન સાઇન બોર્ડ લગાવી દીધું. બોર્ડમાં શાલીમાર પીજી હાઉસના બદલે એણે માત્ર પીજી હાઉસ નામ રાખવાનું પસંદ કર્યું. દૂરથી પણ આ નામ વાંચી શકાય એમ હતું. ઉદ્ઘાટનના દિવસે સ્વામીજી પાસે સ્વિચ ઓન કરાવીને આ બોર્ડ ચાલુ કરવાનું એણે નક્કી કર્યું.
પીજી હાઉસ નવલકથા
પીજી હાઉસ એકદમ તૈયાર થયા પછી દેવરાજે સુબોધ સ્વામીનો જ સંપર્ક કર્યો અને ઉદ્ઘાટન માટે નજીકનો કોઈ સારો દિવસ જોઈ આપવાની વિનંતી કરી.
સ્વામીજીએ નજીકમાં આવતી કારતક મહિનાની સુદ એકાદશી એટલે કે દેવઉઠી એકાદશીના દિવસનું સવારે ૧૦ વાગ્યાનું ઉદ્ઘાટનનું મુહૂર્ત આપ્યું.
"સ્વામીજી તમારી કૃપાથી જ આટલું મોટું સાહસ હું કરી રહ્યો છું એટલે ઉદ્ઘાટન પણ તમારે જ કરવાનું છે. એકાદશીના દિવસે સવારે સાડા સાત વાગે ગાડી બોરીવલી પહોંચી જશે. તમે એ દિવસ પૂરતી તમારી પૂજા મારે ખાતર જરા વહેલી પતાવી દેજો. " દેવરાજ બોલ્યો.
અને એકાદશીના દિવસે મનમોહન શેઠની ગાડી મોકલીને સ્વામીજીને પીજી હાઉસમાં સવારે સાડા નવ વાગે બોલાવી લીધા. મનમોહન શેઠે પોતાના અંગત છ સાત મિત્રોને પણ ઉદઘાટનમાં બોલાવી લીધા.
મનમોહન શેઠ, દેવરાજ અને સુબોધ સ્વામી દેવરાજ માટે બનાવેલી સ્પેશિયલ એસી ચેમ્બરમાં અલગથી બેઠા. પહેલા માળે આ એસી ચેમ્બર રીનોવેશન વખતે નવી જ બનાવી હતી. આ બિલ્ડિંગનો ગ્રાઉન્ડ ફ્લોર દુકાનો અને ગોડાઉન માટે વર્ષોથી વેચાણ અથવા તો ભાડેથી આપેલો હતો. ઉપર જવા માટે વચ્ચેના ભાગમાં જ એક મોટો પેસેજ અને મોટી લિફ્ટ હતી.
"બિલ્ડીંગ તો બહુ જ સરસ છે. આ જગ્યાના વાઇબ્રેશન્સ પણ સરસ આવી રહ્યાં છે. " સ્વામીજી બોલ્યા.
" જી ગુરુજી. આ બિલ્ડીંગ તો પહેલાં જર્જરીત હતું પરંતુ અત્યારે આપ જે જોઈ રહ્યા છો તે બધી જ કમાલ આ દેવરાજની છે. એણે એની કલ્પના પ્રમાણે ગેસ્ટ હાઉસમાંથી આ પીજી હાઉસનું સર્જન કર્યું છે. આપ એકવાર તમામ ફ્લોર જોઈ લો અને આપના આશીર્વાદ આપો. " મનમોહન શેઠ બોલ્યા.
"ખૂબ જ ઉત્તમ વિચાર કર્યો છે. એનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે. આ સ્થળ એને ખૂબ જ ફળશે. પીજી હાઉસની કીર્તિ ચારે બાજુ ફેલાશે. " સ્વામીજી હસીને બોલ્યા અને એ પછી મનમોહન શેઠ સાથે તમામ ફ્લોર અને તમામ રૂમોમાં સ્વામીજીએ પગલાં કર્યાં.
" અદભુત ! દેવરાજે કમાલ કરી છે. નાનામાં નાની બાબતોનું એણે ધ્યાન રાખ્યું છે. ગેસ્ટ હાઉસનું રૂપરંગ એણે બદલી નાખ્યું છે. " સ્વામીજી પ્રસન્ન થઈને બોલ્યા.
" તમામ સ્ટુડન્ટ્સ અને ગેસ્ટ માટે બે ટાઈમ જમવાની વ્યવસ્થા કરવા માટે બંધ પડેલું રસોડું પણ દેવરાજ ફરી ચાલુ કરાવી રહ્યો છે. " શેઠ બોલ્યા.
"તમારું આ પીજી હાઉસ ચારે બાજુ પ્રતિષ્ઠિત થઈ જશે અને એક વર્ષ પછી અહીં નામ નોંધાવવા માટે વેઇટિંગ લિસ્ટ બનશે. દેવરાજનું ભાવિ જ એને અહીં ખેંચી લાવ્યું છે. આ પીજી હાઉસ એની કર્મભૂમિ બનવાની છે. " સ્વામીજી બોલ્યા.
"જી ગુરુજી. આપના મોઢામાં ઘી સાકર. આપનું વચન ક્યારે પણ મિથ્યા થતું નથી. " શેઠ બોલ્યા.
" શેઠ આ ગેસ્ટ હાઉસમાં કોઈએ આત્મહત્યા કરેલી છે ? કોઈ વેપારીએ ત્રણેક વર્ષ પહેલાં આત્મહત્યા કરી હોય એવું મને દેખાયું છે. " અચાનક સ્વામીજી બોલ્યા.
" જી ગુરુજી. ચંપકલાલ નામના એક કાપડના વેપારીએ પંખે લટકીને આત્મહત્યા કરી હતી. ત્રણ વર્ષથી એ રૂમ અમે બંધ જ રાખીએ છીએ. ત્યાં સાફ-સફાઈ થાય છે પરંતુ કોઈ ગ્રાહકને આપતા નથી. " શેઠજી બોલ્યા. એમને ગુરુજીની વાતથી આશ્ચર્ય થયું હતું.
"હવે તમે એ રૂમ પણ સ્ટુડન્ટ્સને આપી શકશો. કોઈ ભય રાખવાની જરૂર નથી. ત્યાં અત્યારે એ વ્યક્તિનો આત્મા ભટકતો નથી. એ આગળ ગતિ કરી ગયો છે. પરંતુ આત્મહત્યાની આ વાત ભૂલે ચૂકે પણ બહાર ના પાડશો. નહીં તો ખાલી ખાલી સ્ટુડન્ટસ ડરી જશે. વહેમની કોઈ દવા નથી. " સ્વામીજી બોલ્યા.
" જી ગુરુજી. બધો સ્ટાફ બદલાયેલો છે એટલે કોઈને ખબર નથી. માત્ર આ જયરાજભાઈ ને ખબર છે. છતાં આપની વાતનું ધ્યાન રાખીશ." શેઠ બોલ્યા.
એ પછી ૧૦ વાગ્યા એટલે સ્વામીજીએ દીપક પ્રગટાવી શ્રીફળ વધેર્યું. દેવરાજે સ્વામીજીને બહારના ભાગમાં "પીજી હાઉસ"ના ગ્રીન નિયોન બોર્ડની જે સ્વીચ હતી તે ઓન કરવાની વિનંતી કરી.
સ્વામીજીએ સ્વીચ પાડી દીધી એ સાથે જ બિલ્ડીંગની બહાર ઉપરના ભાગે ગોઠવેલું નિઓન સાઈન બોર્ડ ઝગારા મારતું થઈ ગયું.
દેવરાજે સ્ટાફના એક માણસને નીચે મોકલીને બોર્ડ ચાલુ થયું કે નહીં એ ચેક કરવા માટે કહ્યું. બે ત્રણ મિનિટમાં જ તે ઝડપથી નીચે જઈને બોર્ડ જોઈને ઉપર પાછો આવ્યો.
" જી શેઠ. ગ્રીન કલરકા સાઈન બોર્ડ ચાલુ હો ગયા હૈ." સ્ટાફનો માણસ બોલ્યો.
"ચાલો એક કામ પૂરું થઈ ગયું. હવે સિક્યુરિટી સ્ટાફ અને બીજા પણ સ્ટાફની તાત્કાલિક ભરતી કરવી પડશે. બધી વ્યવસ્થા થઈ જાય એટલે એકાદ અઠવાડિયા પછી તમામ ન્યુઝ પેપરમાં જાહેરાત પણ આપી દઈશું. " દેવરાજ બોલ્યો.
એ પછી સ્વામીજી માટે જે ફ્રુટ વગેરે મંગાવ્યા હતા એ સમારીને એની ડીશ એમને આપી. બીજા તમામ આમંત્રિતો અને સ્ટાફને ગોળધાણા વહેંચ્યા અને એ પછી નાસ્તાની અને આઈસ્ક્રીમની પણ વ્યવસ્થા કરી.
પ્રસંગ પતી ગયો એટલે મનમોહન શેઠ અને સ્વામીજી નીચે ઉતર્યા. આમંત્રિત મહેમાનો પણ એમની સાથે નીચે ઉતર્યા.
મનમોહન શેઠે સ્વામીજીને પોતાની ગાડીમાં બેસવાનું કહ્યું અને એ પોતે પણ એમની સાથે ગોઠવાઈ ગયા.
" વિઠ્ઠલ... મને વાલકેશ્વર ઉતારીને સ્વામીજીને બોરીવલી લઈ જા. ગાડી શાંતિથી ચલાવજે. " શેઠ બોલ્યા અને વિઠ્ઠલે ગાડી સ્ટાર્ટ કરી.
શેઠના ગયા પછી દેવરાજે જયરાજ અંકલ સાથે સ્ટાફ વિશે ચર્ચા શરૂ કરી.
"જુઓ અંકલ આપણા પેઈંગ ગેસ્ટ હાઉસમાં ગર્લ્સ માટે લેડી સિક્યુરિટી અને બોઈઝ માટે મેલ સિક્યુરિટીની જરૂર પડશે. એ સિવાય દરેક ફ્લોર ઉપર બે એટેન્ડન્ટ્સ જોઈશે. એટલે ૪ મેલ એટેન્ડન્ટ્સ અને ૪ ફિમેલ એટેન્ડન્ટ્સની ભરતી કરવી પડશે. એ લોકોએ એમના ફ્લોર ઉપર દરેક રૂમમાં કચરા પોતાં પણ કરવાં પડશે. દરેક રૂમની ચાદરો દર ત્રણ દિવસે ધોઈને બદલવી પણ પડશે." દેવરાજ જયરાજ અંકલ સાથે ચર્ચા કરી રહ્યો હતો.
"આ સિવાય રસોડામાં રસોઈમાં મદદ કરવા માટે બે કામદારોની પણ જરૂર પડશે. બે ટાઈમ ભોજન પતી ગયા પછી વાસણો સાફ કરવા માટે અને ભોજનાલય હોલમાં કચરા પોતાં કરવા માટે ત્રણ ચાર મજુર બહેનો પણ જોઈશે. એ મજૂર બહેનોનું કામ અનાજની સાફસુફી તથા રોજે રોજ શાક સમારવાનું અને પાણી ભરવાનું પણ રહેશે." દેવરાજ બોલ્યો. જયરાજ અંકલ એક લેટરપેડ ઉપર સ્ટાફની નોંધ કરી રહ્યા હતા.
"શેઠ અહીં એક એજન્સી પણ ચાલે છે જે મારા ધ્યાનમાં છે. આપણે એમને વાત કરીશું એટલે એ લોકો જ આપણને જેવો સ્ટાફ જોઈએ એવો સ્ટાફ પૂરો પાડશે. એના માટે આપણે જાહેરાત કરવાની કોઈ જરૂર નહીં પડે." જયરાજ અંકલ બોલ્યા.
"વાહ તો તો અતિ ઉત્તમ. આવી તો મને કલ્પના પણ નહોતી. તમે એક કામ કરો. એ એજન્સીવાળા ભાઈને આવતી કાલે અહીં બોલાવી લો. આપણે એમને વિગતવાર સમજાવીએ જેથી કેવો સ્ટાફ પૂરો પાડવો એની એમને પણ સમજ પડે. " દેવરાજ બોલ્યો.
અને બીજા જ દિવસે જયરાજ અંકલે નાની મોટી કંપનીઓમાં કર્મચારીઓ સપ્લાય કરતી એજન્સીનો સંપર્ક કર્યો અને એ એજન્સી ચલાવતા દાભોલકર ને પીજી હાઉસમાં રૂબરૂ આવી જવાનું સૂચન કર્યું.
એ પછીના દિવસે સાંજે ચાર વાગે દાભોલકર આપેલા સમય પ્રમાણે પીજી હાઉસમાં આવી ગયા.
" અમારું આ નવું પીજી હાઉસ ૧૦ ૧૫ દિવસમાં ચાલુ થાય છે. ઘણા બધા નાના મોટા સ્ટાફની અમને જરૂર પડશે. તમારી એજન્સીનું નામ જાણીતું છે એટલે અમે તમને બોલાવ્યા છે. " દેવરાજે વાતની શરૂઆત કરી.
"દરેક પ્રકારનો સ્ટાફ અમે સાત વર્ષથી પૂરો પાડીએ છીએ. નોકરથી માંડીને મેનેજર સુધી અમે સ્ટાફ તમને આપી શકીશું. તમે તમારી જરૂરિયાત બતાવી દો અને લિસ્ટ મને આપી દો. અમે જે સ્ટાફ તમને પૂરો પાડીશું એના વિશે કોઈ પણ ફરિયાદ તમને નહીં મળે. અમે જે રજીસ્ટર બનાવેલું છે એમાં દરેક સ્ટાફની નાનામાં નાની વિગતો અમે નોંધેલી છે. આધાર કાર્ડ નંબર સાથે અમે જે તે વ્યક્તિની પૂરી તપાસ કર્યા પછી જ અમે નામ રજીસ્ટર કરીએ છીએ. " દાભોલકર બોલ્યા.
"સૌથી પહેલાં તો યુવાન છોકરીઓ ઉપર વૉચ રાખવા માટે બે કડક લેડી સિક્યુરિટી અમારે જોઈએ. જેને તમે વોર્ડન કહી શકો. છોકરીઓના બે ફ્લોર ઉપર એક વોર્ડનની ડ્યુટી સવારે દશ થી સાંજના છ સુધી રહેશે જ્યારે બીજી વોર્ડન સાંજે છ થી રાતના બે વાગ્યા સુધી જાગૃત રહીને વોચ રાખશે. દિવસની અને રાતની આ બંને વોર્ડનની ડ્યુટી બંને ફ્લોર ઉપર ધ્યાન રાખવાની રહેશે." દેવરાજ બોલતો હતો.
"એ જ પ્રમાણે યુવકોના બે ફ્લોર ઉપર પણ બે કડક સ્વભાવના સિક્યુરિટીની જરૂર પડશે. એમની ડ્યુટી પણ વોર્ડન ની જેમ બે પાળીની રહેશે. રાતની ડ્યુટી વાળો જરા વધારે શિસ્તવાળો અને કડક સ્વભાવનો હોવો જોઈએ. એની ડ્યુટી અહીં રહેનારા સ્ટુડન્ટ્સ રાત્રે કોઈપણ પ્રકારનું વ્યસન કે ડ્રગ્સનું સેવન ના કરે એ જોવાનું રહેશે. કોઈપણ પ્રકારની અશિસ્ત ચલાવી લેવામાં આવશે નહીં. " દેવરાજ બોલ્યો.
"મારી પાસે એક્સ મિલિટરી સ્ટાફ પણ છે અને વોર્ડન માટે ટ્રાન્સફર ના કારણે પોલીસની જોબ છોડી દીધી હોય એવી કડક લેડીઝ પણ છે. " દાભોલકર બોલ્યા.
એ પછી જયરાજ અંકલે ૪ મેલ એટેન્ડન્ટ્સ અને ૪ ફિમેલ એટેન્ડન્ટ્સ ની પણ વાત કરી. એ સિવાય રસોઈ ઘરમાં બે કામદારો જોઈશે એ પણ ચર્ચા કરી. ચાર મજુર બહેનો વિશે પણ ચર્ચા કરી જેમનું કામ દરેક ફ્લોર ઉપર કચરા પોતાં કરવાનું અને ભોજન પતી ગયા પછી વાસણ માંજવાનું રહેશે.
"તમામ પ્રકારનો સ્ટાફ તમને ૮ ૧૦ દિવસમાં પૂરો પાડું છું. મજુર બહેનો તો આપણા ગીરગાંવ એરિયાની જ મળી રહેશે જેથી એ કામ પતાવીને ઘરે પણ જઈ શકે. તમે જે એટેન્ડન્ટ્સ ની વાત કરી એમની અહીં રહેવા અને સૂવાની વ્યવસ્થા તો છે ને ? કારણ કે મારે એ લોકોને આ બધું જ કહેવું પડશે. "
"જી. રહેવાની સૂવાની અને જમવાની પણ વ્યવસ્થા અહીં છે. આ લોકોના પગાર ધોરણ કેવી રીતના હોય છે એ તમે જ અમને જણાવજો. અમે જરા પણ ઓછું નહીં આપીએ. મહેનતુ અને પ્રમાણિક સ્ટાફ અમારે જોઈએ છે. આળસુ પ્રકૃતિના માણસો અહીં નહીં ચાલે. જે પણ એટેન્ડન્ટ્સ પસંદ કરો એમને એ પણ કહેજો કે કદાચ એમણે સ્ટુડન્ટ્સનાં કપડાં પણ ધોવાં પડે. ભલે સ્ટુડન્ટ્સ એમને પૈસા આપે. એ એમની સાઈડ ઇન્કમ ગણાશે." દેવરાજ હસીને બોલ્યો.
દાભોલકર ગયા પછી જયરાજ અંકલ પણ પોતાની નાની ચેમ્બરમાં ગયા. દેવરાજ પોતાની એસી ચેમ્બરમાં બેસી રહ્યો. એણે અમદાવાદના પોતાના સ્કૂલ મિત્ર કાર્તિક ઓઝાને ફોન કર્યો. કાર્તિક અમદાવાદના એક મોટા ડાઇનિંગ હોલમાં મેનેજર હતો.
" કાર્તિક હું મુંબઈથી દેવરાજ દેસાઈ બોલું છું. " દેવરાજ બોલ્યો.
" દેવરાજ દેસાઈ મુંબઈમાં ? અલ્યા તું મુંબઈ ક્યારે પહોંચી ગયો ? ભલો ફરવા જવાનો ટાઈમ તને મળ્યો ! " કાર્તિક હસીને બોલ્યો.
દેવરાજ દેસાઈ મુંબઈ ગયો એની જાણ આદિત્ય વશી સિવાય બીજા કોઈ જ મિત્રને ન હતી. ખૂબ જ ટૂંકા સમયમાં એણે મુંબઈ આવવાનો નિર્ણય લીધો હતો એટલે બધા મિત્રોને એ જાણ કરી શક્યો ન હતો.
" એ બહુ લાંબી વાર્તા છે કાર્તિક. હું તો કાયમ માટે મુંબઈ આવી ગયો છું અને તને પણ મુંબઈમાં સ્થાયી કરવા માગું છું જો તારી ઈચ્છા હોય તો. અહીં એક ડાઇનિંગ હોલ ચાલુ કરવાનો છે અને તારા જેવો મિત્ર જો એનું મેનેજમેન્ટ સંભાળતો હોય તો મને વધુ આનંદ થશે. એ લાઈનમાં તારો અનુભવ ઘણો વધારે છે. " દેવરાજ બોલ્યો.
" તારી આજની બધી વાતો મને નવાઈ ભરી લાગે છે. તું અને ડાઇનિંગ હોલ !! અને તું મને મુંબઈ સ્થાયી કરવા માગે છે ? તેરી બાત કુછ હજમ નહીં હુઈ દોસ્ત. " કાર્તિક બોલ્યો.
" કાર્તિક મજાક છોડ. હું સિરિયસ છું. તું મને બસ એટલું જ કહી દે કે તું મુંબઈ સ્થાઈ થવા માંગે છે કે નહીં ? તને હું એટલો પગાર અપાવીશ કે તેં કલ્પના પણ નહીં કરી હોય ! " દેવરાજ બોલ્યો. એણે જાણી જોઈને પગાર આપીશ ના બદલે પગાર અપાવીશ શબ્દ વાપર્યો.
" જો દેવ... તારી વાત કદાચ સાચી પણ હોય તો પણ હું એકદમ નિર્ણય આ રીતે ના લઈ શકું. હું અને મારું ફેમિલી અહીં સેટ થયેલું છે. કાયમ માટે મુંબઈ શિફ્ટ થઈ જવું એટલું બધું સહેલું નથી. મારે આખી વાત સમજવી પડે અને એના માટે મારે મુંબઈ રૂબરૂ આવવું પડે. જો કે હજુ પણ મને તારી વાત ગળે ઉતરતી જ નથી. " કાર્તિક બોલ્યો.
"તું મુંબઈ ચોક્કસ આવી શકે છે. પણ તારે તાત્કાલિક જ મુંબઈ આવવું પડશે કારણ કે દસેક દિવસ પછી હોસ્ટેલનો આ ડાઇનિંગ હોલ ચાલુ થાય છે. લગભગ ૨૦૦ યુવક યુવતીઓ સવાર સાંજ જમશે એટલે રસોડું મોટું છે. મહારાજ ની વ્યવસ્થા થઈ ગઈ છે. તારે માત્ર મેનેજમેન્ટ સંભાળવાનું છે. હાલ પૂરતી તારી રહેવાની વ્યવસ્થા પણ થઈ જશે. એ પછી વેકેશનમાં ગમે ત્યારે તું ફેમિલી લાવી શકે છે." દેવરાજ બોલ્યો.
"ઠીક છે ચાલ. તું આટલું બધું કહે છે તો પછી બે ત્રણ દિવસમાં જ હું રૂબરૂ આવીને જોઈ લઉં છું. તું મને મારા વોટ્સએપ ઉપર સંપૂર્ણ એડ્રેસ મોકલી દે. " કાર્તિક બોલ્યો અને એણે ફોન કટ કર્યો
દાભોલકરે પોતાનું વચન પાળ્યું અને સાત દિવસ પછી એણે પીજી હાઉસમાં ભરતી કરવાના સ્ટાફનું એક લિસ્ટ મોકલી આપ્યું. જેમાં ૭૦ ટકા સ્ટાફ મહારાષ્ટ્રીયન હતો. ૩૦ ટકા યુપી અને બિહારનો હતો. ચાર પાંચ કામવાળી બાઈઓનાં નામ પણ એણે મોકલ્યાં. એ સાથે દરેકને ઓછામાં ઓછો કેટલો પગાર આપી શકાય એની પણ નોંધ એણે લખી હતી.
જયરાજ અંકલે આ લિસ્ટ દેવરાજને બતાવ્યું અને દેવરાજે એને એપ્રુવ કર્યું.
દાભોલકરને જે પેમેન્ટ આપવાનું હતું એનો ચેક પણ દેવરાજે જયરાજ અંકલને આપી દીધો.
બરાબર બે દિવસ પછી અમદાવાદથી કર્ણાવતી એક્સપ્રેસમાં બેસીને કાર્તિક ઓઝા બપોરે સવા બાર વાગે શાલીમાર પીજી હાઉસ પહોંચી ગયો. શોધવામાં એને કોઈ તકલીફ પડી નહીં.
એના આશ્ચર્ય વચ્ચે એણે પોતાના ખાસ મિત્ર દેવરાજ દેસાઈને પીજી હાઉસની ઓફિસ ચેમ્બરમાં અપ ટુ ડેટ કપડાંમાં બૉસની જેમ બેઠેલો જોયો. એને પોતાની આંખો પર વિશ્વાસ ના આવ્યો કે આ દેવરાજ દેસાઈ છે !!
" મે આઈ કમ ઈન ? " કાર્તિક બોલ્યો.
" અરે આવ આવ કાર્તિક.. તારે વળી મારી રજા લેવાની થોડી હોય ? " દેવરાજે એને ઉભો થઈને આવકાર્યો અને એના એટેન્ડન્ટને અંદર બોલાવી ગેસ્ટ માટે ચા લઈ આવવાનું કહ્યું.
" દેવ હું આ શું જોઈ રહ્યો છું ? તું અહીં મુંબઈમાં કેવી રીતે અને પાછો બૉસ ની પોઝીશનમાં ? " ખુરશી ઉપર બેઠક લેતાં કાર્તિક બોલ્યો.
" સમય સમયનું ચક્કર છે કાર્તિક. મને પોતાને પણ મારા કિસ્મત ઉપર વિશ્વાસ નથી આવતો પરંતુ જે હકીકત છે એ છે. મને મનમોહન શેઠે દત્તક લીધો છે. હવે આ પીજી હાઉસનો હું પોતે જ માલિક છું. મામી મને મહિને માત્ર 3000 રૂપિયા વાપરવા માટે આપતાં જ્યારે આજે હું કરોડપતિ છું." દેવરાજ હસીને બોલ્યો.
" વાઉ ! આઈ કાન્ટ બિલિવ. વ્હોટ આ વન્ડરફુલ ટર્નિંગ પોઇન્ટ ઇન યોર લાઇફ !! " કાર્તિક બોલ્યો.
"હા કાર્તિક. હકીકતમાં આ બિલ્ડિંગ એક ગેસ્ટ હાઉસ હતું. એને મેં છેલ્લા ત્રણ મહિનામાં હોસ્ટેલ એટલે કે પીજી હાઉસમાં કન્વર્ટ કર્યું છે. અહીં ૨૦૦ જેટલા સ્ટુડન્ટ્સ રહી શકે એવી વ્યવસ્થા છે. જો કે બધા જ સ્ટુડન્ટ્સ નહીં હોય. નોકરી કરતા યુવાનો અને યુવતીઓ પણ હોઈ શકે છે." દેવરાજ બોલી રહ્યો હતો.
" એ બધાને બે ટાઈમ જમવા માટે ડાઇનિંગ હોલ મારે ચાલુ કરવો છે. એ જવાબદારી જો તું સંભાળી શકે તો મને આનંદ થશે. પગાર હું તને બે લાખ રૂપિયા આપીશ. તું મારો મિત્ર છે એટલે હું તને આ ચાન્સ આપી રહ્યો છું. બાકી આ તો મુંબઈ છે. મને મેનેજર મળી રહેશે. " દેવરાજ બોલ્યો.
"તારી આટલી લાગણી બદલ આભાર. મને માત્ર આવતીકાલ સુધીનો ટાઈમ આપ. હું રિટર્ન ટિકિટ લઈને જ આવ્યો છું એટલે કાલે સવારે હું અમદાવાદ પહોંચી જઈશ. મારા ફેમિલી સાથે ચર્ચા કરીને કાલે રાત સુધીમાં તને જવાબ આપું છું. " કાર્તિક બોલ્યો.
" વાંધો નહીં. બે દિવસમાં કંઈ ખાટું મોળું થઈ જવાનું નથી. બાકી તારા રહેવાની વ્યવસ્થા અહીં પીજી હાઉસમાં જ થઈ જશે. આ ફ્લોર ઉપર જ સ્પેશિયલ રૂમ બનાવેલો છે જેમાં બધી જ સગવડ છે. રસોડાની બધી જ જવાબદારી તારા ઉપર રહેશે. અનાજ કરિયાણું શાકભાજી વગેરેની ખરીદી પણ તારે જ કરવાની રહેશે. રોજે રોજનું મેનુ પણ તારે જ નક્કી કરવાનું રહેશે. " દેવરાજ બોલ્યો.
" એ તો અત્યારે પણ હું કરી જ રહ્યો છું એટલે કામનું મને કોઈ ટેન્શન નથી. મોટાભાગે તો મારી હા જ છે છતાં ફાઈનલ કન્ફર્મેશન તને કાલે રાત્રે આપી દઉં છું. " કાર્તિક બોલ્યો.
" ચાલ હું તને કિચન અને ડાઇનિંગ હોલ બતાવી દઉં અને તારો રહેવાનો રૂમ પણ બતાવી દઉં. " કહીને દેવરાજ ઉભો થયો અને કાર્તિકને લઈને એણે કિચન, સ્ટોર રૂમ અને રહેવા માટેનો સ્પેશિયલ રૂમ પણ બતાવી દીધો.
બંને મિત્રો ફ્લોર ઉપર ચક્કર મારીને પાછા ચેમ્બરમાં આવ્યા ત્યાં સુધીમાં ચા પણ આવી ગઈ હતી એટલે કાર્તિકે ચા પી લીધી.
" હવે બોલ અત્યારે તારે જમવાનું શું છે ? અહીં નજીકમાં જ ચર્ની રોડ સ્ટેશનની સામે ડાઇનિંગ હૉલ છે. તો હું તને લઈ જાઉં. " દેવરાજ બોલ્યો.
" ના ના. હું તો કર્ણાવતીમાં જમીને જ આવ્યો. ટ્રેનમાં ફૂડ સર્વ કરે જ છે. " કાર્તિક બોલ્યો.
" ઠીક છે. હવે તારે આરામ કરવો હોય તો મેં તને જે રૂમ બતાવ્યો ત્યાં તું સાંજ સુધી આરામ કરી શકે છે. " દેવરાજ બોલ્યો.
" ના દેવ. મારું સાસરુ કાંદીવલી જ છે એટલે મુંબઈ સુધી આવ્યો છું તો મારા સાસરે જઈ બધાંને મળતો આવું અને રાત્રે બોરીવલીથી જ ટ્રેન પકડી લઈશ." કાર્તિક બોલ્યો.
"હા એ તારી વાત પણ સાચી છે. લગન થઈ જાય એટલે વ્યવહારો સાચવવા પડે છે. " દેવરાજ હસીને બોલ્યો.
" અને હા... જો હું અહીં તારી ઓફર સ્વીકારીને જોબ જોઈન કરીશ તો તને દેવ નહીં કહું. તું હવે બહુ મોટો માણસ બની ગયો છે. બૉસ સાથે 'તું તારી' થી વાત ન કરાય. આપણી મિત્રતા એ એક અલગ બાબત છે પણ અહીં તો હું તને સર કહીને જ બોલાવીશ. ઓફિસ ડેકોરમ મારે પણ સાચવવું પડે ! " કાર્તિક હસીને બોલ્યો અને ઉભો થયો.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

