પીજી હાઉસ (PG House Novel Part-12)

Related

પીજી હાઉસ પ્રકરણ 12

વહેલી સવારે છ વાગે દેવરાજ ઇન્દોર જવા માટે ઘરેથી નીકળી ગયો અને ૦૭:૪૦ નું ફ્લાઈટ પકડી લીધું. લગભગ દોઢ કલાકમાં તો એ ઇન્દોર પહોંચી પણ ગયો.

ગૂગલમાં સર્ચ કરીને એણે શ્રીમાયા હોટલમાં ઉતરવાનું નક્કી કર્યું. હોટલમાં ઉતર્યા પછી એને લાગ્યું કે એની પસંદગી જરા પણ ખોટી નહોતી. હોટલ ખરેખર ખૂબ જ સુંદર હતી ! રહેવા જમવાની બધી જ વ્યવસ્થા હતી !!

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

સ્વામીજી તો દિવસે ફોન બંધ રાખતા હતા એટલે એમને ફોન કરીને જાણ કરવાનો કોઈ મતલબ જ નહોતો. અને આમ પણ સ્વામીજીએ બે દિવસમાં ઈન્દોર આવી જવાનો આદેશ આપેલો જ હતો. એટલે અત્યારે જ એમને રૂબરૂ મળીને જાણ કરવી જોઈએ.

દેવરાજે હોટલમાંથી ચા મંગાવીને પી લીધી અને પછી સ્વામીજીને મળવા ખજરાનાનું જે એડ્રેસ એમણે મોકલ્યું હતું એ ગણેશપુરી સોસાયટી પહોંચવા માટે એણે બહારથી રિક્ષા કરી લીધી અને ૧૧ વાગે એ પહોંચી ગયો.

ગણેશપુરી સોસાયટીમાં માણેકલાલ મહેતાના બંગલામાં સ્વામીજીનો નિવાસ હતો. એ સ્વામી આત્માનંદજીના ભક્ત હતા અને એમણે એક મહિના માટે ઇન્દોરમાં પ્રવચનો ગોઠવ્યાં હતાં. ગઈકાલે જ આ પ્રોગ્રામ પૂરો થઈ ગયો હતો અને સ્વામીજી બે દિવસ પછી અલ્મોડા પોતાના આશ્રમમાં જતા રહેવાના હતા.

બંગલાનો એક મોટો બેડરૂમ યજમાન બનેલા માણેકલાલે સ્વામીજી માટે ખોલી આપ્યો હતો અને એમના માટે બધી જ વ્યવસ્થા કરી હતી. અહીં કોઈને પણ સ્વામીજીને રૂબરૂ મળવાની પરમિશન નહોતી.

દેવરાજે ૭ નંબરના બંગલાના મુખ્ય દરવાજા પાસે આવીને ડોરબેલ દબાવી. માણેકલાલે પોતે જ ઊભા થઈને દરવાજો ખોલ્યો.

"સ્વામી આત્માનંદજી યહાં ઠેહરે હૈં ?" દેવરાજે પૂછ્યું.

" હા. આવો. તમારું નામ દેવરાજ શેઠ ? " માણેકલાલે પૂછ્યું.

તેઓ પોતે ગુજરાતી હતા અને વર્ષોથી ઇન્દોરમાં આવીને વસ્યા હતા. સ્વામીજીએ એમને દેવરાજનો પરિચય આપેલો જ હતો એટલે એમણે ગુજરાતીમાં જ વાત કરી.

" જી હું દેવરાજ " દેવરાજ બોલ્યો. એને થોડું આશ્ચર્ય પણ થયું.

"ગુરુજીએ મને તમારા વિશે કહી રાખ્યું હતું અને આજે સવારે એ પણ કહ્યું હતું કે તમે ૧૧ વાગ્યા આસપાસ અહીં આવવાના છો." માણેકલાલ બોલ્યા.

" જી. ગુરુજીને બધો જ ખ્યાલ આવી જાય છે. મારા આજના પ્રોગ્રામની કોઈ વાત મેં ગુરુજીને કરી નહોતી છતાં સમય સાથે એમણે તમને કહી દીધું. અદભુત ! " દેવરાજ બોલ્યો અને અંદર દાખલ થયો.

"ગુરુજી માટે કંઈ પણ અશક્ય નથી." માણેકલાલ બોલ્યા અને દેવરાજને સોફામાં બેસવાનો ઈશારો કર્યો.

" હું ગુરુજીને અંદર જાણ કરું છું." કહીને માણેકલાલ સ્વામીજીના બેડરૂમમાં ગયા.

ઘરનો નોકર ટ્રે માં પાણીનો ગ્લાસ લઈને આવ્યો. દેવરાજે થોડું પાણી પી લીધું.

"તમે અંદર જઈ શકો છો." માણેકલાલ થોડીવાર પછી બહાર આવીને બોલ્યા.

દેવરાજ ઉભો થયો અને આત્માનંદજી જે બેડરૂમમાં હતા એનો દરવાજો ખોલીને અંદર ગયો. એણે અંદર જઈને સ્વામીજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

"તું આવી ગયો એ બહુ સારું કર્યું. તારી બધી જ ગતિવિધિઓ ઉપર મારી નજર છે. આટલા ટૂંકા સમયમાં તેં જે પીજી હાઉસનું નિર્માણ કર્યું એનાથી મને ખૂબ જ આનંદ થયો છે. તને આપેલો ગુપ્ત મંત્ર તેં સિદ્ધ કરી દીધો છે અને એ અત્યારે તને ખૂબ જ મદદ કરી રહ્યો છે." સ્વામીજી બોલ્યા.

" જી ગુરુજી. એ તો હું અનુભવ કરી જ રહ્યો છું. આટલું મોટું પીજી હાઉસ ઉભું કરવાની મારી કોઈ તાકાત જ નહોતી પણ આપની કૃપાથી એ કામ પણ થઈ ગયું અને એની પ્રશંસા પણ બહુ થઈ. " દેવરાજ બોલ્યો.

"આજે રાત્રે ૯ વાગે તું અહીં ફરી આવી જજે. ચાતુર્માસ પૂરા થયાને એક મહિનો થઈ ગયો છે એટલે હવે હું અલ્મોડા જઈ રહ્યો છું. જતાં પહેલાં મારે તને ગાયત્રી મંત્રનો શક્તિપાત કરવો છે. અને એટલા માટે જ મેં તને અહીં બોલાવ્યો છે. " સ્વામીજી બોલ્યા.

" જી ગુરુજી. શક્તિપાત વિશે આપ મને થોડું સમજાવશો ? કારણ કે આ શબ્દ હું પહેલીવાર સાંભળી રહ્યો છું." દેવરાજ બોલ્યો.

"તને ધ્યાનમાં બેસાડીને મારી અંદર ગાયત્રી મંત્ર દ્વારા પ્રાપ્ત કરેલી જે કેટલીક ગુપ્ત શક્તિઓ છે એ શક્તિઓનો તારી અંદર હું સંચાર કરીશ. તારાં સાત ચક્રોને શુદ્ધ કરી કેટલીક શક્તિઓ તને ટ્રાન્સફર કરીશ. મને આ આદેશ ઉપરથી થયો છે. " સ્વામીજી બોલ્યા.

" પરંતુ ગુરુજી મારે તો આવી બધી શક્તિઓની કોઈ જરૂર જ નથી. તમે મને જે પણ આપ્યું છે એનાથી મને પૂરેપૂરો સંતોષ છે. " દેવરાજ બોલ્યો.

" નિયતિના ખેલને કોઈ જ સમજી શકતું નથી બેટા. તને શક્તિપાત આપવાના સંકેતો મને મારા ધ્યાનમાં ઉપરથી મળેલા છે એટલે હું એનો અનાદર ના કરી શકું. સારાં કાર્યો માટે તને નિમિત્ત બનાવવાની ઈશ્વરની કોઈ તો ઈચ્છા હશે જ. એટલે તો મેં તને અહીં બોલાવ્યો છે. " સ્વામીજી બોલી રહ્યા હતા.

"તું જ્યારે પહેલીવાર મને અમદાવાદમાં મળ્યો ત્યારે જ મારે તને ગાયત્રી મંત્રની દીક્ષા આપવી હતી પરંતુ મેં જોયું કે તારા પાછલા જન્મોનાં ઘણાં પાપકર્મો ભોગવવાનાં હજુ બાકી છે. એટલે તને ગાયત્રી મંત્ર તાત્કાલિક કોઈ પરિણામ નહીં આપે." સ્વામીજી કહી રહ્યા હતા.

" એટલા માટે જ મેં તને અઘોરી બાવા તરફથી શિવરાત્રીની રાત્રે મળેલો સિદ્ધ મંત્ર આપ્યો અને સવા લાખ જાપ કરવાનું કહ્યું. જેનાથી તરત જ તારો ભાગ્ય ઉદય થયો અને અત્યાર સુધીમાં ઘણાં પાપકર્મો બળી પણ ગયાં. હવે ગાયત્રી મંત્ર તને તરત જ ફળ આપશે."

"ઠીક છે ગુરુજી. આપનો આદેશ મારા માટે ઈશ્વરના આદેશ જોવો છે. હું ચોક્કસ આવી જઈશ. " દેવરાજ બોલ્યો.

"હા અને આ શક્તિપાત પ્રાપ્ત કર્યા પછી કાલથી તારે પણ ગાયત્રી મંત્રની રોજ ઓછામાં ઓછી પાંચ અને વધુમાં વધુ અગિયાર માળા કરવાની રહેશે. પેલા ગુપ્ત મંત્રની માત્ર એક માળા ચાલુ રાખજે. " સ્વામીજી બોલ્યા.

" જી ગુરુજી." દેવરાજ બોલ્યો.

" સાંજે આવતી વખતે તું ટુવાલ વગેરે લેતો આવજે. અહીં આવીને તારે સ્નાન કરવાનું છે અને પછી ધોતી પહેરવાની છે. ધોતી તને અહીંથી મળી જશે. અને આજે તારે ઉપવાસ કરવાનો છે. તને અત્યારે અહીં ફ્રૂટની ડીશ મળી જશે. શક્તિપાત દીક્ષા પછી રાત્રે તારા ભોજનની વ્યવસ્થા અહીં થઈ જશે." સ્વામીજી બોલ્યા.

વાતચીત પૂરી થઈ ગઈ એટલે દેવરાજ ગુરુજીને ફરી પ્રણામ કરીને ઉભો થયો અને બહારના લિવિંગ રૂમમાં આવ્યો.

એના માટે ચા અને સમારેલાં તાજાં ફ્રૂટની એક ડીશ તૈયાર જ હતી. એના આશ્ચર્ય વચ્ચે આ શિયાળાની સિઝનમાં કેળાં કીવી દ્રાક્ષ ચેરી સફરજન ચીકુ વગેરે તમામ ફળો હતાં.

" આ તમામ ફળો સ્વામીજીએ પોતે તમારા માટે સૂર્યનાં કિરણોનું વિઘટન કરીને મારી સામે જ ઉત્પન્ન કરેલાં છે." માણેકલાલ બોલ્યા.

" ગુરુજી તો ગુરુજી જ છે. એમની પાસે ઘણી સિધ્ધિઓ છે. " દેવરાજ બોલ્યો.

એ પછી દેવરાજે ચા અને ફ્રુટ લઈ લીધાં અને હોટલ જવા માટે ઊભો થયો.

" મારો ડ્રાઈવર તમને હોટલ સુધી મૂકી જશે. તમને અહીંથી જલ્દી રીક્ષા પણ નહીં મળે. દૂર સુધી ચાલવું પડશે. " માણેકલાલ બોલ્યા અને એમણે પોતાના ડ્રાઇવરને બોલાવીને સૂચના આપી.

દેવરાજ ત્યાંથી નીકળીને પોતે જ્યાં ઊતર્યો હતો એ શ્રીમાયા હોટલ પહોંચી ગયો. હોટલ પહોંચ્યો ત્યારે બપોરના સાડા બાર વાગ્યા હતા. આજે આખો દિવસ જમવાનું ન હતું એટલે એણે આરામ કરવાનું જ નક્કી કર્યું. એ પહેલાં એણે મનમોહન શેઠ સાથે પણ વાત કરી લીધી.

દેવરાજે આરામ કરવાનું નક્કી તો કર્યું પરંતુ ભૂખ્યા પેટે એને ઊંઘ આવતી ન હતી. ફ્રૂટ આમ પણ એને બહુ ઓછાં ભાવતાં હતાં એટલે એનાથી એને બહુ સંતોષ થતો ન હતો. એક વાગ્યા સુધી એણે ઊંઘવાની કોશિશ કરી પણ પછી એ બેઠો થઈ ગયો અને ટીવી ચાલુ કર્યું.

સીરીયલ તો એ જોતો જ ન હતો એટલે એણે એક ન્યૂઝ ચેનલ ચાલુ કરી તો મુંબઈના એક જાણીતા ગર્લ્સ પીજી હાઉસમાંથી ડ્રગ્સ પકડાયું હતું એના સમાચાર ચાલુ હતા. સમાચાર જોતાં જોતાં જ દેવરાજને ઊંઘ આવી ગઈ.

સાંજે ૪ વાગે એની આંખ ખુલી એટલે એણે ચા મંગાવી અને પી લીધી. હજુ ચાર કલાકનો સમય પસાર કરવાનો હતો. ઇન્દોર સિટીમાં ખાસ કંઈ જોવા જેવું હતું નહીં અને ઐતિહાસિક ઇમારતોમાં એને કોઈ રસ ન હતો. આજે ઉપવાસ હતો એટલે ૫૬ સ્ટ્રીટ જવાનો પણ કોઈ મતલબ ન હતો.

છેવટે કંટાળીને ટીવીમાં એણે એક જૂની ફિલ્મ જોઈને ત્રણ કલાક પસાર કરી દીધા.

રાત્રે સાડા આઠ વાગે એ ટુવાલ અને અન્ડરવેર લઈને શ્રીમાયા હોટલમાંથી બહાર આવ્યો અને રીક્ષા કરીને ખજરાના એરિયામાં આવેલી ગણેશપુરી સોસાયટીમાં માણેકલાલના બંગલે પહોંચી ગયો.

આ વખતે નોકરે દરવાજો ખોલ્યો. સ્વામીજીએ માણેકલાલ સાથે વાત કરી લીધી હતી એટલે દેવરાજ આવ્યો કે તરત જ એને પહેરવા માટે એક ધોતી આપી.

દેવરાજ બાથરૂમમાં ગયો અને શિયાળો હોવાથી ગરમ પાણીથી એણે નાહી લીધું. નાહીને તરત ટુવાલથી શરીર લૂછી એણે ધોતી પહેરી લીધી અને પછી સ્વામીજીના રૂમમાં ગયો.

સ્વામી આત્માનંદજીએ માણેકલાલને બોલાવી દોઢ કલાક સુધી કોઈને પણ રૂમમાં ન આવવા સૂચના આપી.

એ પછી સ્વામીજીએ દેવરાજને પોતાની સામે પાથરેલા આસન ઉપર ધ્યાનસ્થ મુદ્રામાં બેસવાની સૂચના આપી.

દેવરાજ સ્વામીજીની સૂચના મુજબ ગુરુજીની સામે રાખેલા ઉનના ગરમ આસન ઉપર ધ્યાનમાં બેઠો હોય એમ ટટ્ટાર બેસી ગયો.

" દેવ ત્રણ વખત ઊંડા શ્વાસ ખેંચી પ્રાણાયામ કરી લે. તારા મસ્તક ઉપર રહેલા સહસ્ત્રાર ચક્ર દ્વારા હું તને શક્તિપાત આપી રહ્યો છું. આ શક્તિનો પ્રવાહ છેક તારા મૂલાધાર ચક્ર સુધી જશે અને તારાં સાતેસાત ચક્રો શુદ્ધ કરી જાગૃત કરશે." સ્વામીજી બોલી રહ્યા હતા.

"એ પછી ગાયત્રી મંત્રની આ શક્તિ તારા અનાહત ચક્રમાં કાયમ માટે સ્થિર થઈ જશે. આ શક્તિ મેં હિમાલયની તળેટીમાં મારી સાધના દ્વારા પ્રાપ્ત કરેલી છે. એના દ્વારા તને બે ત્રણ સિદ્ધિઓ પ્રાપ્ત થશે જે તને ભવિષ્યમાં કામ આવશે. આ ક્રિયા દરમિયાન તને એકાદ કલાક માટે સમાધિનો અનુભવ થશે એટલે તને કોઈ બાહ્ય ભાન રહેશે નહીં." સ્વામીજી બોલ્યા.

" અને બીજી એક વાત. સમાધિની અવસ્થામાં આત્મા બહાર નીકળી જતો હોવાથી તને એક કલાક માટે સ્વપ્ન અવસ્થા જેવો અનુભવ થશે. અહીંનો એક કલાક સ્વપ્ન અવસ્થામાં મહિનાઓનો કે વર્ષોનો પણ હોઈ શકે છે." સ્વામીજી હસીને બોલ્યા.

દેવરાજ સાંભળતો હતો. ગુરુજીની વાત સાંભળીને એને ખૂબ જ રોમાંચ થતો હતો પરંતુ એણે કોઈ જવાબ ન આપ્યો. એણે વારાફરતી જમણું અને ડાબું નાક દબાવી ત્રણ પ્રાણાયામ કર્યા.

એ પછી ગુરુજી ઉભા થયા અને એમણે દેવરાજના મસ્તક ઉપર બ્રહ્મરંધ્ર પાસે પોતાના જમણા હાથની અનામિકા આંગળી દ્વારા સ્પર્શ કર્યો અને કેટલાક મંત્રોચ્ચાર કરીને સાત ચક્રો શુદ્ધ કર્યાં અને પછી ગાયત્રી મંત્ર ચાલુ કર્યા.

દેવરાજના આખા શરીરમાં વીજળીનો સંચાર થતો હોય એવો અનુભવ થયો. એનું શરીર થોડીક ક્ષણો માટે ધ્રુજી ગયું અને પછી એણે હોશ ગુમાવી દીધા. એનો આત્મા દેહથી છૂટો પડી બહાર નીકળી ગયો.

 
----------------------------------------
(હવે અહીંથી રહસ્ય કથા શરૂ થાય છે)

સૌરાષ્ટ્ર મેલ એની પૂરપાટ ગતિથી ઓખા તરફ આગળ વધી રહ્યો હતો. સુરેન્દ્રનગર સ્ટેશન આવ્યું એટલે ટ્રેનની ગતિ ધીમી પડી અને ટ્રેન ઉભી રહી.

બારીની બહાર થઈ રહેલો કોલાહલ સાંભળીને સાઈડની લોઅર સીટ ઉપર સૂઈ રહેલો દેવરાજ જાગી ગયો. એ સીટ ઉપર બેઠો થઈ ગયો અને બારીની બહાર જોયું. સ્ટેશનની દીવાલ ઉપર એણે સુરેન્દ્રનગર જંક્શનનું બોર્ડ વાંચ્યું.

દેવરાજ સમજી ના શક્યો કે પોતે આ ટ્રેનમાં કેવી રીતે આવ્યો ! એણે એના મોબાઈલમાં જોયું તો સવારના ૭:૩૦ વાગ્યા હતા. આટલો મોડો તો એ પોતે ક્યારેય પણ ઉઠતો ન હતો. ચાની પણ તલપ લાગી હતી.

એ ઝડપથી ઊભો થયો અને વોશરૂમમાં જઈને કોગળા કરી નાખ્યા અને તરત પ્લેટફોર્મ ઉપર નીચે ઉતર્યો. ટ્રેન કદાચ હવે ઉપડવાની તૈયારીમાં હશે એમ વિચારીને એણે ત્યાંથી પસાર થતા એક ટી વેન્ડર પાસેથી ચા લઈ લીધી અને ત્યાં ને ત્યાં જ પી લીધી. એટલામાં ટ્રેનની વ્હિસલ વાગી એટલે ઝડપથી એ પોતાની બર્થ ઉપર આવી ગયો.

એને હજુ એ સમજાતું ન હતું કે પોતે કોણ છે અને ક્યાં જઈ રહ્યો છે. આ ટ્રેનમાં એ ક્યાંથી બેઠો એ પણ એને યાદ ન હતું. જો એણે ઓનલાઇન ટિકિટ લીધી હશે તો એની વિગતો મોબાઈલમાં હશે જ.

એણે મોબાઈલ હાથમાં લીધો અને ઈમેલ ખોલીને ટિકિટ ચેક કરી.

દેવરાજ શેઠ. ઉંમર ૨૫. મુંબઈથી રાજકોટ.

તો પોતાનું નામ દેવરાજ શેઠ હતું ! અને પોતે રાજકોટ જઈ રહ્યો હતો. પણ એ રાજકોટ શા માટે જઈ રહ્યો હતો અને મુંબઈથી કેમ આવી રહ્યો હતો ? શું એ મુંબઈનો વતની છે કે રાજકોટનો ? એને કંઈ જ સમજાતું ન હતું. દેવરાજ ખરેખર મુંઝાઈ ગયો. એ સંપૂર્ણપણે વિસ્મૃતિમાં સરી ગયો હતો.

એક નાની ટ્રોલી બેગ એની સીટ નીચે મૂકેલી હતી. એણે એ બેગ ખેંચીને બર્થ ઉપર મૂકી. કદાચ આ બેગ પોતાની જ હશે ! બેગ લોક કરેલી હતી અને એનો કોડ નંબર એને યાદ ન હતો. હવે એને કઈ રીતે ખોલવી ?

એણે પહેલાં ૪ વાર ઝીરો નંબર સેટ કર્યો. બેગ ના ખુલી. એ પછી એણે ૧૨૩૪ નંબર ટ્રાય કર્યો અને એના આશ્ચર્ય વચ્ચે બેગ ખુલી ગઈ. બેગમાં એનાં ત્રણ જોડી કપડાં હતાં. ટુવાલ હતો. અન્ડરવેરની બે જોડી હતી. એક પર્સ હતું, વોલેટ હતું અને એક ચેક બુક હતી.

બેગમાં કપડાંની નીચે ૫૦ હજારનાં ૪ બંડલ એટલે કે બે લાખ રૂપિયા રોકડા પણ મૂકેલા હતા.

એણે વોલેટ હાથમાં લઇ ચેક કર્યું તો એમાં ૧૮૦૦ રૂપિયાની નોટો હતી. બે બેંકનાં એટીએમ કાર્ડ હતાં. પાનકાર્ડ હતું અને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ હતું. સાથે એક વિઝીટીંગ કાર્ડ હતું.

વિઝીટીંગ કાર્ડમાં સૌથી ઉપર ખૂણામાં દેવરાજ શેઠ અને મોબાઈલ નંબર છાપેલાં હતાં તો વચ્ચે મોટા અક્ષરોમાં રાજકોટમાં આવેલાં ત્રણ પીજી હાઉસનાં નામ અને એડ્રેસ છાપેલાં હતાં.

એક પીજી હાઉસ શાલીમાર -૧ યાજ્ઞિક રોડ ઉપર લીમડા ચોક રોડ ઉપર હતું, બીજું શાલીમાર -૨ કાલાવડ રોડ ઉપર હતું તો ત્રીજું પીજી હાઉસ શાલીમાર-૩ યુનિવર્સિટી રોડ ઉપર હતું !

એ પછી એણે ચેકબુક હાથમાં લઈને ચેક જોયો તો ચેકમાં નીચે દેવરાજ શેઠ છાપેલું હતું અને ચેકબુક આઈસીઆઈસી બેંક ભક્તિનગર બ્રાન્ચની હતી. ચેકબુકના હિસાબે એ પોતે કોઈ ભક્તિનગર એરિયામાં રહેતો હોવો જોઈએ. પૂરું એડ્રેસ કદાચ બેંકમાંથી જ મળી શકે. પરંતુ અત્યારે તો કોઈ હોટલમાં ઉતરવું જ વધુ યોગ્ય રહેશે.

ઘરનું એડ્રેસ કદાચ મળી જાય તો પણ એ તો કોઈને ઓળખતો જ નથી. ત્યાં ઘરમાં કોણ કોણ હશે ? ઘરના લોકો તો કદાચ મને ઓળખી જાય પરંતુ મારે બધાંને શું સંબોધન કરવું ? યાદદાસ્ત જતી રહેવાથી એ ખરેખર મૂંઝાઈ રહ્યો હતો.

બરાબર ૯:૩૦ વાગે રાજકોટ સ્ટેશન આવી ગયું. ટીકીટ રાજકોટ સુધીની જ હતી એટલે એ નીચે ઉતરી ગયો. હવે સ્ટેશનની બહાર જઈને કોઈ સારી હોટલ વિશે રિક્ષાવાળાને પૂછવું પડશે.

એ પ્લેટફોર્મ ઉપર ટ્રોલી બેગ ખેંચીને ચાલતો ચાલતો ગેટ તરફ જઈ રહ્યો હતો ત્યાં જ એક યુવાન લગભગ દોડતો દોડતો એની પાસે આવ્યો.

" અરે શેઠ તમારે કોચ પાસે જ ઊભા રહેવું હતું ને ? હું બી-૩ કોચ તરફ જ આવી રહ્યો હતો. " કહીને પેલા માણસે ટ્રોલી બેગ પોતાના હાથમાં લઈ લીધી અને આગળ ચાલવા લાગ્યો.

દેવરાજ એને ઓળખતો ન હતો પરંતુ એને ખ્યાલ આવી ગયો કે આ માણસ કદાચ એને લેવા માટે જ સ્ટેશને આવ્યો હતો અને એ ગાડીનો ડ્રાઇવર હોવો જોઈએ. દેવરાજ એની પાછળ પાછળ ચાલ્યો.

પેલો માણસ કે જેનું નામ રફીક હતું એ એક સ્વીફ્ટ ગાડી પાસે જઈને ઉભો રહ્યો અને ડિકી ખોલીને દેવરાજની બેગ પાછળ મૂકી દીધી.

એ પછી એ આગળનો દરવાજો ખોલીને ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયો એટલે દેવરાજ પણ પાછળની સીટ ઉપર બેઠો.

રફિકે ગાડી પહેલાં ગોંડલ રોડ ઉપર લીધી અને ત્યાર પછી આગળથી એણે ઢેબર રોડ પકડી લીધો અને અડધી કલાકમાં ધારેશ્વર સર્કલ પહોંચી ગયો. ત્યાંથી ડાબી બાજુ ટર્ન લઈને ગાડી એણે ભક્તિનગર સોસાયટીમાં વાળી અને પાંચ નંબરની શેરીમાં એક બંગલા આગળ જઈને પાર્ક કરી. દેવરાજ સમજી ગયો કે આ જ એનું પોતાનું ઘર છે.

દેવરાજે બંગલામાં પ્રવેશ કર્યો. ઘરમાં પાળેલો ડૉગી એને ઓળખી ગયો હોય એમ દોડતો આવ્યો અને દેવરાજ પાસે જઈને એના પગમાં આળોટવા લાગ્યો. દેવરાજે નીચા નમીને એને પંપાળ્યો.

"તમારા વગર આ ડૉગી સુનો પડી ગયો હતો. જુઓને તમને જોઈને કેવો દોડતો આવ્યો ? " રસોડામાંથી બહાર આવીને એક સુંદર યુવતી દેવરાજની સામે જોઈને બોલી. એ દેવરાજની ૨૪ વર્ષની યુવાન પત્ની મૈત્રી હતી !!!

અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."