પીજી હાઉસ (PG House Novel Part-27)

Related

પીજી હાઉસ પ્રકરણ 27

મૈત્રી પોતાની નાની બહેન ફાલ્ગુનીને લઈને પોતાના પિયર જામનગર જવા માટે ઘરેથી નીકળી ગઈ. એસટી ડેપોમાં પહોંચી ત્યારે ૬ વાગે ઉપડતી જામનગર જવાની બસ ઉપડવાની તૈયારીમાં જ હતી. બંને બહેનો એમાં ગોઠવાઈ ગઈ.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

બસ ઉપડ્યા પછી બસની ગતિ સાથે મૈત્રીનું મનોમંથન પણ ચાલુ થયું. ઘરેથી નીકળી ત્યારે એ ખૂબ જ ગુસ્સામાં હતી પરંતુ બસ જેમ જેમ જામનગર રોડ ઉપર આગળ વધતી ગઈ તેમ તેમ તેનો ગુસ્સો થોડો ઓછો થતો ગયો.

ઘરે પહોંચીને મમ્મી પપ્પાને શું કહેવું ? દેવરાજ સાથે પોતે ખરેખર છૂટાછેડા ઈચ્છે છે ? માનો કે છૂટાછેડા થઈ ગયા પણ પછી શું ? હજુ તો પોતાની ઉંમર ૨૫ વર્ષની છે. છૂટાછેડા થશે તો પપ્પા બીજે લગ્ન કરાવી દેશે. એ પતિ કેવો હશે કેવો નહીં એ કોને ખબર !!

દેવરાજે કાવ્યાના રૂપમાં ફસાઈને મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે અને એ સંતાનના પિતા પણ બન્યા છે. એમની આ ભૂલ માફ કરી શકાય તેમ નથી. પરંતુ એમણે લગ્ન પછીના પોણા બે વર્ષમાં મને પણ એટલો જ પ્રેમ કર્યો છે. પ્રથમ લગ્નતિથિ ઉજવી ત્યારે પણ એમણે મને હીરા જડીત સોનાનો નેકલેસ ભેટ આપેલો. આજ સુધી એમણે મારી દરેક ઈચ્છા પૂરી કરી છે. પાણી માગ્યું ત્યાં દૂધ આપ્યું છે. શું બીજી વખત આવો પતિ મળી શકે ?

મૈત્રીના મનમાં અનેક સવાલો ઊભા થતા હતા પરંતુ એક પણ સવાલનો જવાબ એને મળતો ન હતો. છેવટે એણે નક્કી કર્યું કે પોતે કાયમ માટે દેવરાજનું ઘર છોડીને આવી છે એવી વાત મમ્મી પપ્પાને હમણાં કરવી નથી. જિંદગીના કેટલાક નિર્ણયો ઉતાવળથી લેવામાં મજા નથી.

"ફાગુ... હમણાં મમ્મી પપ્પાને આપણે કંઈ જ કહેવું નથી. હું કંઈક જવાબ શોધી રાખું છું. હમણાં કાયમ માટે ઘર છોડી દીધું છે એવી કોઈ ચર્ચા આપણે પપ્પા સાથે કરવી નથી. એમનો સ્વભાવ ગરમ હોવાથી દેવ સાથે ઝઘડો કરશે અને તરત નોટીસ આપશે એટલે ભવિષ્યમાં સમાધાનના બધા દરવાજા બંધ થઈ જશે. " મૈત્રી બોલી.

" ઠીક છે દીદી. તમે જ મમ્મી પપ્પા સાથે વાત કરી લેજો. હું કંઈ પણ નહીં બોલું." ફાલ્ગુની બોલી.

બંને બહેનો ૮ વાગે ઘરે પહોંચી ગઈ. અચાનક બંને બહેનોને જોઈને મમ્મી પપ્પા ટેન્શનમાં આવી ગયા.

"કેમ બંને બહેનો આમ અચાનક ? અને ફાલ્ગુની તું તો નવરાત્રીમાં ગરબા રમવા માટે રાજકોટ ગઈ હતી તો પાછી કેમ આવી ગઈ ? " પપ્પા ધીરુભાઈ બોલ્યા.

" હું જ એને જામનગર લઈ આવી છું. નવરાત્રી ચાલે છે એટલે દેવરાજ ગાયત્રી અનુષ્ઠાન કરવા હરિદ્વાર ગયા છે પપ્પા. નવરાત્રીના ગરબા તો જામનગરમાં પણ સારા જ થાય છે એટલે મને એમ થયું કે એ બહાને આઠ દશ દિવસ હું જ પિયર રહી આવું." મૈત્રી દિલ ઉપર પથ્થર રાખીને બોલી.

" પણ તો પછી વેવાણને ખાવા પીવાની તકલીફ નહીં પડે ? " ધીરુભાઈ બોલ્યા.

" ટિફિન બંધાવી દીધું છે પપ્પા. અને કામવાળાં બેનને પણ ભલામણ કરી છે." મૈત્રી બોલી અને બેગ લઈને બેડરૂમમાં જતી રહી.

બીજા દિવસે સવારે જ્યારે એડવોકેટ ધીરુભાઈ કોર્ટમાં ગયા ત્યારે મૈત્રીએ મમ્મી સાથે બધી જ વાત કરી અને રડી પડી.

" અરે પણ આટલું બધું થઈ ગયું છે તો પછી તારે સાચી વાત પપ્પાને કરવી જોઈએ ને !" મમ્મી બોલી.

" પપ્પાનો સ્વભાવ તો તને ખબર છે ને મમ્મી ! એમનો ગુસ્સો એટલો બધો છે કે એ તડ અને ફડ કરી દે, નોટિસ મોકલી દે અને મારા માટે ત્યાં જવાના બધા રસ્તા બંધ થઈ જાય." મૈત્રી બોલી.

" પણ જમાઈએ આવું લફરું કર્યું હોય પછી ત્યાં જઈને પણ શું ફાયદો ? " મમ્મી બોલ્યાં.

" તારી વાત સાચી છે મમ્મી. પરંતુ એમનું ઘર છોડીને ક્યાં સુધી હું અહીં પિયરમાં બેસી રહું ? મારો રસ્તો મારે જ કાઢવો પડે. મારી આટલી નાની ઉંમરે છૂટાછેડા લઈ લેવાનો પણ કોઈ મતલબ નથી. અને બીજું પાત્ર કેવું મળે કેવું નહીં એની આપણને ક્યાં ખબર છે ? એમનાથી આ ભૂલ થઈ ગઈ છે પરંતુ એમણે મને ક્યારેય પણ દુઃખી નથી કરી. " મૈત્રી બોલી.

" ઠીક છે તો પછી તને યોગ્ય લાગે એમ કર. પપ્પાથી ક્યાં સુધી આ વાત છુપાવી રાખીશ ? આઠ દસ દિવસ પછી પણ તું રાજકોટ નહીં જાય એટલે પ્રશ્ન તો ઊભો થવાનો છે જ. " મમ્મી બોલી.

" ત્યારે જોયું જશે મમ્મી. હમણાં તો મને શાંતિથી રહેવા દે !" મૈત્રી બોલી.

આ બાજુ દેવરાજ પણ એટલો જ ટેન્શનમાં હતો. મૈત્રીને કઈ રીતે મનાવવી એ દેવરાજ માટે યક્ષ પ્રશ્ન હતો. મૈત્રીએ કોર્ટમાં જવાની વાત કરી હતી. એ જો કોર્ટમાં જાય તો જાહેર બદનામી થયા વગર રહે નહીં. પીજી હાઉસમાં રહેલી છોકરીને મેં ફસાવી છે એવું સાબિત થાય અને તો કાવ્યાની સાથે મારું નામ પણ ખરાબ થાય. મારે એને કોર્ટમાં જતી તો રોકવી જ પડશે. - દેવરાજ વિચારી રહ્યો.

એ રાત્રે દેવરાજનાં મમ્મી સુશીલાબેન પણ દેવરાજની સામે સોફા ઉપર આવીને બેઠાં.

" દેવરાજ એક સાચી વાત કહું ? " સુશીલાબેન બોલ્યાં. એમને પણ શંકા તો ગઈ જ હતી.

" બોલોને મમ્મી... તમારો હક છે. " દેવરાજ બોલ્યો.

" હકની વાત જવા દે ભાઈ. તારા ઉપર મૈત્રીનો પણ એટલો જ હક હતો. છતાં એ બિચારી અત્યારે પિયર ભેગી થઈ ગઈ." સુશીલાબેન આક્રોશથી બોલ્યાં.

" મમ્મી મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું કબુલ કરું છું. મૈત્રીને દુઃખી કરવાનો મારો કોઈ જ આશય ન હતો. અચાનક આવેશમાં આ બધું બની ગયું. પરિણામ ભોગવવાનો વારો અમને બધાંને આવ્યો. કાવ્યાનો વિશ્વાસઘાત કરવા હું માગતો ન હતો. " દેવરાજ બોલ્યો.

"તું વિશ્વાસઘાતની વાત કરે છે ? જેણે તારી સાથે લગન કર્યાં. જે છેલ્લા દોઢ પોણા બે વર્ષથી તારી આટલી બધી કાળજી રાખતી હતી. અરે તને છીંક આવે તો માતાજીના દીવા માનતી હતી. તને જે ભાવે એ જ રસોઈ બનાવતી હતી એની સાથે વિશ્વાસઘાત થઈ શકે એમ ? પરભવમાં કેટલાં પૂણ્ય કર્યાં હોય ત્યારે આવી સેવાભાવી પત્ની મળે ! પણ તને એની કોઈ જ કિંમત ન હતી. " સુશીલાબેન બોલ્યાં.

મમ્મીની એકે એક વાત ચાબખાની જેમ દેવરાજને વાગતી હતી.

" મમ્મી તમે ચિંતા ના કરો. હું કોઈ પણ હિસાબે મૈત્રીને આ ઘરમાં પાછી લઈ આવીશ. આ મારું તમને વચન છે. " દેવરાજ બોલ્યો.

પોતાની વાતોથી દીકરો ખૂબ જ અપસેટ થઈ ગયો હતો એ સુશીલાબેને જોયું એટલે પછી એમણે આગળ બીજી કોઈ વાત ના કરી.

દેવરાજે સવારે ૮ વાગે મૈત્રીને ફોન કર્યો. અત્યારે ફોન ચાલુ હતો પરંતુ એણે ઉપાડ્યો નહીં. દેવરાજે ફાલ્ગુનીને ફોન કર્યો તો એણે પણ ઉપાડ્યો નહીં. એ પછી દેવરાજે એના સસરાને ફોન કરવાનો વિચાર કર્યો પણ હિંમત ન ચાલી. સસરાના સ્વભાવને એ જાણતો હતો અને પાછા એ એડવોકેટ હતા.

મૈત્રી ફોન બિલકુલ ઉપાડતી નથી અને એની સાળી પણ ઉપાડતી નથી. એનો મતલબ એ જ કે મૈત્રી હવે કોર્ટમાં જવા માટે મક્કમ હશે ! ટેન્શનમાં બીજા બે દિવસ પસાર થઈ ગયા.

બે ટાઈમ ટિફિન તો ચાલુ થઈ ગયું હતું અને માસી રસોઈ પણ ખૂબ સરસ બનાવતાં હતાં એટલે જમવાનો પ્રશ્ન તો સારી રીતે હલ થઈ ગયો હતો પણ આવું ક્યાં સુધી ચલાવવું ? અત્યારે તો મૈત્રી ગુસ્સામાં છે પરંતુ અઠવાડિયા પછી મારે એને મળવું તો પડશે જ. કોઈ પણ હિસાબે એને કોર્ટમાં જવા દેવાય નહીં .

અઠવાડિયાનો સમય ઝડપથી પસાર થઈ ગયો. દશેરા પણ ગયા. દેવરાજે રાત્રે ૮ વાગે મૈત્રીને વોટ્સએપ મેસેજ કર્યો.

# હું જાણું છું કે તું મારા ઉપર ખૂબ જ ગુસ્સે છે. કાવ્યાના સૌંદર્યમાં હું પાગલ થઈ ગયો હતો અને વિવેકભાન ખોઈ બેઠો હતો. ભૂલ થઈ ગઈ છે અને એના માટે મને પારાવાર દુઃખ છે. કાવ્યાને સમજાવીને મેં એના માટે અલગ ભાડે ફ્લેટ લઈ આપ્યો છે. થોડા દિવસોમાં એ એની મમ્મીને સમજાવીને રાજકોટ બોલાવી લેશે. એના અને બાળકના ભવિષ્ય માટે પૈસાની પણ વ્યવસ્થા કરી દીધી છે. એટલે હવે એ ક્યારેય પણ પાછી આવવાની નથી. એ હંમેશ માટે મારી જિંદગીમાંથી ચાલી ગઈ છે. હું એને ક્યારેય પણ મળવાનો નથી. આપણા સંસારને ફરી બેઠો કરવા માટે એક તક માગું છું. એકવાર રૂબરૂ મળવાની ઈચ્છા છે એટલે આવતી કાલે જામનગર આવું છું. સવારે ૧૧ વાગે હોટલ આરામમાં તારી રાહ જોઈશ. ... માત્ર તારો જ દેવરાજ #

મૈત્રીએ આ મેસેજ બધું કામ પરવારીને રાત્રે ૧૦ વાગે વાંચ્યો. એકવાર વાંચીને ફરી બીજી વાર વાંચ્યો. મન ધરાયું નહીં એટલે ફરી ત્રીજી વાર વાંચ્યો. લગભગ બધો ગુસ્સો ઓગળી ગયો. ગમે તેમ તોય મૈત્રી એક પતિવ્રતા સ્ત્રી હતી એણે દેવરાજને ભરપૂર પ્રેમ કર્યો હતો. એને આઘાત જરૂર લાગ્યો હતો અને ગુસ્સો પણ આવ્યો હતો છતાં એના મનમાં નફરત પેદા થઈ ન હતી.

છૂટાછેડા લઈને બીજું ઘર માંડવાની એની ઈચ્છા ન હતી અને આજીવન મા બાપના આશરે જીવવાનું પણ એનું મન ન હતું. એણે બીજા દિવસે દેવરાજને હોટલ આરામમાં મળવાનું નક્કી કર્યું.

દેવરાજ બીજા દિવસે સવારે સાડા સાત વાગે જામનગર જવા નીકળી ગયો. આરામ હોટલ એને ફાવી ગઈ હોવાથી એ સીધો આરામ હોટલમાં જ ગયો અને રૂમ લઈ લીધો.

અત્યારે સવારના પોણા દશ વાગ્યા હતા. એણે રૂમ સર્વિસમાં ફોન કરીને ચા નાસ્તાનો ઓર્ડર આપ્યો અને મૈત્રીને રૂમ નંબરનો મેસેજ કરી દીધો.

મૈત્રીને ૧૧ વાગ્યાનો ટાઈમ આપ્યો હતો એટલે હજુ એકાદ કલાક રાહ જોવાની હતી. ટીવી ચાલુ કરીને એણે સમય પસાર કર્યો.

બરાબર ૧૧ વાગે સમય પ્રમાણે જ મૈત્રીએ એના રૂમના દરવાજે ટકોરા માર્યા. ઝડપથી ઊભા થઈને દેવરાજે દરવાજો ખોલ્યો.

" આવ મૈત્રી હું તારી જ રાહ જોતો હતો. આપણા જીવનમાં કેવો સમય આવી ગયો ડાર્લિંગ કે આપણે આ રીતે હોટલમાં મળવું પડે છે ! " દેવરાજ બોલ્યો. એના અવાજમાં પશ્ચાત્તાપ મૈત્રીને સ્પષ્ટ દેખાતો હતો.

" આવો સમય તમે જાતે જ ઉભો કર્યો છે દેવ. સરસ મજાનું આપણું લગ્ન જીવન ચાલતું હતું ત્યાં તમે મોટી દરાર ઊભી કરી દીધી. મન મોતી ને કાચ તૂટ્યા પછી સંધાતા નથી. મારો વિશ્વાસ તમે ગુમાવી દીધો છે દેવ. હવે ફરી કદાચ જોડાણ થાય તો પણ તમને એ મૈત્રી નહીં મળે જે પહેલાં હતી. ઈશ્વરની જેમ તમારી હું ભક્તિ કરતી હતી. તમે મારું દિલ તોડી નાખ્યું. " મૈત્રી બોલી. એની આંખોમાં પાણી આવી ગયાં.

" તારી બધી જ વાતનો હું સ્વીકાર કરું છું મૈત્રી. ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે અને એ માફ કરવાને લાયક નથી. પરંતુ તને હું ગુમાવવા નથી માગતો અને એટલા માટે જ હું તારી માફી માગવા આવ્યો છું. મારી અંદર રહેલા રાક્ષસને મેં મારી નાખ્યો છે. હું લપસી પડ્યો હતો પરંતુ હવે ઉભો થઈ ગયો છું. મેં કાવ્યાને અને મારા બાળકને પણ કાયમ માટે વિદાય આપી દીધી છે. આપણા જીવનમાં હવે ત્રીજું કોઈ જ નહીં હોય એની ખાતરી આપું છું મૈત્રી. " દેવરાજ બોલ્યો.

મૈત્રી થોડી વાર ચૂપ રહી. એ કંઈ જ બોલી નહીં. દેવરાજના શબ્દો એના જખમ ઉપર મલમની જેમ શીતળતા આપી રહ્યા હતા.

" ઠીક છે દેવ. ફરી એકવાર તમારી ઉપર ભરોસો મુકું છું. હવે ઘરે ચાલો. મેં ઘર છોડી દીધું છે એવી વાત હજુ સુધી મમ્મી પપ્પાને કરી નથી એટલે તમે મને લેવા માટે આવ્યા છો એવી જ વાત કરજો. મેં ઘરે એવું કહ્યું છે કે તમે ગાયત્રી અનુષ્ઠાન કરવા હરિદ્વાર ગયા છો. " મૈત્રી બોલી.

" દિલથી તારો આભાર માનું છું મૈત્રી. મમ્મી તને બહુ જ મિસ કરે છે. એમને પણ બહુ જ આઘાત લાગ્યો છે. આશા રાખું છું કે આપણા વચ્ચે પડેલી તિરાડ કાયમ માટે દૂર થઈ જાય અને પહેલાંના જેવી જ મૈત્રી મને પાછી મળે. " દેવરાજે મૈત્રીનો હાથ હાથમાં લઈને કહ્યું.

" હું કોશિશ કરીશ દેવ. " મૈત્રી બોલી.

એ પછી દેવરાજ હોટલનું બિલ ચૂકવીને મૈત્રીના ઘરે હવાઈ ચોક ખંભાળિયા ગેટ ગયો. ત્યાં બપોરે જમી લીધું અને થોડો આરામ કરીને સાંજે ચાર વાગે મૈત્રી સાથે રાજકોટ આવવા નીકળી ગયો.

બીજા ત્રણ મહિનાનો સમય પસાર થઈ ગયો. મૈત્રી અને દેવરાજનું લગ્ન જીવન લગભગ પહેલાંના જેવું જ પ્રેમાળ બની ગયું.

આ ત્રણ મહિનામાં છેલ્લા ૧૫ દિવસ પહેલાં જ દેવરાજ કાવ્યાને મળવા માટે એના ફ્લેટ ઉપર ગયો હતો.

" તમે તો મને ભગવાન ભરોસે છોડી દીધી દેવ. અઢી મહિના પછી આજે પહેલી વાર મારી પાસે આવ્યા છો. મને ફોન કરવાની ના પાડી હતી એટલે હું ફોન પણ કેવી રીતે કરું ? " કાવ્યાએ મીઠી ફરિયાદ કરી.

" તું માને છે એવું નથી ડાર્લિંગ. મારા અહીં ન આવવા પાછળનાં ઘણાં કારણો છે. મૈત્રી સાથેનું લગ્નજીવન માંડ માંડ બચાવી લીધું છે. જો મેં સમાધાન ના કર્યું હોત તો કોર્ટ કેસ થઈ ગયો હોત અને તો તારી બહુ મોટી બદનામી થાત. આપણે બંને છાપે ચડી ગયાં હોત. " દેવરાજ બોલ્યો.

" હમ્ ..." કાવ્યા બોલી.

"આપણે બન્નેએ ભૂલો કરી છે ડાર્લિંગ. મારી ભૂલની સજા મેં ભોગવી લીધી છે. તે દિવસે તેં મને જો હનીમૂનની વાત ના કરી હોત તો કદાચ આપણા સંબંધો સંતાન પેદા કરવા જેટલા આગળ વધી ગયા ના હોત ! તેં મને છૂટ્ટો દોર આપી દીધો એટલે આપણે ઘણા આગળ વધી ગયા અને પરિણામનું ભાન ના રહ્યું. જે થયું તે થયું. હવે જાગ્યા ત્યાંથી સવાર." દેવરાજ બોલ્યો.

" હવે આગળ શું આજ્ઞા છે ? " કાવ્યા બોલી.

"કેયા દેખાતી નથી. હું માનું છું ત્યાં સુધી એને બહારનું દૂધ આપવાનું તેં ચાલુ કરી દીધું હશે. " દેવરાજ બોલ્યો.

" હા ગાયનું દૂધ બોટલમાં પીવડાવવાનું ચાલુ કરી દીધું છે. દિવસમાં માત્ર બે વાર જ સ્તનપાન કરાવું છું. અત્યારે એ પેલા રૂમમાં સૂતી છે. મોટાભાગે એ સૂતી જ રહે છે. મને જરા પણ હેરાન નથી કરતી. " કાવ્યા બોલી.

"હવે સમય પાકી ગયો છે. તું મમ્મીને જુનાગઢથી બોલાવી લે. આપણે વાત થઈ છે એ પ્રમાણે મમ્મી સાથે વાત કરી લેજે એટલે એમને કોઈ શંકા નહીં આવે. એમને તું હમણાં રાજકોટ જ રહેવાનું કહેજે. સ્તનપાનની ટેવ સંપૂર્ણ છોડાવી દેજે. તને જરૂર લાગે તો કેયા માટે કોઈ આયા પણ રાખી શકે છે. તમારા બંનેના નિભાવ માટે બીજા દસ લાખ રૂપિયા તારા ખાતામાં હું ટ્રાન્સફર કરી દઉં છું. દીકરીની જવાબદારી મારી છે." દેવરાજ બોલ્યો.

" મારી જવાબદારી નહીં ? " કાવ્યા હસીને બોલી.

" તું લગ્ન ના કરે ત્યાં સુધી તારી જવાબદારી મારી. આપણે હજુ લગ્ન નથી કર્યાં. તારે મારે ખાતર આજીવન કુંવારા રહેવાનું નથી. તું લગ્ન નહીં કરે તો હું મારી જાતને ક્યારે પણ માફ નહીં કરી શકું કાવ્યા. " દેવરાજ બોલ્યો.

" લગ્ન કરવાં કે આજીવન કુંવારા રહેવું એ નિર્ણય મને લેવા દો." કાવ્યા બોલી.

" ના. તારે લગ્ન કરવાં જ પડશે કાવ્યા. તું મને જે માનતી હોય તે પણ તારે મારો આ આદેશ માનવો જ પડશે. " દેવરાજ બોલ્યો.

" ઠીક છે. ડોક્ટર બની ગયા પછી જે તે સમયે હું વિચારીશ. હવે તમે તમારી દીકરીને જોઈ લો અને આવ્યા જ છો તો એક પતિ તરીકે છેલ્લે છેલ્લે તમારી મારા પ્રત્યેની ફરજ પણ પૂરી કરો." કાવ્યાએ દેવરાજ સામે જોઇને કહ્યું.

લાંબા સમય પછી દેવરાજ આવ્યો હતો એટલે એની શરીર સંબંધની ઈચ્છા જાગી ઉઠી હતી !

"પિતા તરીકેની ફરજ જરૂર પૂરી કરીશ પણ મેં હવે મૈત્રીને વચન આપ્યું છે. હવે વારંવાર હું એનો વિશ્વાસઘાત ના કરી શકું. તારે અને મારે હવે સંયમ રાખવો જ પડશે કાવ્યા. સંયમ ન રાખવાથી જ આજે આપણી આ હાલત થઈ છે ડાર્લિંગ !! " દેવરાજ બોલ્યો.

" તમે તમારી જગ્યાએ સાચા છો દેવ. " કાવ્યા માત્ર એટલું જ બોલી.
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા મિત્રો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો. એકએક થી ચડિયાતી નવલકથાઓ અહી વાંચવા મળશે."