પીજી હાઉસ પ્રકરણ 19
બગ્ગા જેવો ડ્રગ્સનો નામચીન સોદાગર પકડાઈ ગયા પછી બીજા દિવસે સાંજે ચાર વાગે જાડેજા સાહેબે બગ્ગાની પ્રેમિકા રીટા, રશ્મિ મેડમ અને મોડી રાત્રે દારૂ પીવા બહાર જતી શીતલ અને ભૂમિને પણ પોલીસ સ્ટેશન બોલાવી.જાડેજા સાહેબે પીજી હાઉસના માલિક દેવરાજને પણ પોલીસ સ્ટેશન બોલાવી લીધો જેથી એની હાજરીમાં જ પોલીસ તપાસ થઈ શકે.
સોલંકીએ તમામ આરોપીઓને બીજા રૂમમાં બેસાડ્યા. સૌ પ્રથમ રશ્મિ મેડમને જાડેજા સાહેબની ચેમ્બરમાં મોકલ્યાં.
" તમે કેટલા સમયથી પીજી હાઉસનું સંચાલન કરો છો ?" જાડેજા સાહેબનો પહેલો સવાલ.
" જી સર. જ્યારથી પીજી હાઉસનું ઉદઘાટન થયું ત્યારથી હું સંચાલક તરીકે જવાબદારી સંભાળું છું. " રશ્મિ મેડમ બોલ્યાં.
"કેટલા સમયથી તમારા પીજી હાઉસમાં નબીરાઓ રાત્રે ઘૂસીને ધમાલ કરતા હતા ? " જાડેજા બોલ્યા.
" સર સમય તો ખબર નથી કારણ કે રાત્રે આઠ વાગ્યા પછી તો હું મારા ઘરે જતી રહું છું. ચોકીદારને આ બધી વાતની વધારે ખબર હોય. "
" સારું. તમને જ્યારે ખબર પડી કે પીજી હાઉસમાં રાત્રે આ રીતે બહારથી અસામાજિક તત્વો આવીને ધમાલ કરે છે ત્યારે તમે શું એક્શન લીધી ?" જાડેજા બોલ્યા.
" મેં ચોકીદારને ખખડાવ્યો અને હવે પછી આ રીતે પીજી હાઉસમાં આવીને કોઈ ધમાલ કરે તો પોલીસ ફરિયાદ કરવાનું પણ કહ્યું સાહેબ " રશ્મિ મેડમ બોલ્યાં.
" વેરી ગુડ. પોલીસ ફરિયાદ કરવાની જવાબદારી ચોકીદારની છે કે તમારી ?" જાડેજા બોલ્યા.
" જી સાહેબ આમ તો મારી જ છે. પરંતુ ચોકીદારની હાજરીમાં આવી ધમાલ થતી હોય તો ફરિયાદ કરવાની જવાબદારી એની પણ છે ને ?" રશ્મિ મેડમ બોલ્યાં.
" વ્હોટ નોનસેન્સ ! તમે મને કાયદા શીખવાડો છો ? ચોકીદાર સંચાલક તરીકે તમને ફરિયાદ કરે કે એ પોતે જ સીધો પોલીસ સ્ટેશન જાય ? એની ફરજ તમારું ધ્યાન દોરવાની છે. તમે આ બધું ઘણા સમયથી જાણો છો અને છતાં આંખ આડા કાન કરો છો ? " જાડેજા સાહેબ બગડ્યા.
" ના ના સાહેબ એવું નથી. મને તો હમણાં જ ખબર પડી. હું ફરિયાદ કરવાની જ હતી. " રશ્મિ મેડમને હવે પરસેવો વળી ગયો.
" અને પોલીસ સ્ટેશનની વાત તો પછી આવે. આ દેવરાજ શેઠ પીજી હાઉસના માલિક છે. તમે અત્યાર સુધીમાં એક વાર પણ એમને વાત કરી ? ગર્લ્સ ના પીજી હાઉસમાં અસામાજિક તત્વો રાત્રે દારૂ પીને ઘુસી જાય અને એક વર્ષ સુધી તમે ચૂપ રહો એ તો હદ કહેવાય ! તમને દોઢ લાખ પગાર શાના માટે મળે છે ? તમે શું સંચાલન કરો છો ? " જાડેજા સાહેબ બોલ્યા.
" સોરી સાહેબ. મારી ભૂલ થઈ છે અને હું કબુલ કરું છું. " રશ્મિ મેડમ બોલ્યાં.
" આ ભૂલ નથી.આ મોટો ગુનો છે. અને તમે મોટો ગુનો તો બગ્ગા જેવા મોટા ગુનેગારને બચાવવાનો કર્યો છે. અને એના માટે તમને હું સજા અપાવીશ. " જાડેજા સાહેબ બોલ્યા.
"સર મેં બગ્ગાને બચાવ્યો નથી. મેં તો એને જોયો પણ નથી. " રશ્મિ મેડમ હવે ખરેખર ગભરાઈ ગયાં.
"વાહ ! તમારા પીજી હાઉસમાં બગ્ગા ની ગર્લફ્રેન્ડ રહે છે. અઠવાડિયામાં એક કે બે વાર બગ્ગા એને પોતાની ગાડીમાં બહાર લઈ જાય છે. મોડી રાત્રે પાછો એ મૂકી જાય છે અને તમને કંઈ ખબર જ નથી ? ચોકીદારે તમને વાત નથી કરી ? આટલો મોટો ગુનેગાર જેને પોલીસ પણ શોધી રહી હતી એ તમારા પીજી હાઉસમાં લગભગ એક વર્ષથી આવતો હતો છતાં તમે પોલીસને જાણ કરી ? તમે એને સાથ આપ્યો એ બદલ તમારા ઉપર કેસ થઈ શકે છે મેડમ " જાડેજા સાહેબ ગુસ્સાથી બોલ્યા.
" ના સાહેબ. રાત્રે રીટાને લેવા ગાડી લઈને કોઈ આવતું હતું એટલી મને ખબર છે પરંતુ એ બગ્ગા હતો એ હું જાણતી નથી. અને બગ્ગા ડ્રગ્સનો કારોબાર ચલાવતો હતો એની પણ મને જાણ નહોતી. આ તો પેપરમાં આવ્યા પછી ખબર પડી. " રશ્મિ મેડમ બોલ્યાં.
" તમારા પીજી હાઉસની છોકરીઓ આ રીતે રાત્રે બહાર જાય અને આખી રાત બહાર રહે તો એક સંચાલક તરીકે એમને કંટ્રોલ કરવાની જવાબદારી તમારી નથી ? તમે તમારી દરેક ફરજમાંથી છટકી જવા માગો છો ? " જાડેજા બોલ્યા.
" સર છોકરીઓ બધી પુખ્ત વયની છે અને આજકાલની છોકરીઓને વધારે કંઈ કહી શકાતું નથી. રીટાને મેં એક બે વાર ઠપકો પણ આપ્યો હતો." રશ્મિ મેડમે પોતાનો બચાવ કર્યો.
" તમને કંઈ પણ કહેવાનો કોઈ મતલબ જ નથી. સંચાલક તરીકે તમારી શું ફરજો છે એ મારે તમને સમજાવવાનું ? આભાર માનો આ દેવરાજ શેઠનો કે જેમણે મને તમારા વિરુદ્ધમાં કોઈપણ એક્શન લેવાની ના પાડી છે નહીં તો અત્યારે જ હું તમને એરેસ્ટ કરવાનો હતો. " જાડેજા બોલ્યા.
" સોરી સર. હવે પછી પીજી હાઉસમાં આવી કોઈ જ ઘટના નહીં બને એની હું ખાત્રી આપું છું. " રશ્મિ મેડમ બે હાથ જોડીને બોલ્યાં.
" હવે તો આમ પણ કોઈ ઘટના પીજી હાઉસમાં બનવાની નથી કારણ કે આ પીજી હાઉસ પોલીસની રડાર માં આવી ગયું છે. જઈ શકો છો તમે !" જાડેજા બોલ્યા.
રશ્મિ મેડમ ફરી બે હાથ જોડીને ઊભાં થઈ ગયાં અને બહાર નીકળી ગયાં.
દેવરાજ જાડેજા સાહેબની બાજુમાં બેઠો બેઠો રશ્મિ મેડમના બેજવાબદાર જવાબો સાંભળી રહ્યો હતો. કેવા કેવા લોકોને એ આટલો ઊંચો પગાર આપતો હતો ! આવી વ્યક્તિને ચલાવી જ ના લેવાય. બીજી કોઈ સારી મેડમ શોધવી પડશે.
રશ્મિ મેડમ ગયા પછી જાડેજા સાહેબે રીટાને અંદર મોકલવા કહ્યું.
" પોલીસના ચોપડે જે વોન્ટેડ છે એવા દેશના આટલા મોટા ગુનેગાર સાથે તારો સંબંધ છે અને તેં આ ગુનેગારને એક વર્ષથી છૂપાવ્યો છે. ડ્રગ્સના ધંધામાં તું પણ એની ભાગીદાર છે એટલા માટે હું તને એરેસ્ટ કરું છું. આપણા દેશમાં નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટના કાયદા ઘણા કડક છે એટલે આ ગુનામાં હું તને બચાવી શકું તેમ નથી." જાડેજા સાહેબ બોલ્યા.
" સાહેબ એમના ધંધામાં હું ભાગીદાર નથી. હું એમને પ્રેમ કરું છું અને એટલા માટે જ એમની સાથે બહાર જતી હતી. મેં કોઈ જ ડ્રગ વેચ્યું નથી. આપ પીજી હાઉસમાં પણ બધી છોકરીઓને પૂછી શકો છો. કોઈને પણ મેં ડ્રગની લાલચ આપી નથી. હું મારા એકના એક નાના ભાઈના સોગંદ ખાઈને કહું છું કે એમના ધંધા સાથે મારે કોઈ લેવાદેવા નથી. " રીટા બોલી. એ રડવા જેવી થઈ ગઈ હતી.
" માની લીધું કે તું એના ધંધામાં ભાગીદાર ન હતી અને તું કોઈને પણ ડ્રગ આપતી નહોતી છતાં આવા ગુનેગારને તેં સાથ આપ્યો છે. પોલીસને એના વિશે જાણ પણ નથી કરી એટલે તને ગુનો તો લાગુ પડે જ છે." જાડેજા બોલ્યા.
" સર મને જવા દો. નાનપણમાં પિતા ગુમાવી ચૂકી છું. મા બીમાર રહે છે. મારો નાનો ભાઈ જુનાગઢમાં ભણે છે. મારી એકની જ કમાણી ઉપર અમારું ઘર ચાલે છે. મને તમે જેલની સજા અપાવશો તો મારું ફેમિલી રખડી પડશે." રીટા જાડેજા સાહેબને હાથ જોડી આજીજી કરી રહી હતી.
"તું પીજી હાઉસમાં રહીને કરે છે શું ? તું જૂનાગઢની છે તો પછી રાજકોટના આ પીજી હાઉસમાં શા માટે રહે છે ? તું સ્ટુડન્ટ છે કે પછી નોકરી કરે છે ? " જાડેજા બોલ્યા.
" સર મોહિન્દરજીને હું ત્રણ વર્ષથી પ્રેમ કરું છું. હું કોઈ કોલેજમાં ભણતી પણ નથી કે જોબ પણ નથી કરતી. બે વર્ષ પહેલાં હું પીજી હાઉસમાં આવી હતી અને પીજી હાઉસની ફી પણ એમણે જ મને આપી હતી. દર મહિને મારા ઘરનો તમામ ખર્ચો એ જ આપતા હતા. હવે એ પકડાઈ ગયા એટલે મારી હાલત પણ કફોડી થઈ ગઈ છે. મને હવે પ્લીઝ જવા દો સર. " રીટા બોલતાં બોલતાં રડી પડી.
"એને જવા દો સાહેબ. માણસની મજબૂરી જ એને અવળે રસ્તે લઈ જતી હોય છે " હવે દેવરાજ બોલ્યો.
" જો તું ગુનેગાર હોવા છતાં પણ પીજી હાઉસના આ શેઠ તને માફ કરી દેવાનું મને કહે છે. જા હવે. " જાડેજા સાહેબ બોલ્યા.
રીટા હાથ રૂમાલથી આંખો લૂછીને ઊભી થઈ અને બંનેને પગે લાગીને બહાર નીકળી ગઈ.
હવે શીતલ અને ભૂમિનો વારો હતો.
"અરે દરબાર મારા માટે ચા લઈ આવો. આ લોકો સાથે માથાકૂટ કરીને મારું માથું પાકી ગયું. " જાડેજા સાહેબે પોતાના ઓર્ડરલીને બોલાવીને કહ્યું.
" શેઠ તમે ચા પીશો ? " જાડેજાએ દેવરાજને વિવેક કર્યો.
"ઠીક છે સાહેબ... પી લઈશ." દેવરાજ બોલ્યો.
" તો પછી બે ચા લઈ આવો અને બહાર સોલંકીને પણ પૂછી જુઓ. " સાહેબ બોલ્યા એટલે ઓર્ડરલી બહાર ગયો.
" તો તમને બંનેને દારૂ પીવાનું બહુ પસંદ છે. રાઈટ ? " બંને છોકરીઓ અંદર આવી એટલે જાડેજા સાહેબે પહેલો સવાલ કર્યો.
" ના ના સાહેબ અમને દારૂ પીવાની ટેવ નથી. નિલેશ અમને જબરદસ્તી પીવડાવતો હતો. એ લોકો બધા પીજી હાઉસમાં આવે ત્યારે કંપની આપવા માટે અમને જબરદસ્તી સાથે લઈ જતા હતા. " શીતલ બોલી.
" તમે બંને તમારા પપ્પાનો ફોન નંબર મને આપો. મારે વાત કરવી છે. તમને બંનેને દારૂ પીવાના કેસમાં જેલની સજા તો નહીં કરું પરંતુ તમારા પપ્પાને તો જણાવવું પડશે જ. તમારે આ પીજી હાઉસ પણ ખાલી કરવું પડશે. " જાડેજા સાહેબ બોલ્યા.
હવે બંને છોકરીઓ મુંઝાઈ ગઈ. જો પપ્પાને જાણ થાય કે એમની દીકરીઓ અહીં હોસ્ટેલમાં રહીને ભણવાના બદલે રાત્રે દારૂ પીવા માટે બહાર જાય છે તો કોલેજ પણ છોડાવી દે અને રાજકોટ પણ છોડાવી દે. પપ્પાનો નંબર કઈ રીતે આપવો ? બંને રડવા જેવી થઈ ગઈ.
" સાહેબ અમને માફ કરી દો. અમે હવે કદી પણ રાત્રે પીજી હાઉસની બહાર નહીં જઈએ. પપ્પાને ખબર પડશે તો અમારે અભ્યાસ અધૂરો મૂકીને ઘર ભેગા થઈ જવું પડશે. પપ્પાને ખૂબ જ આઘાત લાગશે. " ભૂમિ બોલી.
" એ તમારે પહેલાં વિચારવું જોઈતું હતું. પપ્પા તમારી કોલેજની ફી ભરે છે, પીજી હાઉસની ફી ભરે છે. અને તમે રાત્રે દારૂ પીને રખડો છો ? અસામાજિક તત્વો સાથે તમે પણ આવારાગર્દી કરો છો ? શરમ આવવી જોઈએ તમને. " જાડેજા સાહેબ ગુસ્સાથી બોલ્યા.
" સાહેબ અમારી મમ્મીના સોગંદ ખાઈને કહીએ છીએ કે હવે પછી દારૂને હાથ પણ નહીં લગાડીએ. " શીતલ બોલી.
" હા સર. અમને માફ કરી દો. " ભૂમિ બોલી.
"ઠીક છે. સાહેબ તો તમને માફ કરી દેશે પરંતુ તમારે પીજી હાઉસ ખાલી કરી દેવું પડશે. મારે મારા પીજી હાઉસમાં આવારા છોકરીઓને રાખવી નથી." હવે દેવરાજ બોલ્યો.
"સાહેબ અમે આવારા નથી. સારા ઘરની છોકરીઓ છે. અમે તમને પણ વચન આપીએ છીએ કે આજ પછી ક્યારેય પણ અમારા વિશે કોઈ ફરિયાદ નહીં આવે. તમે અમને કાઢી મુકશો તો બીજા પીજી હાઉસમાં અધવચ્ચે અમને એડમિશન નહીં મળે અને અમારી પાસે પૈસા પણ નથી. " શીતલ બે હાથ જોડીને બોલી.
" ઠીક છે. માનવતાને ખાતર હું તમને બંનેને માફ કરી દઉં છું. પણ આજ પછી તમારા વિશે કોઈ ફરિયાદ આવવી જોઈએ નહીં. જાઓ તમે બંને. " દેવરાજ બોલ્યો.
બે છોકરીઓ પણ હાથ જોડીને બહાર નીકળી ગઈ.
" ખૂબ ખૂબ આભાર સર. તમે ખૂબ સરસ રીતે બધાને હેન્ડલ કર્યા. આટલો અંગત રસ લઈને મારા પીજી હાઉસ માટે તમે જે પણ કર્યું એ બદલ હું ફરી આપનો આભાર માનું છું." દેવરાજ જાડેજા સાહેબ સામે જોઈને બોલ્યો.
" આભાર તો મારે તમારો પણ માનવાનો છે. તમારા કારણે જ બગ્ગા જેવા વોન્ટેડ સ્મગલરને અમે પકડી શક્યા. " જાડેજા સાહેબ બોલ્યા.
ત્યાં સુધીમાં ચા પણ આવી ગઈ એટલે સોલંકી પણ ચા પીવા માટે અંદર આવ્યા.
દેવરાજની ધારણા કરતાં ઘણા ઓછા સમયમાં પીજી હાઉસનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો.
ચા પીને દેવરાજ ફરીથી જાડેજા સાહેબનો આભાર માની ઘરે જવા માટે નીકળી ગયો. આ બધી ચર્ચામાં સાંજના છ વાગી ગયા હતા.
જાડેજા સાહેબે તમામ આરોપીઓને રિમાન્ડ ઉપર લીધા હતા અને પછી દેવરાજના કહેવાથી છોડી મૂક્યા હતા. મીટીંગ શરૂ થઈ ત્યારે જ દેવરાજે સાહેબને કહી દીધું હતું કે બધાંને ડર બતાવજો પરંતુ કોઈને આપણે સજા કરવી નથી.
" તમે મને એ કહો કે હું તમારી પત્ની છું કે નહીં ? " દેવરાજ જેવો ઘરે પહોંચ્યો કે તરત જ એની પત્ની મૈત્રીએ એને રિમાન્ડ ઉપર લીધો.
" અરે બાબા ૧૦૦ વાર તું મારી પત્ની છે. પણ થયું છે શું એ તો બોલ ! " દેવરાજ બોલ્યો. એને મૈત્રીનો મીઠો ગુસ્સો સમજાયો નહીં.
" આ તો મેં આજે બપોરે આજનું છાપુ વાંચ્યું ત્યારે મને ખબર પડી કે પહેલા જ પાને કોઈ બગ્ગાના પકડાઈ જવાના સમાચાર છે અને એમાં આપણા જ પીજી હાઉસનું નામ છે. તમારું પણ નામ છે. ગઈકાલે આટલી મોટી ઘટના બની ગઈ અને તમે રાત્રે પણ કોઈ વાત ન કરી કે આજે સવારે પણ ના કરી. શું મારે એ બધું જાણવાનો કોઈ હક્ક નથી ? " મૈત્રી બોલી.
" અરે પણ હું તને કહેવાનો જ હતો. મેં પણ આ સમાચાર આજે જ જાણ્યા. જાડેજા સાહેબનો સવારે ૧૧ વાગ્યે મારા ઉપર ફોન આવ્યો હતો. બગ્ગા પકડાઈ ગયો એનો યશ એમણે મને આપ્યો. અને આજે છાપુ વાંચવાનું જ રહી ગયું હતું. જાડેજા સાહેબ સાથે વાત થયા પછી ઓફિસમાં જે છાપું આવે છે એ મેં વાંચ્યું ત્યારે ખબર પડી." દેવરાજે વાર્તા કરી.
હકીકતમાં દેવરાજને ખબર પડી જ ગઈ હતી પરંતુ આ વાત મૈત્રી સાથે શાંતિથી અને વિગતવાર કરવાની એની ઈચ્છા હતી એટલે સવારે એણે કોઈ ચર્ચા કરી નહોતી.
" હમ્ ... આ બગ્ગા કોણ છે ? અને જાડેજા સાહેબે તમને કેમ યશ આપ્યો ? " મૈત્રીએ પૂછ્યું.
" તને યાદ હોય તો તે દિવસે આપણે આજી ગાર્ડન રેસ્ટોરન્ટમાં જમવા ગયા ત્યારે આપણી સામેના ટેબલ ઉપર પેલો એક કદાવર યુવાન નહોતો બેઠો ? જેણે સોનાની જાડી ચેન, હાથમાં સોનાનું કડું અને ગોગલ્સ પહેરેલા હતા ! " દેવરાજ બોલ્યો.
" હા યાદ છે... પણ એનું શું છે ? " મૈત્રી બોલી.
"અરે ડાર્લિંગ એ જ મોહિન્દર બગ્ગા !"
" પણ તમે આવડા મોટા સ્મગ્લરને કેવી રીતે ઓળખો ? " મૈત્રી બોલી.
" મને મારી વાત તો પૂરી કરવા દે ! અધવચ્ચે આવા સવાલ કરીશ તો ક્યાં મેળ પડશે ? " દેવરાજ સહેજ અકળાયો.
" સોરી બાબા.. આગળ બોલો." મૈત્રી બોલી.
" હું તો એ સ્મગલરને ઓળખતો જ નથી. આપણે હોટલમાં બેઠા ત્યાં સુધી મને કંઈ જ ખબર ન હતી કે એ બગ્ગા નામનો ડ્રગ્સનો મોટો સોદાગર છે. જે છોકરી એની સાથે જમવા માટે આવી હતી એ આપણા યુનિવર્સિટી પીજી હાઉસમાં રહે છે. " દેવરાજ બોલતો હતો.
"એ છોકરી રીટા કોઈની ગાડીમાં રાત્રે બહાર જાય છે એવી મને માહિતી મળેલી. આપણા પીજી હાઉસનું નામ ખરાબ ના થાય એટલા માટે એના ઉપર વોચ રાખવા માટે મેં મારા મિત્ર ઈકબાલ મન્સુરીને કહેલું. રવિવારે સાંજે હું અને ઈકબાલ પીજી હાઉસની સામે નાસ્તો કરતા હતા ત્યારે જોયું કે એક છોકરી પીજી હાઉસમાંથી નીકળી એક બ્લેક મર્સિડિઝમાં બહાર ગઈ. " દેવરાજ વિગતવાર વાત કરી રહ્યો હતો.
" એ પછી એ છોકરીને મેં આપણી સામેના ટેબલ ઉપર જોઈ. મને રસ પડ્યો. મેં એ યુવાનનો એને ખબર ના પડે એ રીતે ફોટો પાડી લીધો. એ ફોટો મેં ઈકબાલને ફોરવર્ડ કર્યો. ઈકબાલ તરત જ આ ગુનેગારને ઓળખી ગયો. એ લોકોએ પછી પીજી હાઉસ ઉપર વોચ રાખી અને એને પકડી લીધો.... ઈતિ શ્રી બગ્ગાજી કી કથા !! " દેવરાજ હસીને બોલ્યો.
" તમે પણ ખરા ખેલ કરો છો હોં ! હું તો આ બધું જાણતી જ નથી. " મૈત્રી બોલી.
" તારે આ બધું જાણવાની જરૂર પણ નથી. તું મને જાણે છે એટલું બસ છે !!" દેવરાજ ખડખડાટ હસી પડ્યો.
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

