પીજી હાઉસ પ્રકરણ 33
દેવરાજ ઇન્દોરથી ત્રણ ચાર દિવસ માટે મામાને મળવા અમદાવાદ આવ્યો હતો. મામા મામીએ એનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. દેવરાજે મામાને નોકરી છોડી દેવાનું કહ્યું હતું અને મામાને હાલ પૂરતા દસ લાખ રૂપિયા આપવાની પણ વાત કરી હતી.પીજી હાઉસ નવલકથા
બીજા દિવસે દેવરાજ પોતાની બેંકમાં ગયો હતો અને મામાના ખાતામાં દસ લાખ ટ્રાન્સફર કરીને તમામ જૂના સાથીદારોને મળ્યો હતો. રવિવારે બપોરે બાર વાગે બેંકના તમામ સ્ટાફને સાસુજી ડાઇનિંગ હોલમાં જમવાનું આમંત્રણ પણ આપ્યું હતું.
એ પછી દેવરાજ પોતાના ખાસ મિત્ર ડૉ વિહાન જોષીના ક્લિનિકમાં ગયો હતો. વિહાનનું પોતાનું પાલડી ચાર રસ્તા પાસે મેટરનિટી હોમ હતું. દેવરાજ ત્યાં પહોંચ્યો ત્યારે હજુ વિહાન આવ્યો ન હતો. એ લગભગ ચાર વાગે આવતો હતો.
દેવરાજ વેઇટિંગ ચેરમાં બેઠો પછી પાંચ મિનિટમાં બે છોકરીઓ પણ આવી હતી. એ બંને સગી બહેનો હોય એમ એમના ચહેરા મળતા હતા. એકની ઉંમર ૨૭ ૨૮ જેવી લાગતી હતી તો બીજીની ૨૫ ૨૬ જેવી. બંને છોકરીઓ નાગર કન્યાઓ હોય એમ ખૂબ જ સુંદર દેખાતી હતી. બંનેના માથાના વાળ પણ ઘણા લાંબા હતા. દેવરાજ એમને જોઈ જ રહ્યો.
નાની છોકરી સામે જોઈને ગાયત્રી મંત્રના શક્તિપાતના કારણે દેવરાજ જાણી શક્યો હતો કે એ છોકરી જેનું નામ શાલિની હતું એ કુંવારી ગર્ભવતી બની ગઈ હતી અને એના ગર્ભાશયમાં માત્ર એક મહિનાનો ઘણો નાનો ગર્ભ હતો. એ ગર્ભપાત માટે આવી હતી.
દેવરાજને પોતાને અંદરથી એવું લાગ્યું કે મંત્રશક્તિથી પોતે એનર્જી આપીને એનો આ નાનકડો ગર્ભ અંદરને અંદર ઓગાળી શકે એમ છે. પરંતુ એના માટે શાલિનીની સંમતિ જોઈએ. એણે મદદ કરવા માટે એની મોટી બહેનને પૂછ્યું પરંતુ એણે તો દેવરાજનું મ્હોં તોડી લીધું.
" માઈન્ડ યોર ઓન બિઝનેસ મિસ્ટર. રૂપાળી છોકરી જોઈ કે તરત જ ચાલુ થઈ ગયા ! તમે અમને શું મદદ કરવાના ? અમારે કોઈ મદદની જરૂર નથી " મોટી બહેને સહેજ ગુસ્સાથી દેવરાજને જવાબ આપ્યો. દેવરાજ બિચારો છોભીલો પડી ગયો.
એટલામાં ડો. વિહાન એન્ટર થયો. એણે દેવરાજને બેઠેલો જોયો પરંતુ એ એને ઓળખી જ ન શક્યો અને સીધો પોતાની કેબિનમાં જતો રહ્યો. અંદર જઈ બે ત્રણ મિનિટ પછી એણે પેશન્ટ અંદર મોકલવા બઝર વગાડ્યું.
" તમે જાઓ સર." રિસેપ્શનિસ્ટ બોલી.
દેવરાજ અંદર ગયો અને વિહાનની સામેની ખુરશી ઉપર બેસી ગયો.
"ઓળખાણ પડે છે ડોક્ટર સાહેબ?" દેવરાજ બોલ્યો.
"અરે દેવરાજ !!! તારા અવાજ ઉપરથી હું તને ઓળખી ગયો. કેટલો બધો બદલાઈ ગયો છે તું !! આપણે લગભગ બે અઢી વર્ષ પછી મળીએ છીએ. તું બેંકમાં છે એટલી તો મને ખબર છે. " વિહાન બોલ્યો.
" હું અત્યારે બેંકમાં નથી. હું મુંબઈ રહું છું. દોઢ વર્ષથી ગયો છું. બે-ત્રણ દિવસ માટે અમદાવાદ આવ્યો છું તો એમ થયું કે તને મળી લઉં. " દેવરાજ બોલ્યો.
" ધેટ્સ આ ગ્રેટ ન્યુઝ ! તારો દેખાવ જોઈને જ એમ લાગે છે કે તું આપણા અમદાવાદનો નથી ! " કહીને વિહાન ખડખડાટ હસી પડ્યો.
" હા મહાદેવની કૃપાથી હું ઘણો સુખી છું. મારા એક સંબંધીનો વારસો મને મળ્યો છે અને પ્રાર્થના સમાજ રોડ ઉપર મારી પોતાની એક હોસ્ટેલ છે જે હું ચલાવું છું. વાલકેશ્વર મારો ફ્લેટ છે." દેવરાજે સંપૂર્ણ પરિચય આપી દીધો.
" નસીબદાર છે દોસ્ત. મને તો તારા વિશે આ બધી કંઈ જ ખબર નથી. હવે બોલ તું શું લઈશ ? શિયાળો છે તો ચા સારી રહેશે. " વિહાન બોલ્યો.
" હમણાં રહેવા દે. બહાર કોઈ પેશન્ટ છે એને તું પતાવી દે. મને લાગે છે કે એબોર્શનનો કેસ છે. " દેવરાજ બોલ્યો.
" હા. ખાડીયાના મારા ડોક્ટર મિત્રનો ફોન આવ્યો હતો. એના રેફરન્સથી જ આ પેશન્ટ આવેલું છે. પણ તને કેવી રીતે ખબર ? " વિહાન બોલ્યો.
" બસ એમ જ. સિક્સ્થ સેન્સ ! " દેવરાજ બોલ્યો અને ત્યાંથી ઊભો થઈ બહાર નીકળ્યો અને પાછો વેઇટિંગ ચેર ઉપર બેઠો.
રિસેપ્શનિસ્ટે બંને બહેનોને અંદર મોકલી. મોટી બહેને પર્સમાંથી ચિઠ્ઠી કાઢી વિહાનના હાથમાં આપી.
"મારી ઉપર ડોક્ટર નિશીથનો ફોન આવી ગયો છે. છેલ્લે તમારો પિરિયડ ક્યારે આવેલો ? " ડોક્ટરે પૂછ્યું.
" જી સર, ૨૫ નવેમ્બરના દિવસે. અત્યારે બીજા ૧૫ દિવસ ચડી ગયા છે. મારી આ બહેન સિવાય ઘરમાં બીજા કોઈને પણ ખબર નથી. મારા બોયફ્રેન્ડે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે." શાલિની બોલતાં બોલતાં રડવા જેવી થઈ ગઈ.
"તમે ચિંતા નહીં કરો. ચાલો હું તમને તપાસી લઉં અને સોનોગ્રાફી પણ કરી લઈએ. " ડૉ. વિહાન બોલ્યો અને શાલિનીને લઈને બાજુની કેબિનમાં ગયો. દસેક મિનિટ પછી બંને પાછાં કન્સલ્ટિંગ કેબીનમાં આવી ગયાં.
" કોઈ પ્રોસિજર કરવાની જરૂર નથી. ગર્ભ હજુ ઘણો નાનો છે એટલે હું બે ગોળી લખી આપું છું એનાથી ઓગળી જશે. " વિહાન બોલ્યો અને એણે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું.
" જુઓ આ એક નંબરની ગોળી કાલે સવારે ખાલી પેટે લઈ લેજો. અને બે નંબરની ગોળી બીજા દિવસે સવારે લઈ લેજો. બંને સાથે લેવાની નથી. અને ત્રણ ચાર દિવસ હમણાં ઘરમાં જ રહેજો કારણકે ગમે ત્યારે બ્લિડિંગ ચાલુ થઈ શકે. " ડૉ. વિહાન બોલ્યો.
એ પછી બંને બહેનો બહાર નીકળીને રિસેપ્શન કાઉન્ટર ઉપર પેમેન્ટ કરીને બહાર નીકળી ગઈ. દેવરાજ બેઠેલો હતો છતાં બંનેમાંથી કોઈએ પણ એની સામે જોયું નહીં !
બંને છોકરીઓ ગઇ પછી દેવરાજ ફરી વિહાનની કેબિનમાં ગયો અને વિહાને રિસેપ્શનિસ્ટ સાથે ઇન્ટરકોમમાં વાત કરીને બે સ્પેશ્યલ ચા મંગાવવાનું કહ્યું. રિસેપ્શનિસ્ટે બીજા સહાયક કર્મચારીને બે સ્પેશિયલ ચા લઈ આવવાનું કહ્યું.
" મને હજુ પણ સમજાતું નથી કે તને મારી પેશન્ટના એબોર્શનની ખબર કેવી રીતે પડી ! " વિહાન બોલ્યો.
" અરે ભાઈ હું કાંઈ ત્રિકાળજ્ઞાની નથી. બંનેને જોઈને મને એમ જ લાગ્યું કે નાની છોકરી પ્રેગ્નેન્ટ થઈ ગઈ છે. એમાં આટલું બધું આશ્ચર્ય પામવા જેવું નથી. હવે તારી વાત કર. તારું કેમનું ચાલે છે ? " દેવરાજ હસીને બોલ્યો.
" તારા જેવું મારું નસીબ નથી ભાઈ. મહેનત કરીને રોટલા કમાઈએ છીએ. એ જ રૂટિન રોજ ચાલ્યા કરે છે. " વિહાન બોલ્યો.
આ રીતે અડધા કલાક સુધી બંને જૂના મિત્રો વચ્ચે વાતચીત ચાલતી રહી. એ દરમિયાન ચા આવી ગઈ હતી એટલે બંનેએ પી લીધી. પછી કોઈ પેશન્ટ આવ્યું એટલે દેવરાજે રજા લીધી અને બહાર નીકળી ગયો.
સાંજના સવા પાંચ વાગ્યા હતા. હવેનો પ્રોગ્રામ આદિત્ય વશીને મળવાનો હતો. પરંતુ દેવરાજ નીચે ઉતર્યો તો અચાનક વરસાદ શરૂ થઈ ગયો હતો. સવારથી વાદળો ઘેરાયેલાં હતાં. અડધા કલાક સુધીમાં એક ઝાપટું પડી ગયું. દેવરાજ કોમ્પલેક્ષમાં જ એક જગ્યાએ ઊભો રહ્યો અને બરાબર છ વાગે આદિત્ય વશીના ઘરે જવા માટે નીકળ્યો.
" અરે દેવરાજ તું !! કેટલો બધો બદલાઈ ગયો છે ! કલ્પના જ નથી કરી શકાતી કે તું દેવરાજ જ છે." આદિત્ય બોલ્યો.
" હજુ ગઈ કાલે જ અમદાવાદ આવ્યો છું. આજે તને ખાસ મળવા માટે જ આવ્યો છું. " દેવરાજ બોલ્યો અને સોફા ઉપર બેઠો.
"તને જોઈને આનંદ થયો. મુંબઈ જઈને તારી તો જિંદગી જ બદલાઈ ગઈ. તું સાચું કહેતો હતો કે સુરત અને મુંબઈ જઈને ઘણા લોકોની જિંદગી બદલાઈ જાય છે. તું તો કોઈ ગેસ્ટ હાઉસનો મેનેજર છે ને ? " આદિત્ય બોલ્યો.
"મેનેજર નહીં આદિ.. હું માલિક છું. હું મુંબઈ ગયો ત્યારે મેં તને પૂરેપૂરી સાચી વાત કરી ન હતી. વાલકેશ્વરના એક શેઠે પોતાને સંતાન ન હોવાથી મને પુત્ર તરીકે દત્તક લીધો છે. સ્વામીજીએ તેમના ઉપર મને ચિઠ્ઠી લખી આપી હતી. સ્વામીજીના કહેવાથી જ મારી જિંદગી બદલાઈ ગઈ. અત્યારે હું કરોડોનો વારસદાર છું. મારો પોતાનો ફ્લેટ છે, ગાડી છે, નોકર ચાકરો છે અને જે ગેસ્ટ હાઉસ હતું એનું મેં સ્ટુડન્ટ્સ માટે પીજી હાઉસ બનાવી દીધું છે અને લાખોની બેઠી આવક ઊભી કરી દીધી છે." દેવરાજે વિસ્તારપૂર્વક વાત કરી.
દેવરાજની વાત સાંભળીને આદિત્ય તો અવાક જ થઈ ગયો. શું બોલવું એ જ એને સમજાયું નહીં. કોઈની જિંદગીમાં આટલું મોટું પરિવર્તન થાય એની એ કલ્પના જ કરી શકતો ન હતો.
" પરંતુ સ્વામીજી એ વખતે તારા પૂર્વ જન્મ વિશે કંઈ કહેવાના હતા ને ! " આદિત્યએ પૂછ્યું.
" એ જ તો હું કહું છું. સ્વામીજી મારો પૂર્વજન્મ જાણી ગયા હતા અને એટલે જ એમણે મને એ શેઠ ઉપર ચિઠ્ઠી લખી આપી. કદાચ મારો એ શેઠ સાથે પૂર્વ જન્મનો કોઈ સંબંધ પણ હોઈ શકે ! " દેવરાજ અર્ધસત્ય બોલ્યો.
" મને ખૂબ જ આનંદ થયો. ચાલો આજે આપણે સાથે જમીએ. બોલ સ્વાતિમાં ફરી દાળઢોકળી ખાવાની ઈચ્છા છે ?" આદિત્યએ હસીને પૂછ્યું.
" થૅન્કસ આદિ. આજે નહીં. મેં પરમ દિવસે રવિવારે સાસુજી ડાઇનિંગ હોલમાં મારા બેંકના સ્ટાફ માટે લંચ પાર્ટી રાખી છે. તારે પણ મારા ગેસ્ટ તરીકે આવવાનું છે. હું હમણાં જ આપણા પેલા વિહાનને મળીને આવ્યો છું. પરંતુ એને મેં આમંત્રણ આપ્યું નથી. તારા જેવા ગાઢ સંબંધો એની સાથે નથી " દેવરાજ બોલ્યો.
" હમ્... આમ પણ એ અતડો છે. કોઈ દિવસ ફોન પણ નથી કરતો. " આદિત્ય બોલ્યો.
" અચ્છા હવે મારે તારા પપ્પાનું થોડું કામ હતું. એ ઘરમાં છે ? " દેવરાજ બોલ્યો.
" હા ઘરે જ છે. એમનું શું કામ હતું ?" આદિત્યએ પૂછ્યું.
" મારે પાવર ઓફ એટર્ની બનાવવી છે. રાયપુરમાં મારું જે મકાન છે એને વેચવાની પાવર ઓફ એટર્ની હું મારા મામાને આપવા માગું છું. મારે એ મકાનના પૈસાની કોઈ જરૂર નથી. મારી પાસે કરોડો રૂપિયા છે. મામાની લાઇફ બની જશે. " દેવરાજ બોલ્યો.
" તારામાં આટલી બધી ઉદારતા અને ખાનદાની છે એટલા માટે જ ઈશ્વરે તને આટલી સંપત્તિ આપી છે !! " આદિત્ય બોલ્યો.
એ પછી આદિત્ય દેવરાજને એના પપ્પા ઈશ્વરલાલ વશી પાસે એમના રૂમમાં લઈ ગયો. વશી સાહેબ હાઇકોર્ટના એડવોકેટ હતા.
" પપ્પા આ દેવરાજ આવ્યો છે એને થોડું તમારું કામ છે." આદિત્ય બોલ્યો.
" હા બોલ દેવરાજ. મને લાગે છે કે પહેલાં પણ તું મને મળેલો છે. " વશી સાહેબ બોલ્યા.
" જી અંકલ. મારે મારું જે રાયપુરમાં મકાન છે એને વેચવાના અને એના જે પણ પૈસા આવે તે લેવાના તમામ હક્કો મારા હર્ષદ મામાને આપવા છે અને એના માટે પાવર ઓફ એટર્ની બનાવવી છે. " દેવરાજ બોલ્યો.
" એના માટે મારે તારી પ્રોપર્ટીનાં તમામ ડોક્યુમેન્ટ્સ જોઈશે. અત્યારે એ પ્રોપર્ટી તારા નામે છે ? " વશી સાહેબ બોલ્યા.
"જી અંકલ મારા નામે જ છે. " દેવરાજ બોલ્યો.
" મને બધા પેપર્સ પહોંચાડી દે. તારા મામાનું પણ નામ અને એડ્રેસ મને લખી દેજે. હું પાવર ઓફ એટર્ની તૈયાર કરી દઈશ. તમારે બન્નેએ એમાં સહી કરી દેવાની. એ પછી હું તને એક નોટરીનું નામ આપીશ એની પાસે તું જઈ આવજે એટલે તારું કામ પૂરું." વશી સાહેબ બોલ્યા.
આટલી ચર્ચા કર્યા પછી દેવરાજ થોડો ફ્રી થઈ ગયો અને પોણા સાત વાગી ગયા હોવાથી આદિત્યને ફરી જમવાનું આમંત્રણ રીપીટ કરીને ઘરે જવા માટે નીકળી ગયો.
ઘરે પહોંચ્યો ત્યારે મામા આવી ગયા હતા. એણે પાવર ઓફ એટર્ની ની વાત કરી અને મકાનના તમામ દસ્તાવેજો કાઢી રાખવાની પણ સૂચના આપી.
" મામા મારા મકાનના જે પણ પેપર્સ છે તે તમે સવારે મને આપી દેજો એટલે હું વશી સાહેબને પહોંચાડી દઈશ. એ તમારા નામે પાવર ઓફ એટર્ની કરી દેશે એટલે પછી નોટરી પાસે નોટરાઈઝ કરાવી દઈશું. હું અહીં છું ત્યાં સુધીમાં આ કામ પતી જાય એવી મારી ઈચ્છા છે. " દેવરાજ બોલ્યો.
" કાલે સવારે જ બેંકના લોકરમાંથી હું એ ફાઈલ લઈ આવીશ. પણ તારે ૧૦ લાખ રૂપિયા મારા ખાતામાં ટ્રાન્સફર કરવાની એવી તો શું ઉતાવળ હતી ?" મામીની હાજરીમાં જ હર્ષદમામા બોલ્યા.
" મામા જે કામ કરવાનું છે એ કરી જ દેવાનું. હું કોઈપણ કામ પેન્ડિંગ રાખતો નથી. બેંકમાં નોકરી કરતો હતો ત્યારે જેના પૈસા મેં ઉધાર લીધા હતા એ પણ આજે ચૂકવી દીધા. " દેવરાજ બોલ્યો.
" તારો આખો સ્વભાવ મારા બનેવી ઉપર ગયો છે. એ પણ તારા જેવા જ હતા." મામા દેવરાજના પપ્પાને યાદ કરીને બોલ્યા.
" મામા પરમ દિવસે રવિવારે સાસુજી ડાઇનિંગ હોલમાં મેં મારા બેંકના સ્ટાફ માટે પાર્ટી રાખી છે. એટલે રવિવારનો મારો જમવાનો કોઈ પ્રોગ્રામ બનાવતા નહીં. " દેવરાજ બોલ્યો.
" એ કામ તેં સારું કર્યું. ઈશ્વરે તારા ઉપર આટલી બધી કૃપા કરી છે તો મિત્રોને આવી પાર્ટી આપે એમાં કંઈ ખોટું નથી." મામાએ દેવરાજની વાતને સમર્થન આપ્યું.
" દેવરાજ આવતીકાલે શનિવારે સાંજે કન્યા જોવા જવાનું છે. તેં હા પાડી પછી સુમનબેન સાથે તારા મામાએ આજે વાત કરી લીધી છે અને કાલે સાંજે છ વાગ્યા પછી આપણે બધાએ જવાનું છે. એટલે આવતીકાલ સાંજનો બીજો કોઈ પ્રોગ્રામ તું ના બનાવતો. " નલિની મામી બોલ્યાં.
" હા દેવ ... મારે આજે વાત થઈ ગઈ છે. એ લોકોએ તો ત્રણ ચાર મહિના પહેલાં જ કહેવડાવ્યું હતું. પરંતુ તારું અહીં આવવાનું કંઈ નક્કી જ ન હતું એટલે પછી અમે કોઈ જવાબ આપ્યો ન હતો. અને તારે કોઈ માનસિક દબાણ લાવવાની જરૂર નથી. તને પોતાને પસંદ હોય તો જ કરવાનું છે. છોકરી ખૂબ સંસ્કારી અને દેખાવડી છે. " મામા બોલ્યા.
" ઠીક છે મામા. કાલે તો મારો આમ પણ કોઈ પ્રોગ્રામ નથી. સવારે વશી સાહેબને પ્રોપર્ટીના પેપર્સ પહોંચાડવાના છે. મને લાગે છે કે સોમવાર સુધી મારે અહીં જ રોકાવું પડશે. બધું કામ પતાવીને પછી જ હું મુંબઈ જઈશ. " દેવરાજ બોલ્યો.
એ પછી મામી કિચનમાં ગયાં એટલે દેવરાજે મુંબઈ પીજી હાઉસમાં જયરાજ અંકલ સાથે અને મનમોહન શેઠ સાથે વાત કરી લીધી. શેઠને એ પણ કહી દીધું કે લગભગ મંગળવારે એ મુંબઈ આવશે.
આઠ વાગે મામીએ બધાંને જમવા માટે બૂમ પાડી. આજે જમવામાં ભાખરી, ભીંડાનું શાક, ખીચડી અને દૂધ હતું.
જમ્યા પછી એકાદ કલાક દેવરાજ નીચે અંકુર સર્કલ ઉપર આંટો મારી આવ્યો.
શનિવારનો દિવસ આવી ગયો. આજે પણ મામીએ દેવરાજ માટે ખાસ પૂરણપોળી બનાવી. દસ લાખ જેવી મોટી રકમ ટ્રાન્સફર કરી હોવાથી અને પ્રોપર્ટીના તમામ હક્ક પણ હર્ષદમામાને દેવરાજ આપતો હોવાથી એ ભાણા ઉપર ઓળઘોળ થઈ ગયાં હતાં.
સવારે સાડા દસ વાગે મામા બેંકમાં જઈને લોકરમાંથી રાયપુરની પોળના જૂના મકાનના તમામ પેપર્સ લઈ આવ્યા અને દેવરાજને ફાઈલ આપી. દેવરાજ એ ફાઈલ વશી સાહેબને આપી આવ્યો.
એ પછી બપોરે દેવરાજ તિબેટીયન માર્કેટમાંથી મામા માટે મોંઘુ જેકેટ, મામી માટે સરસ લેડીઝ સ્વેટર અને બંને બાળકો માટે ભારે કવોલિટીનાં સ્વેટર્સ ખરીદી લાવ્યો. દેવરાજની પસંદગી જોઈને આખો પરિવાર ખુશ ખુશ થઈ ગયો. કોને કયો કલર શોભશે એની દેવરાજ પાસે ખાસ દૃષ્ટિ હતી !
સાંજે છ વાગે રાયપુર હજીરાની પોળમાં જવા માટે આખો પરિવાર તૈયાર થઈ ગયો. પૈસાનો નશો જ આખો અલગ હોય છે. હવે તો લાખોપતિ બની ગયાં હોવાથી મામી કોઈના લગનમાં જતાં હોય એ રીતે ભારે સાડી પહેરીને તૈયાર થઈ ગયાં હતાં.
દેવરાજે જીન્સ અને લાઈટ બ્લુ કલરનું ટીશર્ટ પહેર્યું હતું. કસરતી શરીર અને ગોરો વાન હોવાથી બ્લુ ટીશર્ટ એને ખુબ સરસ શોભતું હતું. ગળામાં સોનાની ભારે ચેન, મોંઘી સિકો ઘડિયાળ અને આકર્ષક પર્ફ્યુમ છાંટીને દેવરાજ કોઈ કરોડપતિ નબીરો લાગી રહ્યો હતો !
બંને એકટીવા ઉપર બધાં ગોઠવાઈ ગયાં. સાંજનો ટ્રાફિક હોવાથી રાયપુર હજીરાની પોળમાં સુમનબેન દેસાઈના ઘર સુધી પહોંચવામાં પોણા સાત વાગી ગયા !
હર્ષદમામાએ સુમનબેનના ઘરની જાળી ખખડાવી. કાન્તિલાલે જ દરવાજો ખોલ્યો. પરંતુ ખરો ખેલ તો હવે અંદર થવાનો હતો !!
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

