પીજી હાઉસ પ્રકરણ 34
રાયપુર હજીરાની પોળમાં વર્ષોથી રહેતા કાન્તિલાલ દેસાઈ નાગર બ્રાહ્મણ હતા અને એમનો ગાંધી રોડ ઉપર ઈલેક્ટ્રીક સ્ટોર હતો. કાન્તિલાલ ખાધે પીધે સુખી હતા છતાં મર્યાદિત આવક અને ચાર ચાર દીકરીઓના કારણે એ પૈસે ટકે હંમેશાં ખેંચમાં રહેતા. એમનાં પત્ની સુમનબેન કરકસરથી ઘર ચલાવતાં હતાં.પીજી હાઉસ નવલકથા
દેખાવમાં અતિ સુંદર એવી મોટી દીકરી શીતલે એમ.બી.એ ફાઇનાન્સ કર્યું હતું અને કાન્તિલાલે પોતાની ઓળખાણથી રીલીફ રોડ ઉપર એક સી.એની ફર્મમાં એને નોકરી અપાવી હતી અને ૧૫૦૦૦ પગાર મળતો હતો.
બીજી એવી જ દેખાવડી પુત્રી શાલિની અભ્યાસમાં ખાસ હોશિયાર ન હતી. અને એણે ફેશન ડિઝાઇનિંગનો કોર્સ કર્યો હતો. એ નવરંગપુરા સી.જી રોડ ઉપર એક જાણીતા બ્યુટિકમાં જોબ કરતી હતી. ત્રીજી દીકરી મોના એમએસસી કરી રહી હતી તો સૌથી નાની દેવાંશી બારમામાં ભણતી હતી.
બીજી દીકરી શાલિની સ્વભાવે થોડીક ચંચળ હતી અને થોડી ભોળી પણ હતી. નજીકની જ પોળમાં રહેતા એક છેલબટાઉ યુવાન કિરણ જોડે એની આંખ મળી ગઈ હતી. કિરણ થોડા પૈસાદાર કહી શકાય એવા ઘરનો નબીરો હતો અને રિલીફ રોડ ઉપર એનો મોબાઈલ સ્ટોર હતો. બંનેને એકબીજાનું આકર્ષણ હતું.
કિરણ શાલિનીના જન્મદિવસે એને હોટલમાં જમવા લઈ ગયો હતો અને નવો મોબાઈલ ગિફ્ટ આપ્યો હતો. એ દિવસે એણે શાલિનીને લગ્નનું વચન પણ આપ્યું હતું. એ પછી શાલિની કિરણની ઘણી નજીક આવી ગઈ હતી. કિરણ એની જોડે મીઠી મીઠી વાતો કરતો હતો અને નાની મોટી ભેટ સોગાદો પણ આપતો રહેતો હતો.
છેવટે બંને વચ્ચે સંબંધ વધતો ગયો અને બંને ખાનગીમાં મળતાં રહ્યાં. બે વાર એ લોકો પાલડીની એક હોટલમાં પણ આખો દિવસ રોકાયેલાં. પુરુષ અને સ્ત્રીનો શારીરિક સંબંધ ક્યારેક તરત પરિણામ આપતો હોય છે. બીજી વારના સંબંધ પછી શાલિની પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી.
જેવી એને ખબર પડી કે તરત જ એ કિરણને મળવા માટે ગઈ હતી અને બંને રિલીફ સિનેમાની સામે આવેલી એમની કાયમી મુલાકાતની રેસ્ટોરન્ટમાં ભેગાં થયાં હતાં.
" શાલુ તું આટલી બધી ચિંતા ખોટી કરે છે. આ કંઈ ચિંતા કરવા જેવી વાત જ નથી. આપણે આધુનિક જમાનામાં જીવીએ છીએ. લાઈફ એન્જોય કરવા માટે જ છે ડાર્લિંગ. આપણે લગ્ન કર્યાં નથી ત્યાં સુધી બાળકને જન્મ ના આપી શકાય. તું એબોર્શન કરાવી દે. પૈસાની તું ચિંતા ના કરીશ." કિરણ બોલ્યો.
"તમે મને લગ્નનું વચન આપ્યું હતું એ પછી જ હું આગળ વધી હતી. માત્ર મોજ મજા કરવા માટે નહીં. હું કોઈ આવારા છોકરી નથી. હું આડા સંબંધોમાં માનતી જ નથી. તમારે જવાબદારી નિભાવવી પડે કિરણ. હજુ મોડું થયું નથી. તમે તમારા ઘરે અત્યારે પણ વાત કરી શકો છો. " શાલિની બોલી.
" અરે શાલુ તું કેવી વાત કરે છે ? મેં લગ્ન કરવાની ના પાડી જ નથી. પણ આ રીતે એમ અચાનક લગ્ન ના કરાય. હું પ્રેગ્નન્સીની વાત કરું તો ઉપરથી તને મારા ઘરવાળા ચાલુ છોકરી સમજી લેશે. મારે વ્યવસ્થિત રીતે તારો પરિચય કરાવવાનો છે અને પછી લગ્ન કરવાનાં છે. અત્યારે તો એબોર્શન સિવાય બીજું કોઈ સોલ્યુશન નથી. " કિરણ બોલ્યો.
"તમે તો હાથ જ ખંખેરી દીધા. સહન કરવાનું મારે આવ્યું. તમારી પાસેથી આવી અપેક્ષા મેં રાખી ન હતી. જો તમારી ઈચ્છા મારી સાથે લગ્ન કરવાની હોત તો તમે અત્યાર સુધીમાં તમારા ઘરે મારો પરિચય કરાવી દીધો જ હોત. હવે મને તમારી કોઈ જ વાત ઉપર વિશ્વાસ નથી. ભૂલ મારી છે કે મેં તમારી વાત ઉપર આંધળો વિશ્વાસ મૂક્યો. " કહીને શાલિની ઉભી થઈ ગઈ અને રડમસ ચહેરે બહાર નીકળી ગઈ.
ઘરે જઈને એણે રાત્રે પોતાની મોટી બહેન શીતલને રડતાં રડતાં બધી વાત કરી. પોળના મકાનમાં શીતલ અને શાલિની બંને રાત્રે મેડી ઉપર સૂતી હતી. નાની બે બહેનો મમ્મી પપ્પા સાથે નીચે સૂતી હતી.
"અરે પણ તારે એ કિરણ સાથે આટલા બધા આગળ વધવાની શું જરૂર હતી ? તારે કમ સે કમ મને તો વાત કરવી હતી ! હું તો એ લબાડને બહુ સારી રીતે ઓળખું છું. સ્કૂલમાં અમે બંને સાથે જ ભણતાં હતાં. એ પહેલેથી જ આવારા ટાઈપનો છે. એ વળી તારી સાથે લગન કરતો હશે ? તેં બહુ ખોટું પગલું ભર્યું શાલુ. " શીતલ બોલી.
" હું એને ઓળખી ના શકી દીદી. હવે એ ગર્ભ પડાવી નાખવાનું કહે છે. શું કરીશું ? મને તો બહુ ડર લાગે છે. ઘરમાં બધાને ખબર પડી જશે તો ? " શાલિની બોલી.
" કોઈને પણ ખબર નહીં પડે. તું ચિંતા ના કર. કાલે આપણા ખાડીયાના ફેમિલી ડોકટર નિશિથભાઈ પાસે આપણે જઈશું. એ કોઈ ગાયનેક ડોક્ટર ઉપર ચિઠ્ઠી લખી આપશે. કારણ કે આપણે બીજા કોઈ ડોક્ટરને જાણતા નથી. અને અજાણ્યો ડોક્ટર આવો કેસ હાથમાં લે પણ નહીં." શીતલ બોલી.
અને બીજા દિવસે શીતલ ઓફિસમાંથી રજા લઈને શાલિની સાથે ડૉ. નિશિથ પાસે ગઈ અને બધી વાત કરી. નિશિથ વિશ્વાસુ ડોક્ટર હતો.
" તમે લોકો ચિંતા નહીં કરો. સમયસર આવી ગયાં છો તો કોઈ તકલીફ નહીં પડે. હું મારા મિત્ર ઉપર એક ચિઠ્ઠી લખી આપું છું. પાલડી ચાર રસ્તા પાસે ડૉ. વિહાન જોષી પાસે જાઓ. એ સાંજે ચાર વાગ્યા પછી મળશે. " ડૉ. નિશિથ બોલ્યો.
અને બંને બહેનો સાંજે ચાર વાગે વિહાન જોષીના ક્લિનિક ઉપર પહોંચી ગઈ હતી. એ વખતે દેવરાજ ત્યાં જ બેઠેલો હતો.
દેવરાજ પોતાના ગુરુજીએ આપેલી શક્તિપાતની સિદ્ધિથી જાણી શક્યો હતો કે બાજુમાં બેઠેલી નાની બહેનના ગર્ભાશયમાં એક માસનો ગર્ભ છે. એને અંદરથી લાગ્યું કે પોતે એનર્જી આપીને એ ગર્ભને અંદરને અંદર ઓગાળી શકે એમ છે એટલે એણે શાલિનીને મદદ કરવા માટે શીતલને વાત કરી. એનર્જી આપતાં પહેલાં સંમતિ લેવી જરૂરી હતી. પરંતુ શીતલે એની વાત સાંભળ્યા વિના એનું બહુ ખરાબ રીતે અપમાન કરીને મ્હોં તોડી લીધું.
શીતલને એ વખતે કલ્પના પણ ન હતી કે આ જ યુવાન બીજા દિવસે એને જોવા આવવાનો છે !
***********************
સાંજે પોણા સાત વાગે દેવરાજનો પરિવાર કાન્તિલાલ દેસાઈના ઘરે પહોંચી ગયો. દરવાજાની જાળી અંદરથી બંધ હતી. હર્ષદમામા એ જાળી ખખડાવી.
કાન્તિલાલે જાતે આવીને જાળીની સ્ટોપર ખોલી નાખી અને દેવરાજના પરિવારનું પ્રેમથી સ્વાગત કર્યું. દેવરાજ લોકો આગળના મોટા રૂમમાં સોફા ઉપર બેસી ગયા.
ભત્રીજી માટે છોકરો જોવાનો હોવાથી કાન્તિલાલનાં માંડવીની પોળમાં રહેતાં મોટાં બહેન કોકીલાબેન પણ અહીં આવી ગયાં હતાં તો કાન્તિલાલના નાના ભાઈ પરેશભાઈ અને એમની પત્ની પણ ત્યાં હાજર હતાં. આખું ઘર મહેમાનોથી ભરાઈ ગયું હતું.
દેવરાજની રાજકુમાર જેવી પર્સનાલિટી જોઈને બધાની આંખો ચાર થઈ ગઈ. છોકરો તો સરસ શોધ્યો છે ! જો બંને એકબીજાને પસંદ કરે તો જોડી શોભે એવી છે.
" તમે ગઈકાલે ફોન કરી દીધો એ સારું કર્યું. તમે અમારું માન રાખીને શીતલને જોવા માટે પધાર્યા એ અમને ગમ્યું. " સુમનબેન હર્ષદમામાને સંબોધીને બોલ્યાં.
" હા કારણકે દેવરાજ ત્રણ-ચાર દિવસ માટે જ અમદાવાદ આવ્યો છે. એ હવે કાયમ માટે મુંબઈ સેટ થઈ ગયો છે. ફરી ક્યારે આવે એ નક્કી નહીં એટલે પછી આજે જ તમારા ઘરે આવવાનું નક્કી કર્યું. " મામા બોલ્યા.
" બહુ સારું કર્યું. દીકરીઓ મોટી થાય એટલે મા બાપની ચિંતા વધે. આજકાલ કરતાં અમારી શીતલ ૨૭ વર્ષની થઈ. તમારું ઘર તો અમારું વર્ષોથી જાણીતું છે." કાન્તિલાલ બોલ્યા.
" દેવરાજ શું કરે છે અત્યારે ? " સુમનબેને પૂછ્યું.
" દેવરાજ મુંબઈમાં બહુ સારી પોસ્ટ ઉપર છે અને મહિને પાંચ લાખ જેટલો પગાર છે. " હર્ષદમામા બોલ્યા.
કોઈ શેઠે દેવરાજને દત્તક લીધો છે અને હવે એ કરોડો રૂપિયાનો માલિક છે એવી વાત આ રીતે જાહેરમાં કરવી એમને યોગ્ય ન લાગ્યું.
દેવરાજનો પગાર સાંભળીને ત્યાં બેઠેલા બધા એકબીજાની સામે જોવા લાગ્યા. કોઈને કલ્પના પણ ન હતી કે દેવરાજનો આટલો બધો પગાર હોઈ શકે ! અરે ખુદ સુમનબેન કે કાન્તિલાલ પણ નહોતા જાણતા.
" એ બેંકમાં નોકરી કરે છે એટલું અમે સાંભળ્યું હતું. તમારી આ માહિતી તો અમારા માટે પણ નવી છે. " કાન્તિલાલ બોલ્યા.
" છેલ્લા દોઢ વર્ષથી એ મુંબઈ જ રહે છે. વાલકેશ્વરમાં ફ્લેટ છે. પોતાની ગાડી છે. રસોઈયો છે. નોકર ચાકરો છે. " હર્ષદ મામા બોલ્યા.
જો દેવરાજ સાથે શીતલનું ગોઠવાઈ જાય તો એનું કિસ્મત જ બદલાઈ જાય. અમદાવાદમાં તો આવો બીજો કોઈ જમાઈ મળે નહીં ! - કાન્તિલાલ વિચારી રહ્યા.
" અમારી શીતલે પણ એમ.બી.એ ફાઇનાન્સ કરેલું છે. કામકાજમાં પણ બધી રીતે હોંશિયાર છે. " કાન્તિલાલ બોલ્યા.
" બંને એકબીજાને પસંદ કરે તો આ બધી બાબતો તો ગૌણ છે કાન્તિભાઈ. તમારી દીકરીએ સાસરે જઈને કોઈ નોકરી કરવાની નથી. અને અમારે પણ કંકુ અને કન્યા જોઈએ છે. લેવડ દેવડની કોઈ વાત અમે કરવાના નથી." હર્ષદમામા બોલ્યા.
આ બધી વાત સાંભળીને કાન્તિલાલ અને સુમનબેન પણ મનોમન ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યાં કે કાશ દેવરાજ અને શીતલનું ચોકઠું ગોઠવાઈ જાય !
" તમારા વિચારો મને ખરેખર ગમ્યા હર્ષદભાઈ. ભગવાન કરે બંને એકબીજાને પસંદ કરે તો સોનામાં સુગંધ ભળે. ચાર ચાર દીકરીઓના બાપને કેટલી ચિંતા હોય એ તમે સમજી શકો છો. શીતલ કરતાં નાની બે દીકરીઓ પણ પરણવા લાયક થઈ છે. " કાન્તિલાલ બોલ્યા.
" તમે કોઈ જાતની ચિંતા નહીં કરો વડીલ. મામા મને અહીં લઈ આવ્યા છે તો પછી મારે પસંદગી નાપસંદગી જેવું કંઈ છે જ નહીં. જો જન્માક્ષર મળતા હશે અને શીતલની તૈયારી મુંબઈ આવવાની હશે તો મને કોઈ જ વાંધો નથી." દેવરાજ બોલ્યો.
"જન્માક્ષર તો મળી જ જવાના છે ભાઈ ! અને થોડું ઘણું ૧૯ ૨૦ હોય તો ચલાવી લેવાનું. દીવો લઈને શોધવા જાવ તો પણ આવી કન્યા ના મળે." અત્યાર સુધી ચૂપ બેઠેલાં કોકિલાબેન બોલ્યાં.
સુમનબેનને પોતાની નણંદનું આ રીતે વચ્ચે ટપકી પડવું યોગ્ય ન લાગ્યું. દેવરાજને ખોટું લાગે એ પહેલાં એમણે તરત જ વાતને વાળી લીધી.
" ના ના. જન્માક્ષર મળે તો જ કરવાનું. આખી જિંદગીનો સવાલ છે. ગ્રહો ના મળતા હોય તો પછી બંને વચ્ચે મનમેળ કેવી રીતે રહે ?" સુમનબેન બોલ્યાં.
જો કે દેવરાજે જે રીતે વાત કરી અને મામાનું ગૌરવ વધાર્યું એનાથી મામા અને મામી દેવરાજ ઉપર ખૂબ જ ખુશ હતાં. કરોડોપતિ બની ગયો છે છતાં પણ ભાણો મામા મામીની આમન્યા જાળવે છે !
" ચાલો હવે શીતલને નીચે બોલાવો. એને કહો બધાને નાસ્તો આપે" કાન્તિલાલ બોલ્યા. ચારે ચાર બહેનો અત્યારે મેડી ઉપર હતી.
" અરે દેવાંશી તમે લોકો બધાં શીતલને લઈને નીચે આવો હવે." સુમનબેને નીચેથી બૂમ પાડી.
બે પાંચ મિનિટ પછી તૈયાર થયેલી શીતલ ધીમે ધીમે સીડી ઉપરથી નીચે ઉતરી અને સીધી કિચનમાં ગઈ. એની પાછળ ત્રણેય બેનો નીચે ઉતરી.
થોડીવારમાં જ હાથમાં ટ્રે લઈને શીતલ બહાર આવી. એકદમ ગોરું શરીર. કમર સુધીના લાંબા છુટ્ટા વાળ. બોટલ ગ્રીન કલરની સાડી અને યલો બ્લાઉઝ. બેહદ ખૂબસૂરત લાગી રહી હતી શીતલ !
ટ્રે ટેબલ ઉપર મૂકીને એણે નવતાડના નાના સમોસાની ડીશ દરેક મહેમાનના હાથમાં આપી. હજુ સુધી એની નજર દેવરાજ ઉપર પડી ન હતી. એ નીચી નજર નાખીને જ ડીશ આપી રહી હતી. દેવરાજ ના હાથમાં ડીશ આપતાં જ અનાયાસે એની નજર દેવરાજના ચહેરા ઉપર પડી અને એના હોશ ઉડી ગયા. દેવરાજ પણ એને ઓળખી ગયો !
અરે આ હેન્ડસમ યુવાન તો ગઈકાલે પાલડીના ક્લિનિકમાં બેઠેલો પેલો યુવાન જ છે !! પોતે એનું કેવું અપમાન કરી દીધું હતું !!!
" માઈન્ડ યોર ઓન બિઝનેસ મિસ્ટર ! રૂપાળી છોકરી જોઈ કે તરત ચાલુ થઈ ગયા ! તમે અમને શું મદદ કરવાના ? અમારે કોઈ મદદની જરૂર નથી." એવું એણે દેવરાજને મ્હોં ઉપર સંભળાવી દીધું હતું.
શીતલ પોતાના ગઈકાલના વર્તન બદલ અત્યારે ઘણી છોભીલી પડી ગઈ હતી. દેવરાજે તો વિવેકથી જ મદદની ઓફર કરી હતી પરંતુ એની વાત સાંભળ્યા વિના પોતે ખૂબ જ ગુસ્સાથી એનું અપમાન કરી નાખ્યું હતું ! એ કઈ જાતની મદદ કરવા માગતા હતા એ પણ પૂછ્યું નહીં અને આટલો બધો ગુસ્સો કર્યો !!
હવે !!! માંડ માંડ ગોઠવાતું ચોકઠું પોતાની આ નાદાનિયતના કારણે તૂટી જશે.
" બેટા ઊભી શું રહી છે ? બંને બાળકોને તો ડીશ આપ ! " કાન્તિલાલ બોલ્યા.
શીતલ પપ્પાના શબ્દો સાંભળીને એકદમ વિચારોમાંથી બહાર આવી અને બંને બાળકોને પણ એક એક ડીશ આપી. એ પછી પોતે સામેના સોફા ઉપર બેસી ગઈ. ઉંચે નજર કરવાની પણ એની હિંમત ન હતી !
" બેટા દેવરાજકુમાર મુંબઈ રહે છે. બે દિવસ પહેલાં જ અહીં આવ્યા છે. મહિને પાંચ લાખનો પગાર છે. ત્યાં વાલકેશ્વર જેવા પોશ એરિયામાં એમનો ફ્લેટ છે. ઘરે નોકર ચાકર છે. રસોઈયો છે. ગાડી છે. ખૂબ જ સાલસ અને સંસ્કારી સ્વભાવના છે." કાન્તિલાલ બોલ્યા.
આ બધું સાંભળીને તો શીતલને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. આટલી બધી જાહોજલાલી ધરાવતા આ હેન્ડસમ યુવાનનું પોતે કેવું અપમાન કરી નાખ્યું હતું ! કિસ્મતમાં સામેથી આવેલું આટલું સારું પાત્ર પોતે ગુમાવી દેવું પડશે. પપ્પાની ચિંતા દૂર કરવાની એક તક મળી રહી હતી એ પણ આજે હાથમાંથી જતી રહેશે. બધાંની વચ્ચે કેવી રીતે માફી માગું એમની !!!
" શાલિની તું હવે ચા લઈને આવી જા બેટા. " સુમનબેન બોલ્યાં.
બે ત્રણ મિનિટમાં જ શાલિની ટ્રે માં ચાના કપ લઈને આવી અને મહેમાનોની આગળ મૂક્યા. એણે પણ પોતાના ભાવિ જીજુ સામે જોયું અને એ ચમકી ગઈ ! હે ભગવાન ગઈકાલે દીદીથી આ કેવો અનર્થ થઈ ગયો !! આટલા સુંદર અને લાખોપતિ યુવાનનું દીદીએ કાલે કેવું અપમાન કર્યું હતું !!
એણે દીદી સામે જોયું પરંતુ એ તો કોઈની પણ સામે નજર મિલાવી શકતી ન હતી. કોઈપણ યુવાન આવી તોરીલી અને ગુસ્સાવાળી છોકરી સાથે કેવી રીતે લગ્ન કરે ! નક્કી આ સંબંધ હવે આગળ નહીં જ વધે અને પોતે માબાપની ચિંતા ઓછી નહીં કરી શકે.
" દેવરાજ તમારે એકાંતમાં એકબીજાનો પરિચય કેળવવો હોય તો શીતલ સાથે મેડી ઉપર જઈને બેસી શકો છો. " ચા નાસ્તો પતી ગયા પછી કાન્તિલાલ બોલ્યા.
" ના વડીલ. બસ અમે હવે રજા લઈએ. શીતલને જોયા પછી મને વાતચીત કરવાની કોઈ જરૂર નથી લાગતી. એનો ચહેરો જોઈને જ એના વિચારો અને સંસ્કારનો ખ્યાલ આવી જાય છે. મામા તમને ફોન કરી દેશે. " દેવરાજ બોલ્યો.
એના શબ્દો શીતલના હૃદયમાં ઘા કરી ગયા. હકીકતમાં શીતલ અભિમાની કે ગુસ્સાવાળી હતી જ નહીં. ગઈ કાલે પોતે શાલિનીના ટેન્શનમાં હતી અને અચાનક દેવરાજે મદદની વાત કરી એટલે એને થોડો ગુસ્સો આવી ગયો. કિરણ ઉપરનો ગુસ્સો દેવરાજ ઉપર નીકળી ગયો. પરંતુ એ ગુસ્સાની બહુ જ મોટી સજા એને મળી રહી હતી !
સામાન્ય સંજોગો હોત તો શીતલે ગઈ કાલના પોતાના વર્તન બદલ જાહેરમાં માફી માગી હોત. પરંતુ જે સંજોગોમાં અને જે સ્થળે મુલાકાત થઈ હતી એ જોતાં જાહેરમાં વાત થાય એવી ન હતી નહીં તો શાલિનીની પ્રેગ્નન્સીની વાત ખુલ્લી પડી જાય !
કમ સે કમ પાંચ મિનિટ મને એકાંતમાં મળવું તો હતું ! તો હું બે હાથ જોડીને તમારી માફી માગી લેત. મારા મમ્મી પપ્પાને ખાતર હું તમને પગે પડવા પણ તૈયાર હતી ! - શીતલ મનોમન જાણે કે દેવરાજને વિનંતી કરી રહી હતી !!
" પરંતુ તમને શીતલ પસંદ આવી કે નહીં એ તો કહેતા જાઓ. પાંચ દસ મિનિટ એને રૂબરૂ મળ્યા હોત તો સારું હતું. " હવે કાન્તિલાલના નાના ભાઈ પરેશભાઈ બોલ્યા.
" શીતલ બધાને પસંદ આવે એવી છે અંકલ. એટલે એ તો પ્રશ્ન જ નથી. લગ્ન માટે હા પાડવા માટે કુંડળી પણ મેળવવી પડશે ને ! મામાને તમે એની કુંડળી આપો. મામા તમને નિર્ણય આપી દેશે. " દેવરાજ હસીને બોલ્યો.
દેવરાજનો જવાબ સાંભળીને સુમનબેન ઉભાં થયાં અને અંદર જઈને પાંચેક મિનિટમાં શીતલના જન્માક્ષર લઈને બહાર આવ્યાં અને હર્ષદમામાના હાથમાં મૂક્યા.
" ઠીક છે તો પછી અમે રજા લઈએ. મારા પંડિતજી પાસે કુંડળી મેળાપક કરીને કાલે સાંજ સુધીમાં હું તમને જવાબ આપી દઈશ. દેવરાજ હજુ સોમવાર સાંજ સુધી તો અહીં જ છે." હર્ષદમામા બોલ્યા અને ઊભા થયા.
" અમારાથી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરશો. ચાર ચાર દીકરીનો બાપ છું. માથે ઘણી ચિંતા છે હર્ષદભાઈ. એકનું ગોઠવાઈ જાય તો માથેથી એટલો ભાર હળવો થાય ! " કાન્તિલાલ બે હાથ જોડીને બોલ્યા.
" તમારાથી કોઈ જ ભૂલ થઈ નથી કાન્તિભાઈ. વર્ષોથી તમારા ઘર સાથેના મારા સંબંધો છે. અંજળપાણી લખેલાં હશે તો ગ્રહો મળી જશે. " હર્ષદમામા બોલ્યા અને બધા એક પછી એક બહાર નીકળ્યા.
બધા બહાર નીકળી ગયા પછી શીતલ દોડીને મેડી ઉપર ચડી ગઈ અને ઓશીકા ઉપર માથું નાખીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી !
અશ્વિન રાવલ (અમદાવાદ)
Thanks for visit this Post, Be sure to check out our homepage for the Latest Posts and Stay connected with us for more Posts.

