પીજી હાઉસ (PG House Novel Part-32)

Related

પીજી હાઉસ પ્રકરણ 32

દેવરાજ ઇન્દોર ગુરુજી પાસેથી ગાયત્રી શક્તિપાતની દીક્ષા લઈને પોતાના મામાને મળવા અમદાવાદ આવ્યો હતો. અમદાવાદ આવીને એ સહુથી પહેલાં મામાના ઘરે જવાના બદલે એમની ઓફિસે ગયો હતો અને ત્યાંથી મામા ઓફિસમાં રજા લઈને એને પોતાના ઘરે લઈ આવ્યા હતા.

પીજી હાઉસ નવલકથા by આવકાર
પીજી હાઉસ નવલકથા
 
દેવરાજે મામાને પોતે કરોડોપતિ બની ગયો છે એ વાત કરી હતી અને રાયપુર એરિયામાં આવેલું પોતાનું ઘર વેચીને એની તમામ રકમ મામાને જ આપી દેવાની જાહેરાત પણ કરી હતી.

" અરે પણ બેટા મારી પોતાની બહેનની પ્રોપર્ટીના પૈસા હું કેવી રીતે લઈ શકું ? " હર્ષદમામા બોલ્યા.

" મામા એ પ્રોપર્ટી અત્યારે મારા નામે છે અને મને હવે પૈસાની જરૂર નથી એટલે હું પોતે જ એને વેચી નાખવાના તમામ હક્ક તમને આપું છું. એના ૪૫ કે ૫૦ લાખ જે પણ આવે તે તમે જ રાખી લેજો. કારણકે તમારાં સંતાનો કાલે મોટાં થશે તો એમના અભ્યાસ અને લગનના ખર્ચા પણ આવશે." દેવરાજ બોલ્યો.

" ઠીક છે ભાઈ જેવી તારી મરજી. તું આટલો બધો આગ્રહ રાખે છે તો પછી હું વધારે તો તને શું કહું ? " હર્ષદમામા આંખો લૂછતાં બોલ્યા.

" કહું છું હવે દેવરાજભાઈ માટે સાંજે જમવાનું શું કરીશું ? " પહેલીવાર મામી બોલ્યાં.

" મામી તમે મને ભાઈ ના કહો. હું તો તમારો દેવરાજ જ છું. અને હું કંઈ મહેમાન નથી. ઘરમાં આપણે જે બનાવતા હતા એ રીતે જ સાંજની રસોઈ બનાવો. " મામાના બદલે દેવરાજ બોલ્યો.

" અરે એવું તે હોય ! અત્યારે તો તું મહેમાન જ છે." મામા બોલ્યા.

" મામા હું સાચું કહું છું. મને અત્યારે એવી ભૂખ પણ નથી. હું ઈન્દોરથી આવું છું. ગઈકાલે સવારે હું ઇન્દોર ગયો હતો અને ત્યાં કામ પતાવીને સીધો અમદાવાદ આવ્યો છું. બપોરે હોટલમાં પેટ ભરીને જમ્યો છું એટલે અત્યારે મામીના હાથની સરસ મીઠી કઢી અને ખીચડી ખાવાની જ ઈચ્છા છે. મામી તમે અત્યારે ખીચડી કઢી જ બનાવી દો." દેવરાજ બોલ્યો.

દેવરાજની વાત મામીના હૃદયને સ્પર્શી ગઈ. પોતે ખરેખર ભાણાને અત્યાર સુધી સમજી ના શક્યાં એનો અફસોસ થયો.

" કહું છું મીઠો લીમડો ખલાસ છે. તમે જરા શાક માર્કેટમાં જઈને મીઠો લીમડો લઈ આવો અને ૫૦૦ ગ્રામ ફ્લાવર પણ લેતા આવજો. કાલે સવારે આપણે દૂધપાક બનાવીશું તો એની સાથે ફ્લાવર બટાકાનું શાક વધારે સારું રહેશે. આમ પણ ફ્લાવરનું શાક દેવરાજને વધારે ભાવે છે. " મામી મામાને સંબોધીને બોલ્યાં.

" અરે મામા તમે રહેવા દો. મને જ શાક માર્કેટમાં જવા દો. ઘણા સમય પછી અમદાવાદ આવ્યો છું. અહીંની હવા શ્વાસમાં લેવા દો. તમે આરામ કરો. મામી તમે મને શાક લાવવા માટે થેલી આપો. હું જરા કપડાં બદલી લઉં. " દેવરાજ બોલ્યો અને ઉભો થઈ કપડાં બદલવા માટે બેડરૂમમાં ગયો.

" કહું છું પેલાં સુમનબેનની દીકરી શીતલ સાથે દેવરાજની મીટીંગ ગોઠવવી છે ? એ અમદાવાદ આવ્યો જ છે તો પછી શીતલને એકવાર જોઈ લે. સુમનબેને ત્રણ ચાર મહિના પહેલાં જ મને વાત કરી હતી. પણ દેવરાજ મુંબઈ જતો રહ્યો હતો એટલે મેં એ વાત ઉપર ધ્યાન આપ્યું ન હતું. " મામી બોલ્યાં.

"તારી વાત સાચી છે પરંતુ હવે દેવરાજ બહુ મોટો માણસ બની ગયો છે. ભાણો જ્યારે અમદાવાદમાં હતો એ વખતની વાત જુદી હતી. અને તું જે કહે છે એ સુમનબેનનું ઘર આપણા જેવું મધ્યમ વર્ગનું છે. એમને પાછી ચાર છોકરીઓ છે. " હર્ષદમામા બોલ્યા.

" આપણે દેવરાજને વાત તો કરી જોઈએ. છોકરી મેં જોયેલી છે. મૂઈ રૂપ રૂપના અંબાર જેવી છે. દેખાવે તો દેવરાજને ગમી જ જશે. છતાં એ પૈસાદાર ઘરની છોકરી સાથે પરણવા માગતો હોય તો હું સુમનબેનને ના પાડી દઈશ." મામી બોલ્યાં.

એટલામાં દેવરાજ કપડાં બદલીને બહાર આવ્યો એટલે મામીએ એ વાત અટકાવી દીધી.

દેવરાજે જીન્સનું પેન્ટ અને લાઈટ ઓરેન્જ કલરનું ટીશર્ટ પહેર્યું હતું. મુંબઈ ગયા પછી એનું રૂપ ખીલ્યું હતું અને હેર સ્ટાઈલ બદલી હતી એટલે એ હેન્ડસમ લાગતો હતો !

હાથમાં શાકની થેલી લઈને દેવરાજ નીચે ઉતર્યો અને બાજુમાં ભરાતા શાકમાર્કેટમાં ગયો. અત્યારે અમદાવાદ એને જાણે કે બદલાયેલું લાગતું હતું. વાતાવરણમાં શિયાળાના કારણે ઠંડી હતી છતાં ઇન્દોર કરતાં ઓછી હતી.

આ બધો જ વિસ્તાર એનો જાણીતો હતો. તમામ દુકાનો એની જાણીતી હતી. સામે રહેલું કામેશ્વર મહાદેવનું મંદિર તો એને અતિ પ્રિય હતું. આ મહાદેવજીની વર્ષો સુધી એણે ભક્તિ કરી હતી.

એણે સૌથી પહેલાં આ મંદિરમાં જઈ શિવજીનાં ભાવથી દર્શન કર્યાં અને મનોમન આવતી કાલે સવારે અહીં આવી શિવલિંગ ઉપર જળ ચડાવવાનું નક્કી કર્યું. એ પછી એ શાકમાર્કેટમાં ગયો.

" અરે સાહેબ બહુ દિવસે દેખાયા ? " એક જાણીતો શાકવાળો એને જોઈને બોલી ઉઠ્યો. દેવરાજ બેંકમાં નોકરી કરે છે એવી એને ખબર હતી.

દેવરાજ જ્યારે અમદાવાદ હતો ત્યારે સાંજે બેંકમાંથી ઘરે આવ્યા પછી ઘર માટે શાકભાજી લઈ આવવાની જવાબદારી એના માથે જ હતી. બે ત્રણ શાકવાળા એને ઓળખતા હતા.

" હા કિશનભાઇ. હું હવે મુંબઈ રહું છું. હમણાં બે-ત્રણ કલાક પહેલાં જ અમદાવાદ આવ્યો. " કહીને દેવરાજે એની પાસેથી જ ૧ કિલો ફ્લાવર લઈ લીધું.

એ પછી એની બાજુની લારીમાંથી એણે આદુ લીંબુ મરચાં ધાણાભાજી અને મીઠો લીમડો પણ લઈ લીધો. એ પછી એણે આઇસ્ક્રીમની દુકાનમાંથી એક કિલોનું ફેમિલી પેક લઈ લીધું.

ઘરે પહોંચીને થેલી મામીના હાથમાં આપી દીધી. ત્યાં તો બંને બાળકો પણ ટ્યુશનમાંથી ઘરે આવી ગયાં. મોટાભાઈ ને ઘરે આવેલા જોઈને બાળકો એકદમ ખુશ થઈ ગયાં.

" અરે પણ તું આટલી ઠંડી સિઝનમાં આઈસ્ક્રીમ શું કામ લઈ આવ્યો ? " મામા બોલ્યા.

" કોઈક દિવસ ખાવામાં વાંધો નહીં મામા અને આજે તો ખુશીનો દિવસ છે. બાળકોને પણ આનંદ માણવા દો." દેવરાજ હસીને બોલ્યો.

" સારું... અત્યારે ફ્રીજમાં મૂકી દઉં છું. જમ્યા પછી રાત્રે ખાઈશું. " કહીને મામીએ આઈસ્ક્રીમને ફ્રીજમાં મૂકી દીધો.

આજે સરસ કઢી અને ખીચડી બની હતી. દેવરાજ પેટ ભરીને જમ્યો.

" મામી તમે પણ એકટીવા ચલાવવાનું શીખી જાઓ. મારું એકટીવા ઘરે પડી જ રહ્યું છે. મારે હવે એની જરૂર નથી." જમ્યા પછી રાત્રે દેવરાજ બોલ્યો.

" હું પણ એને ઘણીવાર કહું છું કે તું એકટીવા ચલાવતાં શીખી જા પણ એ માનતી જ નથી. " મામા બોલ્યા.

" મારે હવે આ ઉંમરે એકટીવા શીખવું નથી. ટ્રાફિક કેટલો બધો હોય છે ! મને ડર લાગે છે. હું નથી શીખવાની." મામી બોલ્યાં.

" ચાલો હવે આઈસ્ક્રીમ બહાર કાઢો. દશ વાગી ગયા છે. છોકરાંઓ પછી ઊંઘી જશે. " મામા બોલ્યા.

બીજા દિવસે દેવરાજ સવારે પાંચ વાગે ઉઠી ગયો અને નાહી ધોઈ એણે સાત વાગ્યા સુધીમાં ગાયત્રી મંત્રની પાંચ માળા કરી લીધી. એ પછી એ ચાલતો ચાલતો કામેશ્વર મહાદેવના મંદિરમાં ગયો અને ત્યાં રાખેલા પાણીના લોટા વડે શિવજીને અભિષેક કર્યો.

ઘરે આવ્યો ત્યારે ચા તૈયાર જ હતી. મામા મામી એની જ રાહ જોઈ રહ્યાં હતાં. મામીએ કપ રકાબીમાં બધાંને માટે ચા કાઢી અને દરેકની સામે મૂકી.

" તું તો આજે વહેલો વહેલો ઉઠી ગયો ! " મામા બોલ્યા.

" હા મામા અહીં હતો ત્યારે પણ હું તો પાંચ વાગે જ ઉઠી જતો હતો. ફરક એટલો છે કે એ વખતે હું મામીને મદદ કરતો હતો જ્યારે હવે ગાયત્રીની માળાઓ કરું છું. " દેવરાજ ચા પીતાં પીતાં બોલ્યો.

" તારામાં પણ મારા બનેવીના એટલે કે તારા પપ્પાના સંસ્કારો આવ્યા છે. એ પણ ગાયત્રી અનુષ્ઠાનો કર્યા કરતા." મામા બોલ્યા.

" મામા સાચું કહું તો તમારે પણ હવે ગાયત્રીની માળા ચાલુ કરી દેવી જોઈએ. વધારે ના ફાવે તો એક અથવા ત્રણ માળા કરો. બ્રાહ્મણના ખોળિયામાં જનમ છે અને હવે તો તમે ફ્રી પણ છો. પૈસાની પણ હવે કોઈ ચિંતા નથી. " દેવરાજ બોલ્યો.

" તારી વાત સાચી છે. આવતી પહેલી તારીખથી નોકરી છોડી દઉં પછી હું પણ ગાયત્રીની માળા ચાલુ કરી દઈશ. આમ પણ સવારમાં મારે બીજું કંઈ કામ હોતું નથી. " મામા બોલ્યા.

" આજે તો અમદાવાદમાં મિત્રોને મળી આવવાની ઈચ્છા છે. જો સમય મળશે તો રાયપુરમાં પણ એક ચક્કર મારી આવીશ. મારું બચપણ ત્યાં જ વીત્યું છે. " દેવરાજ બોલ્યો.

" રાયપુરનું નામ દીધું એટલે મને એક વાત યાદ આવી. તારા લગન માટે એક માંગુ આવ્યું છે. તારી ઉંમર પણ હવે ૨૯ ની થઈ ગઈ દેવ. તારો લગન કરવાનો સમય હવે પાકી ગયો છે. તું આવેલો જ છે તો છોકરી જોઈ લે. છોકરીવાળા રાયપુરમાં જ રહે છે. ગમે તો જ કરવાનું. અમારું કોઈ દબાણ નથી. " હર્ષદ મામા બોલ્યા.

" સાવ સાચું કહું મામા તો મારી લગન કરવાની અત્યારે કોઈ જ ઈચ્છા નથી. અને જેમણે મને દત્તક લીધો છે એ મનમોહન શેઠ બહુ જ મોટી પાર્ટી છે. મને સગા દીકરા કરતાં પણ વધારે સારી રીતે રાખે છે. એમને પૂછ્યા વગર હું લગન ના કરી શકું. " દેવરાજ બોલ્યો.

" અરે પણ લગન કરવાની કોઈ વાત જ નથી. તું આવ્યો છે તો એકવાર છોકરી ને જોઈ લે. રાયપુર જઈશ તો તારું જૂનું ઘર પણ જોઈ લેવાશે. તને જો છોકરી ગમે તો તું મુંબઈ જઈને શેઠને વાત કરજે. લગન ભલે બાર મહિના પછી થાય ! " મામા બોલ્યા.

" ઠીક છે મામા. તમે કાલે મીટીંગ ગોઠવી દેજો. આજે તો હું જમીને પછી બેંકમાં પણ જવાનો છું અને મિત્રોને મળવા પણ જવાનો છું. " દેવરાજ બોલ્યો.

જમવામાં આજે મામીએ દૂધપાક પૂરી ફ્લાવર બટાકાનું શાક દાળ ભાત અને મેથીના ગોટા પણ બનાવ્યા હતા. આજે મામીએ ભાણા માટે દિલથી રસોઈ બનાવી હતી.

જમ્યા પછી અડધી કલાક દેવરાજે આરામ કર્યો અને પછી એકટીવા લઈને એની એચડીએફસી બેન્ક જવા માટે નીકળ્યો. રિસેસનો ટાઈમ એણે પસંદ કર્યો હતો જેથી બધા સહ કાર્યકરો ફ્રી હોય !

જીન્સ ટીશર્ટ અને લેટેસ્ટ હેર સ્ટાઇલમાં દેવરાજને જોઈને બેંકના તમામ સ્ટાફ મેમ્બર્સ આશ્ચર્ય પામી ગયા. મોંઘી સિકો ઘડિયાળ, ગળામાં જાડી સોનાની ચેન અને મોંઘા પર્ફ્યુમની સુગંધ દેવરાજની પર્સનાલિટીને આકર્ષક બનાવી રહ્યાં હતાં.

" અરે દેવરાજ તું ! દોઢ વર્ષ પછી આમ અચાનક બેંકમાં ? " પંકજ એને જોઈને બોલ્યો.

" અમદાવાદ આવ્યો હતો તો તમને બધાને મળ્યા વગર થોડો પાછો જાઉં ? ખાસ તમને લોકોને મળવા માટે જ બેંક આવ્યો છું. અમુક સ્ટાફ નવો દેખાય છે." દેવરાજ બોલ્યો.

" હા આપણા જૂના બે કલિગ મિર્ઝા અને મોદીની ટ્રાન્સફર થઈ ગઈ છે. અને મેકવાન તો સસ્પેન્ડ છે. " પંકજ બોલ્યો.

" તારો તો આખો દેખાવ ફરી ગયો છે દેવરાજ ! એક લાખના પગારમાં આટલો બધો ફેરફાર !! તારી આ સિકો ઘડિયાળ પણ લાખ સવા લાખની આવે છે. " દેવરાજનો બીજો સ્ટાફ મિત્ર નિતીન બોલ્યો.

" મુંબઈનું પાણી જ એવું છે નીતિન. ભલભલા ત્યાં ગયા પછી બદલાઈ જાય છે. તમારા બધા મિત્રોની શુભેચ્છાઓથી મને કરોડોનો વારસો મળ્યો છે. મુંબઈના વાલકેશ્વર જેવા પોશ એરિયામાં મારો ફ્લેટ છે ! હવે તમે બધા ધ્યાનથી મારી વાત સાંભળો. અત્યારે કોઈએ ચા નાસ્તાના પૈસા કેન્ટીનમાં આપવાના નથી. હું ચૂકવી દઈશ. અને બીજું પરમ દિવસે રવિવારે બપોરે બાર વાગે નજીકના સાસુજી ડાઇનિંગ હોલમાં મારા તરફથી બધાને જમવાનું આમંત્રણ છે. " દેવરાજ બોલ્યો.

"અરે બધા મિત્રો સાંભળો. બધા જલ્દી અહીં આવો. આ દેવરાજની જાહેરાત સાંભળો. " પંકજ મોટેથી બોલ્યો જેથી છૂટા છવાયા ઊભેલા તમામ સ્ટાફ મેમ્બર્સ ભેગા થઈ શકે.

" અત્યારની ચા પાર્ટી દેવરાજ તરફથી છે એટલે કોઈએ એક પણ રૂપિયો કેન્ટીનમાં ચૂકવવાનો નથી અને પરમ દિવસે રવિવારે બપોરે ૧૨ વાગે દેવરાજ તરફથી સાસુજી ડાઇનિંગ હોલમાં સ્ટાફના તમામ સભ્યોને જમવાનું આમંત્રણ છે. તો સૌએ પધારવા વિનંતી. " બધા ભેગા થયા એટલે પંકજ મોટેથી બોલ્યો.

સ્ટાફના તમામ સભ્યોએ આ જાહેરાતને તાળીઓથી વધાવી લીધી.

" અરે પણ આ જમણવારનું આમંત્રણ કઈ ખુશીમાં ? શું દેવરાજનાં લગન થઈ ગયાં ? " કેશિયર મિહિર શાહ બોલ્યો.

" લગન નથી થયાં. એને પ્રમોશન મળ્યું છે. અને એની વિગતવાર જાહેરાત ડાઇનિંગ હોલમાં જ કરવામાં આવશે." નિતીન બોલ્યો.

" ઠીક છે. આપણે તો જમવાથી કામ છે. " બધા વતી મહેતા બોલ્યો.

એ પછી દેવરાજે પણ ચા પી લીધી અને કેન્ટીનના કાઉન્ટર ઉપર જઈ તમામનું બિલ ચૂકવી દીધું.

" પંકજ જ્યારે હું બેંકમાં નોકરી કરતો હતો ત્યારે હંમેશા તું મને આર્થિક મદદ કરતો હતો. મામી મને માત્ર ૩૦૦૦ રૂપિયા વાપરવા માટે આપતાં હતાં અને એ તો માત્ર ૧૫ દિવસમાં જ ખલાસ થઈ જતા હતા. દર મહિને તું મને બે-ત્રણ હજારની મદદ કરતો હતો. તને એ પૈસા પાછા આપી શક્યો નથી પરંતુ આજે એ ઋણ ચૂકવવાનો મોકો મને મળ્યો છે. એક નાનકડો ચેક તને આપું છું. તારા ખાતામાં ભરી દેજે. મારા તરફથી આ નાનકડી ગિફ્ટ છે. " કહીને દેવરાજે પંકજના હાથમાં ૫૦૦૦૦ નો ચેક આપ્યો.

" અરે અરે દેવરાજ આ શું ? મેં કંઈ પાછા લેવા માટે આપ્યા ન હતા. તારી પીડા હું સમજી શકતો હતો એટલે એક મિત્રના નાતે મદદ કરતો હતો અને એમાં મને આનંદ આવતો હતો. આટલી મોટી રકમનો ચેક હું ના લઈ શકું !!" પંકજ બોલ્યો. દેવરાજની વાત સાંભળીને એ ગળગળો થઈ ગયો.

" આ રકમ મારા માટે અત્યારે ઘણી નાની છે પંકજ. મિત્રતાની હું હંમેશા કદર કરું છું. આ તારો હક છે. હવે
હું અંદર મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર્સને પણ જરા આમંત્રણ આપી આવું. " દેવરાજ પંકજને સંબોધીને બોલ્યો અને બેંકની અંદર ગયો.

મેનેજર બદલાઈ ગયા હતા છતાં એણે ચેમ્બરમાં જઈને મેનેજરને અને બે આસિસ્ટન્ટ મેનેજરને રવિવારે બપોરે બાર વાગે જમવાનું આમંત્રણ આપી દીધું.

એ પછી દેવરાજે આરટીજીએસ નું ફોર્મ ભરી સાથે એક ચેક આપી મામાના ખાતામાં દસ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા.

દેવરાજ બેંકની બહાર નીકળ્યો ત્યારે હજુ સાડા ત્રણ વાગ્યા હતા. હવે મિત્રોને મળવાનો એનો પ્લાન હતો. અમદાવાદમાં એના અંગત મિત્રો માત્ર ત્રણ જ હતા. એમાંથી એક કાર્તિક ઓઝાને તો એણે પોતાના મુંબઈના પીજી હાઉસમાં કેન્ટીન મેનેજર તરીકે ગોઠવી દીધો હતો. બીજો આદિત્ય વશી જોબ કરતો હતો એટલે એ સાંજે છ વાગ્યા પહેલાં મળી શકે એમ ન હતો. ત્રીજો વિહાન જોષી ગાયનિક સર્જન હતો.

ટાઇમ પાસ કરવા માટે એણે વિહાનને મળવાનું નક્કી કર્યું. આમ પણ ઘણા સમયથી એ એને મળ્યો જ ન હતો. એનું ક્લિનિક પાલડી ચાર રસ્તા સિગ્નલ પાસે જ હતું.

દેવરાજે એકટીવાને પાલડી ચાર રસ્તા ઉપર લીધું અને અનિલ કુંજ કોમ્પ્લેક્સ પાસે જઈને પાર્ક કર્યું. લિફ્ટમાં એ ત્રીજા માળે પહોંચી ગયો.

" સર ચાર વાગે આવશે. હજુ ૧૫ મિનિટની વાર છે. તમારે કોને બતાવવાનું છે ?" રિસેપ્શનિસ્ટે એને પૂછ્યું.

" હું પેશન્ટ નથી. હું વિહાનનો મિત્ર છું અને એને મળવા માટે આવ્યો છું. " દેવરાજે સ્પષ્ટતા કરી.

" ઓકે. બેસો. " રિસેપ્શનિસ્ટ છોકરી બોલી.

દેવરાજ ત્યાં ગોઠવેલી એક ચેર ઉપર બેઠો. પાંચેક મિનિટ પછી બે છોકરીઓ ક્લિનિકમાં આવી. બંને સગી બહેનો હોય એવું ચહેરા ઉપરથી લાગતું હતું.

" સાહેબને મળવું છે. " મોટી બહેન બોલી.

" સાહેબ હજુ આવ્યા નથી. દસ મિનિટ પછી આવશે. પેશન્ટનું નામ ? " રિસેપ્શનિસ્ટ બોલી.

" શાલિની. શાલિની દેસાઈ." મોટી બહેન બોલી.

" ઠીક છે બેસો." રિસેપ્શનિસ્ટ બોલી.

બંને બહેનો પણ વેઇટિંગ ચેરમાં બેસી ગઈ. દેવરાજે બંને બહેનો તરફ ધારીને જોયું. બંને બહેનો ખૂબસૂરત હતી પરંતુ અત્યારે ટેન્શનમાં દેખાતી હતી !

ગુરુજીએ દેવરાજને સિદ્ધ ગાયત્રી મંત્રનો શક્તિપાત આપ્યો હોવાથી એનામાં એક વિશેષ શક્તિ આવી ગઈ હતી. એને નાની બહેનની તકલીફનો પૂરો ખ્યાલ આવી ગયો.

એ કુંવારી હતી અને એના ગર્ભાશયમાં એક મહિનાનો ગર્ભ હતો. ગર્ભપાત માટે એ ડો. વિહાન પાસે આવી હતી ! દેવરાજને પોતાને અંદરથી એવું લાગ્યું કે મંત્રશક્તિથી પોતે એનર્જી આપીને એનો આ નાનકડો ગર્ભ અંદરને અંદર ઓગાળી શકે છે !

"તમને હું કંઈ મદદ કરી શકું મેડમ ? " દેવરાજે મદદની ભાવનાથી મોટી બહેનને પૂછ્યું.

" માઈન્ડ યોર ઓન બિઝનેસ મિસ્ટર. રૂપાળી છોકરી જોઈ કે તરત જ ચાલુ થઈ ગયા ! તમે અમને શું મદદ કરવાના ? અમારે કોઈ મદદની જરૂર નથી " મોટી બહેને સહેજ ગુસ્સાથી દેવરાજને જવાબ આપ્યો. દેવરાજ બિચારો છોભીલો પડી ગયો !

પરંતુ મોટી બહેનની એ બહુ મોટી ભૂલ હતી !!
 
અશ્વિન રાવલ (અમદાવાદ)

Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

Post a Comment

Thank you so much for your feedback 😊

Previous Post Next Post
"વેબસાઈટ પર નવા વાચકો આ ખાસ વાંચો ☞ જેમને નવલકથાઓ વાંચવી ગમતી હોય એમણે આ વેબસાઈટને નીચે સુધી સ્ક્રોલ કરી 'Main Tegs' ની નીચે આપેલ કેટેગરીમાં જે તે નવલકથાના નામ પર ક્લિક કરી વાંચવાનું શરુ કરી શકો છો."