પીજી હાઉસ પ્રકરણ 23
કાવ્યા પાઠક કાલાવડ રોડ ઉપર આવેલા સ્વામીનારાયણ મંદિરમાં દેવરાજને સાંજે ૭ વાગ્યે મળવા માટે આવી હતી.
પીજી હાઉસ નવલકથા
કાવ્યા એટલા માટે જ દેવરાજને ખાસ મળવા માટે આવી હતી કે હવે આગળ શું કરવું ! દેવરાજે વિચારવા માટે એની પાસે એક દિવસનો ટાઈમ માગ્યો હતો.
બીજા દિવસે સાંજે ૭ વાગે ફરી કાવ્યા અને દેવરાજ સ્વામિનારાયણ મંદિરના બાંકડા ઉપર ભેગાં થયાં અને ત્યાં બેસીને હવે શું કરવું એની ચર્ચા કરવા લાગ્યાં.
"મેં બધું વિચારી લીધું છે કાવ્યા. તારે મારા બાળકને જન્મ આપવાનો જ છે. હવે હું જેમ કહું તેમ તું કર. પૈસાનો મને કોઈ પ્રોબ્લેમ નથી એટલે તારી મેડિકલ પ્રેક્ટિસ એકાદ વર્ષ મોડી શરૂ થશે તો કોઈ ફરક નહીં પડે. આ વર્ષે તું ડ્રોપ લઈ લે. સિવિલ હોસ્પિટલમાં મારે સારી ઓળખાણ છે. જરૂર પડે તો લાંબી રજા માટે તને મેડિકલ સર્ટિફિકેટ લાવી આપું. કોઈપણ બહાને તું રજા લઈ લે અથવા એ ના કરવું હોય તો કોલેજ છોડી દે અને લીવીંગ સર્ટિફિકેટ લઈ લે. એક વર્ષ પછી ફરી એડમિશન લઈ લેજે. " દેવરાજ બોલી રહ્યો હતો.
" એ તો બધું ઠીક છે દેવ પણ મારી મમ્મીથી આ બધું છાનું કઈ રીતે રાખી શકાય ? એક વર્ષ માટે એનાથી અદ્રશ્ય થઈ જવાનું કઈ રીતે બને ? રજાઓ હોય કે વેકેશન પડે એટલે મારે ઘરે તો જવું જ પડે. " કાવ્યા બોલી.
" એના માટે તાત્કાલિક તું તારા ઘરે જૂનાગઢ પહોંચી જા. બે લાખ રૂપિયા ઘરે આપી દે. મમ્મીને કહી દે કે મેડિકલ ફિલ્ડના એક પ્રોજેક્ટમાં તારું એક વર્ષ માટે સિલેક્શન થયું છે એટલે તારે બેંગ્લોર જવું પડશે. અભ્યાસના ભાગરૂપે જ જવાનું છે એમ કહી દેવાનું. તારી મમ્મીને કે તારા નાના ભાઈને આ બધી બાબતોમાં કંઈ સમજણ નહીં પડે. એમને તો પૈસા મળી જશે એટલે તને એ રજા આપી દેશે. અને ફોન ઉપર તો તું વાત કરી શકવાની જ છે ને ? " દેવરાજ સમજાવી રહ્યો હતો.
"હમ્ .... પરંતુ એના માટે છેક બેંગ્લોરનું નામ શું કામ દેવાનું ?"
" એટલા માટે કે તારી મમ્મી તને મળવા ના આવી શકે. તું અમદાવાદ કે મુંબઈ હોય તો દીકરીને મળવાનો ક્યારેક એમને વિચાર આવી શકે. હું બહુ લાંબુ વિચારું છું ડાર્લિંગ. " દેવરાજ બોલ્યો.
" હા એ વાત પણ છે. મુંબઈમાં મારાં માસી રહે છે એટલે એ રીતે પણ એ ક્યારેક આવી શકે." કાવ્યા બોલી.
" હવે સાંભળ. અમદાવાદ વસ્ત્રાપુરમાં મારા એક મિત્રનો ફ્લેટ ખાલી પડેલો છે. હું તને ત્યાં મૂકી આવું છું. તારે ત્યાં મારી પત્ની તરીકે જ રહેવાનું છે. હું ત્યાં આવતો જતો રહીશ. કોઈ તને પૂછે તો કહી દેવાનું કે મારા હસબન્ડની જોબ બેંગ્લોરમાં છે. એકાદ મહિનામાં એક સારી બાઈ ત્યાં શોધી કાઢજે જે ૨૪ કલાક તારી સાથે રહે. પાંચ દસ હજાર પગાર આપવો પડે તો પણ વાંધો નહીં." દેવરાજ બોલ્યો.
"વાહ પતિ હોય તો આવા જ હજો. કેટલું બધું સરસ પ્લાનિંગ કરી શકો છો દેવ ! " કાવ્યા હસીને બોલી.
એ પછીના દશ દિવસ કાવ્યા અને દેવરાજ માટે દોડાદોડીના રહ્યા. કાવ્યા જૂનાગઢ જઈ આવી અને મમ્મીને બે લાખ આપી સમજાવી દીધાં. એ પછી એણે વિદેશ જવાનું બહાનું કાઢી કોલેજ છોડ્યાનું સર્ટિફિકેટ પણ લઈ લીધું.
અમદાવાદના વસ્ત્રાપુર એરિયામાં જજીજ બંગલા ચાર રસ્તા પાસે વર્ષા ફ્લેટ્સ માં દેવરાજના મિત્રનો એક ફ્લેટ ખાલી પડ્યો હતો. ફ્લેટ આમ તો ૨૦ વર્ષ જૂનો હતો પરંતુ ફર્નિચર સાથેનો જ હતો અને સોસાયટી પણ સારી હતી. દેવરાજે કાવ્યાને ત્યાં શિફ્ટ કરી દીધી. અનાજ કરિયાણું અને ઘરવખરીનો તમામ સામાન પણ એણે ત્યાં લઈ આપ્યો.
કાવ્યાના ફ્લેટની બાજુના ફ્લેટમાં જ મયુરીબેન શાહ નામનાં એક સજ્જન બહેન રહેતાં હતાં. દેવરાજે એમને કાવ્યાની ભલામણ કરી અને કોઈ બાઈ શોધી આપવા માટે પણ વાત કરી. એ પછી એ રાજકોટ આવવા માટે નીકળી ગયો.
હવે પછીનું દેવરાજનું મિશન મૈત્રી ઉપર ફોકસ કરવાનું હતું. મૈત્રીને સમજાવીને કાવ્યાના બાળકને કોઈપણ હિસાબે પોતાના જ ઘરમાં એને લાવવું હતું.
લગ્નને એક વર્ષ વીતી ગયું હોવા છતાં પણ મૈત્રીને સારા દિવસો દેખાયા ન હતા. જો મૈત્રીના ગર્ભાશયમાં ખરેખર કોઈ તકલીફ હોય અને એ જો મા બની શકે તેમ ના હોય તો પોતાના જ બાળકને પોતાના જ ઘરમાં આસાનીથી લાવી શકાય ! પરંતુ જો મૈત્રી નોર્મલ જ હોય તો કાવ્યાના બાળકને પોતાના ઘરે લઈ જવું મુશ્કેલ બની જાય !
આ માટે મૈત્રીનું મેડિકલ ચેકઅપ કરાવવું જરૂરી હતું. કાવ્યા પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી એટલે પોતે તો એકદમ નોર્મલ હતો એ સાબિત થતું હતું.
દેવરાજે ઘણો વિચાર કરીને એક પ્લાન બનાવ્યો. એક દિવસ ઓફિસમાંથી જ એણે એના કોલેજ મિત્ર ડૉ. મિતેશને ફોન કર્યો. મિતેશ ડોક્ટર થઈ ગયો હતો અને ઈએનટી સ્પેશિયાલિસ્ટ તરીકે ઢેબર રોડ ઉપર પ્રેક્ટિસ કરતો હતો.
"અરે મિતેશ હું દેવરાજ શેઠ બોલું છું." દેવરાજ બોલ્યો.
"બોલ દેવ... ઘણા દિવસે મારી યાદ આવી ? " મિતેશ હસીને બોલ્યો.
" ક્યારેક તો યાદ કરવો પડે ને ભાઈ ! આજકાલ ડોક્ટરોની બોલબાલા છે." દેવરાજ બોલ્યો.
"બોલબાલા તો આજકાલ તારી છે. અમારી પ્રેક્ટિસ તારા આટલા મોટા બિઝનેસની તોલે થોડી આવે ? બોલ શું સેવા હતી ? " મિતેશ બોલ્યો.
" તારા ધ્યાનમાં રાજકોટમાં કોઈ સારો ગાયનેકોલોજિસ્ટ છે ? " દેવરાજ બોલ્યો.
"અચ્છા ! તો મતલબ તારા ઘરે ગુડ ન્યુઝ છે એમ ને !! " મિતેશ બોલ્યો.
" અરે ભાઈ ગુડ ન્યુઝ નથી આવતા એટલા માટે તો ચેક અપ કરાવવું છે. " દેવરાજ બોલ્યો.
" રાજકોટમાં ઢગલાબંધ ગાયનેક ડોક્ટરો છે. બધા જ હોશિયાર છે અને બધા જ સારા છે. ભાભીને લેડી ડોક્ટર વધારે ફાવશે. કહેતો હોય તો રેફરન્સ લખી આપું. " મિતેશ બોલ્યો.
" એક કામ કર. મને આ બધું ફોન ઉપર કહેવું નહીં ફાવે. તું રૂબરૂમાં કેટલા વાગે મળી શકીશ ? " દેવરાજે પૂછ્યું.
"અત્યારે જ આવી જા ને ! દોઢ વાગ્યા સુધી મારું ક્લિનિક ચાલુ જ છે. તને એડ્રેસ તો ખબર જ છે !" મિતેશ બોલ્યો.
" ઓકે હું ત્યાં જ આવું છું. " કહીને દેવરાજ ઢેબર રોડ ઉપર આવેલા ડૉ. મિતેશના ક્લિનિક ઉપર પહોંચી ગયો.
"જો ગાયનેક ચેક અપ માટે અહીં રાજકોટમાં બે લેડી ડોક્ટર વધારે ફેમસ છે. હું એ બન્નેને ઓળખું છું. તું જેને કહે એના ઉપર ચિઠ્ઠી લખી આપું." મિતેશ બોલ્યો.
" લેડી ડોક્ટરની વાત જવા દે મિતેશ. તું જેને ઓળખતો હોય અને જે તારા કહ્યા પ્રમાણે રિપોર્ટ બનાવી આપતો હોય એવો કોઈ ગાયનેકોલોજીસ્ટ તારા ધ્યાનમાં છે ? " દેવરાજ બોલ્યો.
" તારી વાત મને સમજાઈ નહીં. મારા કહ્યા પ્રમાણે રિપોર્ટ બનાવી આપે એટલે ?" મિતેશ આશ્ચર્યથી બોલ્યો.
"જો મિતેશ. મારો સ્પર્મ રિપોર્ટ એકદમ નેગેટીવ છે. હું પિતા બની શકું એમ નથી. પરંતુ આ વાત તારા અને મારા પૂરતી સીમિત છે. મારે મૈત્રીનો રિપોર્ટ નેગેટીવ જોઈએ છે. મતલબ કે ડોક્ટર એવું નિદાન કરે કે મૈત્રીના ગર્ભાશયમાં કોઈક ખામી છે અને તે માતા બની શકે એમ નથી. ડોક્ટરને જે રકમ જોઈતી હોય તે હું આપવા તૈયાર છું. " દેવરાજે મિતેશ આગળ વાર્તા કરી.
"હમ્ ... સમજી ગયો. દોષનો ટોપલો ભાભી ઉપર નાખવો છે એમ ને ? " મિતેશ હસીને બોલ્યો.
"સાવ એવું પણ નથી. પણ હાલ પૂરતું મારે આવો રિપોર્ટ જોઈએ છે. અને મારે એ પણ જાણવું છે કે ખરેખર એના ગર્ભાશયમાં પ્રોબ્લેમ છે કે એ નોર્મલ છે ? જેથી ભવિષ્યમાં આઈવીએફ માટે વિચારી શકાય. એટલે મારે સત્ય પણ જાણવું છે અને નેગેટિવ રિપોર્ટ પણ જોઈએ છે. " દેવરાજ બોલ્યો.
"પહેલીવાર તું મારી પાસે આવ્યો છે. મારે તારું કામ તો કરવું જ જોઈએ ને ? મારી સાથે એમબીબીએસ થયેલો ગાયનેકોલોજીસ્ટ રાજેશ રૈયા ચોકડી ઉપર મેટરનીટી હોમ ધરાવે છે. હું એની સાથે વાત કરી દઈશ. હું તને ફોન કરું પછી તું ભાભીને લઈને એને મળી આવ. તને પર્સનલી સાચો રિપોર્ટ પણ આપશે અને તારા કહ્યા મુજબ નેગેટિવ રિપોર્ટ પણ આપશે. " મિતેશ બોલ્યો અને થોડીવાર પછી ચા પાણી પી દેવરાજ ઘરે જવા માટે નીકળી ગયો.
" મૈત્રી તને નથી લાગતું કે આપણા ઘરમાં હવે એકાદ નાનકડા બાળકને રમતું જોવાનો સમય પાકી ગયો છે ? " ચારેક દિવસ પછી એક રાત્રે બેડરૂમમાં સૂતાં સૂતાં દેવરાજે મૈત્રી આગળ પ્રેગ્નન્સીની વાત રમતી મૂકી.
"શું વાત છે ! આજે તો સાહેબને પપ્પા બનવાના ઓરતા જાગ્યા !! " મૈત્રી હસીને બોલી અને દેવરાજની નજીક સરકી.
" આપણા લગ્નને એક વર્ષ થઈ ગયું મૈત્રી. પપ્પા બનવાના ઓરતા જાગ્યા એના કરતા એમ કહું કે મને થોડી ચિંતા પેઠી છે. આપણા બંનેમાં કોઈ ખામી તો નહીં હોય ને ! કુટુંબ નિયોજનનું કોઈ પ્લાનિંગ આપણે કરતાં નથી છતાં હજુ સુધી તને પ્રેગ્નન્સી આવી નથી. " દેવરાજ ઠાવકાઈથી બોલ્યો.
" અરે દેવ તમે ચિંતા ન કરો. આપણામાં કોઈ જ ખામી નથી. આ તો બધું કુદરતી હોય છે. ઘણી સ્ત્રીઓને બે કે ત્રણ વર્ષે પણ પ્રેગ્નન્સી આવે છે. અને આપણા લગ્નને હજુ એક જ વર્ષ થયું છે એટલે આટલા બધા ટેન્શનમાં આવી જવાની જરૂર નથી. બાળક આવશે એટલે બધી જવાબદારીઓ પણ વધી જશે મિસ્ટર. " મૈત્રી લાડથી બોલી.
" જવાબદારીઓથી હું છટકવા માગતો નથી ડાર્લિંગ પરંતુ મારું મન કહે છે કે એક વાર આપણે ચેક અપ કરાવી લઈએ. ભલેને પછી બે વર્ષ પછી પ્રેગ્નન્સી આવે ! આપણા મનને સંતોષ તો થાય કે આપણે નોર્મલ છીએ !!" દેવરાજ બોલ્યો.
" ઠીક છે.. જેવી તમારી ઈચ્છા દેવ " મૈત્રી બોલી.
અને એ પછીના શનિવારે સવારે ૧૧ વાગે દેવરાજ મૈત્રીને લઈને મિતેશના જાણીતા ગાયનેક સર્જન ડૉ. રાજેશના મેટરનીટી હોમ ઉપર પહોંચી ગયો.
" રાજેશભાઈ તમને મારા મિત્ર ડોક્ટર મિતેશે વાત કરી જ હશે. મારે મારી પત્નીનું ચેક અપ કરાવવું છે. લગ્નને એક વર્ષ થયું. હજુ પ્રેગ્નન્સી આવતી નથી એટલે જસ્ટ જિજ્ઞાસા છે. " દેવરાજ બોલ્યો.
" આવો બેન મારી સાથે. રૂટીન ચેકઅપ પણ કરી લઉં અને સોનોગ્રાફી પણ કરી લઈએ." ડૉ. રાજેશ પંચમતિયા બોલ્યા.
મૈત્રી ડોક્ટરની સાથે બાજુની કેબિનમાં ગઈ. ચેક અપની દસેક મિનિટ પછી બંને ચેમ્બરમાં પાછાં આવી ગયાં.
" તમને બેન પિરિયડ બરાબર આવે છે ? " ડોક્ટરે મૈત્રીને પૂછ્યું.
"હા પિરિયડ તો બરાબર આવે છે. ક્યારેક વહેલું પણ આવી જાય છે. " મૈત્રી બોલી.
" તપાસ કરતાં એવું લાગે છે કે તમારી ઓવરીઝમાં ફોલિકલ્સ બરાબર ડેવલપ થતા નથી અને રાઈટ ફેલોપીયન ટ્યુબ પણ બ્લોક છે. આઈ એમ સોરી પણ ગર્ભ રહેવાના ચાન્સીસ બહુ જ ઓછા છે બેન." ડૉ. રાજેશ બોલ્યા.
" તો શું એ ક્યારેય પણ ગર્ભધારણ નહીં કરી શકે ? " દેવરાજે પૂછ્યું.
" સો ટકા એવું તો ના કહી શકાય પરંતુ ચાન્સીસ ઘણા ઓછા છે. ફેલોપિયન ટ્યુબ કદાચ ખોલી નાખીએ તો પણ એગ્સ બરાબર ડેવલપ ન થાય તો ગર્ભ ન રહી શકે. એટલે ખાત્રીપૂર્વક ના કહી શકાય." ડોક્ટર બોલ્યા.
"ઠીક છે સાહેબ થેંક્યુ વેરી મચ. તમારી ફીઝ ? " દેવરાજે પૂછ્યું.
" તમારી કોઈ ફી લેવાની નથી. મિતેશ મારો ખાસ મિત્ર છે. " ડૉ. રાજેશ બોલ્યા.
આવા સમાચાર સાંભળ્યા પછી મૈત્રી ખૂબ જ અપસેટ થઈ ગઈ. આખા રસ્તે એ ગાડીમાં પણ કંઈ જ બોલી નહીં.
" તારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી મૈત્રી. સંતાન થવું, ન થવું કુદરતના હાથની વાત છે. એમાં તારો કોઈ જ વાંક નથી. " ઘરે આવ્યા પછી દેવરાજે એને આશ્વાસન આપ્યું.
" તમે ભલે ને કહો પરંતુ એક પત્ની તરીકે હું તમને સંતાન ન આપી શકું તો પછી મારા હોવાનો કોઈ મતલબ જ નહીં ને ! તમારી પેઢીનો વિસ્તાર કરવો એ મારી ફરજમાં આવે છે. " મૈત્રી બોલી.
"અરે ગાંડી.. આવા જૂનવાણી વિચારો તું શું કામ કરે છે ? મેં કહ્યું ને કે મને કોઈ જ ફરક પડતો નથી. સંતાન સુખ મળવું એ ઈશ્વરના હાથની વાત છે. સંતાન ન થવાથી મારા તારા પ્રત્યેના પ્રેમમાં કોઈ જ ફરક નહીં પડે. " દેવરાજ મૈત્રીનો હાથ પોતાના હાથમાં લઈને બોલ્યો.
મૈત્રી કંઈ બોલી નહીં. પરંતુ પોતાના પતિના આશ્વાસનથી એને સારું લાગ્યું.
સાંજે ચાર વાગે ઓફિસે ગયા પછી દેવરાજે ડૉ. રાજેશ પંચમતિયાને ફોન કર્યો.
"રાજેશભાઈ મારી પત્નીની હાજરીમાં તો હું તમને થેન્ક્સ કહી શક્યો નહીં પરંતુ હવે તમારો આભાર માનું છું કે તમે મૈત્રીને પ્રેગ્નન્સી માટે નેગેટિવ રિપોર્ટ આપ્યો." દેવરાજ બોલ્યો.
" દેવરાજભાઈ, મિતેશનો બહુ જ આગ્રહ હતો એટલા માટે જ મારે ના છૂટકે આવો રિપોર્ટ આપવો પડ્યો. બાકી તમારાં પત્ની એકદમ નોર્મલ છે. એમના ગર્ભાશયમાં કોઈ જ ખામી નથી. એમને અપસેટ જોઈને આજે મને બહુ જ દુઃખ થયું છે." રાજેશ બોલ્યો.
" હું સમજી શકું છું પરંતુ મારી મજબૂરી હતી. " કહીને દેવરાજે ફોન કટ કર્યો.
દેવરાજે કાવ્યાના અને પોતાના બાળકને પોતાના જ ઘરમાં લાવીને ઉછેરવા માટે મૈત્રીના મેડિકલ ટેસ્ટનું આ નાટક ગોઠવ્યું હતું. હવે સાચેસાચ એ પોતે અપસેટ થઈ ગયો. એને મૈત્રી માટે પ્રેમ તો હતો જ. મૈત્રી જેવી લાગણીશીલ સ્ત્રીને દુઃખ પહોંચાડવા માટે એના મનમાં ગ્લાની ની લાગણી થઈ. એણે ખોટું કાર્ય કર્યું હતું.
એ રાત્રે ઘરે જઈને દેવરાજે મૈત્રીને લાગણીપૂર્વક બાથમાં લીધી અને ખૂબ જ સમજાવી. મૈત્રી રડતી રહી અને દેવરાજ સાંત્વન આપતો રહ્યો.
" મૈત્રી હું તને વચન આપું છું કે તારા મા ન બનવાથી મારા પ્રેમમાં કોઈ ફરક નહીં પડે. કોઈપણ સંજોગોમાં હું તને વફાદાર રહીશ. મારા માટે તું જરા પણ શંકા કરીશ નહીં. મેડિકલ ટેકનોલોજી ઘણી આગળ વધી રહી છે. આજે જે અશક્ય લાગે તે કાલે શક્ય પણ બને. હજુ તો આપણા લગ્નને એક વર્ષ થયું છે. બાળકની જ્યારે પણ ઈચ્છા થશે ત્યારે આપણે બીજા ટેસ્ટ કરાવીશું સારા ડોક્ટરોને બતાવીશું. તું અત્યારથી આટલી બધી ચિંતા ના કર. " દેવરાજ એને શાંત કરતો હતો.
દેવરાજ જ્યારે મૈત્રીને વફાદાર રહેવાની વાત કરતો હતો ત્યારે અંદરથી એનું દિલ એને ડંખી રહ્યું હતું. પોતે મૈત્રીને કેટલો વફાદાર હતો એ તો એ પોતે જ જાણતો હતો !!
પત્ની સાથે વિશ્વાસઘાત કરીને કાવ્યા સાથે રંગરાગ ખેલ્યા. એટલું જ નહીં એને પ્રેગનેન્ટ પણ બનાવી દીધી અને પોતે હવે મૈત્રી સાથે વફાદારીની વાતો કરતો હતો !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.
