પીજી હાઉસ (PG House Novel Part-15)

Related

પીજી હાઉસ પ્રકરણ 15

દેવરાજની યાદદાસ્ત પાછી આવી ગઈ હતી અને ગઈ કાલે એ પોતાના ફર્નિચરના શો રૂમ અને ત્રણે ત્રણ પીજી હાઉસની મુલાકાત લઈ આવ્યો હતો.

પીજી હાઉસ જતી વખતે મિત્તલ નામના એક છેલબટાઉ નબીરાએ એની ગાડીને રોંગ સાઈડમાં ટક્કર મારી હતી અને ઉપરથી એણે દેવરાજના ડ્રાઇવર રફીકને લાફો માર્યો હતો. દેવરાજથી આ દાદાગીરી સહન ના થતાં એણે નીચે ઉતરીને મિત્તલનો હાથ પકડી એનું કાંડુ મરડી નાખ્યું હતું અને એને પંદર દિવસનો પાટો આવ્યો હતો.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

મિત્તલથી આ અપમાન સહન થયું ન હતું અને એણે બદલો લેવા માટે રાજકોટના જાણીતા બુટલેગર રામનરેશ યાદવનો સંપર્ક કરવાનું નક્કી કર્યું હતું !

બીજા દિવસે દેવરાજ રાબેતા મુજબ સવારે દસ વાગ્યે ઘરેથી નીકળી ગયો અને ઢેબર રોડ ઉપર આવેલા પોતાના શો રૂમ ઉપર પહોંચી ગયો.

બપોરે લગભગ પોણા વાગે જ્યારે દેવરાજ પોતાના ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે રામનરેશ યાદવ પોતાના બે સાગરીતોને લઈને શો રૂમમાં ધસી આવ્યો. એના બંને સાગરીતોના હાથમાં લાકડીઓ હતી.

" દેવરાજ કૌન હૈ યહાં ? " રામનરેશે શો રૂમમાં પ્રવેશતાં જ ત્રાડ નાખી. સ્ટાફના તમામ સભ્યો શો રૂમમાં ગુંડાઓને જોઈને ડરી ગયા.

" અરે રામનરેશ તમે ! અને આ બધું શું છે ? " પોતાની ચેમ્બરમાં બેઠેલો દેવરાજ ઉભો થઈને બહાર આવ્યો અને રામનરેશ ને જોઈને મોટેથી બોલ્યો.

"અરે ભાઈસાહબ તમે !! આ તમારો શો રૂમ છે ? તમારું જ નામ દેવરાજ છે એ મને ખબર ન હતી. મને માફ કરી દો ભૈયા." રામનરેશ દેવરાજ સામે શરમિંદો થઈને બોલ્યો.

એ આમ તો હિન્દી ભાષા બોલતો હતો પરંતુ વર્ષોથી ગુજરાતમાં રહેતો હોવાથી ગુજરાતી પણ બહુ સારી રીતે બોલી શકતો હતો.

"અરે લડકે લોગ તુમ સબ બાહર જાઓ. મૈં આતા હૂં. " રામનરેશ બંને સાગરીતોની સામે જોઈને બોલ્યો એટલે હાથમાં લાકડીઓ લઈને આવેલા બંને પઠ્ઠાઓ બહાર નીકળી ગયા.

" અરે તમે અંદર આવો રામનરેશ. મને બધી વાત કરો કે મામલો શું છે ? કોણે તમને મોકલ્યા ? " દેવરાજ બોલ્યો અને રામનરેશને પોતાની ચેમ્બરમાં લઈ ગયો.

રામનરેશ દેવરાજની સામે ગોઠવેલી ત્રણ ખુરશીઓમાંથી એક ખુરશીમાં બેઠો.

"કાલે તમે જેનો હાથ મરડી નાખ્યો હતો એ મિત્તલે તમારા હાથ પગ તોડવા અને શો રૂમમાં પણ તોડફોડ કરવા મને મોકલ્યો છે. " રામનરેશ બોલ્યો.

" સાલો એક તો પોતે જ રોંગ સાઈડમાં આવ્યો. મારી ગાડીને ઠોકી દીધી અને ઉપરથી મારા ડ્રાઇવર રફીકને થપ્પડ મારી. એણે જે હાથે થપ્પડ મારી હતી એ જ હાથ મેં તોડી નાખ્યો. એમાં ખોટું શું કર્યું ? આટલી બધી દાદાગીરી તો કેમ ચલાવી લેવાય ?" દેવરાજ બોલ્યો.

" જી ભાઈ તમે બરાબર જ કર્યું છે. હું તમને ક્યાં નથી ઓળખતો ? તે દિવસે તમે જ મારો જીવ બચાવ્યો હતો. પરંતુ ત્યારે મેં તમારું નામ પૂછ્યું ન હતું એટલે આજે આ ગરબડ થઈ ગઈ. હવે તમે ચિંતા ના કરો. હું એને કહી દઈશ કે મેં તમને પાઠ ભણાવી દીધો છે. હિસાબ બરાબર ! છતાં તમને ક્યારેય પણ એ કોઈ તકલીફ કરે તો મારું કાર્ડ તમે રાખો. મને તરત જ ફોન કરી દેજો. " રામનરેશ બોલ્યો અને એનું વીઝીટીંગ કાર્ડ દેવરાજને આપ્યું.

" હવે તમે શું લેશો રામનરેશ ? ઠંડુ ગરમ જે પણ ફાવે. " દેવરાજ બોલ્યો.

"ના સરજી ફરી ક્યારેક. તમે પણ ક્યારેક મારા અડ્ડા ઉપર આવો. કાર્ડમાં સરનામું આપેલું જ છે. ધંધામાં બહારના મહેમાનો માટે ક્યારેક જરૂર પડે તો ઇંગલિશ પણ મળી રહેશે." રામનરેશ હસીને બોલ્યો.

" જી જરૂર." દેવરાજ બોલ્યો અને રામનરેશ ઉભો થઈને બહાર નીકળી ગયો.

કોઈને પણ કરેલી મદદ ક્યારે પણ એળે જતી નથી એનો દેવરાજને આજે અનુભવ થયો.

લગભગ દોઢ વર્ષ પહેલાં અમદાવાદ હાઈવે ઉપર કુવાડવા પાસે આ રામનરેશ યાદવની ગાડી ઉપર અંધાધુંધ ફાયરિંગ થયું હતું. રામનરેશ રાજકોટનો જાણીતો બુટલેગર હતો અને દારૂના આ ધંધામાં દુશ્મનો વચ્ચે ક્યારેક ક્યારેક આ રીતે ગેંગવોર થતી જ હોય છે.

કોઈ દુશ્મન ગેંગે રામનરેશને મારવા માટે બાઈક ઉપર બે ગુંડાઓને મોકલ્યા હતા જેમાં એક શાર્પ શુટર હતો. એમણે રામનરેશની ગાડીનો પીછો કર્યો હતો અને મોકો મળતાં જ ગાડીની સાવ નજીક જઈને શાર્પશુટરે યાદવ ઉપર ફાયરિંગ કર્યું હતું. રામનરેશ યાદવને બે ગોળી વાગી હતી. યાદવ પોતે જ ગાડી ચલાવતો હતો.

ફાયરિંગ કરીને ગુંડાઓ તો ત્યાંથી ભાગી ગયા હતા પરંતુ રામનરેશની હાલત અત્યંત ગંભીર હતી. એણે ગાડી ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો અને ગાડી સાઈડમાં એક મોટા પથ્થર સાથે જોરથી અથડાઈને ઉભી રહી ગઈ હતી.

રામનરેશની ગાડીની પાછળ ને પાછળ આવતા દેવરાજે આ દ્રશ્ય પોતાની સગી આંખે જોયું હતું. એ બધું જ સમજી ગયો. એણે તરત જ એના ડ્રાઇવરને ગાડી સાઈડમાં લેવા કહ્યું અને નીચે ઉતરીને એણે રામનરેશની હાલત જોઈ. એ બેહોશ થઈ ચૂક્યો હતો અને ઘણું લોહી વહી ગયું હતું.

ડ્રાઇવરની મદદથી દેવરાજે રામનરેશને ઊંચકીને બહાર કાઢ્યો હતો અને પોતાની ગાડીની પાછલી સીટ ઉપર સૂવાડ્યો હતો. ગાડી એણે યુ ટર્ન લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ તરફ લીધી હતી અને એને દાખલ કર્યો હતો.એણે આ ઘટનાની જાણ પોલીસને પણ કરી હતી.

દેવરાજે હોસ્પિટલમાં પોલીસને સમગ્ર ઘટનાની વિગતો આપી હતી અને તપાસમાં પૂરો સપોર્ટ આપ્યો હતો. એણે એ પણ જણાવ્યું હતું કે એણે બાઈકનો નંબર જોયો ન હતો.

રામનરેશ યાદવને ઇમર્જન્સી વોર્ડમાં લઈ ગયા હતા અને બ્લડની જરૂર હોવાથી દેવરાજે પોતાનું બ્લડ પણ આપ્યું હતું. રામનરેશ બચી ગયો હતો.

બીજા દિવસે દેવરાજ હોસ્પિટલમાં રામનરેશની ખબર કાઢવા માટે ગયો ત્યારે એણે રામનરેશને ગઈકાલની ઘટનાની વિગતવાર જાણ કરી હતી. એણે રામનરેશને એ પણ જણાવ્યું કે એણે જ એને પોતાની ગાડીમાં રાજકોટ લઈ આવીને સિવિલમાં એડમીટ કર્યો હતો અને બ્લડ પણ આપ્યું હતું.

રામનરેશ અને એની પત્નીએ બે હાથ જોડીને એની જિંદગી બચાવવા માટે દેવરાજનો આભાર માન્યો હતો. એ સમયે જ દેવરાજને ખબર પડી હતી કે એનું નામ રામનરેશ યાદવ હતું અને એ મોટો બુટલેગર હતો !

રામનરેશ યાદવ હોસ્પિટલથી ઘરે આવ્યા પછી દેવરાજને આભારની લાગણી સાથે મળવા માગતો હતો પરંતુ તેની પાસે દેવરાજનું સરનામું ન હતું એટલે મળવાનું શક્ય ના બન્યું. આજે અચાનક દેવરાજને જોઈને એ તરત જ ઓળખી ગયો હતો.

રામનરેશ ગયા પછી દેવરાજ પણ ઉભો થયો અને ઘરે જવા માટે નીકળી ગયો.

" તારી વાત સાચી પડી મૈત્રી." જમતી વખતે દેવરાજ બોલ્યો.

"મારી વળી કઈ વાત ? " આશ્ચર્યથી મૈત્રી બોલી.

" તું કાલે રાત્રે કહેતી હતી ને કે જેનું કાંડુ મરડી નાખ્યું હતું એ બદલો લેવા માટે કોશિશ કરશે ! આજે સાચે જ એણે મને મારવા માટે અને આપણા શોરૂમમાં તોડફોડ કરવા માટે ગુંડાઓ મોકલ્યા હતા." દેવરાજ બોલ્યો.

" હાય હાય... પછી શું થયું ? " મૈત્રી ટેન્શનમાં આવી ગઈ.

" આપણા ગુજરાતીમાં એક કહેવત છે ને કે રામ રાખે એને કોણ ચાખે ! બસ મારા કેસમાં પણ એવું જ થયું. જે ગુંડો મારવા માટે આવ્યો હતો એ તો મારો ઓળખીતો નીકળ્યો. એ તો મને જોઈને જ ઢીલો થઈ ગયો અને મારી માફી પણ માગી. બાકીના બે સાગરીતોને એણે બહાર મોકલી દીધા." દેવરાજ બોલ્યો.

"પણ ગુંડાઓ સાથે તમારી ભાઈબંધી વળી ક્યારે થઈ ? " મૈત્રી બોલી.

" અરે ડાર્લિંગ. મારી કોઈ ગુંડા સાથે ભાઈબંધી નથી. આ તો આપણાં લગ્ન પહેલાની વાત છે. તને યાદ હોય તો આ વાત મેં તને એકવાર કરેલી છે. એકવાર હું અમદાવાદ જતો હતો ત્યારે કુવાડવા પાસે મારી આગળની ગાડી ઉપર ફાયરિંગ થયું હતું અને અંદર બેઠેલા માણસને બે ગોળી વાગી હતી." દેવરાજ બોલી રહ્યો હતો.

" હું નીચે ઉતર્યો અને જોયું તો એ માણસ બેભાન થઈ ગયો હતો અને ઘણું લોહી વહી ગયું હતું. મેં અને આપણા ડ્રાઇવરે ભેગા થઈને એને આપણી ગાડીમાં પાછલી સીટ ઉપર સૂવાડ્યો અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એને તાત્કાલિક એડમિટ કર્યો હતો એટલે એની જિંદગી બચી ગઈ. બસ મને મારવા આવ્યો હતો એ આ જ માણસ ! એનું નામ રામનરેશ યાદવ." દેવરાજ બોલ્યો.

"આ તો ખરેખર ચમત્કાર જ કહેવાય. માતાજીએ તમને બચાવી લીધા. પણ હવે કોઈની સાથે ઝઘડા ના કરશો. " મૈત્રી બોલી.

" તને હું ઝઘડાળુ લાગું છું ? આ તો અન્યાય સામેની લડાઈ હતી. બાકી તો હું ભલો અને મારી મૈત્રી ભલી ! " દેવરાજ હસીને બોલ્યો.

" જાઓ ને હવે ! " મૈત્રી લાડથી બોલી અને એક ગરમાગરમ ફૂલકા રોટલી દેવરાજની થાળીમાં મૂકી.

બે દિવસ પછી દેવરાજે સાંજે ચાર વાગે કાવ્યાને ફોન કર્યો.

" કાવ્યા હું દેવરાજ છું. તું કાલાવડ રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરે આવી જા. ત્યાં ઓટલા ઉપર બેસીને આપણે વાતો કરીશું. કોઈ હોટલમાં બેસવું યોગ્ય નથી લાગતું. " દેવરાજ બોલ્યો.

" જી સર. બસ અડધી કલાકમાં હું ત્યાં પહોંચી જઈશ. હું તો દર રવિવારે દર્શન કરવા ત્યાં જાઉં જ છું. " કાવ્યા બોલી.

એ પછી દેવરાજે પોતાના ડ્રાઇવર રફીકને ઘરે રવાના કર્યો અને પોતે જ ગાડી લઈને સ્વામિનારાયણ મંદિર જવા માટે નીકળી ગયો.

લગભગ પોણા પાંચ વાગે દેવરાજ સ્વામીનારાયણ મંદિર પહોંચી ગયો. વિશાળ મંદિરના કમ્પાઉન્ડમાં બધે જ એણે નજર કરી પરંતુ કાવ્યા ક્યાંય દેખાઈ નહીં. એટલે પછી એ પોતે પગથિયાં ચડીને ભગવાનનાં દર્શન કરવા માટે ગયો તો ત્યાં એણે કાવ્યાને જોઈ. એ બે હાથ જોડીને ભગવાનની સામે આંખો બંધ કરીને ઊભી હતી.

દેવરાજ દર્શન કરીને તરત જ બહાર આવ્યો અને દૂર એક બાંકડા ઉપર જઈને બેઠો જ્યાં આજુબાજુ કોઈ જ ન હતું. વાતાવરણમાં શિયાળાના કારણે સારી એવી ઠંડક હતી.

થોડીવારમાં કાવ્યા પણ પગથિયાં ઉતરીને નીચે આવી અને એણે દૂરથી જ દેવરાજ સરને જોઈ લીધા. એ પણ દેવરાજ પાસે ગઈ અને એની બાજુમાં જ બેઠી.

" હું તારી જ રાહ જોતો હતો. બહાર ક્યાંય પણ ના દેખાઈ એટલે હું ઉપર આવ્યો અને ત્યાં મેં તને દર્શન કરતી જોઈ. બોલ હવે માંડીને બધી જ વાત કર." દેવરાજ બોલ્યો.

" સર પીજી હાઉસમાં થોડી ગરબડ ચાલી રહી છે. કેટલાંક અસામાજિક તત્વો પીજી હાઉસમાં રાતના ટાઈમે આવી જાય છે અને અમે લોકો ડરી જઈએ છીએ. બધા પીને આવ્યા હોય છે અને ગંદા લવારા કરતા હોય છે. પીજી હાઉસમાં રહેતી બે છોકરીઓ પણ એમની સાથે ભળેલી છે." કાવ્યા બોલી રહી હતી.

" અઠવાડિયામાં એક બે વાર તો આવી ઘટના બને જ છે. એક વાર તો એક યુવાન અમારા રૂમમાં ઘૂસી ગયો હતો અને મારી સામે જોઈને ગંદી કોમેન્ટ કરવા લાગ્યો હતો. અમે બધાંએ બૂમાબૂમ કરી એટલે પછી એ બહાર નીકળી ગયો. " કાવ્યા બોલી.

"તું શું વાત કરે છે કાવ્યા ? આટલું બધું પીજી હાઉસમાં બની રહ્યું છે અને મને કોઈ જાણ પણ કરતું નથી !! તમે લોકોએ રશ્મિ મેડમને વાત કરી કે નહીં ? " દેવરાજ બોલ્યો.

" કોઈ મતલબ નથી સર. મેડમ બધું જાણે છે પણ આંખ આડા કાન કરે છે. એમની ડ્યુટી દિવસની હોય છે. રાત્રે તો એ એમના ઘરે હોય છે. રાત્રે એક ચોકીદાર બધું ધ્યાન રાખતો હોય છે પરંતુ માથાભારે યુવાનો એને પણ ચૂપ કરી દે છે. " કાવ્યા બોલી રહી હતી.

"રશ્મિ મેડમ આવા લોકો સાથે દુશ્મની કરવા માગતાં નથી. અમે એકવાર એમને ફરિયાદ પણ કરી હતી પરંતુ એમણે તો ચોખ્ખું કહી દીધું કે તમને અહીં ડર લાગતો હોય તો રાજકોટમાં બીજાં પણ પીજી હાઉસ છે." કાવ્યા બોલી.

"ધિસ ઈઝ ટુ મચ ! " દેવરાજ આક્રોશ થી બોલ્યો.

" હા સર અને બીજી પણ એક ખૂબ જ કોન્ફિડન્સીયલ વાત તમને કરું છું કે એક છોકરી અઠવાડિયામાં એક બે વાર રાત્રે સાડા અગિયાર વાગ્યા પછી બહાર જાય છે અને વહેલી સવારે ચાર પાંચ વાગે પીધેલી હાલતમાં પાછી આવે છે. એને લેવા માટે કોઈ ગાડી આવે છે. એ છોકરી કદાચ ડ્રગ્સ પણ લેતી હોય. " કાવ્યા બોલતી હતી.

"એક મહિના પહેલાં મને પણ એ છોકરી જબરદસ્તી એની સાથે બહાર લઈ જવા માગતી હતી અને કહેતી હતી કે તું ખૂબ જ સુંદર છે. મારા બોયફ્રેન્ડ સાથે તારી ઓળખાણ કરાવીશ. તને એક લાખ રૂપિયા અપાવીશ. લાઈફને એન્જોય કર. પણ મેં ઘસીને ના પાડી દીધી. એટલા માટે જ હું તમને રૂબરૂ મળવા માગતી હતી. મને હવે ડર લાગે છે." કાવ્યાએ પોતાની વાત પૂરી કરી.

"મારી જાણ બહાર ઘણું બધું બની રહ્યું છે. મારે હવે કડક પગલાં લેવાં જ પડશે. તેં મને ઘણી બધી માહિતી આપી છે ખૂબ ખૂબ આભાર. મારા જ પીજી હાઉસમાં આટલું બધું બને અને ડ્રગ્સ પણ લેવાતું હોય તો કાલ ઊઠીને મારી જ બદનામી થાય અને મારું નામ છાપે ચડે. " દેવરાજ બોલી રહ્યો હતો.

" કાવ્યા હું તને મારો મોબાઇલ નંબર આપું છું. જે જે છોકરીઓ આ રીતે રાત્રે બહાર જતી હોય અને મોડી રાત્રે પી પીને આવતી હોય એમનાં નામ મને વોટસઅપ કરી દે. હવે પછી રાતના ટાઈમે અસામાજિક તત્વો પીજી હાઉસમાં આવે તો તું તરત મને જાણ કરી દેજે. " દેવરાજ બોલ્યો.

" સર જો હું આ બધી માહિતી તમને આપું તો બધાને મારા ઉપર જ શંકા જાય કારણ કે તમને મળવા માટે મેં જ મેડમ ને રિક્વેસ્ટ કરી હતી. મને ડર લાગે છે. એ લોકો બદલો લીધા વગર રહે નહીં. મને શંકા છે કે બહુ મોટું રેકેટ છે. " કાવ્યા બોલી.

" હું તને પ્રોમિસ કરું છું કે તને કોઈ જ આંચ નહીં આવે અને તારા ઉપર કોઈને શંકા પણ ના આવે એ રીતે હું પગલાં ભરીશ. તારે ડરવાની કોઈ જરૂર નથી. ચાલ તને પીજી હાઉસ સુધી મૂકી જાઉં." દેવરાજ બોલ્યો.

" ના સર હું રિક્ષામાં જ જતી રહીશ. હું પંડિત દિનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં ભણું છું. " કાવ્યા હસીને બોલી.

" ઓહો.. તો તો મારે તને ડોક્ટર મેડમ કહેવી પડશે. " દેવરાજ પણ હસીને બોલ્યો.

"તમારે તો મને કાવ્યા જ કહેવાનું સર. મારે મેડમ નથી બનવું. " કાવ્યા બોલી અને ત્યાંથી ઝડપથી નીકળી ગઈ. દેવરાજ એને ક્યાંય સુધી જોતો રહ્યો. કાવ્યા ખરેખર બેહદ ખૂબસૂરત હતી !

કાવ્યા એ જે વાત કરી એ ખૂબ જ ગંભીર હતી અને એના માટે તાત્કાલિક પગલાં ભરવાં જ પડશે. કાવ્યા છેલ્લે છેલ્લે એમ પણ બોલી હતી કે મને શંકા છે કે બહુ મોટું રેકેટ છે. જો એવું જ હોય તો મારે પોલીસને સાથે રાખીને જ આગળ વધવું પડશે. - દેવરાજ વિચારી રહ્યો.

એણે મંદિરના બાંકડા ઉપર બેસીને જ માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. એનો ખાસ મિત્ર ઈકબાલ મન્સુરી પીએસઆઇ તરીકે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં જ હતો.

"હા જી ..... માલવિયા નગર પોલીસ સ્ટેશન. " સામેથી જવાબ આવ્યો.

" મારે પી.એસ.આઇ મન્સુરીનું કામ હતું. હું એનો મિત્ર બોલું છું. " દેવરાજ બોલ્યો.

" ચાલુ રાખો. " સામેથી અવાજ આવ્યો.

થોડીવારમાં ઈકબાલ મન્સુરી લાઈન ઉપર આવ્યો.

" હું મન્સુરી... કોણ તમે ? " મન્સૂરી બોલ્યો.

" અરે ઈકબાલ હું દેવરાજ શેઠ બોલું છું. તારો મોબાઈલ નંબર મારી પાસે નથી એટલે મારે લેન્ડલાઈન ઉપર ફોન કરવો પડ્યો. સૌથી પહેલાં તો તારો નંબર મને આપી દે. અને મારે તને મળવું છે તો ક્યાં અને ક્યારે આપણે મળી શકીએ ?" દેવરાજ બોલ્યો.

" કેમ કોઈ પ્રોબ્લેમ તો ઉભો નથી થયો ને ? કોઈ સીરિયસ મેટર હોય તો અત્યારે જ મારા પોલીસ સ્ટેશન આવી જા. " ઈકબાલ બોલ્યો અને એણે પોતાનો મોબાઈલ નંબર પણ દેવરાજને લખાવી દીધો.

" ના ના... એવો કોઈ જ સિરિયસ પ્રોબ્લેમ નથી કે તાત્કાલિક મળવું પડે. એક બે દિવસમાં તને જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે આપણે મળીએ. તું મને લોકેશન કહી દેજે એટલે હું આવી જઈશ. હું તને મિસ કોલ કરું છું મારો નંબર સેવ કરી દે." દેવરાજ બોલ્યો અને એણે ફોન કટ કરી ઈકબાલના મોબાઈલ નંબર ઉપર મિસ કોલ કર્યો.

સાંજના પોણા છ થવા આવ્યા હતા એટલે દેવરાજ ઉભો થયો અને મંદિરની બહાર જઈ ગાડી પોતાના ઘર તરફ લીધી.

સાંજે સાત વાગે ઈકબાલ મન્સુરીનો ફોન આવી ગયો.

"દેવરાજ આપણે પરમ દિવસે રવિવારે સાંજે પાંચ વાગે યુનિવર્સિટી રોડ ઉપર તારા શાલીમાર પીજી હાઉસથી લગભગ નજીક જ ડોસા ડોટ કોમ છે ત્યાં ડોસા ખાવા માટે મળીએ. મારું ઘર ત્યાંથી નજીક છે. " ઈકબાલ બોલ્યો.

" ડન. હું રવિવારે સાંજે પાંચ વાગ્યે પહોંચી જઈશ." દેવરાજ બોલ્યો.

ઈકબાલે લોકેશન પણ સરસ પસંદ કર્યું છે. જે પીજી હાઉસ વિશે ચર્ચા કરવાની છે બરાબર એની જ સામે એણે મીટીંગ ગોઠવી છે. આ પણ કેવો યોગાનુયોગ !

અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."