પીજી હાઉસ (PG House Novel Part-22)

Related

પીજી હાઉસ પ્રકરણ 22

બીજા રવિવારે તો દેવરાજ કાવ્યાને લઈને જામનગરથી સાંજે પાંચ વાગે જ રાજકોટ જવા નીકળી ગયો અને સાંજે સવા સાત વાગે ઘરે પણ પહોંચી ગયો. એ મૈત્રીને કોઈપણ જાતની શંકા પેદા થાય એવું કરવા માંગતો ન હતો.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

દેવરાજ ઘરે પહોંચ્યો ત્યારે મૈત્રી મમ્મી સાથે બેસીને શાક સમારી રહી હતી.

" આજે તો ગ્રાન્ડ ઠાકરમાં મેનુ ખરેખર બહુ જ સરસ હતું. હમણાં જ ઉતરાણ ગઈ છે એટલે ઊંધિયું દરરોજ બનાવે છે. અને ઊંધિયું એટલું બધું ટેસ્ટી બનાવે છે કે એ મિસ કરવા જેવું નથી. આપણે બે ત્રણ દિવસમાં જ બપોરે લંચનો પ્રોગ્રામ બનાવી દઈએ. હું તને કાલે ફાઇનલ કહી દઉં. " દેવરાજે મૈત્રીને ખુશ કરવા માટે વાર્તા કરી અને પછી અંદર કપડાં બદલવા માટે ગયો.

બીજા દિવસે સવારે ઓફિસ પહોંચીને દેવરાજે ઘી ગ્રાન્ડ ઠાકર ડાઇનિંગ હોલમાં ફોન કર્યો અને ઊંધીયા વિશે પૂછી લીધું.

" જી સાહેબ હમણાં એક અઠવાડિયા સુધી તો ઊંધિયું જલેબી રોજ બનશે. " ગ્રાન્ડ ઠાકરમાંથી જવાબ મળ્યો.

"આપણે આવતીકાલે જ ગ્રાન્ડ ઠાકરમાં બપોરે લંચ લેવા જઈશું. તું કાલે એક વાગે તૈયાર જ રહેજે. હું તને અને મમ્મીને ઘરેથી પીકઅપ કરીને ડાઇનિંગ હોલમાં લઈ જઈશ. " સોમવારે બપોરે ઘરે જમતી વખતે દેવરાજ મૈત્રી સામે જોઈને બોલ્યો.

" ઠીક છે દેવ. જેમ તમે કહો તેમ." મૈત્રી બોલી.

" તું આજકાલ આટલી ઉદાસીન કેમ છે ડાર્લિંગ ? કાલે રાત્રે પણ મેં ગ્રાન્ડ ઠાકર ની વાત કરી ત્યારે પણ તારો પ્રતિસાદ એટલો બધો ઉત્સાહ ભર્યો ન હતો. તને તો બહાર હોટલમાં જમવાનું ખૂબ જ ગમે છે. " દેવરાજ બોલ્યો.

"ના ના એવું કંઈ જ નથી દેવ. આજ કાલ કોણ જાણે કેમ એક જાતનો અજંપો મને રહ્યા કરે છે. મારા જીવને ચેન નથી. કારણ વગર જીવ બળ્યા કરે છે. કંઈક અજુગતું થવાનું હોય એવા એવા વિચારો આવ્યા કરે છે. " મૈત્રી બોલી.

" અરે પાગલ અત્યારે તો આપણો ગોલ્ડન સમય ચાલી રહ્યો છે. આજ સુધી મને જે નથી મળ્યું એ બધું મળવા લાગ્યું છે. દર રવિવારે જે મીટીંગો થાય છે એ એટલી તો સરસ થાય છે કે આપણો માલ વિદેશ પણ એક્સપોર્ટ થશે. નવી નવી ડિઝાઇનોની દર રવિવારે ચર્ચા થાય છે અને એવું ફર્નિચર હું પણ ઓર્ડર આપીને બનાવવાનો છું. તું કોઈપણ જાતની ચિંતા કરીશ નહીં. " દેવરાજે ફરી વાર્તા કરી.

" તમારી બધી વાત સાચી પણ મારા દિલને ચેન નથી પડતું. માતાજીને હું તો રોજ પ્રાર્થના કરું છું કે આપણા સુખી જીવનમાં કંઈ ખરાબ ના થાય ! " મૈત્રી બોલી.

દેવરાજે એ પછી કોઈ જવાબ ન આપ્યો. કારણકે એ પોતે જ જાણતો હતો કે બંને વચ્ચે હવે અંતર વધી રહ્યું હતું. એ હવે કાવ્યા તરફ ખેંચાતો જતો હતો.

બીજા દિવસે બપોરે એક વાગે દેવરાજ મૈત્રી અને મમ્મીને લઈને ગ્રાન્ડ ઠાકર હોટલ પહોંચી ગયો.

" અરે દેવરાજભાઈ ઘણા સમય પછી આજે તમે હોટલમાં પધાર્યા ! "

કાઉન્ટર ઉપર બેઠેલા વડીલ જેવા એક વ્યક્તિએ દેવરાજને જોઈને જ પૂછ્યું. એ દેવરાજને સારી રીતે ઓળખતા હતા. બે વર્ષ પહેલાં એમણે પોતાના ઘરનું ફર્નિચર દેવરાજના શો રૂમમાંથી જ ખરીદ્યું હતું.

" અરે ના ના વડીલ હજુ પરમ દિવસે રવિવારે જ હું મારા એક ગ્રુપમાં આવ્યો હતો. ગ્રુપમાં હતો એટલે કદાચ તમે મને જોયો નહીં હોય. અહીંના ઊંધિયાનો ટેસ્ટ એટલો બધો સરસ હતો કે આજે ફેમિલીને લઈને આવ્યો." સ્માર્ટ અને હાજરજવાબી દેવરાજે તરત જ જવાબ આપ્યો.

" હા ઊંધિયું તો હમણાં અહીં રોજ બને છે. " વડીલ બોલ્યા.

દેવરાજે કુપન લઈને ડાઇનિંગ હોલમાં પ્રવેશ કર્યો. હાશ આજે તો ઊંધિયાએ બચાવી લીધા.

રાજકોટના ધી ગ્રાન્ડ ઠાકર ડાઇનિંગ હોલની રસોઈ તો હંમેશા સરસ જ હોય છે. આજે એમાં ઊંધિયા જલેબીની સ્પેશિયલ આઈટમો ઉમેરી હતી. મૈત્રીને પણ જમવાની મજા આવી.

" હજુ આવતા રવિવારે પણ અમારે લોકોને અહીં જ જમવાનું થશે. બસ અમારી કદાચ એ છેલ્લી મીટીંગ હશે. " દેવરાજ જમતાં જમતાં બોલ્યો.

" તો તો સારું. " મૈત્રી બોલી.

" મમ્મી જમવાનું કેવુંક છે ? " દેવરાજે મમ્મીની સામે જોઈને પૂછ્યું.

" હોટલોનું જમવાનું તો સારું જ હોય ને ભાઈ ! પણ એ રોજ રોજ ના ભાવે. ઘરનું એ ઘરનું ! મૈત્રીના હાથની રસોઈ કેટલી સરસ બને છે !! તને શું ભાવે છે અને શું નથી ભાવતું એ બધું એના ધ્યાનમાં હોય છે " મમ્મી સુશીલાબેન બોલ્યાં.

" એ તો છે જ મમ્મી. મૈત્રી મારું ખૂબ જ ધ્યાન રાખે છે." દેવરાજે મમ્મીની વાત સ્વીકારવી જ પડી.

એ પછીના ત્રીજા રવિવારે ફરી પાછાં દેવરાજ અને કાવ્યા જામનગરની આરામ હોટલમાં હનીમૂનનો ત્રીજો રાઉન્ડ એન્જોય કરવા માટે ગયાં.

"બસ હવે થોડા દિવસો આપણે આરામ કરીએ દેવ. હવે વેકેશનમાં જ ક્યાંક બહાર જવાનો પ્લાન આપણે બનાવીશું. મારે હવે ટેસ્ટ આવશે એટલે રવિવારે પણ વાંચવું પડશે." સાંજે જામનગરથી રાજકોટ પાછા ફરતી વખતે કાવ્યા પાઠક બોલી.

" હું પણ તને એ જ કહેવાનો હતો ડાર્લિંગ. દર રવિવારે આ રીતે હું બહાર જાઉં તો પછી મૈત્રીને પણ વહેમ પડે. તેં ત્રણ રવિવાર સુધી સતત મને આટલો સરસ સાથ આપ્યો એ પણ મારા માટે ઘણું છે. તારી સાથેનો આ અદભુત સહવાસ હું ક્યારેય પણ ભૂલી શકીશ નહીં. યુ આર ચાર્મિંગ કાવ્યા !" દેવરાજ બોલ્યો.

કાવ્યા શરમાઈ ગઈ. એ કંઈ પણ બોલી નહીં.

દેવરાજ રાબેતા મુજબ કાવ્યાને એના પીજી હાઉસમાં મૂકી આવ્યો અને પછી ત્યાંથી ભક્તિનગર પોતાના ઘરે ગયો.

આજે સાંજે જમવામાં મૈત્રીએ થેપલાં બટેટાની સૂકી ભાજી અને ચાનો પ્રોગ્રામ બનાવ્યો હતો.

"આજે તમે ક્યાં ગયા હતા ? " રાત્રે સૂતી વખતે અચાનક મૈત્રીએ દેવરાજને સવાલ કર્યો.

"કેમ અચાનક આવો સવાલ ? તને ખબર તો છે જ કે ત્રણ રવિવારથી હું મિટિંગમાં જાઉં છું. " દેવરાજ બોલ્યો. જો કે મૈત્રીના સવાલથી તે ચમકી તો ગયો જ.

" હા મને ખબર છે પણ આજે તમે ક્યાં ગયા હતા ? " ફરી મૈત્રીએ વેધક સવાલ કર્યો.

" જો મૈત્રી તું મને ખોટા સવાલો પૂછે છે. ધંધાની મીટીંગો છે તો બધે ફરવું પડે. અને જ્યાં પણ જઈએ અમે બધા સાથે જ જઈએ છીએ. " દેવરાજ બોલ્યો. એ હવે સાવધાન થઈ ગયો. નક્કી કંઇક તો ગરબડ છે જ.

" તમે હજુ મારા સવાલનો જવાબ આપ્યો નથી. " હવે મૈત્રીએ દેવરાજની આંખોમાં આંખો પરોવીને પૂછ્યું.

" મૈત્રી હવે તું લિમિટની બહાર જઈ રહી છે. તને મારામાં વિશ્વાસ હોવો જોઈએ. તારા આ સવાલમાં મને તારી શંકાઓ દેખાય છે. " દેવરાજ સહેજ ગુસ્સાથી બોલ્યો.

" શંકાઓ પેદા થાય એવું જ તમે કરી રહ્યા છો દેવ. હજુ પણ મને મારા સવાલનો જવાબ મળ્યો નથી. ચાલો હું જ જવાબ આપી દઉં છું. તમે આજે જામનગર ગયા હતા છતાં મને કહેતા કેમ નથી ? એમાં છુપાવવા જેવું શું છે ?" હવે મૈત્રી થોડી આક્રોશમાં બોલી.

"હા તો મેં જવાબ આપી જ દીધો ને કે અમારે બધે જ ફરવું પડે છે. " દેવરાજ બોલ્યો.

" અમારે એટલે કોને ? " ફરી મૈત્રીનો સવાલ.

" અમારે એટલે ફર્નિચરના બિઝનેસ સાથે જોડાયેલા સૌરાષ્ટ્રના તમામ વેપારીઓને. મેં તને વાત તો કરેલી જ છે. " દેવરાજ બોલ્યો.

"હા વાત તો તમે કરેલી જ છે. પણ તમે તમારી ગાડીમાં કોઈ વેપારીઓ સાથે નહીં પણ કોઈ રૂપાળી છોકરી સાથે હતા !! " મૈત્રીએ ધડાકો કર્યો.

દેવરાજની બાજુમાં જ કોઈ બોમ્બ ફૂટ્યો હોય એમ એ ચમકી ગયો અને તત્કાળ જવાબ શોધવા લાગ્યો.

" હા તે બરાબર જ છે. આજે અમારું ગ્રુપ જામનગર ગયું હતું. ત્યાં આજે એક મોટા શો રૂમના ફર્નિચરની હરાજી થવાની હતી. એનો માલિક કાયમ માટે અમેરિકા જાય છે એટલે અમે બધા પણ એ હરાજીમાં ભાગ લેવા માટે ગયા હતા. " દેવરાજ ઠાવકાઈથી બોલ્યો.

" હું છોકરીની વાત કરી રહી છું. " મૈત્રી થોડા આવેશથી બોલી.

" એ છોકરી પણ બિઝનેસમેન છે. એનો શો રૂમ ગોંડલમાં છે. એના પિતાના અવસાન પછી એ પોતે ચલાવે છે અને દરેક મીટીંગમાં એ પણ હાજર હોય છે. એ ગોંડલથી ટેક્સી કરીને આવે છે. એને મેં જામનગર જતાં આવતાં લિફ્ટ આપી હતી. " દેવરાજ બોલ્યો.

" તમે એને લઈને આરામ હોટલમાં ગયા હતા. અને ગાડીમાં તો હસી હસીને વાતો કરતા હતા. " મૈત્રી ગુસ્સાથી બોલી.

" તમે લીલા રંગના ચશ્મા પહેરો તો તમને બધું લીલું લીલું જ દેખાય. શંકા અને વહેમનું કોઈ જ સોલ્યુશન નથી મૈત્રી. અમે બધા જ આરામ હોટલમાં ઉતર્યા હતા. હું તને આરામ હોટલનો ફોન નંબર આપું છું તું પોતે જ વાત કરી લે કે આજે અમે સાત જણા ઉતર્યા હતા કે નહીં ? " દેવરાજ એવી રીતે બોલ્યો કે મૈત્રી આરામ હોટલ ઉપર ફોન કરવાની હિંમત કરી શકી નહીં.

દેવરાજ ખૂબ જ ચાલાક અને સ્માર્ટ હતો. સારો ડ્રામેબાજ પણ હતો. મૈત્રી હંમેશા એની વાતોમાં આવી જ જતી. એ કંઈ બોલી નહીં પણ એના મનમાંથી શંકાનાં વાદળો દૂર થયાં નહીં.

આજે સવારે જ લગભગ દસ વાગ્યા ના સુમારે જામનગરથી એની નાની બહેન ફાલ્ગુનીનો એના ઉપર ફોન આવ્યો હતો. ફાલ્ગુની આરામ હોટલ ની બાજુમાં આવેલી ડી.કે.વી સાયન્સ કોલેજમાં બીજા વર્ષમાં ભણતી હતી.

" અરે દીદી જીજાજી આજે અહીં જામનગર આવ્યા છે ? " ફાલ્ગુની બોલી.

" નહીં તો. એ તો સવારથી અહીં રાજકોટમાં જ એમની મિટિંગમાં ગયા છે. " મૈત્રી બોલી.

" ના દીદી. જીજાજી જામનગરમાં જ છે. સવારે પોણા નવ વાગે હું મારા એકટીવા ઉપર ડી.કે.વી કોલેજ જતી હતી ત્યારે મેં એમને આરામ હોટલમાં જતા જોયા. એમની ગાડી પણ એ જ સ્વીફ્ટ હતી. એમની બાજુમાં એક ગોરી ગોરી છોકરી પણ બેઠી હતી. જીજાજી એની સાથે હસી હસીને વાતો કરતા હતા. મારી ઈચ્છા તો આરામ હોટલમાં જવાની હતી પરંતુ મને એ યોગ્ય ન લાગ્યું. " ફાલ્ગુની બોલી.

" એ તેં સારું કર્યું. એમની બિઝનેસ મિટિંગ આજે હતી. કદાચ રાજકોટના બદલે બધાએ જામનગર જવાનું નક્કી કર્યું હશે. એ છોકરીને તો હું ઓળખું છું. એમની બિઝનેસ પાર્ટનર છે." પોતાના જીજુ વિશે ફાલ્ગુની બીજું કંઈ ન વિચારે એટલા માટે મૈત્રીએ વાર્તા કરી.

ફાલ્ગુનીને તો જવાબ આપી દીધો પરંતુ એ એની પોતાની જાતને જવાબ ન આપી શકી. દેવરાજ મારી આગળ ખોટું શું કામ બોલે છે ? એ જો જામનગર જવાના હતા તો મને કહેવામાં શું વાંધો હતો ? અને એ તો પાછા કોઈ છોકરીને લઈને હોટલમાં ગયા હતા !!

એને આજે આખો દિવસ ચેન પડ્યું નહોતું. પુરુષની જાત ભ્રમરની જાત કહેવાય છે. શું એ કોઈ છોકરીના ચક્કરમાં પડી ગયા હશે ? તો પછી મારું શું ? તે દિવસે ગ્રાન્ડ ઠાકર હોટલમાં જમવા ગયાં હતાં ત્યારે પણ કાઉન્ટર ઉપર બેઠેલા માણસે એમ કહ્યું હતું કે ઘણા સમય પછી તમે જમવા માટે આવ્યા ! જ્યારે દેવરાજે મને એમ કહેલું કે રવિવારે એ લોકો ગ્રાન્ડ ઠાકર હોટેલમાં જ જમેલા. આમાં સાચું કોણ ?

જો કે આ બધા સવાલોના જવાબો સાંજે ઘરે આવીને દેવરાજે ચાલાકીથી આપી દીધા હતા પરંતુ આજે એને પૂરેપૂરો સંતોષ થયો નહીં અને દેવરાજ ઉપર શંકા ચાલુ જ રહી.

એ દિવસ પછી દેવરાજ ખૂબ જ સાવધાન થઈ ગયો અને મૈત્રીને શંકા પડે એવું કોઈ કાર્ય એણે કર્યું નહીં. કાવ્યા સાથે પ્રેમાલાપ કરવો હોય તો પણ ઓફિસની પોતાની ચેમ્બરમાંથી જ કરી લેતો. એણે કાવ્યાના ખાતામાં દસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા !

દેવરાજે મૈત્રી સાથેનો વ્યવહાર ખૂબ જ પ્રેમાળ બનાવી દીધો એટલે ધીમે ધીમે મૈત્રીની શંકાઓ પણ દૂર થતી ગઈ.

આમને આમ દોઢ મહિનાનો સમય પસાર થઈ ગયો.

" દેવ મારે તમને મળવું છે. કાલે તમને કયો ટાઈમ ફાવશે ? તમને જો અનુકૂળ હોય તો આપણે સાંજે સાત વાગ્યે આરતી ટાઈમે સ્વામીનારાયણ મંદિરમાં જ મળીયે. " કાવ્યા બોલી.

"કેમ ખાસ કંઈ અર્જન્ટ હતું ?" દેવરાજ બોલ્યો.

"અર્જન્ટ હોય તો જ તમે મળો ? મારી ઈચ્છા તમને મળવાની હોય તો ના મળી શકો ? " કાવ્યા બોલી.

" અરે આમ ખોટું ના લગાડ. હું તો જસ્ટ એમ જ પૂછું છું. મેં મળવાની તને કદી ના પાડી છે ? " દેવરાજ બોલ્યો.

" બસ તો કાલે સાંજે ૭ વાગે આપણે મળીએ છીએ. " કાવ્યા બોલી અને એણે ફોન કટ કર્યો.

" બોલ શું હતું ડાર્લિંગ ? " બીજા દિવસે સાંજે સ્વામિનારાયણ મંદિરના બાંકડા ઉપર બેઠક લેતાં જ દેવરાજ બોલ્યો.

" દેવ હું ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ છું. હું પ્રેગનેન્ટ થઈ ગઈ છું. આપણે મળ્યા પછી એક વાર પણ પીરીયડ આવ્યો નથી એટલે લગભગ દોઢ મહિનો ચડી ગયો છે. હવે શું કરશું ? હું તો સ્ટુડન્ટ છું." કાવ્યા પાઠક લગભગ રડમસ અવાજે બોલી.

" આ તો ખરેખર કલ્પના બહારનું બની ગયું છે ડાર્લિંગ. સામાન્ય સંજોગો હોત તો હું એક નવો ફ્લેટ લઈ તને ડિલિવરી કરાવીને તારી સાથે રહેવાનું પણ પસંદ કરત પરંતુ એક બાજુ હું પરિણીત છું અને બીજી બાજુ તારો એમબીબીએસ નો આખો અભ્યાસ બાકી છે. અને તારા ઘરે પણ તું શું જવાબ આપી શકે ?" દેવરાજ બોલ્યો.

"હા એ જ ને !! કાલે સવારથી જ પ્રેગ્નન્સીનાં બધા લક્ષણો ચાલુ થયાં. એટલે જ મારે તમને મળવું હતું. આ તો બહુ મોટી વિકટ સમસ્યા છે દેવ. એક બાજુ તમારા સંતાનની માતા બનવું મારા માટે ગર્વની વાત છે પરંતુ સંજોગો બિલકુલ વિપરીત છે. " કાવ્યા બોલી.

" હું તને સંપૂર્ણ સાથ આપવા તૈયાર છું ડાર્લિંગ. હવે તું જ મને કહે કે તું શું ઈચ્છે છે ? હું મારી જવાબદારીમાંથી છટકવા માગતો નથી. " દેવરાજ બોલ્યો.

" મને તો કંઈ જ સમજ પડતી નથી દેવ. હું આ બધી બાબતોમાં હજુ એટલી બધી મેચ્યોર્ડ પણ નથી. અને મારા ઘરે જો ખબર પડે તો મારું આવી જ બને. " બોલતાં બોલતાં કાવ્યાની આંખોમાં પાણી આવી ગયાં.

" તું બાળકને જન્મ આપવા માંગે છે કે પછી અબોર્શન કરાવી દેવું છે ? " દેવરાજ બોલ્યો.

" પરંતુ હું બાળકને જન્મ કેવી રીતે કરાવી શકું દેવ ? " કાવ્યા બોલી.

" એના માટે તારે તાત્કાલિક અભ્યાસ છોડી દેવો પડે. હું તને રાજકોટમાં કે બીજા કોઈ સિટીમાં ભાડેથી સારો ફ્લેટ અપાવી દઉં. ડિલિવરી થાય કે તરત જ બાળકને હું દત્તક તરીકે અપનાવી લઉં. મૈત્રીને તો હું ગમે તેમ કરીને સમજાવી શકું છું કારણ કે અમારા લગ્નને એક વર્ષ થઈ ગયું છતાં હજુ એને પ્રેગ્નન્સી આવતી નથી. કદાચ એના ગર્ભાશયમાં કોઈ ગરબડ પણ હોય ! " દેવરાજ બોલ્યો.

" પરંતુ મારા ડોક્ટરીના અભ્યાસનું શું અને નવ મહિના સુધી મારા ફેમિલીથી હું કેવી રીતે દૂર રહી શકું ? આઈ મીન વેકેશનમાં તો મારે ઘરે જવું જ પડે ને ?" કાવ્યા બોલી.

"તારા ફેમિલીમાં કોણ કોણ છે ? સોરી.. આજ સુધી મેં આ પ્રશ્ન તને પૂછ્યો જ નથી. " દેવરાજ બોલ્યો.

"પપ્પા તો ત્રણ વર્ષ પહેલાં ગુજરી ગયા. મારી મમ્મી અને નાનો ભાઈ છે જે ૧૧મા ધોરણમાં ભણે છે. મારુ વતન જૂનાગઢ છે. " કાવ્યા બોલી.

" તું જરા પણ ચિંતા ના કર. બહુ બહુ તો અભ્યાસનું એક વર્ષ બગડશે એટલું જ ને ? મને વિચારવા માટે એક દિવસ આપ. આપણે કાલે સાંજે ફરી મળીએ છીએ. તારા માટે આખું પ્લાનિંગ હું કરી આપું છું. આપણા પ્રેમની નિશાનીને આપણે જન્મ આપવો જ છે કાવ્યા !!"
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."