પીજી હાઉસ પ્રકરણ 20
દેવરાજે ધાર્યું હતું એના કરતાં પણ ઘણી ઝડપથી એના પીજી હાઉસમાં ઉભા થયેલા પ્રોબ્લેમનું સોલ્યુશન આવ્યું હતું અને એમાં જાડેજા સાહેબે અંગત રસ લઈને બધું જ ટેન્શન દૂર કરી દીધું હતું.પીજી હાઉસ નવલકથા
આ બધી જ વાતો કાવ્યા પાઠક સાથે શેર કરવાની દેવરાજની તીવ્ર ઈચ્છા હતી. જો કાવ્યા પાઠક એને મળી ના હોત તો આ પીજી હાઉસમાં શું ચાલી રહ્યું છે એની ખબર એને ક્યારેય પણ ના પડત. અને કોઈક દિવસ ડ્રગ્સના કારણે પોતે અને પોતાનું પીજી હાઉસ બદનામ થઈ જાત એ જુદું !
મારે કાવ્યાને મળીને આ બધી જ વાત વિગતવાર કરવી જોઈએ અને એનો આભાર પણ માનવો જોઈએ. છતાં કાવ્યાને રૂબરૂ મળવા માટે એ થોડો સંકોચાતો હતો. કાવ્યાનું સૌંદર્ય દઝાડી દે એવું મારકણું હતું. એની સાથે વાતો કરવી, એની સાથે સમય પસાર કરવો એને ગમતું હતું.
પરંતુ પોતે મૈત્રીને ખૂબ જ પ્યાર કરતો હતો અને મૈત્રી પણ એને દિલોજાન થી વહાલ કરતી હતી. રોજ કેટલા પ્રેમથી એ જમાડતી હતી !! આવી વફાદાર અને કુટુંબપ્રેમી પત્ની સાથે એ વિશ્વાસઘાત કરવા માગતો ન હતો અને એટલે જ કાવ્યાને રૂબરૂ મળવામાં એને લપસી પડવાનો થોડો ડર લાગતો હતો.
દેવરાજે બે દિવસ સુધી મનોમંથન કર્યું અને છેવટે એક વાર કાવ્યાને મળવાનું નક્કી કર્યું પરંતુ ત્યાં તો ત્રીજા દિવસે સાંજે પાંચ વાગે કાવ્યાનો એક લાંબો મેસેજ સામેથી જ એના વોટસઅપ ઉપર આવ્યો.
# હાય ! તમે તો મને ભૂલી જ ગયા છો સર. તમારી સાથે વાત કર્યા પછી હું હળવી ફૂલ થઈ ગઈ હતી. મને ખાત્રી જ હતી કે દેવરાજ સર બહુ ઝડપથી સમસ્યાનું સોલ્યુશન લાવી દેશે. અને મારો વિશ્વાસ તમે સાચો પાડ્યો. ઘણું બધું બની ગયું છે. તમે પણ જાણતા જ હશો. છતાં મને તમને મળવાની ખૂબ તાલાવેલી છે. તમને મારાથી મેસેજ કરાય કે નહીં એ પણ ખબર નથી. બહુ મોટા માણસ છો. એટલે પૂછવું પડે છે કે દર્શન આપશો ? ઉત્તરની અપેક્ષા છે સર.....કાવ્યા.
દેવરાજે મેસેજ ત્રણ વાર વાંચ્યો. જો કે આ મેસેજ એને ખૂબ જ ગમ્યો. દિલમાં જાણે કે પ્રેમની, લાગણીઓની, ઊર્મિઓની સુનામી આવી. ક્ષણ માટે તો એ ભૂલી ગયો કે પોતે પરણેલો છે.
જવાબ તો આપવો જ છે અને કાવ્યાને વહેલી તકે મળવું જ છે. હવે મળ્યા વગર દિલને ચેન નહીં પડે. એણે જવાબ ટાઈપ કરી દીધો.
# આજે સાંજે ૭ વાગે ટી પોસ્ટ. રેસકોર્સ રોડ. એજી ઓફિસ પાસે. જાગનાથ પ્લોટ.
બીજી જ સેકન્ડે કાવ્યાનો જવાબ પણ આવી ગયો.
# ડન. આઈ વીલ બી ધેર.
મેસેજ વાંચીને ફરી પાછો દેવરાજ એકદમ ઉત્તેજિત થઈ ગયો. એણે પોતાના આખા સ્ટાફ માટે પ્યુન ને ચા લઈ આવવાનું કહ્યું.
" કેમ સાહેબ આજે આ ટાઈમે બધા માટે ચા ?" ગિરીશ ગણાત્રા બોલ્યો.
" તમે લોકોએ પેપરમાં તો વાંચ્યું જ હશે. યુનિવર્સિટી રોડ ઉપરના મારા પીજી હાઉસમાં ઘણું બધું ગેરકાયદે ચાલતું હતું. એ બધાની સાફ-સફાઈ થઈ ગઈ એની ખુશીમાં. " દેવરાજ બોલ્યો.
ગિરીશ ગણાત્રાએ ગઈકાલના છાપામાં બગ્ગાના કેસમાં સરનું નામ વાંચ્યું હતું અને પોલીસ ડિપાર્ટમેન્ટે એમને એક જાગૃત નાગરિક તરીકે બિરદાવ્યા હતા !
" જી સર. આટલો બધો યશ તમને મળ્યો છે તો અમને ચા ની ચૂસકી તો મળવી જ જોઈએ. " ગિરીશ હસીને બોલ્યો.
" આઇસ્ક્રીમની ઈચ્છા હોય તો આઈસ્ક્રીમ મંગાવો. આ તો શિયાળો છે એટલે મને ચા નો વિચાર આવ્યો. " દેવરાજ બોલ્યો.
" સર શિયાળામાં જ આઈસ્ક્રીમ વધારે ખવાય છે રાજકોટમાં. ભાઈ તું પાંચ આઈસ્ક્રીમ જ લઈ આવ." ગિરીશ બોલ્યો અને એણે પ્યુન ને આઈસ્ક્રીમ લેવા મોકલ્યો. ડ્રાઇવર રફીક પણ શો રૂમની અંદર જ બેસતો હતો.
આજે તો દેવરાજ એટલો બધો ખુશ હતો કે સ્ટાફના માણસોએ ડીનર માગ્યું હોત તો એ પણ મંજૂર કરી દેતો. એટલા માટે જ શાસ્ત્રોએ સ્ત્રીને માયા કહી છે અને સાચા સંતોએ કામિની અને કાંચનથી દૂર રહેવાની સલાહ આપી છે. ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે 'હે અર્જુન મારી માયાને પાર કરવી એટલું સહેલું નથી ! '
આઇસ્ક્રીમ જમીને દેવરાજ ફટાફટ પોતાનું કામ પતાવવા લાગ્યો કારણકે છ વાગે તો એને રેસકોર્સ જવા માટે નીકળી જવું હતું.
એણે એના ડ્રાઇવર રફીકને ચેમ્બરની અંદર બોલાવ્યો.
" રફીક મને ચાવી આપી દે અને તું નીકળી જા. આજે મારે એક કામ માટે બહાર જવાનું છે અને ત્યાં બહુ મોડું થઈ જશે." દેવરાજ બોલ્યો એટલે રફીક ચાવી આપીને નીકળી ગયો.
એ પછી દેવરાજે પોતાની પત્ની મૈત્રીને ફોન કર્યો.
"ડાર્લિંગ આજે મને આવતાં મોડું થશે. એક પાર્ટીને મળવા જવાનો છું એટલે ઘરે આવતાં સાડા નવ પણ વાગી જાય. તારે જમવું હોય તો જમી લેજે. " દેવરાજ બોલ્યો.
" તમે અગાઉથી મને જાણ કરી એ સારું કર્યું. આજે તમારાં પ્રિય ઢોકળાનું પલાળ્યું છે. તમારી થાળી નવ વાગ્યા પછી જ હું કુકરમાં મુકીશ. અને તમને મૂકીને કદી હું જમી છું ખરી કે આજે જમી લેવાનું કહો છો !! " મૈત્રી લાગણીથી બોલી.
" ઓકે બાબા આપણે સાથે જ જમીશું. " કહીને દેવરાજે ફોન તરત કટ કર્યો.
મૈત્રીના શબ્દો એને અંદરથી થોડા હચમચાવી ગયા. હંમેશા એ મારી ભાવતી વસ્તુઓ જ બનાવે છે અને ગમે એટલું મોડું થાય તો પણ મારા જમ્યા પહેલા એ જમતી નથી !
બરાબર સવા છ વાગે એ પોતાના ઢેબર રોડના શોરૂમથી જાગનાથ પ્લોટ તરફ જવા નીકળી ગયો. રાજકોટ પ્રમાણમાં ઘણું નાનું સીટી છે. જો ટ્રાફિક ના હોય તો દોઢ બે કલાકમાં આખા રાજકોટની પ્રદક્ષિણા ફરી શકાય.
કાવ્યા સાંજે ૭ વાગે હાજર થઈ જવાની હતી. જો હું એના પહેલાં પહોંચી જાઉં તો એ મારા માટે સારું ના ગણાય. મારે થોડું વીઆઈપી પણું બતાવવું પડે. હું કોઈ કોલેજીયન નથી કે એની રાહ જોતો ટી પોસ્ટ ઉપર બેસી રહું.
એના શોરૂમથી રેસકોર્સની ટી પોસ્ટ માત્ર ૨૫ મિનિટના અંતરે હતી. એણે ગાડી ધીમી ચલાવી. એ પછી ટી પોસ્ટ થી થોડેક દૂર એણે ગાડી સાઈડમાં પાર્ક કરી અને એસી ચાલુ રાખીને ૧૫ મિનિટ બેસી રહ્યો.
એણે રિક્ષામાં કાવ્યાને આવતી જોઈ. આજે એ જીન્સ ટીશર્ટ ના બદલે ડાર્ક બ્લુ કલરની સાડી અને ઓરેન્જ કલરનું બ્લાઉઝ પહેરીને આવી હતી. ગજબની એની ચોઈસ હતી. દેવરાજ એને જોતો જ રહી ગયો. પાતળા શરીર ઉપર એને આ સાડી સરસ શોભી રહી હતી.
કાવ્યા ટી પોસ્ટમાં અંદર ગઈ પછી પાંચેક મિનિટ પછી દેવરાજ પણ અંદર દાખલ થયો. સારું થયું કે આજે એણે પણ ડાર્ક બ્લુ જીન્સ અને પીચ કલરનું લીનન શર્ટ પહેર્યું હતું અને એમાં એ પોતે પણ હેન્ડસમ લાગતો હતો.
" નમસ્તે ડોક્ટર મેમ ! " દેવરાજે હસીને કાવ્યાની સામે બેઠક લીધી.
" વળી પાછું ડોક્ટર મેમ કહ્યું ? હું નહીં બોલું જાઓ તમારી સાથે. " કાવ્યાએ એવી રીતે મોઢું ચઢાવ્યું કે દેવરાજ હસી પડ્યો.
" તમે હસો છો ત્યારે બહુ સરસ લાગો છો. અને તમારે મને કાવ્યા જ કહેવાનું. કોઈ વિશેષણ લગાવવાની જરૂર નથી. તમે તો એક મરદની જેમ પીજી હાઉસની ૬૬ છોકરીઓ માટે જે કરી બતાવ્યું છે એ કાબીલે દાદ છે. હેટ્સ ઓફ ટુ યુ !" કહીને કાવ્યાએ સલામ ભરી.
"અરે પાગલ મારા પોતાના પીજી હાઉસ માટે તો મારે તાત્કાલિક પગલાં ભરવાં જ પડે ને ! કાલ ઊઠીને કંઈ થાય તો મારું નામ પણ બદનામ થાય !! અને કુદરતે મને સાથ આપ્યો. પરંતુ સાચું કહું તો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી મળેલા આ બધા જ યશની સાચી હકદાર તો તું જ છો. યસ કાવ્યા, તારા કારણે જ આ શક્ય બન્યું." દેવરાજ બોલ્યો.
" પોતાને મળેલો યશ બીજાને આપી દેવાની આટલી બધી મહાનતા છે તમારામાં ? તમારા શબ્દો મારા દિલને એટલા બધા સ્પર્શી ગયા છે કે હું મારી લાગણી વ્યક્ત કરી શકતી નથી ! " કહીને કાવ્યાએ પોતાના બે હાથમાં દેવરાજની હથેળી પકડી લીધી.
આ ક્ષણ દેવરાજ માટે એટલી બધી રોમાંચક હતી કે એણે પોતાનો હાથ એમ જ રહેવા દીધો. જગતનું સર્વશ્રેષ્ઠ સુખ એને મળી ગયું હોય એવી અનુભૂતિ એ કરી રહ્યો હતો.
" તું યશની ભાગીદાર છે જ કાવ્યા. તેં મને માહિતી આપી એટલા માટે જ આ બધું શક્ય બન્યું અને તમને બધાંને સુરક્ષા પણ મળી. આજ પછી ક્યારે પણ પેલા નબીરાઓ પીજી હાઉસમાં પગ નહીં મૂકે. રીટા શીતલ અને ભૂમિ પણ હવે રાત્રે બહાર નહીં રખડે. અને થોડા દિવસોમાં રશ્મિ મેડમ પણ આઉટ થઈ જશે. " દેવરાજ બોલ્યો અને પછી ધીમે રહીને પોતાનો હાથ ખેંચી લીધો. એ જાહેર જગ્યાએ કોઈ રિસ્ક લેવા નહોતો માગતો.
"મને બધા જ સમાચાર મળ્યા છે સર. અત્યારે અમારા પીજી હાઉસમાં બસ તમારી જ ચર્ચા ચાલે છે. આજે તમારો દિવસ છે સર. અમને બધાંને જે સુરક્ષા અને સલામતી તમે આપી છે એના બદલામાં તમે આજે જે માગશો એ આ કાવ્યા તમને આપશે. " કાવ્યા બોલી.
"કાવ્યા સાચું કહું ? હું મેરીડ છું નહીં તો તને આજે ને આજે જ ઉપાડી જાત. હા કાવ્યા આઈ મીન ઇટ. તું ગુસ્સે ના થતી પરંતુ આજે તું એટલી બધી ગોરજિયસ લાગે છે કે હું મારું દિલ હારી ગયો છું. હું તને મારી ગર્લફ્રેન્ડ બનાવવા માગું છું કાવ્યા. " દેવરાજ કાવ્યાની આંખોમાં આંખો પરોવીને બોલ્યો.
" હું તમને દેવ કહું ?" કાવ્યા બોલી.
" મેં એ હક્ક તને હમણાં જ આપી દીધો. અધિકારપૂર્વક તું મને દેવ કહી શકે છે. " દેવરાજે હવે કાવ્યાની કોમળ અને નાજુક હથેળી પકડી પરંતુ જાહેરમાં એ હથેળીને ચૂમી લેવાની એની હિંમત ચાલી નહીં.
" દેવ તમે નહીં સમજી શકો કે હું આજે કેટલી બધી ખુશ છું. મને આજે મારા બેસ્ટ બોયફ્રેન્ડ મળી ગયા છે. તમને પહેલીવાર પીજી હાઉસમાં જોયા ત્યારે જ મારું દિલ એક ધબકારો ચૂકી ગયું હતું. ત્રણ ત્રણ પીજી હાઉસના માલિક આટલા યંગ મેન ! મેં તો કોઈ ખડ્ડુસ ની કલ્પના કરી હતી. " કાવ્યા હસીને બોલી.
" પીજી હાઉસ તો મારું ઇન્વેસ્ટમેન્ટ છે. હકીકતમાં ઢેબર રોડ ઉપર એસટી બસ સ્ટેન્ડથી સહેજ આગળ શાલીમાર ફર્નિચર્સ નામનો મારો વિશાળ શો રૂમ છે અને એ જ મારો મુખ્ય બિઝનેસ છે. " દેવરાજ બોલ્યો.
" વાઉ.. આ તો મને ખબર જ ન હતી. તો તો પછી તમે બહુ જ મોટા માણસ છો. " કાવ્યા બોલી.
"બીજા લોકો માટે હોઈશ કદાચ પણ તારા માટે નહીં. " દેવરાજ બોલ્યો.
" સર આપણે આ નવા મૈત્રી સંબંધથી આજે પહેલી વાર મળી રહ્યાં છીએ તો મારી ઈચ્છા તમારી સાથે ડીનર લેવાની છે. જો તમને ઘરે જવાની કોઈ ઉતાવળ ના હોય તો. " કાવ્યા બોલી.
"ઓફકોર્સ . તારી કંપની માટે તો તું કહે એ કરવા હું તૈયાર છું. અને આજે તારી ઈચ્છાનો અનાદર કેવી રીતે કરી શકું ? અત્યારે આપણે આ સેન્ડવીચ અને ચા પૂરી કરીને નીકળી જઇએ. પોણા આઠ તો વાગી ગયા છે. " દેવરાજ બોલ્યો અને બંનેએ એક સાથે જ સેન્ડવિચ હાથમાં લીધી.
"તારે પીજી હાઉસ જવામાં મોડું થઈ જશે. એવું હોય તો તું ફોન કરી દે." દેવરાજ બોલ્યો.
"મારું કામ કાચું નથી હોતું ડાર્લિંગ. તમારી સાથે ડીનર લેવાનું નક્કી કરીને જ હું નીકળી હતી અને એટલે મેં ચોકીદારને કહી જ દીધું છે કે મારા ગેસ્ટ આવ્યા છે એટલે એમની સાથે હું ડીનરમાં જવાની છું. આવતાં સાડા દસ થઈ જશે. ! "
" ગજબની છે તું કાવ્યા. આટલો બધો આત્મવિશ્વાસ ! તો તું આજે મારો શિકાર કરવાની જ હતી એમ ને ?" દેવરાજ હસીને બોલ્યો.
" આપણે બંને એકબીજાનો શિકાર કરવાના મૂડમાં જ હતાં. બોલો મારી વાત ખોટી છે ? " કાવ્યા હસીને બોલી.
" તું જેટલી રૂપાળી છે એટલી જ સ્માર્ટ પણ છે કાવ્યા. આટલી બધી દ્રઢ સંકલ્પશક્તિ આજ સુધી મેં કોઈનામાં જોઈ નથી." દેવરાજ બોલ્યો.
ટી પોસ્ટમાંથી બંને બહાર નીકળ્યાં ત્યારે રાતના સવા આઠ વાગી ગયા હતા. દેવરાજ કાવ્યાને લઈને પોતાની ગાડી સુધી ગયો અને આગળનો દરવાજો ખોલીને કાવ્યાને બેસવાનું કહ્યું. એ પછી પોતે એની જોડે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયો.
દેવરાજે ગાડીને ધારેશ્વર સર્કલ તરફ લીધી અને ત્યાંથી આજી ડેમ રોડ ઉપર આજી ગાર્ડન રેસ્ટોરન્ટ લઈ લીધી. આ જ હોટલમાં જમવા માટે એ એની પત્ની મૈત્રીને લઈને પણ આવ્યો હતો.
" વાઉ ! ડીનર માટે પરફેક્ટ જગ્યા પસંદ કરી છે દેવ. તમારી ચોઇસ ઘણી ઊંચી છે. " રેસ્ટોરન્ટમાં દાખલ થતાં જ કાવ્યા બોલી.
" ચોઇસ તો ઉંચી જ છે એટલા માટે તો તું મારી સાથે છે. " દેવરાજ બોલ્યો.
" કેટલા બધા હાજર જવાબી છો ? માન ગયે આપકો ! " કાવ્યા હસીને બોલી.
બંનેએ ખૂણાના એક ટેબલની પસંદગી કરી. ચાલુ દિવસ હતો એટલે ખાસ ભીડ નહોતી.
"જો પેલું ટેબલ દેખાય છે ને ત્યાં પીજી હાઉસની રીટા અને પેલો બગ્ગા બેઠાં હતાં. હું ત્યારે એને ઓળખતો ન હતો. મને એમ કે રીટાનો કોઈ બોયફ્રેન્ડ હશે. એને ખબર ના પડે એ રીતે એનો ફોટો પાડીને મારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર મિત્રને મોકલી આપ્યો અને પછી બીજા દિવસે મને ખબર પડી કે એ કરોડોના ડ્રગ્સનો સોદાગર બગ્ગા પોતે હતો. બસ પછી તો એના ઉપર વોચ ચાલુ થઈ ગઈ અને એ પકડાઈ ગયો. એ જગ્યા બતાવવા જ હું તને આ હોટલમાં લઈ આવ્યો. " દેવરાજ બોલ્યો.
" હાઉ થ્રિલિંગ ! તમે તો એક ડિટેક્ટિવ જેવું કામ કર્યું છે દેવ. " કાવ્યા બોલી.
આ રીતે વાતો કરતાં કરતાં રાત્રિના દસ વાગી ગયા. દેવરાજને કાવ્યાને મૂકવા છેક યુનિવર્સિટી રોડ સુધી જવાનું હતું. દેવરાજ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠો અને કાવ્યા એની બાજુની સીટ ઉપર બેઠી.
દેવરાજ ગાડી સ્ટાર્ટ કરે ત્યાં સુધીમાં અચાનક કાવ્યાએ દેવરાજનો ડાબો હાથ પકડી લીધો.
" દેવ તમારાથી છૂટવાનું મન નથી થતું. બસ એમ જ થાય છે કે આપણે એકબીજાને આમ જોતાં જ રહીએ, વધુને વધુ નજીક આવીએ. આપણે પતિપત્ની નથી તો શું થયું ? મિત્રો તો છીએ જ ને ? અને આપણે તો એકબીજાનાં થઈ ચૂક્યાં છીએ. મારી કોલેજમાં વેકેશન પડે પછી આપણે એક હનીમૂન ટ્રીપ ગોઠવવી છે ? " કાવ્યા દેવરાજની સામે જોઈને થોડા સંકોચથી બોલી.
દેવરાજની જે ઈચ્છા હતી એ જ ઈચ્છા કાવ્યાએ બિન્દાસ્ત રીતે સામેથી પ્રગટ કરી. દેવરાજ ખૂબ જ ઉત્તેજિત થઈ ગયો.
"તો પછી વેકેશનની રાહ શા માટે જોવી પડે ? શનિ રવિની રજાના બે દિવસ હનીમૂન માટે બહુ થઈ ગયા. હનીમૂનની ઉતાવળ તો હવે તારા કરતાં મને વધારે છે !!"
કાવ્યાનું અદભુત સૌંદર્ય જોઈને દેવરાજની વાસના સળવળી હતી. એ માયામાં અંધ બની ગયો હતો. અને બીજી બાજુ મમ્મીને જમાડીને એની ભૂખી તરસી પત્ની મૈત્રી પોતાના પતિને ગરમાગરમ ઢોકળાં જમાડવા રસોડામાં જ બેસી રહી હતી !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

