પીજી હાઉસ (PG House Novel Part-24)

Related

પીજી હાઉસ પ્રકરણ 24

સમય પસાર થતો ગયો. કાવ્યાને અમદાવાદ મૂકી આવ્યાને બીજા બે મહિના પસાર થઈ ગયા. શિયાળો પૂરો થઈને ફાગણ મહિનો શરૂ થઈ ગયો.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

રાજકોટમાં દેવરાજનો મૈત્રી સાથેનો સંસાર સારી રીતે ચાલી રહ્યો હતો. હવે દેવરાજ તેનું વધારે ધ્યાન રાખતો હતો. કાવ્યાને મૂકી આવ્યા પછી એકવાર પણ એ અમદાવાદ ગયો ન હતો. 

પરંતુ હવે એની ઈચ્છા અમદાવાદ જવા માટે તીવ્ર બની ગઈ હતી. કાવ્યાની પ્રેગ્નન્સીને ત્રણ મહિના પૂરા થઈ ગયા એટલે એની ખબર કાઢવી પણ જરૂરી હતી. અને એની ખબર કાઢવા કરતાં એના હૃદયમાં ઊંડે ઊંડે એની સાથે એક વાર સંસાર સુખ ભોગવવાની ઈચ્છા પણ હતી.

અમદાવાદ કાવ્યાને મળવા જવાનું હોવાથી પોતાના ડ્રાઇવર રફીકને સાથે લેવાનું એને યોગ્ય ન લાગ્યું અને પોતે જ ડ્રાઇવ કરવાનું પસંદ કર્યું.

" રફીક કાલે સવારે હું ગાડી લઈને અમદાવાદ જઉં છું. બે ત્રણ અંગત કામ પતાવવાનાં છે એટલે હું જાતે જ ગાડી ડ્રાઈવ કરીશ. ત્રણેક દિવસ પછી આવીને તને ફોન કરી દઈશ. ત્યાં સુધી તારે ઓફિસે આવીને બેસવાની જરૂર નથી. " સાંજે રફીક ઓફિસથી દેવરાજને લઈને ઘરે આવ્યો ત્યારે દેવરાજ બોલ્યો.

" ઠીક છે શેઠ. " રફીક બોલ્યો અને પોતાની બાઈક લઈને રવાના થઈ ગયો.

બિઝનેસ અર્થે બે ત્રણ દિવસ માટે અમદાવાદ જવું પડશે એવું બહાનું કાઢી રાત્રે દેવરાજે મૈત્રીને મનાવી લીધી.

વહેલી સવારે તૈયાર થઈ સાત વાગે દેવરાજ અમદાવાદ જવા માટે નીકળી ગયો. એણે રસ્તામાંથી જ કાવ્યાને ફોન કરી દીધો.

ઉજાલા સર્કલ છોડી દેવરાજે અમદાવાદ શહેરમાં પ્રવેશ કર્યો ત્યારે આ શહેર જાણે એને પરિચિત લાગ્યું. આમ તો એ અમદાવાદ ખાસ આવતો જ નહોતો. વર્ષમાં એકાદ વાર અમદાવાદ ક્યારેક આવવાનું થાય તો પણ માત્ર એક દિવસ માટે જ. છતાં આજે કોણ જાણે કેમ બધું પરિચિત લાગતું હતું.

ઇસ્કોન સર્કલ આવ્યા પછી એણે ગાડી જમણી તરફ વાળી અને જજીસ બંગલા ચાર રસ્તા તરફ લઈ લીધી. ત્યાંથી ફરી જમણી બાજુ વાળીને એ વર્ષા ફ્લેટ્સ પહોંચી ગયો.

ચોકીદાર સાથે વાત કરી એણે ગાડી પાર્કિંગ સ્લોટમાં મૂકી અને કાવ્યા જ્યાં રહેતી હતી એ બ્લોકમાં પહોંચી ગયો.

પહેલા માળે દરવાજે જઈને દેવરાજે ડોરબેલ દબાવી. એક મિનિટ પણ પૂરી નહીં થઈ હોય ત્યાં કાવ્યાએ દરવાજો ખોલી નાખ્યો.

દેવરાજે અંદર પ્રવેશ કર્યો એટલે કાવ્યા એ તરત જ દરવાજો આડો કરી દીધો.

બે મહિના પછીનું આ મિલન હતું અને બંને એકબીજાને આલિંગનમાં લેવા માટે તલપાપડ હતાં. વર્ષોની પ્યાસ બુઝાવવાની હોય એ રીતે બંને એક બીજાંને ભેટી પડ્યાં.

" કેટલી બધી રાહ જોવડાવી ? મારી હાલત આવી છે છતાં પણ તમે બે મહિના કાઢી નાખ્યા. " આલિંગનમાંથી છૂટા પડ્યા પછી કાવ્યાએ મીઠી ફરિયાદ કરી.

" અરે ડાર્લિંગ ધંધામાં બિલકુલ ફુરસદ મળતી નથી. તું મારા જીવનમાં આવી છે એ પછી મારું કામકાજ પણ વધી ગયું છે. એક્સપોર્ટના પણ ઓર્ડરો છે. બે વખત મેં અમદાવાદ આવવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો. તારી તબિયત કેમ છે એ મને કહે. " દેવરાજ બોલવામાં ઉસ્તાદ થઈ ગયો હતો.

" તબિયત તો સારી છે. બાજુવાળાં મયુરીબેનના એક જાણીતા ગાયનેક ડોક્ટર છે એમની ટ્રીટમેન્ટ ચાલુ છે. મયુરીબેન મારું ખૂબ જ ધ્યાન રાખે છે અને એ જ મને રૂટીન ચેકઅપ માટે લઈ જાય છે. ડોક્ટરે કહ્યું છે કે બાળક તંદુરસ્ત છે." કાવ્યા શરમાઈને બોલી.

" ચાલો સરસ. તું અહીં સરસ રીતે ગોઠવાઈ ગઈ એનો મને આનંદ છે. " દેવરાજ બોલ્યો.

" અગિયાર વાગવા આવ્યા છે. રસોઈ તૈયાર છે. ભૂખ લાગી હોય તો બેસી જાઓ. ચા પીવાની ઈચ્છા હોય તો ચા બનાવી દઉં. " કાવ્યા બોલી.

"ભૂખ તો લાગી છે પણ ..... " દેવરાજ બોલતાં બોલતાં અટકી ગયો.

"બસ બસ હું સમજી ગઈ તમે શું કહેવા માગો છો ! એ બધી વાતો પછી. અત્યારે ચા પીવી છે કે જમવું છે ? " કાવ્યા હસીને બોલી.

" તેં કોઈ બાઈ રાખી હતી એ કેમ દેખાતી નથી ? " દેવરાજે પૂછ્યું.

" એ તો સવારે ૮ વાગે જ આવી જાય છે. પરંતુ તમારો ફોન આવી ગયો એટલે પછી મેં એને રજા આપી અને કહ્યું કે મારા મિસ્ટર આવવાના છે. અમે જમી લઈએ પછી તું એક વાગ્યા પછી આવજે. એ પણ બધું સમજી ગઈ. " કાવ્યા બોલી.

" તું પણ ઉસ્તાદ થઈ ગઈ છે. અત્યારે ચા પીવાની ઈચ્છા નથી. મને તારી જ ઈચ્છા છે. જમવાનો પ્રોગ્રામ એકાદ કલાક પછી રાખીએ. " દેવરાજ બોલ્યો.

બે મહિના પછી મળતાં હતાં એટલે કાવ્યા દેવરાજની વાત સાનમાં સમજી ગઈ અને એ પછી બંને પ્રેમી પંખીડાં એકબીજામાં સમાઈ ગયાં.

"હવે તમે જમવા બેસી જાઓ. પતિદેવ થઈને મારા હાથની રસોઈ તમે હજુ સુધી ચાખી નથી. દાળ ભાત શાક તૈયાર છે. ગરમાગરમ રોટલી તમારા માટે બનાવી દઉં છું. " કહીને કાવ્યાએ દેવરાજની થાળીમાં ભરેલા ભીંડાનું શાક, દાળ અને ફાડાલાપસી પીરસી દીધાં. ગરમ રોટલી એ ઉતારવા લાગી.

" માન ગયે કાવ્યા. અફલાતૂન રસોઈ બનાવી છે. અને તારા ભરેલા ભીંડાનો તો કોઈ જવાબ જ નથી. સાચા અર્થમાં તું હવે ગૃહિણી બની ગઈ. " દેવરાજે જમતાં જમતાં દિલથી રસોઈને વખાણી.

કાવ્યાએ જે બાઈ રાખી હતી તે એક વાગે આવી ગઈ અને બધું જ કામ પતાવી દીધું.

" માસી હવે તમે કાલે સવારે આઠ વાગે જ આવજો. સાંજે અમે લોકો બહાર જવાનાં છીએ. " કાવ્યા બોલી.

" ભલે બેન. " કહીને માસી ચાલ્યાં ગયાં.

" મારે થોડાં કપડાં ખરીદવાં છે. એક બે સારાં ગાઉન લેવાં છે આપણે સાંજે સીજી રોડ જઈશું ? " બપોરે આરામ કરતી વખતે કાવ્યા બોલી.

" તારે મને ગાઈડ કરવો પડશે કારણ કે મને અમદાવાદનો બહુ પરિચય નથી. " દેવરાજ બોલ્યો.

"તમે ચિંતા નહીં કરો. મેં બધા રસ્તા જોયેલા છે. મયુરીબેને મને ઘણો બધો એરીયા બતાવી દીધો છે. સીજી રોડ હું તમને લઈ જઈશ. અહીંના બધા મોલ પણ મેં જોઈ લીધા છે. સરસ સીટી છે દેવ. મને તો અહીં બહુ મજા આવે છે." કાવ્યા બોલી.

એ સાંજે સાડા પાંચ વાગે કાવ્યાને લઈને દેવરાજ સીજી રોડ જવા માટે નીકળી ગયો. કાવ્યાના માર્ગદર્શન મુજબ દેવરાજે ગાડી માનસી સર્કલ તરફ લીધી ત્યાંથી શિવરંજની અને નેહરુનગર થઈ આંબાવાડી સર્કલ તરફ ગાડી લઈ લીધી. ત્યાંથી લેફ્ટ લઈને સીજી રોડ પકડી લીધો. આગળ જઈ સિગ્નલથી સહેજ આગળ એણે ગાડી સાઈડમાં પાર્ક કરી અને કાવ્યાને લઈને એક મોટા લેડીઝ શો રૂમમાં પ્રવેશ્યો.

લેડીઝ શો રૂમમાં પોતે એકલો જ પુરુષ હતો એટલે એણે કાવ્યાને જે જોઈએ તે ખરીદવાનું કહી પોતે બહાર આવી ગયો અને ગાડી પાસે આવીને ઉભો રહ્યો.

અહીં ઉભા રહ્યા પછી એને લાગ્યું કે આ સીજી રોડ જાણે કે એનો જાણીતો છે ! અહીંથી અનેકવાર નીકળ્યો હોય એવું એને કેમ લાગતું હતું ! પંચવટી થઈને જે રસ્તે એ આવ્યો એ રસ્તો પણ જાણે કે જોયેલો લાગ્યો. આ શહેર મારું અપરિચિત હોવા છતાં આટલું બધું જાણીતું કેમ લાગે છે ? આ દૂર દૂર સામે દેખાય છે એ ગિરીશ કોલ્ડ્રીંક્સમાં પણ હું આવી ગયો છું એવું મને ફીલ થાય છે.

દેવરાજ સમજી શકતો ન હતો કે અમદાવાદ શહેર એને પરિચિત કેમ લાગે છે ! જાણે કે કોઈ સ્મૃતિઓ એના મગજમાં જડાઈ ગઈ હોય એવો એને ભાસ થતો હતો !!

અડધા પોણા કલાક પછી કાવ્યા શોપિંગ કરીને પાછી આવી.

"મારી ઈચ્છા આજે પિક્ચર જોવાની છે દેવ. તમારા વિના હું ક્યાંય જતી નથી. આજે તમે આવ્યા છો તો થાય છે કે એકાદ પિક્ચર જોઈ લઈએ. એ પછી બહાર જ ક્યાંક જમી લઈએ. " કાવ્યા બોલી.

"એઝ યુ વિશ. તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરવા હું અહીં આવ્યો છું. ચાલો કઈ બાજુ લઉં ? " ગાડીમાં બેઠા પછી દેવરાજ બોલ્યો.

" ડ્રાઇવ ઇન રોડ ઉપર થઈ હિમાલયા મોલ જતાં રહીએ. ત્યાં મલ્ટિપ્લેક્સ માં સારું મુવી ચાલે છે. આગળ સ્વસ્તિક ચાર રસ્તાથી ગાડીને ડાબી બાજુ વાળી લો. " કાવ્યા બોલી.

બન્નેએ સાતથી નવના શોમાં મુવી જોઈ લીધું.

" હવે જમવાનું ઠેકાણું ? " દેવરાજે ગાડીમાં બેઠા પછી પૂછ્યું.

" ઇસ્કોન થાળ. આપણા ઘરથી નજીક જ છે. ગાડીને સીધી થલતેજ ચોકડી સુધી લઈ જાઓ પછી ડાબી બાજુ એસ.જી હાઇવે ઉપર જ ઇસ્કોન થાળ આવે છે. " કાવ્યા બોલી.

" આખા અમદાવાદની ભૂગોળ તને યાદ રહી ગઈ લાગે છે. ફટાફટ રસ્તા બતાવે છે. " દેવરાજ હસીને બોલ્યો.

એ પછી દેવરાજ બીજા બે દિવસ સુધી અમદાવાદ રોકાયો અને કાવ્યાને કંપની આપી.

" ચાલો હવે હું રજા લઉં કાવ્યા. તારી સાથે નાનકડું દાંપત્યજીવન જીવવાની ખૂબ જ મજા આવી. તબિયતનું ધ્યાન રાખજે. હું હવે આવતો જતો રહીશ. તારા એટલે કે આપણા બાળકને મારા જ ઘરમાં લઈ આવવાનું પ્લાનિંગ હું કરી રહ્યો છું. " વિદાય લેતી વખતે દેવરાજ બોલ્યો.

" મને તમારા વગર હવે નહીં ગમે. ત્રણ દિવસ જાણે કે મેં સ્વર્ગમાં વિતાવ્યા છે." કાવ્યા બોલી એની આંખો ભીની થઈ ગઈ.

" મને પણ તારી યાદ ભુલાતી નથી ડાર્લિંગ.... પણ જવું તો પડશે જ. " દેવરાજ બોલ્યો અને કાવ્યા વધુ ઈમોશનલ થાય એ પહેલાં એણે ગાડી સ્ટાર્ટ કરી દીધી.

પાંચ મહિનાનો બીજો સમય પસાર થઈ ગયો. કાવ્યાને આઠ પૂરા થઈને નવમો બેઠો. આ પાંચ મહિનામાં દેવરાજ ત્રણ વખત અમદાવાદ જઈ આવ્યો. જો કે આ પાંચ મહિનામાં એણે કોઈ શરીર સંબંધ બાંધ્યો ન હતો !

"મૈત્રી મારે તને એક વાત કહેવી છે. વાત જરા ગંભીર છે. તું નારાજ ના થાય તો જ આ વાત કરું "

એક રાત્રે દેવરાજ કાવ્યાને ડિલિવરી થઈ ગયા પછી એના સંતાનને ઘરમાં લાવવા માટે પૂર્વભૂમિકા બાંધી રહ્યો હતો. મૈત્રીને કન્વીન્સ કરવી જરૂરી હતી.

" એવી તે કઈ વાત છે કે હું તમારાથી નારાજ થઈ જાઉં ? " મૈત્રી બોલી.

"કોઈના બાળકને દત્તક લેવાની વાત છે મૈત્રી. " દેવરાજ બોલ્યો.

" હજુ આપણા લગ્નને પોણા બે વર્ષ થયાં છે. આપણે બાળક દત્તક લેવાની એવી તો ક્યાં ઉતાવળ છે ? અને તમે જ કહેતા હતા કે બાળકની ઈચ્છા થશે એટલે આપણે ફરી ચેક અપ કરાવીશું અને સારામાં સારા ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ પણ કરાવીશું !" મૈત્રી આશ્ચર્ય અને આઘાતથી બોલી.

હવે દેવરાજ મૂંઝાયો. પોતે જ કરેલી વાત પોતાની સામે આવીને ઊભી રહી. શું જવાબ આપવો ?

" તારી વાત સાથે હું સહમત છું મૈત્રી. મારે એવી કોઈ ઉતાવળ પણ નથી. પરંતુ સંજોગો જ એવા ઊભા થયા છે કે મારે તને આવી વાત કરવી પડી. " દેવરાજ ઠાવકાઈથી બોલ્યો.

" એવા તે વળી કેવા સંજોગો ? " મૈત્રી બોલી.

" આપણા યુનિવર્સિટી રોડ વાળા પીજી હાઉસમાં રહેતી કાવ્યા પાઠક નામની એક છોકરી કોઈના પ્રેમમાં હતી. એના થકી એ પ્રેગનેન્ટ થઈ હતી. એણે પોતાના પ્રેમીના શબ્દો ઉપર વિશ્વાસ રાખીને આઠ મહિના પહેલાં પીજી હાઉસ છોડી દીધું અને કોલેજ પણ છોડી દીધી. એને એમ કે પેલો યુવાન એની સાથે લગ્ન કરશે." દેવરાજ વાક્યો ગોઠવી ગોઠવીને બોલી રહ્યો હતો.

"હવે એનો પ્રેમી વિશ્વાસઘાત કરીને કાયમ માટે કેનેડા જતો રહ્યો છે. કાવ્યા અત્યારે કોઈ મકાનમાં એકલી ભાડેથી રહે છે. થોડા દિવસોમાં સંતાન જન્મ થશે એટલે કાવ્યા મૂંઝાઈ ગઈ છે. એનો અભ્યાસ પણ બાકી છે. ઘરે પણ કોઈને ખબર નથી. હું ગઈકાલે પીજી હાઉસ ગયો ત્યારે મને આ વાત જાણવા મળી. મને થયું કે એ બાળકને આપણે જ સ્વીકારી લઈએ તો એની સમસ્યાનો પણ ઉકેલ આવી જાય અને આપણો પ્રશ્ન પણ હલ થઈ જાય. " દેવરાજ બોલ્યો.

" પરંતુ આપણે એની દયા ખાવાની ક્યાં જરૂર છે દેવ ? આપણે આપણા પોતાના બાળક માટે જ કોશિશ કરવી જોઈએ. દત્તક લેવાની વાત મને થોડી ઉતાવળી લાગે છે. " મૈત્રી નારાજ થઈને બોલી.

" મૈત્રી માનવતાનો સવાલ છે. અને તને ભવિષ્યમાં બાળક થાય તો પણ શું વાંધો છે ? બંને બાળકો આપણાં પોતાના બાળકોની જેમ જ રહેશે. કાવ્યા બાળકને જન્મ આપીને કોઈ જગ્યાએ તરછોડી દે કે ઉકરડામાં ફેંકી દે એના કરતાં આપણે જ એનો ઉછેર ના કરીએ ? " દેવરાજ બોલ્યો.

" તમે નક્કી જ કરી લીધું છે તો પછી મને શા માટે પૂછો છો ? " મૈત્રી સહેજ ગુસ્સાથી બોલી.

"અરે મેં નક્કી કરી લીધું નથી. એટલા માટે તો આજે તને હું પૂછી રહ્યો છું. તારી સંમતિ વગર આ શક્ય જ નથી. " દેવરાજ બોલ્યો.

" બાળકને ઘરમાં લાવીએ એટલે મારાં મા બાપ પણ મને સવાલો કરે. હું મા બની શકું એમ નથી એ વાત જગજાહેર થાય. હજુ આપણે સારા ડોક્ટરને બતાવવાનું અને ટ્રીટમેન્ટ લેવાનું પણ બાકી છે. મારી ઉંમર જ ક્યાં એટલી મોટી થઈ ગઈ છે કે બાળક દત્તક લેવું પડે ? " મૈત્રી બોલી.

હવે દેવરાજ ખરેખર મૂંઝાઈ ગયો. મૈત્રી ની ઉંમર ૨૪ ૨૫ વર્ષની હતી. આટલી નાની ઉંમરે દત્તક બાળક લેવાની વાત કરવી એ યોગ્ય તો નહોતું જ. બીજી બાજુ કાવ્યાને એકાદ મહિનામાં ડિલિવરી થવાની છે અને અગત્યની વાત એ છે કે એ બાળક એનું પોતાનું જ છે !

એ દિવસે તો દેવરાજે બીજી કોઈ દલીલ કરી નહીં અને વાતને પડતી મૂકી પરંતુ અઠવાડિયા પછી એક રાત્રે આ જ મુદ્દાને એણે ફરી ઉઠાવ્યો. કારણ કે પોતાના જ બાળકને આ ઘરમાં લાવ્યા વગર છૂટકો જ ન હતો.

" મૈત્રી જે વાસ્તવિકતા છે એ આપણે સ્વીકારવી જ પડશે. હું આજે ડૉ. રાજેશ પંચમતિયાને મળવા ગયો હતો અને તારા કેસ વિશે ચર્ચા કરી હતી. એના કહેવા મુજબ તને પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ ઘણા ઓછા છે. અને આપણે બે ત્રણ વર્ષ બાળક વિના કાઢી નાખીએ તો પણ આવું બાળક આપણને કદાચ મળે નહીં. કાવ્યા બ્રાહ્મણ છે અને એનો પ્રેમી પણ બ્રાહ્મણ જ હતો. બ્રાહ્મણ કુળનું સંતાન આપણા ઘરમાં આવતું હોય તો આ તક ચૂકવા જેવી નથી. તું લાંબી દ્રષ્ટિથી વિચાર ડાર્લિંગ." દેવરાજ બોલ્યો.

" મને એ સમજાતું નથી કે વારંવાર તમે એ બાળકને આપણા ઘરમાં લાવવાની વાત શું કામ કરો છો ! ઘણી છોકરીઓ આ રીતે કુંવારી માતા બની જતી હોય છે. કાવ્યાએ પ્રેગ્નન્સી રાખવી જ ના જોઈએ. એ એનો પ્રોબ્લેમ છે. આપણે શા માટે એના બાળકને આપણા ઘરમાં લાવવું જોઈએ ? " મૈત્રી હવે થોડી ગુસ્સે થઈ.

" કારણ કે આટલું નાનું બાળક પછી આપણને નહીં મળે. અને એ પણ પાછું બ્રાહ્મણકુળનું સંતાન છે ! ભવિષ્યમાં અનાથાશ્રમમાંથી કોઈ બાળક દત્તક લઈશું તો એ કોનું સંતાન છે અને કેવા સંસ્કારનું છે એની આપણને જાણ નહીં હોય ! બાળક આવ્યા પછી તારી જિંદગી પણ બદલાઈ જશે ડાર્લિંગ. " દેવરાજ બોલ્યો.

મૈત્રી સમજી ગઈ કે કોઈપણ સંજોગોમાં દેવરાજ એ બાળકને ઘરમાં લાવવા માંગે છે. કંઈક તો કારણ છે નહીં તો વારંવાર આટલી બધી દલીલો એ ના કરે.

" તરત જન્મેલું બાળક હશે તો એને માતાના દૂધની જરૂર પડશે. એને બહારનું દૂધ નહીં પીવડાવી શકાય. " થોડીવાર પછી મૈત્રી બોલી.

"અરે પણ તો કાવ્યાને ડિલિવરી પછી બે ત્રણ મહિના આપણી સાથે રહેવાનું કહીશું. એ આપણી સાથે રહેશે એટલે તારા ઉપર પણ કોઈ સવાલ નહીં કરે. ત્યાં સુધીમાં તારા ઘરે મમ્મી પપ્પાને જામનગર વાત કરી દેવાની કે કાવ્યા કુંવારી છે એટલે એના બાળકને અમે અપનાવી લીધું ! " દેવરાજ બોલ્યો.

મૈત્રી મને કમને બાળકને સ્વીકારવા તૈયાર થઈ રહી છે તે જોઈ દેવરાજ મનોમન ખૂબ જ ખુશ થયો પરંતુ આવનારા દિવસોમાં શું તોફાન થવાનું છે એની દેવરાજને કોઈ કલ્પના જ ન હતી !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."