પીજી હાઉસ પ્રકરણ 29
માગશર સુદ એકાદશી અને ગીતા જયંતીના દિવસે સ્વામી આત્માનંદજી રાજકોટ દેવરાજના શો રૂમમાં આવ્યા હતા અને દેવરાજના સૂક્ષ્મ શરીરને હિમાલયની તળેટીમાં આવેલા પોતાના અલ્મોડા આશ્રમમાં લઈ ગયા હતા.પીજી હાઉસ નવલકથા
ત્યાં સ્વામીજીએ દેવરાજને મૈત્રી અને કાવ્યા સાથેના એના પૂર્વ જન્મના સંબંધો અને અધુરી રહેલી ઈચ્છાઓની વાત કરી હતી અને ગાયત્રી મંત્રની રોજ ઓછામાં ઓછી પાંચ માળા કરવાની સલાહ પણ આપી હતી.
એ પછી સ્વામીજીએ એના સૂક્ષ્મ શરીરને શો રૂમમાં બેઠેલા એના સ્થૂળ દેહમાં મોકલી દીધું હતું. ત્યાં થોડી વાર સુધી દેવરાજ એક અદભુત નશાની દશામાં બેઠો રહ્યો હતો અને એની પોતાની અંદરથી ગાયત્રી મંત્રનો સુંદર અવાજ એણે સાંભળ્યો હતો.
ધીમે ધીમે એ અવાજ ધીમો થતો ગયો અને દેવરાજને સ્મૃતિ થઈ આવી કે પોતાને એક સપનું આવ્યું હતું અને એ સપનામાં કોઈ સિદ્ધ મહાત્માએ એને રોજ ગાયત્રી મંત્રની પાંચ માળા કરવાની સલાહ પણ આપી હતી.
દેવરાજ હવે એકદમ સ્વસ્થ થઈ ગયો પણ પેલા સપનાની સ્મૃતિ એને યાદ રહી ગઈ. આવતીકાલથી ગાયત્રી મંત્રની નિયમિત પાંચ માળા કરવાનો એણે નિર્ણય કર્યો.
બપોરે એક વાગે એ શો રૂમને વધાવી ભક્તિનગર પોતાના ઘરે જવા માટે નીકળ્યો. એણે જોયું તો ભક્તિનગર સર્કલ પાસે ધારેશ્વર મંદિરથી સહેજ આગળ લોકોનું ટોળું ભેગું થયું હતું. તમાશાને તેડું ના હોય એમ લોકો ભેગા થયા હતા.
કરુણતા એ હતી કે એક યુવાન ઉપર કોઈ માથાભારે માણસ લાકડી લઈને તૂટી પડ્યો હતો. પેલો લાચાર યુવાન બિચારો 'બચાવો બચાવો' ની બૂમો પાડી રહ્યો હતો અને ટોળામાં ઉભેલા બે યુવાનો મદદ કરવાના બદલે વિડીયો ઉતારી રહ્યા હતા.
" રફીક જરા ગાડી રોક. " દેવરાજ બોલ્યો.
રફીકે ગાડી સાઈડમાં લઈને ઉભી રાખી અને દેવરાજ એમાંથી ઉતરીને લગભગ દોડ્યો.
ટોળાને વીંધીને એ અંદર ગયો. એણે પેલા માથાભારે માણસને ધક્કો માર્યો અને વચ્ચે પડીને એના હાથમાંથી લાકડી પોતાના હાથમાં લઈ લીધી. બીજી જ ક્ષણે એણે એ જ લાકડી પેલા માણસના પગ ઉપર એટલા જોરથી ફટકારી કે લાકડીના બે ટુકડા થઈ ગયા. પેલો રાડ પાડી ઉઠ્યો. હવે ઉભેલા લોકો તાળીઓ પાડવા માંડ્યા !
" તમે આટલા બધા લોકો ભેગા થયા છો તો તમને શરમ નથી આવતી કે વચ્ચે પડીને આ માણસને રોકીએ અને સમજાવીએ ! પેલો મરી રહ્યો છે અને તમે વિડીયો ઉતારો છો !!" દેવરાજ ગુસ્સાથી બોલ્યો અને એણે ફરી પેલા ગુંડા જેવા માણસની સામે જોયું.
દેવરાજનો ગુસ્સાથી ભરેલો ચહેરો જોઈને પેલો માણસ જાણે યમરાજ ભાળી ગયો હોય એમ એની બાઈક છોડીને ત્યાંથી જીવ લઈને ભાગ્યો.
" પેલો માણસ તને શા માટે આટલો બધો મારતો હતો ? " દેવરાજે નીચે પડી ગયેલા યુવાનને પૂછ્યું.
" સાહેબ મારો પાનનો ગલ્લો છે. આ માણસ રોજ મારા ગલ્લે પાન સિગારેટ લેવા માટે આવે છે. એ તો આવે છે પરંતુ એની સાથે બીજા લુખ્ખાઓ પણ આવે છે અને બધા ગુટકા અને સિગારેટ મારી પાસેથી ખરીદે છે પરંતુ પૈસા આપતા જ નથી." માર ખાધેલો યુવાન બોલી રહ્યો હતો.
" મેં એક મહિના પછી ગઈકાલે પૈસા માટે તકાજો કર્યો હતો તો આજે હું ઘરે જમવા જઈ રહ્યો હતો ત્યારે મારો પીછો કરીને એણે મને અત્યારે માર્યો. મારાથી ઊભા પણ થવાતું નથી. " યુવાન બોલ્યો.
" હમ્... ઊભા થવાની કોશિશ કર." દેવરાજ બોલ્યો અને એને હાથ પકડીને ઉભો કર્યો.
દેવરાજમાં એવી કોઈ શક્તિ એના ગુરુજીએ મૂકી હતી કે હાથ પકડતાં જ પેલાનું અડધું દર્દ ગાયબ થઈ ગયું. દેવરાજના સ્પર્શથી એ યુવાનમાં સ્ફૂર્તિ આવી ગઈ.
એ યુવાનને ખૂબ જ આશ્ચર્ય થયું. ઘડી પહેલાં તો એને ભયંકર દર્દ થઈ રહ્યું હતું અને અત્યારે પીડા ઘણી ઓછી થઈ ગઈ હતી !
દેવરાજ ત્યાંથી ઝડપથી નીકળી ગયો અને પોતાની ગાડી પાસે આવ્યો. રફીક પણ એની પાછળ પાછળ આવ્યો.
પોતાના શેઠની આટલી બધી હિંમત અને તાકાત જોઈને એ પોતે પણ આભો બની ગયો.
એ ગાડીમાં બેઠો અને ગાડી એણે સ્ટાર્ટ કરી દીધી.
" સાહેબ કોઈને બચાવવા માટે તમે આવા ગુંડા લોકો સાથે દુશ્મની શા માટે વહોરી લો છો ? " રફીક બોલ્યો.
" અરે રફીક કોઈની મદદ કરવામાં જે આનંદ આવે છે એના જેવો આનંદ બીજો કોઈ નથી અને હું કોઈનાથી ડરતો નથી. તેં જોયું નહીં પેલો કેટલી ખરાબ રીતે તૂટી પડ્યો હતો ! " દેવરાજ બોલ્યો.
દેવરાજ ઘરે પહોંચ્યો ત્યારે રસોઈ તૈયાર જ હતી. જમવામાં આજે દૂધપાક પુરી છોલે અને કઢી ભાત હતા.
" કેમ આજે દૂધપાક ? " આશ્ચર્યથી દેવરાજ બોલ્યો.
" તમને તો કંઈ યાદ રહેતું જ નથી. હું કહું પછી જ તમને યાદ આવે. આજે તમારા પપ્પાની તિથિ છે. એ પવિત્ર આત્મા હતા એટલે આજે ગીતા જયંતીના દિવસે જ એમણે દેહ છોડેલો. ગાયને ખવડાવી આવી. ડોગીને પણ જમાડી દીધો. મમ્મી પણ હમણાં જ જમીને ગયાં. આપણે બે જ બાકી છીએ. " મૈત્રી બોલી.
"બોલો... મારા પપ્પાની તિથિ મને જ યાદ નથી. " દેવરાજ બોલ્યો.
" આમ પણ આ બધું પુરુષોને ઓછું યાદ રહેતું હોય છે. તિથિ હોય કે સામાજિક વહેવારો કરવાના હોય... સ્ત્રીઓ જ બિચારી બધું યાદ રાખતી હોય છે. " મૈત્રી જમતાં જમતાં બોલી.
" મૈત્રી આજે મને એક સરસ અનુભવ થયો. હું મારી ચેમ્બરમાં બેઠો હતો અને અચાનક મને ઝોકું આવી ગયું. પાંચ દસ મિનિટ માંડ ઊંઘ આવી હશે પણ એમાં મને એક સપનું આવ્યું અને સપનામાં કોઈ સિદ્ધ મહાત્માએ મને આશીર્વાદ આપ્યા અને રોજ ગાયત્રી મંત્રની ઓછામાં ઓછી પાંચ માળા કરવાનું કહ્યું. " દેવરાજ બોલ્યો.
" આ તો ઘણું સારું કહેવાય. આજે ગીતા જયંતી પણ છે એકાદશી પણ છે અને પપ્પાની તિથિ પણ છે. બીજું તો મને કંઈ ખબર નથી પણ તમને ગાયત્રી મંત્ર કરવાનું સંત મહાત્માએ કહ્યું હોય તો તમારે કાલથી ચાલુ કરી દેવી જ જોઈએ. " મૈત્રી બોલી.
" એ સિદ્ધ મહાત્માના આશીર્વાદથી મારામાં અદભુત શક્તિનો સંચાર થયો છે મૈત્રી. મારામાં ઘણી હિંમત આવી ગઈ છે. આજે ઘરે આવતી વખતે એક માથાભારે મવાલીને મેં સીધો દોર કરી દીધો. બિચારો રાડો પાડતો ભાગ્યો. ખબર નહીં આવી તાકાત મારામાં ક્યાંથી આવી ! " દેવરાજ બોલ્યો.
" પણ તમારે માથાભારે માણસને સીધો દોર કરવાની જરૂર કેમ પડી ? શું કામ હાથે કરીને દુશ્મનો પેદા કરો છો ? " મૈત્રી બોલી.
દેવરાજે એને બધી વાત વિગતવાર કરી.
" હા પણ પેલાને બચાવવામાં તમારે ગુંડા સાથે દુશ્મનાવટ થઈ ને !" મૈત્રી બોલી.
" જેણે મને આવી તાકાત આપી છે એ જ મને બચાવશે. એણે મારી રક્ષાનું પણ વિચાર્યું હશે ને ? " દેવરાજ હસીને બોલ્યો.
" માતાજી તમારી રક્ષા કરે. બીજું તો શું કહું ? " કહીને મૈત્રી ચૂપ થઈ ગઈ. એની પાસે બીજો કોઈ જવાબ ન હતો.
" દેવ તમે સાંજે થોડા વહેલા આવજો ને !" મૈત્રી બોલી.
" કેમ આજે બીજું વળી શું છે ? " દેવરાજે પૂછ્યું.
" જામનગરમાં પૂજા ફ્લેટમાં મારી પેલી પાડોશી ફ્રેન્ડ પિન્કી નહીં ? જેણે આપણાં લગ્નમાં તમારા બુટ સંતાડી દીધા હતા અને તમારી પાસેથી ૨૦૦૦ લીધા હતા ! એને જોવા માટે મુરતિયો આવવાનો છે. " મૈત્રી બોલી.
"તારી ભૂલ સુધાર. જ્યાં સુધી કોઈ છોકરા સાથે સગાઈનું ફાઇનલ ન થાય ત્યાં સુધી એને મુરતિયો ના કહેવાય. છોકરા છોકરી એકબીજાને પસંદ કરે અને પછી સગાઈનું કે લગનનું મુરત જોવડાવે એ પછી એ મુરતિયો કહેવાય. અત્યારે તો કોઈ છોકરો જોવા આવવાનો છે એમ કહેવાય." દેવરાજ બોલ્યો.
" હા તો કોઈ છોકરો એને જોવા આવવાનો છે અને પિન્કીએ આગ્રહ રાખ્યો છે કે તારે અને જીજાજીએ ખાસ આવવાનું છે. " મૈત્રી બોલી.
"તો એના માટે આપણે છેક જામનગર જવાનું છે ? તો તો આપણે મોડામાં મોડા અહીંથી ચાર વાગ્યે જ નીકળી જવું પડશે. પછી શો રૂમ જવાનું જ કેન્સલ કરી દઉં. " દેવરાજ બોલ્યો.
" અરે બાબા મેં તમને જામનગર જવાનું ક્યાં કહ્યું છે ? એના પપ્પા રેલવેમાં છે અને એક વર્ષથી એમની બદલી રાજકોટમાં થઈ છે એટલે અત્યારે એ લોકો જંકશન પ્લોટ, શેરી નંબર ૧૨ માં રહે છે. એણે મને એડ્રેસ વોટ્સએપ કર્યું છે. " મૈત્રી બોલી.
" પરંતુ એ પિન્કીની ઉંમર ક્યાં એટલી મોટી છે ? " દેવરાજ બોલ્યો.
" અરે એ ૨૧ વર્ષની થઈ. મારાં લગ્ન ૨૩ મા વર્ષે થઈ જ ગયાં હતાં ને ? અને પિન્કી પાછી દેખાવડી છે એટલે એનાં મા-બાપને ચિંતા રહે જ ને ?" મૈત્રી બોલી.
" તો પણ મારી દ્રષ્ટિએ ઉંમર હજુ નાની ગણાય. એનીવેઝ... હું સાંજે સાડા પાંચ વાગે ઘરે આવી જઈશ. આપણે સાત વાગ્યા સુધીમાં પહોંચી જઈશું કારણ કે છોકરાવાળા આમ પણ સાત વાગ્યા પહેલાં ના આવે. " દેવરાજ બોલ્યો.
" થોડા વહેલા આવજો ને. પ્રસંગમાં જઈએ છીએ તો તમારે પણ તૈયાર થવાનું હોય ને ! " મૈત્રી બોલી.
" તો પછી શો રૂમ જવાનો મતલબ જ શું છે ? ચાર વાગ્યે પહોંચું અને ૪૫ મિનિટમાં પાછો આવી જાઉં એના કરતાં તારી સામે જ બેસી રહું. " દેવરાજ બોલ્યો.
" ના હોં ! એના કરતા બહાર ગમે ત્યાં અડધી કલાક આંટો મારી આવજો. હું તમને બહુ સારી રીતે ઓળખું છું. " મૈત્રી બોલી.
" એના કરતાં આપણે એક કામ કરીએ. તારું બધું કામ પતાવી લે. આજે આપણી પાસે ટાઈમ છે તો સાડા ત્રણ વાગ્યે અહીં બાજુમાં ઉદ્યોગ નગરમાં ડૉ. મીતાબેનની મેટરનીટી હોસ્પિટલ છે ત્યાં તારું ચેકઅપ કરાવી લઈએ. " દેવરાજ બોલ્યો.
"અચાનક મારું ચેક અપ ? ડૉ રાજેશ પાસે કરાવ્યું તો હતું !" મૈત્રી જાણી જોઈને બોલી.
" કોઈ એકના ભરોસે બેસી ના રહેવાય મૈત્રી. સેકન્ડ ઓપિનિયન લેવો જ જોઈએ. " દેવરાજ બોલ્યો. મૈત્રીને આજે એના જવાબથી સંતોષ થયો.
"ઠીક છે. આપણે ફટાફટ જમી લઈએ. કામવાળી બાઈ દોઢ વાગે આવી જશે." મૈત્રી બોલી અને એણે બંનેની થાળી પીરસી.
બધું કામ પરવારીને મૈત્રી સાડી બદલીને ત્રણ વાગ્યે તૈયાર થઈ ગઈ. દેવરાજે ફોન કરીને રફીકને બોલાવી લીધો અને સાડા ત્રણ વાગે મીતાબેનના મેટરનિટી હોમમાં પહોંચી ગયાં.
"કંઈ ચિંતા કરવા જેવું નથી. ઓવરીઝ માં ફોલિકલ્સ બરાબર ડેવલપ થતા નથી. ટ્રીટમેન્ટ કરવાથી એ આવી જશે. અંદર બધું નોર્મલ છે. ત્રણ ઇન્જેક્શન લેવાં પડશે. ત્રણ મહિનાનો ગોળીઓનો કોર્સ કરવો પડશે. એક મહિના પછી બતાવવા આવી જજો. " મીતાબેન બોલ્યાં અને એમણે એક ઇન્જેક્શન તરત જ આપી દીધું.
"પેલા તમારા ડૉ. રાજેશે તો મને ભડકાવી જ દીધેલી. મને વિશ્વાસ હતો જ કે મને પ્રેગ્નન્સી આવશે જ. ઘણી લેડીઝને એક બે વર્ષ પછી પણ પ્રેગ્નન્સી આવતી હોય છે. " બહાર નીકળ્યા પછી મૈત્રી બોલી.
" મને પણ વિશ્વાસ હતો જ. એટલા માટે તો તને લઈને હું અહીં આવ્યો. મેં તને કહ્યું જ હતું કે આપણે સેકન્ડ ઓપિનિયન લઈશું. " દેવરાજ બોલ્યો અને પછી બંને ગાડીમાં ગોઠવાઈ ગયાં.
" તમને આ મીતાબેન વિશે કેવી રીતે ખબર ? આજે એકદમ જ તમે મને અહીં લઈ આવ્યા એટલે પૂછું છું. " મૈત્રી બોલી.
" અરે આજે સવારે જ મેં મારા ડોક્ટર મિત્ર મિતેશ સાથે વાત કરી હતી. એણે જ મને રેફરન્સ આપ્યો કે તમારી નજીકમાં જ મીતાબેનનું મેટરનીટી હોમ છે. મેં તરત જ મીતાબેનના ક્લિનિકમાં ફોન કરી ટાઇમ પૂછી લીધેલો." દેવરાજ બોલ્યો.
" ચાલો આજે આ એક કામ સરસ થઈ ગયું. મારું અડધું ટેન્શન તમે ઓછું કરી દીધું." મૈત્રી બોલી.
જો કે એને તો ડોક્ટર રાજેશે તે દિવસે કહેલું જ હતું કે એ નોર્મલ જ છે પરંતુ પોતે રાજેશને મળવા ગઈ હતી એ વાત અત્યારે દેવરાજને કરવી ન હતી. એ અત્યારે સુધરી ગયા છે તો પછી જૂની વાતો શા માટે ઉખેડવી !!
ઘરે પહોંચ્યા ત્યારે સાડા ચાર વાગવા આવ્યા હતા. પિન્કીના ઘરે જવાની હજુ વાર હતી એટલે દેવરાજે બપોરની ચા પીને આરામ કરવાનું પસંદ કર્યું.
સાંજે લગભગ પોણા સાત વાગે મૈત્રી અને દેવરાજ જંકશન પ્લોટ શેરી નંબર ૧૨ માં પિન્કીના ઘરે પહોંચી ગયાં.
"છોકરો શું કરે છે ? એ લોકો અહીં રાજકોટના જ છે ?" મૈત્રીએ પિન્કીની મમ્મીને પૂછ્યું.
" હા રાજકોટમાં જાગનાથ પ્લોટમાં એમનો બંગલો છે. નિલેશના પપ્પા નીતિનભાઈ દાવડા અહીંના મોટા બિલ્ડર છે. નિલેશ એમબીએ કરી રહ્યો છે. અમારી પિન્કીના જેવડો જ છે." મમ્મી બોલી.
પિન્કીને જોવા આવનારા મહેમાનોના સ્વાગતની બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. જો છોકરો છોકરી એકબીજાને પસંદ કરે તો મ્હોં મીઠું કરવા માટે જય સીયારામના પેંડા પણ આવી ગયા હતા. એ સિવાય લીલવાની ગરમાગરમ કચોરી પણ તળાઈ રહી હતી તો આઈસ્ક્રીમ પણ મંગાવી રાખ્યો હતો.
લગભગ સાડા સાત વાગ્યે મહેમાનો આવી ગયા. છોકરાની સાથે એના મમ્મી પપ્પા એની બહેન અને એક નાનો ભાઈ આવ્યાં હતાં. જગ્યા થોડીક નાની હતી અને પિન્કી માટે પણ જગ્યા રાખવાની હતી એટલે બાજુમાંથી બે ખુરશી પિન્કીની મમ્મી લઈ આવી. દેવરાજ અને મૈત્રી એના ઉપર બેઠાં.
પિન્કીના મમ્મી પપ્પાએ મહેમાનોનું આદરપૂર્વક સ્વાગત કર્યું અને સોફામાં બેસવાનું કહ્યું.
પિન્કીના પપ્પાએ દેવરાજને મહેમાનોની ઓળખાણ કરાવી તો સાથે સાથે મહેમાનોને દેવરાજની ઓળખાણ પણ કરાવી.
"આ દેવરાજ શેઠ છે નીતિનભાઈ. એમનો ઢેબર રોડ ઉપર શાલીમાર ફર્નિચર્સ નામનો મોટો શો રૂમ છે. તો સાથે સાથે રાજકોટમાં એમનાં ત્રણ શાલીમાર પીજી હાઉસ પણ છે." પિન્કીના પપ્પા બોલ્યા.
" એમનો શાલીમાર શો રૂમ તો આખા રાજકોટમાં ખૂબ જ જાણીતો છે. અને શાલીમાર પીજી હાઉસ નામ પણ સાંભળેલું છે." નીતિનભાઈ બોલ્યા.
પરંતુ શાલીમાર પીજી હાઉસનું નામ સાંભળીને નિલેશના કાન ચમકી ગયા. આ એ જ નિલેશ દાવડા હતો જે મોડી રાત્રે પોતાના મિત્રો સાથે યુનિવર્સિટી રોડ ઉપર દારૂ પીને બાઈક ઉપર સ્ટંટ કરતી નબીરાઓની ટોળકીનો લીડર હતો. એ છ જણા પીજી હાઉસમાં જઈને પણ ધમાલ કરતા હતા ! જાડેજા સાહેબે એમને એરેસ્ટ કરીને એમની બરાબરની લેફ્ટ રાઈટ લીધી હતી.
નિલેશ મનોમન થોડો ડરી ગયો. આ ભાઈ પિન્કીના સગા લાગે છે. અમારા વિશે પોલીસ ફરિયાદ પીજી હાઉસના માલિક તરીકે આ ભાઈએ જ કરી હશે અને તો જ અમને એરેસ્ટ કર્યા હશે. તે દિવસે આ ભાઈ પોલીસ સ્ટેશનમાં તો ન હતા પરંતુ ગમે ત્યારે જો એ મને ઓળખી જાય તો પિન્કીને પણ ખબર પડી જાય અને પિન્કીના મમ્મી પપ્પાને પણ ખબર પડે !
પરંતુ નિલેશને ખબર ન હતી કે દેવરાજ એને નામથી ઓળખી જ ગયો હતો. કારણ કે એણે જે સ્ટેટમેન્ટ પોલીસ સ્ટેશનમાં આપેલું હતું એમાં નીચે એનું પૂરું નામ નિલેશ નીતિનભાઈ દાવડા, પિતાનો વ્યવસાય બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન અને જાગનાથ પ્લોટનું એડ્રેસ પણ લખેલું હતું.
જાડેજા સાહેબે બીજા દિવસે દેવરાજને તમામ છ નબીરાઓનાં સ્ટેટમેન્ટ વંચાવ્યાં હતાં. નિલેશ જ એ બધાનો લીડર હતો એ પણ એને ખબર પડી હતી.
થોડીવારમાં ચા અને ગરમા ગરમ નાસ્તા સાથે પિન્કી ત્યાં આવી. પહેલાં બધાના હાથમાં કચોરીની ડીશ આપી અને પછી દરેકની સામે ચાના કપ મૂક્યા.
નિલેશ ખૂબસુરત પિન્કી સામે જોઈ રહ્યો અને એક નિઃસાસો નાખ્યો. કચોરી ખાવાનો એનો મૂડ જ ખલાસ થઈ ગયો હતો !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

