પીજી હાઉસ પ્રકરણ 21
"તો પછી વેકેશનની રાહ શા માટે જોવી પડે ? શનિ રવિની રજાના બે દિવસ હનીમૂન માટે બહુ થઈ ગયા. હનીમૂનની ઉતાવળ તો હવે તારા કરતાં મને વધારે છે !!" દેવરાજ બોલ્યો.
પીજી હાઉસ નવલકથા
" ના દેવ. આવતા શનિવારે તો મારો ટેસ્ટ છે એટલે હું કોલેજમાં રજા નહીં પાડી શકું. તમારી બહુ જ ઈચ્છા હોય તો પછી રવિવારે જ અહીં કોઈ હોટેલમાં જઈ શકીએ. " કાવ્યા બોલી.
" એ પણ સારો આઈડિયા છે. હનીમૂન આમ પણ એક જ દિવસનું હોય ! બાકીના દિવસો તો માત્ર ફરવાના હોય છે. રવિવારનો એક દિવસ આપણા માટે બહુ છે. પરંતુ રાજકોટમાં તો હું વર્ષોથી રહું છું એટલે અહીં ઘણા બધા લોકો મને ઓળખે છે. અહીં તને હોટલમાં લઈ જવી મને યોગ્ય નથી લાગતું. વહેલી સવારે છ વાગે નીકળીને આપણે જામનગર જતાં રહીશું અને સાંજે પાછા આવી જઈશું." દેવરાજ બોલ્યો.
" હા તો પછી એમ જ કરીએ. મને કોઈ પ્રોબ્લેમ નથી. " કાવ્યા બોલી.
વાતો કરતાં કરતાં દેવરાજ કાવ્યાને યુનિવર્સીટી રોડ ઉપર આવેલા પીજી હાઉસ સુધી મૂકી આવ્યો અને ત્યાંથી ઘરે આવ્યો ત્યારે રાત્રિના ૧૧ વાગી ગયા હતા.
ઘરે આવતાં જ દેવરાજને ભાન થયું કે આજે એની પત્ની મૈત્રી એના માટે ઢોકળા બનાવવાની હતી અને પતિને જમાડ્યા પહેલા એ જમતી ન હતી. મોહમાં અંધ બનેલો દેવરાજ આ બધું જ ભૂલી ગયો હતો. એને ખૂબ જ દુઃખ થયું. મૈત્રીને પોતે રાત્રિના ૧૧ વાગ્યા સુધી ભૂખી તરસી રાખી હતી.
" આટલું બધું મોડું થઈ ગયું તો મને ત્યાંથી ફોન ના કરાય ? તમારી રાહ જોવામાં રસોડામાં જ હું બેસી રહી છું કે હમણાં આવશે. તમારા માટે ગરમ ઢોકળાંની થાળી ઉતારવા હું રાહ જોઈ રહી હતી. " મૈત્રી બોલી.
" ઓહ.. સોરી ડાર્લિંગ. મારે એ લોકોને જમવા લઈ જવા પડ્યા અને એમને કંપની આપવા મારે પણ જમવું પડ્યું. એ લોકો સાથે ધંધાકીય વાતો કરવામાં ને કરવામાં તને ફોન કરવાનું જ રહી ગયું." દેવરાજે જવાબ તો આપ્યો પરંતુ અંદરથી એનું દિલ ડંખી રહ્યું હતું.
" પહેલાં પણ તમે મીટીંગો કરેલી જ છે અને બહાર પણ જમેલા છો છતાં મને ફોન કરવાનું ક્યારે પણ નથી ભૂલતા. હું ભૂખી તરસી બે કલાકથી રસોડું પકડીને બેઠી છું અને તમે જમીને આવો છો. તમારા માટે જ મેં ઢોકળાં બનાવ્યાં છે અને તમને કહ્યું પણ હતું. " મૈત્રી સહેજ ગુસ્સામાં બોલી.
" મારી ભૂલ થઈ છે મૈત્રી. મારે તને કહેવું જોઈતું હતું. તું હવે જમી લે. માત્ર તારા માટે ગરમ થાળી ઉતારી દે. મારી થાળી સવારે ઉતારજે. ચા સાથે હું નાસ્તામાં જમીશ. તારી મહેનત એળે નહીં જાય." દેવરાજ બોલ્યો.
"સારું તો પછી તમારા માટે ખીરું રાખી મુકું છું. સવારે એક થાળી ગરમ ઉતારી આપીશ. " મૈત્રી બોલી.
દેવરાજ એ પછી કપડાં બદલવા માટે બેડરૂમમાં ગયો. મૈત્રીએ પોતાના માટે ઢોકળાંની થાળી ઉતારી દીધી અને એક થાળી જેટલું ખીરું ફ્રીજમાં મૂકી દીધું.
મૈત્રી રસોડામાંથી પરવારીને બેડરૂમમાં સૂવા માટે આવી ત્યારે લગભગ પોણા બાર વાગી ગયા હતા. કાવ્યાને જોઈને આજે દેવરાજની વાસના સળવળી ઉઠી હતી એટલે મૈત્રી આવી કે તરત જ એને બનાવટી વહાલ કર્યું અને શરીર સુખ પણ માણી લીધું.
આજે દેવરાજે શરીર સુખ ભલે મૈત્રી સાથે માણ્યું હોય પરંતુ એનું મન તો કાવ્યામાં જ હતું ! મૈત્રીમાં પણ એ કાવ્યાની જ કલ્પના કરતો રહ્યો. પહેલી વાર આવું બન્યું હતું. ભોળી મૈત્રી બિચારી એના મનની વાત ક્યાંથી જાણે !!
"અમે લોકો આવતા રવિવારે ફરી ભેગા થવાના છીએ. મને લાગે છે ત્યાં સુધી બે ત્રણ રવિવાર તારા હાથની દાળઢોકળી ખાવા નહીં મળે." સવારે ચા સાથે ગરમ ગરમ ઢોકળાં ખાતાં ખાતાં દેવરાજ બોલ્યો.
" લો કરો વાત ! એવી તે કેવી મીટીંગ છે કે જે રવિવારે જ થાય અને ચાલુ દિવસે ન થાય ? " મૈત્રી બોલી.
" ચાલુ દિવસે તો એ લોકોનો પણ બિઝનેસ હોય ને મૈત્રી ! ફર્નિચરમાં નવી ડિઝાઈન શું બનાવી શકાય, એક્સપોર્ટ કરવા માટે વિદેશમાં કઈ ડિઝાઇનની વધારે ડિમાન્ડ છે વગેરે ચર્ચાઓ અમારી મીટીંગમાં થતી હોય છે. રવિવારે તો આખાય સૌરાષ્ટ્રમાંથી મેન્યુફેક્ચર્સ આવશે. રાજકોટ મોટું સેન્ટર ગણાય એટલે બધા અહીં જ ભેગા થશે." દેવરાજે વાર્તા કરી.
" અરે પણ ચર્ચા કરવામાં આખો દિવસ થોડો જાય ? બે ત્રણ કલાક તો બહુ થઈ ગયા. " મૈત્રી બોલી.
"તું આખા દિવસની ક્યાં માંડે છે ? મારે તો સવારે સાડા છ વાગ્યે પહોંચી જવું પડશે. " દેવરાજ બોલ્યો. કાવ્યાની સાથે રવિવારે સવારે જામનગર જવાનું હતું એટલે દેવરાજે વાર્તા કરી.
મૈત્રી બિચારી ધંધાની વાતમાં વધારે તો શું બોલે ? એ ચૂપ થઈ ગઈ.
રવિવારને ચાર દિવસ વાર હતી. આ ચાર દિવસ દેવરાજને ચાર મહિના જેટલા લાંબા લાગ્યા. કાવ્યાનું અદભુત સૌંદર્ય માણવા એ અધિરો બન્યો હતો.
અને છેવટે રવિવારનો દિવસ આવી પણ ગયો. દેવરાજ એ દિવસે સવારે વહેલો પાંચ વાગ્યે જ ઉઠી ગયો અને નાહી ધોઈને તૈયાર થઈ ગયો.
" મૈત્રી મને ડાર્ક બ્લુ જીન્સ ઉપર આ ટીશર્ટ સારું લાગશે કે પછી આ શર્ટ ? " કપડાંની પસંદગી કરતી વખતે એણે મૈત્રીને પૂછ્યું.
"તમારા ગોરા શરીર ઉપર બધું જ સારું લાગે છે દેવ. અને બિઝનેસ મિટિંગમાં કોઈ તમારું શર્ટ કે ટીશર્ટ થોડું જોવાનું છે ? આટલા બધા તૈયાર થવાની ક્યાં જરૂર છે ! છતાં આ લાઈટ બ્લુ કલરનું ચેક્સનું શર્ટ વધુ સારું લાગશે. " મૈત્રીએ પોતાનો મત આપ્યો.
દેવરાજ શર્ટ પહેરીને તૈયાર થઈ ગયો. એ પછી એણે પરફ્યુમ છાંટ્યું.
દેવરાજ ક્યારે પણ બહાર જતી વખતે આ રીતે પરફ્યુમ છાંટતા ન હતા તો આજે બિઝનેસ મિટિંગમાં આટલા બધા તૈયાર કેમ થઈ રહ્યા છે એ એને સમજાતું ન હતું.
" તમે વળી પરફ્યુમ છાંટતા ક્યારથી થયા ? " મૈત્રીથી બોલાઈ ગયું.
" આજે વીઆઈપી બિઝનેસમેનો આવવાના છે ડાર્લિંગ. અને આજકાલ પરફ્યુમનો ટ્રેન્ડ થઈ ગયો છે તો પછી હું શું કામ બાકાત રહું ?" દેવરાજે મૈત્રીને હસીને જવાબ આપ્યો.
આજે રવિવાર હતો અને રવિવારે જો બહારગામ જવાનું હોય તો એ રફીકને અચૂક બોલાવી લેતો પરંતુ આજે કાવ્યાને સાથે લઈ જવાની હતી એટલે એણે જાતે જ ગાડી ચલાવવાનું નક્કી કર્યું. એ કોઈ જોખમ લેવા માગતો ન હતો.
કાવ્યાને એણે જામનગર રોડ શરૂ થાય ત્યાં ઉભા રહેવાનું કહ્યું હતું. દેવરાજે હોસ્પિટલ ક્રોસ કરી પછી જામનગર રોડ તરફ ગાડીને વાળી. કાવ્યાને રોડની એક સાઈડ ઊભેલી એણે જોઈ એટલે ગાડીને એની નજીક લઈ જઈ ઊભી રાખી.
કાવ્યાને લઈને દેવરાજ જામનગર દોઢ કલાકમાં પહોંચી ગયો અને એણે ગાડી નેહરુ રોડ પર આવેલી રજવાડી હોટલ 'આરામ ' માં લઇ લીધી. આ હોટલમાં એ બે વાર આવી ગયો હતો એટલે એની જાણીતી હતી અને હોટેલ પણ ઘણી સરસ હતી.
કાવ્યા માટે હોટલમાં રોકાવાનો આ પહેલો પ્રસંગ હતો. આવી મોંઘી હોટેલમાં આવી હોવાથી એ ખુશ થઈ ગઈ. અહીંનું વાતાવરણ પણ સરસ હતું.
દેવરાજ રિસેપ્શન કાઉન્ટર ઉપર ગયો અને રજીસ્ટરમાં સહી કરી એસી રૂમની ચાવી લઈ લીધી અને બંને જણાં રૂમમાં ગયાં.
"વેલકમ ટુ માય લાઈફ ડાર્લિંગ. તારી સાથે હનીમૂનનો આજે પહેલો દિવસ છે એટલે તારું ઉષ્માભર્યું સ્વાગત કરું છું." કહીને દેવરાજે પોતાની સાથે લાવેલા થેલામાંથી તાજાં ગુલાબનો બુકે કાઢી કાવ્યાના હાથમાં આપ્યો.
"ઓહ ડીયર થેન્ક્યુ વેરી મચ. પણ તમે આ બુકે ક્યાંથી લાવ્યા ? વચ્ચે તો આપણે ક્યાંય પણ ઉભાં રહ્યાં ન હતાં." કાવ્યા આશ્ચર્યથી બોલી.
" ઘરેથી નીકળ્યા પછી રાજકોટથી જ ખરીદ્યો હતો. થોડુંક તો સરપ્રાઈઝ રાખવું પડે ને મેડમ ! " દેવરાજ હસીને બોલ્યો.
"હું ખૂબ જ ભાગ્યશાળી છું કે તમે મારી લાઇફમાં આવ્યા દેવ. " કાવ્યા બોલી.
" અરસ પરસ છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને તારા જેવી ૨૨ વર્ષની રૂપસુંદરી મળી. " દેવરાજ બોલ્યો. એ ખરેખર કાવ્યાનું રૂપ જોઈને પાગલ થઈ ગયો હતો. એ એની પત્ની મૈત્રીને છેતરી રહ્યો હતો એનું પણ એને ભાન ન હતું !
આજે કાવ્યા સી ગ્રીન કલરનો સુંદર પતિયાલા ડ્રેસ પહેરીને આવી હતી. કોરા વાળ છૂટ્ટા જ રાખ્યા હતા.
" અત્યારે સવારના ૮:૩૦ વાગ્યા છે. પહેલાં થોડી પેટ પૂજા કરી લઈએ. " દેવરાજ બોલ્યો અને એણે એક ડીશ સાઉથ ઇન્ડિયન પનીયરમનો ઓર્ડર આપ્યો. સાથે એક એક્સ્ટ્રા ચટણી પણ લાવવાનું કહ્યું.
" આ આઈટમ તેં કદી ખાધી નહીં હોય મજા આવશે. " દેવરાજ બોલ્યો.
૧૫ મિનિટ પછી વેઈટર એક ડીશમાં કેળના પાન ઉપર ગોઠવેલી પનિયરમ અને સાથે બે ચટણીના બાઉલ લઈને આવ્યો.
" આપણે સાથે જ જમીશું." કહીને દેવરાજે એક ચટણીનું બાઉલ કાવ્યા તરફ મૂક્યું. બંનેએ ખાવાનું ચાલુ કર્યું.
" આનાથી પેટ ભરાવાનું નથી. હજુ જામનગરની સિગ્નેચર ડીશ ઘૂઘરા તો મંગાવવા જ પડશે. " દેવરાજ બોલ્યો.
" ના ના દેવ. મારું પેટ તો આનાથી જ ભરાઈ જશે. સવાર સવારમાં બહુ ખવાશે નહીં. " કાવ્યા બોલી.
"તો પછી ૧૧ વાગે ઇન્ટરવલમાં ઘૂઘરા મંગાવીશું. " દેવરાજ કાવ્યા સામે જોઈને હસીને બોલ્યો. કાવ્યા શરમાઈ ગઈ.
નાસ્તો પતી ગયા પછી દેવ અને કાવ્યાનાં યુવાન હૈયાં એકબીજામાં સમાઈ જવા તલપાપડ થઈ ગયાં હતાં. બંનેએ પોતાનો મોબાઇલ સાઇલેન્ટ કરી દીધો. રૂમનો દરવાજો પણ અંદરથી લોક કરી દીધો.
" તારી સાથે તે દિવસે ડીનર લીધા પછી ૨૪ કલાક તારી જ યાદોમાં ખોવાયેલો રહું છું કાવ્યા. કોઈ કામમાં મન લાગતું નથી. બસ એમ જ થાય કે ક્યારે મને મારી કાવ્યા મળે ! તારું આકર્ષણ મને એટલું બધું છે કે હું વર્ણન નથી કરી શકતો. " દેવરાજ કાવ્યાની એકદમ નજીક સરકીને બોલ્યો.
"હવે કાવ્યા કાયમ માટે તમારી જ છે અને અત્યારે તમારી સેવામાં જ છે દેવ. મને પણ તમારી એટલી જ પ્યાસ છે. ગાંડીતુર નદીની જેમ હું તમારામાં સમાઈ જવા માગું છું. " કાવ્યા બોલી. એના શરીરમાં રતિનો પ્રવેશ થઈ ચૂક્યો હતો. એ મદહોશ બની ગઈ હતી.
કાવ્યાની આવી રોમાન્ટિક વાત સાંભળીને દેવરાજ ખૂબ જ ઉત્તેજિત થઈ ગયો. એ પછી બંનેએ તોફાની બનીને લગભગ બે કલાક સુધી એક બીજાનો સહવાસ માણ્યો !!
" મને હવે ખબર પડી કે શરીર સુખ પાછળ દુનિયા કેમ આટલી બધી પાગલ છે ! " કાવ્યા બોલી.
" સંસારનું આ સર્વશ્રેષ્ઠ સુખ ગણાય છે કાવ્યા ! વિશ્વામિત્ર જેવા તપસ્વી મુનિ પણ મેનકાથી ઘાયલ થઈ ગયા હતા." દેવરાજ બોલ્યો.
એ પછી બંનેએ ૧૦ મિનિટ આરામ કર્યો અને પછી વારાફરતી બાથરૂમમાં જઈ ફ્રેશ થઈ આવ્યાં.
" ૧૧:૧૫ વાગી ગયા છે. હવે આપણે ઘૂઘરા મંગાવીએ. " દેવરાજ બોલ્યો અને એણે રૂમ સર્વિસમાં ફોન કરી એક જ ડીશ ઘૂઘરા મંગાવ્યા. બહુ ભૂખ નહોતી અને વધુ પડતું ખવાઈ જાય તો લંચમાં પછી મજા ન આવે.
વેઈટરે બેલ માર્યો એટલે દેવરાજે રૂમનો દરવાજો ખોલી નાખ્યો. વેઇટર ઘૂઘરા અને ચટણીની નવી ડીશ મૂકીને જૂની ડીશ લઈ નીકળી ગયો.
ઘૂઘરાને ન્યાય આપીને બંનેએ ૧૨ વાગ્યા સુધી આરામ કર્યો અને એ પછી એક કલાક ફરી સંવનન કર્યું.
જમવા માટે તેઓ નીચે રેસ્ટોરન્ટમાં ગયાં ત્યારે દોઢ વાગી ગયો હતો. આરામ હોટલના રેસ્ટોરન્ટમાં જમવાનું ઘણું સારું હતું. રજવાડી હોટલ હોવાથી રેસ્ટોરન્ટ પણ કલાત્મક બનાવેલું હતું.
જમ્યા પછી બંનેએ ચાર વાગ્યા સુધી આરામ કર્યો અને પછી ચા મંગાવી પી લીધી.
એ પછી હનીમૂનનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો અને સાંજના છ વાગે રાજકોટ જવા માટે બંને તૈયાર થઈ ગયાં.
" હવે તો મારું સર્વસ્વ તમને અર્પણ કરીને હું તમારી બની ચૂકી છું દેવ. " કાવ્યા પાઠક બોલી.
"એમાં કોઈ જ શંકા નથી કાવ્યા. હું જીવનભર આ સંબંધને નિભાવીશ. તારી બેંક ડિટેલ્સ મને આપી દે. હું કાલે જ તારા ખાતામાં દસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દઉં છું. " દેવરાજ બોલ્યો.
" આટલી બધી રકમ તમે મને આપો છો ? " કાવ્યા આશ્ચર્યથી બોલી.
" મેં તને પત્ની જેવો અધિકાર આપ્યો છે તો પછી આ રકમ તો કંઈ જ નથી. આપણા આ પવિત્ર સંબંધની આ તો એક ફૂલ પાંખડી છે. આવતા રવિવારે પણ આપણે અહીં જ આવીશું. " દેવરાજ બોલ્યો.
" જેવી તમારી ઈચ્છા. હું તો તમને સમર્પિત જ છું. " કાવ્યા બોલી.
" તું મને કોઈ મેસેજ કરતી નહીં. મારે કંઈ કામ હશે તો ઓફિસથી હું ફોન ઉપર જ વાત કરી લઈશ. કારણ કે મેસેજ જો મૈત્રી વાંચી લે તો મોટી ગરબડ થઈ જાય. તારે કંઈ અર્જન્ટ કામ હોય તો જ મને ફોન કરવો. અનુકૂળતા હશે તો વાત કરીશ નહીં તો કાપી નાખીશ. " દેવરાજ બોલ્યો.
" સવારે તો હું કોલેજ હોઉં છું એટલે મને ફોન કરવો હોય તો ત્રણ વાગ્યા પછી જ કરવો. એ પહેલાં તમે મને મેસેજ કરી શકો છો. " કાવ્યા બોલી અને એણે પોતાની બેન્ક ડીટેલ્સ દેવરાજના મોબાઇલમાં શેર કરી.
"અરે તારું એકાઉન્ટ પણ આઈસીઆઈસીઆઈ બેંકમાં જ છે ? " દેવરાજ બોલ્યો.
" હા જાનુ. કેમ ? " કાવ્યા બોલી.
" મારું પણ એ જ બેંકમાં છે એટલે મારા કરંટ એકાઉન્ટમાંથી પૈસા સરળતાથી કાલે સવારે ટ્રાન્સફર થઈ જશે. પરંતુ તારું સેવિંગ્સ એકાઉન્ટ હોવાથી હું પાંચ પાંચના બે ટૂકડામાં કરીશ. પાંચ કાલે અને પાંચ બે ત્રણ દિવસ પછી. " દેવરાજ બોલ્યો અને એણે ગાડી સ્ટાર્ટ કરી.
" હા હા વાંધો નહીં. તમને જેમ ઠીક લાગે તેમ. " કાવ્યા બોલી.
રાત્રે સવા આઠ વાગે કાવ્યાને પીજી હાઉસ ઉતારીને દેવરાજ વીસ મિનિટમાં ઘરે પહોંચી ગયો.
"બહુ લાંબી મીટીંગ ચાલી. મને તો આજે પણ કોઈ ફોન ના કર્યો. તમે હવે ખરેખર એક વર્ષના લગ્ન જીવનથી ધરાઈ ગયા લાગો છો. પહેલાંના જેવો પ્રેમનો ઉમળકો હવે ઓછો થતો જાય છે." મૈત્રી બોલી. આજે એના અવાજમાં સાચી નારાજગી હતી.
" અરે ડાર્લિંગ તું માને છે એવું કંઈ જ નથી. હું આજે પણ એ જ દેવરાજ છું જે લગ્નના દિવસે હતો. ધંધાકીય વિકાસ માટે આ બધી મીટીંગો મારે કરવી પડે છે અને એટલા વ્યસ્ત થઈ જવાય છે કે તારી સાથે વાત કરવાનો ટાઇમ પણ મળતો નથી. હજુ આવતા રવિવારે પણ બધા ભેગા થવાના છીએ." દેવરાજ લાડ કરીને બોલ્યો.
પતિ ઉપર અતિ વિશ્વાસ રાખતી ભોળી મૈત્રી દરેક વખતે દેવરાજની વાતોમાં આવી જતી અને એને માફ કરી દેતી. આજે પણ એણે એને માફ કરી દીધો.
બીજો રવિવાર પણ આવી ગયો અને દેવરાજ કાવ્યાને લઈને જામનગર આરામ હોટલ પહોંચી ગયો. ગયા વખતની જેમ જ પ્રેમના ઉમળકાથી બંનેએ આખો દિવસ શરીરસુખ માણ્યું.
આજે દેવરાજે બપોરે લંચમાં ઘરે મૈત્રી સાથે પણ વાત કરી લીધી. ગયા વખતે જે ભૂલ કરી હતી એ એણે આજે રીપીટ થવા ના દીધી.
" જો આજે તને બરાબર યાદ કરીને ફોન કરી રહ્યો છું. બધા બિઝનેસમેનો સાથે જ જમવા માટે ડાઇનિંગ હોલમાં આવ્યા છીએ. આજે તો જમવામાં તારું પ્રિય ઊંધિયું બનાવ્યું છે. તું કહેતી હોય તો પેક કરાવીને રાત્રે ઘરે લેતો આવું. " દેવરાજ પત્નીને ખુશ કરવા ખાલી ખાલી બોલ્યો.
"ના ના એવું કરવાની કોઈ જરૂર નથી અને રાત સુધીમાં કદાચ બગડી પણ જાય." મૈત્રી બોલી.
"ઠીક છે તો પછી આ વીકમાં હું તને ગ્રાન્ડ ઠાકરમાં જમવા લઈ જઈશ. " કહીને દેવરાજે ફોન કાપી નાખ્યો.
કોઈના પ્રેમમાં પડેલો પુરુષ કેટલું આસાનીથી પત્ની આગળ ખોટું બોલી શકે છે !!!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
