પીજી હાઉસ પ્રકરણ 17
" મને તો જમવાની બહુ મજા આવી. તમને ? " ઘરે આવ્યા પછી મૈત્રી બોલી." ખરેખર ફૂડ સારું હતું. લોકેશન પણ બહુ જ સરસ હતું. " દેવરાજે જવાબ આપ્યો પરંતુ એનું ધ્યાન તો પીજી હાઉસની રીટાને લઈને આવેલા પેલા નબીરા તરફ જ હતું !
પીજી હાઉસ નવલકથા
રાતના ૧૦ વાગી ગયા હતા એટલે હવે ઈકબાલ સાથે અત્યારે ચર્ચા કરવાનો કોઈ મતલબ જ ન હતો અને આમ પણ મૈત્રીની હાજરીમાં એની સાથે ફોન ઉપર વાત કરવાની એની ઈચ્છા પણ નહોતી.
બીજા દિવસે સવારે ૧૦ વાગે એ શોરૂમ જવા માટે નીકળી ગયો. શો રૂમ ઉપર પહોંચ્યો એટલે તરત જ રોજના રૂટિન પ્રમાણે પ્યુન બધા માટે ચા લઈ આવ્યો. ચા પીધા પછી એણે ઈકબાલ સાથે વાત કરવા માટે મોબાઈલ હાથમાં લીધો.
એણે જોયું તો એક અજાણ્યા નંબર ઉપરથી એના વોટ્સએપ ઉપર એક મેસેજ આવેલો હતો.
# મારો પીછો કરવાનો છોડી દે. મારો અને મારી ગાડીની નંબર પ્લેટનો ફોટો ડીલીટ કરી દે. મારું નેટવર્ક બહુ મોટું છે. ક્યાં ખોવાઈ જઈશ પત્તો પણ નહીં લાગે. મારા માણસે તારો પીછો કરીને તારું ઘર પણ જોઈ લીધું છે ! સાનમાં સમજી જાય તો સારું. બીજીવાર બચવાનો ચાન્સ નહીં આપું. #
આ મેસેજ ગઈકાલે રાત્રે ૧૧ વાગે જ આવી ગયો હતો પરંતુ દેવરાજે સવારે મોબાઇલ જોયો જ ન હતો.
આ માણસ પાસે મારો મોબાઇલ નંબર કેવી રીતે પહોંચી ગયો ? આ માણસ ખરેખર બહુ પહોંચેલો લાગે છે.
એણે આ મેસેજ ઈકબાલને ફોરવર્ડ કર્યો.
એ પછી બે મિનિટમાં જ સામેથી ઈકબાલનો ફોન આવ્યો.
" દેવ આ તો બહુ મોટો મગરમચ્છ છે. મોહિન્દર બગ્ગા એનું નામ છે. મૂળ એ પંજાબી છે. ડ્રગ્સનો કરોડોનો કારોબાર છે અને સ્મગલર પણ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એનો માલ ઈરાન અને પાકિસ્તાનથી આવે છે. એક વાર એ પકડાઈ ગયેલો પરંતુ પોલીસને થાપ આપીને ભાગી ગયેલો. પોલીસના ચોપડે અત્યારે એ વોન્ટેડ છે." મન્સુરી બોલ્યો.
" પરંતુ મેં એનો બહુ જ સાવધાનીથી ફોટો પાડ્યો હતો. છતાં એને ખબર કેવી રીતે પડી ગઈ ? અને બહાર પાર્કિંગ લોટમાં એની ગાડીનો ફોટો પાડ્યો હતો એ પણ એને ખબર કેવી રીતે પડી ?" દેવરાજ આશ્ચર્યથી બોલ્યો.
" અરે દેવ તું બહુ સીધો માણસ છે. આવા લોકોની સિક્યુરિટી બહુ ટાઈટ હોય છે. એ જ્યારે પણ ક્યાંય જાય ત્યારે એકલો ન જાય. એની સાથે એનો બોડીગાર્ડ હોય જ અને એ પાછો શાર્પ શૂટર હોય. એ અલગથી જમવા બેઠો હોય પરંતુ એની નજર બગ્ગાની ચારે બાજુ ફરતી હોય." ઈકબાલ બોલતો હતો.
"તેં એનો ફોટો પાડ્યો એ એણે ચોક્કસ જોઈ લીધું હશે અને એટલા માટે જ તું જ્યારે બહાર નીકળ્યો ત્યારે એ પણ તારી પાછળ બહાર આવ્યો હોય. એણે ફરી તને બૉસની ગાડીનો ફોટો પાડતો જોયો હોય એટલે એણે એની બુલેટ ઉપર તારો પીછો કર્યો હોય. " ઈકબાલ બોલી રહ્યો હતો.
" કાલે સાંજે પીજી હાઉસની બહાર ઉભેલી બ્લેક મર્સિડિઝની નંબર પ્લેટનો ફોટો પાડવા હું બહાર ગયેલો ત્યારે ગાડીની પાછળ થોડેક દૂર બુલેટ લઈને એક કદાવર યુવાન ઉભો હતો. એણે મને ચોક્કસ જોઈ લીધો હશે. એટલા માટે જ તને એણે એવો મેસેજ કર્યો છે કે મારો પીછો કરવાનો છોડી દે. " ઈકબાલે પોતાની વાત પૂરી કરી.
" આવી તો મને કલ્પના પણ નહોતી કે એનો માણસ પણ હોટલમાં હાજર હશે ! એના ટેબલના પાછળના ભાગમાં બીજા એક ટેબલ ઉપર એક યુવાન બેઠો હતો ખરો પણ એ એનો જ માણસ હશે એ તો હું કેવી રીતે વિચારી શકું ? એનો મોબાઇલ નીચે પડી ગયો હતો એટલે એણે મારી પાસે આવીને મારો મોબાઈલ માગ્યો હતો અને પોતાના જ મોબાઈલ ઉપર રીંગ આપી હતી. " દેવરાજ બોલ્યો.
"હવે તને કંઈ ટ્યુબલાઈટ થાય છે ? તેં મોહિન્દર બગ્ગાનો ફોટો પાડી લીધો કે તરત જ એનો એ બોડીગાર્ડ સજાગ થઈ ગયો. એણે પોતે જ પોતાનો મોબાઈલ ટેબલની નીચે સરકાવી દીધો અને તારા મોબાઇલ ઉપરથી પોતાના મોબાઈલ ઉપર રીંગ મારી. મતલબ કે તારો નંબર એની પાસે આવી ગયો. અને એટલા માટે જ તારા ઉપર વોટ્સએપ મેસેજ એ કરી શક્યો. એ મેસેજ બગ્ગાએ નહીં પણ એના એ બોડીગાર્ડે જ બગ્ગા વતી તને કર્યો છે. બગ્ગા પોતે એના મોબાઈલ નંબર ઉપરથી તને મેસેજ ના કરે." મન્સુરી બોલ્યો.
" અને તારી જાણ માટે કહી દઉં કે એણે ગાડી ઉપર જે નંબર પ્લેટ લગાવી છે તે પણ નકલી છે. મતલબ કે આવો કોઈ નંબર આરટીઓમાં નોંધાયેલો છે જ નહીં. આવી સિરીઝ પણ નથી અને આવો નંબર પણ નથી. આવા લોકોનું કામ બહુ પાકુ હોય છે દેવરાજ શેઠ ! " ઈકબાલ હસીને બોલ્યો.
" તો હવે આગળની રણનીતિ આપણી શું હશે ? કારણ કે કોણ ત્યાં આવે છે અને છોકરીઓને બહાર લઈ જાય છે એ તો આપણને ખબર પડી જ ગઈ છે ! " દેવરાજે પૂછ્યું.
"અરે મારા શેઠ... અત્યારથી હથિયાર હેઠાં મૂકી દેવાં છે ? અમારે બગ્ગા સુધી પહોંચવું છે. એ તો અમારો મોટો શિકાર છે. અને તારા પીજી હાઉસમાં ઘૂસી જઈને મોડી રાત્રે ધમાલ કરતા એ નબીરાઓને પણ પકડવા છે ને ? આ બગ્ગા સાથે પીજી હાઉસમાં કોણ કોણ જોડાયેલું છે એ પણ તપાસ કરવી પડશે ને ? " ઈકબાલ મન્સુરી બોલ્યો.
"હા તારી એ વાત પણ સાચી છે. એ તો હું ભૂલી જ ગયો. અને હા બગ્ગા વતી જે માણસે મને વોટ્સએપ કર્યો છે એનો નંબર તો મારી પાસે આવી જ ગયો છે ને ? તો એ નંબર ટ્રેક કરીને બગ્ગા સુધી ના પહોંચી શકાય ? " દેવરાજ બોલ્યો.
" તું શું એ લોકોને કાચા ખેલાડી સમજે છે ? અરે તને વોટ્સએપ કર્યા પછી એ સીમ કાર્ડ તોડીને ફેંકી દીધું હોય. એવાં તો ૧૦ ૧૨ સીમ કાર્ડ ખિસ્સામાં લઈને ફરતા હોય એ લોકો ! તું ટ્રાય કરી જો." ઈકબાલ બોલ્યો.
" હમ્ ... તારી એ વાત પણ સાચી છે. એ લોકો ખૂબ જ સાવધાની રાખતા જ હોય." દેવરાજ બોલ્યો.
" જાડેજા સાહેબ સાથે વાત થઈ ગઈ છે અને આજે રાત્રે ૧૧ વાગ્યાથી ડી સ્ટાફના ૨ માણસો સાદા વેશમાં પીજી હાઉસની આજુબાજુ ગોઠવાઈ જશે. બાર વાગ્યા સુધી તો હું પોતે પણ આંટો મારતો રહીશ. " ઈકબાલ બોલ્યો.
" ચાલો સરસ. મારી અડધી ચિંતા તો અત્યારે જ ઓછી થઈ ગઈ. " દેવરાજ બોલ્યો અને એણે ફોન કટ કર્યો. વાત પૂરી થઈ ત્યારે ૧૧ વાગી ગયા હતા.
એ પછી દેવરાજે ધંધામાં ધ્યાન પરોવ્યું. એક ડબલ બેડ અને બે સોફા સેટ વેચાઈ ગયા હોવાથી ત્યાં જગ્યા ખાલી પડી હતી. દેવરાજે એક સેલ્સમેનને ચાવી આપીને ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા એના ગોડાઉનમાં મોકલ્યો. ટેમ્પો કરીને બે સોફાસેટ અને એક ડબલ બેડ લઈ આવવાનું કહ્યું.
સાડા બાર વાગે ગોડાઉનથી માલ આવી ગયો. માલ આવ્યો એની દસ મિનિટ પછી જ એક ગ્રાહક સોફા લેવા માટે આવ્યો અને આવેલા સોફામાંથી જ એક સોફાસેટ ૪૫૦૦૦ માં વેચાઈ ગયો.
એ પછી એક વાગી ગયો હોવાથી દેવરાજ ઘરે જવા માટે નીકળી ગયો.
જાડેજા સાહેબની સૂચના પ્રમાણે ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ ના બે કોન્સ્ટેબલ સાદા વેશમાં રાત્રે ૧૧:૩૦ વાગે પીજી હાઉસની સામે છૂપાઈને ગોઠવાઈ ગયા. પરોઢિયે ચાર વાગ્યા સુધી એમણે વોચ રાખી પરંતુ કોઈ જ હિલચાલ દેખાઈ નહીં. આ રીતે બે દિવસ પસાર થઈ ગયા. પરંતુ ત્રીજા દિવસે બુધવારે એમને સફળતા મળી.
છ યુવાનો ચાર બાઈકો લઈને એક સાથે સૂમસામ રોડ ઉપર ચીચીયારી કરતા આવ્યા અને બાઈકો પાર્ક કરીને પીજી હાઉસમાં ધસી ગયા.
એક કોન્સ્ટેબલે તરત જ હેડ ક્વાર્ટરમાં ફોન કર્યો એટલે દસ જ મિનિટમાં પોલીસ વાન આવી ગઈ.
તમામ પોલીસો એક સાથે જ પીજી હાઉસમાં દોડી ગયા અને છાકટા થયેલા તમામ છ નબીરાઓને પકડી લીધા. ચોકીદારને પણ ઉઠાવી લીધો. બધાને પોલીસ વાનમાં બેસાડીને ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશને લઈ ગયા.
ચોકીદાર સિવાય બધા જ દારૂ પીધેલા હતા. તમામના મોબાઈલ લઈ લીધા અને બધાને લોક અપમાં પૂરી દીધા. સવારે જાડેજા સાહેબ ના આવે ત્યાં સુધી એમના ઉપર કોઈ જ એક્શન લેવાની ન હતી.
સવારે જાડેજા સાહેબ આમ તો ૧૦ વાગ્યા પછી આવતા હતા પરંતુ એમને જાણ કરવામાં આવી હતી એટલે એ ૯ વાગે આવી ગયા. ચોકીદારની સાથે તમામ નબીરાઓને સાહેબની સામે રજૂ કરવામાં આવ્યા.
" સોલંકીને બોલાવો. અને ચોકીદારને બાજુના રૂમમાં બેસાડો. " જાડેજા સાહેબે એમના ઓર્ડરલીને કહ્યું. સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતો.
ઓર્ડરલી ચોકીદારને બાજુના રૂમમાં લઈ ગયો અને ત્યાં એક બાંકડા ઉપર બેસવાનું કહ્યું. એ પછી એ સોલંકીને બોલાવી લાવ્યો.
" જયહિન્દ સર. " પીએસઆઇ સોલંકી આવીને સલામ કરીને ઉભો રહ્યો.
"સોલંકી તમે આપણા કેમેરામેનને બોલાવો. છ એ છ જણને હાથકડી પહેરાવી ફોટા લઈ લેવાનું કહો અને આ તમામનું વિડીયો શુટીંગ પણ કરાવી દો." જાડેજા સાહેબ બોલ્યા.
"સાહેબ અમને જવા દો. અમે ફરી ક્યારે પણ પીજી હાઉસમાં પગ નહીં મૂકીએ. તમે જે કહો તે દંડ ભરવા અમે તૈયાર છીએ. " એક નબીરો બોલ્યો. જાડેજાની વાત સાંભળીને બધા જ ધ્રુજી ગયા હતા !
"તમને લોકોને જવા કેમ દેવાય ? ઘણા દિવસથી તમારા લોકોની ફરિયાદ આવી છે એટલે પીજી હાઉસની એક છોકરીને તૈયાર કરી છે. એના ઉપર તમે લોકોએ ગઈકાલે રાત્રે ગેંગરેપ કર્યો છે એવું અમે લોકોએ એની પાસેથી લખાવી લીધું છે. તારીખ લખવાની બાકી છે જે અમે આજે એની પાસે જ લખાવી દઈશું અને સિવિલ હોસ્પિટલમાં પણ એને એડમીટ કરી દઈશું એટલે કેસ મજબૂત થાય. " જાડેજા સાહેબ બોલી રહ્યા હતા.
" સેકશન ૩૭૬ હેઠળ ૨૦ વર્ષની સજા હું તમને બધાને અપાવવાનો છું. તમારા ફોટા તો આવતી કાલે પેપરમાં આવી જ જશે. ન્યુઝ ચેનલવાળાને પણ બોલાવી લઉં છું. એ લોકો તો આજે જ ન્યૂઝમાં મૂકી દેશે. તમારા ગુનાની ભારેમાં ભારે સજા મારે તમને અપાવવી છે. હું તમને કોઈપણ સંજોગોમાં છોડવાનો નથી. " જાડેજા ગુસ્સાથી બોલ્યા.
છ એ છ જણા એટલા બધા ગભરાઈ ગયા કે ઘુંટણીએ બેસીને જાડેજા સાહેબને બે હાથ જોડી કરગરવા લાગ્યા. એક ઢીલો યુવાન તો એટલો બધો ટેન્શનમાં આવી ગયો કે ૨૦ વર્ષની સજા સાંભળીને જ રડી પડ્યો.
આ છ નબીરાઓમાં ચાર જ શ્રીમંત ઘરના હતા. બાકીના બે તો એમના હજુરીયા હતા.
જો ખરેખર ગેંગરેપની વાત ન્યુઝ ચેનલમાં આવે અને ફોટા પણ પેપરમાં જાહેર થાય તો માતા પિતાની આબરૂ પણ જાય. છ જણા ભયંકર ટેન્શનમાં આવી ગયા. શું કરવું એ સમજણ પડતી નહોતી.
" હવે કેમેરામેન અને ન્યૂઝ ચેનલવાળા આવે ત્યાં સુધી આ લોકોને લોકઅપમાં લઈ જાઓ. અને સોલંકી તમે ગેંગરેપ નો આખો કેસ તૈયાર કરો. આ બધાના નામ લખી દો. આપણે એમને આજે કોર્ટમાં રજૂ કરવા પડશે. " જાડેજા સાહેબ સૂચના આપી રહ્યા હતા.
"અને સુધીરને કહો કે એ પીજી હાઉસ જઈને પેલી છોકરીને સિવિલમાં એડમિટ કરી દે. મારે સિવિલના ડોક્ટર સાથે વાતચીત થઈ ગઈ છે. છોકરીએ ગેંગરેપનું જે લખાણ આપ્યું છે એના ઉપર આજની તારીખ પણ લખાવી દેજો. આ લોકોની ચરબી મારે ઉતારવી જ પડશે." જાડેજા બોલ્યા.
હવે આ છ જણાને ખાતરી થઈ ગઈ કે આ ઇન્સ્પેક્ટર કોઈપણ સંજોગોમાં છોડશે નહીં. ગેંગરેપ સાબિત કરવા માટે પીજી હાઉસની કોઈ છોકરીને પણ તૈયાર કરી દીધી હતી. હવે તો આ કેસ એકદમ મજબૂત બની જશે. ૨૦ વર્ષની સજા અને આટલી મોટી બદનામીથી આ લોકો ખરેખર ડરી ગયા હતા. પીજી હાઉસ એમને ભારે પડી ગયું હતું.
"સાહેબ કોઈક રસ્તો કાઢો. અમારી આખી જિંદગી બરબાદ થઈ જશે. અમારાથી ભૂલ થઈ છે એ અમે કબૂલ કરીએ છીએ. તમે કહો તે રકમ અમે આપવા તૈયાર છીએ. અમને જવા દો સાહેબ." નિલેશ નામનો એક નબીરો હિંમત કરીને બોલ્યો.
" મારે તમારા લોકો પાસેથી કોઈ રકમ જોઈતી નથી. ગુનેગારને સજા મળવી જ જોઈએ. તમને જવા દઉં એટલે થોડા દિવસ શાંત રહીને ફરી તમે લોકો રાત્રે ફરી પાછા પીજી હાઉસમાં ઘૂસી જવાના. તમારું સ્ટંટ કરવાનું પણ ચાલુ જ રહેવાનું. " જાડેજા સાહેબ બોલ્યા.
" સાહેબ અમે તમને વચન આપીએ છીએ કે આજ પછી અમારામાંથી કોઈ પણ આ રીતે રાત્રે બાઈકો લઈને ધમાલ નહીં કરે અને પીજી હાઉસમાં તો ક્યારે પણ અમે નહીં જઈએ." નિલેશ બોલ્યો. એ મુખ્ય તોફાની લીડર હતો.
"સોલંકી તમે એક સ્ટેટમેન્ટ તૈયાર કરો કે અમારા છ જણાથી દારૂના નશામાં ગઈ કાલે રાત્રે શાલીમાર-૩ પીજી હાઉસમાં એક છોકરી ઉપર સામૂહિક બળાત્કાર થઈ ગયો છે. અમે એના માટે શરમિંદા છીએ. આ કબૂલાત અમે કોઈપણ જાતના દબાણ વગર કરીએ છીએ. અમારાથી ભૂલ થઈ ગઈ છે અને એના માટે જે પણ સજા થતી હોય તે સ્વીકારવા અમે તૈયાર છીએ. " જાડેજા સાહેબ બોલી રહ્યા હતા.
" તારીખ વગરનું લખાણ લખી એના નીચે આ છ એ છ જણની એડ્રેસ સાથે સહી લઈ લો. એની સાથે પેલી છોકરીની જે ફરિયાદ છે એ એટેચ કરી એક ફાઈલ બનાવી દો. જો આ લોકો ફરી ક્યાંય પણ ધમાલ કરે તો તે દિવસની તારીખ તમે નાખીને મજબૂત કેસ બનાવી દેજો. આજે પહેલી વાર છે એટલે એમને જવા દઉં છું. " જાડેજા બોલ્યા.
" જી સર " કહીને સોલંકી આ છ એ છ જણને પોતાના ટેબલ ઉપર લઈ ગયા અને જાડેજા સાહેબે કહ્યા પ્રમાણે સ્ટેટમેન્ટ તૈયાર કર્યું અને નીચે દરેકની સહી, દરેકનો મોબાઇલ નંબર અને દરેકનું ફુલ એડ્રેસ લખાવી લીધું.
એ પછી ફરી બધા જાડેજા સાહેબની કેબિનમાં ગયા. જાડેજા સાહેબે આખું સ્ટેટમેન્ટ વાંચી લીધું અને બધાના મોબાઈલ પાછા આપવાની સૂચના આપી.
સોલંકીએ દરેકના મોબાઈલ પાછા આપ્યા અને બધા જ નબીરાઓ જાડેજા સાહેબનો આભાર માની એમને બે હાથ જોડી પગે લાગી બહાર નીકળી ગયા.
"સાહેબ તમે જબરદસ્ત ગેમ રમી હોં !" છોકરાઓ ગયા પછી સોલંકી જાડેજા સાહેબની સામે બેસીને બોલ્યો.
" છૂટકો જ નહોતો. લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે. આ બધા રીઢા ગુનેગારો જેવા છે. દારૂ પીને ધમાલ કરે એના માટે કાયદામાં લાંબી સજા તો છે જ નહીં. એટલે આ બધું નાટક મારે કરવું પડે. માણસને એકવાર ભય પેસી જાય પછી બીજી વાર એ સો વાર વિચાર કરે. સામૂહિક બળાત્કારની લાંબામાં લાંબી સજા છે. અને પાછું સમાજમાં આખા પરિવારનું નામ બદનામ થાય એ જુદું !" જાડેજા સાહેબ બોલ્યા.
" પણ સર જબરદસ્ત આઈડિયા લઈ આવ્યા તમે ! પાછું સ્ટેટમેન્ટ પણ લખાવી લીધું એટલે એમણે તો કાંડાં કાપી આપ્યાં. હવે ધમાલ કરવાની ખો ભૂલી જશે. " જાડેજા સાહેબ બોલ્યા.
" સર હવે પેલા ચોકીદારનું શું કરવાનું છે ? " સોલંકી બોલ્યો.
" હા એને બોલાવો. એ તો મારા મગજમાં જ નથી. " જાડેજા બોલ્યા.
" તારું નામ શું ભાઈ ? " ચોકીદાર આવ્યો એટલે સાહેબે પૂછ્યું.
"જી. કરસન મારું નામ. " ચોકીદાર બોલ્યો.
"સોલંકી ઊભા થઈને એને એક તમાચો ઠોકી દો. " સાહેબ બોલ્યા.
સોલંકીએ જરા પણ દયા ખાધા વગર એક થપ્પડ એને મારી દીધી. પેલો ધ્રુજવા લાગ્યો.
"સાલા હરામખોર છોકરીઓની રક્ષા કરવાના બદલે આવા ગુંડાઓને સાથ આપે છે ? તને પગાર શાનો મળે છે ? " જાડેજા સાહેબ ગુસ્સાથી બોલ્યા.
"જી સાહેબ મને માફ કરો. આ લોકો મને પૈસા અને ઇંગ્લિશ દારૂ પણ આપતા હતા. બહુ માથાભારે લોકો છે સાહેબ. હું સાથ ના આપું તો મને પણ મારે." કરસન બોલ્યો.
" કેટલા સમયથી આ બધું ચાલે છે ? "
જાડેજા બોલ્યા.
" લગભગ એક વર્ષ થવા આવ્યું સાહેબ." કરસન બોલ્યો.
"આ લોકો પીજી હાઉસમાં શા માટે આવે છે ? ત્યાં ધમાલ કરીને શું ફાયદો ? છોકરીઓ સંચાલકને ફરિયાદ કેમ નથી કરતી ? " જાડેજા સાહેબે સીધો સવાલ કર્યો.
"સાહેબ એ લોકો બે છોકરીઓને લેવા માટે આવે છે જે એમની સાથે ભળેલી છે. એ આ લોકોની સાથે બહાર પણ જાય છે અને મોડી રાત્રે પાંચ વાગે પાછી આવે છે. સંચાલક રશ્મિ મેડમ બધું જ જાણે છે પરંતુ એ કોઈની સાથે દુશ્મની કરવા માગતાં નથી એટલે ચલાવી લે છે. " કરસન બોલ્યો.
"રાત્રે કાળી ગાડી કોની આવે છે ? એ ગાડી રોજ આવે છે ? રશ્મિ મેડમ એના વિશે જાણે છે ? એ ગાડીમાં કોણ કોણ બહાર જાય છે ? મને નામ આપ. સાચે સાચું બોલજે નહીં તો મારે તારા ઉપર થર્ડ ડિગ્રી અપનાવવી પડશે" જાડેજા સાહેબે ધારદાર સવાલ કર્યો.
આ સવાલ સાંભળીને કરસનના મોતિયા મરી ગયા. પોતે બધું જાણતો હતો પરંતુ બગ્ગા શેઠનું નામ દેવાય એવું હતું નહીં અને આ બાજુ જાડેજા સાહેબ નામ જાણ્યા વગર એને છોડવાના નહોતા ! જો નામ ના આપે તો સાહેબ એને ધોઈ નાખે !
ભર શિયાળામાં પણ કરસનને પરસેવો વળી ગયો.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

