પીજી હાઉસ પ્રકરણ 25
દેવરાજે ગમે તેમ કરીને કાવ્યાને અને પોતાના બાળકને ઘરમાં લાવવા માટે મૈત્રીને મનાવી તો લીધી પરંતુ મૈત્રી અંદરથી ખુશ ન હતી.દેવરાજ કાવ્યાના બાળકને દત્તક લેવા માટે આટલા બધા અધીરા કેમ થઈ ગયા હતા એ વાત એને સમજાતી ન હતી. પોતાની ઉંમર હજુ ૨૪ ૨૫ વર્ષની હતી. આ કંઈ બાળકને દત્તક લેવાની ઉંમર ન હતી. પહેલાં તો દેવરાજ કોઈ સારા મોટા ડોક્ટરને બતાવવાની વાત કરતા હતા અને ટ્રીટમેન્ટની પણ વાત કરતા હતા અને હવે પોતાને બાળક નહીં જ થાય એવી વાત કરવા લાગ્યા હતા જેનાથી મૈત્રી વધારે અપસેટ હતી.
પીજી હાઉસ નવલકથા
દેવરાજે ગમે તેમ કરીને બાળકને ઘરમાં લાવવા માટે મૈત્રીને મનાવી લીધી એ પછીના ૨૦ દિવસ બાદ કાવ્યાએ વસ્ત્રાપુર અમદાવાદમાં આવેલા મેટરનીટી હોમમાં કન્યાને જન્મ આપ્યો.
કાવ્યાની સૂચનાથી મયુરીબેને બપોરે ૧૨:૩૦ વાગે ફોન ઉપર દેવરાજને આ વધામણી આપી. દેવરાજ એ વખતે ઓફિસમાં હતો.
"દેવરાજભાઈ કોન્ગ્રેચ્યુલેશન ! તમારા ઘરમાં લક્ષ્મીની પધરામણી થઈ છે. કાવ્યાએ દીકરીને જન્મ આપ્યો છે. સી સેક્શનથી ડિલિવરી થઈ છે. મા અને દીકરી બંને તંદુરસ્ત છે. " મયુરીબેન બોલ્યાં.
"જી જી.... તમે આટલી બધી કાળજી રાખી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માસી. ક્લિનિકમાં કેટલા દિવસ રોકાવું પડશે ? " દેવરાજ બોલ્યો.
" ઘરે કોઈ કરનાર નથી એટલે ત્રણેક દિવસ રોકાય તો વધુ સારું. અહીં નર્સ એની સંભાળ રાખી શકે. " મયુરીબેન બોલ્યાં.
" ઠીક છે માસી. ત્રણેક દિવસ પછી હું ત્યાં આવું છું. " દેવરાજ બોલ્યો અને ફોન કટ કર્યો.
હવે મૈત્રી સાથે વાત કરવી જ પડશે અને ત્રણેક દિવસ પછી કાવ્યાને પણ ઘરે લઈ આવી પડશે.
" મૈત્રી કાવ્યાને ડિલિવરી થઈ ગઈ છે. બેબીનો જન્મ થયો છે એટલે આપણે આપણા ઘરે લક્ષ્મીને લઈ આવવાની છે. સિઝેરિયન ડિલિવરી છે એટલે ત્રણેક દિવસ પછી હું એને આપણા ઘરે જ લઈ આવીશ. ઉપરના બેડરૂમમાં કાવ્યા ત્રણેક મહિના રહેશે. " બપોરે દેવરાજ ઘરે જમવા આવ્યો ત્યારે એણે મૈત્રીને વાત કરી.
મૈત્રીને જો કે દેવરાજની વાતથી કોઈ હરખ શોખ થયો નહીં. એણે પતિની વાત સાંભળી લીધી. કોઈ જવાબ આપ્યો નહીં.
" કેમ તું કંઈ બોલી નહીં ? " દેવરાજે પૂછ્યું.
" આમાં મારે કંઈ બોલવા જેવું છે ખરું ? તમે તમારું ધાર્યું કરી રહ્યા છો. મારો શરૂઆતથી જ આ બાબતમાં વિરોધ હતો છતાં પણ તમે મારી કોઈ વાત ગણકારી નથી. એ આવે છે તો ભલે આવતી. " મૈત્રી બોલી અને એણે થાળી પીરસી.
વધારે ચર્ચા કરવામાં મજા નથી એમ માનીને દેવરાજે જમતી વખતે ટોપિક બદલી નાખ્યો.
કાવ્યાની ડિલિવરીને બે દિવસ પૂરા થઈ ગયા. કાવ્યા અમદાવાદમાં છે એ વાત દેવરાજે મૈત્રીને કરી ન હતી. કાવ્યાને લેવા છેક અમદાવાદ જવું પડે એટલે ઘરેથી વહેલું જ નીકળવું પડે.
"મૈત્રી કાલે ત્રીજો દિવસ છે એટલે કાલે સાંજે કાવ્યાને રજા આપવાના છે. હું કાલે સાંજે એને આપણા ઘરે લેતો આવીશ. તું ઉપરનો બેડરૂમ ઠીકઠાક કરી લેજે. અને કાલે સવારે એક મોટી પાર્ટી સાથે શો રૂમમાં મારી મીટીંગ છે એટલે હું ઘરેથી સવારે વહેલો નીકળી જઈશ. મારે જમવાનું પણ પાર્ટી સાથે બહાર જ થશે." દેવરાજ બોલ્યો. મૈત્રીએ કોઈ જવાબ આપ્યો નહીં.
સત્યનો પોતાનો એક અલગ જ રણકો હોય છે. અસત્યનું કોઈ વજન નથી હોતું. દેવરાજ જ્યારે પણ મૈત્રી આગળ ખોટું બોલતો અથવા વાર્તા કરતો ત્યારે મૈત્રીનો અંતરાત્મા સમજી જતો કે દેવરાજ એની આગળ ખોટું બોલી રહ્યો છે !
બીજા દિવસે દેવરાજ સવારે ૮ વાગે જ અમદાવાદ જવા માટે નીકળી ગયો. પોતાના અને કાવ્યાના બાળકને જોવા માટે એ થનગની રહ્યો હતો. એણે કાવ્યાને ફોન કરી પોતે અમદાવાદ આવી રહ્યો છે એની જાણ પણ કરી દીધી.
૧૨ વાગે અમદાવાદ પહોંચીને એસ.જી હાઇવેના એક રેસ્ટોરન્ટમાં એણે પંજાબી ડીશ જમી લીધી અને કાવ્યા માટે પણ પાર્સલ પેક કરાવી દીધું.
એ નર્સિંગ હોમ પહોંચ્યો ત્યારે બપોરનો એક વાગી ગયો હતો. સૌથી પહેલું કામ એણે પોતાની દીકરીને ખોળામાં લેવાનું કર્યું. કાવ્યાના જેવી જ એકદમ ગોરી દીકરી હતી.
" હું તમારી જ રાહ જોતી હતી દેવ. આપણા બંનેના પ્રેમની નિશાની હું તમને સોંપી રહી છું. ત્રણ મહિના પછી હું તમારું ઘર છોડી દઈશ તો પણ મારો જીવ તો મારી આ દીકરીમાં જ રહેશે." કાવ્યા બોલી.
" તારે એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એ આપણી દીકરી છે એટલે હકથી મારા ઘરમાં રહેશે. મૈત્રી પણ તારા જેટલા જ પ્રેમથી એની સંભાળ લેશે. હું એને ઓળખું છું. " દેવરાજ બોલ્યો.
" આપણે એનું નામ શું રાખીશું દેવ ? તમે આવી જ ગયા છો તો આજે નામ પાડી જ દઈએ. " કાવ્યા બોલી.
" તેં કંઈ વિચાર્યું છે ? પહેલો હક તારો છે અને તારી પસંદ એ મારી પસંદ. " દેવરાજ બોલ્યો.
"કાવ્યાની દીકરી કેયા. કેયા નામ તમને કેવું લાગે છે ?" કાવ્યા બોલી.
"કેયા બોલતી વખતે જાણે કે કાવ્યાનું સ્મરણ થાય છે. ઉચ્ચારો લગભગ સરખા જ છે. કેયા નામ ફાઇનલ ! " દેવરાજ બોલ્યો.
આ રીતે દસ પંદર મિનિટ બંને વચ્ચે વાર્તાલાપ ચાલ્યો. એ પછી દેવરાજે પાર્સલ ખોલ્યું અને કાવ્યાને જમાડી દીધી.
"કાવ્યા તું તૈયાર થઈ જા. હું બિલ ભરી દઉં છું. આપણે અત્યારે જ નીકળવું પડશે. અહીંથી તારા ફ્લેટ ઉપર જઈશું. તારે જે બેગ વગેરે લેવાની હોય તે તૈયાર કરી દે પછી આપણે રાજકોટ જવા નીકળી જઈએ. " દેવરાજ બોલ્યો.
આ બાજુ દેવરાજનો ડ્રાઇવર રફીક રોજ સવારે પોણા દશ વાગે દેવરાજને શો રૂમ લઈ જવા માટે દેવરાજના બંગલે આવી જતો હતો. આજે પણ એ સમય પ્રમાણે આવી ગયો.
" દેવરાજ તો આજે વહેલા ૮ વાગે જ ગાડી લઈને શો રૂમ જવા માટે નીકળી ગયા છે. કોઈ મોટી પાર્ટી સાથે મીટીંગ છે એમ કહેતા હતા. તને એમણે વાત નથી કરી ? " મૈત્રી બોલી.
" ના મારે તો શેઠ સાથે કોઈ જ વાત થઈ નથી. તો પછી હું સીધો શો રૂમ જ પહોંચી જાઉં છું. " રફીક બોલ્યો.
" એક કામ કરજે. શો રૂમ પહોંચીને દેવરાજને કહેજે મને ફોન કરે. " મૈત્રી બોલી.
" ઠીક છે મેડમ. " કહીને રફીક બાઈક ઉપર રવાના થયો.
૧૫ મિનિટ પછી રફીકનો ફોન મૈત્રી ઉપર આવી ગયો.
" મેડમ શેઠ તો હજુ શો રૂમ ઉપર આવ્યા જ નથી. " રફીક બોલ્યો.
" ઠીક છે હું એમની સાથે ફોન ઉપર વાત કરી લઉં છું. " મૈત્રી બોલી અને એણે ફોન કટ કર્યો.
એમણે તો ગઈકાલે રાત્રે મને શો રૂમમાં મીટીંગની વાત કરી હતી. હવે જો એ શો રૂમમાં ગયા જ નથી તો પછી ક્યાં ગયા હશે ? આજકાલ એ મારી સાથે સાચું કેમ નથી બોલતા ? મૈત્રી બહુ જ અપસેટ થઈ ગઈ.
એણે સીધો દેવરાજને જ ફોન જોડ્યો. ફૂલ રીંગો વાગી પણ દેવરાજે ફોન ઉપાડ્યો જ નહીં. એણે બીજી વાર ફોન કર્યો. બીજી વાર પણ દેવરાજે ફોન ના ઉપાડ્યો.
દેવરાજે બંને રીંગો વાગવા દીધી. એની પાસે કોઈ જવાબ જ ન હતો. જો ફોન ઉપાડે અને પોતે કોઈ જવાબ આપે તો મૈત્રીના પ્રશ્નોમાં પોતે ફસાઈ જાય. ખોટું બોલવાનું હોય એટલે બહુ જ સાવધાની રાખવી પડે.
દેવરાજ અને કાવ્યા વસ્ત્રાપુર પોતાના ઘરે ગયાં. ૧૫ મિનિટમાં કાવ્યાએ જરૂરી વસ્તુઓ લઈને બેગ ભરી દીધી અને તૈયાર થઈ ગઈ. અમદાવાદ થી રાજકોટ આવવા માટે નીકળ્યાં ત્યારે બપોરના સાડા ત્રણ વાગી ગયા હતા.
દેવરાજે ગાડીને હાઇવે ઉપર સ્પીડમાં ભગાવી. એ કાવ્યાને લઈને ઘરે પહોંચ્યો ત્યારે સાંજના સાત વાગ્યા હતા.
મૈત્રીએ હસતું મોઢું રાખીને બંનેનું સ્વાગત કર્યું. પોતાની નારાજગી એણે મનની અંદર જ દબાવી દીધી. કાવ્યાના બાળકને એણે તેડી લીધું અને એની પીઠ થપથપાવવા લાગી.
દેવરાજ અને કાવ્યા બંનેને મૈત્રીનું આ સ્વાગત સારું લાગ્યું.
" મૈત્રીબેન માફ કરજો. માન ન માન મૈં તેરા મહેમાન ની જેમ તમારા ગળે પડી છું. તમને દેવરાજ સરે વાત તો કરી જ જશે. બસ ત્રણેક મહિના મને તમારા ઘરમાં રહેવા દો. કેયા બહારનું દૂધ પીતી થાય પછી હું અહીંથી જતી રહીશ." કાવ્યા બોલી.
" તમારે જવાની એવી કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી કાવ્યાબેન. આ તમારું જ ઘર છે. જરા પણ સંકોચ ના રાખશો. ભલે ત્રણ ના બદલે છ મહિના પણ રહેવું પડે મને કોઈ પ્રોબ્લેમ નથી. તમારા માટે ઉપર બેડરૂમ તૈયાર કર્યો છે. તમે આરામ કરો. " મૈત્રી બોલી.
કાવ્યા મૈત્રીની સાથે ઉપર ગઈ અને પોતાને ફાળવેલા બેડરૂમમાં એણે પ્રવેશ કર્યો. બેડરૂમ ખરેખર સરસ હતો. નરમ બેડ ઉપર નવી જ ચાદર પાથરેલી હતી. એ.સી એટેચ બાથરૂમ વગેરે બધી જ સગવડો હતી.
" ખરેખર બેડરૂમ ખુબ સરસ છે મૈત્રી બેન. " કાવ્યાથી બોલાઈ ગયું.
" તમારા માટે જ તૈયાર કર્યો છે. તમારી ડિલિવરી સિઝેરિયનથી થઈ છે એટલે થોડા દિવસ સંપૂર્ણ આરામ કરવો પડશે. તમારી બેગ હું ઉપર લઈ આવું છું. કંઈ પણ કામ હોય તો સ્વીચ બોર્ડમાં બેલની સ્વીચ દબાવશો એટલે નીચે બેલ વાગશે. " મૈત્રી બોલી અને રૂમમાંથી બહાર નીકળી ગઈ.
કાવ્યા ડિલિવરી પછી બાળક સાથે દેવરાજના ઘરે રહેવા આવી એ દેવરાજનાં મમ્મી સુશીલાબેનને ગમ્યું નહીં પરંતુ એ કંઈ બોલ્યાં નહીં.
કાવ્યાને દેવરાજના ઘરે આવ્યાને ૧૫ દિવસ થઈ ગયા. મૈત્રીને કોઈ શંકા ન જાય એટલા માટે દેવરાજ મોટાભાગે કાવ્યાથી દૂર જ રહેતો હતો. મૈત્રી પણ કાવ્યાને સારી રીતે સાચવતી હતી. હવે તો કાવ્યા પણ રસોઈમાં અને નાના મોટા કામમાં મૈત્રીને મદદ કરતી હતી.
આસો મહિનાની નવરાત્રી ચાલુ થઈ ગઈ. જામનગરથી મૈત્રીની નાની બેન ફાલ્ગુની નવરાત્રી માણવા માટે દીદીના ઘરે રાજકોટ ચાર દિવસ રોકાવા આવી.
દીદીના ઘરે કોઈ અજાણી છોકરીને જોઈને ફાલ્ગુનીને આશ્ચર્ય થયું. આ છોકરીને એણે પોતાના જીજુ સાથે ગાડીમાં જામનગર જોઈ હતી. એ પછી એ બંને આરામ હોટલમાં ગયાં હતાં. આ બાબતે એણે દીદીને પણ વાત કરી હતી. મૈત્રીએ ત્યારે એ ગોરી સ્ત્રી તો એમની બિઝનેસ પાર્ટનર છે એમ કહીને ફાલ્ગુનીની શંકા દૂર કરી હતી. પરંતુ આ ગોરી છોકરી દીદીના ઘરે જ રહે છે એ વાતથી એને આશ્ચર્ય થયું.
" દીદી જીજુની બિઝનેસ પાર્ટનર તમારા ઘરે કેમ રહે છે ? " બપોરે જમતી વખતે મૈત્રી એકલી હતી ત્યારે ફાલ્ગુનીએ સવાલ કર્યો.
" બિઝનેસ પાર્ટનર !! અરે એ તો કાવ્યા છે. એને ડિલિવરી આવી છે એટલે આપણા ઘરે રાખી છે. હું તને શાંતિથી બધી વાત કરીશ. " મૈત્રી બોલી.
" પરંતુ તમે તો મને કહેલું કે એ જીજુની બિઝનેસ પાર્ટનર છે ! " ફાલ્ગુની બોલી.
"મેં વળી તને કાવ્યા વિશે ક્યારે આવી વાત કરેલી ? " મૈત્રી બોલી. એને ફાલ્ગુનીની વાત સમજાઈ નહીં. ભૂતકાળમાં થયેલી વાત એ ભૂલી ગઈ હતી.
" શું દીદી તમે પણ ! નવ દશ મહિના પહેલાં મેં તમને કહ્યું હતું કે જીજુને મેં જામનગરમાં જોયેલા. એમની સ્વીફ્ટ ગાડીમાં એમની બાજુમાં એક ગોરી છોકરી બેઠી હતી. એ લોકો આરામ હોટલમાં ગયેલાં. તમે કહ્યું કે એ લોકો બધા મિટિંગમાં આવેલા છે અને એ ગોરી છોકરી તો એમની બિઝનેસ પાર્ટનર છે. યાદ છે કે ભૂલી ગયાં ? " ફાલ્ગુની બોલી.
હવે મૈત્રીને ટ્યુબલાઈટ થઈ. તો આ જ ગોરી છોકરી કાવ્યા તે દિવસે દેવરાજ સાથે જામનગરમાં એમની ગાડીમાં હતી ? આ જ છોકરી એમની સાથે હોટલમાં ગયેલી ?
હવે મૈત્રીને ધીમે ધીમે દેવરાજનો બધો જ ખેલ દીવા જેવો સ્પષ્ટ સમજાઈ ગયો. એની સાથે ભયંકર છેતરપિંડી થઈ હતી. મીટીંગના બહાને કાવ્યાને લઈને તે દિવસે એ જામનગર હોટલમાં જ ગયા હશે. ફાલ્ગુની બિચારી સાચું જ કહેતી હતી.
સળંગ ત્રણ રવિવાર એમણે મિટિંગનું બહાનું કાઢ્યું હતું અને જામનગર જ ગયા હતા. ધી ગ્રાન્ડ ઠાકરમાં ઊંધિયું જમવાની ખોટી ખોટી વાતો કરી હતી. મૈત્રીને ઊંડો આઘાત લાગ્યો. એને રડવાનું મન થયું પરંતુ પોતાની નાની બેન એની સામે હતી એટલે એ આ આઘાતને પચાવી ગઈ.
મૈત્રીને સમજાઈ ગયું કે આ બાળક દેવરાજનું પોતાનું જ છે અને એટલા માટે જ એ દત્તક લેવા માટે તૈયાર થઈ ગયા છે. પોતાના પાપથી કાવ્યા ગર્ભવતી બની એટલે મને ગમે તેમ સમજાવીને એ કાવ્યાને પોતાના ઘરે લઈ આવ્યા. દેવરાજ પાસેથી આવી અપેક્ષા બિલકુલ ન હતી. આટલો બધો પ્રેમ આપ્યા પછી પણ એમણે મારી સાથે જબરદસ્ત વિશ્વાસઘાત કર્યો !
મૈત્રી ઘણી અપસેટ થઈ ગઈ હતી પરંતુ બહેનની હાજરીમાં એને હસતો ચહેરો રાખવો પડ્યો.
" દીદી ક્યાં ખોવાઈ ગયાં ? જીજુની આ બિઝનેસ પાર્ટનર તમારા ઘરમાં કેમ રહે છે ? " ફરી ફાલ્ગુનીએ પ્રશ્ન પૂછ્યો.
" મારાં કરમ ફૂટ્યાં એટલે ! " મૈત્રી મનોમન બોલી પરંતુ ફાલ્ગુનીને જવાબ આપવો જરૂરી હતો.
" એનું નામ કાવ્યા છે. એનો પ્રેમી એની સાથે વિશ્વાસઘાત કરીને કેનેડા જતો રહ્યો છે. એ પ્રેગ્નેન્ટ બની ગઈ એટલે તારા જીજુએ દયા ખાઈને એને અમારા ઘરે જ રાખી અને અમે ડીલીવરી પણ કરાવી. જીજુની ઈચ્છા છે કે એના બાળકને સ્વીકારી લેવું પરંતુ મારું મન હજુ માનતું નથી. " મૈત્રીએ ગોળ ગોળ વાત કરી.
" હા તો તમારી વાત સાચી છે દીદી. તમને પણ કાલે સારા દિવસો આવશે. તમારી ઉંમર જ ક્યાં છે ? અત્યારથી કોઈના બાળકને દત્તક થોડું લેવાય ? " ફાલ્ગુની બોલી.
સારા દિવસોની વાત સાંભળીને મૈત્રીને ગાયનેક ડૉ. રાજેશની મુલાકાત યાદ આવી ગઈ. આ ડોક્ટરે જ કહ્યું હતું કે ગર્ભાશયમાં પ્રોબ્લેમ છે એટલે પ્રેગ્નન્સી ક્યારે પણ નહીં આવે. શું આ ડોક્ટર પણ દેવરાજ સાથે ભળેલો હશે ?
કાવ્યા પ્રેગ્નેન્ટ થઈ ગઈ હોય એટલે એના બાળકને દત્તક લેવા માટે દેવરાજે ડોક્ટરને મળીને મને ખોટો રિપોર્ટ આપવા માટે સમજાવ્યો હોય ! પૈસા આપતાં આ જગતમાં બધું જ શક્ય બને છે. મારે આ ડોક્ટરને મળવું જ પડશે !!
મૈત્રીનું મન ખૂબ જ ઉદાસ થઈ ગયું હતું. જેને એ આટલો બધો પ્રેમ કરતી હતી એ એનો પતિ જરા પણ વફાદાર ન હતો. કાવ્યા જેવી કોલેજમાં ભણતી કુંવારી છોકરીને એણે મા બનાવી દીધી હતી. પાપની આ પરાકાષ્ઠા હતી !
જ્યાં સુધી ફાલ્ગુની આ ઘરમાં છે ત્યાં સુધી મારે સંયમ રાખીને જેમ ચાલે છે તેમ ચલાવવું પડશે પરંતુ ફાલ્ગુનીના ગયા પછી મારે દેવરાજને બરાબરનો સબક શીખવાડવો જ પડશે.
બીજા દિવસે મૈત્રી સાંજે ચાર વાગે ડોક્ટર રાજેશના મેટરનીટી હોમમાં પહોંચી ગઈ. રૈયા ચોકડી ઉપર આ મેટરનીટી હોમ છે એ એને ખબર હતી એટલે ત્યાં ગયા પછી એણે પૂછપરછ કરીને ડૉ. રાજેશનું ક્લિનિક શોધી કાઢ્યું.
" ઓળખાણ પડે છે ડોક્ટર સાહેબ ?" ડોક્ટરની ચેમ્બરમાં જઈને મૈત્રીએ ધારદાર સવાલ પૂછ્યો.
" તમને જોયાં હોય એવું તો ચોક્કસ લાગે છે પણ ઓળખાણ નથી પડતી. " રાજેશ બોલ્યો.
" દેવરાજ શેઠની પત્ની મૈત્રી "
" હા હા હવે યાદ આવ્યું. તે દિવસે તમે દેવરાજ્ની સાથે જ આવ્યાં હતાં. " રાજેશ બોલ્યો.
" ખોટા રિપોર્ટ આપવાના તમે કેટલા પૈસા લો છો સાહેબ ? " મૈત્રીએ ધારદાર સવાલ કર્યો.
"અરે આ તમે શું બોલો છો મેડમ ? " ડૉ. રાજેશ બોલ્યો.
" તે દિવસે તમે મારું ચેક અપ કરીને એવો રિપોર્ટ આપ્યો હતો કે મારા ગર્ભાશયમાં પ્રોબ્લેમ છે અને હું કદી મા નહીં બની શકું. સાચું શું છે ડોક્ટર ? હું અત્યારે જ બીજા ડોક્ટર પાસે પણ જવાની છું. જો એ મને નોર્મલ કહેશે તો હું કાલે જ ખોટો રિપોર્ટ આપવા બદલ પોલીસ કેસ કરીશ અને તમને કોર્ટમાં ખેંચી જઈશ. સ્ત્રીની લાગણીઓ સાથે તમે રમત રમી છે. " મૈત્રી સહેજ આવેશમાં બોલી.
" તમે આટલાં બધાં ગુસ્સે ના થાઓ. મેં તમને લેખિતમાં કોઈ જ રિપોર્ટ આપ્યો નથી એટલે તમે મારી ઉપર કેસ નહીં કરી શકો. મને તમારા તરફ સહાનુભૂતિ છે. તમે એકદમ નોર્મલ છો પરંતુ તમારા પતિના કહેવાથી જ મારે ખોટું બોલવું પડ્યું હતું. મેં એક રૂપિયો પણ ચાર્જ લીધો નથી. મેં તમારા પતિને પણ કહ્યું હતું કે ખોટો રિપોર્ટ આપવા બદલ મને બહુ દુઃખ થયું છે. " રાજેશ બોલ્યો.
" બસ મારે આ જ જાણવું હતું. સોરી મને માફ કરજો સાહેબ મારાથી ગુસ્સે થઈ જવાયું. પરંતુ મારી સાથે બહુ મોટો વિશ્વાસઘાત થયો છે એટલે હું બહુ અપસેટ છું. " મૈત્રી બોલી.
" હું તમારી હાલત સમજી શકું છું. હું પણ ખોટો રિપોર્ટ આપવા બદલ તમારી માફી માગું છું. " રાજેશ બોલ્યો.
મૈત્રી ત્યાંથી બહાર નીકળી ગઈ પરંતુ એ બહુ જ અપસેટ થઈ ગઈ. જેને એણે આટલો બધો પ્રેમ આપ્યો એ માણસ આટલી હદે લંપટ અને હલકટ નીકળ્યો !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

