પીજી હાઉસ (PG House Novel Part-31)

Related

પીજી હાઉસ પ્રકરણ 31

દેવરાજ ગુરુજીના કહેવાથી ઇન્દોર એમને મળવા માટે આવ્યો હતો અને ગુરુજીએ એના ઉપર ગાયત્રી મંત્રનો શક્તિ પાત કરી એને સમાધિ અવસ્થામાં મોકલી દીધો હતો.

 પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા

સમાધિ અવસ્થામાં ગુરુજીએ એના પાછલા જન્મની અધૂરી ઈચ્છાઓ અને કર્મોના ભોગવટા માટે રાજકોટની માયાજાળ રચી ત્યાં મૈત્રી અને કાવ્યાનું સર્જન કર્યું હતું. સમાધિ અવસ્થાની ૧૫ મિનિટમાં રાજકોટનો એક વર્ષનો સમય ગાળો દેવરાજે વિતાવ્યો હતો.

એ પછી ગુરુજી એને સમાધિમાંથી બહાર લાવ્યા હતા અને માણેકલાલના ત્યાં રાત્રે ભોજન જમી એ શ્રીમાયા હોટલ આવી ગયો હતો.

માણેકલાલનો ડ્રાઇવર દેવરાજને શ્રીમાયા હોટલ ઉતારી નીકળી ગયો અને દેવરાજ રિસેપ્શન ઉપરથી ચાવી લઈને પોતાના રૂમમાં આવી ગયો. એ રાત્રે તો દેવરાજની ઉપર સમાધિની અસર હોવાથી એ ઘસઘસાટ ઊંઘી ગયો પરંતુ સવારે પાંચ વાગે એની આંખ ખુલી ત્યારે એ સંપૂર્ણ પણે એકદમ જાગૃત અવસ્થામાં આવી ગયો હતો.

ગુરુજીને મળવા માટે ઇન્દોર આવ્યો ત્યારે એને ખબર ન હતી કે ગુરુજી એને ગાયત્રીમંત્રનો શક્તિપાત આપવા માટે બોલાવે છે. અહીં આવ્યા પછી જ એને આ મોટો લાભ મળ્યો. આંતરિક રીતે હવે એ અદભુત ઊર્જાનો અનુભવ કરી રહ્યો હતો.

ગાયત્રી મંત્રની સાધનાથી અને એના શક્તિપાતથી સીધો યુનિવર્સ સાથે એટલે કે બ્રહ્માંડ સાથે સંબંધ થઈ જાય છે અને જે તે વ્યક્તિની કોઈપણ ઈચ્છા સીધી દિવ્યચેતના સુધી પહોંચી જાય છે. બસ આ જ કારણોસર ગાયત્રી ઉપાસકને ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થતી હોય છે. અને ઘણી બધી બાબતોનું અગાઉથી જ્ઞાન પણ થઈ જતું હોય છે. સૂર્યની પોઝિટિવ ઊર્જા એનામાં આવી જાય છે.

સવારે ઊઠીને દેવરાજે બ્રશ કરી ફ્રેશ થઈ સ્નાન કરી લીધું અને ગુરુજીની આજ્ઞા પ્રમાણે એણે ગાયત્રી મંત્રની પાંચ માળા કરી દીધી. આ બધું પતી ગયું ત્યારે સવારના સાડા છ વાગી ગયા હતા.

દેવરાજે હોટલનું મેનુ જોયું તો એમાં અત્યારે નાસ્તામાં ગરમાગરમ પોહા એટલે કે બટેટાપૌંઆ પકોડા કચોરી સમોસા વગેરે મળતાં હતાં. એણે ચા અને સમોસાનો ઓર્ડર આપ્યો.

ઇન્દોરથી એણે અમદાવાદ જવાનું વિચાર્યું હતું કારણ કે મુંબઈ આવ્યા પછી એ હજુ સુધી એક પણ વાર મામાને મળવા માટે અમદાવાદ ગયો ન હતો. મુંબઈની લાઇફમાં એ વ્યસ્ત થઈ ગયો હતો એટલે બે ચાર દિવસ પોતાના વતન અમદાવાદમાં રહેવાની એની ઈચ્છા હતી.

અમદાવાદ જવા માટે એણે ગુગલ સર્ચ કર્યું તો ઇન્દોરથી અમદાવાદ જવા માટે માત્ર બે ફ્લાઈટ હતાં. એક બપોરે ૨:૩૦ વાગે તો બીજું સાંજે ૭:૩૦ વાગે.

ઇન્દોરમાં તો બીજું કંઈ કામ હતું જ નહીં એટલે એણે બપોરનું ફ્લાઇટ પસંદ કર્યું અને ટિકિટ બુક કરાવી દીધી.

૧૧:૩૦ વાગે શ્રીમાયામાં એણે લંચ લઈ લીધું. અહીં જમવાનું ખરેખર ઘણું સારું હતું. મધ્ય પ્રદેશનો ટચ હતો. એ પછી એણે થોડો આરામ કર્યો અને એક વાગે એરપોર્ટ જવા માટે નીકળી ગયો.

અઢી વાગે ઉપડેલું ફ્લાઈટ પોણા ચાર વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરી ગયું. આ શહેરમાં એનો ભૂતકાળ દટાયેલો હતો. ઘણી બધી ખાટી મીઠી સ્મૃતિઓ હતી.

રાયપુરના પોતાના ઘરની મમ્મી પપ્પા સાથેની યાદો હતી તો સાથે સાથે નારણપુરા મામાના ઘરની સ્મૃતિઓ પણ તાજી જ હતી !

મુંબઈની જેમ અહીં ટેક્સીઓનું એટલું બધું ચલણ નથી. ઓલા અને ઉબેર જેવી ટેક્સીઓ શરૂ થઈ છે પરંતુ એ બુક કરાવવી પડે છે. મુંબઈની ટેક્સીઓ ની જેમ અહીં એની લાઈનો નથી હોતી.

દેવરાજે રીક્ષા કરવાનું જ પસંદ કર્યું. ચાર વાગ્યા હતા એટલે હર્ષદમામા તો અત્યારે ગુરુકુળ રોડ ઉપર જોબ ઉપર હશે. ઘરે મામી એકલાં જ હશે એટલે દેવરાજે મામાની ઓફિસે જવાનું નક્કી કર્યું. રીક્ષા એણે ગુરુકુળ રોડ ઉપર લઈ લીધી. ત્યાં નવનીત પ્રકાશનની ઓફિસ માં એ જોબ કરતા હતા.

અમદાવાદ થી મુંબઈ જવા વિદાય થયો એ દેવરાજ જુદો હતો અને અત્યારે પહેલી વાર મામાને મળવા આવતો હતો એ દેવરાજ કરોડોપતિ હતો. એના દેખાવમાં પણ ઘણો ફરક પડી ગયો હતો.

ગ્રે કલરનો સ્યુટ, ટાઈ, લાખોની સીકો કાંડા ઘડિયાળ, ગળામાં સોનાની ચેન, મોંઘા પર્ફ્યુમની દિવ્ય સુગંધ અને ટ્રીમ કરેલી દાઢીની સાથે અલગ જ હેર સ્ટાઈલ દેવરાજની પર્સનાલિટીને ચાર ચાંદ લગાવી રહી હતી.

દેવરાજે નવનીત પ્રકાશન આગળ રીક્ષા ઉભી રાખી અને પૈસા ચૂકવી દીધા. એ પછી એ ટ્રાવેલિંગ બેગ સાથે અંદર ઓફિસમાં પ્રવેશ્યો. અંદર બેઠેલા કર્મચારીઓ એને જોઈ જ રહ્યા. એ સીધો હર્ષદ મામાના ટેબલ ઉપર જઈને ઊભો રહ્યો.

હર્ષદમામા કોઈ બુકનું ટ્રાન્સલેશન કરવામાં મગ્ન હતા. દેવરાજના પર્ફ્યુમની સુગંધી એમને સ્પર્શી ગઈ. એ સાથે જ એમણે પોતાના ટેબલની બાજુમાં કોઈ યુવાનને ઉભેલો જોયો. એમણે લખવા વાંચવાના ચશ્મા ઉતારી ટેબલ ઉપર મૂક્યા અને પેલા યુવાનની સામે જોયું.

" યસ સર ... !!! " હર્ષદમામા યુવાન સામે જોઈને બોલ્યા.એ પોતાના સગા ભાણા દેવરાજને એકદમ ઓળખી ના શક્યા.

" અરે મામા હું દેવરાજ ! " દેવરાજ હસીને બોલ્યો.

દેવરાજના શબ્દો સાંભળતાં વેંત જ હર્ષદમામા ચમકી ગયા. એમને પોતાની આંખો ઉપર જ વિશ્વાસ આવતો ન હતો. એ એક મિનિટ સુધી તો દેવરાજ ને જોઈ જ રહ્યા.

" તું દેવરાજ !!! " હર્ષદમામાએ પૂછ્યું.

"હા હા મામા હું તમારો ભાણો દેવરાજ." દેવરાજ હસીને બોલ્યો.

મામાએ ફટાફટ પોતાની બાજુમાં પડેલી ખુરશી એક કાગળથી સાફ કરી દીધી જેથી પોતાનો ભાણો બેસી શકે અને એનો સ્યૂટ મેલો ના થાય.

"બેટા હું તો તને ઓળખી જ ના શક્યો. તું ક્યારે અમદાવાદ આવ્યો ?" મામા બોલ્યા.

" અરે મામા એરપોર્ટ ઉપરથી સીધો તમારી પાસે જ આવ્યો છું. આ જુઓ મારી બેગ. ઘરે મામી એકલાં હોય એટલે પછી ઘરે ના ગયો. " દેવરાજ મામાની સામે જોઈને બોલ્યો.

" આપણે ઘરે જ જઈએ. હું જરા મારા મેનેજરની રજા લઈને આવું છું." કહીને હર્ષદ મામા ઊભા થયા અને મેનેજરની કેબિનમાં ગયા. બે મિનિટમાં જ એ પાછા આવી ગયા.

" ચાલો આપણે જઈએ. તને બેગ સાથે એકટીવા ઉપર બેસતાં ફાવશે ?" મામા બોલ્યા.

" મામા બેગ તો એકટીવામાં આગળ રહી જશે. બેગ બહુ મોટી નથી. અને એકટીવા હું જ ચલાવી લઉં છું. ઘણા સમયથી એકટીવા ઉપર બેઠો નથી. " દેવરાજ બોલ્યો અને બેગ ગોઠવીને એ એકટીવામાં આગળની સીટ ઉપર બેસી ગયો. મામા પાછળ બેઠા.

ઘણા સમય પછી આજે એ અમદાવાદ ની ભૂમિ ઉપર એકટીવા ચલાવવાનો આનંદ માણી રહ્યો હતો. ૧૫ મિનિટમાં તો એ લોકો અંકુર સર્કલ આવી પણ ગયા.

હર્ષદમામા રૂપલ પાર્કમાં રહેતા હતા. દેવરાજ એકટીવા લઈને રૂપલ પાર્કમાં દાખલ થયો ત્યારે ત્યાંથી પસાર થતા બધા જ લોકો એને જોઈ રહ્યા હતા કારણ કે ચહેરો જાણીતો લાગતો હતો પરંતુ દેખાવમાં કોઈ માલદાર નબીરો લાગતો હતો !

દેવરાજ મામાની સાથે ઘરમાં પ્રવેશ્યો ત્યારે મામી પણ ઓળખી ના શક્યાં. એમના માનસ પટલમાં દેવરાજની એક અલગ જ છબી હતી. એ આવા શ્રીમંત પરિવેશમાં દેવરાજને ઓળખી જ ના શકે. એ હર્ષદમામાની સામે જોઈ રહ્યાં.

" અરે આને ના ઓળખ્યો ? આપણો ભાણો દેવરાજ ! કલાક પહેલાં જ એ ફ્લાઈટમાં અમદાવાદ આવ્યો અને સીધો મારી ઓફિસે આવ્યો. " મામા બોલ્યા.

"આ દેવરાજ છે ? તું તો ઘણો બદલાઈ ગયો ભાઈ !!" મામી આશ્ચર્યથી બોલ્યાં.

"હા મામી હું દેવરાજ જ છું. બસ સમય અને સંજોગો બદલાઈ ગયા. તમારી તબિયત કેમ છે ? " દેવરાજ બોલ્યો.

" તબિયત તો સારી છે ભાઈ. તું હતો તો મને ઘણો ટેકો રહેતો હતો. તારા ગયા પછી બધું કામ મારા માથે આવી ગયું. " મામી અફસોસ કરતાં હોય એમ બોલ્યાં.

"કંઈ નહીં. હવે હું આવી ગયો છું ને મામી ! થોડી ઘણી રાહત તો થઈ જ જશે !! " દેવરાજ હસીને બોલ્યો.

" થાક્યો પાક્યો આવ્યો છે. થોડો આરામ કર. અને નલીની તું ભાણા માટે થોડી ચા મૂક." મામા બોલ્યા.

" મારાં નાનાં ભાઈ બેન કેમ દેખાતાં નથી ? " ઘરમાં મામીને એકલાં જોઈને દેવરાજે પ્રશ્ન કર્યો.

" એ બંને ટ્યુશન ગયાં છે. આપણી નીચેના ફ્લેટમાં જ એક નવાં બેન રહેવા આવ્યાં છે. એ સાતમા ધોરણ સુધીનું ટ્યુશન કરે છે. સારું ભણાવે છે એટલે ટ્યુશન ચાલુ કરાવ્યું. " મામી બોલ્યાં.

"ચાલો એ પણ સારું કર્યું. આજના જમાનામાં અભ્યાસનું બહુ જ મહત્વ છે. સારી ડીગ્રી હશે તો જ જીવનમાં આગળ વધાશે. " દેવરાજ બોલ્યો.

એ પછી મામી ચા બનાવવા માટે કિચનમાં ગયાં અને દેવરાજ મામાની સાથે સોફા ઉપર બેઠો.

દેવરાજ ને જોયો ત્યારથી મામા ઘણા વિચારમાં પડી ગયા હતા. એક લાખનો પગાર મળે છે ત્યાં સુધી તો બધું ઠીક છે પરંતુ દેવરાજ જે ઠાઠમાઠથી અમદાવાદ આવ્યો હતો એ જોઈને એમને ઘણું આશ્ચર્ય થયું હતું. મામા થોડી વાર વિચારતા બેસી રહ્યા પરંતુ પછી એમણે વાત ઉપાડી.

" દેવ તને ખોટું ના લાગે તો એક સલાહ આપું ? " હર્ષદમામા દેવરાજ સામે જોઈને બોલ્યા.

" અરે મામા તમારો અધિકાર છે તમારા ભાણા ઉપર. મને ખોટું શું કામ લાગે ?" દેવરાજ હસીને બોલ્યો.

"એક લાખનો પગાર મળતો હોય એટલે કંઈ આટલો બધો ઠાઠ ના કરાય બેટા. પૈસાને અવેરતાં શીખો. કાલ ઊઠીને લગન થશે. સંસારમાં ડગલેને પગલે પૈસાની જરૂર પડશે. આવા મોંઘા સ્યુટ બુટ ઘડિયાળ આપણને ના પોસાય. સોનાની ચેન તો ઠીક છે પરંતુ તારી આ ઘડિયાળ નહીં નહીં તો પણ દશ પંદર હજારની હશે ! " હર્ષદમામા બોલ્યા.

દેવરાજ કહેવા જતો હતો કે સવા લાખ રૂપિયાની છે પણ એ ચૂપ રહ્યો. મામાની ગરીબાઈના કારણે એમની વિચારવાની શક્તિ પણ મર્યાદિત હતી.

" મામા તમારી વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. માણસે કરકસર કરવી જ જોઈએ અને હું પણ કોઈ ખોટા ખર્ચા કરતો નથી કે દેખાડો પણ કરતો નથી. પરંતુ આ બધું મને ગિફ્ટમાં મળ્યું છે !" દેવરાજ બોલ્યો.

"આ બધું તને ગિફ્ટમાં મળ્યું છે ? એવો તો વળી કયો દાનવીર પાક્યો છે કે તને આટલું બધું ગિફ્ટમાં આપે ? તારો શેઠ એક લાખ રૂપિયા પગાર આપે છે એ ઓછું છે કે તને આવી મોંઘી ગિફ્ટ આપે ? " હર્ષદ મામા કંઇ સમજ્યા નહીં.

એટલામાં મામી પણ ચાના બે કપ લઈને આવ્યાં અને એમણે બંનેના હાથમાં ચાના કપ આપ્યા.

" તું પણ બેસ ને. ભાણો આટલા સમય પછી ઘરે આવ્યો છે તો થોડી વાતો કરીએ. " હર્ષદ મામા બોલ્યા. મામી સોફાની સામે રાખેલી ખુરશી ઉપર બેઠાં.

" હા તો હું એમ કહેતો હતો કે શેઠ તને એક લાખ રૂપિયા પગાર આપે એ તો જાણે સમજ્યા પરંતુ આટલી બધી મોંઘી ગિફ્ટ તને શા માટે આપે ? " મામા બોલ્યા.

"મામા હું અત્યારે કરોડોપતિ છું. ત્યાં વાલકેશ્વર જેવા સૌથી મોંઘા એરિયામાં મારો પોતાનો ફ્લેટ છે. ગાડી છે અને નોકર ચાકરો પણ છે. હું પોતે એક મોટી હોસ્ટેલનો માલિક પણ છું ! " દેવરાજ મામાના ચહેરા સામે જોઈને હસીને બોલ્યો.

દેવરાજની આ વાત સાંભળીને મામાનુ મગજ ચકરાઈ ગયું. ભાણો આ શું બોલી રહ્યો છે !!! મામીની હાલત પણ જોવા જેવી હતી !

" તું આ શું બોલે છે દેવરાજ !! તું અને કરોડોપતિ ? એવી તે કેવી લોટરી લાગી તને ? " મામા બોલ્યા.

"કોઈ લોટરી લાગી નથી મામા. બસ મારું કિસ્મત ફરી ગયું. હું અહીંથી મુંબઈ ગયો ત્યારે જ મને ખબર હતી કે મારા દિવસો બદલાઈ રહ્યા છે અને હું શ્રીમંત બનવા જઈ રહ્યો છું પરંતુ જ્યાં સુધી એ બધું મને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મારે આ વાત કોઈને કરવી નહોતી. તમારા બધાના આશીર્વાદથી મને એક કરોડોપતિ શેઠિયાએ પુત્ર તરીકે દત્તક લીધો છે. કાયદેસર રીતે મને એમનો વારસદાર બનાવ્યો છે. મામા તમારા સોગન ખાઈને કહું છું કે આ વાત સો ટકા સાચી છે. " દેવરાજ બોલ્યો.

દેવરાજની આ વાત સાંભળીને ખબર નહીં કેમ પણ હર્ષદમામાની આંખો ભરાઈ આવી. એ એકદમ લાગણીશીલ થઈ ગયા.

"તું કદી ખોટું બોલી ન શકે એ તો મને વિશ્વાસ છે પરંતુ મારા કાન ઉપર મને વિશ્વાસ નથી આવતો. તું આટલો બધો કિસ્મત વાળો હતો અને અમે જ તારા કિસ્મતને ઓળખી ના શક્યા ! અમે તને કઈ રીતે રાખ્યો ! તારી આ મામીએ તારી પાસે કામવાળીની જેમ કામ કરાવ્યું અને હું મુંગો બની જોતો રહ્યો !" મામા ભીની આંખે લાગણીથી બોલ્યા.

" મામા એમાં તમારો કે મામીનો કોઈ જ વાંક નથી. મને ઘણું શીખવા મળ્યું છે. સમય સમયનું ચક્કર છે મામા. મામીએ મારી સાથે આવું વર્તન ના કર્યું હોત તો મેં અમદાવાદ છોડીને મુંબઈ જવાનો વિચાર ક્યારે પણ કર્યો ના હોત ! " દેવરાજ બોલ્યો.

"એ તો તારી મોટાઈ છે ભાણા. તારું નસીબ જ તને મુંબઈ લઈ ગયું અને તું આટલો બધો મોટો માણસ થઈ ગયો." મામા બોલ્યા.

" મામા એક વાત કહું ? તમારે ના નહીં પાડવાની. " દેવરાજ બોલ્યો.

"તું વાત કરે પછી મને સમજાય ને દેવ ! એમનેમ તો હું વચન કેવી રીતે આપું ? " મામા હસીને બોલ્યા.

"તમારા લાભની જ વાત છે મામા. " દેવરાજ બોલ્યો.

"ઠીક છે ભાઈ તું જેમ કહે તેમ. હવે તારી વાતનો અનાદર થોડો થશે ? " હર્ષદમામા બોલ્યા.

"તમારે આવતી કાલથી નોકરી છોડી દેવાની. હવે તમારે મજૂરી કરવાની કોઈ જરૂર નથી. તમારે નાનો મોટો કોઈ બિઝનેસ કરવો હોય તો પણ બોલો. હું તમને પૂરી મદદ કરવા તૈયાર છું." દેવરાજ બોલ્યો અને મામા ફરી પાછા લાગણીશીલ થઈ ગયા.

" અરે પણ નોકરીથી મારો ટાઈમ પસાર થાય છે. ઘરે બેસી રહીને હું શું કરું ? અને એમ કાલ ને કાલ નોકરી છોડી ના દેવાય. એ લોકોને મારા બદલે બીજા કોઈ માણસને ગોઠવવો પડે. અને બિઝનેસની મને કોઈ આવડત નથી. " મામા નિખાલસતાથી બોલ્યા.

" તો તમે પહેલી તારીખથી નોકરી છોડી દેજો. હજુ વીસ દિવસની વાર છે. અને મામા તમે નવનીત પ્રકાશનમાં છો તો પછી પાઠ્યપુસ્તકોની દુકાન પણ ખોલી શકો છો. એનું જ્ઞાન તો તમારી પાસે છે જ. એમાં સ્ટેશનરી આઈટમો પણ રાખી શકો. " દેવરાજ બોલ્યો.

" એના માટે હું શાંતિથી વિચાર કરીશ. ધંધાનો નિર્ણય આટલો ઝડપથી હું ના લઈ શકું. પણ નોકરી છોડી દઈને હું કરું શું ? ચાલુ આવક બંધ થઈ જાય ને ? " મામા થોડા મુંજાઈ ગયા.

" અરે મામા તમારો દેવરાજ તમને કહે છે તો એની પાછળ મારી કંઈ ગણતરી હશે જ ને ? કાલે બેંકમાં જઈને તમારા ખાતામાં હાલ પૂરતા ૧૦ લાખ રૂપિયા હું ટ્રાન્સફર કરી દઈશ. તમે કંઈ નહીં કરો તો પણ ખાવા પીવાની તકલીફ નહીં પડે. મારા ઉપર મહાદેવજીની કૃપા છે ! મારા પોતાના ખાતામાં જ કરોડો રૂપિયા છે મામા. " દેવરાજ બોલ્યો.

દેવરાજના શબ્દો સાંભળીને મામા અને મામી બન્ને અવાક થઈ ગયાં. આટલી મોટી રકમની તો એ લોકોએ કલ્પના જ કરી ન હતી. મામા મામી આ આંચકો પચાવે ત્યાં તો દેવરાજે આશ્ચર્યનો બીજો આંચકો મામાને આપ્યો.

" મામા રાયપુરનું મારું મકાન તમે હવે તમારી રીતે વેચી નાખજો. હું તમને પાવર ઓફ એટર્ની લખી આપું છું. કાલે આપણે વકીલ પાસે જઈશું. એમાંથી મારે એક પણ રૂપિયો જોઈતો નથી. " દેવરાજ બોલ્યો અને મામાથી દેવરાજ સામે અનાયાસે જ બે હાથ જોડાઈ ગયા.

જ્યારે મામી તો ભૂતકાળમાં દેવરાજ સાથે કરેલા વ્યવહારથી દેવરાજ સામે આંખ પણ મિલાવી શકતાં ન હતાં - આવા ઉદાર દિલના ભાણા પાસે હું નોકરની જેમ કામ કરાવતી હતી !! અરે હું તો રોજ એને ટિફિનમાં પણ માત્ર મગની દાળ અને રોટલી જ આપતી હતી !! ક્યારેય પણ મીઠાઈ નો ટૂકડો સુદ્ધાં મૂક્યો નહી !!!

અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."