પીજી હાઉસ પ્રકરણ 28
" કાવ્યા હવે આપણું મળવાનું લગભગ બંધ થઈ જશે. કદાચ આ આપણી છેલ્લી મુલાકાત જ છે. તારી મમ્મી હવે અહીં આવી જશે. મૈત્રી સાથેનું મારું લગ્ન જીવન માંડ માંડ મેં બચાવી લીધું છે એટલે આપણે હવે પછી બહાર મળવાની કોશિશ પણ નહીં કરીએ. રાજકોટ બહુ નાનું છે." દેવરાજ કેયાને રમાડીને કાવ્યાની વિદાય લેતી વખતે બોલ્યો." હા ડાર્લિંગ. હું તમારી વાત સમજી શકું છું. મારાથી તમને ફોન પણ કરી શકાતો નથી કે મેસેજ પણ મોકલી શકતી નથી." કાવ્યા બોલી.
" હું વચ્ચે વચ્ચે ક્યારેક તને ફોન કરતો રહીશ. તારે કંઈ પણ કામ હોય તો એ વખતે કહી શકે છે. પૈસા તો તારા ખાતામાં મોકલી આપું છું એટલે પૈસાની તને કોઈ તકલીફ નહીં પડે. કેયા માટે આયા રાખી જ લેજે. કરકસર કરવાની કોઈ જરૂર નથી. કેયાને આપણે સારામાં સારું શિક્ષણ આપીશું." દેવરાજ બોલ્યો.
"કેયાની તમે જરા પણ ચિંતા ના કરશો. મમ્મીને શું કહેવું તે તમે મારી ઉપર છોડી દો. હું મમ્મીને બરાબર સમજાવી દઈશ. હું પોતે પણ કેયાને માનો પ્રેમ જ આપીશ. પ્રિન્સેસની જેમ એનો ઉછેર થશે. " કાવ્યા બોલી.
" એ તો મને ખાત્રી જ છે. તારે હવે અભ્યાસ ઉપર ધ્યાન આપવાનું છે અને તારા પોતાના માટે કોઈ સારું પાત્ર શોધી કાઢવાનું છે. આપણા સંબંધોને હવે ભૂલવાની જ કોશિશ કરજે " દેવરાજ બોલ્યો અને એ બહાર નીકળી ગયો. કાવ્યાને હવે ફરી ક્યારે પણ ન મળવું એવો એણે મનોમન નિર્ણય કર્યો.
દેવરાજના ગયા પછી કાવ્યા થોડી ઉદાસ થઈ ગઈ. દેવરાજ એની જિંદગીમાં આંધીની જેમ આવ્યો અને હવે જાણે કે કાયમ માટે અદ્રશ્ય થઈ ગયો !
પંદરેક દિવસ પછી કાવ્યાએ ફોન કર્યો એટલે એની મમ્મી અને નાનો ભાઈ એને મળવા માટે રાજકોટ કાવ્યા પાસે આવી ગયાં.
કાવ્યાને એક વર્ષ પછી જોઈને એની મમ્મી બહુ ખુશ થઈ પરંતુ કાવ્યાની સાથે ચાર મહિનાની નાનકડી બાળકીને જોઈને દેવયાનીબેનને આશ્ચર્ય થયું. મનમાં અનેક સવાલો પણ ઊભા થયા.
" અરે અહીં આ નાનું બાળક કોનું છે ?" દેવયાનીબેને સીધો સવાલ કર્યો.
"બધું જ કહું છું મમ્મી. તમે શાંતિ રાખો !" કાવ્યા હસીને બોલી.
" અરે પણ જુનાગઢમાં લોકો કેવી વાતો કરે ! તને કંઈ ભાન છે ?" મમ્મી બોલી.
" મમ્મી તમે ટેન્શન નહીં કરો. આપણે ક્યાં જુનાગઢ જવું છે ? આપણે તો કાયમ માટે અહીં જ રહેવાનું છે. ભાઈને પણ અહીં જ એડમિશન અપાવી દઈશું. બેંગ્લોરનો મારો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો છે અને હવે જુલાઈ મહિનામાં કોલેજો ખુલે ત્યાં સુધી મારે રજાઓ જ છે. એટલે તમે લોકો પણ મારી સાથે જ રહો." કાવ્યા બોલી.
" તારી સાથે હું કેવી રીતે રહી શકું ? નિખિલને સ્કૂલ અધવચ્ચે કેવી રીતે છોડાવી દઉં ? એનો અભ્યાસ બગડે. મારે અત્યારે તો જુનાગઢ જવું જ પડશે. " દેવયાનીબેન બોલ્યાં.
" તો પછી મારે આ બેબી માટે આયા રાખવી પડશે. " કાવ્યા બોલી.
એ દિવસે રાત્રે સૂતી વખતે કાવ્યાએ મનમાં જે ગોઠવી રાખ્યું હતું એ પ્રમાણે મમ્મી સાથે વાત કરી.
"આ બેબીનું નામ કેયા છે. હું એક વર્ષ માટે બેંગ્લોરમાં હતી ત્યારે હોસ્ટેલમાં મારી જે રૂમ પાર્ટનર હતી તેની આ દીકરી છે. સંજના મિશ્રા તેનું નામ હતું. એ યુપીની બ્રાહ્મણ છોકરી હતી. એ કોઈના પ્રેમમાં હતી અને પ્રેગ્નેન્ટ થઈ ગયેલી. ત્રણ મહિનાનો ગર્ભ થયો એ પછી અચાનક એનો પ્રેમી કાયમ માટે કેનેડા જતો રહ્યો અને ગર્ભપાત કરાવવા એને પાંચ લાખ આપતો ગયો. એ બિચારી મૂંઝાઈ ગઈ. " કાવ્યા એની મમ્મી સાથે વાત કરી રહી હતી.
"ત્રણ મહિનાનો ગર્ભ પાડી શકાય એમ ન હતો એટલે ફરજિયાત એણે ગર્ભ રાખવો પડ્યો. પ્રેગ્નન્સીની કોલેજમાં બધાને જાણ થાય તો એની બદનામી થાય એટલે એણે હોસ્ટેલ છોડી દીધી અને ભાડાના ફ્લેટમાં જતી રહી. હું એને એના ફ્લેટમાં મળવા જતી. સંજના મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. " કાવ્યા બોલી રહી હતી.
"નવ મહિના પૂરા થયા એટલે એણે આ કેયાને જન્મ આપ્યો. હું અવારનવાર કેયાને રમાડવા જતી. પરંતુ બાળકને જન્મ આપ્યા પછી એના માટે બહુ મોટી મૂંઝવણ ઊભી થઈ ગઈ. એ કુંવારી હતી અને યુપીમાં એના પપ્પા બહુ જ કડક સ્વભાવના હતા. સંતાનનો ઉછેર એ કરી શકે એમ ન હતી." કાવ્યા ગોઠવી ગોઠવીને વાક્યો બોલતી હતી.
"કેયાને જન્મ આપ્યા પછી લગભગ સાડા ત્રણ મહિના તો એ ફ્લેટમાં રહી પરંતુ એ ખૂબ જ નબળા મનની હતી. આ બાજુ મારો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો હતો અને હું ગુજરાત પાછી આવી જવાની હતી એ એને ખબર હતી. એટલે એક દિવસ સવારે એ કેયાને લઈને મારા રૂમ ઉપર આવી. એણે મને કહ્યું કે હું એકાદ કલાકમાં આવું છું ત્યાં સુધી તું કેયાને જરા સાચવજે. કદાચ જરૂર પડે તો આ હેન્ડબેગમાં એનું ડાયપર મૂકેલું છે. મેં હા કહી. " કાવ્યા બોલી રહી હતી.
" પરંતુ બે ત્રણ કલાક સુધી એ આવી જ નહીં. કેયા પણ રડવા લાગી. મેં એને તેડી લીધી અને પેલી નાની હેન્ડબેગ ખોલી તો એમાં બે ડાયપર, એક ચડ્ડી, એક ઝભલું, દૂધની ભરેલી બોટલ અને એક કવર મૂકેલાં હતાં. કવર ઉપર મારું નામ લખ્યું હતું. કવર ખોલ્યું તો એમાં એક ચિઠ્ઠી અને મારા નામનો પાંચ લાખનો ચેક હતો !" કાવ્યા એની મમ્મીની સામે જોઈને બોલી.
"મને ફાળ પડી. મેં તરત જ ચિઠ્ઠી વાંચી. એ ચિઠ્ઠી હિન્દીમાં લખેલી હતી. એણે લખ્યું હતું કે એ ફ્લેટ ઉપર જઈને આત્મહત્યા કરી રહી છે. આવનારા સંજોગોનો સામનો કરવાની એનામાં તાકાત નથી. એકલી રહીને દીકરીને ઉછેરી શકે તેમ પણ નથી. મને એણે લખ્યું હતું કે હું તને કેયાને સોંપીને જાઉં છું. એના નિભાવ માટે મારા બોયફ્રેન્ડે મારા ખાતામાં ટ્રાન્સફર કરેલા પાંચ લાખ રૂપિયા તને આપી જાઉં છું." કાવ્યા બોલી અને વિચારવા માટે થોડુંક રોકાઈ ગઈ.
"અરે પણ એ તને કેમ સોંપી ગઈ ? તારો વિચાર એણે ના કર્યો ? તું પણ કુંવારી જ છે ને !" દેવયાનીબેન બોલ્યાં.
" હા મમ્મી મને પણ ગુસ્સો આવ્યો. ચિઠ્ઠી વાંચ્યા પછી મને એના ફ્લેટ ઉપર જવાનો વિચાર આવ્યો પરંતુ હું ડરી ગઈ. કદાચ ત્યાં પોલીસ આવી હોય તો મારી પણ પૂછપરછ કરે. બે ત્રણ કલાક પછી મને સમાચાર મળી ગયા કે એણે ખરેખર પંખે લટકીને આત્મહત્યા કરી લીધી છે."
" મારે ત્રણ દિવસ પછી અહીં રાજકોટ આવવા નીકળવાનું હતું એટલે ગમે તેમ કરીને બોટલનું દૂધ પાઈને કેયાને સંભાળી લીધી અને એને લઈને સીધી રાજકોટ આવી. હવે તું જ કહે મમ્મી હું પણ શું કરું? જો હું બેંગ્લોરમાં પોલીસને સોંપવા જાઉં તો પોલીસ મને સવાલો કરે. એક તો અજાણ્યું શહેર ! એટલે હું એને અહીં જ લઈ આવી." કાવ્યા બોલી રહી હતી.
" હવે તું જેમ કહે એમ કરું. તું કહે તો અહીંની પોલીસને સોંપી દઈએ. પણ મારું મન ના પાડે છે. સંજનાએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને પાંચ લાખ પણ આપ્યા છે. હું તો કહું છું આ પાંચ લાખ આપણે રાખી જ લઈએ અને એક આયા શોધી કાઢીએ. અહીં તો કોઈ મને પૂછવાનું નથી. જુનાગઢથી આવીને કોઈ પૂછે તો સાચો જવાબ આપીશ કે મારી ફ્રેન્ડની દીકરી છે ! " કાવ્યા ઠાવકાઈથી બોલી.
"હમ્ ... તારી વાત સાચી છે. પોલીસને સોંપવા જાઓ એટલે હજાર સવાલ પેદા કરે. એ પાછા બેંગ્લોરની પોલીસને જાણ કરે. એટલે આપણે એ બધા લફરામાં પડવું નથી. હમણાં તું એક નર્સ કે આયા રાખી લે. છ મહિના પછી તો હું જ અહીં રહેવા આવી જઈશ." દેવયાનીબેન બોલ્યાં.
મમ્મી માની ગઈ એ વાતથી કાવ્યાને ઘણી નીરાંત થઈ ગઈ. એ માનસિક રીતે હળવી થઈ ગઈ. કેયાની જવાબદારીનો બધો જ ભાર હળવો થઈ ગયો.
દેવરાજ હવે પહેલાંની જેમ મૈત્રી સાથે સુખી સંસાર માણી રહ્યો હતો. મૈત્રીને પણ ખાત્રી થઈ ગઈ હતી કે દેવ હવે બદલાઈ ગયા છે અને મારું પૂરું ધ્યાન રાખે છે.
બે મહિના આ રીતે પસાર થઈ ગયા. માગશર મહિનો આવી ગયો. કડકડતી ઠંડીની સિઝન પણ શરૂ થઈ ગઈ.
માગશર મહિનાની સુદ એકાદશી ગીતા જયંતી તરીકે ઓળખાય છે. દેવરાજ એ દિવસે સવારે ૧૧ વાગે પોતાના શો રૂમમાં બેઠો હતો ત્યાં અચાનક એક સન્યાસી મહાત્મા એના શો રૂમમાં પધાર્યા.
દેવરાજને આશ્ચર્ય થયું અને સારું પણ લાગ્યું કે કોઈ સન્યાસી મહાત્માનાં પગલાં એના શો રૂમમાં થયાં.
" કેમ છે દેવરાજ ? " સ્વામીજીએ ચેમ્બરમાં પ્રવેશીને એનું નામ લઈને પૂછ્યું.
દેવરાજને આશ્ચર્ય થયું કે સ્વામીજી મારું નામ કેવી રીતે જાણે છે !
" જી બાબાજી પધારો." દેવરાજ બોલ્યો અને ઉભા થઈને પ્રણામ કર્યા.
સ્વામીજી દેવરાજની સામેની ખુરશી ઉપર બેઠા.
" રાજકોટમાં ફાવી ગયું છે ને !" સ્વામીજી બોલ્યા.
" રાજકોટ તો મારું વતન છે બાબાજી. ના કેમ ફાવે ? " દેવરાજને સ્વામીજીના પ્રશ્નથી આશ્ચર્ય થયું.
સ્વામીજી દેવરાજનો જવાબ સાંભળીને ખડખડાટ હસવા લાગ્યા.
" હું તને લેવા આવ્યો છું. આવવું છે ને મારી સાથે ? " સ્વામીજી હસીને બોલ્યા.
" મારે ક્યાંય આવવું નથી બાબાજી. તમારી જે જરૂરિયાત હોય તે હું લાવી આપું. જમવાની ઈચ્છા હોય તો ભોજન કરાવી દઉં. દક્ષિણા જોઈતી હોય તો એ પણ આપું. " દેવરાજ બોલ્યો.
" મારે તારી પાસેથી કંઈ જ જોઈતું નથી બસ તને આશીર્વાદ આપવા માટે આવ્યો છું. " કહીને સ્વામીજી ઊભા થયા અને પોતાનો જમણો હાથ લાંબો કરીને દેવરાજના માથા ઉપર મૂક્યો.
સ્વામીજીના એ સ્પર્શ સાથે જ દેવરાજ ખુરશી ઉપર બેઠો બેઠો ભાન ગુમાવી બેઠો. એનું સૂક્ષ્મ શરીર દેહથી છૂટું પડીને સ્વામીજીની પાસે આવીને ઊભું રહ્યું. સ્વામીજી એની આંગળી પકડીને ચાલવા લાગ્યા. શો રૂમમાં બીજો કોઈ પણ સ્ટાફ આ સ્વામીજીને જોઈ શકતો ન હતો.
શો રૂમનો દરવાજો ખોલ્યા વિના બંને કાચની આરપાર બહાર નીકળી ગયા અને બીજી જ ક્ષણે બંને હિમાલયની તળેટીમાં એક આશ્રમમાં આવી ગયા.
"હું ક્યાં છું ગુરુજી ?" દેવરાજ આશ્ચર્યથી બોલ્યો.
" હવે તું મને બરાબર ઓળખી ગયો દેવરાજ. અલ્મોડા મારા આશ્રમમાં તું આવી ગયો છે. " સ્વામી આત્માનંદજી બોલ્યા.
" પરંતુ હું તો ઈન્દોરમાં હતો. તમે મને શક્તિપાત આપવાના હતા !" દેવરાજ બોલ્યો.
"તને શક્તિપાત આપી જ દીધો છે અને તું અત્યારે સૂક્ષ્મ શરીરમાં છે. તને શક્તિપાત આપ્યા પછી મેં જોયું કે આ જન્મમાં તો તું પવિત્ર છે પરંતુ પાછલા જન્મોની તારી કેટલીક વાસનાઓ હજુ અધુરી છે. પૂર્વ જન્મના તારા કેટલાક ઋણાનુબંધો પણ છે." સ્વામીજી બોલી રહ્યા હતા.
" પૂર્વ જન્મમાં તું વૈકુંઠશેઠ હતો એ તો મેં તને કહેલું જ છે. પરંતુ અઢળક લક્ષ્મીના કારણે તારા કેટલાક આડા સંબંધો પણ હતા. જે પાત્રો ગયા જન્મમાં તારી સાથે હતાં એ જ પાત્રો સાથે અત્યારે તું એક સ્વપ્ન અવસ્થા ભોગવી રહ્યો છે." સ્વામીજી બોલી રહ્યા હતા.
"મૈત્રી ગયા જન્મમાં તારી પત્ની નિર્મલા હતી. એનું ૫૦ વર્ષની વયે અચાનક અવસાન થઈ જવાથી તને બહુ જ આઘાત લાગ્યો હતો અને બીજા જન્મમાં પણ તને નિર્મલા જ મળે એવી તારી દ્રઢ ઈચ્છા હતી. એને મેળવવા માટે તારે ફરી પાછો જન્મ લેવો ના પડે એટલે મારે તારી ઈચ્છા પૂરી કરવા સ્વપ્ન અવસ્થાનું સર્જન કરવું પડ્યું. " સ્વામીજી બોલ્યા.
"પરંતુ મને તો મારી એ સ્વપ્ન અવસ્થા બિલકુલ યાદ નથી. " દેવરાજ બોલ્યો.
" તને તારા મૂળ સ્વરૂપમાં લાવવા માટે મેં અત્યારે તને સ્વપ્ન અવસ્થાની વિસ્મૃતિ કરાવી દીધી છે. જાગૃત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા બંને એક સાથે ના રહી શકે. થોડીવાર પછી તું તારા દેહમાં પાછો જઈશ એટલે આ જાગૃત અવસ્થા ભૂલી જઈશ અને ફરી પાછો સ્વપ્ન અવસ્થામાં પ્રવેશી જઈશ." સ્વામીજી બોલી રહ્યા હતા.
" કાવ્યા નામનું પાત્ર ગયા જન્મમાં તારો જેની સાથે અનૈતિક સંબંધ હતો એ કમલા પોતે છે. કમલાની તીવ્ર ઈચ્છા તારા થકી એક સંતાન થાય એવી હતી પરંતુ ગયા જન્મમાં એ પૂરી ના થઈ શકી એટલે મેં તને કામી અને વાસનામય બનાવ્યો અને કમલાની એ ઈચ્છા કાવ્યા થકી પૂરી કરાવી. તારાં કર્મોના ભોગવટાની આ સ્વપ્નલીલા હવે પૂરી થવાની તૈયારીમાં જ છે. થોડા દિવસોમાં જ તું ઇન્દોર તારા શરીરમાં પ્રવેશી જઈશ." સ્વામીજી ખડખડાટ હસીને બોલ્યા.
" પરંતુ હું તો કોઈ મૈત્રી કે કાવ્યાને ઓળખતો નથી ગુરુજી " દેવરાજ બોલ્યો. એને સ્વામીજીની વાતો સમજાતી ન હતી.
" મેં હમણાં કહ્યું ને કે સ્વપ્ન અવસ્થાની અત્યારે વિસ્મૃતિ થયેલી છે. હવે મારી વાત સાંભળ. આજનો દિવસ અતિ પવિત્ર છે. આજે તને અહીં સુધી લાવવા પાછળનું મુખ્ય કારણ મારે તને ગાયત્રી મંત્રની યાદ અપાવવાની છે." સ્વામીજી બોલ્યા.
" જી ગુરુજી. " દેવરાજ બોલ્યો.
" ગાયત્રી સાધના ચાલુ કર્યા પછી તારામાં એક નવી તાકાતનો તને અનુભવ થશે. તારામાં નીડરતા આવશે. કોઈ દુશ્મન તારું કંઈ બગાડી શકશે નહીં. અમુક સમય પછી ભવિષ્યમાં બનનારી ઘટનાઓનો તને અગાઉથી જ આભાસ થઈ જશે. તારામાં વાક્ સિદ્ધિ પણ આવશે. આ સિદ્ધિઓ નથી પરંતુ ગાયત્રી મંત્રની ઉપલબ્ધિઓ છે. " સ્વામીજી બોલ્યા.
" જી ગુરુજી પરંતુ સ્વપ્ન અવસ્થામાં જઈને તો ફરી પાછો આપનો આ આદેશ હું ભૂલી જઈશ ને ? " દેવરાજે પ્રશ્ન કર્યો.
"ના. સ્વપ્ન અવસ્થામાં પણ ગાયત્રી મંત્રનો આ ઉપદેશ તને યાદ રહેશે. તને ઈન્દોરમાં મેં ગાયત્રી મંત્રની ઓછામાં ઓછી પાંચ માળા કરવાની સલાહ આપી હતી પરંતુ સ્વપ્ન અવસ્થામાં તું એ ભૂલી ગયો છે. તારે ગાયત્રી મંત્ર કરવાની જરૂર છે. " સ્વામીજી બોલ્યા.
"જી ગુરુજી સ્વપ્ના અવસ્થામાં હું જાગૃત અવસ્થાની બધી જ વાતો ભૂલી જાઉં છું એટલે ગાયત્રી મંત્રની પ્રેરણા તમારે જ આપવી પડશે." દેવરાજ બોલ્યો.
" મારે જે કહેવાનું હતું તે મેં કહી દીધું. હવે તારે તારા દેહમાં પાછા ફરવું જોઈએ. " સ્વામીજી બોલ્યા એ સાથે જ એક આંચકા સાથે દેવરાજ પોતાની ચેમ્બરમાં જાગૃત થઈ ગયો.
દેવરાજને જાગૃત થયા પછી એવો અનુભવ થયો કે જાણે એને ઝોકું આવી ગયું હતું અને સપનામાં કોઈ સિદ્ધ મહાત્મા દેખાયા હતા.
થોડીવાર પછી દેવરાજનો એકાઉન્ટન્ટ ચેમ્બરમાં આવ્યો.
" સર તમારી સાઈન લેવાની હતી. હું થોડીવાર પહેલાં ચેમ્બરમાં આવ્યો હતો પરંતુ તમને ઊંઘ આવી ગઈ હતી એટલે પછી મેં તમને ડિસ્ટર્બ કર્યા ન હતા." એકાઉન્ટન્ટ બોલ્યો.
દેવરાજે ફાઇલમાં સહી કરી એટલે એકાઉન્ટન્ટ બહાર નીકળી ગયો.
ઉજાગરો ન હતો છતાં પણ આજે ઝોકું કેમ આવી ગયું એ દેવરાજને સમજાયું નહીં. પોતે જાણે કે કોઈ નશામાં હોય એવું એને લાગતું હતું. એણે પટાવાળા ને કહીને એક ચા મંગાવી અને પી લીધી.
એ થોડી વાર પોતાની ખુરશી ઉપર બેસી રહ્યો. ચા પીધા પછી પણ હજુ એનો નશો પૂરેપૂરો ઉતર્યો ન હતો.
એણે અનુભવ કર્યો કે એની બાજુમાં જ કોઈ ધીમે ધીમે ગાયત્રી મંત્ર બોલી રહ્યું હતું. એણે આજુબાજુ જોયું પરંતુ એની ચેમ્બરમાં તો કોઈ જ ન હતું. અવાજ ધીમો હતો પરંતુ સ્પષ્ટ હતો. એને આ અવાજ પરિચિત લાગ્યો.
અરે આ અવાજ તો એની પોતાની અંદરથી જ આવતો હતો. પોતે જ પોતાને સાંભળી રહ્યો હતો ! તાલબદ્ધ રીતે ગાયત્રી મંત્ર એના શ્વાસોશ્વાસની સાથે ચાલી રહ્યો હતો. એક અજબ મસ્તીનો દેવરાજે અનુભવ કર્યો !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

