પીજી હાઉસ પ્રકરણ 11
સ્વામી આત્માનંદજી ઉર્ફે નિખિલ મહારાજ ઇન્દોરમાં ગણેશપુરી સોસાયટીમાં એમના એક જૂના ભક્ત માણેકલાલજીના ત્યાં મહેમાન બન્યા હતા. ત્યાં ક્રાઉન કોમ્યુનિટી હોલમાં માણેકલાલે બીજા કેટલાક ભક્તો સાથે મળીને સ્વામીજીનાં એક મહિના સુધી પ્રવચનો ગોઠવ્યાં હતાં.પીજી હાઉસ નવલકથા
ઇન્દોરમાં ગુજરાતી કોમ્યુનિટી ઘણી મોટી છે છતાં પણ પ્રદેશ હિન્દીભાષી હોવાથી બીજા પણ શ્રોતાઓ આવી શકે એટલા માટે પ્રવચનો હિન્દીમાં જ ગોઠવ્યાં હતાં. અહીં પણ આખો હોલ સ્વામીજીનાં પ્રવચનો સાંભળવા માટે ભરાઈ જતો હતો.
સ્વામીજી રોજ વહેલી પરોઢે કલાકો સુધી ધ્યાનમાં બેસતા હતા અને એમણે જોઈ લીધું હતું કે દેવરાજ વાલકેશ્વરમાં સારી રીતે સેટ થઈ ગયો છે અને એણે જૂના ગેસ્ટ હાઉસને નવા પીજી હાઉસમાં રૂપાંતર કરી દીધું છે. દેવરાજ ની પ્રગતિથી સ્વામીજી ખૂબ જ ખુશ હતા.
એમણે ધ્યાનમાં એ પણ જોયું કે ધીમે ધીમે દેવરાજનો પૂર્વજન્મ વધારે એક્ટિવ થઈ રહ્યો છે અને પૂર્વજન્મનાં કેટલાંક પાત્રો ફરી પાછાં જુદા સ્વરૂપે એના જીવનમાં આવી રહ્યાં છે.
આ બાજુ પીજી હાઉસ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા પછી કારતક મહિનાની વદી એકાદશીના દિવસે મુંબઈનાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી વર્તમાનપત્રોમાં છેલ્લા પાને અડધુ પાનું ભરીને દેવરાજે પીજી હાઉસની જાહેરાત આપી. માત્ર જાહેરાતમાં જ દેવરાજે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા. કારણ કે પૈસાનો એની પાસે તોટો ન હતો !
# પ્રાર્થના સમાજ વિસ્તારમાં અદ્યતન પી.જી. હાઉસ
ચર્ની રોડ આજુબાજુ વિવિધ કોલેજોમાં ભણતા સ્ટુડન્ટ્સ માટે પેઈંગ ગેસ્ટ તરીકે રહેવાની સાથે સાથે બે ટાઈમ જમાડતી અને બે ટાઈમ ચા નાસ્તો આપતી લેટેસ્ટ હોસ્ટેલ એટલે શાલીમાર પી.જી. હાઉસ ! સ્ટુડન્ટ્સ સિવાય નોકરી અર્થે બહારગામથી આવતા યુવક અને યુવતીઓ પણ પીજી હાઉસમાં રહી શકે છે કે જેમની વય મર્યાદા ૨૮ વર્ષની અંદર હોય !
માગશર સુદ એકાદશી (ગીતા જયંતી) ના દિવસે આ પીજીહાઉસ ચાલુ થઈ જશે તો ત્યાં સુધીમાં વહેલા તે પહેલા ધોરણે સ્ટુડન્ટ્સ અને નોકરીયાત ભાઈ બહેનો પોતાનું નામ નોંધાવી શકે છે.
સંપર્ક: પીજી હાઉસ. મેજિસ્ટિક સિનેમા ની બાજુમાં. પ્રાર્થના સમાજ એરીયા. મોબાઈલ xxxxxxxxxx #
જાહેરાત આપી એ દિવસથી જ ઘણી બધી ઇન્કવાયરીઓ ચાલુ થઈ ગઈ. કલ્પના કરતાં પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો હતો. રિસેપ્શનિષ્ટ સચિન રાઠોડ ફોન ઉપર જવાબો આપી આપીને થાકી ગયો હતો.
મહિને માત્ર ૨૦૦૦૦ માં બે ટાઈમ જમવાનું, બે ટાઈમ ચા નાસ્તો અને રહેવાનું મુંબઈ જેવા શહેરમાં ઘણું સસ્તું હતું ! કેટલાંક પીજી હાઉસમાં અને આજુબાજુની હોસ્ટેલોમાં તો ૧૮૦૦૦ આપતાં પણ એક ટાઈમ જમવાનું મળતું હતું અને શાલીમાર પીજી હાઉસ જેવી સગવડો પણ નહોતી.
*************************
વલસાડની એન.કે.એમ નર્સિંગ ઇન્સ્ટિટયૂટમાં નર્સિંગનો કોર્સ કર્યા પછી વૈદેહી નાયક માટે સૌથી મોટો પ્રશ્ન નર્સ તરીકે સારી જોબનો હતો. વૈદેહી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી અને નર્સિંગ ઇન્સ્ટિટયૂટમાં એ ટોપર રહી હતી. એણે ઓક્ઝિલરી નર્સિંગ એન્ડ મીડવાઇફરી નો કોર્સ કરીને ડિપ્લોમાની ડિગ્રી મેળવી હતી.
એની ઈચ્છા તો ડોક્ટર બનવાની હતી પરંતુ એ બારમા ધોરણમાં હતી ત્યારે જ એના પપ્પા શિરીષભાઈ નાયકનું કિડની ફેલ થવાના કારણે અવસાન થઈ ગયું હતું એટલે પરિણામ ઉપર એની ખરાબ અસર પડી હતી. ત્રણ મહિના સુધી પથારીવશ રહેલા એના પપ્પાની બધી જ સેવા વૈદેહી જ કરતી હતી. એની નાની બહેન મીતા એ સમયે દશમા માં ભણતી હતી.
બારમા ધોરણમાં વૈદેહીને ૭૫ ટકા માર્કસ આવ્યા હતા પરંતુ ડોક્ટર થવા માટે આ ટકા ખૂબ જ ઓછા પડતા હતા. એને શરૂઆતથી જ હેલ્થકેર સેક્ટરમાં રસ હતો અને એનો સ્વભાવ પણ ખૂબ જ સેવાભાવી હતો એટલે છેવટે બારમા પછી નર્સિંગનો કોર્સ એણે પસંદ કર્યો.
વલસાડમાં ડિપ્લોમાની ડિગ્રી મેળવ્યા પછી એની ઈચ્છા ક્રિટિકલ કેર કોર્સ માટે સ્પેશિયલાઈઝેશન કરવાની હતી પરંતુ એ સગવડ વલસાડમાં ન હતી. એના માટે સુરત અથવા મુંબઈની પસંદગી કરવી પડે. એણે એના માટે સુરતમાં તથા મુંબઈની બે કોલેજોમાં ફોર્મ ભર્યું. સુરતમાં તો લિમિટેડ સીટોના કારણે નંબર ના લાગ્યો પરંતુ મુંબઈની જે જે ગ્રુપની ગ્રાન્ટ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજમાં એને એડમિશન મળી ગયું.
મુંબઈમાં વૈદેહીની માસી રહેતાં હતાં પરંતુ એ ઘાટકોપર ગરોડિયાનગર રહેતાં હોવાથી ગ્રાન્ટ રોડ એરિયામાં આવેલી આ કોલેજમાં રોજ અપડાઉન કરવું શક્ય ન હતું.
ગ્રાન્ટ મેડિકલ કોલેજની બાજુમાં વિદ્યાર્થીઓ માટે એક લેડીઝ હોસ્ટેલની વ્યવસ્થા હતી પરંતુ ત્યાં જગ્યા ન હતી. છેવટે કોઈની ઓળખાણથી ટેમ્પરરી એની રહેવાની વ્યવસ્થા થઈ ગઈ હતી પણ માત્ર બે જ બેડ હોવાથી એને પથારીમાં સૂઈ જવું પડતું હતું અને ઘણું બધું એડજસ્ટ કરવું પડતું હતું !
એણે શાલીમાર પીજી હાઉસની જાહેરાત વાંચી અને એ ખુશ થઈ ગઈ. માત્ર ૨૦૦૦૦ માં બે ટાઈમ જમવાનું, બે ટાઈમ ચા નાસ્તો અને સ્વતંત્ર પલંગ. મુંબઈ જેવા શહેરમાં આનાથી સસ્તું કંઈ હોઈ જ ના શકે !
એણે પણ પીજી હાઉસમાં ફોન કરીને બધી માહિતી મેળવી લીધી અને બીજા જ દિવસે એ પીજી હાઉસ પહોંચી ગઈ. પીજી હાઉસની અંદરની સગવડો જોઈને એ તો આભી જ બની ગઈ. આ તો કોઈ થ્રી સ્ટાર હોટલ જેવું પીજી હાઉસ હતું ! એણે તરત જ ફોર્મ ભરી દીધું અને હાલ પૂરતું એક મહિનાનું પેમેન્ટ પણ કરી દીધું. એની સાથે બીજા ૮ ૧૦ બોયઝ એન્ડ ગર્લ્સ સ્ટુડન્ટ્સે પણ ફોર્મ ભરી દીધું અને પેમેન્ટ પણ કરી દીધું.
વૈદેહીને ચોથા માળે ૪૨ નંબરનો રૂમ ફાળવવામાં આવ્યો. ચોથો અને પાંચમો માળ માત્ર ગર્લ્સ અને નોકરિયાત લેડીઝ માટે હતો. વૈદેહીની સાથે રૂમ શેરિંગમાં ઝીલ, અંતરા અને વૈશાલી નામની બીજી ત્રણ ગર્લ્સ હતી જે પણ જોબ કરતી હતી. રૂમમાં બધી જ સગવડો હતી. પલંગ અને ગાદલાં પણ નવાં હતાં. આછા બ્લુ રંગની નવી બેડશીટ પણ દરેક પલંગ ઉપર બિછાવેલી હતી. તો પીલો કવર પણ બ્લુ રંગનાં જ હતાં. લોકર સાથેનાં કબાટો પણ હતાં. એક ફૂલ સાઇઝનો મિરર પણ લગાવેલો હતો.
બહાર વોશરૂમ બ્લોકમાં પણ નવાં જ વોશબેસિન અને નળ લગાવેલા હતા. ગરમ પાણી માટે બાથરૂમમાં નવું મોટું ગીઝર ફીટ કરેલું હતું જેની લાઈન દરેક બાથરૂમમાં આપી હતી. તો દરેક ફ્લોર ઉપર ઠંડા પાણી માટે વોટર કુલર પણ ગોઠવેલું હતું. ખરેખર આ પીજી હાઉસ બેનમૂન હતું.
માત્ર દસ દિવસમાં જ આખું પીજી હાઉસ ફૂલ થઈ ગયું જેમાં ૧૬૦ કોલેજ સ્ટુડન્ટ્સ હતાં તો ૩૨ નોકરિયાત યુવક યુવતીઓ હતાં. નોકરિયાત યુવક યુવતીઓને અલગ રૂમ ફાળવવામાં આવ્યા હતા જેથી સ્ટુડન્ટસ રાત્રે મોડે સુધી વાંચતા હોય તો નોકરિયાત યુવક યુવતીઓને તકલીફ ના પડે. દેવરાજે ખૂબ જ વિચારી વિચારીને પ્લાનિંગ કર્યું હતું. એ નાની નાની બાબતો ઉપર પણ ધ્યાન આપતો હતો !
પીજી હાઉસ ચાલુ થવાની હજુ પાંચ દિવસની વાર હતી ત્યાં કાર્તિક ઓઝા પણ આવી ગયો.
" બહુ જ સારો નિર્ણય લીધો કાર્તિક. હું તને આજે ફોન કરવાનો જ હતો. ઘરનો માણસ હોય તો ઘણો ફેર પડે. તારી જવાબદારી ભોજનાલયની છે. અનાજ તેલ નાનું મોટું કરિયાણું શાકભાજી દૂધ વગેરે ખરીદી તારા કંટ્રોલમાં રહેશે. તારી પોસ્ટ સ્ટોર મેનેજરની છે. " દેવરાજ બોલતો હતો.
" બે રસોઈયા મહારાજ પણ તારા અંડરમાં જ રહેશે. બે ટાઈમ સમયસર ભોજન તૈયાર થઈ જાય અને બે ટાઈમ ચા કોફી નાસ્તો બને એ તારે જોવાનું છે. રોજે રોજનું મેનુ પણ તારે જ તૈયાર કરવાનું. તારા હાથ નીચે જાધવ અને શિંદે નામના બે આસિસ્ટન્ટ રહેશે. " દેવરાજ બોલ્યો.
" ડોન્ટ વરી. હું બધું સંભાળી લઈશ. મારો તો આ બધો વર્ષોનો અનુભવ છે. બે ત્રણ વેપારીઓને મળવું પડશે. બધો માલ અહીં પીજી હાઉસમાં જ આવી જશે. કરિયાણાનો વેપારી હોય કે પછી શાકભાજીનો હોય, એને પણ ધંધો જમાવવાનો હોય. અત્યારે આ બધું કોણ સંભાળે છે ? " કાર્તિકે પૂછ્યું.
" રસોડું તો બંધ છે એટલે શાકભાજી અને કરિયાણાનું સેટીંગ તો નવેસરથી કરવું પડશે. પરંતુ જાધવ બહુ જૂનો છે અને વર્ષો પહેલાં જ્યારે ડાઇનિંગ હોલ ચાલતો હતો ત્યારે પણ જાધવ જ આસિસ્ટન્ટ હતો એટલે એને સાથે રાખીને તું માર્કેટમાં જજે. " દેવરાજ બોલ્યો.
" મારી રહેવાની વ્યવસ્થા તો અહીં પેલા સ્પેશિયલ રૂમમાં જ છે ને ? " કાર્તિકે પૂછ્યું.
" હા. ૩ નંબરનો સ્પેશિયલ એસી રૂમ તારા માટે રિઝર્વ છે. રહેવા અને જમવાની વ્યવસ્થા તો તારી થઈ જ ગઈ છે. તારાં કપડાં પણ ધોવાઈ જશે અને પ્રેસ પણ થઈ જશે એટલે એની પણ કોઈ ચિંતા નથી. તું અહીં બરાબર સેટ થઈ જાય પછી વેકેશનમાં તારા ફેમિલીને અહીં બોલાવવું હોય તો આ એરિયામાં કોઈ સારો ફ્લેટ શોધી કાઢીશું." દેવરાજ બોલ્યો.
બે દિવસ પછી તમામ સ્ટાફની ભરતી દેવરાજે કરી દીધી. દરેકને પોતાની ડ્યુટી જયરાજ અંકલે સમજાવી દીધી. તમામ સ્ટાફની જવાબદારી જયરાજ અંકલની હતી. સ્ટાફનો પગાર પણ અંકલના હાથમાં જ હતો.
એ સિવાય દરેક બેડની બેડશીટ અને પીલો કવર દર ત્રીજા દિવસે લોન્ડ્રીમાં ધોવા આપવાની જવાબદારી પણ જયરાજ અંકલ પાસે હતી. બેડશીટનો ડબલ સ્ટોક રાખ્યો હતો. ૨૦૦ બેડશીટ અને પીલો કવર ધોવા આપવા માટે ખાસ ટેમ્પાની વ્યવસ્થા પણ રાખી હતી.
પીજી હાઉસ શરૂ થવાના બે દિવસ પહેલાં બંને રસોઈયા મહારાજ પણ આવી ગયા અને એમણે રસોડું સંભાળી લીધું. કાર્તિક ઓઝાએ જાધવને સાથે રાખીને તેલના ડબ્બા કરિયાણું અને બે ત્રણ દિવસની શાકભાજીનો સ્ટોક પણ કરી લીધો અને દરેક વેપારી સાથે ભાવ તાલ કરી કાયમી સેટીંગ પણ કરી દીધું.
ગીતા જયંતીના દિવસે નામ નોંધાવેલ તમામ સ્ટુડન્ટ્સ અને નોકરિયાત યુવક યુવતીઓ પીજી હાઉસમાં સવારથી જ હાજર થઈ ગયાં. ઘસારો એટલો બધો હતો કે દરેકને રૂમ ફાળવવા માટે સચિન રાઠોડની સાથે જયરાજ અંકલ અને ખુદ દેવરાજને પણ વ્યવસ્થામાં કામે લાગી જવું પડ્યું. સવારે ૮ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી રૂમ ફાળવણીનું કામ ચાલ્યું. દરેકનું પેમેન્ટ પણ લેવાનું હતું અને રૂમ પણ ફાળવવાના હતા !
જમવાની કેન્ટીનનો સમય આમ તો બપોરે ૧૧:૩૦ થી બપોરના ૨ વાગ્યા સુધીનો હતો પણ આજે બપોરે ૩ વાગ્યા સુધી કેન્ટીન ચાલુ રાખવી પડી. આજે પહેલો દિવસ હતો અને એક સાથે બસો સવા બસો વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ જમવામાં હતા એટલે ૬૦ ૬૦ ના ગ્રુપમાં વારાફરતી બધાને બેસાડવા પડ્યા.
પીજી હાઉસમાં પ્રવેશ લઈને તમામ સ્ટુડન્ટ્સ ખૂબ જ ખુશ હતાં. થ્રી સ્ટાર હોટલ જેવું આ પીજી હાઉસ બધાંને એટલું બધું ગમી ગયું કે જમ્યા પછી તમામ સ્ટુડન્ટ્સ પોતાના પરિવાર અને મિત્રો સાથે પીજી હાઉસ વિશે જ ચર્ચા કરતા હતા.
સિક્યુરિટી સ્ટાફે પણ પોતપોતાની જગ્યા સંભાળી લીધી હતી તો દરેક ફ્લોર ઉપર બે એટેન્ડન્સ સ્ટુડન્ટ્સની સેવા માટે હાજર હતા. એમનું કામ સ્ટુડન્ટ્સને નાની મોટી મદદ કરવાની હતી અને બે ટાઈમ ચા કોફી દરેક રૂમમાં પહોંચાડવાની હતી.
સવારે સાડા આઠ વાગે અને સાંજે ચાર વાગે કેન્ટીનમાં ગરમ ગરમ નાસ્તો મળતો હતો પરંતુ કોલેજ જવાનું હોવાથી સાંજના નાસ્તામાં ખાસ ભીડ રહેતી નહોતી ! જે લોકો હાજર હોય એ લોકો જ લાભ લઈ શકતા. ગરમ નાસ્તામાં મહારાજ મોટા ભાગે ઉપમા, ખમણ, બટેટાપૌંઆ, મેથીના થેપલા, ઢોકળાં, હાંડવો, ખાંડવી, ગાંઠીયા, સમોસા તો ક્યારેક બ્રેડ બટર આપતા. સાંજે નાસ્તો ઓછો બનતો.
પીજી હાઉસ ચાલુ થયા ને ૧૫ દિવસ થઈ ગયા હતા. સરસ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી અને સ્ટુડન્ટ્સ પણ ખૂબ ખુશ હતા.
"તારું પીજી હાઉસ કેમનું ચાલે છે બેટા ? " બપોરે જમતી વખતે મનમોહન શેઠે દેવરાજને પૂછ્યું.
" પપ્પાજી મેં જેવું વિચાર્યું હતું એવું જ પીજી હાઉસ બની ગયું છે અને તમામ સ્ટુડન્ટ્સ ખૂબ જ ખુશ છે. મહારાજ રસોઈ પણ બહુ સરસ બનાવે છે અને બધા વખાણે છે. સ્ટાફ પણ એજન્સી તરફથી ઘણો સારો મળ્યો છે. ૧૦૦ ટકાની ઓક્યુપંસી છે એટલે ઇન્કમ પણ સારી છે. " દેવરાજ બોલ્યો.
" તારા આ સાહસથી હું ખૂબ જ ખુશ છું દેવ. મને ખરેખર કલ્પના પણ નહોતી કે મારું આ જૂનું ગેસ્ટ હાઉસ આજે આટલું બધું પ્રસિદ્ધ થઈ જશે. તારી કલ્પના અને તારી સૂઝબૂઝથી તેં એક સફળ બિઝનેસની સ્થાપના કરી છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ ! " મનમોહન શેઠ બોલ્યા.
દેવરાજે નવી ક્રેટા ગાડી છોડાવી લીધી હતી અને હવે એ જાતે જ ડ્રાઇવ કરીને રોજ બપોરે ૧૨:૩૦ વાગે પીજી હાઉસ જતો હતો. ગાડીની સાથે સાથે એણે ત્રણ લાખ રૂપિયાની કાંડા ઘડિયાળ પણ ખરીદી લીધી હતી. ત્રણ જુદા જુદા કલરના સ્યુટ અને બે જોડી બુટ પણ ખરીદ્યા હતા. ગળામાં પહેરવાની સોનાની ચેન મનમોહન શેઠે એને ગિફ્ટ આપી હતી. હવે રોજ એ પર્ફ્યુમનો પણ ઉપયોગ કરતો હતો !
બીજા દિવસે રાત્રે ૮ વાગે દેવરાજ પીજી હાઉસમાં પોતાની ચેમ્બરમાં બેઠો હતો અને ઘરે જવાની તૈયારી કરતો હતો ત્યાં જ ઇન્દોરથી સ્વામીજીનો ફોન આવ્યો.
" દેવ હું સ્વામીજી બોલું છું. મારો અહીંનો પ્રોગ્રામ બે-ત્રણ દિવસ પછી પૂરો થાય છે અને હવે હું અલ્મોડા જઈશ. તારી જો ઈચ્છા મને મળવાની હોય તો કાલે કે પરમ દિવસે તું આવી જા. " સ્વામીજી બોલ્યા.
" જી ગુરુજી. ઈચ્છાનો સવાલ જ નથી હું આવું જ છું. આપનો સામેથી આ રીતે ફોન આવે અને હું ના આવું એવું તો બને જ નહીં. " દેવરાજ બોલ્યો.
" ઠીક છે હું તને મારું એડ્રેસ મેસેજ કરી દઉં છું. " સ્વામીજી બોલ્યા અને ફોન કટ કર્યો.
સ્વામીજીનો ફોન આવ્યા પછી દેવરાજ ખૂબ જ ઉત્તેજિત થઈ ગયો. કોણ જાણે કેમ પણ એને સ્વામીજીનું ખૂબ જ આકર્ષણ હતું અને આજે એની જે પણ સ્થિતિ હતી એના માટે આ સ્વામીજી જ એના ભાગ્યવિધાતા હતા.
દેવરાજે જરા પણ વિલંબ કર્યા વિના ગૂગલ સર્ચ કર્યું અને બીજા દિવસના વહેલી સવારના ૭:૪૦ ના ફ્લાઈટમાં એણે ટિકિટ બુક કરાવી દીધી. ઇન્દોરનું અંતર માત્ર દોઢ કલાકનું હતું.
ઘરે પહોંચીને એણે મનમોહન શેઠને પણ વાત કરી.
" પપ્પાજી મારા ગુરુજી સ્વામી આત્માનંદજી અત્યારે ઈન્દોરમાં છે અને બે ત્રણ દિવસ પછી એ અલ્મોડા જતા રહેવાના છે એટલે કાલે સવારની ૭:૪૦ ની ફ્લાઈટમાં હું એમને ઇન્દોર મળવા જઈ રહ્યો છું. " દેવરાજ રાત્રે જમતી વખતે બોલ્યો.
" જરૂર. આવો મોકો તો ચૂકવો જ ના જોઈએ. આપણી સફળતામાં આપણા ગુરુજીનો બહુ મોટો હાથ હોય છે બેટા. વિઠ્ઠલને હું કહી દઉં છું એ સવારે તને એરપોર્ટ મૂકી જશે. " શેઠ બોલ્યા.
"મારી ઈચ્છા આવતી વખતે અમદાવાદ થઈને આવવાની છે જેથી મામા મામીને પણ મળી શકાય. એટલે મને અહીં પાછા આવતાં ચાર પાંચ દિવસ પણ થઈ જાય. મેં જયરામ અંકલને કહી દીધું છે એટલે પીજી હાઉસની કોઈ ચિંતા નથી. " દેવરાજ બોલ્યો.
" બેટા પાછા આવવાની કોઈ ઉતાવળ ના કરતો. આરામથી અમદાવાદ એકાદ વીક રોકાવું હોય તો પણ મને કોઈ વાંધો નથી. પીજી હાઉસનું કોઈ જ ટેન્શન ના કરતો. જયરામભાઈ ખૂબ જ કાબેલ છે એ બધું સંભાળી લેશે." મનમોહન શેઠ બોલ્યા.
અને બીજા દિવસે વહેલી સવારે છ વાગે દેવરાજ ઇન્દોર જવા નીકળી ગયો.
એને ખબર નહોતી કે ઇન્દોર ગયા પછી એની દુનિયા જ બદલાઈ જવાની છે !
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

