પીજી હાઉસ પ્રકરણ 14
દેવરાજ મુંબઈથી રાજકોટ આવ્યો ત્યારે સંપૂર્ણપણે વિસ્મૃતિમાં સરી ગયો હતો અને એની યાદદાસ્ત ચાલી ગઈ હતી. એ એની પત્નીને કે એની માતાને પણ ઓળખતો ન હતો. એનું પોતાનું ઘર પણ એને અજાણ્યું લાગતું હતું. એની પત્ની મૈત્રી એને ડૉક્ટર પાસે લઈ ગઈ હતી અને ડૉક્ટરે દવા પણ લખી આપી હતી.પીજી હાઉસ નવલકથા
મૈત્રીએ દેવરાજને એના ફર્નિચરના શો રૂમ વિશે માહિતી આપી હતી અને સાથે સાથે એનાં પોતાનાં ત્રણ ત્રીજી હાઉસ છે એ વિશે પણ જાણ કરી હતી છતાં દેવરાજને કંઈ જ યાદ આવતું ન હતું.
પરંતુ દેવરાજની આ વિસ્મૃતિ લાંબા સમય સુધી ટકી શકી નહીં. એ બીજા દિવસે સવારે જ્યારે જાગ્યો ત્યારે એની મેમરી પાછી આવી ગઈ હતી. એને બધું જ યાદ આવી ગયું હતું.
એની પત્ની મૈત્રીને પણ એ ઓળખી ગયો હતો. એને એ પણ યાદ આવ્યું હતું કે એનું સાસરુ જામનગરમાં ખંભાળિયા ગેટ પાસે હવાઈ ચોકમાં પૂજા એપાર્ટમેન્ટમાં આવેલું હતું.
એ જાગ્યો ત્યારે એની પત્ની મૈત્રી ચા બનાવવા માટે કિચનમાં ગયેલી હતી. એ વહેલી ઉઠી જતી હતી.
" મૈત્રી... " દેવરાજે મૈત્રીને ધીમેથી બૂમ પાડીને બોલાવી.
" હા બોલો ને " મૈત્રી કિચનમાંથી દોડીને બેડરૂમમાં આવી. આજકાલ એ દેવરાજ વિશે ચિંતિત હતી.
"મૈત્રી મારી મેમરી પાછી આવી ગઈ. મને બધું જ યાદ આવી ગયું. હવે હું તને પણ ઓળખી ગયો. જામનગર હવાઈ ચોકમાં પૂજા એપાર્ટમેન્ટમાં તારો ફ્લેટ છે. રાઈટ ? " દેવરાજ બોલ્યો.
" હાશ ! અત્યારે હું એટલી બધી ખુશ છું કે તમને કહી શકતી નથી. મેં તો માતાજીના દીવા પણ માન્યા છે. આજે હમણાં નાહી ધોઈને ધારેશ્વર મહાદેવને પાણી પણ ચઢાવી આવીશ. આજની ખુશીમાં હું લાપસી પણ બનાવીશ." મૈત્રી ખુશ થઈને બોલી.
" ચાલો હવે હું પણ નાહી ધોઈને તૈયાર થઈ જાઉં અને શોરૂમ ઉપર પહોંચી જાઉં. બે દિવસથી કયાંય પણ ગયો નથી." દેવરાજ બોલ્યો અને આળસ મરડીને ઊભો થયો.
એ સૌથી પહેલાં એની મમ્મીના રૂમમાં ગયો અને એમને જય શ્રી કૃષ્ણ કહ્યા.
"આજ તો ભલો મારા રૂમમાં આવ્યો ! બે દિવસથી આવ્યો છે ત્યારનો મારી સાથે વાત પણ કરતો નથી. " મમ્મી મીઠા ગુસ્સાથી બોલી.
" સોરી મમ્મી. થોડા ટેન્શનમાં હતો એટલે. ગઈકાલે રાત્રે ટેન્શન પૂરું થઈ ગયું એટલે આજે તરત તને મળવા આવ્યો. " દેવરાજ બોલ્યો."
" સારું સારું બેટા. બે ઘડી મારી પાસે આવીને બેસે તો મને પણ સારું લાગે. " મમ્મી સુશીલાબેન બોલ્યાં.
એ પછી દેવરાજ નિત્યક્રમ પતાવીને સવારે ૧૦ વાગે ડ્રાઇવરને બોલાવીને ઢેબર રોડ ઉપર આવેલા પોતાના શાલીમાર ફર્નિચર્સ નામના શોરૂમમાં ગયો.
" આવી ગયા સર ? કેવી રહી ટ્રીપ ?" દેવરાજ શોરૂમમાં દાખલ થયો કે તરત જ એકાઉન્ટન્ટ ગિરીશ ગણાત્રા બોલ્યો.
" ઘણી સારી રહી. ફર્નિચરની ઘણી વેરાઈટીઝ પણ જોવા મળી. ત્રણ ચાર સારી આઈટમોના ઓર્ડર્સ પણ આપી દીધા છે. ગ્રાહકોને ખૂબ જ ગમશે. " દેવરાજ બોલ્યો.
એ પછી પ્યુન બધા માટે ચા લઈ આવ્યો. આ રોજનો ક્રમ હતો. શેઠ આવી જાય એટલે ચાનો એક રાઉન્ડ શરૂ થઈ જતો.
એ પછી એકાઉન્ટન્ટે ચેમ્બરમાં આવીને છેલ્લા ૧૦ દિવસનો વેચાણનો બધો હિસાબ બતાવ્યો. દસ દિવસમાં લગભગ ૧૪ લાખનો માલ વેચાયો હતો.
એ પછી દેવરાજે નવા ફર્નિચર્સના જે પણ ઓર્ડરો એકાઉન્ટન્ટે એના ટેબલ ઉપર મૂકેલા હતા એ બધા જ પેપરો ઉપર સાઇન કરી. મોટા ભાગના ઓર્ડરો ગોતા રોડ અમદાવાદમાં આવેલી ફર્નિચર્સની ફેક્ટરીઓના હતા.
રાજકોટ શહેર બપોરે ૧ વાગે આરામ ઉપર ઉતરી જતું હતું અને મોટાભાગની દુકાનો અને શો રૂમ્સ બપોરે ૧ થી ૪ બંધ રહેતા હતા ! દેવરાજ પણ રાજકોટના આ નિયમને વફાદાર રહીને બપોરે ૧ વાગે જમવા માટે ઘરે ગયો.
" આજે તો ખરેખર તેં લાપસી બનાવી લાગે છે !" દેવરાજ બોલ્યો.
" તે બનાવું જ ને ! આજે મને મારા દેવરાજ પાછા મળ્યા છે. હું કેટલી બધી ટેન્શનમાં આવી ગઈ હતી ? હવે જમવા બેસી જાઓ. તમારું ભાવતું ફ્લાવરનું શાક કર્યું છે. " મૈત્રી બોલી.
દેવરાજ હાથ મ્હોં ધોઈને ડાઇનિંગ ટેબલ ઉપર આવી ગયો. મૈત્રી મમ્મીને પણ બોલાવી લાવી. અને બધાંએ સાથે બેસીને જમી લીધું.
ચાર વાગ્યાની ચા પીને દેવરાજ સવા ચાર વાગે પીજી હાઉસ આંટો મારવા નીકળ્યો. આજે એની ઈચ્છા ત્રણે ત્રણ પીજી હાઉસની વિઝીટ કરવાની હતી. પહેલાં યાજ્ઞિક રોડ, પછી કાલાવડ રોડ અને છેલ્લે યુનિવર્સિટી રોડ લઈ લેવાની એણે ડ્રાઇવર રફીકને સૂચના આપી.
યાજ્ઞિક રોડ ઉપર આશિષ મકવાણા સંચાલક તરીકે શાલીમાર -૧ સંભાળતો હતો. આ પીજી હાઉસ લીમડા ચોકના રસ્તા ઉપર હતું અને માત્ર કોલેજના વિદ્યાર્થીઓ જ અહીં રહેતા હતા.
"આશિષભાઈ બધું બરાબર ચાલે છે ને ? કોઈ પ્રોબ્લેમ તો નથી ને ? " દેવરાજે પૂછ્યું.
"ના સર બધું રૂટીન જ છે. કોઈ તકલીફ નથી. ત્રણ દિવસ પહેલાં પાણીનો પ્રોબ્લેમ થયેલો પણ પછી બીજા દિવસે જ પાણી ચાલુ થઈ ગયું એટલે વાંધો ના આવ્યો. " આશિષ બોલ્યો.
"ઠીક છે. તો પછી હું નીકળું. બીજા પીજી હાઉસમાં પણ આંટો મારવો છે." દેવરાજ બોલ્યો અને ઊભો થયો.
યાગ્નિક રોડથી કાલાવડ રોડ તરફ ટર્ન લેતાં અચાનક જ એક હોન્ડા સિટી કાર ધસમસતી રોંગ સાઈડથી આવી અને દેવરાજની સ્વીફ્ટ કારને જોરથી ટક્કર મારી.
રફીકે પોતાની ગાડીને બ્રેક મારી અને ઊભી રાખી. એ ગાડીને થયેલા નુકસાન ને જોવા માટે ગાડીમાંથી બહાર આવ્યો ત્યાં તો હોન્ડા સિટી કારવાળો રફીકની નજીક આવ્યો અને એના ગાલ ઉપર જોરથી થપ્પડ મારી.
આ દ્રશ્ય ગાડીમાં બેઠેલો દેવરાજ જોઈ રહ્યો હતો. એ તરત બહાર નીકળ્યો. એક તો હોન્ડાવાળાએ રોંગ સાઈડ આવીને પોતાની ગાડીને ટક્કર મારી અને ઉપરથી એણે ડ્રાઇવરને તમાચો માર્યો.
દેવરાજે હોન્ડા સીટી કારવાળાએ જે હાથે રફીકને તમાચો માર્યો હતો એ જમણા હાથને પકડીને પૂરી તાકાતથી એટલો મરડી નાખ્યો કે એ રાડ પાડી ઉઠ્યો. રફીક તો પોતાના શેઠનું આ નવું સ્વરૂપ જોઈ જ રહ્યો !
"ચાલ રફીક. એને એની દાદાગીરીની સજા મળી ગઈ છે." કહીને દેવરાજ ફરી ગાડીમાં બેઠો.
" સર તમે આવા માથાભારે માણસની સામે કાં પડ્યા ? એ કોઈ મોટા ઘરનો નબીરો લાગે છે નહીં તો મને લાફો મારવાની હિંમત ના કરે. તમે એનો હાથ મરડી નાખ્યો એનો બદલો એ જરૂર લેશે. એણે આપણી ગાડીનો નંબર નોંધી લીધો હશે. " રફીક ગાડીમાં બેસીને બોલ્યો.
" તું જરા પણ ચિંતા ના કરીશ. હું એને પહોંચી વળીશ. તું ગાડી ચલાવ. " દેવરાજ ખુમારીથી બોલ્યો.
રફીક પણ ગાડીમાં બેઠો અને એણે ગાડી કાલાવડ રોડ ઉપર પલ્લવ હોટલ પાસે આવેલા શાલીમાર - ૨ પીજી હાઉસ તરફ લઈ લીધી.
આ પીજી હાઉસનું સંચાલન નરેન્દ્ર કોટેચા સંભાળતો હતો. એ દેવરાજની ઉંમરનો જ હતો.
" નરેન્દ્ર કોઈ તકલીફ તો નથી ને ?" દેવરાજ બોલ્યો.
" ના સર. પીજી હાઉસ તો સરસ ચાલે છે. અમુક વિદ્યાર્થીઓની એવી માગણી છે કે અહીંયાં જો કેન્ટીન બનાવવામાં આવે તો નાસ્તાની કે જમવાની થોડી વ્યવસ્થા થઈ શકે." નરેન્દ્ર બોલ્યો.
" હમ્...એ મારા ધ્યાનમાં છે જ. હાલમાં તો એ શક્ય નથી પરંતુ સમર વેકેશન પછી નવું વર્ષ શરૂ થાય એમાં આપણે એની વ્યવસ્થા કરીશું. ચા તો આપણે બંને ટાઈમ આપીએ જ છીએ ને ? " દેવરાજ બોલ્યો.
" જી સર. ઉનાળામાં ઠંડા પાણી માટે એકાદ વોટર કુલર નું પ્રોવિઝન થાય એવી પણ બધાની ઈચ્છા છે. " નરેન્દ્ર બોલ્યો.
"એના માટે આપણે રાહ જોવાની કોઈ જરૂર નથી. તું પોતે માર્કેટમાં તપાસ કરીને એક સારું મોટું વોટર કુલર અહીં વસાવી લે. અત્યારે શિયાળામાં તો ખાસ જરૂર નહીં પડે પરંતુ ગરમીના દિવસોમાં એ કામ આવશે. પરચુરણ ખર્ચ માટે તારા ખાતામાં એક લાખ મેં આપેલા જ છે. " દેવરાજ બોલ્યો.
"જી સર. અત્યારે ખાતામાં ૭૮૦૦૦ બેલેન્સ છે જ. " નરેન્દ્ર બોલ્યો.
"ઓકે. ચાલ તો હવે હું જાઉં. મારે યુનિવર્સિટી રોડ પણ જવું છે." દેવરાજ બોલ્યો.
એ પછી દેવરાજે ગાડી યુનિવર્સીટી રોડ ઉપર આવેલા શાલીમાર - ૩ પીજી હાઉસ તરફ લેવરાવી.
આ પીજી હાઉસ એલ.ટી ઇન્સ્ટિટયૂટ પાસે આવેલું હતું. એમાં ૬૬ છાત્રાઓ રહેતી હતી અને સંચાલક તરીકે રશ્મિબેન સેવા આપતાં હતાં. એ એક જાણીતી સ્કૂલનાં રિટાયર્ડ પ્રિન્સિપાલ હતાં અને એમની પર્સનાલિટી પણ કડક હતી.
"તમારું પીજી હાઉસ કેમનું ચાલે છે મેડમ ? " દેવરાજ રશ્મિ મેડમની ચેમ્બરમાં દાખલ થઈને બોલ્યો.
" ઓલ વેલ. બધી જ છોકરીઓ ખુશ છે. ઘણા સમય પછી આવ્યા સર. કંઇ ઠંડુ ગરમ મંગાવું ? " રશ્મિ મેડમ બોલ્યાં.
" નો થેંકસ. મારે કંઈ જ લેવું નથી." દેવરાજ હસીને બોલ્યો.
"સર તમને એક છોકરી મળવા માંગે છે. અઠવાડિયા પહેલાં જ મારી પાસે આવી હતી અને કહેતી હતી કે દેવરાજ સર આવે તો મારે એમને રૂબરૂ મળવું છે. " રશ્મિ મેડમ બોલ્યાં.
" મને શા માટે મળવું છે ? એની કોઈ કમ્પ્લેન તો નથી ને ?" દેવરાજ બોલ્યો.
" મેં બધું પૂછી લીધું સર. પણ એને તમારું કોઈ અંગત કામ લાગે છે. કાવ્યા પાઠક નામ છે એનું. હું બોલાવું છું એને." રશ્મિ મેડમ બોલ્યાં અને એમણે બહાર બેઠેલા પટાવાળાને બેલ મારીને બોલાવ્યો.
"અરે મોહન ...૧૭ નંબરમાંથી કાવ્યા પાઠકને બોલાવી લાવ. " મેડમ બોલ્યાં.
પાંચ સાત મિનિટમાં જ કાવ્યા રશ્મિ મેડમની ચેમ્બરમાં આવી. દેવરાજે જોયું કે કાવ્યા બેહદ સુંદર હતી. જો સૌંદર્ય સ્પર્ધા યોજાય તો કાવ્યા મિસ રાજકોટ બને એટલી ખૂબસૂરત હતી !
" નમસ્તે મેડમ. નમસ્તે સર. " કાવ્યા બોલી.
"આ દેવરાજ સરને તો તું ઓળખતી જ હોઈશ. તારે એમને મળવું હતું એટલે જ મેં તને અહીં બોલાવી." મેડમ બોલ્યાં.
" જી મેડમ પણ મારે એમને પર્સનલ મળવું છે. વાત થોડી અંગત છે." કાવ્યા બોલી.
" વ્હોટ નોનસેન્સ ! તારે વળી સરનું અંગત શું કામ હોઈ શકે ? જે પણ વાત કરવી હોય તે તું અહીં કહી શકે છે." રશ્મિ મેડમ ગુસ્સાથી બોલ્યાં.
" મેડમ તમે ગરમ નહીં થાઓ. એને ખરેખર જ કોઈ વાત કરવી હશે. તમે પાંચ મિનિટ માટે બહાર જાઓ. તમારી હાજરીથી એને સંકોચ થાય છે." દેવરાજ બોલ્યો એટલે રશ્મિ મેડમ તરત ઊભાં થઈને બહાર ગયાં.
" હા બોલ કાવ્યા. તારે જે પણ કહેવું હોય તે બિન્દાસ્ત કહી શકે છે. તારે કોઈનાથી ડરવાની જરૂર નથી. " દેવરાજ બોલ્યો.
" સર વાત થોડી ગંભીર છે અને અહીં કહી શકાય તેમ નથી. મને દસ મિનિટ માટે પ્લીઝ ક્યાંક બહાર મળો તો હું તમને બધી વિગતવાર વાત કરું. હું તમને મારો મોબાઇલ નંબર આપું છું. તમે મને કહેશો ત્યાં આવી જઈશ. સવારે મારી કોલેજ હોય છે એટલે સાંજના ચાર પછી જ હું મળી શકું." કહીને કાવ્યાએ પોતાનો મોબાઈલ નંબર દેવરાજને આપ્યો.
" ઠીક છે. તને આ પીજી હાઉસમાં કોઈ રંજાડ તો નથી ને ? કોઈના તરફથી કોઈ પ્રોબ્લેમ હોય તો મને અત્યારે પણ કહી શકે છે. " દેવરાજ સહાનુભૂતિથી બોલ્યો.
" હું બધી ચર્ચા રૂબરૂમાં જ કરીશ સર. અને તમને આ રશ્મિ મેડમ પૂછે તો એટલું જ કહેજો કે કાવ્યના પપ્પા મને પીજી હાઉસની ફી ઓછી કરવા માટે રૂબરૂ મળવા માગે છે. બહાર મળવાની કોઈ ચર્ચા મેડમને કરતા નહીં. પ્લીઝ સર." કાવ્યા બે હાથ જોડીને બોલી.
" રિલેક્સ. તું કોઈપણ જાતની ચિંતા ના કરીશ અને હું તને બે ત્રણ દિવસમાં જ ફોન કરીશ. મારા મોબાઈલના છેલ્લા ત્રણ ડીજીટ ૩૯૯ છે એટલે તને ખ્યાલ આવી જશે. " દેવરાજ બોલ્યો એટલે કાવ્યા બહાર નીકળી ગઈ.
"શાના માટે કાવ્યા મળવા આવી હતી તમને ? " રશ્મિ મેડમે અંદર આવીને તરત જ સવાલ કર્યો.
"મારે તમને એ જણાવવું જરૂરી છે ? " દેવરાજ રશ્મિ મેડમની સામે જોઈને સહેજ ઊંચા અવાજમાં બોલ્યો.
" નોટ એટ ઓલ સર. સોરી. મેં તો જસ્ટ એમ જ પૂછ્યું. " રશ્મિ મેડમ છોભીલાં પડી ગયાં.
" એ મારા અંગત મિત્રના સાળાની દીકરી છે. એના પપ્પાએ એને કહ્યું હતું કે એકવાર સરને રૂબરૂ મળી લેજે અને એમના મિત્રનો રેફરન્સ આપી દેજે એટલે એ મને રૂબરૂ મળવા માગતી હતી. એનું જરા ધ્યાન રાખજો. " દેવરાજ બોલ્યો.
" જી જી સર. કાવ્યા આમ તો ડાહી દીકરી છે. " રશ્મિ મેડમ બોલ્યાં. જો કે કાવ્યા દેવરાજ સરની ઓળખાણમાં નીકળી એટલે એમને થોડો પરસેવો વળી ગયો.
" ચાલો હવે હું જાઉં. આજે તો ત્રણે ત્રણ પીજી હાઉસની મુલાકાત લેવામાં જ છ વાગી ગયા. " દેવરાજ બોલ્યો અને ઉભો થયો.
દેવરાજ ઘરે પહોંચ્યો ત્યારે સાંજના પોણા સાત વાગી ગયા હતા. આમ તો એ રોજ સાંજે છ વાગે ઘરે પહોંચી જતો.
" શું વાત છે આજે તો પોણા સાત વગાડી દીધા ? " હાથમાં પાણીના પ્યાલા સાથે મૈત્રી બોલી.
" આજે આપણાં ત્રણે ત્રણ પીજી હાઉસની મુલાકાત લીધી એટલે વાર થઈ. " દેવરાજ હસીને બોલ્યો.
" કંઈ વાંધો નહીં હું તો અમસ્તી જ પૂછું છું. " દેવરાજ બોલ્યો.
" આજે તો તમારા ભાવતા મેથીના ગોટા બનાવવાની છું. તમને ટોમેટો સોસ સાથે ફાવશે કે પછી ચા બનાવી દઉં ?"
" ચા બનાવી દેજે ને. સોસ સાથે કોરું પડશે. " દેવરાજ બોલ્યો.
અને દેવરાજે એ સાંજે પેટ ભરીને મેથીના ગોટાનો આનંદ માણ્યો.
"તને ખબર છે આજે તો એક નબીરાને સીધો કરી દીધો. " રાત્રે સૂતી વખતે દેવરાજ બોલ્યો.
" મતલબ... કોઈની સાથે ઝઘડો થયો હતો ?" મૈત્રી ચિંતાથી બોલી.
" ઝઘડો તો ના કહેવાય. પૈસા ના જોરે આટલી બધી દાદાગીરી કરે એ થોડી સહન થાય ? એક તો પોતે રોંગ સાઈડમાં આવ્યો અને આપણી ગાડીને ઠોકી દીધી અને ઉપરથી આપણા રફીકને તમાચો મારી દીધો. મારો પિત્તો ગયો. મેં નીચે ઉતરીને જે હાથે રફીકને તમાચો માર્યો હતો એ હાથ જ એનો પકડી લીધો અને એટલા જોરથી મરડી નાખ્યો કે કદાચ ફેક્ચર થયું હશે !" દેવરાજ બોલ્યો.
" અરે પણ બહુ બહુ તો એને તમાચો મરાય. હાથ થોડો મરડી નખાય ? હવે એ પાછો બદલો તો લેવાનો જ ને ! હાથે કરીને શું કામ દુશ્મનો ઊભા કરો છો દેવ ? " મૈત્રી બોલી.
"ગુસ્સો આવે એટલે કંઈ ભાન ના રહે. અને હું કોઈનાથી ડરતો નથી. પડશે એવા દેવાશે " દેવરાજ બોલ્યો.
" ઓકે બાબા... હવે શાંતિથી સૂઈ જાઓ." મૈત્રી બોલી અને એણે ઠંડીના કારણે રજાઈ માથે ઓઢી લીધી.
પરંતુ જેના હાથે ફ્રેક્ચરના કારણે ૧૫ દિવસનો પાટો આવ્યો હતો એ મિત્તલ ગોટેચા શાંતિથી ઊંઘી શકતો ન હતો. વેરની આગ એની આંખોમાં હતી. ઘટના વખતે તો હાડકામાં થતી ભયંકર વેદનાના કારણે એ કંઈ બોલ્યો ન હતો પરંતુ એણે ગાડીનો નંબર નોટ કરી લીધો હતો.
કાલે સવારે જ આરટીઓમાંથી એ હરામીનો પત્તો મેળવવો પડશે અને પછી રામનરેશ યાદવને આ કામ સોંપવું પડશે ! એ જ એનાં હાડકા તોડી નાખશે. યાદવને ચાર પાંચ લાખ આપી દો તો કોઈનું ખૂન કરતાં પણ અચકાય નહીં. - મિત્તલ વિચારી રહ્યો.
મિત્તલ ગોટેચા રાજકોટના એક જાણીતા કરોડોપતિ બિલ્ડરનો એકનો એક નબીરો હતો તો રામનરેશ યાદવ રાજકોટનો જાણીતો બુટલેગર હતો !
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

