પીજી હાઉસ (PG House Novel Part-26)

Related

પીજી હાઉસ પ્રકરણ 26

મૈત્રીની નાની બહેન ફાલ્ગુની નવરાત્રી હોવાથી મૈત્રીના ઘરે ચાર પાંચ દિવસ અહીંના ગરબા જોવા માટે આવી હતી. મૈત્રીના ઘરે કાવ્યાને જોઈને એ આશ્ચર્ય પામી હતી. એ કાવ્યાને ઓળખી ગઈ હતી કે આ જ ગોરી છોકરીને એણે જામનગરમાં જીજુની ગાડીમાં બેઠેલી જોઈ હતી.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

એણે આ વાત મૈત્રીને કરી. જો કાવ્યા દેવરાજની સાથે જામનગરમાં હોય તો એનો મતલબ કે એ બંને વચ્ચે અનૈતિક સંબંધો છે જ અને કાવ્યાનું સંતાન દેવરાજનું જ હોવું જોઈએ. અને તો જ દેવરાજ કાવ્યાના બાળકને અપનાવી લેવા આટલી બધી જીદ કરતા હતા.

દેવરાજ મૈત્રીને ગાયનેક ડોક્ટર રાજેશ પાસે લઈ ગયો ત્યારે રાજેશે કહ્યું હતું કે મૈત્રી કદી પણ મા નહીં બની શકે કારણ કે એના ગર્ભાશયમાં પ્રોબ્લેમ છે. હવે સત્ય જાણ્યા પછી મૈત્રીને શંકા ગઈ કે દેવરાજના કહેવાથી જ રાજેશે આવો રિપોર્ટ આપ્યો હોવો જોઈએ જેથી પોતે કાવ્યાના આવનાર બાળકને દત્તક લઈ શકે.

મૈત્રીને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને એટલા માટે તે ડૉ. રાજેશ પાસે ગઈ હતી અને કેસ કરવાની વાત કરીને એણે સત્ય જાણવા કોશિશ કરી હતી.

રાજેશે કબૂલ કર્યું હતું કે દેવરાજના કહેવાથી જ એણે ખોટો રિપોર્ટ આપ્યો હતો. બાકી એ પોતે નોર્મલ છે અને મા બની શકે એમ છે. આ જાણીને મૈત્રીને દુઃખ થયું હતું કે કાવ્યાને મેળવવા માટે દેવરાજ કેટલો હલકટાઈ ઉપર ઉતરી ગયો હતો.

"ફાગુ... તૈયાર થઈ જા. આપણે અત્યારે જ જામનગર જઈએ છીએ. તું મને એક પણ સવાલ પૂછતી નહીં. " મૈત્રી બોલી.

૨૦ વર્ષની ફાલ્ગુનીને શંકા તો હતી જ પરંતુ દીદીની વાત સાંભળીને એને પણ આઘાત લાગ્યો. એ અડધા કલાકમાં બેગ ભરીને તૈયાર થઈ ગઈ.

મૈત્રીએ પોતાની તિજોરીમાંથી તમામ દાગીના લઈને બેગમાં મૂકી દીધા. એ સાથે પોતે ભેગા કરેલા પાંચ લાખ રૂપિયા પણ બેગમાં મૂક્યા. ત્રણ ચાર ડ્રેસ અને એક સાડી પણ બેગમાં મૂકી.

એ પછી મૈત્રીએ દેવરાજના નામે એક ચિઠ્ઠી લખી.

# તમારા અને કાવ્યાના સંબંધો વિશે મને બધી જ ખબર પડી ગઈ છે. મારી સાથે તમે બહુ મોટો વિશ્વાસઘાત કર્યો છે. હું તમને ભગવાનની જેમ પૂજતી હતી. મારા જેવી સંસ્કારી અને ભોળી પત્ની સાથે તમે દગો કર્યો છે અને નિર્લજ્જતાથી તમારી રખાતને મારા ઘરે લાવ્યા છો. મારી તપાસ કરશો નહીં. હવે આપણે કોર્ટમાં જ મળીશું. જામનગરની આરામ હોટલમાં ભલે તમે રાસલીલા રમી પરંતુ એ જ જામનગરની કોર્ટમાં હવે હું તમને રાસલીલા રમાડીશ #

ચિઠ્ઠી લખીને એણે કિચનના પ્લેટફોર્મ ઉપર દેખાય એ રીતે ખૂલ્લી મૂકી અને ચિઠ્ઠી ઉડી ન જાય તેમ જ દેવરાજનું ધ્યાન ખેંચાય એટલા માટે એના ઉપર સાણસી મૂકી.

સાંજના સાડા પાંચ વાગે બંને બહેનો ચૂપચાપ ઘરેથી નીકળી ગઈ અને રીક્ષા કરીને એસટી ડેપો પહોંચી ગઈ. ત્યાંથી જામનગરની બસ પકડી લીધી.

" ફાગુ તારો મોબાઈલ સ્વીચ ઓફ કરી દે. હું મારો પણ સ્વીચ ઓફ કરી દઉં છું. " બસમાં બેઠા પછી મૈત્રી બોલી.

સાંજે સવા છ વાગે દેવરાજ ઘરે આવ્યો. એણે ઘરમાં બધે જોયું પરંતુ મૈત્રી કે એની સાળી ફાલ્ગુની એને ક્યાંય દેખાઈ નહીં.

" મમ્મી મૈત્રી બહાર ગઈ છે ?" દેવરાજે મમ્મીના બેડરૂમમાં જઈને પૂછ્યું.

" મને ખબર નથી ભાઈ. એની નાની બહેન આવી છે તો કદાચ શોપિંગ કરવા ગઈ હોય. " સુશીલાબેન બોલ્યાં.

દેવરાજે પણ એમ જ માની લીધું. એ ઉપર કાવ્યા પાસે ગયો.

" કાવ્યા મૈત્રી બહાર ગઈ છે. કદાચ શોપિંગ કરવા ગઈ હશે. એને આવતાં વાર લાગશે. આવી તક આપણને વારંવાર નહીં મળે. તારાથી દૂર હું રહી શકતો નથી. " દેવરાજ બોલ્યો અને એણે કાવ્યાને પણ ઉત્તેજિત કરી દીધી.

" ના ડાર્લિગ. થોડીક ધીરજ રાખો. મને સિઝેરિયન ડિલિવરી થયેલી છે." કાવ્યા હસીને બોલી.

" ઓહ્ ... ખરેખર કાવ્યા તારી પાછળ હું પાગલ છું. માંડ માંડ મેં સંયમ જાળવ્યો છે. આઇ લવ યુ ડાર્લિંગ. " દેવરાજ બોલ્યો.

" મારું પણ એવું જ છે દેવ. એક જ ઘરમાં રહેવા છતાં આપણે દૂર દૂર રહેવું પડે છે. " કાવ્યા બોલી.

" હું તારી પીડા સમજી શકું છું કાવ્યા. પરંતુ ત્રણ-ચાર મહિના ધીરજ રાખવી પડશે. એ પછી તું પીજી હાઉસ જતી રહેજે. અત્યારે અધવચ્ચે તો તને મેડિકલ કોલેજમાં એડમિશન નહીં મળે. છ મહિના પછી ફરી કોલેજ શરૂ થાય ત્યારે તું દાખલ થઈ જજે. તારા માટે એમબીબીએસ ની ડીગ્રી જરૂરી છે. તું પીજી હાઉસમાં જાય પછી દર રવિવારે આપણે મળીશું. હું તને મારી પત્ની તરીકે જ જોઉં છું. " દેવરાજ બોલ્યો અને પછી નીચે આવ્યો.

રાતના ૮ વાગી ગયા હતા હજુ સુધી મૈત્રી ઘરે આવી ન હતી. રસોઈ કરવાની પણ બાકી હતી.

આટલા બધા સમય સુધી મૈત્રી બહાર ન રહે. રસોઈની એને ચિંતા હોય જ. એ ક્યારે પણ મમ્મીને કહ્યા વગર બહાર જતી નથી. દેવરાજને થોડી ચિંતા થઈ.

એણે મૈત્રીને ફોન લગાવ્યો પરંતુ ફોન સ્વીચ ઓફ આવતો હતો. એણે એની સાળી ફાલ્ગુનીને ફોન લગાવ્યો તો એ પણ સ્વીચ ઓફ આવતો હતો. આવું તો ક્યારે પણ બન્યું નથી. મૈત્રીનો ફોન કદી પણ સ્વીચ ઓફ હોઈ જ ના શકે.

આ બંને અત્યારે ક્યાં ગયાં હશે ? શોપિંગ કરવા ગયાં હોય તો પણ અત્યાર સુધીમાં તો આવી જવાં જ જોઈએ. એને ભૂખ પણ લાગી હતી. મમ્મી કાવ્યા બધાંને ભૂખ લાગી હશે ! આજે તો રસોઈનું કોઈ ઠેકાણું જ ન હતું. એણે ૯ વાગ્યા સુધી રાહ જોઈ.

ફરી એણે બંને બહેનોને ફોન લગાવ્યા પરંતુ બંને ફોન સ્વીચ ઓફ જ આવતા હતા.

હવે દેવરાજ ખરેખર ટેન્શનમાં આવી ગયો. મૈત્રીની તપાસ ક્યાં કરવી ? એણે એની મમ્મીને વાત કરી. મમ્મી પણ ખૂબ જ ટેન્શનમાં આવી ગયાં.

તપાસ કરતાં પહેલાં જમી લેવું જરૂરી હતું. પોતે કદાચ ના જમે તો પણ મમ્મીનો અને કાવ્યાનો એણે વિચાર કરવો જ પડે.

અત્યારે એને કોઈ મોટા રેસ્ટોરન્ટમાં કે ડાઇનિંગ હોલમાં જવામાં કોઈ જ રસ ન હતો. એણે કાવ્યાને મૈત્રી ઘર છોડીને ચાલી જવાની જાણ કરી અને જમવા માટે બહાર જવાની પણ સૂચના આપી.

૧૫ મિનિટમાં કાવ્યા તૈયાર થઈ ગઈ એટલે દેવરાજ એ બંનેને સાથે લઈને ઢેબર રોડ ઉપર આવેલા એક જાણીતા પરોઠા હાઉસમાં ગયો અને ત્યાં પરોઠા અને શાક જમી લીધું.

પરોઠા હાઉસમાં કાવ્યાએ દેવરાજને મૈત્રી વિશે પ્રશ્નો પૂછ્યા પરંતુ મમ્મીની હાજરીમાં જવાબ આપવાનો દેવરાજનો કોઈ જ મૂડ ન હતો.

ઘરે આવ્યા ત્યારે સવા દસ વાગ્યા હતા. દેવરાજે ફરી મૈત્રીને અને ફાલ્ગુનીને ફોન લગાવ્યો પરંતુ હજુ પણ બન્નેના ફોન સ્વીચ ઓફ આવતા હતા. મૈત્રી જામનગર જતી રહી હતી એની દેવરાજને પાક્કી ખાત્રી થઈ ગઈ.

રાત્રે સૂતાં પહેલાં પાણી પીવા માટે દેવરાજ કિચનમાં ગયો ત્યારે એની નજર સાણસી નીચે દબાવેલી ચિઠ્ઠી ઉપર પડી.

એણે ચિઠ્ઠી ઉપાડીને વાંચી લીધી અને એ આઘાતથી સ્તબ્ધ થઈ ગયો. મૈત્રી કોર્ટમાં મળવાની વાત કરતી હતી મતલબ કે એ છૂટાછેડા લેવા માગતી હતી. જામનગર આરામ હોટલની વાત એણે કરી હતી એનો અર્થ એ જ હતો કે એ બધું જ જાણી ગઈ હતી. એ પરણેલો હતો છતાં એણે કાવ્યા સાથે સંબંધ કર્યો હતો એટલું જ નહીં એના બાળકનો પિતા બન્યો હતો. કાયદાની દ્રષ્ટિએ એ ગુનેગાર બની ગયો હતો !

ચિઠ્ઠી વાંચીને દેવરાજ ખરેખર ધ્રુજી ગયો હતો. હવે કાવ્યાને આ ઘરમાં રાખી શકાય નહીં. કોર્ટ મેટર થાય એ પહેલાં કાવ્યાને અહીંથી બીજે ક્યાંક ખસેડવી જ પડશે. સંતાનને જન્મ આપીને કાવ્યાએ બહુ જ મોટી ભૂલ કરી હતી. જો કે એના માટે એ પોતે પણ એટલો જ જવાબદાર હતો.

એ આખી રાત એને ઊંઘ આવી નહીં. સવારે ઊઠીને એણે એની મમ્મીને વાત કરી કે મૈત્રી ચિઠ્ઠી લખીને ગઈ છે. એ એના પિયર જામનગર ચાલી ગઈ છે. કાવ્યાને આપણા ઘરે લાવ્યો છું એટલે એના મનમાં કેટલીક શંકાઓ પેદા થઈ છે.

" તેં કામ જ એવું કર્યું છે દેવરાજ ! તારે આ છોકરીને આપણા ઘરે લાવવાની જરૂર જ ક્યાં હતી ? એનો પતિ એને છોડીને ચાલી ગયો હોય એમાં આપણે શું કરીએ ? હાથે કરીને તેં ઉપાધી વોહરી લીધી છે ! " મમ્મી બોલ્યાં. એ બિચારાં દેવરાજ અને કાવ્યાના આડા સંબંધોથી અજાણ હતાં.

" હા મમ્મી તારી વાત સાચી છે. હું એક બે દિવસમાં જ કાવ્યા માટે બીજે રહેવાની વ્યવસ્થા કરી દઉં છું. મને ખબર નહોતી કે મૈત્રીને મારા ઉપર શંકા જશે. " દેવરાજ બોલ્યો.

" શંકા તો જાય જ ને ! પારકી બૈરીને તું તારા ઘરે લઈ આવે અને એની વેઠ મૈત્રીએ કરવાની ? એ આવી છે ત્યારથી મૈત્રી હસવાનું ભૂલી ગઈ છે. બિચારી છાતી ઉપર પથ્થર મૂકીને આટલા દિવસ એની અને બાળકની પણ સંભાળ રાખતી હતી. મૈત્રી જેવી ભોળી વહુ સાથે તેં આ સારું ના કર્યું. " સુશીલાબેન બોલ્યાં.

મમ્મીની વાત સાચી હતી. કાવ્યાના મોહમાં મૈત્રી જેવી સેવાભાવી અને લાગણીશીલ પત્ની સાથે એણે બહુ જ મોટો દગો કર્યો હતો. પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું.

દેવરાજ ઉપરના માળે કાવ્યાના બેડરૂમમાં ગયો.

" કાવ્યા બહુ મોટું ટેન્શન થઈ ગયું છે. મૈત્રીને આપણા સંબંધોની બધી જ ખબર પડી ગઈ છે અને એણે ઘર છોડી દીધું છે. એણે કોર્ટમાં જવાની ધમકી પણ આપી છે. મૈત્રી કદાચ એટલી હદે ના જાય પરંતુ મારા સસરાને હું ઓળખું છું. એ પોતે વકીલ છે એટલે કોર્ટમાં ગયા વગર રહે નહીં. કાયદેસર રીતે એક પત્ની હયાત હોય તો બીજી વાર લગ્ન ના થઈ શકે. મેં તારી સાથે લગ્ન ભલે નથી કર્યાં પરંતુ મારા થકી તને બાળકનો જન્મ થયો છે એટલે કાયદાની કલમો મને પણ લાગુ પડે. " દેવરાજ બોલ્યો.

" અરે બાપ રે ! આવી તો મને કલ્પના પણ ન હતી. " કાવ્યા દેવરાજ કરતાં પણ વધુ ટેન્શનમાં આવી ગઈ.

" હા કાવ્યા. પ્રેગ્નન્સી આવી ત્યાં સુધી વાંધો ન હતો પરંતુ બાળકને જન્મ આપીને આપણે બહુ મોટી ભૂલ કરી છે." દેવરાજ બોલ્યો.

" હવે !!! " કાવ્યા બોલી.

" તાત્કાલિક તારે આ ઘર ખાલી કરી દેવું પડશે. હું આજે જ તારા માટે કોઈ સારો ફ્લેટ શોધી કાઢું છું. હું સમાધાન નો કોઈ વચલો રસ્તો કાઢું છું પરંતુ ત્યાં સુધી તારે ખોવાઈ જવું પડશે. જો એ કોર્ટ કેસ કરે તો તારે કોર્ટમાં હાજર થવું જ પડે જે હું નથી ઇચ્છતો." દેવરાજ બોલ્યો.

કોર્ટ કેસની વાત સાંભળીને કાવ્યા ખરેખર ડરી ગઈ. સુખનો સ્વાદ માણવા જતાં દુઃખનો પહાડ તૂટી પડશે એની એને કલ્પના પણ ન હતી.

" સૌથી પહેલાં તું આપણા બધા માટે ચા મૂક. મોડી રાત સુધી ઊંઘ નથી આવી અને સવારે પણ વહેલો ઉઠી ગયો છું. હજુ સુધી ચા નથી પીધી. " દેવરાજ બોલ્યો.

" હા હું અત્યારે જ મૂકી દઉં છું. " કાવ્યા બોલી અને તરત નીચે કિચનમાં આવી.

રીયલ એસ્ટેટ એજન્ટને ફોન કરીને બપોર સુધીમાં દેવરાજે કાવ્યા માટે કાલાવડ રોડ ઉપર ફ્લેટ શોધી કાઢ્યો. ફૂલ ફરનીશ ફ્લેટ હતો.

બપોરે દેવરાજ બધાંને હોટલમાં જમવા લઈ ગયો અને સાંજે એ કાવ્યાને એના ફ્લેટમાં મૂકવા ગયો.

" તારા ખાતામાં સારું એવું બેલેન્સ છે જ એટલે અનાજ કરિયાણું જે પણ જરૂરી હોય એ બધું ખરીદી લેજે. હવે હમણાં તો તારે એકલીએ જ રહેવું પડશે. સૌથી મોટો પ્રશ્ન બાળકનો છે. જો મૈત્રી સાથે સમાધાન થાય તો હું બાળકનો સ્વીકાર કરી શકું નહીં. અને તું કુવારી હોવાથી બાળકને લાંબો સમય સાથે રાખી શકે પણ નહીં. " દેવરાજ ગંભીરતાથી બોલ્યો.

" દેવ તમારી વાતોથી મને ખૂબ જ ટેન્શન થાય છે. મને કહો ને મારે હવે શું કરવું ? હું તો હવે જુનાગઢ પણ ના જઈ શકું. " કાવ્યા રડવા જેવી થઈ ગઈ.

" દરેક સમસ્યાનું કોઈને કોઈ સમાધાન હોય જ છે કાવ્યા. મને અત્યારે બે રસ્તા દેખાય છે. જો મૈત્રી સાથે મારા છૂટાછેડા થાય તો કાયદેસર રીતે હું તારી સાથે લગ્ન કરી શકું અને બાળકને પણ અપનાવી શકું. પરંતુ એમાં બે ત્રણ વર્ષ તો આરામથી નીકળી જાય. અને તારો અભ્યાસ રખડી પડે. " દેવરાજ બોલતો હતો.

" બીજો રસ્તો એ છે કે તારી મમ્મીને તું બોલાવી લે અને એમને કહી દે કે તું જ્યારે બેંગ્લોરમાં હતી ત્યારે તારા ફલેટના દરવાજે મધરાતે કોઈ આ બાળકને મૂકી ગયું હતું. તને એના માટે લાગણી થઈ આવી અને તું એને ઘરમાં લઈ ગઈ. તારી આજુબાજુના ફ્લેટમાં કોઈ રહેતું ન હતું એટલે કોઈને કંઈ ખબર ના પડી." દેવરાજ બોલી રહ્યો હતો.

" બે દિવસ પછી તારે રાજકોટ પાછા આવી જવાનું હતું એટલે તું એને તારી સાથે રાજકોટ લઈ આવી. જો આ રસ્તો અપનાવવો હોય તો તારે કેયાને ધીરે ધીરે બહારના દૂધની ટેવ પાડવી પડશે. એ ટેવાઈ જાય પછી જ તું મમ્મીને બોલાવી શકે છે. " દેવરાજ બોલ્યો.

" તમે કેટલું બધું ઝડપથી વિચારી શકો છો દેવ. ખરેખર તમે ખૂબ જ જીનિયસ છો. મને આ બીજો રસ્તો વધુ યોગ્ય લાગે છે. મમ્મીને તો હું ગમે તેમ કરીને સમજાવી શકીશ અને મમ્મી જો કેયાને સાચવવા આવશે તો હું કોલેજ પણ જોઈન કરી શકીશ. હમણાં બે મહિના સુધી હું એકલી જ રહીશ અને ધીમે ધીમે કેયાને ગાયના દૂધની ટેવ પાડીશ. થેન્ક્યુ દેવ. તમે મારી અડધી ચિંતા ઓછી કરી દીધી. " કાવ્યા બોલી.

"ઠીક છે તો પછી એમ જ રાખીએ. હું હવે રજા લઉં. મારે મારું ટેન્શન પણ દૂર કરવું પડશે. " દેવરાજ બોલ્યો.

કાવ્યાને ફ્લેટમાં મૂકીને દેવરાજ સાંજે સાત વાગે ઘરે આવી ગયો. આજે એણે શો રૂમમાં રજા રાખી હતી. ૧૦ વાગે રફીક આવ્યો હતો ત્યારે જ એણે ના પાડી દીધી હતી.

મૈત્રી પણ ચાલી ગઈ. કાવ્યા પણ ચાલી ગઈ એટલે હવે જમવાનો મોટો પ્રોબ્લેમ થશે. પોતે તો ગમે તેમ ચલાવી લે પરંતુ મમ્મીને જમવાની તકલીફ થવાની.

એને અચાનક યાદ આવ્યું કે એના વિસ્તારમાં એક બહેન ટિફિન સર્વિસ ચલાવતાં હતાં. એણે તપાસ કરી અને એ બહેનનું ઘર શોધી કાઢ્યું. બહેન ઉંમરલાયક હતાં.

"હા સાહેબ હું ટિફિન માટે રસોઈ તો બનાવું છું પરંતુ ટિફિન તમારે અહીંથી જ લઈ જવું પડે. હું હોમ ડિલિવરી કરતી નથી. મારી પાસે એવો કોઈ માણસ નથી. " ટિફિન સર્વિસ ચલાવતાં માસી બોલ્યાં.

" ઠીક છે બે ટાઈમ મારો માણસ લઈ જશે પરંતુ તમારો સમય કયો ? " દેવરાજ બોલ્યો.

" સવારે ૧૧ થી ૧ અને સાંજે ૭ થી ૯ માં રસોઈ તૈયાર હોય. એ ટાઈમે તમે ગમે ત્યારે મોકલી શકો. ટિફિનનો ભાવ ૧૦૦ રૂપિયા છે. " માસીએ જવાબ આપ્યો.

" કાલે સવારથી મારાં બે ટિફિન બનાવજો. ૧૫ દિવસના પૈસા તમને કાલે જ એડવાન્સમાં મળી જશે. રફીક નામનો માણસ તમારી પાસે આવશે. " દેવરાજ બોલ્યો.

"ભાઈ હમણાં નવરાતર ચાલે છે એટલે રસોઈમાં લસણ ડુંગળી હું વાપરતી નથી. દશેરાથી એનો ઉપયોગ કરીશ." માસી બોલ્યાં.

" કંઈ વાંધો નહીં માસી. " દેવરાજ બોલ્યો અને ત્યાંથી નીકળી ગયો.

" મમ્મી આપણા બંને માટે કાલથી ટિફિન બંધાવી દીધું છે. આજનો દિવસ આપણે બહાર જમવું પડશે. તું સાડી બદલી નાખ. આપણે ૮ વાગે જમી આવીએ. " દેવરાજ બોલ્યો.

એ દિવસે સાંજે દેવરાજ મમ્મીને લઈને ભાભા હોટલના ડાઇનિંગ હોલમાં ગયો. સવારે જમવાની એટલી બધી મજા આવી ન હતી એટલે એણે ડાઇનિંગ હોલ પસંદ કર્યો.

જમવાનો પ્રશ્ન તો હલ થઈ ગયો. કાવ્યા પણ ચિંતા મુક્ત થઈ ગઈ પરંતુ મૈત્રી સાથે સમાધાન કેવી રીતે કરવું એ દેવરાજ માટે યક્ષ પ્રશ્ન હતો !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."