પીજી હાઉસ (PG House Novel Part-30)

Related

પીજી હાઉસ પ્રકરણ 30

મૈત્રી દેવરાજને લઈને એની જામનગરની ફ્રેન્ડ પિન્કીના ઘરે ગઈ હતી. પિન્કીને જોવા માટે છોકરો આવવાનો હતો. મહેમાનોના સ્વાગતની બધી જ તૈયારી થઈ ગઈ હતી. સાંજે સાડા સાત વાગે મહેમાનો આવી ગયા હતા.

 પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

પિન્કીના પપ્પાએ મહેમાનોને દેવરાજ શેઠનો પરિચય કરાવ્યો અને એ જ રીતે દેવરાજને પણ નિલેશનો અને એના પપ્પા નીતિનભાઈ દાવડાનો પરિચય કરાવ્યો.

નિલેશ એ જ કોલેજીયન નબીરો હતો જે પીજી હાઉસમાં પોતાના મિત્રો સાથે આવીને મોડી રાત્રે ધમાલ કરતો હતો. નિલેશે જાણ્યું કે આ દેવરાજ શેઠ પીજી હાઉસના માલિક પોતે જ છે ત્યારે એ થોડો ડરી ગયો. દેવરાજ શેઠ પણ એનું આખું નામ જાણીને નિલેશને ઓળખી ગયો.

પ્રસંગ એવો હતો એટલે દેવરાજ એ વખતે કંઈ બોલ્યો નહીં. થોડીવારમાં ચા અને ગરમા ગરમ નાસ્તા સાથે પિન્કી ત્યાં આવી અને બધાના હાથમાં કચોરીની ડીશ આપી અને દરેકની સામે ચાના કપ મૂક્યા.

બધાએ ગરમાગરમ કચોરીને ન્યાય આપવાનું શરૂ કર્યું. એ પછી વાતો કરતાં કરતાં ચા પણ પીવાઈ ગઈ.

નિલેશને પિન્કી જોતાં વેંત જ ગમી ગઈ. એને જેવા પાત્રની શોધ હતી એવી જ આ પિન્કી હતી. જો પોતે હા પાડે અને પાછળથી આ દેવરાજ મારો બધો ઇતિહાસ કહી દે તો સંબંધ પણ તૂટી જાય અને બદનામી પણ થાય. એ મોટી વિમાસણમાં મુકાઈ ગયો.

છતાં કોઈપણ હિસાબે પિન્કીને રિજેક્ટ કરવી યોગ્ય નથી. ભવિષ્યમાં આવી બીજી કોઈ છોકરી મળશે એની કોઈ જ ગેરંટી નથી એટલે હમણાં પોતાનો નિર્ણય જાહેર ન કરવો અને વિચારવાનો સમય માંગવો એ જ યોગ્ય રહેશે.

" નિલેશકુમાર તમારે બંનેને અંગત રીતે કોઈ વાત કરવી હોય તો અંદર દસ મિનિટ બેડરૂમમાં જઈને ચર્ચા કરો. એ બહાને બંનેનો વધુ પરિચય થશે." પિન્કી ના પિતા ગણાત્રા સાહેબ બોલ્યા. એ રેલવેમાં ટી.ટી.ઈ હતા.

એ સાથે જ પિન્કી ઊભી થઈ અને અંદર જવા લાગી. એની પાછળ પાછળ નિલેશ પણ અંદર ગયો.

" કોલેજના કયા વર્ષમાં છો અને આગળનો શું પ્રોગ્રામ છે ?" પિન્કીએ જ વાતની શરૂઆત કરી.

" એમબીએ માર્કેટિંગ ના છેલ્લા વર્ષમાં છું. બસ હવે ડીગ્રી મળી જાય એટલે પપ્પાનો બિઝનેસ સંભાળી લેવાનો. અમારી પોતાની આટલી મોટી કન્સ્ટ્રક્શન કંપની છે એટલે મારે બીજું તો કંઈ વિચારવાનું છે જ નહીં. ડિગ્રી હોવી જોઈએ એટલા માટે કોલેજ જોઈન કરી છે. " નિલેશ બોલ્યો.

" હું પણ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં છું. સોફ્ટવેર મારો મનગમતો વિષય છે એટલે આઈ.ટી માં છું. " પિન્કી બોલી.

"આ શાલીમાર ફર્નિચર્સના વાળા ભાઈ તમારા સગા થાય છે ? " નિલેશે જાણી જોઈને પીજી હાઉસનો ઉલ્લેખ ન કર્યો.

" ના એ અમારા સગા થતા નથી પરંતુ એમની વાઈફ મૈત્રી મારી ખાસ ફ્રેન્ડ છે. અમે જામનગર હતાં ત્યારે પૂજા ફ્લેટમાં સાથે જ રહેતાં હતાં. લગ્ન પછી મૈત્રી રાજકોટ આવી ગઈ અને મારા પપ્પાની બદલી પણ રાજકોટ થઈ એટલે એમને ખાસ આમંત્રણ આપ્યું છે." પિન્કી બોલી.

પિન્કીનો જવાબ સાંભળી નિલેશને થોડીક રાહત થઈ છતાં પિન્કી પોતાને પસંદ છે એ નિર્ણય થોડા સમય પછી જાહેર કરવો એવું એણે મનોમન નક્કી કર્યું.

" એક વાત કહું ? તમે મને સાથ આપશો ? " નિલેશ બોલ્યો.

" એવી તે કેવી વાત છે ? " પિન્કી આશ્ચર્યથી બોલી.

" જુઓ તમે મને પસંદ જ છો. મારી પોતાની ઈચ્છા તમારી સાથે જ લગ્ન કરવાની છે પરંતુ અત્યારે આ નિર્ણય મારે જાહેર કરવો નથી. હું એમ જ કહીશ કે મને વિચારવાનો થોડો સમય આપો. મારા આ જવાબથી તમારે નિરાશ થવાની જરૂર નથી. મેં મારો નિર્ણય તમને અંગત રીતે આપી દીધો છે. તમારે પણ આવો જ જવાબ ઘરમાં આપવો કે અમને કોઈ વાંધો નથી પરંતુ એકબીજાને સમજવાનો થોડો સમય અમારે જોઈએ છે. " નિલેશ બોલ્યો.

" હા પણ આવું શા માટે ? જો આપણે એકબીજાને પસંદ કરતાં હોઈએ તો ડિક્લેર કરવામાં ક્યાં વાંધો છે ? " પિન્કી બોલી. એને નિલેશની આ વાત સમજાઈ નહીં.

"હું તમને બધી જ વાત પછીથી કરીશ. મેં પહેલાં જ તમને પૂછ્યું હતું કે તમે મને સાથ આપશો ? જો તમે મને સપોર્ટ આપવા ના માગતા હો તો તમારી મરજી. હું તો અત્યારે આવો જ જવાબ આપવાનો છું. તમને મારી આ વાત પસંદ ના હોય તો તમે મને રિજેક્ટ કરી શકો છો. " નિલેશ જાણી જોઈને બોલ્યો. એને ખાત્રી જ હતી કે પિન્કી સપોર્ટ આપશે જ.

"જુઓ આ નિર્ણય છોકરાવાળાએ જ આપવાનો હોય. તમારી જો હા હોય તો તમારા ફાઇનલ જવાબની રાહ જોવા હું તૈયાર છું. પરંતુ મારાથી ઘરમાં કે જાહેરમાં આવું નહીં કહી શકાય કે મને પણ વિચારવાનો સમય જોઈએ છે ! અમે લોકો મોડર્ન નથી. તમે જે પણ જવાબ આપશો એ અમે સ્વીકારી લઈશું. " પિન્કી બોલી.

એ પછી બંને જણાં બહાર આવીને સોફા ઉપર બેઠાં.

" બોલ બેટા હવે તારો શું જવાબ છે ? અમને તો કન્યા પસંદ આવી છે. ઘર પણ સારું છે. તારા જવાબની જ રાહ જોવાય છે. " નીતિનભાઈ બોલ્યા.

" મને પણ પિન્કી પસંદ છે પરંતુ મારો નિર્ણય હું આજે નહીં આપું. મને થોડો સમય આપો. દસ મિનિટની મુલાકાતમાં હું એકદમ નિર્ણય ના લઈ શકું. મારે હજુ પિન્કીને એક બે વાર મળવું પડશે." નિલેશ ધીમે રહીને બોલ્યો.

" હા હા એમાં શું છે ! તમે ચોક્કસ પિન્કીને મળી શકો છો. તમે એકબીજાને સમજી શકો એ તો ઉપરથી વધારે સારું છે. લગ્ન થવાં ન થવાં એ તો પ્રારબ્ધની વાત છે પણ એક સારો સંબંધ તો થયો છે. આપણે ગળ્યું મોઢું તો કરવું જ જોઈએ. " ગણાત્રા સાહેબ બોલ્યા અને એમણે પેંડાનું બોક્સ ખોલી બધાને ખાવા માટે આગ્રહ કર્યો.

ગણાત્રા સાહેબ ખૂબ જ મેચ્યોર્ડ અને પ્રેક્ટીકલ હતા. નીતિનભાઈ ને પણ ગણાત્રા સાહેબનો આ પોઝિટિવ એટીટ્યુડ ખૂબ જ ગમ્યો. નિલેશ પણ હળવો થઈ ગયો.

થોડીવાર આડી અવળી વાતો કરીને મહેમાનો વિદાય થઈ ગયા. હવે મૂંઝાવાનો સવાલ દેવરાજનો હતો. નિલેશ પાક્કો નીકળ્યો. એણે સાંઠો ઉભો રાખ્યો. સગાઈ નું નક્કી થયું જ ન હતું એટલે અત્યારે નિલેશનો સાચો પરિચય આપવાનો કોઈ મતલબ જ ન હતો. એ બંને પણ ઊભાં થઈ અને ઘરે જવા માટે નીકળી ગયાં.

ઘરે આવીને રાત્રે દેવરાજ નિલેશ વિશે વિચાર કરતો રહ્યો. આમ જોવા જઈએ તો પિન્કી એની સાથે લગ્ન કરે તો પણ દેવરાજ ને કોઈ ફરક પડવાનો ન હતો. એ મૈત્રીની ફ્રેન્ડ હતી એટલું જ. છતાં જો નિલેશ ખરેખર આવારા ટાઈપ હોય તો એની તપાસ કરવી જોઈએ.

"ઈકબાલ મારા પીજી હાઉસમાં આવીને રાત્રે ધમાલ કરતા જે છ નબીરાઓ હતા એમાંના એક નિલેશ દાવડા વિશે મારે રિપોર્ટ જોઈએ છે. મારા એક ફ્રેન્ડની દીકરીની સગાઈ એની સાથે થવાની છે તો મારે એટલું જ ચેક કરવું છે કે નિલેશ ખરેખર આવારા ટાઈપનો છે ? દારૂડિયો છે ?" બીજા દિવસે સવારે ઓફિસમાંથી દેવરાજે ઈકબાલને ફોન કર્યો.

"એ બધી માહિતી તો મેળવી શકાય દેવરાજ પરંતુ આ તો કોલેજ લાઈફ છે. અને એ શ્રીમંત ઘરનો દીકરો છે. એના પપ્પા પણ ડ્રિન્ક લેતા જ હોય એટલે એને પણ આવી આદત પડી હોય. અને આવા ધનાઢ્ય સમાજમાં આ બધું કોમન છે. હું પોતે પણ રોજ ડ્રિંક લઉં છું. આવારાગીર્દી એ અલગ વાત છે. એના કેરેક્ટરની પણ તપાસ થઈ શકે." ઈકબાલ બોલ્યો.

"તારી વાત સાચી છે. મારે આટલું બધું સિરિયસલી લેવું ના જોઈએ. છતાં તું તપાસ તો કર. કોલેજની આ ઉંમરે કેટલીક બાબતો ડેવલપ થતી હોય છે પરંતુ લગ્ન પછી બધું કંટ્રોલમાં આવી જાય છે. ખાસ તો એ લફરાંબાજ છે કે નહીં એ આપણે જોવું છે." દેવરાજ બોલ્યો.

"મને ૧૫ ૨૦ દિવસનો સમય આપ. આ કામ મારે અનઓફિસિયલ કરવાનું છે. હું મારી રીતે તપાસ કરાવી લઈશ. તને રિપોર્ટ મળી જશે. " ઈકબાલ બોલ્યો અને એણે ફોન કટ કર્યો.

૧૫ દિવસ પછી ઈકબાલે નિલેશ દાવડા વિશે સંપૂર્ણ રિપોર્ટ આપી દીધો.

" દેવરાજ મેં બધી જ તપાસ કરી લીધી છે. મારા માણસે સતત એના ઉપર વોચ રાખી હતી અને એના બીજા મિત્રો પાસેથી પણ કોઈને શંકા ન જાય એ રીતે રિપોર્ટ મેળવ્યો હતો. એને સ્પોર્ટ્સ માં ઘણો ઇન્ટરેસ્ટ છે અને ક્રિકેટનો સારો ખેલાડી પણ છે. એ લફરાંબાજ બિલકુલ નથી. બાઈક રેસનો એને શોખ છે. બાકી દારૂ પીવાની પણ એવી કોઈ મોટી ટેવ નથી. ઘરનું વાતાવરણ હોય એટલે ક્યારેક પી લેતો હોય એટલું જ. એની કોઈ ગર્લફ્રેન્ડ પણ નથી." ઈકબાલ બોલ્યો.

" થેન્ક્યુ વેરી મચ ઈકબાલ. તેં એક સરસ કામ કરી આપ્યું. હવે મારે પિન્કી ના ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી. હવે મારું છેલ્લું એક કામ કરી દે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાંથી નિલેશ નો નંબર મને લાવી આપ. ત્યાં એના સ્ટેટમેન્ટમાં લખેલો છે." દેવરાજ બોલ્યો અને ફોન કટ કર્યો.

" ઠીક છે તને બે ત્રણ કલાકમાં મેસેજ કરી દઉં છું. " ઈકબાલ બોલ્યો.

લગભગ બે કલાક પછી દેવરાજ ને નિલેશનો નંબર મળી ગયો. એણે તરત જ નિલેશને ફોન કર્યો.

" નિલેશ હું દેવરાજ શેઠ બોલું છું. તું નામથી તો કદાચ મને ઓળખી ગયો જ હોઈશ તે દિવસે પિન્કીના ઘરે આપણે ભેગા થયા હતા. " દેવરાજ બોલ્યો.

" જી સર.. હું ઓળખું છું. " નિલેશ થોડોક ટેન્શનમાં આવી ગયો.

" મેં ફોન એટલા માટે કર્યો નીલેશ કે તે દિવસે મેં તને ટેન્શનમાં જોયો હતો. મને વિશ્વાસ છે કે પિન્કી તને પસંદ આવી જ હશે છતાં તેં વિચારવાનો સમય માગ્યો એટલે હું સમજી ગયો કે તને કદાચ મારો ડર હોય.પરંતુ મારા તરફથી તારે કોઈ ટેન્શન રાખવાની જરૂર નથી. બસ પિન્કીને તું સુખી રાખજે. આટલું કહેવા માટે જ મેં તને ફોન કર્યો છે. " દેવરાજ બોલ્યો.

" જી સર. થેન્ક્યુ વેરી મચ." નિલેશ એટલું જ બોલ્યો અને ફોન કટ કર્યો.

અને એ પછીના ૧૫ દિવસમાં પિન્કીની સગાઈ નિલેશ દાવડા સાથે થઈ ગઈ. મૈત્રી અને દેવરાજ બંન્નેને સગાઈ પ્રસંગે હાજર રહેવાનું આમંત્રણ હતું પરંતુ દેવરાજે એકલી મૈત્રીને મોકલી હતી.

દેવરાજના જીવનમાં કાવ્યાની આંધી પતી ગયા પછી દેવરાજ અને મૈત્રીનું લગ્ન જીવન ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું હતું. મૈત્રીને પણ હવે સંતોષ હતો અને દેવરાજ પણ મૈત્રીથી પરીતૃપ્ત હતો.

કાવ્યાની પણ દેવરાજ દ્વારા સંતાન પ્રાપ્ત કરવાની ઈચ્છા પૂરી થઈ ગઈ હતી. એણે એની માતાને સમજાવી દીધી હતી અને એક આયા પણ રાખી લીધી હતી. ભલે એણે પોતાની માતાને સાચી વાત કરી ન હતી છતાં પોતે માતૃત્વનો આનંદ માણી રહી હતી.

દેવરાજના પૂર્વ જન્મમાં એટલે કે જ્યારે એ વૈકુંઠ શેઠ હતો ત્યારે એની પત્ની નિર્મલાને એ ખૂબ જ પ્રેમ કરતો હતો અને એમનું જોડું ખૂબ જ સુખી હતું. પરંતુ અચાનક નિર્મલાના યુવાન વયે અવસાનથી એ ભાગી પડ્યો હતો અને નવા જન્મમાં ફરી એને નિર્મલા જ પાછી મળે એવી લાલાને પૂજા વખતે પ્રાર્થના કરતો હતો.

કોઈપણ તીવ્ર ઈચ્છા નવા જન્મનું કારણ બને છે અને એ કર્મ બંધન બની જાય છે. સ્વામી આત્માનંદ આ બધું જ જાણી ગયા હતા અને એટલા માટે દેવરાજની સમાધિ અવસ્થામાં એમણે દેવરાજ માટે આ માયાજાળ રચી હતી અને એક સ્વપ્ન અવસ્થા ઉભી કરી હતી.

નિર્મલા મૈત્રી સ્વરૂપે દેવરાજના જીવનમાં આવી હતી અને દેવરાજની ઈચ્છા પૂરી થઈ ગઈ હતી. તીવ્ર ઈચ્છા ના કારણે પૂર્વજન્મના બે આત્માઓને સ્વામીજીએ માયાજાળ રચીને ફરી ભેગા કર્યા હતા.

અતિ શ્રીમંત એવા વૈકુંઠ શેઠના જીવનમાં કમલા નામનું બીજું પણ એક પાત્ર પાછળથી આવ્યું હતું પણ એ શ્રીમંતાઈના એક શોખ તરીકે હતું ! જો કે કમલા તો વૈકુંઠ શેઠને દિલથી પ્રેમ કરતી હતી અને વિધુર વૈકુંઠ શેઠ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. એટલું જ નહીં પણ કમલાની ઈચ્છા વૈકુંઠ શેઠ દ્વારા એક સંતાન પ્રાપ્ત કરવાની પણ હતી. પરંતુ એ પૂરી ના થઈ શકી.

માયા અવસ્થામાં આ જ પાત્ર કાવ્યા તરીકે દેવરાજના જીવનમાં પાછળથી આવ્યું અને ગયા જન્મની કમલાની અધૂરી ઈચ્છા પૂરી કરવા ગુરુજી એ બંનેને નજીક લાવ્યા અને કાવ્યા દેવરાજના સંતાનની માતા બની.

ઋણાનુબંધથી જોડાયેલા આ ત્રણેય આત્માઓને સ્વામી આત્માનંદજીએ માયા રચીને સ્વપ્ન અવસ્થામાં જ ભેગા કર્યા અને દેવરાજ તથા કાવ્યાની પાછલા જન્મની ઈચ્છાઓ પણ પૂરી કરી અને બંધનમાંથી મુક્ત કરી દીધાં !

હવે દેવરાજને સમાધિ અવસ્થામાંથી પાછો લાવી દેવો જોઈએ અને આ જન્મની એની ગતિને આગળ વધારવી જોઈએ -- સ્વામીજી વિચારી રહ્યા.

દેવરાજને આ માયાવી સ્વપ્નાવસ્થામાં પોણા બે વર્ષ જેટલો સમય ગાળો નીકળી ગયો હતો. પરંતુ દેવરાજને સમાધિ અવસ્થામાં ગયાને હજુ માંડ ૧૫ મિનિટ જ થઈ હતી ! પૃથ્વી ઉપરનો સમય ગાળો અને સૂક્ષ્મ જગતનો સમયગાળો અલગ અલગ લેવલ ઉપર હોય છે અને એ બંને વચ્ચે બહુ મોટો તફાવત હોય છે.

ગુરુજી ઉભા થયા અને ફરીથી એમના શિષ્ય દેવરાજના માથા ઉપર જમણો હાથ મૂક્યો. ધીમે ધીમે મંત્રોચ્ચાર ચાલુ કર્યા. દેવરાજનું ચૈતન્ય પાછું આવતું ગયું. ઠંડા પડી ગયેલા શરીરમાં ગરમાવો પ્રગટ થવા લાગ્યો. માયાજાળ સંકેલાવા લાગી. અને એક આંચકા સાથે દેવરાજનો આત્મા એના શરીરમાં પ્રવેશી ગયો.

થોડીવાર તો એ એમ જ બેસી રહ્યો. આ જન્મની બધી સ્મૃતિઓ જાગૃત થવા લાગી. પોતે ઈન્દોર આવેલો છે એ પણ એને હવે ખ્યાલ આવી ગયો.

"તને મેં ગાયત્રી મંત્રની દીક્ષા આપી છે અને શક્તિ પાત પણ કર્યો છે. ગાયત્રી મંત્રના આ શક્તિ પાતથી તારામાં કેટલીક દિવ્ય શક્તિઓનું અવતરણ થયું છે. આ દિવ્ય ચેતના તને આગળનો માર્ગ બતાવતી રહેશે. જ્યાં જરૂર હશે ત્યાં આ શક્તિઓનો ઉપયોગ એની મેળે થયા કરશે. હવે તારું જમવાનું તૈયાર છે. સવારથી તું ઉપવાસ ઉપર છે. તારા કપડાં તું પહેરીને ભોજન કરી લે. હવે તું મુંબઈ જઈ શકે છે. એક બે દિવસમાં તો હું પણ નીકળી જવાનો છું." સ્વામી આત્માનંદજી બોલ્યા.

દેવરાજ હજુ થોડો નશામાં જ હતો. એ યંત્રવત્ ઉભો થયો અને બાથરૂમમાં જઈને ફરી કપડાં પહેરી લીધાં. પોતે લાવેલો ટુવાલ એણે પોતાની હેન્ડબેગમાં મૂક્યો અને એ ડ્રોઈંગ રૂમ માં આવ્યો. માણેકલાલ ત્યાં બેઠેલા જ હતા.

" તમે તો બહુ નસીબદાર છો દેવરાજ ભાઈ. ગુરુજીએ તમને આટલી નાની ઉંમરે દીક્ષા આપી દીધી. હું છેલ્લા દસ વર્ષથી ગુરુજી સાથે જોડાયેલો છું અને એમની મારા ઉપર અસીમ કૃપા પણ છે છતાં દીક્ષા સંસ્કાર હજુ સુધી થયા નથી." માણેકલાલ બોલ્યા.

" જી. " દેવરાજ બોલ્યો. હજુ એ સમાધિના ઘેનમાંથી સંપૂર્ણપણે બહાર નહોતો આવી શક્યો. કોઈ ઘેનની ગોળી લીધી હોય એવી એની હાલત હતી.

"તમારા માટે જમવાનું તૈયાર જ છે. સમય પણ ઘણો થઈ ગયો છે. તમારે તો સવારથી ઉપવાસ પણ છે અમે બધાંએ જમી લીધું છે. " માણેકલાલ બોલ્યા અને થોડીવારમાં જ એમનો નોકર ભોજનની થાળી લઈને આવ્યો અને દેવરાજની સામેના ટેબલ ઉપર મૂકી.

દેવરાજ એક તો છેક મુંબઈથી આવેલો હતો. ગુરુજીનો પ્રિય શિષ્ય હતો અને પોતાનો મહેમાન હતો એટલે જમવામાં ઘણી બધી આઈટમો બનાવી હતી.

દેવરાજે શાંતિથી જમી લીધું. જમતી વખતે એ લગભગ મૌન જ રહ્યો. એને માણેકલાલે પણ ડિસ્ટર્બ ના કર્યો કારણ કે ગુરુજીએ સૂચના જ આપી હતી કે દેવરાજ બહાર આવે પછી એની સાથે વધુ વાતો ન કરશો.

જમી લીધા પછી દેવરાજ ગુરુજીના બેડરૂમમાં ગયો અને ગુરુજીને પ્રણામ કર્યા. એ પછી પોતાની હેન્ડબેગમાંથી બે લાખ રૂપિયાનું મોટું કવર કાઢીને ગુરુજીના ચરણોમાં મૂક્યું.

" આપનો મારા ઉપર આટલો બધો ઉપકાર છે પરંતુ આજ સુધી હું આપને કંઈ પણ આપી શક્યો નથી. આપના થકી જે મેળવેલું છે એમાંથી જ આજે ગુરુદક્ષિણા આપી રહ્યો છું. આદાન પ્રદાન એ તો જગતનો નિયમ છે " દેવરાજ બોલ્યો.

" મારા આશીર્વાદ તારી સાથે જ છે. તને માણેકલાલનો ડ્રાઇવર હોટલ ઉપર મૂકી જશે. કંઈ પણ કામ હોય તો ગમે ત્યારે ફોન કરી શકે છે. ત્રણ દિવસ પછી હું હવે અલ્મોડા જ રહેવાનો છું. જ્યારે ઈચ્છા થાય ત્યારે આવી શકે છે. " ગુરુજી બોલ્યા.

" જી ગુરુજી." કહીને દેવરાજ બહાર નીકળી ગયો.

માણેકલાલનો ડ્રાઇવર તૈયાર જ હતો. દેવરાજે બે હાથ જોડીને માણેકલાલ ની વિદાય લીધી અને ડ્રાઇવર સાથે બહાર નીકળી ગયો.

એક તરફ ગાડી ઇન્દોરની શ્રીમાયા હોટલ તરફ આગળ વધી રહી હતી તો બીજી બાજુ દેવરાજની માયા એનાથી કાયમ માટે દૂર જઈ રહી હતી ! એ વિસરાયેલી માયામાં મૈત્રી કાવ્યા અને રંગીલુ રાજકોટ પણ હતું !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."