પીજી હાઉસ (PG House Novel Part-13)

Related

પીજી હાઉસ પ્રકરણ 13

દેવરાજ પોતાની યાદદાસ્ત ગુમાવી બેઠો હતો. એ સવારે જ્યારે જાગ્યો ત્યારે પોતાને સૌરાષ્ટ્ર મેલ ટ્રેનમાં જોયો હતો. એની ટિકિટ રાજકોટ સુધીની હતી એટલે રાજકોટ સ્ટેશને એ ઉતરી ગયો હતો. સ્ટેશન ઉપર એને લેવા આવેલો એનો ડ્રાઇવર રફીક એને ભક્તિનગર સોસાયટીમાં ૫ નંબરની શેરીમાં આવેલા પોતાના બંગલામાં લઈ આવ્યો હતો.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

દેવરાજ આવ્યો એટલે એની ૨૪ વર્ષની યુવાન પત્ની મૈત્રી બહાર આવી. હજુ એક વર્ષ પહેલાં જ દેવરાજનાં લગ્ન એની સાથે થયાં હતાં. ગોરો વાન ધરાવતી મૈત્રી ખૂબ જ રૂપાળી અને આકર્ષક હતી પરંતુ દેવરાજ એને પણ ઓળખી ના શક્યો.

એ પછી દેવરાજ બેગ લઈને અંદર ગયો અને ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર બેઠો.

" આવી ગયો બેટા ? " બેડરૂમમાંથી બહાર આવીને દેવરાજનાં મમ્મી સુશીલાબેન બોલ્યાં અને સામેના સોફામાં બેઠાં.

" હા મમ્મી. " દેવરાજ બોલવા ખાતર બોલ્યો અને એણે મમ્મી સામે સ્માઈલ કર્યું. મમ્મીની ઉંમર લગભગ ૬૦ ૬૫ વર્ષ આસપાસ દેખાતી હતી. એમના કપાળમાં ચાંદલો ન હતો અને સાડી પણ સાદી પહેરી હતી.

અચાનક દેવરાજની નજર ડ્રોઈંગ રૂમમાં જ સામે લટકાવેલા એક ફોટા ઉપર ગઈ જેના ઉપર એક હાર ચડાવેલો હતો. એ સમજી ગયો કે પિતાનું અવસાન થયેલું છે.

" તમે બ્રશ કરી લો ત્યાં સુધીમાં હું ચા બનાવી દઉં. મમ્મી તમારા માટે પણ બીજી વારની ચા લાવું છું." મૈત્રી બોલી.

દેવરાજે પોતાની બેગ ખોલીને ટૂથ બ્રશ અને પેસ્ટ બહાર કાઢયાં. હવે આ ઘરમાં તો હું સાવ નવો છું. વોશબેસિન અને બાથરૂમ કઈ બાજુ હશે ?

દેવરાજ થોડીવાર તો બેસી રહ્યો. મૈત્રી જેવી ચા બનાવવા માટે કિચનમાં ગઈ કે તરત દેવરાજ ઉભો થયો અને ઝડપથી એણે વોશબેસિન શોધી કાઢ્યું. એણે ઝડપથી બ્રશ કરી લીધું અને પાછો સોફામાં આવીને બેઠો.

થોડીવારમાં મૈત્રી ચા લઈને આવી. એક કપ દેવરાજને આપ્યો અને બીજો કપ મમ્મીને આપ્યો.

"૧૦:૩૦ વાગી ગયા છે. હવે તમે નાહી લો." મૈત્રી બોલી.

દેવરાજે ફરી પોતાની બેગ ખોલી અને એમાંથી ટુવાલ અન્ડરવેર તથા એક જોડી કપડાં બહાર કાઢયાં. એ લઈને એ વોશબેસિનની બાજુમાં જ આવેલા બાથરૂમમાં ગયો. બાથરૂમ ઘણું જ મોટું હતું.

ગરમ પાણીથી એણે નાહી લીધું અને શરીર લૂછી પેન્ટ ટીશર્ટ પહેરી લીધાં અને કાઢેલાં કપડાં ત્યાં રાખેલા વોશિંગ મશીન ઉપર મૂકી દીધાં.

બહાર નીકળી વોશબેસીન સામે ઊભા રહી એણે માથું પણ ઓળી લીધું.

નાહીને દેવરાજ ફરી પાછો ડ્રોઈંગ રૂમમાં આવીને સોફા ઉપર બેઠો. મમ્મી પોતાના બેડરૂમમાં ચાલ્યાં ગયાં હતાં. દેવરાજને ખબર નહોતી પડતી કે હવે આગળ એણે શું કરવું ! એ ન તો એની મમ્મીને ઓળખતો હતો કે ન તો એની પત્ની મૈત્રીને !! જાણે કે એ કોઈ અજાણ્યા ઘરમાં મહેમાન તરીકે આવ્યો હોય એવું એને લાગતું હતું !!!

ત્યાં જ બાજુના બેડરૂમમાંથી મૈત્રી બહાર આવી અને એની સામે આવીને ઊભી રહી.

"અરે દેવ તમે અહીં શું બેસી રહ્યા છો ? બેડરૂમમાં આવો ને !" મૈત્રી બોલી.

દેવરાજ યંત્રવત્ ઊભો થયો અને મૈત્રી ની પાછળ પાછળ બેડરૂમમાં ગયો.

દેવરાજ અંદર આવ્યો કે તરત જ મૈત્રીએ બેડરૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો. દેવરાજ બેડ ઉપર જઈને બેઠો.

" તમને આજે થયું છે શું ? કેમ આટલા બદલાઈ ગયેલા લાગો છો ? દશ દિવસ પછી મુંબઈથી આવો છો તો પણ મારાથી દુર ને દૂર કેમ રહો છો ! પહેલાં તો મારા વગર દૂર રહી શકતા પણ ન હતા. ત્રણ ચાર દિવસ માટે બહાર જાઓ તો પણ ઘરે આવીને તરત મને વળગી પડતા." કહીને મૈત્રી પોતે જ દેવરાજને વળગી પડી અને......

મૈત્રીનું આ આક્રમણ અને સાનિધ્ય દેવરાજને અંદરથી હચમચાવી ગયું. એ પોતાની જાત ઉપર કાબુ રાખી શક્યો નહીં. એણે ખૂબસૂરત મૈત્રીને પોતાની બાજુમાં નિર્વસ્ત્ર હાલતમાં જોઈ અને બધું જ ભૂલી એ મૈત્રીમાં ખોવાઈ ગયો !

દેવરાજનાં લગ્ન મૈત્રી સાથે હજુ એક વર્ષ પહેલાં જ થયાં હતાં. શરૂઆતનાં એક બે વર્ષ પતિ પત્ની એક બીજાના સહવાસ માટે વ્યાકુળ બનતાં હોય છે અને આ કુદરતી છે.

મૈત્રીની બાબતમાં પણ એવું જ હતું. પતિનો દશ દિવસનો વિરહ એનાથી સહન થયો નહોતો એટલે આજે સવારે દેવરાજ જેવો મુંબઈથી આવ્યો કે તરત જ મૈત્રી વિહવળ બની ગઈ અને પતિનો સહવાસ માણી લીધો.

" એક વાત કહું ? " સહવાસ પછી સૂતાં સૂતાં જ મૈત્રી દેવરાજ સામે પડખું ફરીને બોલી.

" હા બોલ ને." દેવરાજ બોલ્યો. એને ખાત્રી થઈ ગઈ કે મૈત્રી એની પત્ની જ હતી એટલે અત્યારે એણે મૈત્રીને તુંકારાથી જ બોલાવી.

" તમે આજે કંઈક અલગ જ લાગી રહ્યા છો મને. પહેલાંના જેવો પ્યાર મને આજે ના દેખાયો. મુંબઈમાં કોઈ બીજી તો નથી શોધી કાઢી ને ?" મૈત્રી બોલી.

" અરે એવું કંઈ જ નથી. આજે હું થોડો ટેન્શનમાં આવી ગયો છું. " દેવરાજ બોલ્યો.

" અરે પણ તો પછી મને તમે કહેતા કેમ નથી ? એવું તે કયું ટેન્શન છે ? " મૈત્રી લાગણીથી બોલી.

" હું જે કહીશ એ મારી વાત તું સાચી માનીશ ? " દેવરાજ બોલ્યો.

" આ તે કંઈ સવાલ છે ? તમે મારી આગળ ખોટું શું કામ બોલો ?" મૈત્રી બોલી.

" હું ગઈકાલે મુંબઈમાં સાંજે બાથરૂમમાં સ્નાન કર્યા પછી લપસી પડ્યો હતો અને માથામાં વાગ્યું હતું. એ પછી હું દસેક મિનિટ બેભાન રહ્યો. ત્યાર પછી ભાન તો આવી ગયું. પરંતુ મને મારા વિશે વિસ્મૃતિ થઈ ગઈ. " દેવરાજે વાર્તા ચાલુ કરી.

"એટલે ? હું સમજી નહીં " મૈત્રી બોલી.

"મેમરી લોસ ! હું કોણ છું... ક્યાંથી આવ્યો છું.... અત્યારે હોટલમાં કેમ છું વગેરે પ્રશ્નો મારા મનમાં ઊભા થવા લાગ્યા. થોડીવાર પછી ફરી બધું યાદ આવી ગયું. મુંબઈથી ટ્રેન પકડી અને રાત્રે સૂઈ ગયો ત્યાં સુધી બધું યાદ હતું. પરંતુ સવારે ૭ વાગે આંખ ખુલી ગઈ ત્યારે વળી પાછી મેમરી જતી રહી. " દેવરાજ બોલી રહ્યો હતો.

" શું વાત કરી રહ્યા છો દેવ ! આ તો બહુ ગંભીર વાત છે. " મૈત્રી ચિંતાથી બોલી

" હા તારું નામ પણ હું ભૂલી ગયો છું. સ્ટેશન ઉપર આપણો ડ્રાઇવર મને લેવા આવ્યો પરંતુ હું એને ઓળખી ના શક્યો. એણે જ મારા હાથમાંથી બેગ લઈ લીધી. હું એની પાછળ પાછળ ચાલ્યો અને ગાડીમાં બેસી ગયો. એનું નામ પણ મને યાદ નથી. આપણું આ ઘર પણ મને યાદ ન હતું. એટલે તો હું બ્રશ કરીને ફરી પાછો સોફામાં બેસી ગયો. તારી વાતચીત ઉપરથી મને ખ્યાલ આવી ગયો કે તું મારી પત્ની છે. છતાં એક સંકોચ હતો એટલે જ આપણી વચ્ચે જે પણ થયું તે બધું યંત્રવત્ થયું." દેવરાજ બોલ્યો.

" દેવ આ તો ઘણી ગંભીર બાબત છે. આપણે આજે જ ડૉક્ટરને બતાવવું પડશે. આપણો આટલો મોટો બિઝનેસ છે અને તમને કંઈ યાદ જ ન આવે તો બિઝનેસ કઈ રીતે ચાલે ? અને હા મારું નામ મૈત્રી છે. ગયા ડિસેમ્બરમાં આપણાં લગ્ન થયાં હતાં. મારું પિયર જામનગર છે." મૈત્રી બોલી.

" મને પણ લાગે છે કે મારે સારા સાઇકિયાટ્રિસ્ટને બતાવવું પડશે. મને અત્યારે તો મારા બિઝનેસ વિશે પણ કંઈ ખબર નથી. મને મારો થોડો પરિચય આપ. કદાચ મારી યાદશક્તિ પાછી આવે." દેવરાજ બોલ્યો.

"હમણાં તમે આરામ કરો. મારે રસોઈ કરવાની બાકી છે. દાળ તો થઈ ગઈ છે. શાક ભાત અને રોટલી બનાવવાની બાકી છે. હું આજે સાંજની અહીંના જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અંકિત પટેલની એપોઇન્ટમેન્ટ પણ લઈ લઉં છું." કહીને મૈત્રી ઊભી થઈ અને એણે વસ્ત્રો પહેરી લીધાં.

એણે બેડરૂમનો દરવાજો ખોલી નાખ્યો અને સીધી કિચનમાં ગઈ.

રસોઈ થઈ ગઈ એટલે એણે ડાઇનિંગ ટેબલ ઉપર પોતાના પતિને અને સાસુને જમવા બેસાડી દીધાં. મૈત્રી બંનેને ગરમાગરમ રોટલી પીરસતી રહી. એ પછી પોતે પણ જમી લીધું. જમ્યા પછી એણે ડૉગીને પણ જમાડી દીધો.

થોડીવાર પછી લગભગ પોણા વાગે વાસણ માંજવા માટે બાઈ આવી. એ ગયા પછી બપોરે દોઢ વાગે મૈત્રી બેડરૂમમાં દેવરાજની પાસે આવી અને આરામ કરતા દેવરાજની બાજુમાં સૂઈ ગઈ અને દેવરાજ વિશે એણે ચર્ચા શરૂ કરી.

" જુઓ તમારું આખું નામ દેવરાજ મોહનલાલ શેઠ છે. તમારા પિતાજી એટલે કે મારા સસરા બિલ્ડર હતા અને ભાગીદારીમાં કન્સ્ટ્રક્શનનો બિઝનેસ ચાલતો હતો. એમણે એમના જીવનમાં આઠથી દસ મોટી સ્કીમો બનાવી હતી. એમાંથી ત્રણ એપાર્ટમેન્ટ્સમાં તમે પીજી હાઉસ બનાવેલાં છે." મૈત્રી બોલી.

" યુનિવર્સીટી રોડ ઉપર આવેલું મોટું પીજી હાઉસ કોલેજમાં ભણતી છોકરીઓ માટે છે જ્યારે કાલાવડ રોડ ઉપર અને યાજ્ઞિક રોડ ઉપર આવેલાં બે પીજી હાઉસ છોકરાઓ માટે છે. હવે કંઈ યાદ આવે છે ?" મૈત્રી બોલી.

" ના. આ બધું મને કંઈ જ યાદ આવતું નથી." દેવરાજ બોલ્યો.

"તમને કન્સ્ટ્રક્શન લાઈનમાં બિલકુલ રસ ન હતો. તમે એમબીએ ફાઈનાન્સ કરેલું છે. તમારા પપ્પાની ઘણી ઈચ્છા હતી કે તમે એમનો કન્સ્ટ્રક્શન નો બિઝનેસ સંભાળો પરંતુ તમે ન માન્યા. પપ્પાએ બનાવેલી સ્કીમોમાં પીજી હાઉસ ખોલવાનો વિચાર તમારો પોતાનો હતો. છેવટે પપ્પાએ તમારી વાત સ્વીકારી લીધી અને ત્રણ વર્ષથી તમે પીજી હાઉસની બેઠી આવક ઊભી કરી છે." મૈત્રી બોલી રહી હતી.

" તમારા પપ્પાનું બે વર્ષ પહેલાં હાર્ટ એટેકથી અવસાન થયું. આપણાં લગ્ન ગયા ડિસેમ્બર મહિનામાં થયાં. હમણાં પંદર દિવસ પહેલાં જ આપણે પ્રથમ લગ્ન તિથિ ઉજવી હતી. ગયા વર્ષે હનીમૂન માટે આપણે કુલુ મનાલી ગયાં હતાં અને ત્યાં ચાર દિવસ રોકાયાં હતાં. એ પણ તમને યાદ નથી આવતું ? " મૈત્રી બોલી.

" ના ડાર્લિંગ ખરેખર મને કંઈ જ યાદ આવતું નથી." હવે દેવરાજે પોતાની પત્નીને હકથી ડાર્લિંગનું સંબોધન કર્યું. એને મૈત્રી હવે ગમવા લાગી હતી અને એનું આકર્ષણ વધી રહ્યું હતું.

એ મૈત્રીની એકદમ નજીક ગયો અને એની કમર ઉપર પોતાનો હાથ રાખી દીધો. દેવરાજની આ હરકતથી મૈત્રી પણ સમજી ગઈ કે સાહેબનો મૂડ હવે રંગીન બની ગયો છે. એણે વાત અધૂરી મૂકી. આ વખતે દેવરાજ પોતે જ આક્રમક બની ગયો અને એ બપોરે ફરીથી બંને વચ્ચે શારીરિક સંબંધ થયો !

એ પછી ચાર વાગ્યા સુધી બંનેએ ઊંઘ ખેંચી લીધી. મૈત્રી ઉઠીને કિચનમાં ચા બનાવવા ગઈ. દેવરાજ પણ ઊભો થઈ ગયો અને વોશબેસિન પાસે જઈને મ્હોં ધોઈ નાખ્યું. એ પછી એણે આખા મકાનમાં આંટો માર્યો. બંગલાના પહેલા માળે પણ એ જઈ આવ્યો પરંતુ એને બધું નવું નવું જ લાગતું હતું.

મૈત્રી ચા બનાવીને ડાઇનિંગ ટેબલ ઉપર આવી અને એણે દેવરાજને બૂમ પાડી. મૈત્રી મમ્મીને પણ બોલાવી લાવી. બધાં એ સાથે બેસીને ચા પીધી.

" મેં ડૉ અંકિત પટેલની એપોઇન્ટમેન્ટ લઈ લીધી છે અને આપણે નાના મવા રોડ ઉપર એમના ક્લિનિક ઉપર સાડા પાંચ વાગે પહોંચી જવાનું છે. તમે તૈયાર થઈ જાઓ. અડધી કલાક પછી આપણે નીકળીએ." મમ્મીના ગયા પછી મૈત્રી બોલી.

" ઠીક છે. કપડા બદલવાની તો મને જરૂર નથી લાગતી છતાં મારા કપડાંનું કબાટ તું મને બતાવી દે જેથી મારે તને સવારે પૂછવું ના પડે. " દેવરાજ બોલ્યો.

" અરે મારા ભોલેનાથ તમારી આવી હાલત કેમ થઈ ગઈ..... મને તો ખરેખર ચિંતા થવા લાગી છે. વર્ષે કરોડોનો આપણો બિઝનેસ છે અને તમને કશું યાદ જ ના હોય એ તો કેવી રીતે ચાલે ? તમે આપણા બેડરૂમમાં જાઓ. ત્યાં બે વોર્ડરોબ છે. એક તમારો અને એક મારો. તમે જાતે જ જોઈ લો." મૈત્રી બોલી.

દેવરાજ બેડરૂમમાં ગયો અને બંને વોર્ડરોબ ખોલીને જોઈ લીધા. પેન્ટ અને શર્ટ તો ઘણાં બધાં હતાં અને ત્રણ ચાર સ્યૂટ પણ હતા. મૈત્રીના વોર્ડરોબમાં પણ વિવિધ રંગ અને ડિઝાઇનના ભારે અને ફોર્મલ ડ્રેસીઝ હતા અને સાડીઓ પણ ઘણી હતી.

મૈત્રીએ પોતાના ડ્રાઇવર રફીકને ફોન કર્યો અને તરત આવી જવાનું કહ્યું. રફીક નજીકમાં ગુંદાવાડીમાં રહેતો હતો. દેવરાજ ઘરે હોય ત્યાં સુધી એ પોતે પણ પોતાના ઘરે જતો રહેતો અને જ્યારે પણ જરૂર હોય ત્યારે એ ૧૫ મિનિટમાં આવી જતો.

રફીક પોતાનું બાઈક લઈને દેવરાજના બંગલે આવી ગયો અને ગાડીમાં બેઠો. થોડીવાર પછી દેવરાજ અને મૈત્રી પણ બહાર આવ્યાં અને પાછલી સીટ ઉપર બેસી ગયાં.

ડૉ. અંકિત પટેલની સાડા પાંચ વાગ્યાની એપોઇન્ટમેન્ટ લીધી હતી પરંતુ એ લોકો દસ મિનિટ વહેલાં પહોંચી ગયાં. જો કે એમના પહેલાં પણ એક યુગલ બેઠેલું હતું એટલે એમનો નંબર સાંજના છ વાગે આવ્યો.

" બોલો દેવરાજભાઈ શું તકલીફ છે તમને ? " ડૉક્ટરે ફાઈલ ઉપર નામ વાંચીને દેવરાજને સવાલ કર્યો.

" સાહેબ એ ગઈકાલે સાંજે બાથરૂમમાં લપસી પડ્યા હતા અને માથામાં વાગ્યું હતું. એ પછી એ દસ મિનિટ બેહોશ રહ્યા હતા. આજે સવારથી એમની યાદદાસ્ત ચાલી ગઈ છે અને એ અમને કોઈને ઓળખતા નથી. મારું નામ પણ એમને યાદ નથી. " દેવરાજના બદલે મૈત્રી જ બોલી.

" તો ગઈકાલે રાત્રે એમની મેમરી બરાબર હતી ? " ડોક્ટરે સવાલ કર્યો.

" હવે હું જ જવાબ આપું છું સાહેબ. ગઈકાલે હું મુંબઈમાં હોટલમાં હતો. સાંજે લપસી પડ્યા પછી થોડીવાર માટે બેભાન થયો હતો અને ભાનમાં આવ્યા પછી મારી સ્મૃતિ ચાલી ગઈ હતી. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, અત્યારે અહીંયા હોટલમાં કેમ છું... વગેરે સવાલો મારા મનમાં ઊભા થયા હતા પરંતુ પછી એકાએક મને બધું યાદ આવી ગયું. રાત્રે ટ્રેન પકડી ત્યાં સુધી બધું બરાબર હતું પરંતુ સવારે ઉઠ્યો ત્યારે ફરી પાછી યાદદાસ્ત જતી રહી. " દેવરાજ બોલતો હતો.

" મારે કયા સ્ટેશને જવાનું છે એ પણ મને ખબર નહોતી. મેં મારા મોબાઈલમાં મારી ટિકિટ ચેક કરી ત્યારે મને ખબર પડી કે મારી ટિકિટ રાજકોટ સુધીની છે. મારો ડ્રાઈવર મને લેવા મારા કોચ સુધી આવ્યો એને પણ હું ઓળખી ના શક્યો. એની સાથે હું મારા ઘરે તો આવ્યો પરંતુ આ લોકોને હું ઓળખતો નથી. " દેવરાજ બોલ્યો.

" હમ્... મને લાગે છે કે પડી જવાથી તમારા મગજમાં થોડી ઈજા થઈ છે. આપણું મગજ બહુ જ કોમ્પ્લિકેટેડ છે. એમાં ઘણાં બધાં ડિપાર્ટમેન્ટ હોય છે. ઘણી બધી સર્કિટો હોય છે. આ સર્કિટ જો ડિસ્ટર્બ થઈ જાય તો તમે કહો છો તેમ સ્મૃતિ જતી રહે. તમારે બ્રેઈન નું એમઆરઆઈ કરાવવું પડશે અને એ પછી જ સાચું નિદાન થઈ શકે." ડૉક્ટર બોલ્યા.

"ઠીક છે... તો પછી રિપોર્ટ કરાવીને તમને કાલે ફરી મળીએ. કાલે તમને કયા ટાઈમે મળવા આવીએ ? " મૈત્રી બોલી.

"બસ આ જ ટાઈમે તમે આવી જાવ. કાલે સવારે એમઆરઆઈ કરાવી લો." ડૉક્ટર બોલ્યા.

એ પછી બીજા દિવસે સવારે દેવરાજ અને મૈત્રી ઇમેજિંગ સેન્ટરમાં ગયાં અને એમઆરઆઈ ટેસ્ટ કરાવી લીધો.

સાંજે ફરી પાછાં ૫:૩૦ વાગે ડૉ. અંકિત પટેલના ક્લિનિક ઉપર પહોંચી ગયાં.

" તમારા બ્રેઈનમાં તો કોઈ ખાસ ઈજા દેખાતી નથી. હેમરેજ પણ લાગતું નથી. બ્રેઈનમાં રહેલી સર્કિટ થોડીક દબાઈ ગઈ હશે એટલે અવરોધના કારણે તમારી યાદદાસ્ત જતી રહી હશે. એ થોડા દિવસોમાં એની મેળે પાછી આવી જશે. હું તમને અત્યારે દવા લખી આપું છું. ૧૫ દિવસ પછી ફરી મને બતાવી જજો." ડૉક્ટર બોલ્યા.

દેવરાજ અને મૈત્રી ઉભાં થયાં અને મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદીને ઘરે જવા નીકળી ગયાં.

" જુઓ રિપોર્ટ તો બધા નોર્મલ આવ્યા છે એટલે કોઈ ચિંતા કરવા જેવું નથી. હમણાં તમે થોડા દિવસ આરામ કરો. ત્રણેય પીજી હાઉસનું સંચાલન આપણા માણસો કરે છે એટલે તમારી હાજરીની ત્યાં કોઈ ખાસ જરૂર નથી. અને શો રૂમ ઉપર એક બે દિવસ પછી જશો તો કોઈ ફરક નહીં પડે." ઘરે જઈને મૈત્રી બોલી.

"શો રૂમ ? હવે શોરૂમ પાછો ક્યાંથી આવ્યો ? " દેવરાજ બોલ્યો.

" અરે ભૂલકણા દેવ... તમારો મુખ્ય બિઝનેસ તો ફર્નિચરનો શો રૂમ છે ! ઢેબર રોડ ઉપર આપણો વિશાળ શો રૂમ છે. ઘરવખરીનો લગભગ તમામ સામાન આપણા શો રૂમમાં છે. વિવિધ પ્રકારના સોફા, ડાઈનીંગ ટેબલ, ડબલ બેડ, સિંગલ બેડ, શેટી, સ્ટીલનાં કબાટ વગેરે ઘણી બધી વસ્તુઓ શોરૂમમાં છે. મોટાભાગે તમે ત્યાં જ બેસો છો. 'શાલીમાર ફર્નિચર્સ ' આપણા શોરૂમ નું નામ છે. આપણું મોટું ગોડાઉન પણ છે" મૈત્રી બોલી.

" તો પછી તું અત્યાર સુધી મને કહેતી કેમ નથી ? કાલે તેં મને જે વાત કરી એમાં માત્ર પીજી હાઉસની જ વાત હતી. " દેવરાજ બોલ્યો.

"તમે બપોરે પૂરી વાત જ ક્યાં કરવા દીધી ? હું બધી જ વાત જણાવવાની હતી ત્યાં તમારો મૂડ જ રંગીન થઈ ગયો ! આ તો અત્યારે તમે મને પૂછ્યું એટલે મેં તમને કહ્યું કે તમે ફર્નિચરનો શો રૂમ સંભાળો છો. તમે એટલા માટે તો ફર્નિચરના એક એક્ઝિબિશન માં ભાગ લેવા દશ દિવસથી મુંબઈ જોગેશ્વરી ગયા હતા." મૈત્રી હસીને બોલી.

"સાલું અત્યારે તો કંઈ જ યાદ આવતું નથી. મુંબઈ હું કેમ ગયો હતો એ હવે મને સમજાયું." દેવરાજ બોલ્યો.

"આપણા શો રૂમમાં એક એકાઉન્ટન્ટ એક સેલ્સમેન એક ક્લાર્ક અને એક પ્યુન છે. આપણો કરોડોનો બિઝનેસ છે. " મૈત્રી બોલી.

પોતે કરોડોપતિ હતો. ત્રણ ત્રણ પીજી હાઉસ ચલાવતો હતો. આટલો મોટો ફર્નિચરનો શો રૂમ હતો છતાં પોતાને કંઈ જ યાદ આવતું ન હતું !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."