પીજી હાઉસ (PG House Novel Part-16)

Related

પીજી હાઉસ પ્રકરણ 16

દેવરાજે કાવ્યા પાઠકને સ્વામિનારાયણ મંદિરે મળવા બોલાવી હતી અને ત્યાં કાવ્યાએ પીજી હાઉસ વિશે જે ચર્ચા કરી એ સાંભળીને દેવરાજ સ્તબ્ધ થઈ ગયો હતો !

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

એણે તરત જ માલવિયા નગર પોલીસ સ્ટેશને પોતાના કોલેજ મિત્ર ઈકબાલ મન્સુરીને ફોન કર્યો હતો અને વહેલી તકે રૂબરૂ મળવાની વાત કરી હતી. મન્સુરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતો. એણે યુનિવર્સિટી રોડ ઉપર દેવરાજના પીજી હાઉસ સામે આવેલા ડોસા ડોટ કોમ રેસ્ટોરન્ટમાં રવિવારે સાંજે મળવાની વાત કરી હતી.

" હાં... તો બોલ દેવરાજ. શું પ્રોબ્લેમ ઊભો થયો છે ? " ઈકબાલે ડોસા ડોટ કોમ રેસ્ટોરન્ટમાં બેઠા પછી પહેલો સવાલ દેવરાજને કર્યો.

" આ સામે જે પીજી હાઉસ દેખાય છે એ મારું પોતાનું છે એ તો તને ખબર છે જ. એમાં જ કંઈક ગરબડ ચાલી રહી છે અને મારે એમાં ઊંડી તપાસ કરવી છે. " દેવરાજ બોલ્યો.

" ગરબડ એટલે કઈ જાતની ગરબડ ? તું વિગતવાર વાત કરે તો કાલે જ રેડ પાડી દઈએ. આતો છોકરીઓનું પીજીહાઉસ છે ને ? " ઈકબાલ બોલ્યો.

" હા કોલેજ ગર્લ્સ એમાં રહે છે. અને એટલે ચિંતાનો વિષય છે. અવારનવાર અસામાજિક તત્વો રાતના ટાઈમે આ પીજી હાઉસમાં ઘુસી જાય છે અને ધમાલ કરે છે. છોકરીઓને પણ હેરાન કરે છે. ગંદી હરકતો કરે છે. પીજી હાઉસમાં રહેતી બે ત્રણ છોકરીઓ પણ એમાં ભળેલી છે. " દેવરાજ બોલ્યો.

" આટલું બધું થઈ રહ્યું છે અને તું કંઈ જાણતો જ નથી ? આ તો ગંભીર બાબત છે દેવરાજ ! " ઈકબાલ બોલ્યો.

" અરે મને ખબર પડી કે તરત તને ફોન કર્યો. મારા સુધી તો વાત આવે જ નહીં ને ! એક છોકરીએ હિંમત કરીને મારો સંપર્ક કર્યો અને મને બધી વિગતવાર વાત કરી. એના કહેવા પ્રમાણે બે ત્રણ છોકરીઓ મોડી રાત્રે બહાર જાય છે અને છેક ચાર પાંચ વાગે પીધેલી હાલતમાં પાછી આવે છે. ડ્રગ્સ પણ લેતી હોય એવું લાગે છે. મને તો લાગે છે કે કોઈ મોટું રેકેટ અહીં ચાલી રહ્યું છે. " દેવરાજ બોલ્યો.

"બોલ હવે શું કરવું છે ? એક્શન ચાલુ કરાવી દઉં ? મારાથી તો ડાયરેક્ટ ઇનવોલ્વ નહીં થવાય કારણ કે આ પીજી હાઉસ ગાંધીગ્રામ - ૨ પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. ત્યાંના પીઆઈ કરણસિંહ જાડેજા છે. એમની સાથે મારા સારા સંબંધ છે. " ઈકબાલ બોલ્યો.

" ના ઉતાવળ નથી કરવી. આપણે ઊંડી તપાસ કરવી છે. એક્શન ચાલુ કરી દઈશું તો થોડા દિવસ માટે બધું બંધ થઈ જશે અને સાચા ગુનેગારો પકડાશે નહીં. જો કોઈ રેકેટ ચાલતું હોય તો મોટાં માથાં પણ એમાં સંકળાયેલાં હોય." દેવરાજ બોલ્યો.

" તારો એ પોઇન્ટ પણ સાચો છે. આપણે છેક મૂળ સુધી જવું જોઈએ. કોણ કોણ આમાં સંકળાયેલું છે એ આપણે જાણવું જોઈએ. " ઈકબાલ બોલ્યો.

" મારું પણ એ જ કહેવું છે. રશ્મિ મેડમ અહીંનાં સંચાલક તરીકે બધું જ જાણે છે છતાં એમણે મને હજુ સુધી કોઈ વાત કરી નથી. મતલબ કે એમને પૈસા આપીને ચૂપ કરી દેવાયાં હોય અથવા તો ધમકી આપી હોય ! ચોકીદાર બધું જ જાણે છે છતાં એ પણ ચલાવી લે છે મતલબ કે એને પણ સામ દામ દંડ ભેદની નીતિથી ચૂપ કરી દીધો છે. " દેવરાજ બોલ્યો.

"એક કામ થઈ શકે દેવ. હું જાડેજા સાહેબને આખી વાત કરીને થોડા દિવસ માટે રાત્રે સાદા વેશમાં પોલીસ વોચ રાખવાનું ગોઠવી શકું. રાત્રે કોણ આવે છે કોણ જાય છે એની બધી ખબર પડી જશે. આ રોડ ઉપર તો રાત્રે પણ સ્ટ્રીટ લાઈટનો પૂરતો પ્રકાશ આવે છે અને પીજી હાઉસના બિલ્ડિંગ બહાર પણ લાઈટ લગાવેલી છે એટલે વિડીયો શુટીંગમાં પણ બધું ક્લિયર દેખાશે." ઈકબાલ બોલ્યો.

" હા એ આઈડિયા સારો છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને જાડેજા સાહેબ સાથે તું વાત કરી લેજે. પોલીસની આ વધારાની સેવાઓ માટે કોઈ ચાર્જ મારે આપવાનો હોય તો પણ બેધડક કહેજે કારણ કે આ તો મારી પોતાની આબરૂનો પણ સવાલ છે." દેવરાજ બોલ્યો અને એ પછી બંનેએ ઢોંસા ખાવાનું ચાલુ કર્યું.

બંને જણા જમી રહ્યા હતા ત્યાં જ પીજી હાઉસ પાસે એક બ્લેક કલરની મર્સિડિઝ ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી કોઈ નીચે ના ઊતર્યું. કાચ ઉપર પણ બ્લેક ફિલ્મ લગાડેલી હોવાથી અંદર કોણ છે તે અહીંથી જોઈ શકાતું ન હતું. આજે રવિવારે સાંજે કોની ગાડી આવીને અહીં ઊભી રહી હશે ?

ઈકબાલ ચિત્તાની ઝડપે ઉભો થઈને બહાર નીકળ્યો અને ક્રોસમાં આગળ વધીને એણે નંબર વાંચી શકાય એ રીતે કારનો ફોટો લઈ લીધો અને પાછો આવીને દેવરાજ સામે ગોઠવાઈ ગયો.

ગાડી પાંચ સાત મિનિટ સુધી ઉભી રહી ત્યાં પીજી હાઉસમાંથી ૨૨ ૨૩ વર્ષની એક યુવતી તૈયાર થઈને નીચે આવી અને ગાડીનો પાછલો દરવાજો ખોલીને ગોઠવાઈ ગઈ. એ જેવી બેઠી કે તરત જ દરવાજો બંધ થઈ ગયો અને ગાડી ફૂલ સ્પીડમાં આગળ નીકળી ગઈ.

દેવરાજ અને ઈકબાલ બંને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. દેવરાજને ખૂબ જ ગુસ્સો ચડ્યો.

" મન તો એવું થાય છે કે અત્યારે જ હું મારા પીજી હાઉસમાં જાઉં અને કઈ છોકરી બહાર ગઈ છે એની તપાસ કરાવું. આતો સારામાં સારો મોકો છે. " દેવરાજ બોલ્યો.

" ઉતાવળ ના કર. એ છોકરીનું નામ જાણવાથી કોઈ ફરક નહીં પડે. ધીરજ રાખ. ગાડીનો નંબર મારી પાસે આવી ગયો છે એટલે ગાડી કોની છે એ પણ ખબર પડી જશે. છોકરીનું નામ જાણવા કરતાં એ માણસનું નામ જાણવું આપણા માટે વધારે અગત્યનું છે. હવે તો મને પણ આ કેસમાં રસ પડ્યો છે." ઈકબાલ ઠંડા કલેજે બોલ્યો.

"કાવ્યા કહેતી હતી એમ પીજી હાઉસ ની મેટર ખરેખર સિરિયસ લાગે છે. ત્રણ વર્ષથી મારું આ પીજી હાઉસ ચાલી રહ્યું છે. ખબર નથી પડતી આ બધું કેટલા સમયથી ચાલતું હશે !" દેવરાજ બોલ્યો.

" મારું માનવું છે કે આ બધું ડેવલપમેન્ટ છેલ્લા એકાદ વર્ષમાં જ થયું હોવું જોઈએ. તને સમયસર જ માહિતી મળી ગઈ છે. હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જાડેજા સાહેબ બહુ સ્માર્ટ છે. એ કોઈને છોડશે નહીં. " ઈકબાલ બોલ્યો.

" ઠીક છે તો તું તારી રીતે આગળ વધ. થોડા દિવસ વોચ રાખવાનું કહી દે. અને તું પણ સતત એમના ટચમાં રહેજે." દેવરાજ બોલ્યો.

"અરે હું પોતે પણ વોચ રાખીશ. મારું ઘર તો અહીં નજીકમાં જ છે. આમ પણ વહેલા સૂવાની મને ટેવ નથી. " ઈકબાલ બોલ્યો અને એણે બિલ મંગાવ્યું.

દેવરાજ ના ના કરતો રહ્યો અને ઈકબાલે જ ઢોંસાનું બિલ ચૂકવી દીધું. એ પછી બંને ઊભા થઈને બહાર આવ્યા. ઈકબાલે પોતાની બાઈક સંભાળી લીધી અને દેવરાજ ગાડીમાં બેઠો.

દેવરાજે રફીકને થોડીવાર ગાડી ઉભી રાખવાનું કહ્યું અને એણે કાવ્યાને ફોન લગાવ્યો.

" કાવ્યા હું દેવરાજ. અત્યારે પીજી હાઉસની સામે જ છું. મારા એક કામ માટે આવ્યો હતો. આપણા પીજી હાઉસમાંથી કોઈ છોકરી તૈયાર થઈને બહાર આવી અને મર્સિડિઝ ગાડીમાં કોઈની સાથે બહાર ગઈ. તને ખ્યાલ છે એ કોણ હશે ? " દેવરાજે પૂછ્યું.

" સર હું પહેલા માળે છું. જે છોકરી બહાર ગઈ એ રીટા હોવી જોઈએ. એનો બેડ બીજા માળે છે. એ જ અવારનવાર આ રીતે એના કોઈ બોયફ્રેન્ડની ગાડીમાં બહાર જતી હોય છે. તે દિવસે એણે જ મને બોયફ્રેન્ડને કંપની આપવા એક લાખ રૂપિયાની લાલચ આપી હતી." કાવ્યા બોલી.

" રશ્મિ મેડમ આ બધું જાણે છે ? " દેવરાજે પૂછ્યું.

" હા સર. " કાવ્યા બોલી.

"ઠીક છે. મારે બસ એ જ જાણવું હતું"
કહીને દેવરાજે ફોન કટ કર્યો અને રફીકને ગાડી સ્ટાર્ટ કરવાનું કહ્યું.

દેવરાજ ઘરે પહોંચ્યો ત્યારે સાંજના પોણા સાત વાગ્યા હતા.

" આજે રવિવારે વળી કયા કામમાં ઉપડી ગયા હતા ? " મૈત્રી બોલી.

" એક બિઝનેસ મિટિંગ હતી. તારા જામનગરની જ એક પાર્ટી હતી." દેવરાજે વાર્તા કરી. પીજી હાઉસના ટેન્શન વિશે મૈત્રી સાથે કોઈપણ ચર્ચા કરવાની દેવરાજની ઈચ્છા ન હતી.

" આજે રવિવાર છે તો મારી ઈચ્છા હોટલમાં જમવાની છે જો તમારો મૂડ હોય તો. હું તમારી જ રાહ જોતી હતી. જો આજે તમારી ઈચ્છા ના હોય તો પછી રસોઈ ચાલુ કરી દઉં. " મૈત્રી બોલી.

" અરે પાગલ તારી ઈચ્છા હોય અને હું ના પાડું ખરો ? બોલ ગુજરાતી થાળી જમવી છે કે પછી પંજાબી ? ગુજરાતી જમવાની ઈચ્છા હોય તો ગ્રાન્ડ ઠાકર માં જ જઈએ અને પંજાબી ડીશ ખાવી હોય તો આજી ડેમ ચોકડી પાસે આજી ગાર્ડન રેસ્ટોરન્ટમાં જઈએ. " દેવરાજ બોલ્યો.

" ગુજરાતી થાળી તો હું રોજ તમને જમાડું છું. આજી ગાર્ડન રેસ્ટોરન્ટ જ બરાબર છે. આપણને નજીક પણ પડશે. મમ્મીને પણ સાથે લઈ લઈએ. ભલે એ પણ હોટલનું જે ભાવે તે ખાશે." મૈત્રી બોલી.

" તારી આ કુટુંબભાવના મને ખૂબ જ ગમે છે. મમ્મીનું તું હંમેશા ધ્યાન રાખે છે. ક્યારેક એમના પગ દબાવતી પણ મેં તને જોઈ છે. તારા જેવા સંસ્કાર આજકાલની છોકરીઓમાં બહુ ઓછા જોવા મળે છે. " દેવરાજ બોલ્યો.

" આ ઘરમાં આપણે ત્રણ જણાં તો છીએ. તમે ઘરમાં ના હો ત્યારે મારે તો એમની જ કંપની છે ને ? હું એકલી હોઉં ત્યારે મારી પાસે આવીને બેસે છે અને મારો ટાઈમ પસાર કરે છે. ક્યારે પણ મારા ઉપર એમણે સાસુપણું નથી કર્યું. તમે ઘરમાં હો ત્યારે બિચારાં પોતાના બેડરૂમમાં જ બેસી રહે છે ! " મૈત્રી લાગણીપૂર્વક બોલી.

" તારા જેવી પત્ની મેળવીને મને ખૂબ જ આનંદની લાગણી થાય છે. જેટલો મને સાચવે છે એટલી જ મમ્મીને સાચવે છે. " દેવરાજ બોલ્યો.

" બસ હવે રહેવા દો. ચણાના ઝાડ ઉપર ના ચડાવો. મારી ફરજ હું બજાવું છું. હવે મને તૈયાર થવા દો. " મૈત્રી બોલી અને બેડરૂમમાં તૈયાર થવા માટે ગઈ.

"ગરમ જેકેટ પહેરી લેજે. ત્યાં ખુલ્લામાં જમવાનું છે એટલે ઠંડો પવન આવતો હશે. મમ્મીને પણ શાલ આપી દેજે. " દેવરાજે મોટેથી સૂચના આપી.

ત્રણે જણાં ૮:૩૦ વાગે રેસ્ટોરન્ટ જવા માટે નીકળી ગયાં. ગાડી દેવરાજે પોતે જ ચલાવી લીધી.

" રેસ્ટોરન્ટ સરસ છે નહીં ? આપણે તો અહીં પહેલી વાર આવ્યા. ખુલ્લા વાતાવરણમાં જમવાની પણ મજા આવે. " મૈત્રી જમવાના ટેબલ ઉપર બેસીને બોલી.

" મને પણ આ રેસ્ટોરન્ટની ખબર નહોતી. ગયા મહિને પેલો શાશ્વત શો રૂમ ઉપર શોપિંગ માટે આવેલો. એક ડબલ બેડ અને સોફાસેટ લઈ ગયો. એણે મવડી રોડ ઉપર નવો ફ્લેટ લીધો છે. એણે મને આ રેસ્ટોરન્ટની વાત કરેલી. એ એની વાઈફ સાથે બે વાર આ રેસ્ટોરન્ટમાં જમી આવ્યો છે." દેવરાજ બોલ્યો.

" શાશ્વતભાઈ એટલે જેમણે છ મહિના પહેલાં ઈન્ટરકાસ્ટ મેરેજ કર્યાં એ જ ને ? " મૈત્રી બોલી.

" હા એ જ. પોતે વૈષ્ણવ વાણીયા છે અને લોહાણા જ્ઞાતિની છોકરી સાથે લવ મેરેજ કરેલા છે. જો કે છોકરી સારી પસંદ કરી છે. બેંકમાં નોકરી કરે છે. " દેવરાજે વધુ પરિચય આપ્યો.

" હવે આ મેનુ પણ આવી ગયું. તારી ઈચ્છા શું ખાવાની છે ? જે પણ પસંદ હોય એ કહી દે. રોજ રોજ આપણે હોટલમાં આવતા નથી એટલે મન નહીં મારવાનું. પૈસાનો વિચાર પણ નહીં કરવાનો. મમ્મીને તો બિચારીને ચોઇસ જેવું કંઈ છે જ નહીં. " દેવરાજ બોલ્યો.

" તમે જ પસંદ કરો. મને આમાં બહુ ખબર પડતી નથી. બટર રોટી મંગાવજો અને સાથે તમને જે પણ ગમે તે શાક." મૈત્રી બોલી અને એણે મેનુ દેવરાજને પાછું આપ્યું.

" આપણે એક કામ કરીએ. એક પાલક પનીર મંગાવીએ અને બીજું શાક વેજીટેબલ કોફતા. છેલ્લે આપણે જીરા રાઈસ અને દાલ ફ્રાય મંગાવી લઈશું. છાસ અને ફ્રાઈડ પાપડનો ઓર્ડર પણ આપી દઉં છું " દેવરાજ બોલ્યો.

દેવરાજે વેઈટરને ઈશારો કરીને બોલાવ્યો અને જમવાનો ઓર્ડર લખાવી દીધો.

૧૦ ૧૫ મિનિટમાં દેવરાજના ટેબલ ઉપર જમવાનું પીરસાઈ ગયું. શાશ્વતે કહ્યું હતું એ પ્રમાણે ફૂડ ખરેખર બહુ જ સરસ હતું.

દેવરાજે જીરા રાઈસનો ઓર્ડર આપ્યો બરાબર એ જ વખત એની સામેના ટેબલ ઉપર એક માલેતુજાર નબીરો આવીને બેઠો. પહેલવાન જેવું બોડી. ગળામાં વજનદાર સોનાની ચેન. હાથમાં પણ સોનાનું કડું. બે આંગળીઓમાં ડાયમંડની વીંટી. લેટેસ્ટ ફેશનના કપાયેલા વાળ. શિયાળામાં પણ શર્ટનાં ઉપરનાં બે બટન ખુલ્લાં. હાથમાં બે મોબાઈલ.

એની બરાબર સામે જીન્સનું પેન્ટ અને પીસ્તા કલરનું ટીશર્ટ તથા એની ઉપર જેકેટ પહેરેલી ૨૨ ૨૩ વર્ષની એક ખૂબસૂરત યુવતી પણ આવીને ગોઠવાઈ ગઈ. એના હાથમાં શોપિંગ કરેલી બે કેરી બેગ પણ હતી !

દેવરાજને યાદ આવ્યું કે આ છોકરીને ક્યાંક જોયેલી છે. એણે એને ધારી ધારીને જોઈ અને મગજ કસવા લાગ્યો.

અરે આ તો એ જ ! પીજી હાઉસમાંથી નીકળીને બ્લેક કલરની મર્સિડીઝમાં બેસી ગઈ હતી એ જ છોકરી !! એનું નામ રીટા છે એવું કાવ્યાએ કહેલું. અને આ એનો બોયફ્રેન્ડ છે જે અવારનવાર રીટાને રાત્રે બહાર લઈ જાય છે !! દારૂ પીને કે ડ્રગ્સ લઈને આ જ છોકરી મોડી રાત્રે પાછી આવે છે !!

દેવરાજે પેલાને ખબર ના પડે એ રીતે જાણે મોબાઈલ જોતો હોય એમ ઝૂમ કરીને એનો ચહેરો સ્પષ્ટ દેખાય એ રીતે ફોટો પાડી લીધો. ફ્લેશ લાઇટ એણે ઓફ રાખી હતી !

એકવાર તો દેવરાજને વિચાર આવ્યો કે એ બહાર નીકળે એટલે એની ગાડીનો પીછો કરવો. પરંતુ સાથે એની પત્ની મૈત્રી હતી એટલે એ વિચાર માંડી વાળ્યો.

પીજી હાઉસમાંથી નીકળી એણે રીટાને શોપિંગ કરાવ્યું હશે. એ પછી અહીં જમવા લઈ આવ્યો છે અને હવે પછી એને ક્યાંક લઈ જશે. શરાબ પીવડાવશે કે પછી ડ્રગ્સ આપશે ! છેલ્લે મોડી રાત સુધી રંગરેલીયાં મનાવશે અને પછી પીજી હાઉસ મૂકી જશે. રામ જાણે આજની પેઢી ક્યાં જઈ રહી છે !!

દેવરાજ આમ વિચાર કરી રહ્યો હતો ત્યાં એક યુવાન એની પાસે આવ્યો.

" ભાઈસા'બ એક મિનિટ કે લિયે આપ અપના મોબાઇલ મુઝે દે સકતે હો ? મેરા મોબાઇલ યહાં કહીં ગીર ગયા હૈ તો જરા રીંગ દે દું. " પેલો યુવાન બોલ્યો.

દેવરાજે એને મોબાઈલ આપ્યો એટલે એણે પોતાના જ મોબાઈલ ઉપર રીંગ આપી. એ જે ટેબલ ઉપર બેઠો હતો એ જ ટેબલની નીચે એનો મોબાઈલ પડી ગયો હતો એટલે ત્યાં જ રીંગ વાગી.

"મિલ ગયા મિલ ગયા. શુક્રિયા સર જી" પેલો યુવાન બોલ્યો અને ફોન કટ કરીને દેવરાજને પાછો આપ્યો.

દેવરાજે જમવામાં મન પરોવ્યું. ખબર નહીં કેમ પણ આજકાલ એના જીવનમાં નવા નવા પડકારો આવતા હતા પરંતુ દરેક પ્રશ્નોનું સામેથી જ સોલ્યુશન પણ આવી જતું હતું.

પેલા નબીરાનો હાથ તોડી નાખ્યો તો એણે મને મારવા માટે રામનરેશ યાદવને મોકલ્યો જે મારો પોતાનો ઓળખીતો નીકળ્યો. પીજી હાઉસમાં આંટો મારવા ગયો તો ત્યાં ચાલી રહેલી રહસ્યમય પ્રવૃત્તિઓ કાવ્યા દ્વારા અચાનક મને સામેથી જાણવા મળી.

આજે સાંજે ઈકબાલને યુનિવર્સિટી રોડ મળવા ગયો તો ત્યાં પોતાની સામે જ કોઈ મર્સિડિઝમાં આવીને પોતાના પીજી હાઉસની એક છોકરીને ઉઠાવી ગયું. હવે પોલીસ એની તપાસ કરે એ પહેલાં એનું રહસ્ય પણ મારી સામે જ ખુલી ગયું !! છોકરી પણ મળી ગઈ અને ગાડીવાળો પણ જોઈ લીધો !!!

દેવરાજે જમીને પોતાનું બિલ ચૂકવી દીધું. એ પછી ઊભા થઈને એ લોકો બહાર આવ્યાં. દેવરાજે પાર્કિંગમાં પડેલી બ્લેક મર્સિડીઝનો મૈત્રીને ખબર ના પડે એ રીતે ફોટો ખેંચી લીધો.

દેવરાજ પોતાની ગાડીમાં બેઠો. મૈત્રી અને મમ્મી પણ ગોઠવાઈ ગયાં. ગાડી સ્ટાર્ટ કરતાં પહેલાં દેવરાજે બંને ફોટા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઈકબાલ મન્સુરીને ફોરવર્ડ કર્યા. સાથે એક મેસેજ પણ કર્યો :

' દુનિયા બહુ નાની છે. બંને ફોટા જોઈ લે. મર્સિડિઝ લઈને આવેલા આ નબીરા વિશે પૂરી તપાસ કરજે. '
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."