પીજી હાઉસ પ્રકરણ 18
જાડેજા સાહેબે પીજી હાઉસમાં જઈને ધમાલ કરતા છ નબીરાઓને બરાબર પાઠ ભણાવ્યો હતો. નબીરાઓ એટલા બધા ડરી ગયા હતા કે જિંદગીમાં ફરી ક્યારે પણ આવા સ્ટંટ કરવાનું જ ભૂલી ગયા હતા !
પીજી હાઉસ નવલકથા
જાડેજા સાહેબે હવે ચોકીદારનો ક્લાસ લેવાનું શરૂ કર્યું હતું.
ચોકીદારે માહિતી આપી હતી કે આ નબીરા એને પૈસા પણ આપતા હતા અને ઇંગ્લિશ દારૂ પણ આપતા હતા એટલા માટે એ સાથ આપતો હતો. એણે એ પણ જણાવ્યું હતું કે પીજી હાઉસની બે છોકરીઓ પણ આ લોકોની સાથે બહાર જતી હતી અને દારૂ પીને મોડી રાત્રે આવતી હતી.
એ પછી જાડેજા સાહેબે રાત્રે બ્લેક મર્સિડિઝમાં કોણ આવતું હતું એ સવાલ પૂછ્યો હતો અને એ ગાડીમાં કઈ કઈ છોકરીઓ બહાર જતી હતી એના વિશે પણ પૂછ્યું હતું.
આ સવાલ સાંભળીને ચોકીદાર કરસન ખરેખર ગભરાઈ ગયો હતો. જો નામ આપે તો સામે ખૂંખાર માણસ હતો અને જો નામ ના આપે તો જાડેજા સાહેબ અહીં જ એને ધોઈ નાખે. હવે કરવું શું ?
" હજી ફરી એકવાર પૂછું છું કે રાત્રે બ્લેક મર્સિડિઝમાં કોણ આવે છે અને એની સાથે કઈ કઈ છોકરીઓ બહાર જાય છે એનું નામ આપ. " જાડેજા જરા ઊંચા અવાજે બોલ્યા.
" સર બ્લેક ગાડી આવે છે ખરી પરંતુ નીચે ઉતરીને મેં એ માણસને ક્યારેય પણ જોયો નથી. અને એની સાથે માત્ર એક જ મેડમ બહાર જાય છે. એ માણસને હું ખરેખર ઓળખતો નથી સાહેબ. " કરસન બોલ્યો.
"ઠીક છે તો પછી એ છોકરીને આપણે અહીં બોલાવીએ. એની સાથે બ્લેક ગાડીમાં બહાર જાય છે એટલે એ તો ઓળખતી જ હશે ને ? એ છોકરીનું નામ આપ. " જાડેજા બોલ્યા.
" સાહેબ મેં નામ ક્યારેય પણ પૂછ્યું નથી. " કરસન બે હાથ જોડીને બોલ્યો.
" વેરી ગુડ. એનો ચહેરો તો તને યાદ છે ને ? સોલંકી.... તમે સુધીરને આ ચોકીદાર સાથે પીજી હાઉસ મોકલો અને આ ચોકીદાર જે છોકરીને ઓળખી બતાવે એને પકડીને અહીં લઈ આવો. સાથે તમે લેડી કોન્સ્ટેબલને પણ લેતા જાઓ. પીસી વાનમાં જ જજો. " જાડેજા બોલ્યા.
હવે કરસન બરાબરનો ફસાયો. જો છોકરી અહીં આવશે તો પોલીસના મારથી એ તો બગ્ગા શેઠનું નામ આપી દેશે. અને પોલીસ તપાસમાં હું બગ્ગા શેઠને સારી રીતે ઓળખું છું એ પણ કહી દેશે.
" સાહેબ મને બીજી બધી કંઈ જ ખબર નથી પરંતુ જે માણસ આવે છે એનું નામ બગ્ગા શેઠ છે એવું એ છોકરીના મ્હોંએથી મેં સાંભળેલું છે. મેં એને કદી જોયો નથી. " કરસન બોલ્યો.
"તું ઘણું બધું જાણે છે (ગાળ)." કહીને જાડેજા સાહેબ પોતે જ ઊભા થયા અને એના ગાલ ઉપર એક લાફો ઠોકી દીધો.
"ક્યારનો મને રમાડ્યા કરે છે ! પહેલાં થી ભસતાં શું થાય છે ? મને બધી જ માહિતી આપ. કોણ કોણ એ બગ્ગા સાથે સંકળાયેલું છે ? પીજી હાઉસમાં કોઈ ડ્રગ્સ લે છે કે નહીં ? તારી એ સંચાલક મેડમ કેમ ચૂપ છે ? એને પણ હપ્તા મળે છે કે શું ? અને આ જે છ છોકરાઓ અહીંથી ગયા એ બગ્ગાને ઓળખે છે ? મારે બધા જ સાચા જવાબો જોઈએ. " જાડેજા સાહેબ બોલ્યા.
કરસન મૂંઝાઈને થોડીવાર ઊભો રહ્યો પણ પછી સાહેબનો ગુસ્સો જોઈ એણે વટાણા વેરી નાખ્યા.
" સાહેબ બગ્ગા શેઠ સાથે માત્ર રીટા મેડમને જ સંબંધ છે. અને માત્ર એ જ એમની સાથે અઠવાડિયામાં એક અથવા બે વાર જાય છે. રીટા મેડમ શેઠની ગર્લફ્રેન્ડ લાગે છે. એ પોતે પણ ડ્રગ્સ લે છે. " કરસન બોલી રહ્યો હતો.
"પીજી હાઉસમાં બીજાં કોઈ મેડમ ડ્રગ્સ લેતાં નથી. બીજાં બે મેડમ હમણાં ગયા એ છોકરાઓ સાથે એક જ કોલેજમાં ભણે છે એટલે રાત્રે એમની સાથે પીવા માટે બહાર જાય છે અને પરોઢિયે પાંચ વાગે પીજી હાઉસ આવે છે. એ પણ મને વાપરવા માટે પૈસા આપે છે. " કરસન બોલ્યો.
"આ જે છોકરાઓ ગયા એ લોકો ડ્રગ્સ લે છે ? એ બગ્ગાને ઓળખે છે ?" જાડેજા સાહેબે પૂછ્યું.
" ના સાહેબ એ લોકોને બગ્ગા શેઠ સાથે કોઈ જ સંબંધ નથી. એ બધા કોલેજ સ્ટુડન્ટ છે અને રાત્રે પીવા માટે નીકળે છે અને રોડ ઉપર સ્ટંટ કરતા હોય છે. એ લોકો એમની કોલેજમાં ભણતી પેલી બે છોકરીઓને લેવા માટે જ પીજી હાઉસમાં આવે છે." કરસન બોલ્યો.
" તું પોતે બગ્ગા ને મળેલો છે ? સાચે સાચું બોલજે. મને બધી જ ખબર પડવાની છે. " જાડેજા બોલ્યા.
"હા સાહેબ માત્ર એકવાર મળેલો છું. મારે મારા નાના ભાઈના ઓપરેશન માટે એક લાખની જરૂર હતી ત્યારે મેં રીટા મેડમને પૈસા માટે વિનંતી કરી હતી. એ વખતે રીટા મેડમ જ્યારે બગ્ગા શેઠ એમને લેવા માટે નીચે આવ્યા ત્યારે મને પણ નીચે લઈ ગયાં હતાં અને એક લાખની મદદ કરવાની વાત કરી હતી. શેઠે મને કંઈ પણ પૂછ્યા વગર ત્યાં ને ત્યાં જ એક લાખ રૂપિયા આપ્યા હતા." કરસન બોલ્યો.
" હમ્ ... તારાં આ રશ્મિ મેડમ બગ્ગાને ઓળખે છે ? અને આ છોકરાઓ રાત્રે આટલી ધમાલ કરે છે તો એ કેમ કોઈ એક્શન લેતાં નથી ? " જાડેજા બોલ્યા.
" સાહેબ મારી નોકરી રાતની હોય છે. દિવસ દરમિયાન એ મેડમ કોને મળે છે કોને નહીં એની મને ખરેખર કંઈ જ ખબર નથી. હું સાચું બોલું છું. અને જે પણ થાય છે તે રાત્રે જ થાય છે. દિવસ દરમિયાન તો કંઈ થતું જ નથી એટલે કદાચ એ ફરિયાદ નહીં કરતાં હોય. મને જેમ પૈસા મળે છે તેમ રીટા મેડમ એમને પણ પૈસા આપતાં હોય ! રીટા મેડમ પીજી હાઉસમાં ખૂબ જ પૈસા વેરે છે. " કરસન બોલ્યો.
" સારું.. પેલા કોલેજીયન નબીરાઓ હવે પીજી હાઉસમાં ક્યારેય પણ નહીં આવે. હવે મને જે બે છોકરીઓ એમની સાથે પીવા માટે મોડી રાત્રે બહાર જતી હતી એમનાં નામ કહી દે. તારું નામ ક્યાંય નહીં આવે. " જાડેજા બોલ્યા.
" એકનું નામ શીતલ છે અને બીજાં મેડમનું નામ ભૂમિ છે." કરસન બોલ્યો.
" સારું...તું હવે જઈ શકે છે. અને સાંભળ અત્યારે જેમ ચાલે છે એમ ચાલવા દે. ભૂલે ચૂકે પણ તેં પોલીસ સ્ટેશનમાં માહિતી આપી છે એ વાત કોઈને પણ કરતો નહીં. અને રીટાને તો બિલકુલ નહીં. જો રીટાને ખબર પડી ગઈ તો અમે તને જ પકડીશું " જાડેજા સાહેબ બોલ્યા.
" જી સાહેબ. હું કોઈને પણ નહીં કહું." કરસન બોલ્યો.
સોલંકીએ કરસનને એનો મોબાઇલ પાછો આપ્યો એટલે એ પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયો.
" સોલંકી આપણને બગ્ગા સુધી પહોંચવા માટે રીટા નામની સીડી તો મળી ગઈ છે પરંતુ મુશ્કેલી એ છે કે આપણને એમ સીધી રીતે એ બગ્ગાનું એડ્રેસ નહીં આપે. બગ્ગા સાથે રહીને એ પણ રીઢા ગુનેગાર જેવી થઈ ગઈ હશે. અને સ્ત્રી ઉપર આપણે થર્ડ ડીગ્રી અજમાવી શકતા નથી. આપણે હવે રાતના ઉજાગરા કરીને બગ્ગાનો જ પીછો કરવો પડશે. " જાડેજા બોલ્યા.
" રાઈટ સર " સોલંકી બોલ્યો.
" બીજી બાબત એ પણ છે કે જો આપણે રીટાને પકડીશું તો એ સમાચાર બગ્ગા સુધી પહોંચી જ જશે અને તો પછી બગ્ગા ફરી પીજી હાઉસ આવવાની ભૂલ નહીં કરે. અને એવું પણ બને કે થોડા દિવસ એ રાજકોટ જ છોડી દે. એટલે આપણે રીટાને ડિસ્ટર્બ નહીં કરીએ. " જાડેજા સાહેબ બોલ્યા.
"તમારો એ પોઇન્ટ પણ સાચો છે સર " સોલંકી બોલ્યો.
" આપણે આ બધી હકીકતની હેડક્વાર્ટરમાં જાણ કરવી પડશે. બગ્ગા બહુ મોટું માથું છે એટલે આપણા એકલાનું આ કામ જ નથી. આખું ઓપરેશન ગોઠવવું પડશે. હું કાલે જ ડેપ્યુટી કમિશનરને મળી આવું છું." જાડેજા સાહેબ બોલ્યા.
" જી સર. હવે રશ્મિ મેડમને અને પેલી બે છોકરીઓને ક્યારે બોલાવવી છે ?" સોલંકી બોલ્યો.
" પરમ દિવસે બોલાવી લો. કાલે તો મારે મીટીંગ માટે જવું પડશે. અને તમે માલવિયાનગર પોલીસ સ્ટેશને ઈકબાલ મન્સૂરીને આજે જે કંઈ પણ બન્યું એની જાણ કરી દેજો. એણે જ આપણને આ બધી માહિતી આપી છે." જાડેજા બોલ્યા અને ઊભા થઈ બહાર નીકળી ગયા.
સાહેબના નીકળી ગયા પછી સોલંકીએ ઈકબાલ મન્સૂરીને ફોન લગાવ્યો.
" અરે ઈકબાલભાઈ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનથી સોલંકી બોલું છું. જાડેજા સાહેબે તમારી સાથે વાત કરવાની મને ખાસ સૂચના આપી છે. તમને ટાઈમ હોય તો અત્યારે ગાંધીગ્રામ આવી શકશો ? " સોલંકી બોલ્યો.
" મારી પાસે તો અત્યારે ટાઈમ જ ટાઈમ છે. હું હાલ જ નીકળું છું. અડધી કલાકમાં પહોંચી જઈશ. " ઈકબાલ બોલ્યો અને પીઆઇ ની રજા લઈને એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન આવવા માટે નીકળી ગયો.
" હવે બોલો. પીજી હાઉસની બાબતમાં તપાસ કંઈ આગળ વધી ? " ઈકબાલે સોલંકી પાસે આવીને સીધો સવાલ કર્યો.
" અરે જાડેજા સાહેબે તો કમાલ કરી દીધી. આજે તો પીજી હાઉસમાં ઘૂસી જતા પેલા કોલેજીયન ટપોરીયાઓને સરે એટલા બધા ડરાવી દીધા છે કે જિંદગીમાં કદી પીજી હાઉસનું નામ જ નહીં લે અને રાત્રે બાઈકો ઉપર ચીચીયારીઓ પાડીને જે સ્ટંટ કરતા હતા એ પણ હવે પછી નહીં કરે. " સોલંકી બોલ્યો.
"અરે પણ થયું શું ? મને વિગતવાર કહો. કારણ કે આ કેસમાં મને ખૂબ જ રસ છે. આ પીજી હાઉસ મારા ખાસ મિત્રનું છે. " ઈકબાલ બોલ્યો.
"ત્રણ દિવસથી રાત્રે અમે લોકો પીજી હાઉસ ઉપર વોચ રાખતા હતા. ગઈ કાલે રાત્રે અમને સફળતા મળી અને બધા નબીરાઓને પકડીને લોકઅપમાં પૂરી દીધા. પેલા ચોકીદારને પણ પકડી લીધો. સવારે ૯ વાગે સર આવ્યા પછી બધાને સર આગળ રજૂ કર્યા." સોલંકી બોલતો હતો.
"જાડેજા સરે તો જબરદસ્ત સ્ટોરી ઊભી કરી દીધી. પેલા નબીરાઓને કહ્યું કે આજે જ તમારા બધા ઉપર ગેંગરેપ નો કેસ કરવામાં આવશે અને તમારું આ પરાક્રમ આજે ન્યૂઝ ચેનલમાં આવી જશે. પીજી હાઉસમાં એક છોકરીને અમે તૈયાર કરી છે જેણે લખાણ આપ્યું છે કે મારી ઉપર છ નરાધમોએ ગેંગરેપ કર્યો છે. " સોલંકી બોલતા હતા. ઈકબાલ રસ લઈને સાંભળતો હતો.
" સરે એ લોકોને કહી દીધું કે તમને ૨૦ વર્ષની સજા હું અપાવીશ. છોકરીને અત્યારે હોસ્પિટલમાં એડમિટ કરી દઉં છું અને ડોક્ટરનું સર્ટિફિકેટ પણ આવી જશે. ૨૦ વર્ષની સજા અને બદનામીના ભયથી પેલા લોકોના હોશ જ ઉડી ગયા અને રીતસર સરને કરગરવા લાગ્યા ! " સોલંકી બોલ્યો.
" જાડેજા સર આટલી અદભુત ગેમ રમશે એની તો મને પણ કલ્પના નહોતી. મેં સરને ભલામણ ચોક્કસ કરી હતી કે મારા મિત્રનું પીજી હાઉસ છે અને આ લોકોને બરાબર પાઠ ભણાવવો છે. " ઈકબાલ બોલ્યો.
"હા તો બરાબરનો પાઠ ભણાવ્યો સરે. જિંદગીભર ખો ભૂલી જશે. સરે તો એમનું તારીખ વગરનું સ્ટેટમેન્ટ પણ લઈ લીધું જેથી હવે પછી જો પીજી હાઉસ બાજુ ફરકે તો ગમે ત્યારે ગેંગરેપનો કેસ ઊભો થઈ શકે ! પેલા ચોકીદારનો પણ બરાબરનો ક્લાસ લીધો. " સોલંકી બોલ્યો.
" વાહ ! જાડેજા સરે તો કમાલ કરી દીધી. " ઈકબાલ બોલ્યો.
" હા અને ચોકીદારને પણ બે તમાચા ઠોકી દીધા એટલે એણે પણ વટાણા વેરી દીધા. જે બે છોકરીઓ મોડી રાત્રે દારૂ પીવા માટે બહાર જાય છે એમનાં નામ પણ આપી દીધાં. એ બે છોકરીઓ પેલા નબીરાઓની સાથે એક જ કોલેજમાં ભણે છે. ચોકીદારે એક બીજી વાત એ કરી કે રીટા નામની જે છોકરી બગ્ગા સાથે બહાર જાય છે એ તો એની પ્રેમિકા જ છે. " સોલંકી બોલ્યો.
" આ હિસાબે જાડેજા સરે ઘણી બધી માહિતી મેળવી લીધી. " ઈકબાલ બોલ્યો.
" હા અને હવે સાહેબનું મિશન બગ્ગા ને પકડવાનું છે અને એના માટે ડેપ્યુટી કમિશનરને કાલે મળવાના છે. કારણકે આ કામ ઘણું મોટું છે અને નાકાબંધી કરવી પડે. " સોલંકીએ વાત પૂરી કરી.
"આઈ એમ એક્સાઈટેડ. કાશ એ વખતે હું ત્યાં હાજર હોત ! " ઈકબાલ બોલ્યો અને એ પછી સોલંકીએ જે ચા મંગાવી હતી એ પીને એ નીકળી ગયો.
ઈકબાલે માલવિયાનગર જઈને ઘડીના પણ વિલંબ વિના આખી વાત વિગતવાર દેવરાજને કરી. દેવરાજ ખુશ થઈ ગયો. જાડેજા સાહેબ આટલી ઝડપથી અને આટલી સરસ રીતે આ નબીરાઓને સીધા કરશે એની એને કલ્પના જ નહોતી. એ પોતે તો ક્યારેય પણ જાડેજા સાહેબને મળ્યો ન હતો પરંતુ એમનો આભાર માનવાની એને ઈચ્છા થઈ.
તે દિવસે બગ્ગાની સાથે આજી ગાર્ડન રેસ્ટોરન્ટમાં જમવા આવેલી રીટા નામની છોકરી એની પ્રેમિકા જ હતી એ એને આજે ખબર પડી. એટલા માટે જ એ બગ્ગાની ગાડીમાં ફરતી હતી એ એને સમજાઈ ગયું.
પીજી હાઉસમાં આવીને રાત્રે ધમાલ કરતા નબીરાઓ હવે પછી ક્યારેય પણ આવશે નહીં એ સમાચાર એના માટે સારા હતા. પેલી બે છોકરીઓ જે મોડી રાત્રે પીવા માટે બહાર જતી હતી અને વહેલી પરોઢે પાછી આવતી હતી એ પણ પેલા નબીરાઓ સાથે એક જ કોલેજમાં ભણતી હતી એ જાણીને એને નવાઈ લાગી. નબીરાઓને સીધા કર્યા પછી એ છોકરીઓ પણ હવે કદાચ બહાર નહીં જાય !!
હવે જાડેજા સાહેબ રશ્મિ મેડમને પણ બોલાવવાના છે એ જાણીને પણ એને આનંદ થયો.
આ બાજુ જાડેજા સાહેબે ડેપ્યુટી કમિશનરને મળીને બગ્ગાને પકડવાનો તખ્તો ગોઠવી દીધો હતો. અઠવાડિયામાં એકાદ વાર તો બગ્ગા પીજી હાઉસ પાસે એની મર્સિડિઝ લઈને પ્રેમિકાને લેવા આવતો જ હતો એટલે ચાર પાંચ દિવસ સુધી નાકાબંધી ચાલુ રાખવી પડશે.
ત્રીજા દિવસની રાતથી યુનિવર્સિટીથી બહાર નીકળતા તમામ રોડ ઉપર પોલીસ વાનો ગોઠવાઈ ગઈ અને સ્ટેન્ડ બાય મોડ ઉપર ચાલુ કન્ડિશનમાં જ રાખી.
ત્રણ દિવસ સુધી રાહ જોવી પડી પરંતુ અંતે ચોથા દિવસે પોલીસ ડિપાર્ટમેન્ટને સફળતા મળી. બગ્ગા રાત્રે લગભગ ૧૦ વાગે રીટાને લેવા માટે પીજી હાઉસ આવ્યો. રીટા નીચે આવે ત્યાં સુધી પાંચ મિનિટ એ ગાડી ઉભી રાખતો હતો.
એ પાંચ મિનિટમાં તો તમામ પોલીસ વાનમાં મેસેજ પહોંચી ગયો હતો એટલે રીટા નીચે આવે ત્યાં સુધીમાં તો આગળ પાછળથી તમામ પોલીસ વાને મર્સિડિઝને ઘેરી લીધી.
બગ્ગા માટે આ હુમલો અણધાર્યો હતો. આજે એ ઊંઘતો જ ઝડપાઈ ગયો હતો. તમામ પોલીસ અધિકારીઓ અને કોન્સ્ટેબલો પિસ્તોલ અને બંદૂક સાથે ગાડીને ઘેરી વળ્યા હતા.
બરાબર આ જ સમયે બગ્ગાની ગાડીની પાછળ થોડેક દૂર ઉભેલા બોડીગાર્ડે પોતાના બૉસને બચાવવા માટે આડેધડ ગોળીઓ છોડી અને એમાં બે કોન્સ્ટેબલ ઘાયલ થયા પરંતુ પોલીસ તરફથી થયેલા ગોળીબારમાં બોડીગાર્ડ માર્યો ગયો !
હવે બગ્ગા માટે સરેન્ડર થયા વગર કોઈ છૂટકો જ ન હતો. આટલા બધા અધિકારીઓ વચ્ચે ભાગી છૂટવું એના માટે મુશ્કેલ હતું. તમામ અધિકારીઓ પાસે પિસ્તોલ હતી. પોતે જો ગોળી ચલાવે તો સામે ગોળીબાર થવાનો જ હતો એટલે જાનનું જોખમ લેવા એ માગતો ન હતો !
બરાબર આ જ સમયે પીજી હાઉસમાંથી નીચે ઉતરીને આવેલી રીટા બહાર પોલીસોને જોઈને સાવધાન થઈ ગઈ અને બીજી જ મિનિટે એ દોડીને પીજી હાઉસમાં ઉપર જતી રહી.
બીજા દિવસે સવારે ગુજરાતનાં તમામ વર્તમાનપત્રોમાં બગ્ગા પકડાઈ જવાના સમાચાર પ્રથમ પાને જ છપાયા. મોહિન્દર બગ્ગા એક ખૂંખાર ડ્રગ્સ સ્મગલર હતો અને પોલીસ તેને શોધી રહી હતી. આ આખું મિશન જાડેજા સાહેબે ખૂબ સરસ રીતે બહાર પાડ્યું હતું એટલે રાજ્ય સરકારે પણ એમની પ્રશંસા કરી.
બગ્ગા પકડાઈ ગયો એનો ખરો યશ તો દેવરાજને જ જતો હતો. અને એટલે જ જાડેજા સાહેબે દેવરાજનો ખાસ આભાર માન્યો હતો !
પરંતુ દેવરાજ જાણતો હતો કે આ યશની સાચી ભાગીદાર તો કાવ્યા પાઠક જ હતી !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
